મિચ્છામિ દુક્ક્ડં …અને પ્રતિક્રમણની પવિત્રતા …

મિચ્છામિ દુક્ક્ડં …

 

સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ…

ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.

જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.

 

સાભાર : ગુર્જરીનેટ (વિશેષ વાંચન માટે નીચે દર્શાવેલ બ્લોગ લીંક પર ક્લિક કરશો)
http://www.gurjari.net/details.php?id=1467&m=rateAccepted

તત્વજ્ઞાનના ઊંડાણમાં જવાં માટે સૌથી પ્રથમ સત્શાસ્ત્રની પ્રબળ જિજ્ઞાસાની આવશ્યકતા રહે છે. અંધને માટે જેમ દીપક નકામો છે, તેમ જિજ્ઞાસાહીન માટે શાસ્ત્રો નિરુપયોગી છે એટલે તત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવાની જિજ્ઞાસા સતેજ બંને છે ત્યારે જ આત્મા પોતાના નિજ સ્વરૂપને શોધવાના સ્વાતમ પુરુષાર્થનો પ્રારંભ કરે છે.

પ્.પૂ.શ્રી જનકમુનિ મનોહરમુનિ દ્વારા ‘પ્રશ્ન પ્રદીપ’ સ્વરૂપે રચિત ગ્રંથમાંથી ‘મિચ્છામિ દુક્ક્ડં …અને પ્રતિક્રમણની પવિત્રતા …’ વિષે થોડા અંશ પ્રશ્ન – જવાબ સ્વરૂપે આપની સમક્ષ ‘દાદીમા ની પોટલી’ પર મૂકવા આજે અમોએ નમ્ર કોશિશ કરેલ છે. આશા છે કે આપને પસંદ આવશે.

 

મિચ્છામિ દુક્કડમ અને પ્રતિક્રમણની પવિત્રતા …

 

પ્રશ્ન : રસ્તે ચાલતાં નિયમ વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું કે બની ગયું વગેરે થાય અને મિચ્છામિ દુક્ક્ડં બોલીએ તો તેથી પાપની મુક્તિ મળે ?

ઉત્તર : પહેલાં ઉત્તર બરોબર સમજો અને અભિપ્રાય નક્કી કરો. શ્રી જિનશાસન પામેલા અને વગર પામેલા જીવ વચ્ચે ઘણું જ અંતર છે. જીવને પોતાની ભૂલની દિલગીરી થાય અને તેમાં રાચે નહીં તેથી પાપનો બંધ સજ્જડ ન પડે, અને ભવાંતરનાં કર્મો પશ્ચાતાપથી ક્ષય પામે છે. ચાહે તેવો ગુનો હોય પરંતુ તે માફી માગતાં જરૂર ઢીલો પડે છે. મિચ્છામિ દુક્ક્ડંની મહત્તા અનેક ગની છે તેથી બે લાભો થાય છે. વર્તમાન કાળમાં થયેલ ભૂલનો પાપબંધ માત્ર હળવો જ પડે, અને પાપના ખેદથી ભવાંતરના દોષી ક્ષય પામે. મિચ્છામિ દુક્ક્ડંની ક્રિયા નાટકરૂપે તો, તો જ ગણાય કે જો તે તેનું આવું ઉત્તમ મહત્વ સમજી માફી માગવા માટે ગુનો કરે. તો પગની ઠોકર કોઈને ભૂલથી વાગી ગઈ અને માફી માગવી તો તે ઉત્તમ છે, પરંતુ માફી માગવાની ક્રિયાને ઉત્તમ માની, માફી માગવા માટે કોઈને ઠોકર મારે અને પછી માફી માગે તો તે મિચ્છામિ દુક્ક્ડંનું નાટક કર્યું ગણાય. ||૧||

પ્રશ્ન : જો આ પ્રમાણે મિચ્છામિ દુક્ક્ડં બોલવાથી પાપ નિવૃત્તિ થતી હોય તો ઘણા દંભી લોકો પણ મિચ્છામિ દુક્ક્ડં બોલી ધર્માત્મા થયાનો દાવો કરે છે તે વાત પણ સાચી ગણાઈ જાય.

ઉત્તર : જે આત્મા દંભપૂર્વક આલોચના વગેરે કંઈ પણ સ્વીકાર કરી ધર્માત્મા બનવાનો દાવો ખેલે છે તે લોઢાની નાંવ પર બેસી સાગર તરવાની વાત કરનાર જેવો ગણાય.

હાથ બગડી ગયા એટલે હવે ધોયા વિના ઉપાય નથી તેમ માનવાને બદલે હાથ ધોવા માટે બગાડવા, તેમ કહેનારનો નિયમ કેવી રીતે ન્યાયસંગત ગણાય ? પ્રથમ પાપ કરે અને પછી ધર્માત્માની ગણતરીમાં ખપવા માટે જો મિચ્છામિ દુક્ક્ડં કહે અને મનમાં તો વિચારે કે આ પાપ કર્યું તે સારું જ થયું, તે પાપને કારણે જ હું દુઃખી થતો મટ્યો. એટલે એક તરફી માફી માગે અને બીજી તરફ પાપને પોતાની સફળતાનું કારણ માને. આ રીતે પાપને અહિત સમજ્યા વિના તેની માફી માગનાર દંભી કદી પણ શ્રી જિન શાસનમાં ગૌરવને પામી શકતો નથી. પાપને પાપ તરીકે જાણ્યા પછી જ તેની માફી માગવાના સાચા ભાવ જાગૃત થાય છે. તેમાં દંભનું નામ નથી હોતું.||૨||

પ્રશ્ન : વારંવાર મિચ્છામિ દુક્ક્ડં કરી વળી તુંરત તેનું જ કાર્ય કરવું તે શું શાસ્ત્રદ્રષ્ટિથી પ્રપંચ ન કહેવાય?

ઉત્તર : વિચારોના પરિવર્તનથી કે પરિસ્થિતિની ભીંસથી મનુષ્ય પાપ કરી નાખે તો પણ તે સમયે જો પાપને અશુચિની કેમ ખરાબ માની, આલોચના અને મિચ્છામિ દુક્ક્ડં કરવાની સમજણ હોય તો, તેના તે પાપનો તો ક્ષ્ય થાય છે, પરંતુ સાથે સાથે બીજાં પાપોનો પણ ક્ષ્ય થાય છે.

જય સુધી કેવળજ્ઞાન નથી થયું, ત્યાં સુધી આત્મામાં પાપનો અંશ છે, અને તેને કારણે તેવા પાપના પ્રસંગો ભલે હળવા – ભારે હોય, પણ પાપ નથી થવાનું તેમ તો ન જ કહી શકાય. નિરંતર બંધાતાં તેવાં કર્મોના ક્ષ્ય માટે જેટલાં વધારે પ્રતિક્રમણ –આલોચના વગેરે થાય, તેટલી વધારે વિશુદ્ધિની ભાવના પ્રબળ થાય છે. સુંદર અક્ષર શીખનારે જેમ વારંવાર અક્ષરો ભૂંસી ભૂંસીને પણ નવા લખવા પડે છે અને વારંવારના પ્રયત્નને અંતે આકર્ષક અક્ષરો લખી શકે છે, તેમ વારંવાર મિચ્છામિ દુક્ક્ડંની ટેવ પાડનાર, લાંબા પ્રયત્નને અંતે એક દિવસ સુંદર અક્ષર સમાન શુદ્ધ અવસ્થાને પામી જાય છે. કોઈ પણ એક વાતને દ્રઢ કરવા માટે જેમ તેને વારંવાર વિચારવું પડે છે, તેમ શુદ્ધ સ્વરૂપને મેળવી દેનાર પ્રતિક્રમણની વારંવારની ક્રિયાને વારંવાર કરવાં પડે છે, તેથી તે પ્રપંચ કદી પણ ન કહી શકાય. ||૩||

પ્રશ્ન : દરરોજ પાપ કરવું અને દરરોજ પ્રતિક્રમણ કરી આલોચના કરવી તે શું એક પ્રપંચ નથી ?

ઉત્તર : દરરોજ જંગલ જઈએ છીએ, ત્યારે સ્વચ્છ થવા માટે હાથ બગાડીએ છીએ અને સાફ કરીએ છીએ, તો એક વખત ધોયા પછી બીજી વાર શા માટે બગાડવા ? આરોગ્ય સાચવવા માટે રોજ બગાડવું પડે અને રોજ ધોવું પડે, તેમ છતાં સ્વપ્ને પણ એવો વિચાર કદી નથી આવતો કે હાથ વગેરે બગડ્યા તે સારું થયું.

જ્યાં સુધી આહાર છે, ત્યાં સુધી નિહાર (મળ) પણ છે, તે થયેલા નિહારને સ્વચ્છ કરવા માટે સાફ કરવાની ક્રિયા પણ રોજ કરવાની રહેશે. તેવી જ રીતે જ્યાં સુધી દુનિયાદારી છે, ત્યાં સુધી દોષ પણ સંભવિત છે, તેથી તેને નિર્મળ કરવાની ક્રિયા સ્વરૂપે રોજ પ્રતિક્રમણ કરી દોષોની આલોચના કરવી જરૂરી છે.

રોજ પાપ કરીને રોજ તેનું પ્રતિક્રમણ કરવાની ક્રિયાને ઢોંગ કહેનારે ઉપરોક્ત વાતનો વિચાર કરવો આવશ્યક છે. ||૪||

સાભાર : સૌજન્ય : ‘પ્રશ્ન પ્રદીપ’ – જ્નકમુનિ મનોહરમુનિ (પૃ. ૪૯-૫૨)પ્રકાશક: સ્વ. નાગરદાસભાઈ મણિયાર.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

આશા રાખીએ છીએ કે આપને આજની પોસ્ટ પસંદ આવી હશે., આપ સર્વેને વિનંતિ કે આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જેથી ભવિષ્યમાં જિન શાસન વિષે થોડી વધુ માહિતી આપવી કે નહિ તે અમો નક્કી કરી શકીએ… આભાર ! મિચ્છામિ દુક્ક્ડં – ‘દાદીમા ની પોટલી’