શિક્ષાપત્ર …

શિક્ષાપત્ર ….

 

આ પહેલા આપણે ‘દાદીમા ની પોટલી’ પર ‘પુષ્ટિ પ્રસાદ’ નો પરિચય મેળવ્યો,   હવે પછી  અઠવાડિયામાં  એક દિવસ  વૈષ્ણવ સંપ્રદાયની વાતો આપની સમક્ષ નિયમિત રીતે ‘પુષ્ટિ પ્રસાદ’ શ્રેણી હેઠળ  લઇ આવવા  અમો નમ્ર કોશિશ  કરીશું, જે માટે અમો  ‘પુ ષ્ટિ પ્રસાદ’  સામાયિક ના  સંપાદક શ્રી વ્રજનીશભાઈ શાહ  તેમજ ઈ મીડયા દ્વારા સંલેખ  કરી તેમને સાથ આપનાર  શ્રીમતી પૂર્વીબેન મોદી મલકાણ (યુ એસ એ) તેમજ  આ કાર્યમાં જોડાયેલ  દરેક  વૈષ્ણવ સાથીઓ ના  અમો અંતરપૂર્વકથી આભારી છીએ …. આશા છે કે આપને આ ‘પુષ્ટિ પ્રસાદ’ નામે નવી શ્રુંખલા બ્લોગ પર પસંદ આવશે..  !

 

ભાણખેતર (શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક)

શિક્ષાપત્રની ઉત્પતિનો ઇતિહાસ…

 

પુષ્ટિ સૃષ્ટિનો પ્રાણ, વેદાર્થમાં, ગીતાર્થમાં અને બ્રહ્મસૂત્રમાં જે અર્થો ને ભાવો ભરેલા છે તેને સમગ્ર સૃષ્ટિ સમક્ષ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરી આધિદૈવીકતાથી રજૂ કરનાર એજ આપ શ્રી વલભાચાર્ય મહાપ્રભુજી છે. સામદેવ સ્વરૂપ સંગીતનો રસ તિરોહિત થઈ ગયા હતા તેમાં પ્રભુચરણના મુખારવિંદે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે પ્રગટ થઈ બંસીનો નાદ ગુંજાવ્યો છે. તેઓએ વિવિધ ગ્રંથો દ્વારા પૃથ્વી પર પોતાનો સ્વપ્રકાશ પાથર્યો છે. તેઓએ ત્રણવાર પૃથ્વી પરિક્રમા કરીને અસંખ્ય જીવોને શરણે લીધાં છે, તેમણે અસંખ્ય ગૃહોમાં સેવા પ્રગટાવી સમસ્ત આર્યભૂમિને અધિકગણી દૈદીપ્યમાન કરી દીધી છે એટલું જ નહીં પરંતુ આપશ્રીએ આપ્તજીવોને પણ સ્વ નખચંદ્ર દ્વારા જાગૃત કર્યા છે. યજુર્વેદમાં બતાવાયેલી ભક્તિ યશની વેદીરૂપ ઝંખવાયેલા આચાર વિચારો તથા ત્યાગનાં છુપાય ગયેલા સૂત્રોને સ્વરૂપાત્મક સ્વરૂપે આપશ્રીએ દૈવીજીવોને આપ્યાં છે.

 

ભક્તિયજ્ઞનાં પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ અતિરસિક છે માટે જ સર્વત્ર દૈવી સૃષ્ટિને ચિત્રાર્થ કરી લીલાત્મક ષડ્ધર્મો સર્વત્રે દર્શાવ્યા છે. આપશ્રીને લગ્ન-યજ્ઞની ઇશ્વરી આજ્ઞા થતાં તેઓએ બત્રીસમાં વર્ષે લગ્નયજ્ઞમાં પ્રવેશ કર્યો. લગ્ન યજ્ઞનાં ફલસ્વરૂપે આપશ્રીને ત્યાં શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી એમ બે પુત્રોનું પ્રાગટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજીએ જ્યારે નિત્યલીલા પ્રવેશ કર્યો તે પહેલા તેમણે આ આધિદૈવીક પ્રેમલક્ષણા ભક્તિના ધર્મશાસનનો ભાર જયેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીને સોંપ્યો. શ્રી ગોપીનાથજીનાં ગોલોકધામ પધાર્યા બાદ આ ધર્મશાસનનો ભાર શ્રી વિઠ્ઠલનાથજીએ ઉપાડયો અને સર્વ જગતમાં પુષ્ટિ માર્ગીય પ્રેમલક્ષણા ભક્તિનો વિસ્તાર કર્યો. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ તે શ્રી ગુંસાઈજી તરીકે ઓળખાયાં. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણે પણ જ્યારે નિત્યલીલામાં પ્રવેશ કર્યો તે અગાઉ તેમણે પણ આ પ્રેમલક્ષણાભક્તિને આધિદૈવીક સૃષ્ટિમાં વિસ્તાર કરવાની જવાબદારી પોતાનાં સાત લાલન વચ્ચે વહેંચી દીધી. શ્રી ગુંસાઈજી પ્રભુચરણને સાત લાલન હતાં( શ્રી ગિરિધર લાલજી, શ્રી ગોવિંદ લાલજી, શ્રી બાલકૃષ્ણ લાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામ લાલજી)

 

શ્રી વિઠ્ઠલનાથજીનાં દ્વિતીય લાલ શ્રી ગોવિંદલાલજીનાં પુત્ર તે શ્રી કલ્યાણરાયજી હતાં. શ્રી કલ્યાણરાયજીનાં પુત્ર તે શ્રી હરિરાય મહાપ્રભુજી હતાં. તેઓનું પ્રાગટ્ય ૧૬૪૭નાં ભાદરવા વદી પાંચમને દિવસે થયું હતું. શ્રી હરિરાયજીનાં ગુરુચરણ શ્રી ગોકુલેશપ્રભુચરણ છે. વિક્રમ સંવત ૧૭૨૫માં શ્રી હરિરાય મહાપ્રભુજી ગોકુલ છોડીને ખીમનોર પધાર્યા છે. તેઓ ૧૨૫ વર્ષ ભૂતલ પર બિરાજયાં તે દરમ્યાન તેમણે રસિકરાય, રસિક પ્રિતમ, હરિરાય, હરિદાસ એવી અનેક છાપોથી લગભગ 300 જેટલા ગ્રંથોની રચના કરી છે. જેમાંથી અમુક ગ્રંથ પ્રાપ્ય છે અને અમુક ગ્રંથ અપ્રાપ્ય છે. આ ૩૦૦ ગ્રંથોમાં અતિમૂલ્યવાન એવો એક શિક્ષાપત્ર ગ્રંથ પણ રહેલો છે. પરંતુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને આ ગ્રંથ મળ્યો છે તેનાં નિમિત્ત રૂપ શ્રી ગોપેશ્વર પ્રભુચરણ બન્યાં છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજીનાં રચિત શિક્ષાપત્રનાં પ્રત્યેક શબ્દે શબ્દોમાં વિરહાત્મક આર્દ્રતા અને દીનતા રહેલી છે. તેમનાં શ્રી હરિરાયજીનાં લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજીનાં વહુજી નિત્યલીલામાં પધારવાનાં છે તેવા ભાવસંકેત પ્રાપ્ત થતાં જેશલમેરથી શ્રી હરિરાયચરણે પ્રતિદિન પત્રો લખીને મોકલવાનું નક્કી કર્યું. પ્રતિદિન કાસદ પત્ર લઈને જેશલમેરથી ખીમનોર જાય ને શ્રી ગોપેશ્વરજીને પત્ર પહુંચાડે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી, અને તે પ્રમાણે રોજ રાત્રીનાં સમયે કાસદ સાંઢણી પર બેસી પત્ર સાથે નીકળે અને પ્રભાત થતાં સુધીમાં તો તે પત્ર શ્રી ગોપેશ્વરજી પાસે પહુંચી જાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી તરફથી આવતાં પત્રોને જોઈ શ્રી ગોપેશ્વરજી વિચારે છે કે ભ્રાતૃચરણને મારા પર અતિ સ્નેહ છે તેથી તેઓ મારા પર પત્ર રૂપે પોતાનો સ્નેહ મોકલી રહ્યાં છે તેથી શ્રી ગોપેશ્વરજી આવતા પત્રોને મસ્તકે ધરીને પોતાની બેઠકના ગોખલામાં પધરાવે છે અને વિચારે છે કે ભગવત સેવાથી સમય મળતા વાંચીશ. આમ આ ક્રમ ચાલુ રહે છે. આવી રીતે પાંચ પાંચ દિવસ પસાર થવા છતાં પણ આવતા પત્રો ભગવતસેવાને કારણે ન વાંચતાં શ્રી ગોપેશ્વર પ્રભુ પત્રોને ગોખમાં પધરાવતાં જાય છે.

 

પરંતુ છઠ્ઠા દિવસની એ સવાર જુદી હતી તે દિવસે શ્રી ગોપેશ્વરજીનાં વહુજી લીલાસ્થ થયા છે. ભગવદ ભાવયુક્ત વહુજી લીલાસ્થ થવાથી ગોપેશ્વરજીને લૌકિક દુઃખ લાગણી ભાવ પ્રગટે છે તેથી શૂન્ય મસ્તક અને ઉદાસ રહેવા લાગ્યાં.

 

શ્રી ગોપેશ્વર પ્રભુની ઉદાસી જોઈ સર્વે સેવકો વિચારવા લાગ્યાં કે ત્રણ ત્રણ દિવસ પસાર થયાં છતાંયે શ્રી ગોપેશ્વજીનો કલેશ ઓછો નથી થતો. ત્યારે ગોપેશ્વર પ્રભુની ઉદાસી દૂર કરવા માટે વિચારી રહેલા તેમના સેવકોમાં એક હરજીવનદાસજી પણ હતાં. તેઓને વાતચીત દરમ્યાન જાણ થઈ કે થોડા દિવસોથી રોજ શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રી ગોપેશ્વરજીને પત્રો મોકલે છે પરંતુ ભગવદસેવામાં વ્યસ્ત શ્રી ગોપેશ્વર પ્રભુએ તેને સંભાળીને ગોખલામાં મૂકી રાખ્યાં છે પરંતુ ખોલીને જોયા નથી. આથી તેઓએ શ્રી ગોપેશ્વરજીને વિનંતી કરી કે પ્રભુ આપ એ પત્રો ખોલીને જુઓ કે શ્રી હરિરાય મહાપ્રભુચરણે એ પત્રો આપને શા માટે મોકલ્યાં છે? આમ કહી તેમણે શ્રી ગોપેશ્વર પ્રભુને શ્રી હરિરાયજી મહાપ્રભુના મોકલેલા પત્રોની યાદ અપાવી. સર્વે વૈષ્ણવોની વિનંતીથી ઉદાસીમાં હોવા છતાંયે શ્રી ગોપેશ્વર પ્રભુએ ગોખલાંમાંથી ભગ્ન હૃદયે એ પત્રો લીધા અને પત્રો ખોલી વાંચવા લાગ્યાં. ભ્રાતૃચરણનાં પત્રો વાંચતાં ગયાં છે તેમ તેમ શ્રી ગોપેશ્વરજીનાં હૃદયમાંથી શોક દૂર થતો જાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત તે પત્રો શિક્ષાપત્રોને નામે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત થયાં છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ શિક્ષાપત્ર દ્વારા અને શ્રી ગોપેશ્વર પ્રભુની આડીથી સમસ્ત વૈષ્ણવોનાં હૃદયમાં ભાવનું પોષણ થાય તે હેતુથી માર્ગનો સિધ્ધાંત બતાવ્યો છે. આ શિક્ષાપત્રનાં વધુ સાતત્યને રજુ કરવા માટે ૮૦ વર્ષ પૂર્વે પ.ભ. શ્રી દિનકિંકરજી દ્વારા શ્રી ગોપેશ્વરજીએ વ્રજભાષામાં લખાયેલી ટીકાઓનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો તે અનુવાદ પૂર્ણ શિક્ષાપત્ર ગ્રંથનો તેમજ પ.ભ શ્રી સુંદરલાલ મણિલાલ વકીલ તેમજ શ્રી રમેશભાઈ પરીખ રચિત શિક્ષાપત્રનું આચમન ૧-૪ ભાગનું અનુસંધાન અને આધાર લેવામાં આવ્યો છે.

 

 લેખક સંકલન વ્રજનીશ શાહ

BOYDS MD USA.


email: [email protected]
email: [email protected]

 

સાભાર : ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ  : પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

પૂરક માહિતી :

પુષ્ટિસૃષ્ટિ ઉપર શ્રી હરિરાયજીએ કોણ જાણે કેટલા ઉપકારો કર્યા હશે ! એઓશ્રીના મંગલ નામથી ક્યો વૈષ્ણવ અજાણ્યો હશે ! શ્રીમદાચાર્યજી તથા શ્રીમદવિઠ્ઠલેશ્વર ઉપરાંત શ્રી હરિરાયજીની અસર પણ સ્થાયી અને વધુ વ્યાપક છે. વિદ્વતકેસરી શ્રી પુરૂષોત્તમજી, સર્વવિત્ શ્રી ગોપેશ્વરજી આદિ વિદ્વાન આચાર્યોએ આ માર્ગને ઉજ્જવલ કરવા કાંઇ કચાશ રાખી નથી, પણ શ્રીહરિરાયજીનાં વચનામૃતોએ જેવું વ્યાપક સ્વરૂપ પકડ્યું છે, તેવું વ્યાપક સ્વરૂપ બીજા આચાર્યોના ગ્રંથરત્નોએ આપણામાં લીધું નથી. શ્રી હરિરાયજીની શિક્ષા અત્યારે તો થોડે ઘણે અંશે દરેક વૈષ્ણવમાં રગે રગે વ્યાપી ગઈ છે. સંપ્રદાયના અન્ય ગ્રંથો શ્રવણ કરવાનો જેને લાભ કે અવકાશ નહિં મળતો હોય, તેઓ ‘શિક્ષાપત્ર’થી તો અજાણ્યા નહિં જ હોય, જ્યાં જ્યાં ભગવદવાર્તા થાય છે, ત્યાં ત્યાં ‘શિક્ષાપત્ર’ પ્રથમ સ્થાન લે છે. નિરક્ષર અભણ વૈષ્ણવોથી માંડીને ઉંડા અભ્યાસીને પણ આ શિક્ષાપત્રમાંથી મનગમતું પોષણ મળી રહે છે.

*

સ્થળનું નામ :- ભાણખેતર (શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક)
સ્થળની વિસ્તૃત માહિતી
ભારતના વૈષ્ણવો માટે અનેરૂ યાત્રાધામ છે.
પૃષ્ટિસંપ્રદાયના સ્થાપક પરમ વંદનીય શ્રી વલ્લભાચાર્યજીના વંશન – પ્રપ્રૌત્ર એવા શ્રી હરિરાયજી ભૂતળ પર વિકૂમ નં.૧૬૪૭ થી ૧૭૭ર સુધી (૧રપ વર્ષ) રહયા હતા.
એમની સાત બેઠકો પૈકીની એક તે ભાણખેતર (ભાનુક્ષેત્ર) માં છે. આ બેઠકજી ભાણખેતરમાં તળાવના કિનારે પવિત્ર, શાંત, રમણીય વાતાવરણાં છે. અહીંથી ડાભા ત્રણ કિ.મી.દૂર થાય, આ બેઠકજી જંબુસરથી ૧ કિ.મી. જ છે. ડાભામાં પ્ર.વલ્લભાચાર્યજીની બેઠક છે.
સ્થળ પર કેવી રીતે પહોંચવું જંબુસરથી ભાણખેતર રીક્ષા ઘ્વારા
અંતર કી.મી. (જીલ્લા કક્ષાએથી) આશરે ૪૯ કી.મી.
સૌજન્ય :  http://www.shrivallabhanugrah.com  અને  http://bharuchdp.gujarat.gov.in  

 

શિક્ષા પત્રમાં સમાવેશ વાતો – તેમજ વૈષ્ણવ સંપ્રદાયમાં સમાવેશ  અન્ય  વિગતો નો સાર હવે પછી ની નવી  પોસ્ટમાં આપણે ક્રમશ: જાણવા કોશિશ કરીશું., જે માટે ‘દાદીમા ની પોટલી’ બ્લોગ ની નિયમિત મુલાકાત લેતા રહેશો. … ‘શ્રી હરિરાય મહાપ્રભુજીનાં રચિત શિક્ષાપત્ર  …  ‘ ની આજની  પોસ્ટ તેમજ અન્ય પૂરક માહિતી જો આપને  પસંદ આવી  હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર કોમેન્ટ્સ બોક્ષમાં, મૂકી આભારી કરશો… આપના પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શક બની રહે છે. … આભાર ! ‘દાદીમા  ની પોટલી’