ગણપતિ આવે ઝૂલતા …

ગણપતિ આવે ઝૂલતા …

 

સાખી :

પરથમ કે’ને સમરિયેં, કે’નાં લીજિયે નામ,
માતા પિતા ગુરુ આપનાં, લૈયેં અલખપુરુષનાં નામ.

સદા ભવાની સા’ય રો, સનમુખ રહો ગણેશ,
પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

 

ગણેશ આગમનની વધાઈ :

દેખ્યા રે મેવાડી રામા, નીરખ્યા રે હાં,
શ્રી ગણપતિ આવે ઝૂલતા હો રે હો જીજીજી.

હસતા ને રમતા આવે શ્રી ગણપતિ વીરા,
માન રે સરોવર સો યે ઝીલતા. .. દેખ્યા૦

પેરણ પીતાંબર, ઓઢણ આછાં ચિર વીરા,
શાલ રે દુશાલા સો યે ઓઢતા. .. દેખ્યા૦

પેચ રે સમાણી બાંધે રે પઘડિયાં વીરા,
દરપણમાં મુખડા સો યે દેખાતા. .. દેખ્યા૦

કેડે રે કંટારા ને ગલે રૂંઢમાલા વીરા,
કાનુંમેં કુંડળ સો યે પેરતા. .. દેખ્યા૦

ઊંચી ઊંચી મેડી, અજબ ઝરૂખા વીરા,
અધર સિંહાસન સો યે બેસતા. .. દેખ્યા૦

દોય કર જોડી સતી લીરલબાઈ બોલ્યાં વીરા,
ધરમુંનાં તાળાં સો યે ખેલતા. .. દેખ્યા રે માવડી રામા૦

ગણપતિ ભજનોમાં સામન્ય રીતે દુંદાળા, સૂંઢાળા અને એકદન્તા દેવનું સ્મરણ કરવામાં આવે છે. ગણપતિને ગમતા લાડુ અને મુષકના ઉલ્લેખ વિનાનું ભાગ્યે જ કોઈ ભજન હશે. પણ આ ભજનમાં મેવાડી વેશે આવતા ગણપતિ તરી આવે છે. માથે મુગટને બદલે તેમણે પેચબંધી પાઘડી પહેરી છે. ગણપતિનાં સ્થૂળ રૂપ ને આભૂષણ સાથે અહીં યૌગિક પરિભાષાનો પણ ઉપયોગ થયો છે.

‘માન રે સરોવર સો યે ઝીલતા’ – મસ્તકમાં આવેલા બ્રહ્મરન્ધ્રૂને ભજનવાણીમાં માનસરોવર, અમૃતકુંડ, અમૃતઝરો, વીરડો, સહસ્રારમાં અમૃતનો સ્ત્રાવ કરતો ચન્દ્ર રહેલ છે પણ સામાન્ય માણસ આ અમૃતપાન કરી શકતો નથી. કારણ કે મૂલાધારમાં રહેલો સૂર્ય અમૃતને શોષી લે છે. મૂલાધારથી બ્રહ્મરન્ધ્રૂ સુધી મેરુદંડમાં ઈડા, પિંગલા અને સુષુમ્ણા નામની ત્રણ યોગનાડી વહે છે.    સુષુમ્ણા મધ્યમાં આવેલી છે અને તેની ડાબી બાજુની ઈડાને ચન્દ્રનાડી અને જમણી બાજુની પિંગલાને સુર્યનાડી કહે છે.  પ્રાણાયામ દ્વારા આ સૂર્ય-ચન્દ્રનો સંયોગ કરવો એ યોગસાધકની મુખ્ય સાધના છે.  પ્રાણ પર કાબૂ મળતાં મન સ્થિર થાય છે અને બહાર ભટકતી ચિત્તવૃત્તિઓનો નિરોધ થઇ જાય છે.  આમ, ભજનના શબ્દોમાં યોગી ‘મન – પવનની ગતિ પલટાવી’  નાખે છે અને સુષુમ્ણાનું દ્વાર રુદ્ર કરીને બેઠેલી કુંડલિની શક્તિને જાગૃત કરી ઊંચે ચડાવે છે.  એને ભજનમાં ‘ઊલટી નાડી, ચડી ખુમારી’ કહે છે.  કુંડલિની છ ચક્રોને ભેદી સહસારમાં પ્રવેશે છે ત્યારે શક્તિ અને શિવનું મિલન થાય છે.  સૂર્ય અને ચન્દ્રનું સાયુજ્ય થાય છે.  યોગની આ પરમ સિદ્ધિને ‘માનસરોવર હંસા ઝીલન આયો જી’  કહી વધાવવામાં આવે છે.

આ ભજનમાં ગણપતિને ‘માનસરોવર ઝીલતા’  –  પરમ સિદ્ધિમાં વિહરતા – દેવ તરીકે નિરૂપ્યા છે.

 

‘અધર સિંહાસન સો યે બેસતા’  –  અધર એટલે શૂન્ય, બ્રહ્મરન્ધ્રુ.  ‘અધર તખત’  પણ કહે છે.  ભજનોમાં ‘ધર -અધર’ શબ્દો વારંવાર આવે છે.  ધર એટલે ધરા, આ પંચભૂતોનું બનેલું શરીર.  અધર એટલે નીરાલંબ બ્રહ્મતત્વ.  ‘અધર’ નો સાક્ષાત્કાર આ ‘ધર’માં.  શરીરમાં જ કરવાનો છે.

 

ગોરખનાથ કહે છે :

 

‘ધરે અધર બિચારિયા, ધરી યાહી મેં સોય,
ધરે અધર પરચા હૂવા તબ દુનિયા નાહી કોય.’

‘ધરમાં – શરીરમાં જ, શરીરથી પરબ્રહ્મનો વિચાર કર્યો; તો તેનું દર્શન આ પંચભૌતિક શરીરમાં થયું. ધરમાં અધરનો પૂર્ણ પરિચય થઈ ગયો ત્યારે જગતનું અસ્તિત્વ ન રહ્યું. શરીરમાં જ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ ત્યારે કોઈ દ્વૈતભાવ ન રહ્યો.’

લીરલબાઈ આ ભજનમાં કહે છે કે ‘ઊંચી ઊંચી મેડી, અજબ ઝરૂખા’ મહા અદભુત કારીગરીવાળા આ દેહરૂપી મહાલયમાં ગણપતિ બિરાજે છે અને ‘ધરમુંનાં તાળાં’ ધર્મનું રહસ્ય ખોલી આપે છે.

સંકલન : ‘સત કેરી વાણી’ ..

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

આજે ગણેશ ચતુર્થી, અને ગણેશ મહોત્સવ નો પ્રથમ દિવસ., આપને તેમજ આપના પરિવારને  આજથી શરૂ થતાં ગણેશમહોત્સવ ના શુભ પર્વની શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજની પોસ્ટમાં ગણેશજી ના  આગમનની વધાઈ –  એક ભજન-વંદના સાથે જણાવેલ છે. આજની પોસ્ટ ‘ગણપતિ આવે ઝૂલતા …’  આપને પસંદ આવી હોય તો આપનાં અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આભાર … !‘દાદીમા ની પોટલી’.

સકારત્મક અભિગમ …

સકારત્મક અભિગમ …


ચિત્ર નેટ જગત ને આધારિત છે. ‘ઓ-નામી રેસલર’

 

મિજ સંવતના શરૂઆતના દિવસોમાં જાપાનમાં એક પ્રખ્યાત કુસ્તીબાજ રહેતો હતો. તેનું નામ હતું – ‘ઓ – નામી’ એટલે કે ‘મહાન મોજાં’.

ઓ – નામી અત્યંત શક્તિશાળી અને કુસ્તીના દાવોનો જાણકાર હતો. અભ્યાસ હરીફાઈમાં તેણે પોતાના ગુરુને પણ હરાવી દીધા હતા. પણ જાહેરમાં એ એટલો શરમાળ હતો કે એના શિષ્યો પણ એને હરાવી જતા હતા.

ઓ-નામીને થયું કે તેણે કોઈ ગુરુની મદદ લેવી જોઈએ. એ સમયે હાકુજુ નામનો એક પ્રવાસી ગુરુ નજીકના મંદિરમાં ઉતર્યો હતો. ઓ-નામી તેમની પાસે ગયો અને પોતાની સમસ્યા જણાવી.

ગુરુએ કહ્યું . ‘તારું નામ મહાન – મોજાં છે. આજે રાત્રે મંદિરમાં જ રોકાઈ જા. કલ્પના કર કે તુ ડરપોક કુસ્તીબાજ નથી પણ દરિયાની ભરતીનું ઊછળતું મોજું છે. જે તેના માર્ગમાં આવતી દરેક વસ્તુઓને ફંગોળી દે છે, પોતાનામાં સમાવી દે છે. બસ આટલું કર અને તુ દેશનો સહુથી મહાન કુસ્તીબાજ બની જઈશ.’ ત્યારબાદ ઓ-નામી ધ્યાનમાં બેઠો. પોતે એક મોજું છે તેવી કલ્પના કરવા લાગ્યો. ધીમે ધીમે વિચારો અર્દશ્ય થતા ગયા અને તે મોજા વિષે જ અનુભવવા લાગ્યો.

જેમ જેમ રાત્રી આગળ વધતી ગઈ તેમ તેમ મોજાં વધુ ને વધુ મોટા થવા લાગ્યા. આ મોજાઓએ મંદિરમાં ફૂલદાનીમાં રાખેલ ફૂલોને પણ ફગાવી દીધાં અને બુદ્ધની મૂર્તિને પણ ડુબાડી દીધી. સવાર પડતા તો આખું મંદિર સમુદ્રના પાણીમાં ગરકાવ થઇ ગયું.

સવારે સવારે ગુરુએ જોયું કે ઓ-નામી હજી પણ ધ્યાનમાં બેઠો છે અને તેના ચહેરા પર મંદ સ્મિત છે. કુસ્તિબાજના ખભાને થાબડીને તેમણે કહ્યું, ‘હવે તને કશું પણ ચિંતિત કરી શકશે નહીં. તું મહાન મોજું છે. અને તારી સામે જે કાંઈ હશે એને તું ફગાવી દઈશ.’

એ જ દિવસે ઓ-નામીએ કુસ્તીના સ્પર્ધામાં ભાગ લીધો અને જીત્યો.

ત્યાર પછી જાપાનમાં કોઈ તેને કુસ્તીમાં હરાવી શક્યું નહીં.

(રા.જ.૧૦-૧૨ (૧૧) /૧૯૫ )

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘સકારાત્મક અભિગમ … ‘ ની પોસ્ટ દ્વારા દર્શાવેલ પ્રેરણાત્મક વાત અને શીખ જો આપને પસંદ આવ્યા હોય તો આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કેશો… આભાર ! ‘દાદીમા ની પોટલી’.