મિત્રતાની મીઠાશ …

મિત્રતાની મીઠાશ …

 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ, બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા. અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની તળેટીમાં આવેલ નેરલ માં Senior Citizen માટેની Dignity Lifestyle Township માં રેહવાનું પસંદ કર્યું. હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે. બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો. ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.

 

ચાલો ફરી એક વાર  હેમલતાબેન દ્વારા મોકલાવેલ નવી પોસ્ટ ‘ મિત્રતાની મીઠાશ …’  ને અહીં માણીએ …

 

“સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.
એટલે જ મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે.”

કલકત્તાથી મુબઈ પાછા આવ્યા પછી લગભગ એક વર્ષ વીતી ગયું, ત્યાં વિતાવેલા દિવસો ખૂબ યાદ આવતા હતા. કેવી સરસ મિત્રતા-દોસ્તી હતી. અમારા ત્રણ વચ્ચે – અમે ત્રણ એટલે (પ્રિન્સિપ્લ) પ્રિ.દેસાઈ, સુધા – સ્કૂલની શિક્ષિકા અને હું – સ્કૂલની સુપરવાઈઝર. ત્રણે જન સાથે મળી કામ કરતાં હતાં. અમે ત્રણેય જૂદા જૂદા શહેરોમાંથી આવ્યા હતાં, પણ મિત્રતાના અતૂટ તાર વડે બંધાયેલા હતા. મુબીમાં મારા ઘરમાં બેઠી બેઠી હું તે દિવસોને યાદ કરતી હતી. તેવામાં દરવાજાનો બેલ વાગ્યો. કુરિયર એક પત્ર આપી ગયો. ખોલીને જોયો તો સુધાના પતિનો પત્ર હતો. આશ્ચર્ય થયું – ડર લાગ્યો સુધાના પતિ મને શા માટે પત્ર લખે ? પત્રમાં તેમણે સુધા અને પ્રિ. દેસાઈના સંબંધો પર શંકા વ્યક્ત કરી હતી. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. હું મને રોકી શકી નહિ. નાદુરસ્ત તબિયત હોવા છતાં હું કલકત્તા પહોંચી ગઈ. બન્ને મિત્રોને મળી. બન્નેની વાત સાંભળી, વાતમાં કંઈ માલ ન હતો. સુધાનું કેહેવું હતું કે મારા ત્યાંથી ચાલ્યા જવાને કારણે સુધા એકદમ એકલી પડી ગઈ હતી. તેના પિતા તેના એકલપણાને ભરી શકે એમ નહતા. ઘર – પરિવારથી દૂર થવાને કારણે પ્રિ. દેસાઈ પણ એકલા પડી ગયા હતા. સ્કૂલના કામના કારણે પ્રિ. દેસાઈ અને સુધાનું એકબીજાને મળવાનું અને ચર્ચા કરવાનું વધી ગયું હતું. સ્કૂલના પ્રશ્નો, ઈત્તર – પ્રવૃત્તિઓ બાબત વિચાર વિમર્શ કરતાં કરતાં કોઈ કોઈ વાર ખૂદના પ્રશ્નો પણ ચર્ચાઈ જતાં. બન્ને સારાં મિત્રો હતા. અમે ત્રણ જણા હતાં ત્યાંસુધી કોઈને કોઈ આપત્તિ ન હતી. પણ મારા દૂર જવાને કારણે તે બન્નેની મિત્રતા શંકાની નજરે જોવાવા લાગી.

 

આજ સુધી સમજી શકી નથી કે એક પુરુષ અને સ્ત્રીની મિત્રતા –દોસ્તી પર શક ની નજરે કેમ જોવામાં આવે છે કે શક કેમ કરવામાં આવે છે ? ખેર, તે વખતે તો મેં સુધાના પતિને સમજાવ્યા. મને સફળતા મળી. એ બે ઘરને વેરવિખેર થતા બચાવી લીધા. સંતોષ પામી હું મુંબઈ પાછી આવી. પણ કંઈક એવું હતું જે મને ખૂબ પરેશાન કરતુ હતું. વરસાદી સાંજે બારી પાસે બેઠી બેઠી હું વિચારોના વમળમાં ગૂંચવાઈ ગઈ. વિચારવા લાગી કે માનવ- માનવ સંબંધોમાં આખરે મિત્રતાનો શું અર્થ છે ? મિત્ર સાથે લોહીના સંબધ ન હોવા છતાં તેમાં કેટલી ભાવપ્રણવતા – કેટલી મધુરતા છે ? તેને કારણે જીવનમાં સાર્થકતાનો જે અનુભવ થાય છે, પૂર્ણતાનો જે એહસાસ થાય છે તે અન્ય સંબંધોમાં મુશ્કેલીથી મળે છે. માતા-પિતા, ભાઈ-બેન, પતિ – પત્નીના સંબંધોમાં કંઈ ને કંઈ ઓછપ વર્તાય છે.

 

કારણ કોઈ પણ હોય, મુખ્ય કારણ કદાચ અપેક્ષા હોઈ શકે. અપેક્ષા પૂરી ન થાય ત્યારે ઉપેક્ષા થતી હોય એમ લાગે.

 

અહી, હરીન્દ્ર દવે યાદ આવે છે. એક જગ્યાએ એમણે કહ્યું છે કે ‘કોઈનો પ્રેમ ઓછો નથી હોતો. આપણી અપેક્ષાઓનું જંગલ ગાઢ હોય છે.’ બીજી એક વાત પણ છે કે લોહીના સંબંધોમાં આપણી કોઈ પસંદગી – નાપસંદગી હોતી નથી. બસ, આપણે માટે જે સંબંધ નિશ્ચિત થયો છે તેનો સ્વીકાર કરો અને નિભાવો. ન નભે તો અલગ થઇ જવાનો વિકલ્પ છે , પણ સંબંધનું નામ તો તે જ રહેશે. દૂર થયા પછી પણ માતા-પિતા તો તે જ રહેશે. ભાઈ –બહેન ભાઈ બેન જ રહેશે. પણ મિત્રની પસંદગી આપણે કરી શકીએ છીએ અને તેથી જ મૈત્રી સંબંધ અનોખો છે. એમાં બંધન પણ છે અને આઝાદી પણ.

 

મૈત્રી સંબંધનો શ્રેષ્ઠ સૌથી શ્રેષ્ઠ દાખલો છે કૃષ્ણ-અર્જુનની મૈત્રી. એક વિરાટ પુરુષનો સામાન્ય માનવી સાથેનો સંબંધ પણ મિત્રતાનો જ હતો ને ! કેટલો ઉન્નત અને સાત્વિક કે કૃષ્ણની સાથે રાધાની પૂજા થાય ! રાધા – કૃષ્ણ સાથે ભજાય. તે જ સમયની મિત્રતાનો બીજો એક દાખલો – કર્ણ –દૂર્યોધનની મિત્રતા. કર્ણને ખબર હતી કે દૂર્યોધન વિનાશના માર્ગ પર છે પરંતુ એકવાર મૈત્રી સ્વીકારી –મૈત્રી કરાર કર્યા પછી પીછેહઠ નો તો પ્રશ્ન પણ તેના મનમાં નોહ્તો આવ્યો. કૃષ્ણ, કુંતિએ સમજાવ્યો –લાલચ આપી પણ તેણે પોતાનો મિત્રધર્મ છોડ્યો નહીં. કારણ કે તેણે ખબર હતી કે કુરુક્ષેત્રના મહાસંગ્ર્રામમાં (મહાસમરમાં) દુર્યોધનને તેની આવશ્યકતા હતી. કર્ણ કેવી રીતે છોડી શકે તેના મિત્રને આવા વિકટ સમયમાં ! આ તો તેની મિત્રતાની કસોટી હતી.

 

મિત્રતાનો ભાવ દરેક પ્રાણી – દરેક જીવમાં હોય છે. માનવીની જેમ પશુ-પક્ષી પણ મિત્રતા કરી જાણે છે અને નિભાવે પણ છે. પાંચ તંત્રની અનેક વાર્તાઓમાં મિત્રભાવનું વર્ણન તેમાં આવે છે. આ ઉપરાંત માનવી અને પશુ – પક્ષી વચ્ચે પણ અતૂટ મૈત્રીના ભાવ જોયા છે અને જાણ્યા છે.

 

મિત્રો તો સુખ-દ:ખનાં સાચા ભાગીદાર હોય છે. વિપત્તિ સમયે જે સાથ આપે તે સાચો મિત્ર હોય છે. મૈત્રીભાવ એક પવિત્ર ઝરણું છે જે બધાના દિલમાં વહે છે, પ્રેમ એવમ શાંતિનો સંદેશ આપે છે. પારિવારિક સંબંધોમાં પણ જો મિત્રતાની જલધારા હોય તો કલહ – કંકાશ – ઝગડાનું નામો નિશાન ન રહે. બધા જ સંબંધોમાં મધુરતા રહે. પણ એ માટે જરૂરી છે નિસ્પૃહ ભાવ અને અનપેક્ષા. આપણે ફક્ત મિત રહીએ, એકબીજા પર બોજ ન બનીએ તો મિત્રતા સહીસલામત રહે છે. સંસારને સુખદ બનાવવા માટે મિત્રતાની મધુરતા બરકરાર રાખીએ.

 

 

“મિત્રો તો દિવાલ જેવા હોવા જોઈએ,
જે તમારી વાત નો પડઘો પાડે, પણ
તમારી વાત બહાર તો ન જ જવા દે….”

હેમલતા પારેખ …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર હેમલતાબેન પારેખ દ્વારા મોકલવામાં આવેલ આજની પોસ્ટ બદલ અમો હેમલતાબેનનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે લેખિકાની કલમ ને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહે છે. .. આભાર !