||૧લું શિક્ષાપત્ર || …

|| ૧લું  શિક્ષાપત્ર || …

 

(પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીએ તેમજ શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગોકુલેશપ્રભુ, શ્રી હરિરાયજી જેવા મહાપુરૂષોએ એક જ વાત સાદી અને સરળ રીતે સમજાવી છે કે આ માર્ગમાં કૃપા કેવળ ભગવદ ઇચ્છા અર્થાત ઇક્ષા હોય તેમને જ મળે છે. દ્વિતીય સ્થાન આવશે દીક્ષાનું, દીક્ષા એટલે બ્રહ્મસંબંધ – આત્મનિવેદન, ત્યારબાદ શિક્ષા અર્થાત શિક્ષણનો ક્રમ આવે છે શિક્ષા એટલે ગુરુ પાસેથી શિખામણ પ્રાપ્ત કરવી એવો અર્થ થાય છે. આ ત્રણ બાબતો પ્રાપ્ત થાય તો પૂર્ણ પુષ્ટિમાર્ગીય થવાય, પુષ્ટિભક્તની ભક્તિમાં આશ્રયની દઢ ભાવના હોય છે, વિરહનો તીવ્ર તાપ હોય છે અને ત્યારે “હરેરપિ હરિઃ”હરિના પણ હરિની અવસ્થા પ્રાપ્ત થાય છે.

જગદ્ગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના વંશજ હરિરાય મહાપ્રભુજી દ્વારા વિરધીત શિક્ષાપત્ર એ પુષ્ટિ અણમોલ ગ્રંથરત્ન ગણાય છે અને તેમાં પુષ્ટિમાર્ગનાં સર્વ સિદ્ધાંતોનું સમાયોજિત થયું છે. શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત ‘શિક્ષાપત્ર’ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.

પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો. )

 

સદોદ્વિગ્નમના: કૃષ્ણદર્શનેકિલષ્ટમાનસઃ ।
લૌકિકં વૈદિકં ચાપિ કાર્ય કુર્વન્નનાસ્થયા ।।૧।।

નિરુદ્રવચનો વાક્યમાવશ્યકમુદાહરન્ ।
મનસા ભાવયેન્નિત્યં લીલાઃ સર્વાં ક્રમાગતાઃ ।।૨।।

 

ભગવદીય જીવે સદા સંસારથી ઉદ્દીગ્ન રહેવું જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન માટે મનમાં તાપ કલેશ રાખવો જોઈએ. લૌકિક કાર્ય પણ લોકસંગ્રહ માટે કરવું જોઈએ. ચિત્તને ભગવદ પરાયણ કરવા માટે નિત્યા લીલાઓની ભાવના કરવી જોઈએ. વૃથા વચન ન બોલતાં, જરૂરી હોય તેટલાં જ વચન બોલવા જોઈએ. આચાર્યો બાલકો કહે છે કે શિક્ષાપત્રનો અર્થ સમજાય ત્યારે આપણે પુષ્ટિભક્તિ માર્ગમાં રહેલા સેવાફળને સમજી શકીએ છીએ અન્યથા નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે કે “ભાવો ભવનયા સિધ્ધઃ સાધન નાનયાદિષ્યતે” અર્થાત ભાવોની સિધ્ધી ભાવથી થાય છે. શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથોમાં અને શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત ગ્રંથોમાં પુષ્ટિજીવો માટે અતિ મધુર એવું નવનીત રહેલું છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી જણાવે છે કે જો પુષ્ટિ જીવનાં જીવનમાં કોઈપણ પ્રકારનો ઉદ્વેગ હોય તો તે કેવળ શ્રીકૃષ્ણ દર્શન માટે જ હોવો જોઈએ. પરંતુ આપણને પ્રશ્ન થાય કે ઉદ્વેગ એટ્લે શું?  શ્રી હરિરાય મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ ઉદ્વેગ એ લૌકિક નથી આ ઉદ્વેગ એ અલૌકિક છે જેમાં શ્રી કૃષ્ણ દર્શન, શ્રી કૃષ્ણ પ્રભુને મેળવવાની લગની છે, તાલાવેલી છે, ઉત્કંઠા છે. આપણો આ દેહ અને સંસારમાં રહેલ સમસ્ત લૌકિક જે કંઇ હોય તે સર્વસ્વ નાશવંત છે તો પછી એ નાશવંતનો શોક શો કરવો, અને શાને કરવો? જો લીલાનો દૈવી જીવ હોય તો પ્રભુને જ્યાં સુધી એ જીવને ભૂતલ પર રાખવો હશે ત્યાં સુધી તે રાખશે અને પછી નિત્યલીલામાં ફરી બોલાવી લેશે. આમ પ્રભુનું હતું ને પ્રભુનું પાછું થઈ ગયું તેવી ભાવના હોય તો હર્ષ કે શોકની ભાવના થતી નથી કે થવી ન જોઈએ.

 

શિક્ષાપત્રના પ્રથમ શ્લોકમાં કહે છે કે દર્શન માટે વિરહી નિઃસાધન જીવે ક્રમ પ્રમાણે લીલાની ભાવના કરવી જોઈએ અર્થાત પોતાના મનને ભગવદલીલાની સ્મૂધમાંથી જરા પણ કાઢવું ન જોઈએ. ચોવીસ કલાક દરમ્યાન જે પ્રમાણે પ્રભુની જે કોઈ લીલા હોય તે મુજબ સતત પ્રભુનું ચિંતન, મનન કરવું જોઈએ. જ્યારે પ્રભુ ગૌચારણ માટે પધારે ત્યારે તે મુજબની ભાવના કરવી, કે મારા પ્રભુ ગૌધન લઈને વનમાં પધાર્યા છે, મારા પ્રભુ પ્રત્યેક ગૌ પર પોતાનો હસ્ત ફેરવી રહ્યા છે, મારા પ્રભુ ગૌધન માટે બાંસુરીનાં મીઠા સૂર વહાવી રહ્યાં છે આમ જે સમાનાં દર્શન હોય તે મુજબની ભાવના કરવાથી પ્રભુના ચિત્તમાં જીવોના મનનો નિરોધ થઈ જાય છે જેથી કરીને જીવોનું મન લૌકિકમાં ન રહેતાં અલૌકિકમાં રહે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ અવસ્થાને ફલાત્મક સેવા કહે છે કારણ કે પુષ્ટિ જીવોને માટે પ્રભુની સેવા એજ માત્ર ફલસ્વરૂપ છે, ફલાત્મક છે.

નયન વહાવે નીર ને એ નીરને દેખે સહુ કોઈ,
પણ અંતર મારુ વહાવે રોજ અસંખ્ય નીર કેરી નદીઓ પણ જોઉ શકત ના કોઉ
બુંદ તો બરસે નયન કેરી ગલીયનમાં,
પણ મોજા વિશાળ બની ધસતા આ અંતરમાંથી જ્યાં નંદકુંવર કહે અંતરમાં હુ સમાય જાઉં

 

જ્યારે પણ અંતરમાં છુપાયેલા એ નંદનંદન માટે પુષ્ટિજીવોની આંખ ભીની થઈ જાય ત્યારે નંદનંદન કેમ દર્શન ન આપે? શું વિરહ વગર કોઈ ભાવનાનો વિકાસ થાય છે ખરો કે? નંદનંદનનાં જો દર્શન કરતાં આનંદ આવે તો તે મર્યાદીક દર્શન કહેવાય પરંતુ દર્શન કરવા છતાં પણ પ્રભુને મળવાની, ને મળીને પ્રભુને અંતરમાં સમાવવાની જો ઈચ્છા અધૂરી રહે તો ત્યાં સુધી પુષ્ટિ જીવોની તૃષ્ણા પણ અધૂરી જ રહે છે તેમ માનવું. આ અધૂરી તૃષ્ણાવાળા પુષ્ટિ જીવો કેવા હોવા જોઈએ ? આ અધૂરી તૃષ્ણાવાળા પુષ્ટિ જીવોને જ્યારે સમસ્ત લૌકિકમાંથી ચિત્ત કાઢીને પ્રભુમિલનની અને પ્રભુ દર્શનની આર્તતા થવા લાગે, પ્રભુના પ્રેમની સાંકળમાં બંધાઈ જવા માટે મન આકુળવ્યાકુલ થવા લાગે ત્યારે જીવ ખરા અર્થમાં પુષ્ટિ જીવ બને છે. આવા પુષ્ટિ જીવોને તો ધોળ, કીર્તન, વાર્તા તેમજ સેવા સંબંધી કોઈપણ કાર્ય કરતાં કરતાં ભાવાવેશ થવો જોઈએ પ્રભુ માટે આનંદની ઉર્મિ પ્રગટ થવી જોઈએ.

સિધ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવદીય ભક્તજનોનાં સંગમાં રહેવાથી જીવોમાં પણ સ્નેહ ઉર્મિ છલકાઈ આવે છે. અને આજ ભગવદીયોની સંગે રહેવાથી પ્રભુના પ્રેમને સમજી શકાય છે જેને કારણે પ્રેમ ,વિરહ, હરી-ગુરૂ-વૈષ્ણવો માટે વિરહ વગેરે ભાવના સમજમાં આવતી જાય છે[[‘. વળી ધર્મ-કર્મને સમજનારા તેમની વાતો કરનારા અનેક લોકો મળી આવશે પરંતુ પ્રભુ પ્રેમમાં મદમસ્ત અને આનંદિત બનીને ફરનારા એવા કેટલા લોકો જોવા મળે? અને કદાચ શોધવા જાઓ તો એકપણ ભક્ત ન મળે એનું કારણ એ છે કે પ્રભુ પ્રેમમાં મસ્ત રહેનાર જીવને વળી કેટલી આંકાંક્ષાઑ અને ક્યાં હોય તેઓ તો બસ પ્રભુપ્રેમમાં અને પ્રભુ વિરહમાં આમ બંને સ્થિતિઓમાં કેવળ અને કેવળ ભગવાનનાં થઈ ને જ ફરી રહ્યાં હોય છે. કારણ કે તેમનું સાચું ધન તો કેવળ શ્રી હરિ છે પ્રભુ છે.

શ્રી હરિરાય પ્રભુચરણે શિક્ષાપત્રનાં આ પ્રથમ શ્લોકમાં આજ વાત સમજાવી છે કે ભક્તજનોનું અમૂલ્ય ધન કેવળ શ્રી હરિ અને શ્રી હરિનું નામ છે. પરંતુ આ ધનની પ્રાપ્તિ વૈષ્ણવજનોને કેવળ પોતાના ગુરૂની કૃપા વડે અને ગુરૂ પરની દ્રઢ શ્રધ્ધા વડે જ પ્રાપ્ત થાય છે.

સર્વથા શુધ્ધભાવનાં સ્વીકૃતાનાં કૃપાલુના |
સર્વ શ્રીવલ્લભાચાર્યપ્રસાદેન ભવિષ્યતિ ।। ૨૪।।

પ્રથમ શિક્ષાપત્રમાં ૨૪ શ્લોક રહેલા છે. દરેક શ્લોક ૩ ખંડથી રજૂ કરેલ છે.

 

 || ઇતિ શ્રીહરિરાયજીકૃતં પ્રથમ  શિક્ષાપત્રં સમ્પૂર્ણમ્ ||

મુલમઃ શ્લોક સંસ્કૃતમાં દર્શાવેલ છે.

શબ્દાર્થઃ સંસ્કૃત શ્લોકોનું સપૂર્ણ ગુજરાતી અનુવાદ- વિવેચન શ્રી હરિરાયજીકૃત ૪૧ શિક્ષાપત્ર અને શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષાની ટીકાનો ગુજરાતી અનુવાદ કરવામાં આવશે.

લેખક- : વ્રજનીશ શાહ યુ એસ એ. BOYDS MD

[email protected]
vrajnis[email protected]

 

સૌજન્ય: ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

 

(પૂરક માહિતી)

શ્રી હરિરાયજી મહાપ્રભુજી-શિક્ષા પત્રના સર્જક,

અત્યારે ડાકોરમાં જે શ્રી રણછોડરાયજીનું ભવ્ય મંદિર છે તે શ્રીહરિરાયજી દ્વારા સોમણ સીસાના ગારાના પાયાથી સિદ્ધ થયેલું અને તેમાં વૈદિક અને પુષ્ટિમાર્ગની રીત અનુસાર પાટ બેસાડવામાં આવ્યા હતા તે અદ્યાપિ પર્યંત બિરાજે છે. એમનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. એ બધો યશ શ્રીહરિરાયજીને.

શ્રી હરિરાયજીના નામ પછી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના નામ પછી મહારાણીજી એ નામ શ્રી વલ્લભી સૃષ્ટિમાં વપરાય છે, પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. એ આ રીતે બોલાય છે શ્રી હરિરાયજી મહાપ્રભુજી, શ્રી યમુનાજી મહારાણીજી.

શ્રી હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો ભૂતલ ઉપર બિરાજે છે. તેમાંની એક શ્રીમદ્ ગોકુલમાં, ત્રણ રાજસ્થાનમાં અને ત્રણ બેઠકો ગુજરાતમાં બિરાજે છે.

શ્રીહરિરાય પ્રભુની સાત બેઠકો :

શ્રીહરિરાય મહાપ્રભુનું પ્રાગટ્ય વિક્રમ સં. ૧૬૪૭ માં ભાદરવા વદ પંચમીને શુભ દિવસે શ્રીમદ્ ગોકુળમાં થયું.

 

(૧ ) ગોકુળની બેઠક :

તેઓનું પ્રાગટ્ય થયું ગોકુલમાં, એજ ગામમાં શ્રી ગુસાંઇજીના મંદિરમાં તેઓની બેઠક આવેલી છે. દશ વર્ષના હતા ત્યારથી જ શ્રી હરિરાયજી શ્રી ગોકુલેશ પાસે બિરાજી ભગવદવાર્તાનું શ્રવણ કરતાં. વૈષ્ણવમંડળી સાથે ભગવદવાર્તા કરતા. આપશ્રીના લગ્ન શ્રી સુંદરલતા વહુજી સાથે થયાં. આપને ચાર પુત્રરત્નોની પ્રાપ્તી થઇ. તેઓ પોતાના નાનાભાઈ શ્રી ગોપેશ્વરજી અને તેમનાં વહુજી સાથે ગોકુળમાં બિરાજી શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરતા હતા.

 

(૨) શ્રીનાથદ્વારાની બેઠક :

ધર્માધ મોગલ શાસનના દમનકારી કોરડાથી ત્રાસીને તેઓ શ્રીનાથદ્વારા પધાર્યા. આ બેઠકજી શ્રીવિઠ્ઠલનાથજીના મંદિરમાં બીરાજે છે.

 

(૩) ખિમનોરની બેઠક :

વિક્રમ સં.૧૭૪૫ માં તેઓ ગોકુળ છોડી ખિમનોર પધાર્યા. બે વર્ષ બાદ શ્રીનાથજી અજબકુંવરીનું વરદાન પુરૂં કરવા શ્રીનાથદ્વારા (સિંહાડ) પધારવાના છે એમ જાણી તેઓશ્રી ખિમનોર ગામમાં બીરાજ્યા. અહીં ભાગવત કથામૃતનું રસપાન કરવા દુર દુરથી ભાવિક ભક્તો ઉપસ્થિત થતા. ઉદયપુરના મહારાણાએ ખેડા ગામ તથા ખિમનોર તેઓશ્રીને ભેટ ધર્યા હતાં.

 

(૪) જેસલમેરની બેઠક :

પોતાના પિતાશ્રી કલ્યાણરાયજીના સેવ્ય સ્વરૂપ શ્રી ગિરધરજી હતા. શ્રી ગિરિધરજીના મંદિરમાં તેઓએ શ્રીમદ્ ભાગવત પર પ્રવચન આપ્યું. જેસલમેરના રાજાએ આપશ્રીના જ્ઞાનથી પ્રભાવિત થઇ આપશ્રી પાસેથી બ્રહ્મસંબંધની દીક્ષા લીધી હતી. જેસલમેરમાં આપશ્રીએ સાત વખત શ્રીમદ્ ભાગવતનું પારાયણ કર્યું હતું.

 

(૫) ડાકોરની બેઠક :

ગુજરાતની ભૂમિને શ્રી મહાપ્રભુજીએ ત્રણ વખત અને શ્રી ગુસાંઇજીએ છ વખત પાવન કરી હતી, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી હરિરાયજી પણ ગુજરાતની ભૂમિને પાવન કરવા પધાર્યા હતા. તેઓ ડાકોર પધાર્યા ત્યારે શ્રી રણછોડરાયજીએ આજ્ઞા કરી કે, “મને પાટ પધરાવી મારી સેવાનો પ્રકાર શરૂ કરો.”અને તે આજ્ઞા પ્રમાણે શ્રી હરિરાયજીએ સેવાનો પ્રકાર ચાલુ કર્યો અને ગોમતી નદીને કિનારે શ્રીમદભાગવતનું પારાયણ કર્યું હતું.

 

(૬) સાવલોની બેઠક :

ગુજરાત પ્રદેશનાં વડોદરા જિલ્લાના સાવલીના તળાવના રમણીય કિનારે આપ બીરાજ્યા હતા, સેવાની ભાવનાનો ગ્રંથ ‘શ્રી સહસ્ત્રીભાવના’ગ્રંથ આપે અહીં જ રચ્યો હતો. આ ગામ પુષ્ટિ સંપ્રદાયી વૈષ્ણવો માટે પવિત્ર તીર્થ સ્થળ બન્યું અને ભવ્ય મંદિરના નિર્માઁણ બાદ શ્રી હરિરાયજીના હસ્તાક્ષરની સેવા પ્રથાનો ક્રમ ચાલુ રાખ્યો છે.

 

(૭) જંબુસરની બેઠક :

ભરૂચ જિલ્લાના જંબુસર ગામના તળાવ કિનારે આપ બિરાજ્યા હતા. પરમ ભગવદીય શ્રી પ્રેમજીભાઈની વિનંતીથી આપે યુગલગીતની કથા કરી. અદભૂત રસવર્ષા કરેલી. શ્રીમદ્ ભાગવતનું પારાયણ પણ કર્યું હતું.

(સંકલિત) 

 

બ્લોગ લીંક :http://das.desais.net
email:[email protected]

 

આ પહેલા આપણે ‘દાદીમા ની પોટલી’ પર ‘પુષ્ટિ પ્રસાદ’ અને ત્યારબાદ ‘શિક્ષા પત્ર’ વિષે પ્રાથમિક જાણકારી અલગ અલગ બે પોસ્ટ દ્વારા મેળવી. હવેથી અઠવાડિયામાં એક દિવસ દર રવિવારે નિયમિત રીતે  વૈષ્ણવ સંપ્રદાયની વાતો આપની સમક્ષ  ‘પુષ્ટિ પ્રસાદ’ શ્રેણી હેઠળ લઇ આવવા અમો નમ્ર કોશિશ કરીશું, જે માટે અમો ‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક ના સંપાદક શ્રી વ્રજનીશભાઈ શાહ (યુ.એસ.એ) ઉપરાંત ઈ મીડયા દ્વારા પોસ્ટ સંલેખ કરી  મોકલનાર  શ્રીમતી પૂર્વીબેન મોદી મલકાણ (યુ એસ એ) તેમજ  આ સેવા યજ્ઞમાં જોડાયેલ દરેક  નામી અનામી વૈષ્ણવ સાથીઓ ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ …. આશા છે કે આપને આ ‘પુષ્ટિ પ્રસાદ’ નામે શરૂ કરેલ નવી શ્રુંખલા બ્લોગ પર પસંદ આવશે.. !

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. જય શ્રી કૃષ્ણ ! ..’દાદીમા ની પોટલી’

 

(નોંધ: ‘દાદીમા ની પોટલી’ પર વૈષ્ણવ સંપ્રદાય નું સાહિત્ય ‘પુષ્ટિ પ્રસાદ’  કેટેગરી હેઠળ આપ મેળવી શકશો. આ ઉપરાંત,’ શિક્ષાપત્ર’ નાં લેખ ‘શિક્ષાપત્ર’ તેમજ પુષ્ટિ પ્રસાદ’ અલગ અલગ બન્ને કેટેગરી પરથી જાણી શકશો.  જે માટે ખાસ અલગ કેટેગરી ની બ્લોગ પર વ્યવસ્થા કરેલ છે.  આભાર ! )