આંસુ પવિત્ર જલધારા …

આંસુ પવિત્ર જલધારા …

 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ, બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા. અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની તળેટીમાં આવેલ નેરલ માં Senior Citizen માટેની Dignity Lifestyle Township માં રેહવાનું પસંદ કર્યું. હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે. બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો. ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.

ચાલો ફરી એક વાર  હેમલતાબેન દ્વારા મોકલાવેલ પોસ્ટ ‘ આંસુ પવિત્ર જલધારા …’  ને અહીં માણીએ …

 

(આ અગાઉ આપણે હેમલતાબેનનો  લેખ અને તેમના નાના બેન બંસરીબેનના  લેખ અહીં માણેલ, આ ઉપરાંત તેમના નાના  બેન જ્યોતિબેન નો પરિચય પણ આપણે અહીં તેમના લેખ દ્વારા મેળવેલ ., જેઓ ૨૦૦૯ માં તેમના ભાંડુઓ નો અધવચ્ચે સાથ છોડી અને ઈશ્વરને પ્યારા થઇ ગયા છે.)


 

 

થોડાં દિવસ પહેલાં એક સુંદર –જૂની ફિલ્મ “ધર્મ” જોવાની તક મળી. ફિલ્મનો નાયક એક વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ. જેનો સમય ફક્ત શાસ્ત્રાભ્યાસ, પૂજાપાઠ અને વિદ્યાદાનમાં જ પસાર થતો હતો. સમાજમાં તેનું સ્થાન એક પ્રકાંડ તેજસ્વી પંડિતના રૂપમાં હતું. કર્મકાંડને કારણે વર્ણ અને વર્ગના ભેદ મક્કમતાથી માનતો હતો. એક દિવસ એની એકની એક પુત્રી એક અનાથ બાળકને પોતાના ઘરે લઇ આવી. પિતાના વિચારો જાણતી હતી તેથી તેણે એ બાળક બ્રાહ્મણકૂળનો છે એમ જણાવ્યું. પંડિતજીની ઈચ્છા વિરૂદ્ધ મા –દીકરીએ બાળકની દેખરેખ રાખવા માંડી. પંડિતજી પોતાને તે બાળકથી દુર રાખતા.

 

એક દિવસ પંડિતજી પૂજા કરતાં હતા અને બાળકે જોરશોરથી રડવા માંડ્યું. બાળકના રૂદનથી વિચલિત પંડિતજી પૂજા અધૂરો છોડી તે બાળકને શાંત કરે છે. ધીમે ધીમે પંડિતજીને પણ આ બાળક માટે લગાવ થવા માંડે છે અને તે બાળકને અપનાવી લે છે. (આંસુની શક્તિ) અત્યાર સુધી નામ વગરના બાળકને નામ મળ્યું કાર્તિકેય. હવે કાર્તિકેય ખૂબ લાડ-પ્યાર મેળવે છે. થોડો મોટો થાય છે. ત્યાં આવે છે કાર્તિકેયની મુસ્લિમ માં, જેને કારણે બાળકને હિન્દુ-મુસ્લિમ હુલ્લડના ડરથી બાળકને પંડિતજીના આંગણામાં મૂકી દીધું હતું. રડી –કકળીને તે પુત્ર મુસ્તફા –કાર્તિકેયને પોતાની સાથે લઇ જાય છે.

 

પંડિતજીની વિદ્વતાને કારણે બીજા ઈર્ષ્યાળુ બ્રાહ્મણો તેમને કંઈ આદુ અવળું કહે તે પહેલાં પંડિતજી પોતે જ પ્રાયશ્ચિત રૂપે વ્રત-ઉપવાસ- પૂજા ઉપાસના વગેરે કરી પોતાનું સ્થાન જમાવી રાખે છે. પણ કાર્તિકેયની યાદ તો તેમને વારે ઘડીએ સતાવે છે. એવામાં ‘શહેરમાં હુલ્લડ થાય છે અને પંડિતજી મુસ્લિમ વસ્તીમાં જઈ જાનના જોખમે ફક્ત કાર્તિકેયને બચાવતા નથી પણ હુલ્લડ રોકવામાં સફળ થાય છે. કારણ હવે તેમની ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. આંખમાં વહેતી અશ્રુધારા સાથે તે ધર્માંધ હિન્દુઓની એ ભીડને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે છે. સફળ થાય છે. અને તેમની પાસે શસ્ત્ર ત્યાગ કરાવે છે.

 

આ ફિલ્મ જોઈ આંસુની શક્તિનો પરિચય થયો. ખરેખર આંસુ ઈશ્વરની દેન છે – અણમોલ. આંસુ ફક્ત આંખોમાંથી નીકળતું પાણી નથી પણ મનનો અવાજ છે. હૃદય – સાગરમાં જ્યારે ઉથલપાથલ થાય છે ત્યારે આંખોને કિનારેથી જે મોજા બહાર આવે છે તે આંસુ સમુદ્રના પાણીની જેમ તેમાં પણ ખારાશ હોય છે.

 

ખરેખર હૃદયમાંથી નીકળેલા આંસુ સૌથી સારા આંસુ છે. હર્ષ અથવા શોકમાં નીકળેલા દરેક આંસુ કિંમતી છે. મોટા મોટા શસ્ત્રોથી ન બનતી વાત આંસુના બે ટીપાંથી બની જાય છે. માના આંસુ, પત્નીના આંસુ, પ્રિયજનનાં આંસુ, બાળકના આંસુ, કન્યા – વિદાય વખતે માતા – પિતાના આંસુ અરે ભક્તના આંસુ પોતપોતાની ભાવનાઓ પ્રગટ કરવાનું માધ્યમ બની જાય છે. સંવેદનશીલતાની નિશાની છે. આંસુ એટલે તો કહેવાય છે કે આંસુ બહાર આવે છે ત્યારે મનનો તણાવ દૂર થાય છે. મન હલકું થઇ જાય છે. હાઈ બળદ પ્રેશર, ડીપ્રેશન દૂર થાય છે. ઘણીવાર ઊંઘ પણ સારી આવી જાય છે અને વ્યક્તિ જાગે છે ત્યારે સ્ફૂર્તિમય હોય છે. આંસુ શબ્દોની કસર દૂર કરે છે. કોઈકવાર શબ્દોથી ન થતું કામ આંસુથી થાય છે.

 

 

 

 

પ્રસંગ આનંદનો હોય કે શોકને હરખના આંસુ હોય કે શોકના પણ એમાં ચમત્કાર સર્જવાની શક્તિ છે. ખરેખર આંસુ પ્રકૃતિનો એક ચમત્કાર જ છે. કદાચ તેથી જ વરસાદને “ઈશ્વરના આંસુ” કહ્યા છે. વૈજ્ઞાનિક સત્ય ભલે કંઈ જુદું હોય પણ ખેડૂતોને મન તો વરસાદના બૂંદ એટલે ઈશ્વરની કરુણાનું પાણી.

 

 

આંસુ તો આંસુ જ છે. ભલે પછી તે ગરીબના હોય કે અમીરના, સબળના હોય કે દુર્બળનાં, પુરુષના હોય કે સ્ત્રીના. હા, તે નકલી પણ હોય – મગરના આંસુ. જેના વળે લોકો પોતાનો સ્વાર્થ સાધી લેતાં હોય છે. પ્રાયશ્ચિતનાં આંસુમાં પણ મહાન શક્તિ હોય છે. કવિ કલાપીએ કહ્યું છે ને …

 

 

“ હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું
જેમાં ડૂબકી મારી પાપી પણ પૂણ્યશાળી થાય ||”

 

કેટલું સહેલું હોય છે દર્દથી ઉમટેલા તે આંસુઓને સહન કરવાનું જયારે તેમાં કોઈ ભાગ પડાવે છે ? જીવનને સાર્થકતા આવી સહ-અનુભૂતિમાં વર્તાય છે. કબર કે સમાધી પર આંખોમાંથી ટપકેલા બે બુંદ આંસુ પણ આપોઆપ પૂર્ણ શ્રદ્ધાંજલિ બની જાય છે.

– હેમલતા પારેખ

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર હેમલતાબેન પારેખ દ્વારા મોકલવામાં આવેલ આજની પોસ્ટ બદલ અમો હેમલતાબેનનાં અંતરપૂર્વકથી આભારી છીએ. આપને આજ ની પોસ્ટ પસંદ આવે તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે લેખકની કલમ ને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહે છે. .. આભાર !