૨ જું શિક્ષાપત્ર …

૨ જું શિક્ષાપત્ર ...

 

પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી આચાર્ય ચરણ શ્રી હરિરાયજીએ પુષ્ટિ જીવના કર્તવ્યનું દર્શન કરાવતાં, કર્મની વાત અને વાણીનાં સંયમ વિષે સમજાવ્યું છે. શ્રી વલ્લભ કુલ બાલકો કહે છે કે સેવાનાં માધ્યમથી લીલાભાવના અને ભાવભાવના તે જ રીતે અનોસર દરમ્યાન ભાવભાવના, પરોક્ષ સેવા, સેવા કાર્ય, દૈન્યતા, સત્સંગ અને ફળની આકાંક્ષા માટે પ્રથમ શિક્ષાપત્રનો પંદરમો શ્લોકને સમજવો જોઈએ. “ફલાશયાં ફલ કૃષ્ણ વદનં હ્રદિ ચિત્વતામ।“ અર્થાત કદાચિત જો ફલ મેળવવાની આશા જાગે તો શ્રી ઠાકુરજી જ ફલ સ્વરૂપ છે તેમ મનમાં રાખવું જોઈએ. “ફલમ કૃષ્ણ સદાન્નદો ભક્ત ભાવાત્મકત્વત ” સદા આનંદ રૂપ શ્રી કૃષ્ણ જ ભક્તોના ભાવાત્મક ફલ રૂપ છે, પુષ્ટિ જીવોનું સૌભાગ્ય છે, પ્રાણ રૂપ તત્વ છે.

 

બીજા શિક્ષાપત્રમાં વીસ શ્લોક રહેલા છે. પુષ્ટિમાર્ગમાં ફલરૂપ અને ફલાત્મક પ્રભુ પ્રત્યેની રસરૂપતા છે. શ્રી ઠાકુરજીનું સ્વરૂપ પુષ્ટિજીવોનાં હૃદયમાં દ્રઢ થાય તો જ એ સ્વરૂપનું ભાવાત્મક સ્વરૂપ પુષ્ટિજીવોના હૃદયમાં પ્રગટ થાય છે. બીજા શિક્ષાપત્રનાં ૧૮ શ્લોકમાં શ્રી ઠાકુરજીનાં સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મથુરામાં વસુદેવજીને ત્યાં પ્રગટ થયેલ સ્વરૂપ એ કેવળ ધર્મ કાર્ય માટે, અસૂરોના મોક્ષની પ્રાપ્તિ માટે, ધર્મરક્ષા માટે અને પૃથ્વી પરથી ભાર ઉતારવા માટે પ્રગટ થયેલું સ્વરૂપ હતું. પરંતુ ગોકુલમાં માતા યશોદાને ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ તે કેવળ અને કેવળ વ્રજભકતો, વ્રજ ભૂમિને આનંદ પ્રદાન કરવા માટે જ પ્રગટ થયેલું હતું. માટે એમ કહી શકાય કે મથુરામાં પ્રગટ થયેલું સ્વરૂપ તે સ્વરૂપાત્મક અને ગોકુલમાં પ્રગટ થયેલું સ્વરૂપ તે રસાત્મક હતું.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્વરૂપાત્મક સ્વરૂપ તે મર્યાદિક જીવોને માટે છે અને રસાત્મક સ્વરૂપ તે પુષ્ટિજીવોને માટે છે. પ્રભુનું સ્વરૂપ તો દરેક કલ્પમાં પ્રગટ થાય છે પરંતુ દરેક કલ્પનાં અવતાર વખતે પ્રભુ કોઈ ને કોઈ ધર્મ ઉત્થાનનાં કાર્ય માટે પ્રગટ થયાં જ છે પરંતુ કેવળ દ્વાપર યુગ અને સારસ્વત યુગમાં જ પ્રભુ પરિપૂર્ણ રીતે પુષ્ટિજીવોને આનંદિત કરવા અને વેદની ઋચાઓને શરણે લેવાં માટે પ્રગટ થયાં છે. તેથી જ સંસારનાં સર્વે સંતો, વિદ્વાનો અને આચાર્યો કહે છે કે જે શ્રી યશોદાજીની ગોદમાં પરમાનંદ સ્વરૂપે બિરાજેલા છે તે જ કૃષ્ણ, શ્રી બાલકૃષ્ણ પુષ્ટિસૃષ્ટિનાં જીવો માટે સેવ્ય છે.

 

બીજા શિક્ષાપત્રનાં ૧૯ માં અને ૨૦ માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કૃપાથી જ દરેક પુષ્ટિ જીવોનાં ગૃહમાં શ્રી ઠાકુરજી બિરાજે છે માટે ખૂબ સાવધાની અને પ્રેમપૂર્વક શ્રીજીની સેવા કરવી. શ્રી વલ્લભ અને શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકોનાં બતાવ્યા પ્રમાણે હૃદયથી, મનથી, લગનથી સેવા કરવાથી પ્રભુમાં આસક્તિ જાગૃત થાય છે. જેમ આ વીસ શ્લોકોનું શિક્ષાપત્ર છે તેજ રીતે શ્રી મહાપ્રભુજી વીસ શ્લોકનું નિરોધ લક્ષણ નામનું ગ્રંથ રચ્યું છે. ભાવ પ્રમાણે પુષ્ટિજીવોનો નિરોધ પ્રભુમાં સિધ્ધ થાય તે હેતુથી શ્રી શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ જણાવેલું છે કે અનોસર દરમ્યાન પણ રસરૂપ શ્રી કૃષ્ણનાં સુંદર સ્વરૂપનું ધ્યાન ધરીને, ચિત્તમાં વિશુધ્ધ ભાવના પ્રગટાવીને શ્રી કોટિ કદર્પ લાવણ્ય યુક્ત શ્રી ઠાકુરજીનાં ચરણારવિંદનું પુષ્ટિ જીવોએ સદાયે ધ્યાન ધરવુ જોઈએ, પ્રભુનું ચિંતન અને મનન કરવું જેથી ચિત્તમાં નિરોધ સિધ્ધ થાય અને સંયોગ, વિયોગ તથા વિપ્રયોગ રસનો અનુભવ થાય.

 

લેખક-વ્રજનીશ શાહ યુ એસ એ. BOYDS MD.
[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ

 

પુષ્ટિ વિશેષ : આજથી પુષ્ટિ માર્ગની વધુ જાણકારી મળે તે હેતુથી , અમે શિક્ષાપત્રનાં અંતમાં એક વિશિષ્ટ વિભાગ પુષ્ટિ પદ કિર્તન ભાવાર્થ સાથે શરૂ કરી રહ્યાં છીએ જેમાં આપને પ્રત્યેક શિક્ષાપત્રની સાથે આપણાં અષ્ટસખાઓ રચિત કિર્તનોની જાણકારી મળશે. આ કિર્તનોની જાણકારી સાથે  આપને વ્રજભાષા શબ્દો વિષે જાણવા મળે તેવો અમારો પ્રયાસ સદાયે રહેશે.

 

૧) અષ્ટસખા પદ …
રચના –નંદદાસજી

 

कान्ह अटा चढ़ चंग उड़ावत, में अपने आँगनते हेर्यों
लोचन चार भये नन्दनंदन, काम कटाक्ष कीयों मन मेरो
बहुत रही समुझाय सखीरी, अटक न मानत यह मन मेरो
“ नन्ददास “ प्रभु कब मिलोंगे, खेंचत दोर, केंधो मन मेरो

ભાવાર્થ-

શ્રી નંદાલયની બાજુમાં રહેનાર એક ગોપાંગનાને પોતાના ઘરમાંથી એવા દર્શન થયાં કે નંદદુલારા અગાશી પરથી પતંગ ઉડાડી રહ્યાં છે તે જ વખતે નંદલાલાએ પણ નજર ફેરવતા તેમની દૃષ્ટિ સાથે ગોપાંગનાની પણ દૃષ્ટિ મળી. દૃષ્ટિથી દૃષ્ટિ મળતા ગોપાંગનાનું હૃદય નંદકુંવરને મળવા માટે ઝંખવા લાગ્યું અને શ્રી નંદનંદનના સાનિધ્યમાં જવા માટે ગોપાંગનાનો તરફરાટ વધી ગયો. ગોપાંગનાની આ દશા જોઇને તેની સખીએ આશ્વાસન આપતાં કહ્યું કે પ્રિય સખી નંદલાલ પતંગ ઉડાડતી વખતે દોર તો ખેંચી રહ્યાં છે પરંતુ સખી સાથે સાથે તેઓ ગોપીજનોના મન પણ ખેંચી રહ્યાં છે. નંદદાસજીએ શ્રી ઠાકુરજીની આ લીલાના દર્શન તો કર્યા પરંતુ હવે નંદદાસજી પણ પૂછી રહ્યાં છે કે શ્રી ઠાકુરજી મને ક્યારે મળશે, અને ક્યારે તેઓ પતંગના દોરની જેમ મારા મનને પણ પોતાના સાનિધ્યમાં ખેંચશે ?

(પુષ્ટિમાર્ગીય કિર્તન સાહિત્યના આધારે)
 વ્રજભાષાનાં પદમાં સમાવેશ થોડા શબ્દોની  સરળ સમજણ …

अटा-અગાશી

समुझाय-સમજાવી

केंधो—ક્યારે

हेर्यों-દર્શન

अटक-જરાપણ

પૂર્વી મલકાણ મોદીના જય શ્રી કૃષ્ણ.

 

Blog Link: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’