વાસ્તવિકતા …

વાસ્તવિકતા …

 

 

ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઇ શકું, એ વાત મેં મારા બાળપણથી સાંભળી છે; પણ જેવો હું દુનિયામાં ભળું છું અને દુનિયા તરફથી થોડા ધક્કાધુંબા અનુભવું છું કે તરત એ વિચાર અર્દશ્ય થાય છે.  દરેક માણસમાં ઈશ્વર છે તેવો વિચાર રાખીને હું રસ્તે ચાલુ છું; એક બળવાન માણસ આવીને મને ધક્કો મારે છે અને હું ફૂટપાથ ઉપર ચત્તોપાટ પડી જાઉં છું; પછી હું મુક્કો વાળી જલ્દીથી ઊભો થઇ જાઉં છું; મારા મગજમાં લોહી ઘસી આવે છે, અને વિવેક ચાલ્યો જાય છે; તરત જ હું પાગલ બની જાઉં છું, બધું જ ભુલાઈ જાય છે, ઈશ્વરને બદલે હું તેનામાં સેતાનને દેખું છું.  આપણે જન્મ્યા ત્યારથી જ સઘળે ઈશ્વર જોવાનું આપણને કેહવામાં આવ્યું છે.  દરેક ધર્મ ઉપદેશ આપે છે, કે સર્વમાં અને સર્વ સ્થળે ઈશ્વરને જુઓ.  બાઈબલમાં ક્રાઈસ્ટ એમ કહે છે તે શું તમે નથી જાણતા ?  આપણને સહુને આ ઉપદેશ કરવામાં આવ્યો છે.  પણ જ્યારે વ્યવહારુ બાજુએ આવીએ છીએ, ત્યારે જ મુશ્કેલી ઊભી થાય છે.  ઈસપનીતિની વાર્તા તમને યાદ હશે.

 

એક સાબર સરોવરમાં પોતાના પ્રતિબિંબને જોઇને પોતાના બચ્ચાને કહે છે :  ‘જો હું કેવું શક્તિશાળી છું ? મારું ભવ્ય મસ્તક જો, મારા અવયવો જો; તે કેવા મજબુત અને સ્નાયુબદ્ધ છે ?  હું કેટલી બધી ઝડપથી દોડી શકું છું ?’   દરમિયાન દૂર કૂતરાના ભસવાનો અવાજ તે સાંભળે છે, અને તરત નાસે છે.  કેટલાક માઈલો દોડ્યા પછી તે હાફ્તું પાછું આવે છે.  બચ્ચું પૂછે છે : ‘તે મને હમણાં જ કહ્યું હતું કે તું આટલી બધી મજબૂત છે, છતાં પણ કૂતરા ભસ્યા ત્યારે કેમ દોડી જવું પડ્યું ?’  હા, બેટા ! પણ જ્યારે કૂતરાં ભસે છે ત્યારે મારી બધી જ આત્મશ્રદ્ધા ચાલી જાય છે.’

 

આપણું પણ આવું જ છે.  આપણે માણસ તરીકે આપણી જાત વિશે ઊંચા ખ્યાલ બાંધીએ છીએ; આપણી જાતને મજબુત અને બાહ્દૂર લેખીએ છીએ;  આપણે ભવ્ય નિશ્ચયો કરીએ છીએ પણ જ્યારે કસોટી અને પ્રલોભનનાં ‘કૂતરાં’  ભસે છે, ત્યારે પેલી વાર્તાના સાબર જેવા બની જઈએ છીએ.  જો આમ જ હોય તો પછી આ બધી બાબતોના ઉપદેશોનો શો ઉપયોગ ?  તેનો શ્રેષ્ઠ ઉપયોગ આ છે કે અંતે ખંતનો વિજય થશે.  કશું એક દિવસમાં સાધ્ય થઇ શકતું નથી.

 

આત્મા વા આરે  શ્રોતવ્યો મન્તવ્યો નિદિધ્યાસિતવ્ય 😐  ‘આત્મા વિશે પ્રથમ શ્રવણ કરવાનું છે,  પછી તેના પર મનન કરવાનું છે અને પછી તેનું ધ્યાન ધરવાનું છે.’  દરેક માણસ આકાશને જોઈ શકે છે; પૃથ્વી પર પેટે ચાલતો કીડો પણ નીલ આકાશને જોઈ શકે છે !  પણ તે કેટલું દૂર છે !  આપણા આદર્શનું પણ તેવું જ છે.  તે જરૂર ઘણો દૂર થાય છે;  પણ સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે આદર્શ હોવો તો જોઈએ જ.  અરે, આપણે આદર્શ તો ઊંચામાં ઊંચો રાખવો જોઈએ.  કમભાગ્યે આ જીવનમાં ઘણા મોટા ભાગના મનુષ્યો કોઈપણ આદર્શ વિના અંધકારમાં ફાંફા મારે છે.  આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તો મારી ખાતરી એ છે કે આદર્શ વિહોણા માનવી તો પચાસ હજાર ભૂલો કરતો હશે.  માટે  આદર્શ રાખવો વધુ સારું છે.  એટલું જ નહિ પણ જ્યાં સુધી આ આદર્શ આપણા હૃદયમાં, આપણા મગજમાં, આપણી નસોમાં ના પ્રવેશે, જ્યાં સુધી આપણા લોહીના પ્રત્યેક બિંદુમાં તે ન ઝણઝણે અને શરીરનાં રોમેરોમમાં ન પ્રસરે, ત્યાં સુધી તે આદર્શ વિશે બને તેટલું સાંભળવું અને તેનું મનન કરવું જોઈએ.  ‘હૃદય ભાવનાથી ભરપૂર થાય ત્યારે જ મુખમાંથી વાણી નીકળે,’  અને હૃદય હૃદય ભાવનાથી ભરપૂર થાય ત્યારે જ હાથ પણ કામ કરે.

 

(સ્વા.વિ.ગ્ર.-સંચયનમાંથી)
રા.જ.૫-૧૨/(૫)૫૧)

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

‘વાસ્તવિકતા …’ આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો…‘દાદીમા ની પોટલી’

બુંદેલોની આનબાન …

બુંદેલોની આનબાન …

–     રામેશ્વર તાંતિયા …

 

૧૯૬૧ની વાત છે.  ચિરગામથી રાષ્ટ્રકવિ મૈથલીશરણજી અને સિયારામ શરણજીની સાથે ઇતિહાસ –પ્રસિદ્ધ બુંદેલાની રાજધાની ઓરછા જોવા ગયા.  ત્યાંના કિલ્લામાં અને મહેલોમાં સેંકડો વર્ષ પહેલાંની તોપો અને તોપગોળાના ચિહન હજી સુધી જોવા મળે છે.

 

બેતવા નદીને કિનારે હવે ઓરછા એક સામન્ય સાધારણ ગામ બની ગયું છે.  પરંતુ આજથી ૩૦૦ વર્ષ પહેલાં એક સમૃદ્ધ નાગર હતું.  સને ૧૬૬૩માં મહારાજા ચંપતરાય અહીંથી ચાલ્યા ગયાં.  ત્યાર પછીએ આ નગર મોગલોને અધીન રહ્યું.  આમ છતાં પણ એમના પુત્ર છત્રસાલ એક ઇતિહાસ પ્રસિદ્ધ વીર થઇ  ગયાં.  તેઓ ઓરછાને પાછું ન લઇ શક્યા.

 

ગુપ્તજીએ મહેલના એક કક્ષમાં બેસીને અમને બે કથા સંભળાવી.  એ સાંભળીને મન કંપી ગયું અને આંખમાં આંસુ આવી ગયાં.  પહેલી વાત તો કુંવર હરદૌલની અને મહારાજ ચંપતરાયની રાણી સારંધાની.

 

આ કથાની નાયિકા સારંધા બુંદેલ ખંડના એક સાધારણ જમીનદારની પુત્રી હતી.  પોતાની સુંદરતા અને સાહસ માટે દૂર સદૂર સુધી પ્રસિદ્ધ બની હતી.  એ દિવસોમાં બુંદેલ ખંડમાં મોગલ અને પઠાણોનાં આક્રમણ વારંવાર થતાં રહેતાં.  એટલે સ્ત્રીઓ પણ શસ્ત્ર સંચાલન કરવાનું જાણતી.

 

ઓરછા નરેશ મહારાજ ચંપતરાયે સારંધાનાં સૌંદર્ય અને શૌર્ય વિષે સાંભળ્યું હતું.  સારંધાનાં મોટાભાઈ ઠાકુર અનિરુદ્ધસિંહની પાસે સારંધાના વિવાહનો સંદેશ મોકલ્યો.

 

ઠાકુરના આનંદનો પાર ન રહ્યો.  ક્યાં આટલા મોટા રાજ્યના અધિપતિ અને ક્યાં તેઓ એક નાના જાગીરદાર !  આમ છતાં પણ એમણે કહેણ મોકલ્યું કે મહારાજને ચાર રાણીઓ તો પહેલીથી જ છે અને જો મારી બહેનને પટરાણી બનાવે તો અમને આ સંબંધ મંજૂર છે.

ઘણી ધામધૂમ સાથે લગ્ન પૂરાં થયાં.  સારંધા પટરાણી બનીને ઓરછામાં રહેવા લાગી.  એને ચાર પુત્ર થયા.  એમાંથી એક પરમ પ્રતાપી છત્રસાર હતા.  ચંપતરાય શાહજહાંના દરબારમાં મોટા સુબા હતા.  ઓરછા ઉપરાંત કલાપી પણ એમની જાગીરમાં હતી.  જ્યારે ઓરંગઝેબ રાજા બન્યા ત્યારે એમનો દરરજો વધારવામાં આવ્યો.  તેમણે બાર હજારી સુબા બનાવી દીધાં.  એ સમયે હિન્દુ રાજાઓમાં જયપુરના મિરઝા રાજા જયસિંહ સિવાય આટલું મોટું સન્માન બીજા કોઈને મળ્યું ન હતું.

 

રાણી સારંધા અને પુત્રો સાથે ચંપતરાય વચ્ચે વચ્ચે દિલ્હીમાં પણ રહેતા.  એમની પાસે એક ઈરાકી ઘોડો હતો.  એની જોડ આખી મોગલ સલ્તનતમાં ક્યાંય ન હતી.  કોઈ સમયે આ ઘોડો શાહજહાંના સેનાપતિ વલીબાહદૂરની માલિકીનો હતો.  એ ઘોડાને ચંપતરાય યુદ્ધમાં જીતીને પોતાના તબેલામાં લાવ્યા હતા.  હવે આ વલીબાહ્દૂર  ઓરંગઝેબનો સરસેનાપતિ બની ગયો.  પોતાનો ઘોડો પાછો લેવાના અવસરની રાહ જોતો હતો.  એક દિવસ કુંવર છત્રશાહ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યો હતો.  એ વખતે વલીબાહદૂરના સિપાઈઓએ તેની પાસેથી ઘોડો આંચકી લીધો.

 

છત્રશાહની ઉંમર એ વખતે ૧૪ વર્ષની હતી.  રાણીને ઘરે આવીને બધી વાત કરી.  એના ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી.  એ સમયે ચંપતરાય કોઈ યુદ્ધમાં ગયાં હતા.  દિલ્હીમાં રાણી એકલી હતી.  એણેપોતાના ૨૫ વિશ્વાસુ સિપાઈઓને સાથે લીધાં અને બાદશાહના દરબારમાં જઈને વલીબાહ્દૂરને પડકાર્યો.

 

‘ખાઁ સાહેબ, એક બાળક પર હાથ ઉપાડતા આપને શરમ ન આવી ?  જો તમે મર્દ હતા તો પછી ઘોડાને લડાઈમાં કેમ છોડી આવ્યા હતા !’

 

બાદશાહ અને બીજા દરબારીઓએ જોયું કે એક અત્યંત તેજસ્વી અને રૂપવતી મહિલા તલવાર હાથમાં લઈને ખાઁ સાહેબને પડકારતી હતી.

 

બાદશાહ ઓરંગઝેબ પોતાના મુસ્લિમ સેનાપતિનું ભર્યા દરબારમાં અપમાન થતું જોઈને ક્રોધમાં રાતોપીળો થઇ ગયો.  પણ એ ઘણો કૂટનીતિવાળો હતો.  રાજા ચંપતરાયની વીરતા અને એના સાહસને એ બરાબર ઓળખતો હતો.  એટલે એણે રાણીની તરફદારી કરીને કહ્યું : ‘રાણી સાહેબા !  આપની બાહ્દૂરીથી અમે ખૂ ખુશ છીએ.  પરંતુ એક ઘોડા માટે સલ્તનતના સરસેનાપતિને આવી રીતે નારાજ કરવો કે એનું અપમાન કરવું એ આપના માટે અને રાજા સાહેબ માટે પણ સારું ન કહેવાય.

 

આ સાંભળીને સારંધાએ મક્કમ અવાજે કહ્યું : ‘બાદશાહ સલામત, અહીં પ્રશ્ન ઘોડાનો નરથી.  પણ અમારી આનબાનનો છે.  અમે બુંદેલા પોતાની ઈજ્જત અને પોતાનું માન જાળવવા બધું છોડવા તૈયાર હોઈએ છીએ.’

 

એ સાંભળીને ઓરંગઝેબે કહ્યું :  ‘રાણી સાહેબ, જો આપના મહારાજા અહીં હોત તો અમારી હાજરીમાં કદાચ આવા શબ્દો કહેવાની હિંમત ન કરત.  ખૈર !  આપ સૌ તમારા મુકામે જાઓ.  ઘોડો આપને મળી જશે.  પણ એની મોટી કિંમત ચૂકવવી પડશે.

 

જ્યારે રાજા ચંપતરાય દિલ્હી આવ્યા અને બધી વાતો સાંભળી ત્યારે એને ઘણી ચિંતા થઇ અને આમ છતાં અંત સુધી રાણી અને કુંવરને જ સાથ દીધો.  પરિણામે એની સુબાગીરી અને જાગીર છીનવી લીધી.  તેઓ ઓરછામાં આવી રહેવા લાગ્યા.

 

વલીબાહ્દૂર ભર્યા દરબારમાં તઃયેલું પોતાનું અપમાન ભૂલ્યો ન હતો.  થોડા દિવસો પછી એણે એક મોટી ફોજ લઈને ઓરછાને ચારે બાજુથી ઘેરી લીધું.  એની ફોજમાં દેશદ્રોહી અને ધર્મદ્રોહી એવા કેટલાક રજપૂત પણ હતા.

 

આમ છતાં પણ બુંદેલાઓ ઘણી બાહ્દૂરીપૂર્વક લડ્યા.  બાદશાહની આવડી ફોજ સામે એમની શી હસ્તી?

ધીરે ધીરે બધાં સિપાઈ માર્યા ગયાં.  કિલ્લામાં કેવળ સ્ત્રીઓ અને બાળકો જ હતાં.

 

રાજાએ પણ ઘાયલ થઈને ખાટલો પકડ્યો હતો.  રાણી રાતદિવસ પતિની સેવામાં રહેતી.  એમણે વારંવાર અપશુકન થવા લાગ્યાં.  હવે એને એવું સ્પષ્ટપણે લાગ્યું કે આ કિલ્લાને બચાવવો મુશ્કેલ છે.  મનમાં વિચાર કર્યો અને બને તો આપણે પોતે ગમે તેમ કરીને અહીંથી બહાર નીકળીને દૂર કોઈ જગ્યાએ ચાલ્યા જઈએ.  કદાચ એમ કરવાથી બીજા લોકોનો જીવ તો બચી જાય !

માત્ર દસ સિપાઈઓ સાથે રાજા અને રાણી અંધારી રાતે કિલ્લાના ગુપ્ત દરવાજેથી બહાર નીકળ્યાં.  રાણી ઘોડા પર હતી અને બીમાર રાજા પાલખીમાં હતા.  બીજા દિવસે મોગલ સિપાઈઓએ એમને ઘેરી લીધાં.  દસ સિપાઈ વીરતાપૂર્વક લડતાં લડતાં મૃત્યુ પામ્યા.  રાણી પણ સારી હિંમત અને બાહાદૂરીપૂર્વક લડી, પરંતુ આટલી મોટી ફોજ સામે એ બીચારી કરે ય શું ?  પૂરેપૂરી ઘાયલ થઇ ગઈ.  પોતાના ઘાવને બચાવીને જલ્દીથી મહારજની પાલખી પાસે આવીને કેહેવા લાગી :  ‘મહારાજ ! અંતિમ વિદાય લેવા આવી છું.  ભૂલચૂક માફ કરો.  આપનાં ચરણોની સેવા કરવા ત્યાં સ્વર્ગમાં રાહ જોઇશ.’

 

મહારાજાએ કહ્યું : ‘ હે રાણી ! વીસ વર્ષથી તું સુખ દુઃખની મારી સાથી હતી.  આજે મને આ દુશ્મનોના હાથમાં આવી બીમારીની પરિસ્થિતમાં છોડીને જતાં તમને કંઈ દુઃખ ચિંતા થતાં નથી ?  શું તમે મને ઉંમરભર મોગલોના કેદખાનામાં છોડીને ચાલ્યા જશો ?’

 

એ સાંભળીને સારંધાએ કહ્યું :  ‘મહારાજ ! કાળ સુધી તો હું ઓરછા રાજ્યની રાણી હતી.  પણ આજે દરેક રીતે હું અસહાય છું.  આમ છતાં આપ મને જે આજ્ઞા આપશો એને હું શિરોમાન્ય ગણીશ.

 

મહારાજાએ કહ્યું : ‘સારંધા ! તમે હંમેશા મારી વાત માણી છે.  આજે હું બીમાર છું,  અસહાય છું,  આમ છતાં પણ મને એટલો વિશ્વાસ છે કે મારી અંતિમ વાતને તમે કાને ધરશો.  મારું મન કહે છે કે તમારો વીર પુત્ર જીવંત છે.  તે દુશ્મનનો બદલો અવશ્ય લેશે.  તમે એક કામ કરો કે તમારી આ તલવાર પહેલાં મારી છાતીમાં ભોંકી દો અને પછી તમારી છાતીમાં ભોંકી દેજો.’

 

રાણીએ રડતાં રડતાં કહ્યું : ‘મહારાજ !  આપ આ કેવી આજ્ઞા આપો છો.  શું આજ સુધી આવું બન્યું છે ખરું ?  શું તમે મને કાયમને માટે પતિહ્ન્તા બનાવવા ઈચ્છો છો ?’

 

રાજી કહ્યું : ‘રાણી, આ સમય વ્યક્તિગત બાબતોનો નથી.  તમે મને વચન આપ્યું છે અને તમારે પૂરું કરવું જોઈએ. ‘  બાદશાહના સિપાઈઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે બે લોહી નીતરતી લાશ જોઈ.  રાણીનું માથું પતિની છાતી પર હતું.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

‘બુંદેલોની આનબાન … ‘  આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી.

વૈષ્ણવ જન તો તેને રે કહીએ … (નરસિંહ મહેતા) …

વૈષ્ણવ જન તો તેને રે કહીએ … (નરસિંહ મહેતા)
સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

.

.

 

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન

સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે … વૈષ્ણવજન

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે … વૈષ્ણવજન

વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે … વૈષ્ણવજન

 – નરસિંહ મહેતા

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

નરસિંહ મહેતા ની રચના શ્રી નારાયણ સ્વામીના સ્વરમાં સાંભળવાની જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

સેક્સ અંગે પ્રાથમિક જાણકારી … (સેક્સ એજ્યુકેશન -જાણકારી અને માર્ગદર્શન) …

સેક્સ અંગે પ્રાથમિક જાણકારી … (સેક્સ એજ્યુકેશન -જાણકારી અને માર્ગદર્શન) 

 

 

સેક્સ એજ્યૂકેશન …. તે અંગેની પ્રાથમિક જાણકારી …અને
વિવાહિત જીવન દરમ્યાન કે તે પહેલા ઉભી થયેલ સમસ્યાનું નિવારણ અને ઉપાય … માર્ગદર્શન …

 

આ અગાઉ આપને અમારા દ્વારા જાન કરવામાં આવેલ કે જો આપ ઇચ્છશો તો ડૉ. ઝરણાબેન દ્વારા સેક્સ એજ્યુકેશન અંગે માર્ગદર્શન અને પ્રાથમિક જાણકારી આપવામાં આવશે.,  આપના રિસ્પોન્સ ને ધ્યાનમાં લઇ આજથી  આપણે સેક્સ બાબતે જરૂરી અને પાયાનું મહત્વનું જ્ઞાન ડૉ.ઝરણાબેન  દ્વારા  ચાલો મિત્રો મેળવીએ, જેનાથી આપણી મનની અંદર ઉદભવતા પ્રશ્નો તેમજ આપણા પરિવારમાં યુવા વયમાં પ્રવેશતા બાળકોની જીજ્ઞાશા અને કુતૂહલને સંતોષકારક સ્પષ્ટતા આપી શકીએ.  

 

 ‘દાદીમા ની પોટલી પર આજની પોસ્ટ મોકલવા બદલ અમો ડૉ. ઝરણાબેન દોશી ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

 

મનુષ્યનું જીવન અનેક પ્રકારના પાસાઓને લઈને પૂર્ણ સ્વરૂપે પહોચે છે. જન્મ થી લઈને મૃત્યુ પર્યંત આપણને કુદરત તરફથી મળેલી ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ અને આશીર્વાદોને આપણે કઈ રીતે સમજીએ છીએ, કઈ રીતે આપણને મળેલી બક્ષિશો ને સાચવીએ છીએ અને શરીર થી મન, મનથી આત્મા સુધીના આંતરિક વિકાસ થકી સ્વયંનો તેમજ સૃષ્ટી નો સર્વાંગી વિકાસ થવામાં એકરૂપ થઈએ છીએ તે અતિ મહત્વનું છે. સેક્સ એક કુદરતી પ્રક્રિયા છે. કુદરતની રચેલી સૃષ્ટીમાં જીવવા માટેની તમામ જરૂરિયાતોમાં મહત્વનો પાયો છે. જેમ આપણી શારીરિક જરૂરિયાત અન્ન, પાણી, હવા છે તેમ શરીર સાથે જોડાયેલું આપણું મન અને મન સાથે જોડાયેલો આપણો આત્મા, આ દરેક ની સીધી અને સાદી જરૂરિયાતોમાં એક પ્રાથમિક જરૂરિયાત સેક્સ છે.

 

સેક્સ (મૈથુન) વિષે સ્ત્રી – પુરુષના જાતિય સંબંધ અને સેક્સ બાબતે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ જેથી આ બાબતે આપણા બાળકોને લગ્ન બાદ અને પુખ્ત અવસ્થામાં આવેલ તમામ સ્ત્રી પુરુષોને સાચું માર્ગદર્શન મળી રહે. જેમ આપણા શરીરમાં માથા થી લઈને પગ સુધીમાં જુદા જુદા અંગો છે અને દરેક અંગનું એક આગવું કાર્ય છે અને દરેક અંગ એકબીજા સાથે જોડાયેલું છે. એજ પ્રમાણે સેક્સક્રિયા દરમ્યાન આવો આપણે સ્ત્રી અને પુરુષ ના ઉપયોગમાં આવતા મહત્વના અંગો વિષે જાણકારી મેળવીએ.

 

સૃષ્ટિના સમતોલ અને સમાંતર રૂપ ને ધ્યાનમાં રાખીને કુદરતી રીતે જ બે જુદા જુદા એવા જીવોનો ઉદભવ થયો છે જેમાં એક જીવ સ્ત્રી શરીર છે અને એક જીવ પુરુષ શરીર છે. સ્ત્રી શરીર ની રચના એવી છે કે તેઓને યુવા અવસ્થા દરમ્યાન કોમળતા રૂપી સ્તન અને પ્રજનન અંગોમાં યોની આપવામાં આવેલ છે જે પુરુષ શરીરથી જુદા પડતા દેખાતા અંગો છે. પુરુષ શરીરને યુવા અવસ્થામાં મજબુતાઈ અને પ્રજનન અંગોમાં શિશ્ન આપવામાં આવેલ છે. બંને શરીરોના મિલન થકી તેમજ સર્જનાત્મકતાની પદ્ધતિ થકી સંભોગ દ્વારા સ્ત્રી શરીર અને પુરુષ શરીર આપસમાં પોતપોતાની સંપૂર્ણ મરજી થકી યુવા અવસ્થા બાદ એકબીજા સાથે સહવાસ કરીને પ્રજનન અંગોના મિલન થકી અનેરો આનંદ માણતા હોય છે. આ મિલન થકી બાળકોનો જન્મ પણ થાય છે, મિલન થકી યુગલ આપસમાં એકબીજાની વધુ નજીક આવી શકે છે, એકબીજાના સથવારા થકી અને સમજણ શક્તિના વિકાસ થકી સંસારરૂપી રથને ઉતમ રીતે ચલાવી જાણે છે.

 

મિત્રો, હવે આવો આપણે લગ્નજીવન ની પહેલા અને પછી આવતી સમસ્યાઓને જાણીએ, સમજીએ અને એના નિવારણ ના ઉપાયોને અમલમાં કઈ રીતે મુકવા તે પણ જોઈએ.

 

સ્ત્રી અથવા પુરુષ ની મુગ્ધા અવસ્થા થી જ શરીર અને મનમાં પરિવર્તન આવવા લાગે છે, આ દરમ્યાન બંનેને મનમાં વિચારો અને કલ્પનામાં અનોખા પ્રકારના ક્યારેય ન અનુભવેલા સ્પંદનો ઉદભવે છે. આ સમય એવો છે જ્યાં અનુભવીઓ અને વડીલોના માર્ગદર્શનના સાથ થકી જે સ્પષ્ટતા મળી રહે તો સમસ્યાને કોઈ સ્થાન ન રહે.

 

લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ …

 

1. આપસમાં સ્વભાવનો મેળ ના ખાવો.

2. સંતાન ન થવા.

3. પરસ્પર પ્રેમ ના થવો.

4. સ્ત્રી અથવા ક્યારેક પુરુષની કામેચ્છાનો જલ્દી અસ્ત સમય આવવો.

5. પોતાના ભૂતકાળના દિવસોની યાદમાં સતત ખોવાયેલા રહેવું.

6. એકબીજા પ્રત્યે લેવડદેવડ જેવો સંબંધ જ બાકી રહેવો.

7. કોઈ એક પાત્રની સતત અને ગંભીર માંદગી રહેવી.

8. ઘરમાં સયુંકત પરિવારમાં સ્વભાવ મેચ ન થવા અને તણખલા ઝર્યા કરવા.

9. મોટી આર્થીક મુશ્કેલી આવી જવી.

10. કોઈ પણ એક પાત્રને પ્રજનન અંગો બાબતે અંગત સમસ્યા રહેવી.

 

આવો અનેક યુવાઓ અને યુગલોની અમુક સમસ્યાઓના કારણોને ધ્યાનમાં લઈએ….

 

1. સમય, સમજણ અને સહનશક્તિનો અભાવ રહેવો.

2. પોતાના જ શરીર સાથે અડપલા અને પછી અણસમજને કારણે કરેલું અયોગ્ય પદ્ધતિ થકી કરેલું હસ્તમૈથુન.

3. વિરોધી શરીર પ્રત્યે કાયમની કુતુહલતા અને એને લઈને સતત વૈચારિક મતભેદ.

4. કોઈ એક પત્રને વધુ પડતી કામેચ્છાની ભાવના થવી તથા અસંતોષની કાયમ મનોવ્યથા રહેવી.

5. સેક્સ પ્રત્યે બાળપણથી જ સુગ રાખવાના સંસ્કાર પડી જવા.

6. નાનપણમાં કોઈ દુર્ઘટનને કારણે સેક્સ પ્રત્યે અરુચિ થઇ જવી.

7. સેક્સની ક્રિયામાં ઉતરવા માટે પહેલેથી જ નિષ્ફળતાનો ભય સતાવવો.

8. લગ્નજીવન ના આરંભ થવા પહેલા જ અન્ય પસંદની વ્યક્તિ સાથે છુટછાટ લઇ લેવી.

9. નશીલા દ્રવ્યો જેમ કે તમ્બાકુ, ગુટકા, માવા, દારૂ, ડ્રગ્સ, સિગારેટના વ્યસન મા વ્યસ્ત રહેવું.

10. પરિવાર મા કોઈને સેક્સ ના અંગો બાબતે ગંભીર બીમારી થવી.

11. કમને માતાપિતાની પસંદગીના પાત્ર સાથે લગ્નજીવન નો આરંભ કરવો.

12. દિવસ રાત પોતપોતાની પ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેવું.

 

આવો હવે આ બાબતે આપણે નિવારણ, ઉપાય અને માર્ગદર્શન મેળવીએ …

 

આજના યુગના બાળકો બહુ જલ્દી મુગ્ધા અવસ્થામાં અને પછી પુખ્તવયના થઇ જતા હોય છે. જો બાળકોને સમયસર સેક્સ પ્રત્યેની સાચી સમજણવાળું જ્ઞાન આપીએ છીએ તો તેઓના આવેગને અને આવેગ થકી થઇ શકતા અનાચરણ સુધી પહોચવાના રસ્તાઓ પર બંધ બાંધવો સહેલો થઇ રહે છે.

 

આવો આપણે આ સમસ્યાના નિવારણના અમુક મુદ્દાઓ ધ્યાનમાં લઈએ. …

 

1. પતિપત્નીની પરસ્પર આદર અને સમ્માનની ભાવના.

2. પરિવારના બધાજ સભ્યો માટે એકબીજાના હ્રદય મા એક આગવું ભાવનાત્મક સ્થાન.

3. એકતા ની ભાવના નો વિકાસ.

4. દરેક અવસ્થામાં જરૂરી એવા સંસ્કારોનું સિંચન.

5. બાળકોની તમામ દૈનિક પ્રવૃત્તિ ઉપર બારીક અને સૌમ્ય નિરીક્ષણ.

6. આધુનિકતા ને અપનાવતા પહેલા સંયમરૂપી નિયમોની સર્વસંમતિ થકી યાદી.

7. એકબીજાની પોતાના જીવનમાં રહેલી મહતાનું આગવું મૂલ્યાંકન અને જાગૃતિ.

8. જીવનની રોજેરોજની પોતાની પ્રવૃત્તિ થકી સાથે રહેનાર બાળકો અને યુવા બાળકો પર પડતા સંસ્કારો પ્રત્યે સતર્કતા અને સૌમ્ય આચરણ.

9. બાળકોના માનસિક અને આધ્યાત્મિક વિકાસ પ્રત્યે હકારત્મક વલણ અને તેનું અનુસરણ.

10. પતિપત્ની ના આપસી સંબંધોમાં રખાતી જરૂરી ગોપનીયતા.

 

ડો.ઝરણા દોશી …

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને [email protected] અથવા ‘દાદીમાં ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. dadimanipotli”gmail.com પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.

 

હવે પછી આ શ્રેણીમાં આપ વિશેષ ક્યા વિષય પર વિશેષ  જાણકારી પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે અંગેના આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો,આપના પ્રતિભાવ દ્વારા લેખિકા ડૉ. ઝરણાબેન ને યોગ્ય પ્રેરણા તેમજ માર્ગદર્શન મળી રહેશે. આપના યોગ્ય  પ્રતિભાવ ની અપેક્ષા સાથે … આભાર ! ‘દાદીમા ની પોટલી’

એકાદશીનું મહત્વ …

એકાદશીનું મહત્વ …

 

 

આપણાં ભારતીય શાસ્ત્રોએ એકાદશીનાં વ્રતને ખૂબ મહત્વ આપ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસારમાં રહેલા મનુષ્યોની દૃષ્ટિ સામાન્ય રીતે રાગભોગ અને વિષયાનંદ તરફ હોય છે જેને કારણે મનુષ્યનું મન સદૈવ ભોગવૃતિ તરફ રહેતું હોય છે. આ ભોગવૃતિને કારણે રોજ બરોજના વિપરીત અને અશુધ્ધ આહારથી મનુષ્યોનાં તન અને મન બંને બગડે છે આથી ધર્મ કહે છે કે મનુષ્યએ પોતાનાં તન, મન અને ચિત્તની વિશુધ્ધિ વ્રતનાં ઉપવાસથી કરવી જોઈએ. પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટ્લે શું? અને એકાદશી એટ્લે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટ્લે નજીક અને વાસ એટ્લે કે રહેવું અર્થાત નજીક રહેવું પરંતુ પ્રશ્ન એ થાય કે જીવોએ નજીક કોની રહેવાનું છે? સંતો કહે છે કે આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃતિઓમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ. જ્યારે એકાદશી એ શબ્દ એકાદશ પરથી બન્યો છે. પૂનમથી અમાસ સુધીના શુક્લ અને વદનાં પંદર દિવસોમાં અગિયારમાં દિવસે કરવાનું વ્રત તે એકાદશીનું વ્રત. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટ્લે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે જીવોએ પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે આથી સંતો કહે છે કે મનુષ્યોની આ પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને આપણાં અંતઃકરણની વિશુધ્ધિ કરવાનું વ્રત તે એકાદશી છે. સામાન્ય રીતે બે એકાદશી પંદર પંદર દિવસે બે વાર આવે છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે એકાદશી કદાચિત બેવાર સાથે આવી જાય છે ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

 

ગરૂડ પુરાણમાં કહે છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયનાં એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરૂ થતી હોય તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે. પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલા એક કલાક ૩૬ મિનિટ કરતા ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો તે અપૂર્ણ એકાદશી કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં કહે છે કે જો એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો તો એકાદશી બીજા દિવસે કરવી અને ત્યાર પછીનાં ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડવો. ઉપનિષદમાં આજ્ઞા કરતાં કહ્યું છે કે સંકલ્પપૂર્વક જીવોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ વ્રત સામાન્ય રીતે ત્રણ દિવસનાં વિધાનથી થાય છે જેમાં દશમીનાં દિવસે મનુષ્યએ એકવાર ભોજન કરવું, એકાદશીનાં દિવસે કેવળ જળ પર આધાર રાખવો અને બારસનાં દિવસે ફરી એકટાણું કરવું. સંતો અને વિદ્વાનો કહે છે કે પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિ સાધવા માટે, ભગવદ્ પ્રાપ્તિ અને પોતાનાં જીવનની વિશુધ્ધિ અર્થે એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે એકાદશીનું વ્રત કરવાથી સુખ,શાંતિ તથા સમૃધ્ધિની સાથે પણ થાય છે. પરંતુ વિજ્ઞાન કહે છે કે પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શારીરિક આધિ વ્યાધિઓ દૂર થાય છે.

 

એકાદશી કરી રહેલા ભક્તજનો માટે થોડાં નિયમ બતાવેલાં છે. જેમકે એકાદશીના દિવસે તામસ અન્નનો ત્યાગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી અન્ન ખાવું જ ન જોઈએ. આ દિવસે અન્નનું દાન પણ ન કરવું જોઈએ. બને ત્યાં સુધી કેવળ જળ કે દૂધ, અથવા ફળ જેવા સાત્વિક અન્ન ઉપર દિવસ પસાર કરવો જોઈએ. એકાદશીની રાત્રીએ જાગરણ કરવું અને જાગરણ દરમ્યાન પ્રભુ સ્મરણ, અને મનન કરવું જોઈએ. એકાદશીમાં ભક્તજનો માટે અમુક ખાદ્યવસ્તુઓનો નિષેધ પણ કરવામાં આવ્યો છે. જે વસ્તુઓનો નિષેધ કરવામાં આવ્યો છે તેમાં તમામ પ્રકારનાં સૂકા અને લીલા કઠોળ અને કઠોળમાંથી બનતી વસ્તુઓ જેવા કે ચણા, સોયા, મગ વગેરે…,લીલા શાકભાજી જેવા કે પરવળ, તૂરિયાં, ભીંડા, સરગવાની શીંગ, ગલકા, દૂધી વગેરે, લીલી ભાજીઓ જેવી કે તાંદળજા, પાલક, કડવો-મીઠો લીમડો, સેલાડ, કોબી વગેરે, અનાજમાં બાજરી, ઘઉં, ચોખા મકાઇ વગેરે તેમજ આ અનાજમાંથી બનતી વસ્તુઓ, વાનીઓ, તેલ અને આ તેલમાં તળાયેલી કોઈપણ વસ્તુઓ વગેરે લેવાનો નિષેધ માનવામાં આવ્યો છે. જ્યારે કાળા મરી, સિંધવ મીઠું, આદુ, તાજા મેવા (ફળો) અને સૂકા મેવા (બદામ, કાજુ, મગફળી વગેરે), બટેટા, શક્કરીયા, ઓલિવ, અને ઓલિવમાંથી બનતી વસ્તુઓ તથા ઓલિવનું તેલ, લીંબુ, પપૈયાં, નાળિયેર, ખાંડ, દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ વગેરે વસ્તુઓને એકાદશીનાં દિવસે માન્ય માનવામાં આવી છે.

 

ધર્મ કહે છે કે મનુષ્યોએ જીવનનાં પ્રત્યેક પંદર દિવસે પોતાનું મન અને જિહવાને રાગભોગ તરફથી બહાર કાઢીને થોડી નજર વૈરાગ્ય તરફ પણ કરવી જોઈએ કારણકે વૈરાગ્ય રૂપ વિરક્તિથી મનુષ્યને પોતાનાં સ્વરૂપની અનુભૂતિ થાય છે જેને કારણે મનુષ્યની પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિમાં ચિત્ત લાગે છે. અણુભાષ્ય નામના ગ્રથમાં કહે છે કે એકાદશીનું બીજું નામ હરિ વસારા છે કારણ કે એકાદશી એ વ્રત છે જેનાં દ્વારા ભક્તજનો પોતાનાં પ્રભુને પોતાની તમામ ઇન્દ્રિયોથી પ્રસન્ન કરી શકે છે એકાદશીનાં વ્રતની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવાથી જીવો પર ભક્તિદેવીની કૃપા ઉતરે છે જેનાં કારણે જીવો અને જીવાત્મા પોતાનાં કર્મનાં બંધનો ખોલીને મોક્ષના દ્વાર તરફ આગળ વધે છે.

 

સાભાર – સૌજન્ય :પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘એકાદશીનું મહત્વ’ … પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મલકાણ ના અંતરપૂર્વકથી આભારી છીએ. આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., આપના મૂકેલ પ્રતિભાવ લેખિકા ની કલમ ને સદા બળ પૂરે છે. આભાર !

સુવિચારોનું વૃંદાવન ….૭ (ડૉ. સુરેશ દલાલ)

સુવિચારોનું વૃંદાવન …. ૭ 

-ડૉ. સુરેશ દલાલ

 ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા –આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણ

જોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.

***

કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસ એમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.

જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથી થતો.

***

બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.

***

બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનો પક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય અને માબાપનો પક્ષ લે

તો માવડિયો ગણાય.

***

પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીં કે આખું જીવન બિનજરૂરી થઈ જાય.

***

ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાક લાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.

***

સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છો ત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.

***

મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાની જેમ ભસતાં દંપતીઓને બાળક પર આની શી અસર

થશે એનો કેમ વિચાર નહીં આવતો હોય ?

***

જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો ?

***

મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળે છે એટલો જીવનમાં મળતો નથી.

 

***

– ડૉ. સુરેશ દલાલ

સાભાર સૌજન્ય પ્રાપ્તિ : વિજયભાઈ ધારિયા (શિકાગો – યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … ‘દાદીમા ની પોટલી’

શોધો તો ઈશ્વર મળશે જ … (પ્રેરકકથા) …

શોધો તો ઈશ્વર મળશે જ … (પ્રેરકકથા) …

 

રાજા ગુણોત્તમના દરબારમાં અગિયાર પધાનો હતા.  તેમાંના દસ ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ અને ક્ષત્રિય હતા.  ફક્ત એક પ્રધાન ક્ષુદ્ર હતો.  પહેલાં તે રાજાનો નીચી કક્ષાનો અનુચર હતો પણ તેની વિશ્વાસપાત્રતા, કુશળતા અને સ્વામીભક્તિ જોઈ રાજાએ ધીમે-ધીમે જવાબદારીવાળાં  કામ તેને સોંપવા માંડ્યાં હતાં.  છેલ્લે તેને પ્રધાન બનાવ્યો, એટલું જ નહીં તે રાજાનો માનીતો પ્રધાન બની ગયો.  તેનું નામ હતું ભગો, પણ રાજા તેને ભગાજી કહેતા.  બીજા પ્રધાનો તેની ઈર્ષ્યા કરતા.  પ્રાઈવેટમાં તેને ભગો કહેતા, પણ જાહેરમાં તેમને પણ ભગાજી કહીને સંબોધન કરવું પડતું.

 

પ્રધાનોએ રાજાને ફરિયાદ કરી.  તેમના માટે શુદ્રને પ્રધાન બનાવવાનું વાજબી નહોતું.  રાજાએ પ્રધાનોને જણાવ્યું કે મેં સકારણ તેને માનીતો પ્રધાન બનાવ્યો છે.  વખત આવ્યે મારું પગલું અયોગ્ય નથી એ હું તમને બતાવીશ.

 

ચારેક મહિના પછી ભગાજી સહિત બધાં પ્રધાનોને રાજાએ બોલાવ્યા અને કહ્યું, ‘આવતી કાલે હું રાજ્ય બહારના  આપણા રાજવી બગીચામાં છુપાઈ જવાનો છું.  તમારે સવારથી સાંજ સુધીના સમયમાં મને શોધી કાઢવાનો છે.  જે મને પહેલો શોધી કાઢશે તેને પુરસ્કાર મળશે.’  પ્રધાનોને લાગ્યું કે આ તો બહુ સહેલું કામ છે.  બીજે દિવસે રાજાએ આખા શરેમાં ઠેર-ઠેર ખુલ્લી જગ્યાઓમાં ગણિકાઓ, નૃત્યકારો, ગાયકો-વાદકોને ગોઠવી દીધાં.  સામાન્ય રીતે ભારે મૂલ્ય લઇ તેમની કળા દેખાડનારા આ કલાકારો એ દિવસે તેમની કળા  વિના મૂલ્યે દેખાડતા હતા.  લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્યક્રમ જોવા જતાં હતા અને માણતા હતા.  પ્રધાનો સવારમાં બગીચામાં જવાં નીકળ્યા પણ ઠેર-ઠેર નૃત્ય, ગાયન, વાદનના ખેલ વિનામૂલ્ય થતાં જોઈને જઈએ.  બગીચામાં રાજાને શોધતાં તો શી વાર લાગવાની છે ?  એમ કરતાં –કરતાં બધાં પ્રધાને સાંજ પડવા આવી ત્યારે બગીચામાં પહોંચ્યાં.  ત્યાં તો તેમણે જોયું કે રાજા અને ભગાજી એક ઝાડ નીચે બેઠાં –બેઠાં વાતો કરતાં હતા.    બધાએ ભગાજીને પૂછ્યું, ‘તમે ક્યારે આવ્યા ?’  ભગાજીએ કહ્યું, ‘હું તો સવારનો અહીં જ છું, ઊઠીને તરત અહીં આવ્યો.’  પ્રધાનોએ પૂછ્યું, ‘તમે શહેરમાં ચાલતાં મનોરંજન કાર્યક્રમો ન જોયા ?’

 

ભગાજી બોલ્યા, ‘રસ્તે આવતાં મેં એ બધું જોયું ખરું, પણ મારા મનમાં તો એક જ તાલાવેલી હતી કે ક્યારે બગીચે પહોંચું અને રાજાજીને છુપાવવાની જગ્યાએથી મુક્ત કરું એટલે હું તો બધું છોડીને અહીં આવતો રહ્યો.’

 

ભગાજીની વાત સાંભળી બીજા પ્રધાનો ભોંઠા પડી ગયાં.  આ જ રીતે સંસારમાં ઘણાં પ્રલોભનો છે, પણ સાચો ભક્ત ઈશ્વરને સમર્પિત છે.  તે પ્રલોભનો ત્યજીને શોધે છે.,  તો ઈશ્વર મળી જ રહે છે.

 

 

સૌન્જ્ય : ગ.ગુજ. ૧-૧૨/૪૯-૪૧

 

બ્લોગ લીંક : http://das.desais.net
Email: [email protected]

 

‘શોધો તો ઈશ્વર મળશે જ …’  પ્રેરકકથા જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો…. ! ‘દાદીમા ની પોટલી’

સ્ત્રીઓ ને લગતી તકલીફો અને હોમીઓપેથી … (અકસીર ઈલાજ)

સ્ત્રીઓ ને લગતી તકલીફો અને હોમીઓપેથી   … (અકસીર ઈલાજ) …

– ડૉ. ગ્રીવા માંકડ

MD(AM)BHMS DNHE

 મિત્રો આજે એક નવા સાથીદાર નો આપને ટૂંકમાં  પરિચય આપવા કોશિશ કરીશું.  ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ, અને હોમીઓપેથી’  ના શિર્ષક હેઠળ આપણે ઘણા સમયથી ડૉ.પાર્થ માંકડ ની કલમ ને નિયમિત રીતે માણી રહ્યા છે અને અનેક રોગ અને તેના ઉપાયની પ્રાથમિક જાણકારી પણ તેઓ દ્વારા મેળવતાં રહ્યા છીએ., એટલું જ નહિ આપની કોઈપણ શારીરિક સમસ્યાના નિવારણ પણ તેમના દ્વારા આપણે મેળવીએ છીએ.  ડૉ. પાર્થ માંકડ સાહેબે  થોડા સમય પહેલાં જ ડૉ.ગ્રીવા માંકડ (અંજાર -કચ્છ) સાથે પ્રભુતામાં પગલા પાળેલ  છે. અમદાવાદમાં  ડૉ.માંકડ દંપતી  પોતાની ક્લીનીક  અલગ અલગ વિસ્તારમાં ધરાવે છે.  આજથી ડૉ.ગ્રીવાબેન ના અનુભવ અને માર્ગદર્શનનો લાભ તેઓની  કલમ દ્વારા  આપણને નિયમિત રીતે અહીં સાથ મળી રહેશે.

ડૉ.ગ્રીવા માંકડ સફળ  હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓ ના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે,  ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકી માં પણ નિષ્ણાત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ . ડી. પણ કરેલું છે. આ ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે. ડૉ.ગ્રીવા માંકડ હવે આપણને ‘દાદીમા ની પોટલી’ પર સ્ત્રી તેમ જ બાળ રોગ વિષયક  પ્રાથમિક જાણકારી અને તેના ઉપાય વિશેના લેખ  આપવા માટે સહમત થયા છે.  જે માટે અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

અપને આજની પોસ્ટ પસંદ આવે તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી, જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે, તેમજ લેખિકા ની કલમ ને બળ પૂરે છે.  આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

સ્ત્રીઓ ને લગતી તકલીફો અને હોમિયોપેથી  …   

માસિક અને તેને લગતી તકલીફો – (૧ ) 

 

ડીસમેનોરિઆ –   સ્ત્રીને દર મહીને મળેલી દુખાવાની ભેટ …

 

સ્ત્રીઓ માટે ઋતુચક્ર એ માન ના માન  મૈં તેરા મહેમાન જેવું છે. ચૌદેક વરસ ની ઉમર થી લઈને લગભગ પચાસેક વરસ સુધી દર મહીને આવતું રહે છે.….. આ ઋતુચક્રમાં તેને ઘણા બધા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. જે આપણે આવનારા આર્ટીકલ્સ માં જોતા રહેશું.

આજે જોઈએ ડીસમેનોરિઆ અને એના ઉપાયો વિષે……

ડીસમેનોરિઆ  શું છે?

 

ડીસમેનોરિઆ એટલે કે માસિક સમયે થતો  દુ:ખાવો.  આ એક એવી  તકલીફ છે જે સ્ત્રીઓ ને ખુબ  મુંજવતી  હોય છે.  આ તકલીફ માં સામાન્ય રીતે પેટ તેમજ પેડુ ના ભાગ માં દુખાવો રહેતો હોય છે.  દુ:ખાવો હળવો અથવા તો ખુબ વધારે એમ બંને પ્રકારે હોઈ શકે છે.  હળવો દુ:ખાવો એ સામાન્ય સંજોગોમાં પેડુના ભાગમાં ભાર તરીકે અનુભવાય છે, જે ખુબ થોડા સમય માટે જ હોય છે.  પરંતુ અસહ્ય જણાતા દુ:ખાવા ઘણી વખત એ જે તે સ્ત્રી ના રોજબરોજ ના કાર્યો પર ઘણા દિવસો સુધી અસર પહોચાડતા હોય છે.  ક્યારેક તો એ વધુ પડતા બ્લીડીંગ સાથે પણ  જોવા મળે છે.

 

દુ:ખાવાની લાક્ષણિકતા સમજીએ તો કોઈ સ્ત્રી ને એ પેડુના ભાગમાં ચૂંક આવતી હોય એવું લાગે, તો કોઈ ને બળતરા કે જાટકા આવતા હોય એવું પણ અનુભવી શકે.

 

ડીસમેનોરિઆ ના પ્રકાર :

ડીસમેનોરિઆ ના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય:

 

૧] પ્રાઈમરી ડીસ્મેનોરિયા

 

પ્રાઈમરી ડીસ્મેનોરિયા માં દેખીતી રીતે દુખાવાનું કોઈ જ  કારણ હોતું નથી.

આ પ્રકારના દુખાવા સામાન્ય રીતે છોકરીને પુખ્ત વયે જયારે માસિક ચક્ર શરુ થાય છે એના ૬ મહિના થી ૧ વર્ષ ના સમય ગાળામાં જ શરુ થઇ જતા હોય છે. જે ખુબ સામાન્ય રીતે જોવા મળતી ફરિયાદ છે.

 

પ્રાઈમરી ડીસ્મેનોરિયા થવા પાછળ  કેટલીક બાબતો અગત્ય નો ફાળો ભજવે છે, જેમકે …

 

માસિક ચક્ર ની શરૂઆત ખુબ વહેલી થવી

ઘણા દિવસો સુધી માસિક ચક્ર ચાલુ રહેતું હોય,

મેદસ્વીપણું

સ્મોકિંગ

આલ્કોહોલ

કસરત નો અભાવ

માનસીક તાણ કે ટેન્સન

ખુબ જલ્દી જ વજન ઉતારવા પાછળ આંધળી દોટ

 

પ્રાયમરી ડીસમેનોરિઆ ના લક્ષણો:  

 

  •  બ્લીડીંગ શરુ થયાના એક દિવસ પહેલા કમરના છેક નીચેના ભાગ સુધી કે પગ સુધી દુખાવો

  • સામાન્ય રીતે ૧૨-૨૪ કલાક અથવાતો અમુક કેસ માં ૨-૩ દિવસ સુધી દુખાવો રહેતો હોય છે.

  • સમય જતા દુખાવા માં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હોય છે.

  • દર મહીને એક સમાન માત્રા માંજ દુખાવો થાય એ જરૂરી નથી.

આ ઉપરાંત, માથાનો દુખાવો, થાક લગાવો, ચક્કર આવવા, સ્તન ભારે લાગવા વગેરે જેવા લક્ષણો પણ ઓછી માત્રામાં અનુભવતા હોય છે.

 

 

૨]  સેકન્ડરી ડીસ્મેનોરિયા

 

બીજો પ્રકાર સેકન્ડરી ડીસ્મેનોરિયા  એટલે કે જેમાં દુખાવાનું  એ સ્ત્રીના પ્રજનન તંત્ર સંબંધી કોઈ કારણ જોવા મળે છે. જેમકે

૧]  ગર્ભાશય માં ગાંઠ

૨]  પ્રજનન તંત્ર માં ચેપ,

૩]  એન્ડોમેટ્રીઓસીસ,

૪]  લીઓમાંયોમાં,

૫]  એડીનોમાંયોસીસ,

૬]  ઓવેરિયન સિસ્ટ

 

ગર્ભાશય માં ગર્ભનિરોધક સાધન જેમકે કોપર ટી મુકેલું હોવું વગેરે જવા કારણો જવાબદાર હોય છે.

 

સેકન્ડરી  ડીસ્મેનોરિયા ના લક્ષણો :

 

  • દુખાવાની નોર્મલ પેટર્ન માં ફેરફાર થવો, એટલે કે પીરીયડસ દર વખત  કરતા વધુ પેઈનફુલ રહેવા . અમુક   સ્ત્રીઓમાં તો માસિક ચક્ર  શરુ થવાના ઘણા બધા દિવસ પહેલાથીજ દુખાવો શરુ થઇ જતો જોવા મળે છે., અને તે છેક પૂરું થાય ત્યાં સુધી રહે છે.

  •  અનિયમિત માસિક ચક્ર.

  • બે માસિક ચક્ર વચ્ચે  બ્લીડીંગ થવું.

  • પહેલા કરતા ખુબ વધુ બ્લીડીંગ થવું.

  • વજૈનલ ડીસ્ચાર્જ  થવો.

 

હોમોયોપેથીક  સારવાર :

 

હોમોયોપેથીનો ખુબ અગત્ય નો ફાળો છે.  એને અગત્યનો હું એટલે કહીશ કે એ દવાઓ કોઈ પણ પ્રકારની આડઅસર વિના મટાડે છે. બાકી દર મહીને ખવાતી પેઈન કિલ્લર દવાઓ સ્ત્રીને અતિશય નુકશાન પહોચાડે છે. એને લીધા કરવા કરતા તો દુખાવો સહન કરવો સારો …એવી મરી ખાસ સલાહ છે.,

 

જો કે,  હોમિયોપેથીમાં આ તકલીફનો સ્યોર અને અકશીર ઈલાજ છે… ખાસ કરીને…

 

calcarea carb,

natrium muriaticum,

pulsatilla,

magnesium phos,

colocynth,

Belladonna,

Cimicifuga  …

 

જેવી ઘણી દવાઓ ડીસ્મેનોરિયા મટાડી શકે છે.  ઘણી વખત તો એવું પણ બન્યું હશે કે , magnesium phos જેવી  દવાના  એક માત્ર ડોઝે જ  એ દરદીને કન્સલ્ટીંગ  રૂમમાં થી બહાર નીકળતા પહેલા જ રાહત નો શ્વાસ લેવડાવી દીધો હોય. Secondary dysmenorrhoea ધરાવતી સ્ત્રીઓ માં તેનું જવાબદાર કારણ જાણી એને અનુરૂપ યોગ્ય હોમિયોપેથીક સારવાર થઇ શકે.

આ ઉપરાંત,  દવાની સાથે સાથે  ગરમ પાણીની કોથળીનો શેક પેડુના ભાગ માં કરવાથી પણ રાહત મળે છે.

પ્લેસીબો :

“Pain is temporary. It may last a minute, or an hour, or a day, or a year, but eventually it will subsideand something else will take its place. If I quit, however, it lasts forever.”
Lance Armstrong

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ગ્રીવા માંકડ… આપને શક્ય એટલો ઝડપી  જવાબ બ્લોગ પર  આપવા પ્રયત્ન  કરશે. જો કોઈ પણ ને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ  [email protected] ઉપર અથવા તો [email protected]  અથવા  [email protected] ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ,  સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ  ની જાણકારી મોકલવી.  તમોને તમારા  email ID દ્વારા  યોગ્ય માર્ગદર્શન  મોકલી આપીશું. ”

તું હવા.અને.હું. ? … (રચનાઓ) …

તું  હવા.અને.હું. ? … (રચનાઓ) …

તું  હવા.અને.હું. ? 

બધું એકજ, સ્વ કે પર જેવું કઈં હોય નહીં,હું જ વિચરું સર્વત્ર, ઘર જેવું કઈં હોય નહીં

એટલે સદાય તાઝી સુગંધ લઈ હોય ફરતી,હવાને ઠહેરાવ પડાવ જેવું  કઈં હોય નહીં.

ગતિનું રહસ્ય ખૂબ જાણતી,જાણીને માણતી એટલેજ,ફેલાવ-પ્રસાર બધે સંપૂર્ણ પ્રમાણતી

આવ-જાવ,ચાલ,રવાની અલગ રીતે નાણતી પશ્ચિમી પવનની મ્હાણથી બધે હાજર જણાતી

ચક્ર-ગતિની કાયલ પૃથ્વી પૂર્વ બાજુ જ ફરતી નિજ ગતિ સહી દિશાની સમજી લેવી જરૂરી

તારી હાજરી,તારો માહોલ,તારી સુગંધ ભારી,તું હવા,તારી હરફર,આવન-જાવન,રહેમ તારી.

દેખાતું બધું ભ્રમ-આભાસ,લાગતું! મહેર તારી હકીકત,વાસ્તવ-મરમ તું,નઝર-એ-કરમ તારી

 હું,તે તુંના ભેદ ગયા ઓસરી,રહેમ તારી,પરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી

 હોવું માત્ર,સહજ-સત્ય, એ સમજ વસી રહી,પમાતું જે ક્ષણમાં,પરમઆનંદ રહે બહુ નીતરી.

મહાન ‘રેકગ્નાઈઝ્ડ ચિન્તક-વક્તા’ ઓશો જેવી વ્યક્તિ નું તારણ છે કે,<બાહ્યમાં જેણે પણ ઈશ્વરને શોધ્યો છે, “મને જડ્યા એવું કોઈએ કહ્યું નથી! અને ભીતરમાં શોધનારે એવું કહ્યું નથી કે,-  મને ન મળ્યા,યા એહસાસ ન થયો ,પ્રભુનો!”> જેને નિસર્ગ-કુદરતના સાન્નિધ્યમાં, પ્રભુ પામ્યાની અનુભૂતિ થાય છે, તે તો, ભીતરના ભાવની પ્રતિચ્છાયા જ  છે! એવું અત્યારે આ ક્ષણે  મને સમજાય છે!

પરમાત્મા મારી ભીતર હાજર, જાગતો ,

હરક્ષણ,હરપલ,પ્રેરતો એ રક્ષણ કરતો ,

અનિદ્રા,ચિરજાગૃતિના શાપ-વરદાનનો,-

સદભાગી છું,મારો સદા ખ્યાલ રાખતો.

સૂર્યનું જ્ઞાન-પ્રકાશ તેજ, સ્વભાવ એનો!

અકાલ,અમરત્વ,શાશ્વતતા,મૂળગુણએનો!

અર્થ તો કાઢવાની વાત છે,મર્મ તો સમજવાની વાત છે।અર્થ કરીને બોલો , મર્મ સમજીને ચુપ રહેવાની વાત છે।

અર્થનો અનર્થ પણ થાય,મર્મ સમજી સ્મિતવાની વાત છે,અર્થને સહી પ્રમાણીએ તો,મર્મ સમજી પામવાની વાત છે।

મૂળ દેખાતો લોચન મનનો ઝગડો,સમજી જવાનીવાત છેબુદ્ધિની દલીલો હૈયાના ભાવો વિષેવિચારવાની વાત છે

વધુ ઊંડા ઉતરી શકાય,તો,સ્થૂળ-સૂક્ષ્મની પારની વાત છે,આતો ભાઈ,ખૂલ્લા મન,માન્યતાને પ્રમાણવાની વાત છે।

***

< પ્રજ્ઞા-પુલકનો સિક્કો સોનાનો એમાં ચળકે સ્રોત ઈશ્વરનો,>

<વર્ષા એની કૃપાની છે કાયમ હાજરાહજૂર,ઝીલવાને બસ,આળી,ભીની લીલપ જોઇએ!>

< કવિતા છે સંજીવની-તત્વ,હું એનો થઈ ગયો,/શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો. >

ખુશી-આનંદ પુલકભાવો ઉછળ્યા દોમ-દોમ અનંત,સ્વર્ગની જાણે કરે મનતન-ઝેહન સહલ વિતરંગ! >

<હળવેકથી હૂંફાળા પરમ-પુલકના શીતળ પાશમાં.જાણે ઝાકળ-ટીપાં લહેરાતા લીલા-કૂણા ઘાસમાં !>

 <‘તેરા તુજકો અર્પણ, પ્રભુ’ ગાયા કરે છે, સતત હવે! દ્વન્દ્વની દ્વિધા મટી,દેહાધ્યાસથી થયા અલિપ્ત, આનંદ>

<પ્રાણ-તેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.સંભોગ ઉત્કટ ક્ષણોનો, પરમની  ઉપલબ્ધિ આનંદ. >

<સૂરજ હો તો,લાગે ભીતર ઉજળિયાત,શ્રદ્ધા તો છે ભાઈ પારસની જ જાત.ઈશકૃપાની સદા થતી રહેતી બરસાત. >

 

સાભાર : સૌજન્ય : -La’KANT,[L.M.THAKKAR , Res.Phone:0251-2450888]  / 09320773606 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની સુંદર રચનાઓ ‘દાદીમા ની પોટલી’ પર  મોકલવા બદલ અમો લક્ષ્મીકાંતભાઈ ઠક્કર … ‘કંઈક’ ના અંતરપૂર્વકથી આભારી છીએ. આજની રચના જો આપણે પસંદ આવી હોઈ અને માણી હોઈ તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો, જે કવિ, લેખક ની કલમ ને બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.

ધ્યાન વિષે વધુ ઊંડી સમજણ …(ભાગ-૨) …

ધ્યાન વિષે વધુ ઊંડી સમજણ …(ભાગ-૨) …

 – ડૉ. ઝરણા દોશી …

 

ડૉ. ઝરણાબેન પાસેથી આપણે ઓગષ્ટ માસની શરૂઆતમાં જ ધ્યાન – યોગ – મેડીટેશન … અંગે પ્રથમિક માહિતી મેળવેલ, અને તેના ખૂબજ સુંદર પ્રતિભાવ અનેક વાંચક વર્ગ તરફથી અમોને મળેલ, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આજે ફરી તે જ વિષયને આગળ વધારીએ છીએ અને ‘ધ્યાન વિષે વધુ ઊંડી સમજણ’ આપણે ડૉ. ઝરણાબેન પાસેથી મેળવવા કોશિશ કરીશું. વાંચક મિત્રો ને ખાસ વિનંતી કે આપ આપના ધ્યાન ના અનુભવ, આપની જો ધ્યાન અંગેની સમસ્યા હોય તો તે વિના સંકોચ બ્લોગ પોસ્ટ ના પ્રતિભાવ બોક્ષ દ્વારા જણાવશો. ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલવા બદલ અમો ડૉ.ઝરણાબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ. હવે પછીની તેમની પોસ્ટ, ઘણા સમયથી અમોએ અગાઉ જાણ કરેલ, તેમ સેક્સ અને તેમની પ્રાથમિક જાણકારી અંગેની હશે. આશા રાખીએ છીએ કે આપ બ્લોગ પોસ્ટ નિયમિત રીતે જોતાં રહેશો.

 

 

જેમને જેમને ‘ધ્યાન’ માં  રસ છે અને આગળ વધવું છે તે દરેક વાચક મિત્ર સ્વયંને આ પ્રશ્ન પૂછે……

 

સૌ પ્રથમ આપણે એ નક્કી કરવું પડે કે ‘ધ્યાન’ એટલે મારી પોતાની સમજણ શું છે ?  ધ્યાન મેં કેટલી હદે રસપૂર્વક ગણતરીમાં લીધું છે ?   ધ્યાન કરવા માટે મારે શેની શેની સુવિધા કરવી પડશે ?  હું કોને ધ્યાન કહું છુ ?  મેં એવા કયા ધ્યાન અથવા ધ્યાનીને ધ્યાનમાં લીધા છે ?  મને ધ્યાન કરવાની પિપાસા જાગી છે કે મારે ધ્યાન ને એક શસ્ત્ર તરીકે વાપરીને કઈ ફાયદો જોઈએ છે ?

આપણે સૌ જાણીએ છીએ કે ધ્યાન એ આપણી પ્રાથમિક જરૂરિયાત નથી., ધ્યાન એ આપણી આરામદાયક સ્થિતિ માટેની જરૂરિયાત પણ નથી., ધ્યાન એ મનોરંજન નથી, મનોભંજન છે.  મનને આરપાર વીંધવાની પ્રક્રિયા છે.  ધ્યાનની ચર્ચા ના હોય, સીધું અનુસરણ હોય.  ધ્યાનમાં મનોરંજન શક્ય નથી, પરંતુ હા મનોરંજનમાં આપણને જે તલ્લીનતા અને રસલીનતા પસંદ છે તે માણવા મળી તો એમ કહેવાય કે આપણે ધ્યાન કર્યું અથવા ધ્યાન આપણા દ્વારા થયું.  જે આપણને એક પ્રકારનો અનુભવ કરાવી ગયું અને આપણે તન, મન, હૃદય થી તલ્લીન બની ગયા.  સ્વયંને વિસરી ગયા અથવા ઓતપ્રોત થઇ ગયા.

 

જેમ જેમ આપણી સમજણ વધતી જશે કે ધ્યાન એટલે મારી માટે શું છે તેમ તેમ ધ્યાન આપણી માટે પુસ્તકિયું જ્ઞાન અથવા ગોખણીયું ગણિત બનીને નહિ રહે.  ધ્યાન એ ભણતર નો વિષય હોત તો હમણાં સુધીમાં યુનિવર્સીટીમા ફરજીયાત ભણાવામાં આવ્યું હોત. પરંતુ ધ્યાન તો અનુભવનો વિષય છે.,  અપનાવાનો વિષય છે, એક વિશિષ્ટતા છે, લાક્ષણિકતા છે, આંતરિક વિકાસનું પ્રાથમિક પગથીયું છે.

 

આપણે વધુ એક ઉદાહરણ લઈએ …

 

માતાને માટે પોતાના બધાજ બાળકો પર એક સરખો જ પ્રેમ હોય,એક સરખું જ ધ્યાન હોય પરંતુ માતા પાસે પ્રથમ બાળકના આગમન અને બાળકના ઉછેર માટેના ૨૪ કલાક હતા.  હવે બીજું બાળક પણ આવ્યું પરંતુ ૨૪ કલાક તો એના એજ રહેવાના ને ?  છતાં બાળકો પર ધ્યાન આપવાની આંતરિક કલાનો વિકાસ માતા ની અંદર બીજા બાળકને જનમ આપતા સમયે આપોઆપ પ્રગટે છે અને આ આવડત થકી, કળા અને કૌશલ્ય થકી બંને બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં માતા અને પિતા સફળ થાય છે, સંતોષ અનુભવે છે.

 

કુદરત તરફથી સહજ રીતે, નૈસર્ગિક રીતે મળેલા તત્વોનું  કુદરતી ભાષા પ્રમાણે, કુદરતી નિયમો પ્રમાણે એક જ લાઈનમાં  તાલમેલ થઇ જવું તે ધ્યાન છે.  જેમ કે દરેક જીવ માત્ર પૃથ્વી પર જીવે છે,પૃથ્વી પર પાણી છે, ઉપર આકાશ છે,ચારે બાજુ હરિયાળી છે,આ બધાનો સહજ, નૈસર્ગિક, કુદરતી એવો સુચારુરૂપથી સંગમ રચાયેલો છે, તેના પાયા રૂપે ધ્યાનસ્થ પૃથ્વી પોતાની રચનાત્મકતાને કેટલી સુંદરતાપૂર્વક, સ્વસ્થતાપૂર્વક ધારણ કરીને બેઠી છે.  વધુ આગળ નજર કરીએ તો ધ્યાનસ્થ અવ્સ્થમાં કોણ કોણ છે જે પોતાને પ્રકાશિત કરીને અથવા પોતાનામાંથી કશુક રચીને, પોતાની રચનાત્મકતાને ઉદાર ભાવે લ્હાણી કરે છે.  આપણે આપણી ચારે તરફ દષ્ટિ કરીએ કે ધ્યાનમાં આપણને ઉતરવાનું મન થાય,પ્રેરણા થાય તે માટે આપણો સાથ કોણ કોણ આપી રહ્યું છે.  કોણ કોણ આપણને ધ્યાનસ્થ લાગી રહ્યું છે. સુર્ય, ચન્દ્ર, તારા,  વાયુ, વહેતી નદી, તળાવ, પર્વત, સાગર, તમામ પ્રકારની ખનીજ સંપતિ, લીલોતરી ….. આવું તો અનેક અનેક સૌન્દર્ય આપણી આસપાસ છે.  જેના પરિણામ સ્વરૂપ મનુષ્યને અને જીવ માત્રને સૃષ્ટી થકી જીવન અને ભોજન મળી રહેલું છે.

 

જીવનમાં ધ્યાનસ્થ સ્થિતિમા ઉતર્યા પછી આપણને એની અસરો કયા કયા જોવા મળે જેના થકી આપણે એવું અનુમાન કરી શકીએ કે ધ્યાન કોણે ધર્યું, કોને ખરેખર ફળ્યું, કોણ ધ્યાન થકી શું સિદ્ધ કરવા માંગે છે.

 

કોઈ પણ ક્રિયા કરવી છે તો તે ક્રિયાનું કઈ પરિણામ પણ ખબર હોવું જોઈએ અને તે ક્રિયાનું કારણ પણ ખબર હોવું જોઈએ.

 

દરેક વ્યક્તિ માટે ધ્યાન ના નામનું એક સામાન્ય સમીકરણ બેસાડવું હોય તો તે સાધારણ કક્ષાનું ધ્યાનનું લેવલ થઇ જાય, જેમ કે બાળકોને આપણે સામાન્ય કક્ષાનું ગણિત, ભાષા, ભૂગોળ, વિજ્ઞાન, ઇતિહાસ વગેરે નું જ્ઞાન આપીએ છીએ.  તેવી રીતે બધા માટે સામાન્ય ધ્યાનનું જ્ઞાન, ધ્યાનની ક્રિયા, ધ્યાનના પ્રકારો બધું જ ગૌણ અનુભવ કરાવી જાય છે.

 

જેમ આપણે પુસ્તકમાં વાર્તા વાંચીએ, પરદા ઉપર ચિત્રપટ જોઈએ છતા આપણું જીવન, જીવનમાં રહેલી જીવંતતા, જીવનમાં આવતી ક્ષણ પ્રતિક્ષણ, આ બધું બધાનું પોત પોતાનું હોય છે અને તે તે ક્ષણમા ધ્યાનસ્થ અવસ્થાને ઉપલબ્ધ કરવાની આવડત દરેક વ્યક્તિની પોતપોતાની આગવી અને લાક્ષણિક હોવી જરૂરી છે.

 

બેસીને સ્થિરતાપૂર્વક, હલનચલન કર્યા વગર, આસનમાં શરીરને વાળી કરીને સમય પસાર કરવો ઘણો સહેલો છે.  પરંતુ શરીર સાથે જોડાયેલું આપણું મન,  અને મન સાથે જોડાયેલું આપણું ચિત્, અને ચિતમાં ઉત્પન્ન થતા રહેતા ભાવ,પ્રતિભાવ … આ રીતે દરેક અવસ્થામાં તરબોળ રહેતા આપણે પોતે, ધ્યાનસ્થ અવસ્થામાં ફક્ત શરીરને જ બેસાડીને બેસાડી રાખીએ અને એ સિવાયની તમામ અંદરની મન:સ્થિતિનું અવલોકન કરાવવા માટે પ્રાયોગિક ધોરણે ધ્યાન શીખવાની જરૂર ઉભી થાય છે જે માટે એક પ્રેરણાદાયી સ્વરૂપ, એક ગુરુ, એક માસ્ટર, એક આપણે જેની ઉપર શ્રદ્ધા કરી શકીએ એવા માનદ પાત્રની દિશા અને દીક્ષાની જરૂર પડે છે.

 

જયારે આ પ્રમાણે આપણા પરિવાર,પોતાને માટે ઉપરાંત સમાજ માટે આવી હસ્તિ, આવા વ્યક્તિત્વની જરૂરિયાત ઉદભવે છે તે સમયે તેઓશ્રીની હાજરીમાં જે આપણે ધ્યાનસ્થ અવસ્થામાં આંતરિક વિકાસ કરીએ છીએ તેનો આસ્વાદ, તે વખતે મળેલી સમાધિ અવસ્થાના અનુભવોની રમણીયતા જ કઈ જુદી છે.

 

છતા રોજીંદા જીવનમાં ધ્યાનને અપનાવીને આપણે કશુક રચનાત્મક પગલું ભરવા માંગીએ છીએ તો ચોક્ક્સ જ નીચે પ્રમાણે પોતાનો,પોતાના સ્વભાવના  અભ્યાસનો આરંભ કરીએ.

 

સ્વભાવ ની છણાવટ માટે આપણે અમુક વધુ જુદા જુદા સ્વભાવ વાળી હસ્તીઓના સફળ સંતોષી અને સુખી જીવન માટે સૌ પ્રથમ બિનજરૂરી સ્વભાવનો અભ્યાસ કરીએ.

 

1.     બાળક:  રુઆબદાર, ઉતાવળીયો સ્વભાવ, રમતિયાળ, મસ્તીખોર, હાયપર, બાધકણાપણું, ભૂલકણાપણું , જીદ્દીપણું , ચિડચિડાપણું

2.     વિદ્યાર્થી :  આત્મવિશ્વાસ નો અભાવ, ડરપોક , મોટા ભાગનો સમય ટીવી અને વીડીઓ ગેમ મા આપવો, ભણવા સિવાયની બધી જ બાબતો મા પ્રથમ નંબર, તોછડાઈભર્યું વર્તન

3.     યુવક:   જીવનમાં ઉજળા ભવિષ્ય માટે ની ગંભીરતાનો અભાવ, ઉમર પ્રમાણેના નખરા, પાર્ટી,  મિત્રો સાથે મજા કરવી, ઘરની બહાર જ રહેવું, પોતાની ભૂલો સામે વડીલોને નવા નવા બહાના આપવા,

4.     યુવતી:   અખો દિવસ શરીર બાબતે કાળજી લીધા કરવી, નખરા કરવા, ખરીદી કરવી, જીદમાં રહેવું,ઘરમાં બધાથી વાત છુપાવી ને પુરુષ મિત્રો બનાવવા.

5.     સ્ત્રી:  જેમ બંને તેમ કામ મા આળસ અને સુવિધા નો સંગમ કરવો, સમય પસાર કરવાની રીતો અપનાવવી જેમકે ટીવી, પાર્ટી, મુવી, કિટીપાર્ટી, હોટલ, ખરીદી.  સાસુ અને નણંદ સાથે કંકાસ ઉભો કરવો,પતિ સાથે રોજે રોજ ખરીદી નો આગ્રહ રાખવો, બાળકોને નોકરોના હવાલે મુકવા.

6.     પુરુષ:   કાવાદાવા કરીને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવાના પ્રયત્નો કરવા,વ્યસનો ના ભોગ બનવું,

 

આજનો માનવી જીવન જીવવાની રેસ લગાવે છે, હરીફાઈ કરે છે, પહોચી નથી વળતો, ખાવાપીવાનું જ હજુ જમા કરવામાં લાગેલો હોય છે, સર્વાઈવલમા જ હજુ ફસાયેલો હોય ત્યાં આપણે એને કેવી રીતે કહીએ કે ભાઈ તું બેસી જા, સમય આપ અને ધ્યાન કર, કલાકો સુધી યોગ, ધ્યાન સાધના નો અભ્યાસ કર.  તરત જ તેની તરફથી પ્રશ્ન આવશે કે મારી લીધેલી જવાબદારી નું શું  ?

 

આવો હવે આપણે સામાન્ય કક્ષાના માનવીઓ માટે કયા ધ્યાન છે જોઈએ અથવા ધ્યાન ની કયા જરૂર છે જેના થકી તે પોતાની જીવનચર્યામા મનની શાંતિને પામે,આનંદની અનુભૂતિ કરે,સદાચારી બની રહે,તન અને મનથી તંદુરસ્ત રહે.પરિવારમાં આપસમાં સંબંધોની સુવાસ મહેકતી રહે.

 

મોટા ભાગની વ્યક્તિ આજે વધુ કરીને શહેરમાં રહે છે, રોજની દિનચર્યામા એટલું બધું આધુનિકીકરણ પ્રસરી ગયું છે કે ભોગ ઉપભોગના સાધનોનો વધારો થતો જાય છે અને બે વ્યક્તિઓ ની વચ્ચેનું અંતર વધતું જાય છે.

 

– ડૉ.ઝરણા દોશી…

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આપને આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી ડૉ.ઝરણાબેન ના પ્રયાસને યોગ્ય પ્રતિસાદ આપશો. જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે અને લેખિકાની કલમને બળ પૂરશે. …..

 

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા જીવન અંગેના કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે. અથવા આપને ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને [email protected] ઈ મેઈલ દ્વારા લખી ને મોકલી શકો છો, અમો તમારા email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”