૧.] મન ચંગા તો … અને ૨.] અવગુણ ચિત્ત ધરો … (પ્રેરક વાતો) …

૧.] મન ચંગા તો …  (પ્રેરક વાતો) …

 

 

એક મંદિર નિર્માણ પામી રહ્યું હતું. અમુક ખાસ કારીગરોને વિવિધ મૂર્તિઓ બનાવવાનું કામ સોપાયું હતું. તે પૈકી ત્રણની વાત અહિંથી કરવી છે.

કોઈ એ પુછ્યું ભાઈ આપ શું કરી રહ્યા છો ?  એક કારીગરે જવાબ આપ્યો, “જુઓને ભાઇ, નસીબમાં પથ્થરફોડી લખી છે એટલે પથ્થર ઘડી રહ્યો છું.”   નજીકમાં કામ કરતા બીજા એક કારીગરને પુછ્યું તો કહે, “મૂર્તિ ઘડું છું, ભાઈ.”  ત્યાંથી થોડે દુર એક કારીગર મસ્તીમાં ઝૂમતો, ગીત ગણગણતો શિલ્પ કામ કરી રહ્યો હતો. તેને પુછ્યું તો કહે, “અરે, હું તો પથ્થરને દેવ બનાવી રહ્યો છું. મારી બનાવેલી આ મૂર્તિ અનેક ભક્તોની શ્રધ્ધા અને ભક્તિનું કેન્દ્ર બનશે.  અનેક નિરાશ, હતાશ લોકો માટે આશા દીપ બનશે.”

કામ તો એક જ છે પણ ત્રણેના મનમાં રહેલી ભાવનામાં આસમાન-જમીનનું અંતર છે. એકને વેઠ લાગતું કામ બીજાને આનંદ અને સંતૃપ્તિના શિખરે બેસાડે છે.

આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણી મનોસ્થિતિ કેવી હોય છે?  ગોપીજનો જેવો સ્નેહ થાય છે? ૮૪-૨૫૨ જેવો ભાવ પ્રગટ થાય છે?  સાચું કહેજો, સવારમાં ઉઠી સેવા ‘પતાવવા’નું મન થઇ આવે છે?  જો તેમ થતું હોય તો સાવધ થઇ જવાની જરૂરત છે.

 

લૌકિક વૈદિક કર્તવ્યો તેમાં આસક્ત થયા વગર લોક નિંદાથી બચવા નિભાવવાના છે. ખુબ સ્નેહથી, પ્રેમથી, ઉલટભેર વ્રજભક્તોના ભાવથી કે માતા યશોદાના ભાવથી રંકને રાજ્ય મળ્યું હોય તેવા આનંદથી પ્રભુની સેવા કરવી તે જ એક માત્ર કર્તવ્ય છે.  સર્વદા સર્વ ભાવથી વ્રજાધીપની તનુ વિત્તજા સેવા કરતાં કરતાં પ્રભુ કૃપાએ માનસી સિદ્ધ થશે. પછી બીજું જોઈએ પણ શું?

© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

૨.] અવગુણ ચિત્ત ધરો …

 

કામ, ક્રોધ, લોભ, લાલચ, અહંતા-મમતા, તૃષ્ણા, મદ, મત્સર…. કેટ કેટલી નકારાત્મક ભાવનાઓ માનવ મનમાં રહેલી છે!  માનવીનું મન બન્યું ત્યારે જ વિવિધ વિધાયક-વિઘાતક ભાવનાઓ પણ બની હશે.  આ સંસાર ચાલતો રહે તે હેતુથી કદાચ પ્રભુએ જ તેની રચના કરી છે. જેથી પ્રભુની માયા પ્રાણીઓને મોહ પમાડતી રહે. સામાન્ય માનવ પ્રાણીઓ માટે આ બધી નબળાઈઓથી માત્ર ભગવદ્ ભક્તો અને મહા પુરુષો મહદ્ અંશે બચી શકે છે.

આ બધા અવગુણોથી સંપૂર્ણપણે અને કાયમ માટે બચી શકીએ તો તે ઉત્તમ વાત છે પણ વાસ્તવમાં તેમ બનતું નથી. જો એમ જ છે તો તે અનિવાર્ય અનિષ્ટ સાથે સમાધાન કરી લીધું હોય તો? કાપી ન શકાય પણ વાળી તો શકાય ને! આ બધા અવગુણોને પ્રભુ સંબંધિત કરી દઈએ તો કેવું?

કામના માત્ર પ્રભુ સુખની, ક્રોધ સેવામાં આળસ કરતા મન ઉપર, લોભ પ્રભુની સેવાનો, લાલચ પ્રભુના દર્શનની એમ આપણા સર્વ અવગુણોને પ્રભુ સાથે જોડી દઈએ તો આપણી વૃત્તિઓનું અનોખું ઉર્ધ્વીકરણ થઇ જશે. જો બ્રહ્મસંબંધ મંત્ર યાદ કરીએ તો આપણે આપણું જે કાંઇ છે, સારું કે ખરાબ જેવું છે તેવું બધું પ્રભુને જ સોંપી દીધું છે. એટલે જો વિઘાતક વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરી દઈએ તો તેની બૂરી અસરથી જરૂર પ્રભુ આપણને બચાવશે.

આવો, સર્વ અવગુણ આ રીતે ચિત્ત ધરીને પુષ્ટિ પંથે પ્રગતિ કરવાની કોશિશ કરીએ.

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

નોંધ :

જે મિત્રોને સિસ્ટમમાં/કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષા લખવામાં તકલીફ પડે છે  કે પ્રતિભાવ/કોમેન્ટ્સ ગુજરાતીમાં લખવામાં તકલીફ પડે છે તેઓ માટે ખા નીચે જણાવેલ લીંક ખૂબજ ઉપયોગી છે, ઉપરોક્ત લીંક ઓપન કરી અને સિસ્ટમમાં ડાઉનલોડ કરી સાઈટમાં આપેલ સૂચના મુજબ ઇન્સ્ટોલ કરવાથી ફક્ત ૨થી ૫ મીનીટમાં જ તમારું કાર્ય પૂરું થઇ જશે અને તમે સિલેક્ટ કરેલ ભાષા જેમકે ગુજરાતી, હિન્દી કે તેમાં દર્શાવેલ કોઇપણ ભાષાનો સિસ્ટમમાં કોઈપણ જગ્યાએ લખવા માટે આસાનીથી ઉપયોગ  કરી શકશો.  ઇન્સ્ટોલ કરવાની કોશિશ કર્યા બાદ જો કોઈ તકલીફ પડે તો અમારા ઈ મેઈલ એડ્રેસ પર જાણ કરશો.  અને પસંદ આવે તો, પ્રતિભાવ દ્વારા જાણ કરશો અને અન્યને પણ શીખવશો. … આભાર !

 

ગુજરાતી ભાષા લખવા માટે નીચે જણાવેલ સાઈટ લીંક ઓપન કરશો.

Fonts: Google IME Guj font. Free down loadable from: http://www.google.com/inputtools/windows/index.html

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

શ્રી મહેશભાઈ શાહ (વડોદરા)નો આ અગાઉ આપણે પરિચય અહીં બ્લોગ પર તેમની પોસ્ટ દ્વારા મેળવેલ., આજે ફરી નાની પણ મહત્વની બે  વાત આપણા માટે લઈને બ્લોગ પર આવ્યા છે. ‘દાદીમા ની પોટલી’ પર આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. .. આપના પ્રતિભાવ સદા લેખકની કલમને બળ પૂરે છે.  આભાર ! ‘દાદીમા ની પોટલી’.

૬ ઠું શિક્ષાપત્ર…

૬ ઠું શિક્ષાપત્ર…

 

 

૬ ઠ્ઠું શિક્ષાપત્ર એ પંદર શ્લોકોથી અલંકૃત થયેલું છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનાં નાના ભ્રાતા શ્રી ગોપેશ્વરજીનાં વહુજી લીલામાં પધારતા શ્રી ગોપેશ્વરજીનું મન ઉદ્વેગથી ભરાઈ ગયું હતું આથી શ્રી હરિરાય મહાપ્રભુ પોતાના લઘુભ્રાતાનાં મનનું સમાધાન કરવા અને તેમને દુઃખની પરિસ્થિતિમાં ધીરજ રાખવા માટે કહે છે અને તેમને શિક્ષાપત્ર દ્વારા સમજાવે છે કે શ્રી પ્રભુના ગુણપૂર્વક વિશેષણો સમર્થનમાં આપીને કહે છે કે જે કંઇ થાય છે તે પ્રભુની ઈચ્છાથી જ થાય છે. પ્રભુઇચ્છામાં જીવ પોતાનો શોક કે હર્ષ વ્યક્ત કરે તે વ્યર્થ છે, અનુચિત્ત છે.  શ્રી પ્રભુનો કોઈ જીવ સાથે કે કોઈ વસ્તુ સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે કેવળ પ્રભુ જ જાણે છે તેથી જે કંઇ બને છે તે પ્રભુની લીલાને અનુરૂપ જ છે. જીવને માત્ર પ્રભુએ પોતાની સમસ્ત લીલાને મૂકભાવે નિહાળવાનો અધિકાર આપ્યો છે.

 

શ્રી હરિરાય આચાર્યચરણ રચિત આ ૬ ઠ્ઠા શિક્ષાપત્રમાં પ્રભુની ઇચ્છાના પ્રકાર દર્શાવાયા છે. પુષ્ટિમાર્ગમાં અંગીકાર ફક્ત મૂળની ઈચ્છાના પ્રમાણે જ છે અર્થાત્ લીલા પરત્વેની ઈચ્છા છે. આ ઈચ્છા પ્રભુની આધિદૈવીક ઈચ્છા છે. આમ સમજવાથી મનનું, હૃદયનું ચિત્તનું સમાધાન થઈ જાય છે. જીવ માયાવી છે અને માયાથી ઉદ્ભવતા અજ્ઞાનને પ્રભુ જેવી રીતથી જીવનું હિત થાય તેજ પ્રભુ જુએ છે. પ્રભુ જીવોને અનિષ્ટથી દૂર રાખે છે, આ સત્યને સમજી જીવે સમતા રાખવી જરૂરી છે. અજ્ઞાનતાનો આંચલ ઓઢીને ન તો રડવું જોઈએ, ન તો વ્યાકુળ થવું જોઈએ, કે ન તો ધૈર્યને ગુમાવવું જોઈએ.  ભગવદીયોનું દૃષ્ટિબિંદુ માત્ર ને માત્ર ભગવત્સંબંધી લીલા પરત્વેની ઈચ્છા પ્રમાણે જ પુષ્ટિમાર્ગમાં સર્વ કાર્યો સિધ્ધ થતાં હોય છે.

 

તાદ્રશીય ભક્તની ઈચ્છા માત્ર ભગવદ્ઈચ્છા મુજબની જ હોય છે, કારણ કે સાધ્ય વસ્તુ, પ્રભુ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં નથી માટે જ “કર્તા કરયિતા શ્રી હરિઃ” છે એ સૂત્ર ધ્યાનમાં રાખવું જોઈએ. ભક્તના અનિષ્ટની નિવૃતિ અને ઇષ્ટની પ્રાપ્તિ, પ્રભુ જ કરે છે. પ્રભુ માટે જેવી આર્તિ હોય તેવા જ ફળનો અનુભવ પ્રભુ કરાવે છે. તેમાં લૌકિક કલેશ એ પ્રભુ પ્રાપ્તિ માટે બાધક બને છે, માટે જીવે લૌકિક દુઃખમાં દુઃખી ન થતાં જ્ઞાન રાખવું જોઈએ.

 

પ્રથમ શ્લોકમાં જ હરિરાયજી આચાર્યચરણ કહે છે કે શ્રી ગોપેશ્વરજીનાં વહુજી લીલામાં પધારી જવાના, કાનને વિષરૂપ લાગે એવા ગૃહભંગના સમાચાર સુણ્યા. “ગૃહભંગ સમાચારાઃ શ્રુતાઃ શ્રુતિ વિષાયિતા “ તેથી મનના સમાધાન માટે કાંઈક લખું છું. “તદર્થ લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસઃ”  બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ શ્રી ગોપેશ્વરજીને પ્રભુ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા જણાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વોપરી છે, ઈશ્વરનાં ઈશ્વર છે, સર્વેશ્વર, સર્વજ્ઞ અને સદા દયાળુ છે જ્યારે જીવ, અસમર્થ ને જ્ઞાન શૂન્ય છે, એ એકદમ સત્ય છે. બ્રહ્માદિક, શિવાદિક, ઇંદ્રાદિક કોઈપણ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને સમર્થ નથી. પરંતુ શ્રી પ્રભુ સર્વ કરવા માટે સમર્થ છે, દયાળુ અને કૃપાનિધાન છે. તેઓ ત્રણેય લોકનાં ધડકતા હૃદયની વાતો જાણે છે, એમનાથી કશું જ અજાણ ન હોવાને કારણે તેઓ પોતાના ભક્તોનાં ક્ષણિક દુઃખને, પીડાને કે સંકટને સહન કરતાં નથી.

 

જીવનો સ્વભાવ છે કે જે કંઇ પોતે કરે છે તે તમામને તે પોતાની કૃતિ માને છે કારણ કે જીવ અજ્ઞાન છે તેથી તે પોતાના રચયિતા પ્રભુને ભૂલી ગયો છે અને માયાથી મોહિત થઈ ગયો હોઇ તેનું હૃદય પણ શૂન્ય બની ગયું છે જેને કારણે જીવ સાચું શું ખોટું શું તે વિષેનો ભેદ ભૂલી ગયો છે. શ્રી મહાપ્રભુજી બાલબોધમાં આજ્ઞા કરતાં કહે છે કે જીવ શરૂઆતથી જ દોષયુક્ત અને દુષ્ટ રહ્યો છે તેથી પ્રભુ ગુણનિધિ હોવા છતાંયે તે પ્રભુના ગુણોને જાણતો નથી.

 

તસ્યેચ્છા ત્રિવિધા પ્રોકતા મૂલવેદસ્વભેદતઃ ।
મૂલેચ્છાયા ગૃહિતાનાં નાડન્યથા કુરુતે ફલમે ।। ૪ ।।

 

આ ચોથા શ્લોકમાં શ્રી પ્રભુની મૂલેચ્છા, વેદેચ્છા અને સ્વેચ્છા એમ ત્રણ પ્રકારની ઈચ્છા છે. જેમાં પ્રભુ બતાવે છે કે જે જીવનો મે મૂળથી મૂળની ઇચ્છાથી અંગીકાર કર્યો છે, તેનો પ્રભુ સ્વરૂપ સિવાય અન્ય કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. પ્રવાહી સૃષ્ટિને લૌકિક કાર્યમાં પ્રવૃત રાખવી, પુષ્ટિ સૃષ્ટિને ભગવદ્ સેવા કાર્યમાં પ્રવૃત રાખવી અને મર્યાદ સૃષ્ટિને કર્મ માર્ગમાં પ્રવૃત રાખવી તેવી શ્રી ઠાકુરજીની ઈચ્છા છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સંબંધી જે પુષ્ટિ સૃષ્ટિ છે તેને માટે તો ભગવાનની મૂલેચ્છા જ કર્તવ્ય બની જાય છે. પુષ્ટિ સૃષ્ટિનાં ભક્તોનું કાર્ય એ પ્રભુનું જ કર્યા થઈ જાય છે તેવું જ્ઞાન પુષ્ટિભક્તજનોએ પોતાના મનમાં રાખવું જોઈએ. પ્રવાહી સૃષ્ટિ જીવ માયાથી એમ સમજે છે કે માયા જ સર્વ કાર્ય કરે છે તેથી તે પ્રમાણે ફલ મળે છે જ્યારે મર્યાદા સૃષ્ટિ જીવોને કર્મ પ્રમાણે ફલ મળે છે.

 

પ્રવાહએવ નિયતેસ્તેષુ કૃષ્ણવિચારિતઃ ।
મર્યાદયા ગૃહિતાંસ્તુ પ્રવર્તયતિ કર્મણિ ।। ૫ ।।

 

શ્રી કૃષ્ણે જે જીવને પ્રવાહ અને મર્યાદાથી જ ગ્રહણ કર્યા છે તેવા જીવોને તે કર્મ માર્ગમાં જ પ્રવૃત કરે છે આ શ્લોકનો વિસ્તારપૂર્વક વિવેચન થતાં પ્રવાહી સૃષ્ટિ જીવી લૌકિક ઈચ્છા માને છે. શ્રી કૃષ્ણે તેમને માટે લૌકિક આનંદમાં જ વ્યસ્ત રાખવા માટે વિચારેલ છે. પ્રવાહી સૃષ્ટિનાં જીવ ન્યારા છે. ક્રિયા માર્ગનાં જીવ મર્યાદા માર્ગનાં જીવ કર્મ પ્રમાણે ફલ પ્રાપ્ત થાય એજ સમજે છે, માને અને એજ પ્રમાણે વિચારે છે.

 

જીવદેહકૃતિનાં ચ ભિન્નત્વં નિત્યતા શ્રુતેઃ

 

પુષ્ટિપ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્ય મહાપ્રભુજીનાં ઉપરોક્ત વચન છે. નિત્યતાં શ્રુતિથી જીવ, દેહ અને કૃતિનું ભિન્નત્વ અને જુદાપણું છે તે વચન પ્રમાણે પ્રવાહી જીવો સદા ભ્રમમાં જ છે. જેઓ કદાપિ ભક્તિમાર્ગમાં આવતાં નથી. મર્યાદામાર્ગી જીવો સદા કર્મમાં જ પ્રવૃત છે. આ કર્મમાર્ગીય જીવો વેદો અને શાસ્ત્રોક્તમાં બતાવ્યાં મુજબ હોમ, હવન, જપ, તપ, વ્રત, નિયમ, દાન, શ્રાધ્ધ વગેરે કર્મોમાં જ મગ્ન રહેતા હોય છે, તેથી તેઓ કર્મદર્શિત પુણ્ય કર્મ દ્વારા સ્વર્ગલોકનું ફળ ભોગવે છે. જ્યારે પુણ્યોનો ક્ષય થાય છે ત્યારે તેઓ પુનઃ સંસારમાં આવે છે પરંતુ તેમને પ્રભુની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે જીવોને પ્રભુએ પોતાના સ્વરૂપથી ગ્રહણ કર્યા છે તેમનું સર્વ કાર્ય પ્રભુ સ્વયં સંભાળે છે આમ આ ૬ ઠ્ઠા શ્લોકનો અર્થ અહીં પૂરો થાય છે.

 

સાતમાં શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે જે જીવ પોતાના સ્વભાવથી પોતાના અનિષ્ટને દૂર ન કરી શકે તો શ્રી પ્રભુ જ પોતાના ભક્તોનાં અનિષ્ટ દૂર કરે છે આપણાં શ્રી પ્રભુ કૃપાનિધાન અને દયાળુ હોઈ તેઓ પોતાના ભક્તોનું સદા સર્વદા શુભ કરતાં જ આવ્યાં છે. પ્રભુ પોતાના વિભુ છે, સર્વ સમર્થ છે તેવો દૃઢ વિશ્વાસ રાખી જીવોએ પ્રભુનું ચિંતન કરવું જોઈએ. શ્રી ગુંસાઈજી વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે “ કરવાનું, ન કરવાનું અને અન્યથા કરવાનું જે સામર્થ્ય ઈશ્વરમાં છે તે આપમાં ( શ્રી ઠાકુરજી ) જ મે દીઠું એમાં કોઈ સંશય નથી” એ લૌકિક, વૈદિકમાં આપણે જરા પણ ચિંતા ન કરવી જોઈએ, અને પ્રભુ શ્રી પ્રભુ પોતે જ સર્વ સમર્થ કરશે તેવો વિશ્વાસ રાખવો જોઈએ.

એવં તદીયૈર્મસિનિશ્ચયેયઃ સ્વપ્રભોગુણઃ ।
સ્વસ્મિન્નપિ વિનિશ્વ્ચૈયાઃ પ્રભોરંગીકૃતિધ્રુવા ।। ૧૪ ।।

 

જેઓ ભગવાનનાં જીવો છે તેમને પોતાના મનમાં પોતાના સ્વામી શ્રી કૃષ્ણનો ઉપકાર માનવો, પ્રભુનો ગુણ વિચારવો. આપણે શ્રી પ્રભુના અંગીકૃત જીવો છીએ. જેથી શ્રી પ્રભુ પોતાના અંગીકૃત જીવોનું સદા રક્ષણ જ કરે છે તેવો દૃઢ વિશ્વાસ રાખવો.

 

અત એવાસ્મદાચાર્યૈરૂદતં વરણલક્ષણમ્ ।
લોકે સ્વાસ્થ્યં તદા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ ।। ૧૫ ।।

 

વારંવાર વિચારીએ છીએ, જોઈએ છે. જીવ સ્વભાવથી જ દુષ્ટ છે. જો લૌકિક કાર્યોમાં સુખ મળે તો આસક્ત થઈ જાય છે. જો વૈદિક કાર્યોમાં સુખ પ્રાપ્ત થાય તો ત્યાં જીવ આસકત થઈ જાય છે. જેથી શ્રી પ્રભુનો આશ્રય હૃદયમાં સ્થિર ન થતાં તે હૃદયમાંથી જતો રહે છે, માટે જ શ્રી ઠાકુરજી નિજજીવોનાં લૌકિક તથા વૈદિક કાર્યો સિધ્ધ કરતાં નથી. કેવળ શ્રી પ્રભુનો જ આશ્રય ભક્તોની, લૌકિક વૈદિક સ્થિતિ છોડાવીને શ્રી પ્રભુના કરે છે, આમ જીવોએ શ્રી હરિનો જ આશ્રય કરવો તે જ સિધ્ધાંત સર્વોપરી છે.

 

વિશેષ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનું નિત નિત વાંચન, મનન, ચિંતન એજ અંગીકૃત જીવનું સદ્કર્તવ્ય છે.

લેખક સંકલનવ્રજનિશ શાહ BOYDS-MDU S A

[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

..

૬.] આજ દધિ મીઠૌ મદનગોપાલ
રચના: શ્રી પરમાનંદદાસજી …

 

ભાવત મોહિ તિહારો જૂઠૌ, સુંદર નૈન બિસાલ
આને પાત બનાયે દૌના, દીને સબનકો બાઁટ
જિન નહીં ચાખ્યો સુન મેરે ભૈયા, મેરી અંગુરીયાઁ ચાટ
બહુત દિનન હમ રહે કુમુદબન કૃષ્ણ તિહારે સાથ
ઐસો સ્વાદ હમ કબહુઁ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ
આપુન હઁસત હઁસાવત ગ્વાલન માનુષ-લીલા રૂપ
પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તું ગોકુલ કે ભૂપ.

 

આ પ્રસંગ છાકલીલાનો છે જેનો સાનુભવ શ્રી પરમાનંદદાસજીને થયો. એક દિવસ શ્રી કાલિંદીજીને કિનારે સખાઓનું પદ્મવર્તુળ રચાયું હતું. સૌ બાલ સખાઓ વચ્ચે વાનગી હરીફાઈ થવાની હોઇ સૌ પોત પોતાના ઘરેથી અલગ અલગ છાક અર્થાત સામગ્રીઓ બનાવડાવીને લઈ આવ્યાં હતાં. કોઈ સખો જલેબી તો કોઈ સખો રસમોહન તો કોઈ સખો શ્યામ સલોનો હલવો બનાવી ને લઈ આવ્યું હતું. આ સિવાય કોઈ મીઠી સામગ્રી, કોઈ મોળી સામગ્રી, કોઈ તીખી તો કોઈ ગળચટ્ટિ સામગ્રીઑ પણ બનાવીને લાવ્યાં હતાં. આ સખાઓમાં શ્રી ઠાકુરજીનો એક મધુમંગલ નામનો સખા હતો. આ સખો અત્યંત ગરીબ હતો. તે વિચાર કરવા લાગ્યો કે હું તો એકદમ ગરીબ છું વળી મારા પ્રભુને પ્રિય લાગે તેવી સામગ્રી બનાવવાનું મારા માટે કે મારા પરિવાર માટે અશક્ય છે. વળી મારી માએ તો મને ૩-૪ દિવસ જૂની ખાટી છાશને વઘારીને આપી છે આવી ખાટી છાશ મારા પ્રભુને કેમ ધરાય અને મારા પ્રભુ પણ આવી સુંદર સામગ્રી છોડીને આવી જૂની સામગ્રી કેમ કરીને આરોગશે? આમ વિચાર કરીને મધુમંગલ પોતાની દધિ છાશ લઈ ઊભો થઈ બોલ્યો કે કનૈયા મારે તો તારી આવી હરીફાઈમાં ભાગ નથી લેવો. કનૈયાએ જોયું કે મધુમંગલને પોતાની સામગ્રીને કારણે શરમ આવી રહી છે અને આ શરમને કારણે તે પોતાની સામગ્રીને તુચ્છ માની રહ્યો છે. ત્યારે શ્રી ઠાકુરજી ખડા થઈ ગયા અને મધુમંગલની પાછળ જઈ કહેવા લાગ્યા કે અરે મધુમંગલ તારી માએ કઈ સામગ્રી મારે માટે મોકલાવી છે?

 

શ્રી ઠાકુરજીની વાણી સાંભળીને મધુમંગલને અત્યંત સંકોચ થવા લાગ્યો તેથી તે પોતાની દધિ છાશની દોણી લઈ દોડ્યો અને દૂર જઈ પોતે જ પોતાની છાશ પીવા લાગ્યો. શ્યામજીએ જોયું કે સંકોચ વશ અને પોતાને સામગ્રી ન ધરવી પડે તે હેતુથી મધુમંગલ પોતાની જ લાવેલી સામગ્રી એકલો જ આરોગી રહ્યો છે ત્યારે શ્યામજીએ મધુમંગલનાં હાથમાંથી છાશની દોણી ઝૂંટવી લીધી અને મધુમંગલની જૂઠી થયેલી સામગ્રી પોતે આનંદપૂર્વક આરોગવા લાગ્યાં અને આરોગતાં આરોગતાં મધુમંગલની પ્રસંશા કરી કહેવા લાગ્યાં કે પ્રિય સખા આટલી સુંદર અને સ્વાદિષ્ટ સામગ્રી તારી માએ મારે માટે મોકલાવી છે અને તે સામગ્રી તું એકલો એકલો આરોગી રહ્યો છે? એમ કહી મધુમંગલની સામગ્રીને શ્રી ઠાકુરજી ખૂબ વખાણવા લાગ્યાં. જ્યારે કનૈયાને એકલાને મધુમંગલની સામગ્રીનો સ્વાદ લેતા જોઈ મધુમંગલ સિવાયનાં સર્વે સખાઓ કનૈયા પાસે દોડી ગયાં. અને કહેવા લાગ્યાં કે લાલા અમને પણ થોડું થોડું આપ ત્યારે શ્રી ઠાકુરજી કહે કે સામગ્રી તો હું પી ગયો પરંતુ થોડી બસ થોડી જ સામગ્રી આ દોણીમાં રહેલી છે તે સામગ્રી આપ સૌને હું વાટી દઉં છું એમ કહી શ્રી ઠાકુરજીએ થોડી બચેલી સામગ્રી સખાઓમાં વાટી દીધી ત્યારે એક સખો શ્રી ઠાકુરજીને ફરિયાદ કરવા લાગ્યો કે લાલા મને તો આ સામગ્રીનો અંશ પણ ચાખવા ન મળ્યો ત્યારે શ્રી લાડીલેશજી કહેવા લાગ્યાં કે જે સખાઓને આ સામગ્રી ન મળી હોય તેઓ મારા મારા હાથને, મારી હથેળી અને મારી આંગળીને જ દૌના બનાવીને તેમાં રહેલી અને ચોંટેલી સામગ્રી ચાટી જાઑ, જે સામગ્રીનો સ્વાદ હતો તે જ સ્વાદ તમને મારી હથેળીમાંથી જ મળી જશે. આથી તમામ સખાઓ શ્રી ઠાકુરજીની હથેળી ચાટવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે લાલા ઐસો સ્વાદ તો હમને કભી ન ચાખ્યો યહ દધિ તો બહોત મીઠો હૈ.

 

શ્રી પરમાનંદદાસજીને શ્રી ઠાકુરજીની આ છાકમંડળીમાં આ લીલાનાં દર્શન થયાં છે તેથી અહીં આ પદ દ્વારા તેઓ કહી રહ્યાં છે કે શ્રી ઠાકુરજી તો ભાવનાં ભૂખ્યાં છે અને ભક્તો દ્વારા સિધ્ધ થયેલી પ્રેમની સામગ્રીને શ્રી ઠાકુરજી અત્યંત હોંશથી આરોગે છે. આથી જ આપણાં માર્ગમાં તમામ વસ્તુઓને ભાવનાત્મક કહેવામાં આવી છે.

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે.
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ  તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …‘દાદીમા ની પોટલી’

સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ… ૨) …

સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ.. ૨) …

 

 

સેક્સ એજ્યૂકેશન …. સેક્સ વિશે /અંગેની પ્રાથમિક જાણકારી …

 

આ અગાઉ આપને અમારા દ્વારા જાણ કરવામાં આવેલ કે જો આપ વાંચક મિત્રો ઇચ્છશો તો ડૉ. ઝરણાબેન દ્વારા સેક્સ એજ્યુકેશન અંગે માર્ગદર્શન અને પ્રાથમિક જાણકારી આપવામાં આવશે.,  આપના રિસ્પોન્સ ને ધ્યાનમાં લઇ  આપણે  સેક્સ બાબતે જરૂરી અને પાયાનું મહત્વનું જ્ઞાન ડૉ.ઝરણાબેન  દ્વારા  ભાગ..૧ મા મેળવવા કોશિશ કરેલ. અનિવાર્ય સંજોગો ને કારણે  અમો ઘણા લાંબા વિરામ બાદ આ  શ્રેણી આજથી આગળ વધારવા જઈ રહ્યા છીએ. આપ સર્વેને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે  બદલ અમો દિલગીર છીએ.

સેક્સ એજ્યુકેશન વિશેની જાણકારી  દ્વારા તમારા  મનની અંદર ઉદભવતા પ્રશ્નો તેમજ પરિવારમાં યુવા વયમાં પ્રવેશતા બાળકોની જીજ્ઞાશા અને કુતૂહલને સંતોષકારક સ્પષ્ટતા આપી શકીએ તેવી નમ્ર કોશિશ છે.

 

 ‘દાદીમા ની પોટલી  પર સેક્સ એજ્યુકેશન અંગેની પ્રાથમિક જાણકારીની શ્રેણી શરૂ કરવા  બદલમો ડૉ. ઝરણાબેન દોશી ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

 

સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું,
ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખું,

ઉઠી સવારે કરો એક સંકલ્પ પાકો કે સઘળું ખોવાય મારું પણ,
સંબંધ તો હું સાચવી જ રાખું,

ને સંબંધ વિના જીવી શું કરસો ને સંબંધ વિના શું મરસો,
સંબંધ જ બની ને આવશે પ્રકાશ જયારે અજવાળું થશે ઝાખું

– નિતેશસિંહ ચાવડા ..

 

મિત્રો, પ્રથમ ભાગમાં, પ્રાથમિક જાણકારીમાં આપણે એ જાણ્યું કે સ્ત્રી અને પુરુષ ની ભૂમિકા શું છે, સેક્સ શું છે, સૃષ્ટિમાં સેક્સનું મહત્વ શું છે.  આનંદપૂર્વકનું લગ્નજીવન જીવવા માટે કઈ કઈ જગ્યાએ આપણે પોતાના સ્વભાવ રૂપાંતરણ કરીએ તો જીવનમા સુખ,શાંતિ અને સમૃદ્ધિના દિવસો ની હારમાળા આવે.

સૌ પ્રથમ તો આપણે આપણા સ્વભાવમાં બદલાવ લાવીએ જેનાથી આપણા જીવનસાથીને આપણે સાચો ન્યાય આપીએ અને એકબીજા સાથેનો સહવાસ જીવનપર્યંત વધુ ને વધુ રમણીય બનાવીએ.

 

લગ્નમા જેમ એક સ્ત્રી અને એક પુરુષ ની જરૂરિયાત  હોય તેમ લગ્નનું જીવન શરુ કરવા સમયે એક પરિવાર, એક ઘર, એક સમાજ, એક દેશ અને એક વિશ્વની જરૂરિયાત હોય છે.  લગ્ન પહેલા સ્ત્રી એક યુવતી હોય, એક અલ્લડ જવાનીમાં મસ્ત અને માતાપિતા ના ઘરે એક નિશ્ચિત મને જીવન પસાર કરતી હોય જ્યાં કોઈ જાતનો પણ બીજા કોઈનો વિચાર નથી કરવાનો , બસ પોતે ભલા અને પોતાની દુનિયા ભલી  (જેમાં બાળપણથી યુવા અવસ્થા સુધીમાં ભણતર ચાલતું હોય છે અને …….) જેમાં ભણતર ચાલતું હોય છે અને પરિવારનો પ્રેમ /હુફ જીવવા મળે છે.

 

એવી જ રીતે પુરુષનું જીવન પણ એકલા હોય ત્યારે આવું જ હોય છે. માતાપિતા સાથે હસતા રમતા બાળપણમાંથી યુવાની અને યુવાની માથી એક જવાબદાર વ્યક્તિ તરીકેનું સ્વરૂપ બને છે. ભણતર, કેરીયર, નોકરી, બિઝનસ ઈત્યાદીમા સમય નીકળતો હોય છે.

 

ઉમરલાયક થતા બાળકોને માતા પિતા લગ્નજીવન શરુ કરવાની સલાહ આપે છે. મોટાભાગના બાળકો આજ્ઞાંકિત જ હોય છે તો લગ્નજીવન માટે તૈયાર થઇ જાય છે. લગ્નજીવનમા…પ્રભુતામાં પગલા માંડતી વખતે સ્ત્રી અને પુરુષ એકમેકને સમપર્ણની ભાવના થકી મધુર સંબંધોની કલ્પનાઓ લઈને સહચર્ય શરુ કરે છે.

 

પ્રેમલગ્ન કરવાવાળાની સમજદારી શરુ શરુમાંથી જ એકદમ ઊંડાણભરી હોય છે પરંતુ માતાપિતા થકી લગ્નજીવન નો આરંભ કરવાવાળા યુગલને એકમેક સાથે વધુ સમય આપીને, સમજી વિચારીને લગ્નજીવન આરંભ કરવું જરૂરી છે.

 

સૌ પ્રથમ નવું યુગલ એકમેકની નજીક આવે, એકમેકને સંપૂર્ણપણે જાણે, ઓળખે એ માટે આપણા સમાજે ઘણુંકરીને હનીમૂનની રીતરસમ રાખેલ છે.

 

સ્ત્રીએ પોતાના જીવનસાથી ઉપર ભરોસો મુકવાનો હોય છે અને પતિ નો ભરોસો જીતવાનો હોય છે.સ્ત્રી તરફથી પતિ ની અપેક્ષા હોય છે કે પોતાનું ધ્યાન રાખવામાં આવે, સાચવણ અને સંભાળ રાખવામાં સ્ત્રીઓ હમેશા હોશિયાર હોય છે. જયારે પુરુષો યોજના બનાવીને એને આકાર આપીને તે પ્રમાણે અમલમાં મુકવામાં હોશિયાર હોય છે. ઘરની બહારના જરૂરી એવા કાર્યોમાં પણ પુરુષો ને સુજકો વધારે હોય છે.

 

હનીમુન દરમ્યાન સ્ત્રી હજુ નવી નવી પોતાના ઘરને, માતાપિતાને, મિત્રોને, સમાજને વિદાય આપીને પૂર્ણપણે જીવનસાથી માટે તન, મન અને આત્મા ના સંપૂર્ણ મિલન ની અભિલાષા સાથે પ્રભુતામાં પગલા માંડે છે.

 

ઓ હ્રદય, નિષ્ફળ પ્રણયનાં બે જ કેવળ નામ છે,
ચૂપ રહે તો આબરૂ છે, બોલે તો ઇલ્ઝામ છે…

– બરકત વિરાણી ‘બેફામ’

ઉપરોક્ત શેર દ્વારા બરકત વિરાણી એક સુંદર રજૂઆત કરે છે.

કભી ખુશી કભી ગમ એ તો સંસારની છબી છે. છતાં ઘણા સંબંધોમાં કાયમ ખુશી અથવા કાયમ ગમ હોય છે. કાયમ ખુશીનું જીવન પસાર કરતા ભાગ્યશાળીઓએ તંદુરસ્ત સમાજ માટે એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવો આપણે આજે વધુ પડતા દુ:ખી લગ્નજીવન જીવતા યુગલો માટે સીધા અને સરળ રસ્તાઓનું નિર્માણ કરીએ.

 

સ્ત્રી અને પુરુષ ની એકબીજા પ્રત્યે આકર્ષણ દ્વારા ઉભી થતી પોતપોતાની શારીરિક ભુખ અને જરૂરિયાતોને સંતોષવાની યુગ્મક્રિયા ને સેક્સ અથવા સંભોગ કહેવાય છે. મનુષ્યની સંભોગની ક્રિયા એ ફક્ત શારીરિક ક્રિયા નથી કારણકે એમાં સ્નેહના સ્પંદનો અને સંવેદનાઓની હાજરી પણ હોય છે. ઉન્માદ પણ હોય છે અને માદકતા પણ હોય છે. જોમ પણ હોય છે અને જુસ્સો પણ હોય છે. આ બધું જ ત્યારે જ શક્ય બને જયારે જીવનસાથીની સાથે વ્યક્તિ અરસપરસ મોજ મજા અને લહેર થી જીવતા હોય.

 

ફરી ફરી આપણી વાત એક મહત્વના મુદ્દા ઉપર આવીને અટકે છે કે યુગલ નો આપસમાં મનમેળ હોવો જરૂરી છે, જીવનમા સુખ અને શાંતિ હોવા જરૂરી છે. આપસમાં સ્વભાવનો મેળ ખાય તે માટે સપ્તપદીના સાત ફેરા વખતે બ્રાહ્મણ અને વડીલો ની સાક્ષીએ અપાયેલી શીખ ને જીવનમાં અનુસરવી એટલી જ જરૂરી છે.

 

એકબીજાની સાથે રહેતા રહેતા, અને એકબીજાના સ્વભાવ અને દિનચર્યાને અનુરૂપ થતા થતા જીવનસાથીએ એકબીજાને વફાદાર રહેવા અને એકબીજા પ્રત્યે પ્રેમપૂર્વક વ્યવહાર કરતા રહેવા માટે હર હમેશ અમુક મહત્વની વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે.

 

1. તમારા જીવનસાથી હીરો અથવા હિરોઈન નથી પણ એનાથી જરાય ઉતરતા પણ નથી. રાજાને ગમે તે રાણી.

2. જીવનસાથીનો દેખાવ કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે સરખામણી કરીને ચઢિયાતો અથવા ઉતરતો હોય છતાં જાહેરમાં એની ચર્ચા અથવા મજાક ન કરવી.

3. જીવનસાથી પોતાની આદતો અને સ્વભાવને બદલાવે તે માટે જરૂરથી થોડો સમય આપવો તથા બની શકે તો મૌનમા સહાયરૂપ થવું.

4. જીવનસાથી તરફથી સમજણશક્તિ સાથે ઈશારામાં જ વાતને સ્વીકારવી અથવા એનો અમલ કરવા પ્રયત્ન અવશ્ય કરવો.

5. જીવનસાથીનું માન સાચવવું અને વાતાવરણ હળવાશવાળું છે કે નહિ તે માટે જાગૃત રહેવું.

6. જીવનસાથી આખી જીન્દગી સાથ નિભાવવાના છે, તે પ્રમાણે બંનેનું મિલન એવી રીતે થાય કે પતિ અને પત્ની બંને એકમેકના પુરક હોય એવું વાતાવરણ સર્જાય, શરીરના મિલન ની સાથે સાથે હૈયાનું પણ મિલન થાય,…. જાણે લક્ષ્મી નારાયણ, જાણે શિવ પાર્વતી, જાણે રાધા કૃષ્ણ.

7. જીવનસાથી ને સેક્સ બાબતે પહેલેથી કોઈ પણ પ્રકારની શીખ ના મળી હોય એવું બને, તો આ બાબતનું નવયુગલે એકબીજા પ્રત્યે સૌ પ્રથમ ધ્યાન રાખવું.

8. પ્રથમ રાતના મિલનની જુદી જુદી કલ્પનાઓ અને સાંભળેલી, પિકચરમાં જોયેલી ભ્રામક દશ્યોને સત્ય માનીને તેનું અમલીકરણ કરવા ન પ્રેરાઈ જતા કુતુહલ અને જિજ્ઞાસાને સંતોષવા માટે યોગ્ય નિષ્ણાંતની યોગ્ય સમયે સલાહ લેવી આવશ્યક છે.

સાભાર : લેખક : ડો.ઝરણા દોશી … (મુંબઈ)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને [email protected] અથવા ‘દાદીમાં ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. [email protected] પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.

 

હવે પછી આ શ્રેણીમાં આપ  ક્યા વિષય પર વિશેષ  જાણકારી પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે અંગેના આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, આ ઉપરાંત આ શ્રેણી આપને પસંદ આવી કે નહિ તે બ્લોગ પોસ્ટ પર પર્તિભાવ આપી જણાવશો.  આપના પ્રતિભાવ દ્વારા લેખિકા ડૉ. ઝરણાબેન ને ક્યાં વિષય પર વધુ ભાર આપવો તે અંગે યોગ્ય પ્રેરણા તેમજ માર્ગદર્શન મળી રહેશે. આપના યોગ્ય  પ્રતિભાવ ની અપેક્ષા સાથે … આભાર ! ‘દાદીમા ની પોટલી’

(૧) પાંચ (૫) મું શિક્ષાપત્ર ભાગ – ૨ … (ગત પોસ્ટથી ચાલુ) અને (૨) રાધા -કાનાના રાસની રમઝટ માણો …

પાંચ (૫)મું શિક્ષાપત્ર…( ભાગ.. ૨ )…

 

આજે દુર્ગાષ્ટમી નીમિતે  સૌ વાંચક મિત્રો તેમજ ભાવીક્જ્નોને  ‘દાદીમા ની પોટલી’ તરફથી  શુભકામના સાથે શુભેચ્છાઓ  પાઠવીએ છીએ.

 

પાંચમા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિરહ ભાવના વગર પ્રભુની નજીક જવું એ પુષ્ટિજીવોને માટે અશક્ય છે. પરંતુ જીવોમાં વિરહ ભાવના કેવી રીતે ઉદ્દીપ્ત થાય? ...(ગત પોસ્ટથી ચાલુ…. વધુ આગળ જાણીએ …) (ઉત્તરાર્ધ)…

 


પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકુરજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રૂપે બિરાજી રહેલા છે. પ.પૂ ૧૦૮ ગો. શ્રી મથુરેશ્વર મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન શ્રીનાથજીબાવા આપની અમૃતમયી, આનંદમયી કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે તેવા જીવ પર કરૂણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો.

 

શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેને સહાય કરે છે. ગાનેન્દ્ર (ગજેન્દ્ર) મોક્ષ, રાસપંચાધ્યાયીમાં વ્રજભકતોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા…..આમ અનેકાનેક ઉદાહરણો આપણાં ધર્મગ્રંથોમાં બતાવ્યાં છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દીનતાથી, અહંકાર જીવોથી દૂર રહે છે, આજ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતિક છે, જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે. શ્રી વલ્લભ કુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામીનિજી, શ્રી ઠાકુરજી, વ્રજભકતો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનાં ચરણારવિંદનો આશ્રય લેવો.

 

પુષ્ટિ માર્ગનાં આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનાંમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોનાં સત્સંગ દ્વારા પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, શ્રવણ, ચિંતન, મનન, પાદસેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આજ તત્વો છે જેનાં દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપા રૂપી અમૃત મળે છે, અને જો જીવોથી આમાનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતાં રહેવુકારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિધ્ધ થાય છે.

 

પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આર્તિ હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિધ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક, કોઈપણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભનાં ચરણારવિંદનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભનાં ચરણારવિંદ એ આ સંસાર સાગરનાં ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે.

ઇતિ પાંચમું  શિક્ષાપત્ર સમાપ્ત:

લેખક સંકલનવ્રજનિશ શાહ BOYDS-MDU S A

[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

આજે દુર્ગાષ્ટમી, નવરાત્રીના નવલા નોરતા દરમ્યાન રાસ-ગરબાનો લાહવો તો માણવો રહ્યો ને, આજે મા રાધા અને કાના ના  રાસ ચાલો માણીએ… રાસ ની સુંદર રમજટ…માણો …

 

(૨) બીજો ગણ થઈને રાધા ભટકે છે આજ, આટલો સંદેશો મારા કાનુડાને કહેજો … (આ ઉપરાંત બીજા અનેક રાસ  ની રમઝટ નીચે  આપેલ પ્લેયરની લીંકમાં માણો   …. )

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ  તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …‘દાદીમા ની પોટલી’

(૧) પાંચ (૫) મું શિક્ષાપત્ર…( ભાગ.. ૧ ) … અને (૨) પૂજન ચલી રી સાંઝી …

પાંચ (૫) મું શિક્ષાપત્ર…( ભાગ.. ૧ )…

 

પાંચમું શિક્ષાપત્ર શરૂ કરતાં પહેલા ચોથા શિક્ષાપત્રનું ટૂંકમાં વિવેચન કરી લઈએ. ચોથા શિક્ષાપત્રમાં પ્રભુનાં અપ્રાકૃત ધર્મો દર્શાવેલા છે. જેમાં પ્રભુનાં પ્રાકૃત મર્યાદા સ્વરૂપ અને અપ્રાકૃત પુષ્ટિ સ્વરૂપ વિષે જણાવેલ છે. પાંચમા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિરહ ભાવના વગર પ્રભુની નજીક જવું એ પુષ્ટિજીવોને માટે અશક્ય છે. પરંતુ જીવોમાં વિરહ ભાવના કેવી રીતે ઉદ્દીપ્ત થાય?

શ્રી મહાપ્રભુજી કહે છે કે વિરહ ભાવના ઉદ્દીપ્ત કરતાં પહેલા જીવોએ પ્રેમ કરવો જોઈએ. પ્રેમનું સ્વરૂપ આસક્તિ અને આસક્તિ એ વ્યસનમાં જ્યારે ફેરવાઇ જાય ત્યારે જીવોમાં વિરહ ભાવના પ્રગટ થાય છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે પ્રેમનું સ્વરૂપ સદાયે અલૌકિક હોવું જોઈએ. તે અલૌકિક પ્રેમ અને સ્નેહને જીવોમાં પ્રસ્થાપિત કરતાં પહેલા જીવોમાં પોતાનાં પ્રેમ પ્રત્યે શ્રધ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા હોવા જોઈએ. આજ શ્રધ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા જીવોનાં દ્રઢ પગલાં પ્રેમ તરફ લઈ જાય છે. પ્રેમ કોના પ્રત્યે હોવો જોઈએ?

 

શ્રી વલ્લભકુલ બાલકો કહે છે કે અલૌકિક પ્રેમને અલૌકિક તત્વોમાં સ્થાપિત કરવો જોઈએ. આવા તત્વોમાં આપણાં ગુરૂ અને ગુરૂ સ્વરૂપ શ્રી પ્રભુ છે જેમાં પ્રેમને સ્થાપિત કરવાથી જીવોનું કલ્યાણ થાય છે. આ અલૌકિક પ્રેમને કારણે જ આપણાં પર ગુરૂ કૃપા ઉતરે છે જેનાં કારણે આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. વિરહ અને સ્નેહનાં બે સ્વરૂપ પુષ્ટિમાર્ગમાં છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પણ અગ્નિસ્વરૂપ છે પરંતુ શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનું એ વિરહ સ્વરૂપ છે. એજ રીતે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ એ શ્રી પ્રભુનું અને શ્રી સ્વામીનિજીનું સ્નેહ સ્વરૂપ છે.

પુષ્ટિ માર્ગમાં શિથિલતા ન હોવી જોઈએ, અને વિરહાર્તિજ તેજ હોવી જોઈએ જે શ્રી મહાપ્રભુજીનાં ચરણારવિંદમાં દ્રઢ આશ્રયથી વૈષ્ણવોને પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રઢ આશ્રયથી દીનતા અને દીનતાથી ઉત્કંઠા, ઉત્કંઠાથી આસક્તિ, આસક્તિથી વિરહ, વિરહથી આર્તિ અને આર્તિથી વ્યસન વડે પ્રભુ રૂપી ફળની પ્રાપ્તિ થાય છે.

 

સદા વિરહભાવેન ભાવાત્મા ભાવ્યતાં હરિઃ ।
કૃષ્ણો હૃદયદેશસ્થઃ સ્વામિનીનાં કૃપાનિધિઃ ।।

 

શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે વૈષ્ણવોએ હંમેશા વિરહભાવથી ભાવાત્મ પ્રભુ,અને શ્રી સ્વામીનિજીનાં હૃદયમાં બિરાજનારા કૃપાનિધિનું સદાયે સ્મરણ કરવું. ભગવાન શ્રી કૃષ્ણનાં ક્રિયાત્મક અને ભાવાત્મક એમ બે સ્વરૂપ છે. મથુરામાં કારાવાસમાં પ્રગટ થયેલું સ્વરૂપ તે ક્રિયાત્મક સ્વરૂપ છે અને મથુરાથી ગોકુળમાં પધારેલું તે ભાવાત્મક સ્વરૂપ છે.

 

સદાસર્વત્મભાવના સેવ્યો ભગવાન ગોકુલેશ્વરઃ ।
સ્મર્તવ્યો ગોપિકાવૃંદૈઃ ક્રિડન્વૃંદાવને સ્થિતઃ ।।

 

શ્રી ગુંસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરતાં વૈષ્ણવોને કહે છે કે જે કૃષ્ણ પ્રભુ વૃંદાવનમાં બિરાજીને વ્રજભક્તોના યુથમાં રમણ કરી રહ્યાં છે તે પ્રભુની બાલભાવથી સેવા કરવી જોઈએ અને કિશોર લીલાનાં ભાવથી તેમનું સ્મરણ અને મનન કરવું જોઈએ. પ્રભુની લીલાને અંતર્ગત જોઈએ તો પ્રભુની બાલલીલા શ્રી નવનીત પ્રિયાજીનાં સ્વરૂપમાં પ્રગટ થયેલી છે અને કિશોરવયની રાસલીલા તે નિકુંજનાયક શ્રી ગોવર્ધનલાલજીના સ્વરૂપમાં પ્રગટ થયેલી છે. જે ભક્તોની ભાવના શુધ્ધ અને પવિત્ર હોય છે તે ભક્તોની સર્વે અલૌકિક મનોચ્છા પ્રભુ પૂર્ણ કરે છે અને પોતાની બાળલીલા કે કિશોરલીલાની સેવા કરવાનું સદભાગ્ય ચોક્કસ આપે છે. પ્રભુ પોતાના ભક્તોની મનોચ્છા જાણીને કેવી રીતે તેમની અભિલાષા પૂર્ણ કરે છે તે સંદર્ભમાં એક પ્રસંગ જોઈએ.

 

ગોકુલમાં માતા યશોદાની ગોદમાં ખેલી રહેલા બાલકૃષ્ણને જોઈ ગોકુલની અન્ય ગોપીઑ અને ગાયોની તરસ વધતી જતી હતી તેઓ પ્રત્યેક પળે પ્રભુને વિનતિ કરતાં હતાં કે યશોદાનંદન અમારી વાત્સલ્યની છાયામાં પણ ખેલે જેથી જેવુ સુખ માતા યશોદાને મળે છે તેવું જ સુખ અમને પણ મળે. પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને બ્રહ્માજી દ્વારા સંશયની ક્રિયા કરાવી અને પોતે પોતાના અંશ સ્વરૂપ અનેક સ્વરૂપ પ્રગટ કર્યા અને ગોકુલની પ્રત્યેક ગોપીમાતા અને ગૈયા માતાઓના બાલસ્વરૂપોમાં જઈ તેમને શ્રી હરિની માતા બનવાનું સુખ પ્રદાન કર્યું છે.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે જે સ્વયં બ્રહ્માંડ સ્વરૂપ છે અને જેનાં ચરણાર્વિન્દમાં અસંખ્ય બ્રહ્માંડ વાસી રહેલા છે તેવા કમલ સમાન નેત્રોવાળા, પીળા પીતાંબર ધારણ કરેલા, કમર પર કટિબંધ અને ગળામાં ગુંજામાલા ધારણ કરેલા, બાંસુરી વગાડી રહેલા, ઘુમર ગાયને અઢેલીને જે ટેઢા ચરણાર્વિન્દથી જે ઉભેલા છે તેવા નીલવર્ણી, મુખ પર મધુરા સા હાસ્યને રેલાવીને જે ગોપીજનોનાં હૃદયને પ્રસન્ન કરી રહ્યાં છે તે નીલાંબર પ્રભુને મારા અનેકોનેક પ્રણામ હો. પરંતુ શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે શ્રી વલ્લભચરણ જેનાં ગુણગાન ગાય છે તે અંતર્યામી પ્રભુનું માહાત્મ્ય એટલું વિશાળ છે જેમાં અનંતોનંત બ્રહ્માંડો પોતપોતાના યુગો સહિત સમાયેલા છે આવા પ્રભુ શ્રી ઠાકુરજીનાં ચરણકમલમાં જ્યારે ભક્તોને રતિ અને વ્યસન થાય ત્યારે તે ભક્તિનો આકાર ધારણ કરે છે, અને જે જીવ ભક્તિનો આકાર ધારણ કરે છે તેને પ્રભુની સેવા રૂપી ફલની પ્રાપ્તિ થાય છે.

 

પ.પૂ ૧૦૮ ગો. શ્રી મથુરેશ્વર મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન શ્રીનાથજીબાવા આપની અમૃતમયી, આનંદમયી કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે તેવા જીવ પર કરૂણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો. શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેણે સહાય કરે છે. ગાનેન્દ્ર મોક્ષ, રાસપંચાધ્યાયીમાં વ્રજભકતોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા…..આમ અનેકાનેક ઉદાહરણો આપણાં ધર્મગ્રંથોમાં બતાવ્યાં છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દીનતાથી અહંકાર જીવોથી દૂર રહે છે, આજ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતિક છે જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે.

 

શ્રી વલ્લભ કુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામીનિજી, શ્રી ઠાકુરજી, વ્રજભકતો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનાં ચરણાર્વિન્દનો આશ્રય લેવો. પુષ્ટિ માર્ગનાં આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનાંમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોનાં સત્સંગ દ્વારા પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, શ્રવણ, ચિંતન, મનન, પાદસેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આજ તત્વો છે જેનાં દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપા રૂપી અમૃત મળે છે, અને જો જીવોથી આમાનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતાં રહેવુકારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિધ્ધ થાય છે.

 

પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આર્તિ હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિધ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક, કોઈપણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભનાં ચરણાર્વિન્દનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભનાં ચરણાર્વિન્દ એ આ સંસાર સાગરનાં ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે.

 

ઇતિ પાંચમું  શિક્ષાપત્ર સમાપ્ત:

 

લેખક સંકલનવ્રજનિશ શાહ BOYDS-MDU S A

[email protected]
[email protected]

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : (મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ અથવા પુષ્ટિમાર્ગીય વિશે  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… )

 

૦૫. પૂજન ચલી રી સાંઝી …
રાગ: હમિર …

 

પૂજન ચલી રે સાંઝી, શુભઘરી શુભ દિન શુભ મુહુર્ત રાત
ચંચલ ચપલ ચપલાસી ડોલત, ચંપે જૈસો ગાત ।।૧।।

અપને અપને મંદિર તે નિકસી, દીપ લિએ સબ હાથ
“ધોંધી” કે પ્રભુ તમુ બહુ નાયક , સબ સખિયન કેં સાથ ।।૨।।

પોતાના પ્રભુની ગૃહસેવા દ્વારા પૂજન કરી રહેલા વૈષ્ણવોના હૃદયમાં અને મનમાં જ્યારે પોતાના પ્રભુની ગૃહસેવાને લગતા વિચારો રૂપી દીવો પ્રગટે છે ત્યારે આપણાંમાં શુભ વિચારોનું વાવેતર કરનારા પ્રભુ પોતાની સમસ્ત અલૌકિક લીલા સાથે વૈષ્ણવોનાં હૃદયમાં પ્રગટ થાય છે. આ સમયે ગૃહસેવામાં ઉપયોગી એવા આવતાં અનેક વિચારો કામમાં લેવા કે ન લેવા એ વચ્ચે મન ઝૂલ્યા કરે છે. આવા ઝૂલી રહેલા મનની અંદર રહેલા અનેક વિચારોની અંદર કોઈક એવો સુંદર વિચાર સેવા અંગેનો આવી જાય તો તે વિચાર રાત હોય કે દિવસ ન જોતાં તે જ સમયે તે વિચાર શુભ વિચાર અને તે ઘડી તે શુભ ઘડી બની જાય છે, અને આ શુભ ઘડીમાં આવેલા એ ચપલ વિચાર વડે કરાયેલી ગૃહસેવા તે ચંપાના ફૂલની જેમ મહેંકી ઊઠે છે. ભક્ત કવિ “ધોંધી” કહે છે કે પ્રભુ આવા શુભ મુહુર્તમાં સઘળી સખિજનો સાથે મારા હૃદયનાં આંગણિયામાં આવી પ્રેમપૂર્વક મારા હસ્તે કરાયેલી સેવા સ્વીકારો.

પુષ્ટિ કીર્તન સાહિત્યના આધારે…
લેખક: પૂર્વી મોદી મલકાણ

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ  તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ  આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’

૫૧ શક્તિ પીઠની અધિષ્ઠાત્રી શક્તિઓ …

૫૧ શક્તિ પીની ધિષ્ઠાત્રી ક્તિ

 

 

 

હિન્દુ ધર્મમાં શક્તિ પીઠ સ્થાન પાવન તીર્થ તરીકે આકાર પામ્યાં છે. સામાન્ય રીતે શક્તિ પીઠની સંખ્યા ૫૧ ગણાય છે. પરંતુ અલગ અલગ શાસ્ત્રો પ્રમાણે શક્તિ પીઠની અલગ અલગ સંખ્યા કહેવામાં આવી છે. પરંતુ દેવી ભાગવતમાં ૧૦૮, કાલિકા પુરાણમાં ૨૬, શિવચરિત્રમાં ૫૧, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં ૫૨ (બાવન), તો અમુક શાસ્ત્રોમાં ૮૪ શક્તિપીઠ જણાવેલ છે. શક્તિ પીઠો એ બ્રહ્માંડની અસીમ રહસ્યમયી શક્તિ અને ઉર્જાનું સ્થળ છે જ્યાં માતાનાં સર્વરૂપોનું પૂજન અને તપ કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ તાંત્રિક તેમજ વૈદિક વિધિઓ માટે શક્તિ પીઠોનું સ્થાન અધિકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. શક્તિ પીઠોમાં બ્રહ્માંડની ઉર્જાનો ભંડાર ભર્યો હોવાથી સિધ્ધી અને મોક્ષની પ્રાપ્તિ મેળવવા ઇચ્છતા સાધકો ત્યાં વધુ જાય છે.

 

પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષનાં યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતાં માતા સતીએ યજ્ઞની અગ્નિમાં દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ સતીના મૃત શરીરને લઈ પૃથ્વી પરિભ્રમણ કરવા લાગ્યાં.ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવનું આ તાંડવ સ્વરૂપ જોઈ પોતાના ચક્ર વડે સતીનાં દેહનાં ટુકડા કરી નાખ્યાં. સતીના દેહના ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠોની રચના થઈ. ભારત સિવાય પાકિસ્તાન, શ્રી લંકા, અને બાંગ્લાદેશની ભૂમિમાં આ શક્તિ પીઠ જોવા મળે છે. આ સર્વે શક્તિ પીઠોમાં શક્તિનાં વિવિધ નામો પ્રખ્યાત છે. …

 

૧) હિંગળાજ- આ સ્થાન પાકિસ્તાનનાં સિંધપ્રદેશમાં કરાંચીથી થોડે દૂર આવેલ છે. અહીં માતા શક્તિ કોટ્ટવિશ અને ભગવાન શિવ ભીમલોચનનાં નામથી પ્રખ્યાત છે. પાકિસ્તાનમાં આ શક્તિપીઠ બીબી નાની મંદરને નામે પ્રખ્યાત છે. જે હિંગોર નદીનાં તટ્ટ પર આવેલ છે.

૨) શર્કરા – મહારાષ્ટ્રનાં કોલ્હાપુર શહેરની નજીક ભગવાન શિવશક્તિ ક્રોધીશ અને મહિષમર્દીનીનાં નામે બિરાજિત છે.

૩) સુગંધા- દક્ષિણ બાંગ્લાદેશમાં શેખપુર પાસે ભગવાન શિવ ત્રયંબક અને ભગવતી શક્તિ અહીં સુનંદાનાં નામે બિરાજેલ છે.

૪) અમરનાથ- કાશ્મીર પાસે, હિમાલયની બર્ફીલી હિમમાળામાં શિવશક્તિ ત્રિસંધ્યેશ્વર અને મહામાયાનાં નામે બિરાજિત છે.

૫) જ્વાલામુખી- હિમાચલ પ્રદેશનાં કાંગડામાં શિવશક્તિ ઉન્મત અને સિધ્ધીદા ભૈરવનાં રૂપમાં પ્રચલિત છે.

૬) જાલંધર- પંજાબમાં જલંધરમાં આવેલ આ શક્તિ પીઠમાં શિવશક્તિ ભીષણ અને ત્રિપુરમાલિકાનાં નામે પ્રખ્યાત છે.

૭) વૈદ્યનાથ- ઝારખંડમાં ભગવાન શિવ અને માતા સતી વૈદ્યનાથ અને જય દુર્ગાનાં નામે પ્રખ્યાત છે.

૮) પશુપતિનાથ- નેપાળનાં કાઠમાંડુંમાં આવેલ આ શક્તિ પીઠમાં ભગવાન શિવ કપાલી મહામાયાનાં નામે પ્રખ્યાત છે.

૯) માનસ- તિબેટમાં આવેલ માનસરોવરમાં આવેલ આ શક્તિ પીઠમાં શિવ શક્તિ અમર અને દાક્ષાયનીનાં નામે પ્રખ્યાત છે.

૧૦) ઉત્કલ વિરજા- ઓરિસ્સામાં સ્થિત પૂરીમાં શિવ શક્તિ ભગવાન જગન્નાથ અને વિમલાનાં નામે બિરાજી રહેલા છે.

૧૧) ગંડકી- આ શક્તિ પીઠ નેપાળમાં આવેલ છે. અહીં શિવશક્તિ ચક્રપાણિ અને ગંડકીનાં નામે પ્રચલિત છે.

૧૨) બહુલા- દક્ષિણ બંગાળ સ્થિત આ શક્તિ પીઠમાં શિવશક્તિ ભીરુક અને બહુલાદેવીનાં રૂપમાં પ્રખ્યાત છે.

૧૩) ઉજ્જૈની- મધ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્થિત આ શક્તિ પીઠમાં શિવ શક્તિ કપિલાંબર અને મંગલચંડિકાનાં રૂપમાં સ્થિત છે.

૧૪) ત્રિપુરા- અહીં શિવશક્તિ ત્રિપુરેશ અને ત્રિપુર સુંદરીનાં નામે પ્રચલિત છે.

૧૫) ચહલ- બાંગ્લાદેશમાં ચટ્ટ્લનાં નામે પ્રખ્યાત આ સ્થળમાં શિવ શક્તિ ભગવાન ચંદ્રશેખર અને ભવાનીનાં નામે પ્રખ્યાત છે.

૧૬) ત્રિસ્તોત્રા- પશ્ચિમ બંગાળમાં જલ્પૈગુરી સ્થિત આ શક્તિ પીઠમાં શિવશક્તિ ભૈરેશ્વર અને ભ્રામરીનાં રૂપમાં બિરાજમાન છે.

૧૭) કામાખ્યા – આસામનાં કામગિરીમાં શિવશક્તિ ભગવાન ઉમાનંદ અને કામાખ્યા દેવીનાં નામે પ્રચલિત છે.

૧૮) પ્રયાગ- અલ્હાબાદના પ્રયાગ સંગમ પર શિવ શક્તિ ભાવ અને લલિતાનાં નામે પ્રચલિત છે.

૧૯) જયંતી – આસામ સ્થિત જયંતીમાં શિવ શક્તિ ક્રમદીશ્વર અને જયંતીનાં નામે પ્રખ્યાત છે.

૨૦) યુગાદ્યા- પશ્ચિમ બંગાળ સ્થિત ખીરગ્રામમાં શિવ શક્તિ ક્ષીરખંડક અને ભૂતદાત્રીનાં રૂપમાં બિરાજમાન થયેલ છે.

૨૧) કાલીપીઠ- પશ્ચિમ બંગાલ સ્થિત કોલકત્તામાં કાલિઘાટ પર શિવ શક્તિ નકુલીશ અને કાલિકા દેવીનાં નામે પ્રચલિત છે.

૨૨) કિરીટ- બાંગ્લાદેશ સ્થિત કિરીટમાં શિવ શક્તિ સંવર્ત અને વિમલાનાં નામે બિરાજમાન છે.

૨૩) વારાણસી- વારાણસી કાશીમાં શિવ શક્તિ કાલ ભૈરવ અને વિશ્વલક્ષ્મી મણિકરણીનાં નામથી બિરાજમાન છે.

૨૪) કન્યાશ્રમ-કન્યાકુમારીમાં કન્યાશ્રમ ખાતે શિવ શક્તિ નિમિષ અને સર્વાણીનાં રૂપમાં બિરાજમાન છે.

૨૫) કુરુક્ષેત્ર- હરિયાણા સ્થિત કુરુક્ષેત્રમાં શિવ શક્તિ સ્થાણુ અને સાવિત્રીનાં નામે બિરાજમાન છે.

૨૬) મણિબંધ રાજસ્થાનમાં પુષ્કર સ્થિત આ શક્તિ પીઠમાં શિવ શક્તિ સર્વાનંદ અને ગાયત્રીનાં રૂપમાં બિરાજમાન છે.

૨૭) શ્રી શૈલ- આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન પર્વત પાસે શિવ શક્તિ શંબરાનંદ અને મહાલક્ષ્મીનાં નામે બિરાજમાન થયેલ છે.

૨૮) કાંચી- તામિલનાડુમાં કાંચીપુરમમાં શિવશક્તિ રુરુ અને દેવગર્ભા રૂપે બિરાજમાન છે.

૨૯) કાલમાધવ- મધ્યપ્રદેશનાં અમર કંટક નદીનાં તટ્ટે ચિત્રકૂટમાં શિવ શક્તિ અસિતાંગ અને કલીનાં રૂપે બિરાજે છે.

૩૦) શોણદેશ- બિહારમાં સોનનદી પાસે આવેલ શોણદેશમાં શિવ શક્તિ ભદ્રસેન અને નર્મદાનાં રૂપે બિરાજે છે.

૩૧) રામગિરિ- મધ્યપ્રદેશ ચિત્રકૂટ પર શિવ શક્તિ ચંડભૈરવ અને શિવાનીનાં રૂપમાં બિરાજમાન છે.

૩૨) વૃંદાવન- ઉત્તર પ્રદેશ સ્થિત વૃંદાવનમાં શિવ શક્તિ ભૂતેશ અને ઉમાનાં નામથી બિરાજે છે.

૩૩) શુચિ- તામિલનાડુમાં કન્યાકુમારીમાં શિવશક્તિ સંહાર અને નારાયણીનાં રૂપમાં બિરાજમાન છે.

૩૪) પંચસાગર- શક્તિનું આ સ્થાન અજ્ઞાત છે. અહીં શિવ શક્તિ મહારુદ્ર અને બરહીનાં રૂપે બિરાજમાન છે.

૩૫) કરતોયાતટ- બાંગ્લાદેશ સ્થિત આ સ્થળ કરોટા નદીનાં તટ્ટે આવેલ છે આ સ્થળ ભવાનીપુરા તરીકે ઓળખાય છે. અહીં શિવશક્તિ વામન ભૈરવ અને અર્પણા નામે બિરાજે છે.

૩૬) શ્રી પર્વત- લદાખ સ્થિત આ શક્તિ પીઠમાં શિવ શક્તિ સુંદરાનંદ ભૈરવ અને શ્રી સુંદરીનાં નામે બિરાજે છે.

૩૭) વિભાષ- પશ્ચિમ બંગાલ સ્થિત મેદિનીપુરમાં શિવ શક્તિ સર્વાનંદ અને કપાલિનીનાં નામથી બિરાજે છે.

૩૮) પ્રભાસ- ગુજરાતમાં સોમનાથ પાસે પ્રભાસમાં શિવ શક્તિ વક્રતુંડ અને ચંદ્રભાગાનાં નામે બિરાજી રહેલા છે.

૩૯) જનસ્થળ- મહારાષ્ટ્રમાં નાસિકમાં શિવ શક્તિ વિકૃતાક્ષ અને ભ્રામરી દેવીનાં બિરાજે છે.

૪૦) વિરાટ- રાજસ્થાનમાં વિરાટમાં ભક્તો શિવ શક્તિને અમૃત અને અંબિકાનાં નામથી પ્રખ્યાત છે.

૪૧) ગોદાવરીતીર- ગોદાવરીતીરમાં શિવ શક્તિ દંડપાણિ અને વિશ્વકેશીનાં નામે બિરાજે છે.

૪૨) રત્નાવલી- ચેન્નઈ પાસે રત્નાકર નદીનાં કિનારે શિવ શક્તિ ભગવાન શિવ અને કુમારીનાં નામે બિરાજીત છે.

૪૩) મિથિલા- બિહારનાં કનકપુર મિથિલામાં શિવ શક્તિ મહોદર અને ઉમાનાં નામે બિરાજે છે.

૪૪) નલહાટી- બંગાલ કોલકત્તામાં શિવશક્તિ યોગેશ અને કાલિકાદેવીનાં નામે બિરાજે છે.

૪૫) મગધ- બિહારમાં મગધ પટનામાં શિવ શક્તિ વ્યોમકેશ અને સર્વનંદકરિનાં નામે પ્રખ્યાત છે.

૪૬) વક્રેશ્વર– વેસ્ટ બંગાલ ખાતે આ બિરાજી રહેલ આ શક્તિ પીઠમાં શિવ શક્તિને ભક્તો વક્રનાથ અને મહિષમર્દીનીનાં નામે પ્રખ્યાત છે.

૪૭) યશોર- બાંગ્લાદેશ સ્થિત ખુલનામાં શિવ શક્તિ ચંડ અને યશોરેશ્વરી નામે બિરાજી રહેલ છે.

૪૮) અટ્ટહાસ- પશ્ચિમ બંગાલ સ્થિત બીરભુંમાં શિવ શક્તિ વિશ્વેશ અને ફુલ્લરાનાં નામે બિરાજી રહેલ છે.

૪૯) નંદીપુર- પશ્ચિમ બંગાળમાં નંદીપુર ખાતે શિવ શક્તિ નંદિકેશ્વર અને નંદિનીનાં નામે બિરાજિત છે.

૫૦) લંકા- લંકા, શ્રીલંકામાં ટ્રિંકોમાલી પાસે શિવ શક્તિ રાક્ષસેશ્વર અને ઇંદ્રાક્ષીનાં નામે બિરાજે છે.

૫૧) કર્ણત- શક્તિ પીઠનું આ સ્થળ અજ્ઞાત છે.

સૌજન્ય – સાભાર :પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

ચાલો તો એક રાસ – ગરબાને માણીએ …

(૧) એ માળી રમવાને આવ્યા છે રાસ, ચાચર ચોકમાં રે ….સૌ દેવોની નજરોમાં આજ, ચાચર ચોકમાં રે …


નવરાત્રિનો  પ્રારંભ થઈ ગયો., આજે આપણે જાણીશું … ૫૧ શક્તિ પીની ધિષ્ઠાત્રી ક્તિ  વિશેની જાણકારી …  શ્રીમતી પૂર્વિબેન દ્વારા આજની પોસ્ટમાં ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ છે..,  જે બદલ અમો પૂર્વિબેન મોદી મલકાણ (USA)ના અંતરપૂર્વક્થી આભારી છીએ.   આપણે નવરાત્રી ના દિવસો દરમ્યાન રોજ એક ગરબો પણ મૂળ પોસ્ટ સાથે માણીશું.

રાસ-ગરબા સાથે આજની પોસ્ટ જો  આપને પસંદ આવી હોય તો, આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ સદા લેખિકાની કલમને સદા બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.

પ્રેરક વાત … (ટૂંકીવાર્તાઓ) …

પ્રેરક વાત … (ટૂંકીવાર્તાઓ) …

 

 

(૧) મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથીઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.

પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો આ વરસાદમાં પલળી ગયો છે.

‘તું ચિંતા ન કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.’ એકનાથે કહ્યું, અને ખરેખર થોડીવારમાં જ, પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.

વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : ખાટલો ક્યાં ગયો ?

 

રા.જ. ૯-૧૨/(૧૧)/૨૪૧

 

(૨) રાક્ષસ ની ચોટલી …

 

શરીર તો આપણા હાથમાંનું ઓજાર છે. એનો જેવો ઉપાય કરવા ધારીએ તેવો થાય. શરીર કેળવાઈ જાય તો કેવું એકધારું કામ આપે છે ! મહી નદીનાં કોતરોમાં હું રખડતો, ત્યારે અંધારી રાતે માઈલોના માઈલો ઊંઘતો ઊંઘતો ચાલતો. એકવાર મહીસાગરમાં ભરતી આવેલ, મારે સામે પાર જવું હતું. હોડી ચાલી ગઈ એટલે મેં તો ઝંપલાવ્યું અને તરતો તરતો સામે કાંઠે પહોંચી ગયો. પછી એવાં ને  એવાં ભીને કપડે પાંચ માઈલ ચાલીને ગયો નજીકના ગામે.

 

જેલમાં એકવાર મને દળવાનું કામ સોંપેલું. પહેલે દિવસે ૨૫ શેર અનાજ આપ્યું. મારાથી તે પૂરું ન થઇ શક્યું તેથી હું શરમાયો. બીજે દિવસે ઘંટીનો ખીલડો પકડીને પ્રભુને પ્રાર્થના કરી અને મનોમન સંકલ્પ કર્યો. ત્રણ કલાકમાં ૨૫ શેર નાજ દાદી કાઢ્યું !

 

આજે હવે હું પોતે વિચારું છું તો મનેય આ બધું માન્યમાં નથી આવતું, પણ એ હકીકત છે. શરીર તો રાક્ષસ છે, રાક્ષસ કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઈએ.

 

-રવિશંકર મહારાજ (અડધી સદીની વાચનયાત્રા –ભાગ-૧ માંથી)

 

પાંચેક વરસની એક બાળકી પોતાના ત્રણ વરસના ભાઈને કેડે તેડીને રસ્તે ચાલી જાય છે. એક સજ્જને આ દ્રશ્ય જોયું. એમણે બાળકીને પૂછ્યું, ‘અરે દીકરી, ચાલી શકતાં આ ત્રણ વરસના બાળકને થોડું રસ્તે ચાલતાં શીખવ. તને એનો ભાર નથી લાગતો ?’ બાળકીએ કહ્યું. ‘સાહેબ, ભાઈલાનો તો કંઈ ભાર લાગે ?’

 

-સનતકુમાર (અડધી સદીની વાચનયાત્રા –ભાગ-૧ માંથી)

 

(૩) એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : મહારાજ ! આ લોટો લો અને આરામથી પાણી પીઓ.

કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : તને અક્કલ છે કે નહિ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?

કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઇ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !

રા.જ. ૯-૧૨/(૨૦)/૨૫૯

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

આજની પોસ્ટ … પ્રેરક વાતોની … આપને જો પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવી મૂકશો. આભાર…! ‘દાદીમા ની પોટલી’.

(૧) ૪ થું શિક્ષાપત્ર… અને (૨) પદ …

૪ થું શિક્ષાપત્ર…

 

 

વિરુધ્ધધર્મશ્રયત્વં સ્વસુખાય વિચારયેત્ ।
શ્રી ભાગવત વાકયેન કૌમારં જહતુ વ્રજે ।।

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતાં કહે છે કે પ્રભુનાં પાંચ બહિરરંગ ધર્મો છે. જેમાં પ્રથમ બહિરંગ ધર્મ તે કર્તૃત્વ અને કર્તાપણું છે, બીજો ધર્મ તે સ્વરૂપત્વ છે, ત્રીજો ધર્મ તે સર્વોધ્ધરત્વ છે, ચોથો ધર્મ તે ન્યાયાત્વ છે અને પાંચમો ધર્મ તે વિરુધ્ધાશ્રય છે.

 

સંસારનાં પ્રત્યેક અણું અણુંમાં અણાંશ બનીને રહેતાં અંતર્યામી પ્રભુ પોતાની ઇચ્છાએ જ સર્વ જીવોમાં વસી રહ્યાં છે. શ્રી પ્રભુએ વિરુધ્ધધર્મશ્રયનો અંગીકાર સ્વસુખ માટે જ કર્યો હોવાથી આચાર્યચરણે શ્રી ઠાકુરજીને ઉદ્દેશીને “કૌમારં જહતુ વ્રજે” એમ કહેતાં કહ્યું છે કે શ્રી પ્રભુએ બાલ્ય લીલામાં કુમારવસ્થાની લીલા, કુમારવસ્થાની લીલામાં બાલ્ય લીલા કરી છે. આ રીતે શ્રી ઠાકુરજીની સઘળી લીલાઓ વિરુધ્ધધર્મશ્રય લીલાઑ અનુસાર છે.

 

આ ચોથા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આચાર્ય વલ્લભની વાત સમજાવતાં કહે છે કે વિરુધ્ધધર્મશ્રય લીલાઑ એ શ્રી ઠાકુરજીની અલૌકિક ક્રિયાઑ છે જેનાં દ્વારા શ્રી ઠાકુરજી પોતાના ભક્તોને આનંદ આપે છે. શ્રી પ્રભુ એક બાજુ બાલ સ્વરૂપે માતા યશોદાની ગોદમાં બિરાજે છે અને પાલનામાં ઝૂલે છે. એજ બાલ સ્વરૂપે ખેલતા શ્રી પ્રભુ શ્રી સ્વામિનીજીનું આદિ વ્રજાંગનાઑને રસિક ઇન્દ્ર સ્વરૂપે અનેક મનોરથો માટે સંકેત કરે છે.

 

શ્રી ગુંસાઈજીએ એનું સુંદર નિરૂપણ “ પ્રેંખ પર્યન્કશયનમ ચિર વિરહતાપ હરણમ” એ પદમાં કર્યું છે અને કહ્યું છે કે બાલ સ્વરૂપ હોવા છતાં ઠાકુર રસિક શિરોમણી છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી પ્રભુ પોતાને જ વશ છે આથી પોતાનું જ ધાર્યું કરે છે. પરંતુ જ્યારે શ્રી પ્રભુ ગોપીજનોના મંડળમાં પધારે છે ત્યારે સદા તેમને વશ રહે છે ત્યારે બધું જ સહજ રૂપે બને છે. પ્રભુને જોઈને એવું નથી લાગતું કે શ્રી પ્રભુ પોતાનું ધાર્યું પરાણે છોડતાં હોય. પ્રભુ માટે બધું જ શક્ય છે અને સહજ છે કારણ કે ગોપીજનોનાં પ્રેમ પાસે પ્રભુ પોતે સરળ બની જાય છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેમ પ્રભુનાં પાંચ બહિરરંગો  છે તેમ પુષ્ટિ પ્રભુનાં બે સ્વરૂપ ધર્મો પણ છે જેમાં એક અપ્રાકૃત છે, અને બીજું પ્રાકૃત સ્વરૂપ છે. અપ્રાકૃત સ્વરૂપ જીવોને સદાયે આનંદ આપવાનું કાર્ય કરે છે. કારણ કે પ્રભુની આ સ્વરૂપ સ્વયં આનંદમય છે, તેથી જે આનંદમય હોય તે અન્યોને પણ આનંદ જ આપે. વેદની શ્રુતિઓએ પણ પ્રભુનાં આ આનંદમય સ્વરૂપને અલૌકિક અને અપ્રાકૃત કહ્યું છે. જ્યારે પ્રભુનું પ્રાકૃત સ્વરૂપ તે માયા છે જે સમય અને કાળને અનુસાર પ્રગટ પણ થાય છે અને નષ્ટ પણ થાય છે. જેમાં માયાકૃત ગુણ, કામ,ક્રોધ, મદ, મત્સર વગેરે લાગેલા છે. પ્રાકૃત ગુણ પ્રભુને તો નથી લાગતાં પરંતુ પ્રભુની માયાને ચોક્કસ લાગી શકે છે.

 

વેદની શ્રુતિઓએ કહ્યું છે કે જે જીવો વેદો અને પંચમ વેદ સમાન શ્રીમદ્ ભાગવતજીનાં વચનોને પ્રમાણ તરીકે માન્ય નથી રાખતાં તેવાં જીવને આસુરી જીવ માનવો. આ આસુરી જીવ તે પ્રભુની માયાનું પ્રાકૃત સ્વરૂપ છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે પ્રભુનાં અપ્રાકૃત ધર્મમાં પ્રભુનું સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ અને નિષ્ઠા રહેલ છે જેનું પુષ્ટિ જીવોએ શરણ લેવું જોઈએ જેથી પુષ્ટિ જીવોમાં લીલા સંબંધી ભૂખનો વ્યાપ્ત થાય અને પ્રભુને પામવાની ઈચ્છા, લગન અને વ્યસનમાં દિનપ્રતિદિન વધારો થતો જાય.

 

શ્રી પ્રભુના બે અંતરંગ ધર્મ છે. પહેલો ધર્મ તે ઐશ્વર્ય છે જેનાં દ્વારા શ્રી પ્રભુ પોતાના સામર્થ્ય દ્વારા પોતાના ભક્તોને પોતાના શ્રી ચરણોમાં આકર્ષે છે. પરંતુ ઐશ્વર્ય ભાવ એ પ્રભુનો મર્યાદિક ભાવ છે. આ મર્યાદિક ભાવમાં પ્રભુને ભૂખ તરસ, ઠંડક વગેરે ધર્મો નથી લાગતાં. આ મંદિરમાં બેસેલો પ્રભુ અમારી રક્ષા કરે છે તેવો ભાવ જેનો છે તેવા મર્યાદિક ભક્તોનાં આ ઐશ્વર્યારૂપ પ્રભુ છે.

 

શ્રી પ્રભુનો બીજો ધર્મ તે માધુર્ય ભાવ. માધુર્ય ભાવ વડે શ્રી ઠાકુરજીએ પોતાના ગોપીજનોને સ્નેહદોર વડે બાંધેલ છે. માધુર્યભાવનાં બે ભાગ છે પ્રથમ માધુર્ય ભાવમાં કિશોર લીલા આવે છે જે દર્શનીય છે અને બીજા માધુર્યભાવમાં વાત્સલ્ય ભાવ આવે છે જેમાં શ્રી ઠાકુરજીની બાલ્ય લીલા આવે છે. માધુર્ય ભાવનાં બંને ભાગમાં કેવળ અને કેવળ ભક્તોનો પોતાના પ્રભુ માટે સ્નેહ છે તે સખાભાવે હોય કે સ્નેહભાવે હોય…..બસ ભક્તો દ્વારા પોતાના પ્રભુનાં જ તત્સુખનો જ વિચાર ભક્તો દ્વારા કરાય છે.

 

જેમ માનવોનાં શારીરિક ગુણધર્મો હોય તેમ પ્રભુનાં ધર્મોનો વિચાર ભક્તજનો દ્વારા કરવામાં આવે છે તેથી પ્રભુ પાસે ભોગનો થાળ અને બંટાજીમાં નેગ ધરાય છે, પ્રભુની તરસ છીપાવવાંનાં હેતુથી જલઝારી મૂકવામાં આવે છે, તાપ દરમ્યાન શીતળતા પ્રદાન કરવા પંખો અને શિયાળે અંગીઠી ધરાવવામાં આવે છે જ્યાં જે ભક્તો પાસે પ્રભુને આવા સ્નેહમાં તણાવવાને માટે મળે છે ત્યાં પ્રભુ પણ પોતાનાં ભક્તો પાસે માંગી માંગીને પોતાનો અધિકાર દર્શાવીને ભક્તજનોને અંગીકૃત કરે છે.

 

આથી જ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી પ્રભુ સર્વવ્યાપક, અને સર્વોપરી છે જે પોતાનાં ભક્તોને માધુર્યભાવ, વાત્સલ્યભાવ, સખાભાવ, દાસ્યભાવ અને સૌથી વિશેષ એવાં સ્નેહભાવ રૂપનાં રસમાં પોતાનાં ભક્તજનોને ડૂબાડી રાખે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે મર્યાદામાર્ગીય વૈષ્ણવને પોતાની ભક્તિભજનનું ફળ ચોક્કસ મળે છે અને તે મોક્ષનો અધિકારી પણ બને છે પરંતુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનો માટે શ્રી ઠાકુરજીનું તત્સુખ સર્વોપરી અને સર્વસ્વ છે તેથી તે પ્રભુની સેવાથી પ્રભુનાં સ્વરૂપાનંદનો અનુભવ કરે છે તેને માટે પ્રભુ અને પ્રભુ સુખ સિવાયની સમસ્ત ક્રિયાઑ ગૌણ બની જાય છે.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે જગતમાં રહેતો પ્રત્યેક જીવ શ્રી પ્રભુનાં શરણનો દાસ બન્યો હોય કે ન બન્યો હોય તો પણ તે શ્રી પ્રભુનાં પ્રત્યેક ધર્મનો અનુભવ કરી જ શકે છે. પરંતુ પુષ્ટિ વૈષ્ણવોનો એ ધર્મ છે કે તે પોતાનાં પ્રભુનાં સ્વરૂપ અને તેમની ક્રીડાત્મક લીલાઓ વિષે સંદેહ ન રાખતાં વિરુધ્ધધર્માશ્રયનાં ગુણને ઓળખે અને તેમાં દ્રઢ નિષ્ઠા, વિશ્વાસ અને શ્રધ્ધા રાખે જેથી કરીને માર્ગનો ભાવનાત્મક રસ તેમના હૃદયમાં ઉદ્દીપ્ત થાય. કારણ કે આજ ભાવનાત્મક રસથી પુષ્ટિ જીવોમાં દૈન્યતા અને આશ્રયભાવ જાગૃત થાય છે જેનાં વડે પુષ્ટિ જીવોને શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભનાં ચરણોમાં શરણારગતિ મળે છે.

 

ઇતિ ચોથું શિક્ષાપત્ર સમાપ્ત:

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A
[email protected]
[email protected]

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ.

 

પુષ્ટિ વિશેષ : (મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ અથવા પુષ્ટિમાર્ગીય વિષે, વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… )

 

૩) આજ રાવલ મેં જયજયકાર-
રાગ- રામકલી
રચના – રામદાસજી

 

આજ રાવલ મેં જયજયકાર,
પ્રકટ ભઈ વૃષભાન ગોપ કે શ્રી રાધા અવતાર ।। ૧ ।।

ભૂષન વસન શોભિત અંગ અંગન કંઠ મનોહર હાર
હાટક તન વદનાર્વિન્દ છબિ દુંહુંદિસ ભયો ઉજિયાર ।। ૨ ।।

સબ સખિયન મિલ દ્વારે આઈ ગાવત મંગલ ચાર
નિર્મિત જોરી કુંવર મોહન કી “ રામદાસ” બલિહાર ।। ૩ ।।

 

શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા શ્રી રાધારાણીનો જન્મ ભાદ્રમાસ, શુક્લ પક્ષ, અષ્ટમીની તિથિને સોમવારે થયો હતો. આ દિવસ રાધાષ્ટમીના નામે ઓળખાય છે. શ્રી રાધાજીના પ્રાગટયના સમયનું વર્ણન શ્રી રામદાસજી કરી રહ્યાં છે.

રાવલ ગામમાં માતા કીર્તિજી અને વૃષભાન ગોપને ત્યાં ત્રણે ભુવનની શોભા વધારનારી લક્ષ્મી સ્વરૂપા કન્યા અવતરીત થઈ. એના પ્રાગટ્યથી આખા રાવલ ગામમાં જય જયકાર થઈ ગયો છે. ગોપ ગોપીઓના વૃંદ વૃષભાનજીને ઘેર તેમની કુંવરીને જોવા માટે મંગલ ગીતો ગાતા ગાતા આવ્યાં છે. વૃષભાનજીને ત્યાં આવીને તેમણે રસમૂર્તિ અને પ્રેમમૂર્તિ એવી કિર્તિકુમારીને જોઈ. લક્ષ્મી સ્વરૂપા તે કુમારીને જોઈ વ્રજવાસીઓ અત્યંત હર્ષિત થયા. શ્રી રાધિકાજીનું શ્રી અંગ સુવર્ણ જેવુ તેજસ્વી છે, તેમનું વદન સરોજીની જેવું સુંદર અને સુકોમળ છે. તેમના શ્રી કંઠમાં રત્નજડિત મનોહર હાર શોભી રહ્યો છે. આપના શ્રી અંગ અને મુખારવિંદની આભા અને ઉજજવળતા એવી છે કે દશે દિશાઓમાં તેનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે.

 વ્રજનારીઓએ કિર્તિકુમારીના બલૈયા લીધાં અને વૃષભાનજીને પુત્રીરત્નની અનેક વધાઈ આપી. કુંવરીના પ્રાગટ્યથી વ્રજના બે કુળ ગૌરાન્વિત થઈ રહ્યાં છે. એક તો શ્રી વૃષભાનજીનું કુળ જ્યાં તેનું પ્રાગટ્ય થયું છે અને અને બીજું એ કુળ જેના સ્વામીની સાથે જ્યાં એ કુંવરીને સ્વામીનિજી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. રામદાસજી કહે છે કે મારા નંદનંદન એવા કૃષ્ણકનૈયા, મારા મનમોહન સાથે જેમની જોડી નિર્મિત થઈ છે તેવા શ્રી રાધેરાણી પર હું બલિહારી જાઉં છું.

પુષ્ટિમાર્ગીય કિર્તન સાહિત્યના આધારે …

પૂર્વી મલકાણ મોદીના … જય શ્રી કૃષ્ણ !

 

Blog Link: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’

૧.] અહંકાર અવરોધે … ૨.] સાંભળતો રહું સઘળે ઠામ… ૩.] પ્રસાદ એટલે?..

૧.] અહંકાર અવરોધે …

 

 

 

આપણા માર્ગમાં પ્રભુની કૃપા અને ભક્તનો સ્નેહ એ બે જ મુખ્ય તત્વો છે. આપણું વરણ થયું છે તેથી આપણે આ માર્ગમાં આવ્યા છીએ અને પ્રભુ કૃપા કરીને આપણી સેવા સ્વીકારે છે. જીવનું કોઈ સામર્થ્ય  નથી, પુન્યાદીક જેવો કોઈ અધિકાર અહિં અસ્તિત્વમાં નથી.

મારી અલ્પ મતિ પ્રમાણે આ વાતનો અર્થ એટલો જ સમજાય છે કે ‘હું ભગવદીય વૈષ્ણવ છું’ ‘હું શ્રી ઠાકોરજીની સરસ સેવા કરું છું’ ‘મારી સેવા જેવી સેવા બીજા કોઈ ન કરી શકે’ જેવા ઉચ્ચારણો તો શું તેવો ખ્યાલ પણ સુક્ષ્મ અહંકારરૂપ ગણાય.

આપણે તો સદા પ્રભુના ઋણી રહી આપે આપેલા આ અવસરનો આનંદ લૂંટાય તેટલો લૂંટવાનો છે. સદા લીલાના રસમાં અને ભક્તિની મસ્તીમાં મસ્ત રહેવાનું છે. મળ્યું છે તેને માણી લેવાનું છે. લૌકિક ભૂલી અલૌકિક સાધવાનું છે.

આપણો પ્રવાસ પથ આનંદનો છે, દીનતાનો છે. જો ભૂલે ચુકે પણ જરા જેટલો પણ અહંકાર મનમાં ઘુસી જશે તો તે પ્રીતમની પ્રાપ્તિમાં અત્યંત અવરોધક બનશે. સતત જાગૃતિ જ આપણને બચાવશે.

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

૨.] સાંભળતો રહું સઘળે ઠામ …

પ્રાથમિક શાળામાં ભણેલા તે ‘હે ભગવાન, તારું નામ સાંભળતો રહું સઘળે ઠામ’ કવિતા યાદ છે? મને આખી કવિતા તો યાદ નથી પણ આ પહેલી જ લીટી આજે અચાનક યાદ આવી ગઈ. તે ગણગણતા મને એક વિચાર આવ્યો, એક સંશય થયો.

નામ લેવાથી આપણી ભક્તિ વધે, પ્રભુમાં પ્રીતિ વધે અને મર્યાદા માર્ગની રીતે વિચારીએ તો પુણ્ય મળે, પાપ કપાય. આમ જ છે તો પણ કવિ નામ લેવાને બદલે સાંભળવાને શા માટે મહત્વ આપે છે?

મને લાગે છે કે કવિનો અભિપ્રાય એવો છે કે આપણને અત્ર તત્ર સર્વત્ર પ્રભુ જ સંભળાવા જોઈએ, દેખાવા જોઈએ. કોઈ આપણને લૌકિકની વાત કરવા આવે તેમાં પણ આપણને પ્રભુની વાત, પ્રભુની લીલા જણાય, પતિ/પત્નીમાં, માત-પિતામાં, બાળકોમાં, સાસુ/વહુમાં અરે, વિરોધીમાં પણ પ્રભુનું દર્શન થવું જોઈએ. ‘જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી બાવા દેખાય’ ચરિતાર્થ કરી શકીએ તો આપણા માટે સમગ્ર વિશ્વ મંગલમય બની જાય. પ્રભુની વિભુતીરૂપ જ બની જાય. કેવી

કેવી અદભુત ભાવના! આવો આપણે પણ બધે પ્રભુને નીરખવાની આજથી જ શરૂઆત કરીએ!

 

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

 

૩.]  પ્રસાદ એટલે? …


આપણો માર્ગ ભાવનાનો માર્ગ છે. અહિં નેહના નીર તન મનને ભીંજવતા રહે છે.  ભગવદીયો પ્રભુની સેવામાં ઉપયોગી દરેક પદાર્થ, દરેક સામગ્રી, દરેક સાધનને માથે ચડાવતા હોય છે. પ્રભુના મંદિરની સફાઈમાં વપરાતી બુહારી અને પોંછો પણ પગમાં આવે તો અપરાધભાવ અનુભવાય છે. આથી જ પ્રભુના પ્રસાદને આપણે મહાપ્રસાદ કહીએ છીએ.

હમણાં એક ભગવદીયની વાતથી ધન્યતા અનુભવાઈ. ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે આપ સૌની પાસે પણ તે વાત કહેવી છે. તેમણે કહ્યું કે પ્રસાદ એ તો ‘પ્રભુના સાક્ષાત દર્શન’ નું ટૂંકું રૂપ છે.

વાહ!  કેવી સરસ વાત છે!  પ્રસાદમાં પણ પ્રભુનું દર્શન થાય, પ્રભુ કેટલા પ્રેમથી આરોગ્યા હશે? ક્યા ક્યા સખાઓ સાથે હશે? શ્રી સ્વામિનીજી પણ સાથે બિરાજ્યા હશે? એવી અનેક ભાવના થાય અને તે રીતે પ્રભુનું સ્મરણ, અવગાહન, અપ્રત્યક્ષ દર્શન થઇ જાય. વાહ! ક્યા બાત હે!

હવે જ્યારે પણ આપણા હાથમાં પ્રસાદ પધારે ત્યારે ત્યારે તેમાં ‘પ્રભુના સાક્ષાત દર્શન’ કરતાં રહીએ.

 

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

 

નોંધ :

જે મિત્રોને સિસ્ટમમાં ગુજરાતી ભાષા લખવામાં તકલીફ પડે છે  કે પ્રતિભાવ/કોમેન્ટ્સ ગુજરાતીમાં લખવામાં તકલીફ પડે છે તેઓ માટે ખા નીચે જણાવેલ લીંક ખૂબજ ઉપયોગી છે, ઉપરોક્ત લીંક ઓપન કરી અને સિસ્ટમમાં ડાઉનલોડ કરી સાઈટમાં આપેલ સૂચના મુજબ ઇન્સ્ટોલ કરવાથી ફક્ત ૨થી ૫ મીનીટમાં જ તમારું કાર્ય પૂરું થઇ જશે અને તમે સિલેક્ટ કરેલ ભાષા જેમકે ગુજરાતી, હિન્દી કે તેમાં દર્શાવેલ કોઇપણ ભાષાનો સિસ્ટમમાં કોઈપણ જગ્યાએ લખવા માટે આસાનીથી ઉપયોગ  કરી શકશો.  ઇન્સ્ટોલ કરવાની કોશિશ કર્યા બાદ જો કોઈ તકલીફ પડે તો અમારા ઈ મેઈલ એડ્રેસ પર જાણ કરશો.  અને પસંદ આવે તો, પ્રતિભાવ દ્વારા જાણ કરશો અને અન્યને પણ શીખવશો. … આભાર !

 

ગુજરાતી ભાષા લખવા માટે નીચે જણાવેલ સાઈટ લીંક ઓપન કરશો.

Fonts: Google IME Guj font. Free down loadable from: http://www.google.com/inputtools/windows/index.html

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

શ્રી મહેશભાઈ શાહ (વડોદરા)નો આ અગાઉ આપણે પરિચય અહીં બ્લોગ પર તેમની પોસ્ટ દ્વારા મેળવેલ., આજે ફરી નાની પણ મહત્વની ત્રણ વાત આપણા માટે લઈને બ્લોગ પર આવ્યા છે. ‘દાદીમા ની પોટલી’ પર આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. .. આભાર ! ‘દાદીમા ની પોટલી’.

ઇસબગૂલ-ઓથમીજીરું (આરોગ્ય અને ઔષધ) …

ઇસબગૂલ-ઓથમીજીરું (આરોગ્ય અને ઔષધ) …

 

 

 

આપણા ભારતીય જીવનમાં કેટલાંક આયુર્વેદીય ઔષધોએ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આવાં ઔષધમાં હરડે, આમળાં, સૂંઠ, મરી, પીપર, ગળો વગેરે અનેક વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ ઔષધોનો ઉપયોગ ઘણા પ્રાચીનકાળથી થતો હોવાથી તેના પરિણામ વિશે શંકાને કોઈ સ્થાન જ નથી. આવાં હજારો વર્ષોથી પ્રયોજાતાં ઔષધોમાં છેલ્લાં ત્રણસો-ચારસો વર્ષથી એક ઉત્તમ ઔષધ ‘ઇસબગૂલ’નો આપણા વૈદ્યકમાં ઉમેરો થયો છે. આ ઇસબગૂલ વિશે એક લઘુગ્રંથ લખી શકાય, પરંતુ અહીં તો માત્ર તેનો સંક્ષિપ્ત પરિચય જ આપું છું.

ગુણધર્મો …

ઇસબગૂલનું વાવેતર સિંધ, પંજાબ અને આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં ઊંઝાની આસપાસ ખૂબ થાય છે. આપણે ત્યાં તેને ‘ઓથમીજીરું’ પણ કહેવામાં આવે છે. આમ તો ઇસબગૂલ એ ભારતીય ચિકિત્સા પદ્ધતિને યુનાની ચિકિત્સા પદ્ધતિની ભેટ છે. યુનાની ચિકિત્સા પદ્ધતિમાં તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે.

આયુર્વેદનાં પ્રાચીનતમ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ પાછળના લઘુગ્રંથો તેમજ સંસ્કૃત ગ્રંથોમાં તેનો ‘સ્નિગ્ધ જીરકના’ નામે ઉલ્લેખ થયો છે. આ ગ્રંથો પ્રમાણે તે મૃદુ, પૌષ્ટિક, સ્નિગ્ધ, આંતરડાંને સંકોચાવનાર, કફ તથા પિત્તનાશક અને અતિસારપ્રધાન રોગોમાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. આ ઔષધનો સૌથી મોટો ગુણ એ છે કે તે આંતરડાંને સ્નિગ્ધ અને રસાળ બનાવીને અટકી ગયેલા મળને બાંધીને બહાર કાઢે છે.

રાસાયણિક દૃષ્ટિએ ઇસબગૂલની ભૂસી અને બીજમાં આશરે ૩૦ પ્રતિશત જેટલું મ્યુસિલેઝ નામનું પિચ્છિલ દ્રવ્ય હોય છે, જે તેને ઉપર્યુક્ત ગુણો પ્રદાન કરે છે.

ઉપયોગ …

બજારમાં ઇસબગૂલની ભૂસીને નામે મળતું આ ઔષધ કબજિયાતને દૂર કરવા માટે અત્યંત ઉપયોગી છે. રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે એકથી દોઢ ચમચીની માત્રામાં તેનું સેવન ખૂબ જ લાભકારી છે. જેમ એ કબજિયાતને દૂર કરે છે તેમ સાથે પાતળા ઝાડા, જૂનો મરડો, સંગ્રહણી વગેરે મટાડે છે. ઉગ્ર મસા અને રક્તાતિસારમાં પણ તે સારું કામ આપે છે.

આ ઇસબગૂલ ઉપલેપી હોવાથી સંગ્રહણી (ગ્રહણી કે સ્પ્રુ) રોગમાં અત્યંત ઉપયોગી છે. તે આંતરડાંની અંદરની દીવાલની શ્લેષ્મ ત્વચાને સ્નિગ્ધ કરે છે. આંતરડાંની રુક્ષતા, દાહ, અંદરના વ્રણોમાં અધિક લાભદાયી છે. પ્રાયઃ સર્વ પ્રકારના જૂના કે નવા મરડામાં અને સંગ્રહણીમાં બીજાં ઔષધોની સાથે તે ઉત્તમ પરિણામ આપે છે. હા, દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય સુધી ઉપયોગ કરવો હિતાવહ નથી, કારણ કે તેના સતત સેવનથી વાયુના સંધિવાત, એકાંગવાત, ત્વચાની રુક્ષતા, મસ્તિષ્ક દૌર્બલ્ય વગેરે રોગો થવાની શક્યતા રહે છે. પ્રસૂતાને માટે પણ તે હાનિપ્રદ ગણાય છે.

ધાતુપુષ્ટિ માટે ઇસબગૂલની ભૂસી ખૂબ જ ઉપયોગી છે. આશરે એક ચમચી જેટલું ઇસબગૂલ રોજ રાત્રે સાકર સાથે મિશ્ર કરીને દૂધ સાથે લેવાથી થોડા દિવસોમાં સ્વપ્નદોષ, શુક્રકોષની અલ્પ સંખ્યા, બહુમૂત્રતા વગેરે દોષો દૂર થાય છે. ધાતુપુષ્ટિ માટે બે ભાગ ઇસબગૂલ, એક ભાગ એલચીદાણા અને ત્રણ ભાગ ખડીસાકર રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળીને પી જવું.

યુનાની ચિકિત્સાના ગ્રંથોમાં ઇસબગૂલ વિષે એવો ઉલ્લેખ છે કે જૂના દમના રોગમાં વિધિવત્ તેનો ઉપયોગ કરવામાં આવે તો દમના રોગને શાંત રાખી શકાય, પરંતુ આ ઉપચાર ચિકિત્સકની દેખરેખ નીચે જ હિતાવહ છે. આજના યુગમાં કબજિયાત અને તેના ઉપચાર માટે સેંકડો બીજાં ઔષધો પણ મળી રહે છે. છતાં પણ ઇસબગૂલનું મહત્ત્વ આજે પણ એવું જ છે, જે તેની ઉપયોગિતા સાબિત કરે છે.

આરોગ્ય અને ઔષધ – વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

shant_1980 @yahoo.com

સંદેશનાં સૌજન્યથી.

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ …

 

બ્લોગ લીંક: http://das,desais.net
email: [email protected]

 

ઇસબગૂલ-ઓથમીજીરું …  આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવી જરૂર મૂકશો.  … ‘દાદીમા ની પોટલી’