ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ…

ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ…

 

 

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ભગવાન ગણેશનું નામ સૌથી ઉપર છે કારણ કે પંચદેવોમાં અને સર્વે દેવોમાં ભગવાન ગણેશ સૌ પ્રથમ પૂજાય છે. કોઈપણ શુભકાર્યની શરૂઆત પૂર્વે ભગવાન ગણેશનું આહ્વાન કરાય છે ત્યારબાદ જ શુભ કાર્યનો પ્રારંભ થાય છે. ભગવાન ગણેશને વિઘ્ન વિનાશક એવં બુધ્ધિ દાતા અને મંગલ કર્તા દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશનું મુખ ગજનું હોવાથી તેઓ ગજાનન તરીકે પણ ઓળખાય છે. સમસ્ત ગણ દેવતાઓમાં અગ્રપૂજ્ય અને તેમનાં સ્વામી હોવાથી ગણપતિજીને વિનાયકનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

 

આપણે ત્યાં ગણેશ પૂજન તો રોજ અને મંગલકાર્યમાં હંમેશા થતું હોય છે પરંતુ ભાદ્રમાસ દરમ્યાન દશ દિવસ માટે ખાસ ગણેશ ઉત્સવ અને સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ભકતજનો ભગવાન ગણેશનાં વિવિધ સ્વરૂપોને પધરાવીને તેમનું ભાવપૂર્વક પૂજન કરે છે અને દશ દિવસ બાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પુરાણો જણાવે છે કે ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ છે પરંતુ શ્રી મહાગણપતિજીનાં આરાધકો ભગવાન ગણપતિનાં સોળ સ્વરૂપ બતાવે છે. દુંદાળા, વિઘ્નહર્તા દેવ એવા ભગવાન ગણેશનાં આ અગિયાર રૂપનું વર્ણન આ પ્રમાણે છે.

૧) બાલ ગણપતિ-

જેમ બાલ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક અને મનમોહન છે તેમ બાલ ગણપતિનું સ્વરૂપ પણ અતિ મનમોહક છે. બાલ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હસ્તમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોનાં જણાવ્યાં મુજબ બાલ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

૨) કિશોર ગણપતિ-

 

કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભૂજા ધરાવે છે. તેમનાં અષ્ટ હસ્તોમાં અંકુશ, પાશ, જાંબુ ફળ, તૂટી ગયેલો હાથી દાંત, ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતાં નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે છે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

૩) ઉર્ધ્વ ગણપતિ-

 

શ્રી ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભૂજા યુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપનાં અષ્ટ હસ્તોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથી દાંત, ધનુષ્ય-બાણ, અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલા વસ્ત્રો ધારણ કરીને સિધ્ધી દેવી બેસેલી છે. જે પણ ભકતજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતા તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

૪) ભક્ત ગણપતિ-

 

ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હસ્તમાં શ્રી ફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટ ફળની પ્રાપ્તિની ઈચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેમની આરાધના સફળ બને છે.

૫) વીર ગણપતિ-

 

ભગવાન ગણેશની આ પ્રતિમાએ સોળ ભૂજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વનાં સંરક્ષકનાં ઉદેશ્યને માટે જો ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

૬) શક્તિ ગણપતિ-

 

ભગવાન ગણેશનાં આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમા સમાન છે. ભગવાન ગણપતિની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિત ઋષિ દેવી બિરાજમાન થયેલી છે. ભગવાન ગણેશનાં આ સ્વરૂપને બે ભુજાઓ છે. ગણપતિ બાપાનું આ સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે અતિ શુભ માનવામાં આવ્યું છે. આ બે હસ્તમાં એક હસ્ત આર્શિવાદ આપે છે છે અને બીજા હસ્તમાં નીલ કમલ છે.

૭) હેરંબ વિઘનેશ્વર-

 

 

આ સ્વરૂપ હેરંબ એટ્લે કે સિંહ પર સવાર થયેલું છે. બારભૂજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હસ્ત અભયમુદ્રામાં અને જમણો હસ્ત આર્શિવાદ આપે છે. બાકીનાં હસ્તમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂલ, લાલ કમલ, અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે. આ સ્વરૂપનો વર્ણ ઉજ્જવલ અને શુભ્ર છે. આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

૮) લક્ષ્મી ગણપતિ-

 

ગણપતિ બાપાની લક્ષ્મી એટ્લે કે રિધ્ધિ અને સિધ્ધી. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઑ રિધ્ધિ અને સિધ્ધી દેવી બિરાજમાન થયેલા છે. આ ગણપતિજી અષ્ટભૂજા યુક્ત છે. જેમના હસ્તમાં શુક, અનાર, મણિજડિત રત્ન કળશ, લાલ કમળ, કલ્પલત્તા વેલ, પાશ, અંકુશ, અને ખડ્ગ સોહે છે. રિધ્ધિ અને સિધ્ધી દેવીઓનાં બંને હસ્તમાં નીલ કમળ રહેલા છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃધ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી આ સ્વરૂપને ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

૯) મહાગણપતિ-

 

બારભુજાઓ યુક્ત આ મહાગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહાગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમનાં વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને આ સ્વરૂપના એક હસ્તમાં કમળ પુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ગોદમાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો વરદ વરદાન આપનારી મુદ્રામાં છે. આ સ્વરૂપનાં બાકીનાં હસ્તોમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડૂંડા, પુષ્પ અને લાડુ મોદક છે. મહાગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

૧૦) વિજય ગણપતિ-

 

સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભૂજાઓથી યુક્ત છે . ભગવાન ગણેશની આ ચાર ભૂજાઓમાં આમ્ર ફળ, ગજ દંત, પાશ અને અંકુશ સોહે છે. મૂષક પર આરુઢ થયેલ આ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોના મનની સર્વ મંગલ અભિલાષા પૂર્ણ કરે છે.

૧૧) ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ-

 

બાર ભૂજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. ભગવાન ગણેશની આ દ્વાદશ ભૂજાઑમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુલ્હાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ, અને પુષ્પમાળ રહેલી છે.

શાસ્ત્રો કહે છે કે ભગવાન ગણપતિનાં આ વિવિધ રૂપો જુદા જુદા કાર્યોના સાધક છે વળી ભગવાન ગણેશની પૂજા આદીકાળથી ભારતવર્ષમાં થતી આવી છે, પરંતુ આજ આ પૂજનને સાર્વજનિક રૂપરેખા આપવામાં આવ્યું છે. ભગવાન ગણપતિનાં આ સાર્વજનિક સાકાર સ્વરૂપનાં પૂજનની શરૂઆત લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી જેની શરૂઆત સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં થઈ હતી.

સાભાર : –પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)
સંદેશ દૈનિકનાં સૌજન્યથી

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘ભગવાન ગણેશજીનાં અગિયાર સ્વરૂપ …’ આજની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વિબેન મલકાણ નાં અંતરપૂર્વકથી આભારી છીએ., આજની પોસ્ટ આપણે પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો… ‘દાદીમા ની પોટલી’.