સતી મસ્તાની …

સતી મસ્તાની …

રામેશ્વર તાંતીયા …

 

 

બુંદેલખંડ પર મોગલોની નજર હતી. કેટલીયવાર આક્રમણ કર્યા પણ બાહદૂર બુંદેલાઓએ એમને એમને મારી હટાવ્યા. અંતે મુહમ્મદ ખાં બંગશના નેજા હેઠળ લશ્કર મોકલ્યું. મુહમ્મદ ખાં દુર્ઘર્ષ અને કટ્ટર મુસલમાન હતો. દરેક વખતે જ્યારે મહરાજ છત્રશાલના રાજ પર આક્રમણ કરતો ત્યારે મંદિરો તોડીને મસ્જિદો બનાવતો અને હિંદુઓ પર અનેક અત્યાચારો કરતો. છત્રશાલ મહારાજા એને હરાવીને વળી પાછી મસ્જિદોને તોડીને મંદિરો બનાવતા. આવા પરાજય અને અપમાનની આગથી તે ખૂબ ગુસ્સે થયા. બાદશાહ પણ અધીરા થયા હતા.

એક મોટા આક્રમણની પૂર્વ તૈયારી કરી. ૧૭૨૯ માં મોટા સૈન્ય સાથે મહમ્મદ ખાં છત્રશાલની રાજધાની પન્ના સુધી ચડી આવ્યો. વિશાળ મોગલ સામ્રાજ્યની સરખામણીમાં અસ્ત્રશસ્ત્ર અને બીજી સાધન સામગ્રી બુંદેલાઓ પાસે ઓછી હતી. સંખ્યાની દ્રષ્ટિએ પણ ઓછા હતા. એમની પાસે હતાં અદભુત શાર્ય, સાહસ અને દેશપ્રેમ. વારંવાર થતા આક્રમણથી છત્રશાલનું સૈન્ય ભાંગતું જતું હતું. મહારાજાની ઉંમર પણે સિત્તેર વર્ષની હતી. પહેલાં જેવું શારીરિક બળ હવે રહ્યું ન હતું. સૌથી મોટું દુર્ભાગ્ય તો એ હતું કે આ વખતના આક્ર્મણમાં મોટાભાગના હિંદુ રાજાઓ અને જાગીરદારોએ મોગલ સૈન્યને સાથ આપ્યો હતો.

મહારાજે જોયું કે પોતાના અંતિમ દિવસોમાં કદાચ તુર્કોના દાસ બનીને રહેવું પડશે. બુંદેલખંડ પર એમના જીવનકાળમાં ભગવા ધ્વજને સ્થાને મુસલમાની લીલો ધ્વજ ફરકશે એની આશંકાથી આકુળવ્યાકુળ થઇ ગયાં. પૂનાના શ્રીમંત પેશ્વાબાજીરાવની વીરતા અને સાહસની વાતો એમણે સાંભળી હતી. છત્રશાલે એમને દોહો લખીને મોકલ્યો :

જે ગાતો થઇ ગજેન્દ્રની, એ ગતિ પહોંચી આજ
બીજી જાય છે બુંદેલની, રાખો બાજી લાજ

પત્ર મળતાં જ પેશ્વાએ નિર્ણય કર્યો. મુસાફરી લાંબી હતી. છતાં પણ દક્ષિણથી પોતાની અજેય મરાઠી સેના લઈને ૨૦ દિવસમાં પન્ના પહોંચી ગયા. મરાઠા અને બુંદેલોએ મળીને ઘેરો નાખીને મોગલો પર આક્રમણો કરવાનું શરુ કર્યું. એમને શત્રુઓ પર નિર્ણાયક વિજય મળ્યો. અપાર યુદ્ધ સામગ્રી છોડીને ભાગ્યા. મોહ્બત ખાં દૂરના એક કિલ્લામાં જઈને છુપાણો. રાતના અંધારામાં બુરખો ઓઢીને ભાગી છૂટ્યો.

એક રાતે બાજીરાવને ઊંઘ આવતી ન હતી. પડખાં બદલતાં અડધી રાત વીતી ગઈ. તેમનું ધ્યાન અચાનક પોતાનાં માતા, પત્ની અને પૂના તરફ જતું હતું. ચિંતામાં ને ચિંતામાં છજા પર આવ્યા. ઠંડી હવાથી થોડી શાંતિ તો મળી. એકાએક એને કાને મધુર રાગિણી પડી. સ્વરોના ચડાવ ઊતાર અને એના તાને એમને મંત્રમુગ્ધ કરી દીધાં. સંગીતના સૂરોથી આકર્ષાઈને અંગરક્ષક વિના એ તરફ આગળ વધ્યા. રાજાના મહેલની નિર્જન વીથીઓ પસાર કરીને તેઓ એક સ્થળે પહોંચ્યા. જોયું તો સંગીતમાં તન્મય બનીને એક કિશોરી સંગીત સાધના કરતી હતી. જેટલો સૂરીલો કંઠ, એટલું સુંદર રૂપ. ગીત પૂરું થતાં એણે પોતાની વિણા એક બાજુ મૂકી. અચાનક એની દ્રષ્ટિ બાજીરાવ પર પડી. તે આટલું જ બોલી શકી, ‘શ્રીમંત, આપ !’ બંનેની આંખો એકબીજામાં ખોવાઈ ગઈ. બાજીરાવ શૌર્ય સાથે બુદ્ધિ, સુંદરતા અને ગુણ સ્વીકારની બાબતમાં વિખ્યાત હતા. થોડીક ક્ષણો સુધી બંને કંઈ બોલ્યાં નહીં. બાજીરાવે ધીમેધીમે આગળ વધીને પોતાના ગળાનો અમૂલ્ય હાર કિશોરીના ગળામાં નાંખી દીધો. શરમથી ઝૂકેલી આંખો સાથે સપનાની જેમ તે ઓઝલ થઇ ગઈ !

મહારાજ છત્રશાલે વિજયોત્સવણો દરબાર કર્યો. શ્રીમંત બાજીરાવ પેશ્વાને તીજા યુવરાજનું પદ દેવાની ઘોષણા કરી અને રાજનો એક્તૃત્યાંશ ભાગ એમને આપ્યો. સોનાના થાળમાં હીરામોતી અને જર -ઝવેરાત ભેટ આપીને એમનો અભિષેક થયો. મોટા યુવરાજની પાઘડી, પેચ અને તલવાર આપવામાં આવી. વિદાય લેતાં પહેલાં થોડા દિવસ પૂર્વે પોતાના અંગત ખંડમાં પેશ્વાની સાથે વાતચીત કરતાં મહારાજાએ કહ્યું, ‘તમે સમય પર પહોંચી ગયા અને આ વૃધ્ધાવસ્થામાં મારી અને હિન્દુધર્મની લાજ રાખી. મારી એક વાત તમારે માનવી પડશે.’

એમ કહીને એમણે દરવાનને સંકેત કર્યો. થોડી જ ક્ષણોમાં એક સૌંદર્યવાન કિશોરીએ ઓરડામાં પ્રવેશ કર્યો. પેશ્વા જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. તે દિવસે સ્વપ્નની જેમ અર્દશ્ય થઇ જનાર આ જ રૂપવાન યુવતી હતી ! છત્રશાલે ગંભીર અવાજે કહ્યું, ‘મેં એને પિતાનો પ્રેમ આપ્યો છે. આમ તો તે મુસલમાન છે, પરંતુ આચાર, વિચાર અને સંસ્કાર કોઈ હિંદુ કરતાંય ઓછા નથી. તમે એને તમારી પત્નીના રૂપમાં સ્વીકારો.

બાજીરાવ ચિત્તબ્રાહ્મણના કુળમાં જન્મેલા હતા અને આચાર, વિચારવાળા ધર્મનિષ્ઠ હતા. તેમનાં માતા રાધાબાઈ પણ અત્યંત ધાર્મિક ભાવનાવાળાં હતાં. આવી મૂંઝવણમાં હતા ત્યાં એમની નજર કિશોરી પર પડી. પોતાની આંસુથી છલકતી આંખે અને કાંપતા હોઠે જાણે શું શું કહી ગઈ ! મહારાજે બાજીરાવનો હાથ પકડ્યો અને કહ્યું, ‘તમારા જેવું કોઈ પાત્ર આ રત્ન માટે મળશે નહીં. હવે હું વધારે સમય રહેવાનો નથી. જો આને દુઃખ થશે તો મારા આત્માને શાંતિ નહીં મળે.’ મૂંઝવણમાં અને વિચારમાં પડેલા પેશ્વાને છત્રશાલન આ અંતિમ શબ્દોએ જગાડી દીધાં. એમણે સ્વીકૃતિ આપી.

મહારાજાએ રાજકીય ધામધૂમથી તેમજ હિંદુ રીત-રિવાજ પ્રમાણે મસ્તાનીનું કન્યાદાન કર્યું અને ઘણો કરિયાવર આપીને વિદાય કરી. મરાઠા લશ્કરમાં બાજીરાવ પેશ્વાને સૌ માનતા અને એમના પ્રત્યે સૌને આદર પણ હતો. પરંતુ, એ જમાનામાં આવા સંબંધો કુલીન બ્રાહ્મણોમાં ત્યાજ્ય હતા. મરાઠા સરદારોમાં કાનભંભેરણી શરૂ થઇ અને પેશ્વા પૂના પહોંચે એ પહેલાં જ એ બધી વાતોં વધીને ફેલાઈ ગઈ.

રાજધાનીમાં પ્રવેશતી વખતે પેશ્વાના આગમન માટે ક્યાંય તોરણ ન હતાં અને એનું સ્વાગત કરવા કોઈ ન આવ્યું. મહેલમાં પાલખીને પ્રવેશવાનો આદેશ પણ ન મળ્યો. શ્રીમંત પેશ્વા સમજી ગયા કે માતા ખૂબ ગુસ્સે છે. એને ભવિષ્યનો આભાસ આવી ગયો. એમણે ચરણસ્પર્શ માટે પ્રયત્ન કર્યો પણ માતાએ પોતાના પગ એક બાજુએ હટાવીને તીખા શબ્દોમાં કહ્યું, ‘મરાઠાના શ્રીમંત પેશ્વા હિંદુપાદશાહીનું એક બાજુએ ગૌરવ વધારીને આવ્યા છે ત્યારે બીજી બાજુ એક મુસલમાન નર્તકીને પત્ની બનાવી પોતાના કુળને કલંકિત કર્યું છે. એનાથી તો સારું એ ઘાટ કે તું મારી કુખે જન્મ્યો જ ન હોત તો મારે આ પાપ વહન કરવું ન પડત ને !’

બાજીરાવ ચૂપચાપ જમીન પર માથું ટેકવીને પાછો આવ્યો. તેમના પત્ની કાશીબાઈ પતિપરાયણ હતાં. એ સમયે એકઠી વધારે પત્ની અથવા રક્ષિતાની પ્રથા મરાઠાઓમાં ચાલતી હતી. આમ છતાં પણ વિધર્મી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ તિરસ્કારને પાત્ર મનાતું. તેણે નાની બહેનની જેમ મસ્તાનીને પોતાના મહેલમાં રાખી.

આ બાજુએ માતાની પ્રેરણાથી પંડિતોની એક સભા મળી. એમણે નિર્ણય કર્યો કે એક તુર્ક સ્ત્રીને પેશ્વાના મહેલમાં પ્રવેશવાનો અધિકાર ન મળવો જોઈએ. લાચાર બનીને બાજીરાવે શહેરની બહાર શનિવાર પેઠ નામનો એક નાનો મહેલ બનાવ્યો. મસ્તાની ત્યાં શુદ્ધ હિંદુ આચાર વિચાર સાથે રહેવા લાગી. અધ્યન અને ભજન – પૂજનમાં સમય વિતાવતી. બાજીરાવ દુઃખી થતાં ત્યારે તે એક જ ઉત્તર આપતી, ‘પ્રેમ સુખની અપેક્ષા નથી રાખતો, તે પોતે જ આનંદની અનુભૂતિ છે. આપ સુખી રહો એમાં જ મારા જીવનની સાર્થકતા છે.’

બાજીરાવે પોતાની શક્તિ અને કીર્તિ વધારી દીધી, પરંતુ તેમનું વ્યક્તિગત જીવન ઉદાસિનતાથી ભર્યું હતું. તેઓ પારિવારિક અને ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ ન લઇ શકતા એટલું જ નહિ પણ ભાઈભત્રીજાના લગ્ન કે ઉપનયન સંસ્કારમાં પણ એમણે પ્રવેશ ન મળતો. રાજકાજ, યુદ્ધ અને મરાઠા સરદારોના વિગ્રહથી કંટાળીને મસ્તાની પાસે જ્યારે પણ જતાં ત્યારે એમને સાંત્વના મળતી. બાળકની જેમ કહેતા, ‘બધાં ઈચ્છે છે કે હું શ્રીમંત પેશ્વા બની રહું, પણ કોઈ એ નથી વિચારતું કે મને બાજીરાવરૂપે રહેવાનો પણ અધિકાર છે.’

એ સાંભળીને મસ્તાની કહેતી, ‘હું તો છું ને ?’ કઠિનતર પરિસ્થિતિમાં મસ્તાની એમની સાથે રહેતી. કેટલાંય યુદ્ધ સ્થળે તે પેશ્વા સાથે ગઈ હતી. બાજીરાવને એના સ્નેહભર્યા વહેવારથી ઘણી શાંતિ મળતી. પછીનાં દસ વર્ષોમાં એમણે ઘણાં વિજય અભિયાન કર્યા. નવાં રાજ્યો પર મરાઠાના ગેરુઆ રંગના ધ્વજ ફરકવા લાગ્યા. ક્યારેક હાસ્યવ્યંગમાં તેઓ મસ્તાનીને કહેતા, ‘બાજીરાવે મોટી મોટી ઘણી બાજીઓ જીતી, પણ પોતાની બાજી હારી ગયો.’

વર્ષોના કઠિન પરિશ્રમ અને પારિવારિક કલેશે પેશ્વાના સ્વાસ્થય પર પ્રભાવ પાડ્યો. નર્મદાના તટે ડરવા નામના ગામમાં ભગ્નહૃદય બાજીરાવ બીમાર હતા. મરાઠાના ગૌરવની દીપશિખા ધીમેધીમે મલિન થતી જતી હતી. કાશીબાઈ, રાજવૈદ્ય, સામંત અને સચિવ પાસે બેઠાં હતાં. શ્રીમંત કંઈક કહેવા ઇચ્છતા હતાં. રુંધાયેલા કંઠે અસ્પષ્ટ સ્વર નીકળ્યા, ‘મસ્તાની !’. મસ્તાનીને ખબર પડી હતી પણ પ્રિયત્તમનાં અંતિમ દર્શન માટે એમની આજીજી, વિનવણીને ઠુકરાવી દીધી. તે પૂના પાસેના કોઈ કિલ્લામાં રાધાબાઈ ની કેદમાં હતાં. તેણે સતી થવાની રાજા માગી, પણ એ ન મળી. ચાલીસ વર્ષની નાની ઉંમરમાં પેશ્વાનું મૃત્યુ થયું. જૂના વેરભાવ ભૂલીને પૂનાની બધી પ્રજાની સાથે કુટુંબી, સરદાર, સચિવ અને સામંત સ્મશાનયાત્રામાં સામેલ થયા. બધાં રડતા હતા, અનોખી સૂઝબૂઝવાળો યોગ્યતમ નેતા અને યોદ્ધો હવે આપણી વચ્ચે નથી !

સુસજ્જિત ચંદનની ચિતા પર શબને મૂક્યું. મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટાવ્યો. અપાર જનસમૂહ જોઈ રહ્યો હતો કે કેટલી નિર્મમતાથી સુંદર દેહને ભસ્મ કરી દેવા અગ્નિ વધતો જતો હતો.

આ ભીડની વચ્ચે મોઢું ઢાંકીને આભૂષણોથી સજ્જ થયેલી એક યુવતી ચિતા તરફ ધીમે પગલે આગળ વધતી જતી હતી.

પોતાના સુવર્ણના થાળમાં કપૂર, અબીલ, અને પુષ્પ હતાં. કદાચ શ્રીમંત પેશ્વાને આ નારી અંતિમ શ્રદ્ધાંજલિ દેવા ઈચ્છે છે એમ વિચારીને લોકો હતી ગયાં અને માર્ગ કરી દીધો. ચિતાની નજીક પહોંચતા જ તે તેમાં કૂદી પડી.

બ્રાહ્મણ, સરદાર, સામંત, બધાં, ‘રોકો, રોકો’ એમ બોલતા રહી ગયાં. તેજ હવામાં આગની ઝપટોએ તેણે પોતાના ઘેરામાં લઇ લીધી. લોકોએ જોયું કે મસ્તાનીના ચહેરા પર એક અપૂર્વ તેજ હતું અને બાજીરાવનું શરીર એના ખોળામાં હતું.

(રા.જ.૯-૧૨(૨૫-૨૮)૨૫૫-૨૫૮)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આ અગાઉ   ‘દાદીમા ની પોટલી’ પર  ‘બુંદેલાની આનબાન’ … ની પોસ્ટ આપે માણેલ., આજે  ફરી આવી જ એક સુંદર પોસ્ટ ‘સતી મસ્તાની’ .. ઐતિહાસિક ગાથાની… મૂકવા નમ્ર કોશિશ અમોએ કરેલ છે.  આજની પોસ્ટ  જો આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. .. ‘દાદીમા ની પોટલી’.