શિવજીને કેવડો કેમ ચડતો નથી …

શિવજીને કેવડો કેમ ચડતો નથી …

 

પોસ્ટ પર ની તસ્વીર નેટ જગતને આભારી છે.

 

એક સમયે ભગવાન વિષ્ણુ અને પરમ પિતા બ્રહ્માજી વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે વિષે વાદ વિવાદ થયો. ભગવાન વિષ્ણુ કહે કે હું આપના કરતાં શ્રેષ્ઠ છું અને બ્રહ્માજી કહે કે હું આપના કરતાં વધુ શ્રેષ્ઠ છું. આમ વાદ કરતાં કરતાં બંનેનો વિવાદ ચર્મોસીમાએ પહોંચી ગયો ત્યારે તે સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયાં અને કહ્યું કે આપ બંને આદી દેવો છો આથી શ્રેષ્ઠત્તમનો વિવાદ કરવો તે આપને માટે શોભાયમાન લાગતું નથી પરંતુ બ્રહ્માજી કે ભગવાન વિષ્ણુમાંથી કોઈ માન્યું નહીં ત્યારે ભગવાન શિવે કહ્યું કે આપ બંનેની વચ્ચે આ શિવલિંગની હું સ્થાપના કરું છું. આ લિંગનો એક છોર આકાશ તરફ છે અને બીજો છોર તે પૃથ્વીની ભીતરમાં છે. હે બ્રહ્માજી આપ આ લિંગનો ઉપરનો અંત શોધો અને હે વિષ્ણુ આપ પૃથ્વીનાં આ ભીતરનાં ભાગમાં જઈ આ લિંગનો અંત શોધો જેને આ લિંગનો અંત મળી જશે તે દેવ શ્રેષ્ઠ ગણાશે. ભગવાન શિવની આજ્ઞા થતાં ભગવાન વિષ્ણુએ પૃથ્વીની ભીતર રહેલા લિંગનો અંત શોધવાનું ચાલું કર્યું અને બ્રહ્માજીએ ઉપરનાં છોરનાં ભાગનો અંત શોધવાનું ચાલું કર્યું.
લિંગનાં અંતિમ છોરને શોધવા માટે પૃથ્વીની ભીતર ઉતરેલા ભગવાન વિષ્ણુએ ઘણા જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ શિવલિંગનો અંતિમ છોર શોધી ન શક્યા તેથી પાછા તેઓ ભગવાન શિવ પાસે આવ્યાં અને કહ્યું કે હે સદાશિવ હું આપના શિવલિંગનો અંતિમ છોર શોધવામાં નિષ્ફળ ગયો છું. બીજી તરફ રહેલા બ્રહ્માજી પણ શિવલિંગનાં અંતિમ છોરને શોધી ન શક્યાં તેથી તેઓ પણ થાક્યા હતાં. પરંતુ ભગવાન વિષ્ણુ પાસે પોતાની હારની કબૂલાત શી રીતે કરવી? આથી બ્રહ્માજીએ એક યુક્તિ કાઢી તેણે પૃથ્વી પર રહેલા એક કેવડાનાં પુષ્પને પોતાના સાક્ષી થવાની આજ્ઞા કરી, ત્યારે પ્રથમ તો કેવડાએ ના કહી પરંતુ જ્યારે બ્રહ્માજીએ ક્રોધ દેખાડતાં કહ્યું કે મારી સર્જન શક્તિને કારણે તારો પ્રાદુર્ભાવ થયો છે અને તું મને જ ના કહે છે. જો તું મારો સાક્ષી નહીં બને તો તારું નવસર્જન ફરી પૃથ્વી પર ક્યારેય નહીં કરું. પરમપિતા બ્રહ્માજીની વાત સાંભળીને ડરી ગયેલા કેવડાએ બ્રહ્માજીના સાક્ષી થવા માટે સ્વીકારી લીધું. બ્રહ્માજી ભગવાન શિવ પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં કે મને આ લિંગનો અંત મળી ગયો છે અને આ કેવડાનું પુષ્પ તેનું સાક્ષી છે. ભગવાન શિવે જ્યારે કેવડાને પૂછ્યું ત્યારે તેણે પણ સાક્ષી આપતાં કહ્યું કે બ્રહ્માજી સાચું કહે છે.

 

કેવડાની વાત સાંભળી ભગવાન શિવે ક્રોધિત થતાં કહ્યું કે તે ખોટી સાક્ષી આપી છે તેથી આજ પછી ક્યારેય મારી પૂજામાં તારો ઉપયોગ ક્યારેય નહીં થાય અને બ્રહ્માજીને પણ શ્રાપ આપતાં સદાશિવ કહેવા લાગ્યાં કે આપ અસત્ય બોલ્યા હોવાથી પૃથ્વી પર આપ પૂજનીય નહીં રહો. ભગવાન શિવનાં શ્રાપને કારણે પૃથ્વી પર બ્રહ્માજી ભગવાન વિષ્ણુની જેમ સદૈવ અને સર્વજ્ઞે પૂજનીય ન રહ્યાં અને કેવડાને શિવ પૂજન માટે ત્યાગી દેવામાં આવ્યું. પરંતુ કેવડાને પોતાની ભૂલ માટે પસ્તાવો થતાં ભગવાન શિવે કહ્યું કે આખા વર્ષમાં ફક્ત એક દિવસ માટે કેવડો શ્રાપ મુક્ત થશે.
ભગવાન શિવને પામવાની ઈચ્છા ધરાવતાં માતા પાર્વતીએ એક દિવસે અજાણતાંથી કેવડા વડે શિવપૂજન કર્યું. પરંતુ અજાણતાં વડે કરાયેલ આ પૂજનને કારણે કેવડાને ભગવાન શિવની આજ્ઞા મુજબ એક દિવસને માટે શ્રાપમાંથી મુક્તિ મળી. જે દિવસે માતા ગૌરીએ કેવડા વડે પૂજન કરેલું તે દિવસ ભાદરવા સુદ ત્રીજ હતો આથી ભાદરવા સુદ ત્રીજને દિવસે ફક્ત એક દિવસને માટે કેવડા વડે ભગવાન શિવનું પૂજન કરાય છે પરંતુ વર્ષનાં બાકીનાં દિવસોમાં કેવડાનો ઉપયોગ શિવ પૂજન માટે થતો નથી.

 

સાભાર : -પૂર્વી મલકાણ મોદી- યુ એસ એ.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી – મલકાણ (યુ.એસ.એ) ના આભારી છીએ. આપને પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે લેખિકાની કલમ ને બળ પૂરે છે. … આભાર !