આદર્શ ગૃહસ્થ ભક્ત … (જીવન ચરિત્ર) …

આદર્શ ગૃહસ્થ ભક્ત … (જીવન ચરિત્ર) …

 

ગૃહસ્થો માટે ધનપ્રાપ્તિ એ મોટી અને અગત્યની બાબત છે. કેટલાક લોકો પોતાની તંદુરસ્તીના ભોગે ધન રળે છે અને પછી એ બધું ધન તંદુરસ્તી ફરી પાછી મેળવવા વાપરી નાખે છે.  કેટલાક લોકો એમ માને છે કે પૈસો જ જીવનમાં સુખ લાવશે. એટલે તેઓ સખ્ત મહેનત કરે છે, પૈસા બચાવે છે અને એમાંજ રમમાણ રહે છે.  શ્રી રામકૃષ્ણ પરમહંસદેવે પોતાની સાધનામાં ધનસંપત્તિના હેતુનું બૌદ્ધિક કે તાર્કિક રીતે નિરસન કર્યું છે. તે કપડા ભોજન બીજી સુખસુવિધાઓ વગેરે પૂરા પાડે છે પણ એનાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાતો નથી. એમણે થોડા સિક્કા ગંગામાં ‘માટી ટાકા, ટાકા માટી – (બંગાળી)  -સિક્કા – પૈસાટકા માટી છે’  તેમ કહી નાખ્યા, પણ ગૃહસ્થોને તેઓ આવી સલાહ ન આપતા.

 

એક ભક્ત, ગૃહસ્થો જે જે સમસ્યાઓનો અવાર નવાર સામનો કરે છે તેવી ઘણી મહત્વની સમસ્યાઓ વિશે શ્રી રામકૃષ્ણ દેવને પૂછ્યું કે ‘વધારે પૈસા રળવા શું મારે પ્રયત્નશીલ રેહવું જોઈએ ?’
રામકૃષ્ણદેવે કહ્યું, ધર્મ ભાવનાવાળા કુટુંબની જાળવણી માટે એમ કરવું જોઈએ. તમારે ધન મેળવવા અને એમાં વૃદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ, પણ પ્રમાણિક રીતે. જીવનનું ધ્યેય ધન રળવાનું જ નથી પણ ઈશ્વરની સેવા -સેવાપૂજા કરવાનું છે. ધન જો ઈશ્વરની સેવાપૂજામાં વપરાય તો એ નુકસાનકારક નથી.’

 

‘તમારા સાંસારિક જીવન માટે ધનની જરૂર છે એમાં શંકા નથી, પણ એને માટે અતિ ચિંતા સેવવી જરૂરી નથી. સ્વભાવિક રીતે જે મળી રહે એને સ્વીકારી લેવું એમાં શાણપણ છે. ધન સંચય કરવા માટે ઘણાં દુઃખકષ્ટ સહેવાં ન જોઈએ. જે લોકો પોતાના હૃદય અને પ્રાણને ઈશ્વરને શરણે સોંપી દે છે, જેઓ એમને જ સમર્પિત છે તેમણે એમનામાં આશ્રય લીધો છે. પૈસાની બહુ ચિંતા ન કરવી અને ગૃહ્સ્થીઓ રળે છે એટલું વાપરે છે. એક માર્ગે પૈસા આવે છે અને બીજે માર્ગે ચાલ્યા જાય છે. આ જ વાત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ વર્ણવી છે. સહજે મળે એને સ્વીકારો.’
શ્રી રામકૃષ્ણદેવે ગૃહસ્થોને ચેતવ્યા છે પણ ખરા. તેઓ કહે છે, ‘ઘણા લોકો ધનને પોતાના જીવનનો રક્તપ્રવાહ માને છે. તમે ધન માટે જેટલી આસક્તિ રાખો પણ એક દિવસ કદાચ તમારા હાથમાંથી એ બધું ધન સરી જશે. જેમની પાસે ધન છે એમણે એ ધન ગરીબ અને જરૂરતમંદને  આપવું જોઈએ. જે સાધન સંપન્ન છે તેણે થોડા દાનશીલ બનવું જોઈએ. કેટલાક લોકો એવા હોય છે કે એમની પાસે પુષ્કળ ધન હોવા છતાં તેઓ વાપરવામાં કંજૂસ હોય છે. એનું ધન પછીથી કોણ વાપરશે એની કાંઈ ખબર નહીં.’

 

રામકૃષ્ણદેવે એકવાર એક ભક્તને કહ્યું, ‘ હું લોભીયાએ આપેલ કે ધરેલ કંઈ ખાઈ શકતો નથી. એમનું ધન આ ચાર રીતે વપરાય છે – ૧. કોર્ટના કેસમાં ખર્ચાય, ૨. ચોર-લૂંટારા દ્વારા લૂંટાય, ૩. વૈધ – ડોક્ટર તાણી જાય, ૪.  દુષ્ટ સંતાનોના ઉડાઉ ખર્ચામાં વપરાઈ જાય. આવું છે ધન. તમારું ધન દાનમાં વપરાય એ ઘણું સારું છે. જેમની પાસે ધન છે એમણે દાન-ધર્માદો કરવો જોઈએ. લોભીયાનું ધન વેડફાઈ જાય છે અને દયાધર્મવાળા માણસનું ધન બચી જાય છે. તે પોતાનું ધન સદહેતુ માટે વાપરે છે.’

 

ભક્ત, ‘પોતાનાં પત્ની અને સંતાન માટે ફરજ બજાવીને કોઇપણ વ્યક્તિ એ કેટલા સમય સુધી કૃતજ્ઞ બની રહેવું જોઈએ ?’

 

રામકૃષ્ણદેવે કહ્યું, ‘જ્યાં સુધી એમને અન્ન-વસ્ત્રની જરૂર રહે ત્યાં સુધી. પરંતુ જે પુત્ર પોતાનું ભરણપોષણ પોતે કરી શકે તેમ હોય તેની જવાબદારી લેવાની જરૂર નથી. જ્યારે પક્ષીનું નાનું બચ્ચું પોતાની ચણ પોતાની મેળે મેળવતાં શીખે ત્યારે જો તે તેની મા પાસે ચણ માટે આવે તો એને ચાંચ મારે છે.’

 

ભક્ત, ‘જ્યારે કોઈ વ્યક્તિની પત્ની ‘તમે મારી અવગણના કરો છો, હવે હું આપઘાત કરીશ’ એમ કહે, ત્યારે તેણે શું કરવું જોઈએ ?’

 

રામકૃષ્ણદેવે કહ્યું, ‘જો એ પત્ની કોઇપણ વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં વિઘ્નરૂપ બને તો એને ત્યજી દેવી. પછી ભલે એ આપઘાત કરે કે એને બીજું ગમે તે કરી બેસે. જે પત્ની પતિના આધ્યાત્મિક જીવનમાં આડખીલીરૂપ બને તે ઈશ્વરવિમુખ પત્ની છે.’

 

રામકૃષ્ણદેવના આવા કઠોર પ્રતિભાવથી ભક્ત એ આઘાત અનુભવ્યો અને તેઓ ગૂંચવણમાં પડી ગયા. તેઓ પોતે એક પ્રમાણિક અને કર્તવ્યભાવનાવાળા કુટુંબી હતા. તેઓ પોતે જે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા એ સમસ્યાનો ઉકેલ તેમને આ પ્રશ્નના ઉત્તર દ્વારા મેળવવો હતો. રામકૃષ્ણદેવ ‘ભક્ત’ ની માનસિક પરિસ્થિતિ સમજી ગયા અને ખાનગીમાં થોડા સમય પછી તેમણે કહ્યું, ‘જો કોઈ પણ માનવને ઈશ્વર માટે સાચો પ્રેમ હોય તો પછી રાજા, દુષ્ટ્લોકો, તેની પોતાની પત્ની આ બધાં એના કાબુમાં આવી જાય છે. ઈશ્વર પ્રત્યેનો નિષ્ઠાપૂર્વકનો પતિનો સાચો પ્રેમ પત્નીને પણ આધ્યાત્મિક જીવન જીવવા માટે સહાયક બને છે. જો પતી ભલો હોય તો ઈશ્વરની કૃપાથી પત્ની પણ એને પગલે પગલે ચાલશે.’ ભક્ત ને મળેલ આ ખાતરીથી તેના મનની ચિંતા હળવી થઈ.

 

કેટલીક વાર અહિંસાને અવળી રીતે સમજે છે અને એમાં સાચાખોટા વિશે મૂંઝાઈ જાય છે. એક વખત ભક્તે એ પૂછ્યું, ‘જમતી વખતે ક્યારેક મારી થાળીમાંથી માછલી લેવા બિલાડી પંજો નાંખે છે. પણ હું ગુસ્સે થઇ શકતો નથી.’

 

રામકૃષ્ણદેવે ઉત્તર આપ્યો, ‘એમ કેમ ? તમે એકાદવાર એને ફટકારી પણ શકો છો. એમાં કયું મોટું નુકશાન થવાનું ? સંસારમાં રહેતા માણસે સાપની જેમ ફૂંફાડો મારવો જોઈએ પણ તેને દંશ દઇને ઝેર ન ઓકવું. વાસ્તવિક રીતે તેને કોઈને ઈજા-હાનિ ન કરવા જોઈએ. પણ દુશ્મનો કે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવાં તેણે પોતાનો ક્રોધ પ્રગટ કરવો જોઈએ. નહિ તો એ બધા તમને હેરાન કરવાના. પણ સંન્યાસીએ તો આવો ફૂંફાડો ય રાખવો નહીં’

 

શ્રીરામકૃષ્ણદેવ ઘણા વ્યવહારુ ગુરુ કે શિક્ષક હતા. તેઓ જાણતા હતા કે પરણિત વ્યક્તિએ સંપૂર્ણ આત્મસંયમ પાડવો લગભગ અશક્ય છે. એટલે એમણે કહ્યું, ‘તમારે પત્નીનો સંપૂર્ણ ત્યાગ ન કરવો જોઈએ. પોતાની પત્નીને ચાહવી એ ગૃહસ્થ માટે હાનિકારક નથી. પણ એકાદ બે બાળકોના જન્મ પછી પતી ને પત્નીએ ભાઈબહેનની જેમ રહેવું જોઈએ.’

 

એક બીજા પ્રસંગે રામકૃષ્ણદેવે ભક્તને કહ્યું, ‘જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી થોડી આસક્તિ પણ રહે છે. એમાં કોઈ ખોટું નથી.’

 

આ સાંભળી ભક્તે કહ્યું, ‘મહાશય, હું આસક્તિમાંથી સંપૂર્ણપણે મુક્ત થવા ઈચ્છું છું.’

 

રામકૃષ્ણદેવે કહ્યું, ‘શું આ શક્ય છે ?  જ્યારે કોઇપણ વ્યક્તિ ઈશ્વરની અનુભૂતિ કરે ત્યારે જ એ શક્ય છે.’

 

 

(રા.જ.૧૦-૧૨(૧૭)/૨૯૨-૯૩)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘આદર્શ ગૃહસ્થ ભક્ત’ … આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.