ગુરુ ઇષ્ટમાં લીન થઇ જાય …

ગુરુ ઇષ્ટમાં લીન થઇ જાય …
– સ્વામી આત્મસ્થાનંદ

 

ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત સ્વરૂપ છે. રામકૃષ્ણ અને વિવેકાનંદના સ્થૂળ દેહ ક્યારનાય વિલય થઇ ગયા પરંતુ આજે તેમની પૂજા થાય છે. આ સ્થૂળ શરીર એ એક પ્રતિક છે. એ એક આપણો આધાર-અવલંબન છે. જેમાંથી આપણને રામકૃષ્ણતત્વ, વિવેકાનંદતત્વ પ્રાપ્ત થાય છે. જગદંબાના સ્પર્શથી શ્રી રામકૃષ્ણનો ગુરુભાવ પ્રગટ થાય છે. જગદંબાનું મહત્ અહં શ્રીરામકૃષ્ણમાં નિત્ય લીલા પ્રગટ કરે છે એટલે જ ગુરુની મહાનતા છે. શરીરની મહાનતા નથી.

 

જે સ્તોત્રમાંથી આધ્યાત્મિકતાનો પ્રવાહ મને મળે તે મારા ગુરુ. ગુરુભાવ એક વિચાર છે – મહાસત્ય છે. જે દિવ્ય પ્રવાહ ગુરુના માધ્યમ દ્વારા આવે છે એનું જ અહીં મહત્વ છે. આ મહાસત્ય એક મહાભાવ છે. શાસ્ત્ર પ્રમાણે હું સંન્યાસી છું. હું ગુરુ થવા માટેનો પૂર્ણ અધિકારી છું. સંન્યાસ દ્વારા ઉપદેશ આપવાની સત્તા મળે છે. રામકૃષ્ણ મિશનના દરેક સાધુમાં શાસ્ત્રોક્ત રીતે ગુરુ થવાની લાયકાત છે. પરંતુ અમારી હજી એવી માન્યતા છે કે અમારામાં હજી ગુરુશક્તિ પ્રગટી નથી. ગુરુ એ દિવ્યતાના ધારક અને વાહક છે.

 

બ્રહ્મજ્ઞ ગુરુમાં શાસ્ત્રો સોળઆના શ્રદ્ધા રાખવાનું કહે. દીક્ષાદાતા ગુરુની ભક્તિ કરો. ગુરુના ભાગવતી તનુની પૂજા કરીએ. એમની ચરણરજ લઈએ કારણ કે ગુરુનો ભાવ અને આપણું અવલંબન એક અભિન્ન શ્રદ્ધાબળ છે. તમે રાતદિવસ એ પ્રમાણે સાધના કરતાં જ જાઓ ત્યારે તમે એવા બની જાઓ છો. રાતદિવસ ભગવાન ભગવાન કરવાથી એક દિવસ ભગવાન બની જવાય.

 

ગુરુ અનેક નહિ, ગુર એક જ. તમારા અને મારા ગુરુમાં કશો ફેર નહીં. આધ્યાત્મિક ગુરુઓ જુદા જુદા શરીર – અવલંબન લઈને આવે છે. પરંતુ ભાવ્રૂપે એક જ. જ્યાં સુધી દેહભાન રહે ત્યાં સુધી જે શરીરમાં ગુરુભાવ તે ગુરુ. પરંતુ પછી તો ફક્ત ગુરુભાવ એ જ ગુરુશક્તિ – એ જ ગુરુ. આ એક સંપ્રદાય ઊભો કરવા માટે નથી પરંતુ આ એક ઊંડો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે. રામે જ્યારે વિષ્ણુરૂપ ધારણ કર્યું ત્યારે હનુમાનજી મૂંઝાઈ ગયા. રામને તેમની મુંઝવણ સમજતાં વાર ન લાગી અને હનુમાનજીને કહ્યું, કેમ હનુમાનજી તમે તો જ્ઞાની છો. આત્મા એક છે. જે વિષ્ણુ એ જ રામ. હનુમાનજીએ કહ્યું, ‘જી હા, આ રૂપ બહુ મધુર. શ્રીનાથ ને જાનકીનાથ એક જ પરંતુ મારું હૃદય તો રામ કમલલોચન જ નિહાળવા ઈચ્છે છે. મારા માટે તો રામ જ મારા ઇષ્ટદેવ. ફરી રામે વિષ્ણુરૂપ છોડી રામરૂપ ધારણ કર્યું. ત્યારે હનુમાનજી શાંત થયા.’

 

શ્રી રામકૃષ્ણદેવ કહેતા કે જગદગુરુ મંત્ર દે પ્રાણમાં અને માનવગુરુ મંત્ર આપે કાનમાં. જેના દ્વારા મનમાંથી – બુદ્ધિમાંથી જડતા દૂર થઇ જાય અને એની જગ્યાએ શુદ્ધતા અને સાત્વિકતા આવે ત્યારે જ અંદરનો આવજ સ્પષ્ટ પણે સાંભળી શકાય. એ સાત્વિકતાને લીધે જ અંદર બેઠેલા જાગ્રત ભગવાનનો અવાજ સાંભળી શકાય. જ્યારે ઇન્દીયોનો ખળભળાટ – કલહ બંધ થાય ત્યારે જ અંદરનો પ્રણવ ધ્વનિ સંભળાય. અનાહત ધ્વનિ યુગયુગોથી સંભળાતો આવે છે છતાં આપણે એને કેમ સાંભળી શકતાં નથી ? મન જ્યારે શાંત સ્વચ્છ અને સ્થિર થાય ત્યારે મન તમારો ગુરુ બનશે.

 

ગુરુ સ્વયં આનંદમૂર્તિ છે. પોતાની તૃપ્તિ માટે બીજા પર નિર્ભર નથી. તેમના હાથમાં જ બ્રહ્માનંદ છે. હસતામલકવત્ ગુર એ તો શુદ્ધ મનના સધન સ્વરૂપ. એમનામાં ઐશ્વર્ય, વૈભવ નથી. ગુરુ શુદ્ધ સચ્ચિદાનંદ. તેમાં કોઈ જાતનો કલેશ નથી. અંતર અને બહિર સંયમની મૂર્તિ. સમસ્ત મન એમની મુઠ્ઠીમાં પ્રશાંત રહે. કોઈ જાતની જીવજગતની ઊર્મિઓના ઘાટપ્રતિઘાતથી તેઓ ચંચલ નહિ થાય. સર્વ વિદ્યાનો ખજાનો એમનામાં છે. સામ્ન્ય્થી બ્રહ્મ વિદ્યા સુધીનો ખજાનો એમનામાં છે.

 

આપણા ગુરુ જન્મજન્માંતરના આપણા ભવરોગને સમજી શકે છે. તેઓ દુઃખ દૂર કરવા માટે સરસ ઉપાય બતાવી શકે છે. એમની ઈશ્વરીય મહાશક્તિથી માયાનાં બંધન દ્રષ્ટિમાત્રથી છોટી શકે. જડબુદ્ધિવાળો માણસ ગુરુની અનેરી કરુણાથી જાગૃત બની શકે. ભગવાન સ્વયં ગુરુ દ્વારા આપણને સહાય કરે છે. સૌના ગુરુ આ રીતે જુદીજુદી રીતે ભવરોગથી મુક્ત કરે છે.

 

ગુરુ જ્ઞાનદાતા છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ હાથમાંથી જે રીતે આપણે બીજાને વસ્તુ આપીએ તેમ બ્રહ્મજ્ઞાન આપી શકે. શંકરાચાર્યની ગુરુસ્તુતિ ખૂબ સરસ છે. જન્મમરણનાં દુઃખને નિર્મૂળ કરે છે એ જ ખરા સદગુરુ. એમને આપણે વંદન કરીએ. ગુરુમહારાજ એક જગ્યાએ કહે છે કે રામનામ પણ ળો અને કપડાં પણ સાચવો એ ન ચાલે. શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાનું ઊંડાણ હોવું જોઈએ. ઈશ્વરના સ્પર્શથી તાત્કાલિક ભેદ દૂર થાય. ગુરુ મહારાજ પાસે હરિવલ્લભ આવ્યા ને જોયું તો ગુરુમહારાજની અત્યંત નમ્રતા. અદભુત ગુરુની ઉદારતા પણ મહાન હોય છે. એમના તરફ ભક્તોનું ખેંચાણ પણ અનન્ય હોય છે. શંકરાચાર્ય કહે છે, ‘આત્મરતિ અર્થાત બ્રહ્મનિષ્ઠ બનવું તે જ ભક્તિ.’

 

શ્રીરામકૃષ્ણનો પૂણ્ય દેહ એક યંત્ર, તેના દ્વારા દેવીતત્વ, ઇશ્વરતત્વ, બ્રહ્મતત્વ પ્રસારિત થાય છે. જેમ સૂર્યમાંથી સૂર્યનાં કિરણો પ્રસારિત થાય તેમ. પરંતુ જ્યાં સુધી આપણું મન શરૂ સાત્વિક ન થાય ત્યાં સુધી ઊર્ધ્વગતિ થાય નહિ. ઠાકુર કહેતા કે રાધાકૃષ્ણનું મિલન થાય ત્યારે સખીઓને નિરાંત થાય, આરામ થાય, શાંતિ થાય. પરંતુ જ્યાં સુધી બંનેનું મિલન ન થાય ત્યાં સુધી તો સખીઓ ખૂબ દોડાદોડી કરે અને એમના મિલન માટે સતત ચિંતા કરે. ગુરુનું પણ એવું જ. જ્યાં સુધી ઇષ્ટદેવ સાથે શિષ્યનું મિલન ન થાય ત્યાં સુધી ગુરુને સતત ચિંતા રહ્યા કરે. એક ભક્તે ગુરુને વિહવળતાથી પૂછ્યું, ‘ઇષ્ટદેવ ને શિષ્યનું મિલન થાય ત્યારે ગુરુ ક્યાં જરા રહે ?’ ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું. ‘ગુરુ ત્યારે ઇષ્ટદેવમાં લીન થઇ જાય.’

 

રા.જ. ૭-૧૨/(૩૪)૧૭૨-૧૭૩

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

(વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં અધ્યક્ષ અને હાલના શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્ય્ક્ષ શ્રીમત સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ગુરુપૂર્ણિમાનાં દિવસે આપેલ પ્રવચનના સારાંશનું કરેલું સંકલન પ્રસ્તૃત છે.)

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … ‘દાદીમા ની પોટલી’.