દેશી અમૃત …

દેશી અમૃત …

સંકલન :  વિધી દવે …

“દાદીમાનું ડાયેટ કોર્નર”   વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.)ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા કરવામાં આવે છે.

આજે  વિધીબેન દ્વારા ‘દેશી અમૃત’ … નામે એક અલગ જ માહિતી ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવી છે.,  જેનો સંબંધ કોઈને કોઈએ રીતે ડાયેટ સાથે પણ સંકળાયેલ છે. ‘દાદીમા ની પોટલી’ પર ..’ ડાયેટ ફોર ફેમીલી … ’ વિષે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન આપવા માટે સહમતિ આપવા બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

દરેક દેશનો પોતાનો કુદરતમાંથી પોષક તત્વ લેવાનો રિવાજ છે.

 

 

સરગવો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે. સરગવાનાં પાન, ફુલ, શીંગો, મુળ, છાલ એ બધાંનો ઔષધમાં ઉપયોગ થાય છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે. સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે. મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે. કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.  (૧) કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. (૨) હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. (૩) કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. (૪) ૧થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણાજીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે ઉકાળાનું નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું. (૫) આ ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

દક્ષિણ ભારતમાં સરગવાનું મેડિકલ મૂલ્ય લોકો જાણે છે, એટલે દાળ (સાંભાર)માં અચૂક સરગવો નાખે છે. આપણે સરગવાનું મૂલ્ય જાણતા નથી. પણ સરગવો આખે આખો ઔષધોનો ભંડાર છે. યુરોપિયનોને સરગવાની શીંગ કે તેનાં ઔષધીય ગુણ ધરાવતાં પાન માટે પોતાનો શબ્દ નથી, એટલે તમિળ ભાષાનો ‘મોરિગા’ અગર ‘મુરંગ કકાઈ’ શબ્દ ઉછીનો લીધો છે. તેનાં કોમળ પાંદડાંની ભાજી આજેય મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા દક્ષિણ ભારતીયો ખાય છે.

સિદ્ધ આયુર્વેદમાં સરગવાના વૃક્ષની છાલ, પાંદડાં અને તેની શીંગનો ઉપયોગ થાય છે. બંગાળ અને બાંગ્લાદેશમાં સરગવાના વૃક્ષને વસંત ઋતુમાં ફૂલ બેસે (જેને શોજને ફૂલ કહે છે) તેનું શાક બટાટા કે વટાણા સાથે ભેળવીને ખાય છે.

‘મેડિસિનલ સિક્રેટ ઓફ યોર ફૂડ’ પુસ્તકમાં ડો.. અમ્માને લખ્યું છે કે સરગવાની શીંગ વાજીકરણ કરનારી છે. લીવરની તકલીફથી માંડીને સાંધાના દુખાવામાં સરગવાનું શાક ખાવું સારું છે. પક્ષઘાતવાળાને સરગવાનો સૂપ ચોખ્ખા મધ સાથે અપાય છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન ‘સી’ લોહ અને પોટેશિયમ છે. ‘ટ્રીઝ ફોર લાઇફ,’ ‘ચર્ચ વર્લ્ડ સર્વિસ’ અને ‘કન્સર્ન ફોર હંગર ઓર્ગેનાઇઝેશન’ નામની સંસ્થાઓએ સરગવાનાં વૃક્ષનાં પાનમાં ઘણાં જ પોષક તત્વો હોવાનું કહ્યું છે.

દક્ષિણ ભારતનાં ગામડાંના દુષ્કાળોમાં લોકો સરગવાનાં પાંદડાંની ભાજી ઉપર જીવતા. ગુજરાતીઓ સ્વાદ માટે ખાય છે, પણ તેની જાણ વગર સરગવાનો લાભ મળે છે. તેનાથી સાંધા છુટ્ટા રહે છે. પાચન સુધરે છે. ફિલિપિન્સ અને આફ્રિકામાં સરગવાનાં કોમળ પાંદડાંની ભાજી કે સૂપ ખવાય છે. ફિલિપિન્સમાં તો લોરેન લેગાર્ડ નામના ત્યાંની વિધાનસભાના સભ્યે ૧૪-૯-૦૭ના રોજ પાર્લમેન્ટને કહ્યું કે લોકો વધુ ને વધુ સરગવો વાવે અને ઔષધોના મોટા સ્ત્રોતને ઘરઆંગણે મેળવે.

દૂધ અને ગાજર કરતાં સરગવામાં વધુ પ્રોટિન અને વધુ સારું પ્રોટિન હોય છે. ઘણા દેશોમાં સુકાવેલી કે લીલા સરગવાની શીંગ પાણીના ગોળમાં નાખે છે જેથી પાણી શુદ્ધ રહે છે. સાપ કે વીંછી કરડે ત્યારે સરગવાના પાન વાટીને હળદર સાથે મિક્સ કરીને ઘામાં લગાવાય છે.
મરાઠીમાં સરગવાને શેવગા કહે છે અને તે ખૂબ કરકસરથી વપરાય છે. છેક ગુયાના ટાપુમાં સરગવાને સીજાન કહીને તેનું શાક વાપરે છે. શ્રીલંકાના ક્રિકેટરો અત્યારે ઝિમ્બાબ્વે-ઝાંબિયા ગયા છે ત્યાં તેમને સરગવાનો સાંભાર જરૂર મળશે.

ઝિમ્બાબ્વેનું નામ પહેલાં ઝાંબિયા હતું. ત્યાંની હાઈ કોર્ટના જજ ૪૦ વર્ષ પહેલાં ડો.. દેસાઈ હતા. ત્યાં મને સરગવા-રીંગણાનું શાક અને સરગવાની કઢી ખાવા મળેલી. થાઇલેન્ડમાં સરગવાને મારૂમ કહે છે. ઇન્ડોનેશિયામાં તમિળ નામથી મોરિગો તરીકે ત્યાંના લોકો ચીકન કરીમાં નાખે છે. બર્મા (મ્યાનમાર)માં ગુજરાતીઓ સરગવો લઈ ગયેલા ત્યાં સરગવાને ડાંડલિયો કહે છે.

સરગવાનો સાંભાર કે શાકને એટલો બધો કામવર્ધક મનાય છે કે તામિલનાડુની વિધાનસભામાં કોઈ વિધાનસભ્ય ‘નબળો’ પુરવાર થાય તો તેને કહેવાય છે ‘સરગવો ખા.’ દક્ષિણ ભારતમાં ગર્ભવતી સ્ત્રીને ડિલિવરી પહેલાં કે પછી કોઈ કોમ્પ્લિકેશન ન થાય તે માટે સરગવો અપાય છે. તેનાથી કફ કે છાતીનો ભરાવો હળવો થાય છે. એટલી હદ સુધી સરગવાના ફાયદા મનાય છે કે સરગવાની શીંગના રસને લીંબુના રસ સાથે ભેળવીને ચહેરે લગાવવાથી ચહેરો રૂપાળો-તેજસ્વી થાય છે! તેમ ડો.. અમ્માન કહે છે.

પેશાબ અટકીને આવતો હોય તોપણ સરગવાનાં પાંદડાનો રસ અપાય છે. હવે કેરીની મોસમ પૂરી થતાં મોંઘીદાટ લીચીની સિઝન શરૂ થઈ છે. ગુજરાત કમનસીબ છે કે ઘોલવડમાં જ માત્ર લીચીનો પાક થાય છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કહે છે કે લીચીની આ વર્ષે તંગી છે. આ વખતે ગરમીને કારણે ૪.૪૮ લાખ ટન જ લીચી થશે. ચીનથી તેનાં ફળ આયાત થાય છે. શાહી લીચી મુઝફ્ફરપુરમાં થાય છે. લીચીનું ફળ ઠંડક આપનારું છે. તે વિટામિન ‘સી’થી ભરપૂર હોઈ લોહી સુધારે છે.

લીચી મૂળ તો ચીનનું ફળ છે. ચીની બાદશાહોને જ પહેલાં લીચીનાં ફળ ખાવા મળતાં. ડો.. અમ્માન કહે છે કે ઊંચા તાવમાં લીચીનો રસ અપાય તો તાવ ઊતરે છે. પેશાબ ખુલાસાથી આવે છે. ઉનાળામાં જ્યારે પણ કોઈ પણ ભાવે લીચી મળે ત્યારે ખરીદીને અવશ્ય ખાવી પણ યાદ રહે કે ડબાપેક લીચી નહીં પણ તાજી લીચી ખાવી. તમે ખૂબ કેરી ખાઈને અપચા સાથે પેટમાં જંતુ પેદા કર્યા હોય તો લીચી તેની કુદરતી દવા છે.

ઈરાનના લોકો મોટે ભાગે કાળી માટીવાળાં ગામડાં પસંદ કરે છે, કારણ કે કાળી માટીમાં રાસાયણિક ખાતર નાખવું પડતું નથી.

 

મુંબઈમાં ઘણા માળીઓ કૂંડામાં કાળી માટી નાખીને તુલસીના છોડ વેચે છે. તેમાં કાળા તુલસી ઊગે છે, તેનું ઔષધીય મૂલ્ય વધુ હોય છે. શરદી-ઉધરસ મટાડે છે.

 

આજે આપણે વંઠેલા ટમેટાં ખાઈએ છીએ, તેમાં કોઈવિટામિન નથી.

 

જર્મની લોકો અસ્સલ ટમેટાનો રસ સવારે પીવે છે તે રેચક છે.

 

તુર્કીમાં લોકો જમ્યા પછી કુદરતી સ્વરૂપમાં તલને મુખવાસ તરીકે આરોગે છે અને મોસમમાં દ્રાક્ષનો રસ પીવે છે. તલ જંતુઘ્ન છે. તુર્કીનો કુસ્તીબાજ ૭૫ની ઉંમરેપણ કુસ્તીની સ્પર્ધામાં ઊતરતો, કારણ કે તે સિઝનમાં માત્ર દ્રાક્ષનો રસ અને દહીંનું ધોળવું જ લેતો.

 

ન્યૂઝીલેન્ડમાં દરેક ઘરે નિયમ છે કે સવારે દોડવા જવું. દોડીને ઘરે આવીને ગાયના દૂધનું તાજું દહીં ચમચીથી આઇસક્રીમની ઢબે ખાય છે.

 

બલ્ગેરિયામાં જગતમાં સૌથી વધુ એક્સો વર્ષની આયુષ્યવાળા માણસો છે. શું કામ? બલ્ગેરિયનો દહીં-છાશનો નિયમિત આહાર રાખે છે.

 

રશિયામાં થૂલાવાળી ઘઉંની બ્રેડ અને દહીંનો આહાર ઘણાને સો વર્ષ જિવાડે છે.

 

સ્પેઇનમાં ઘણા યજમાનો મહેમાનને બદામના દૂધનું શરબત મધ નાખીને આપે છે.

 

આર્મેનિયામાં દૂધ-ખાંડ વગરની સાચા ગુલાબના પાંદડાવાળી ચા સવારે પીવે છે અને દૂધ સાથે ખજૂર ખાય છે.

 

પાકિસ્તાન-તિબેટ વચ્ચે હુંઝાલેન્ડ છે ત્યાંના લોકો વૃક્ષ ઉપરથી તાજા જરદાળુ ખાય છે. (એપ્રિકોટ) જરદાળુનું શરબત પીવે છે. જરદાળુ શક્તિદાતા છે અને રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. હુંઝાનો ૧૨૦ વર્ષનો પુરુષ રોજિંદું કામ કરે છે. થેંકસ ટુ જરદાળુ અને કુદરતી ખોરાક.

 

સ્વિત્ઝર્લેન્ડને આપણે સિક્રેટ-એકાઉન્ટવાળી કાળાં નાણાં માટેની બેન્કોનો દેશ માનીએ છીએ, પણ સ્વિ લોકો દહીંના ખાસ શોખીન છે તેથી તેનાં આતરડાં મજબૂત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સ્વિસ લોકો પોતાની શાકભાજી ઘરે જ ઉગાડી લેતા અને દહીં સાથે શાકભાજીનો રસ પીતા તેમ બર્નાડજેન્સન નામના નેચરોપેથ કહે છે.

 

નોર્વેનાં સ્ત્રી-પુરુષ સુંદર હોય છે, કારણ કે તેમના બાપદાદા પર્વતાળ પ્રદેશમાં કુદરતી ઊગતી વનસ્પતિનો આહાર કરતા.

 

જાપાનના લોકો વિવિધ જાતનાં સૂપ અને ખાસ તો ગાયના દૂધનું દહીં ખાય છે.

 

ઇટાલીમાં બટાટાને છાલ સહિત ખવાય છે.  ત્યાં જૈતૂનનાં સૂકવેલાં ફળ (ઓલીવ) ખવાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર -ગાંડાભાઈ વલ્લભ 

સંકલન : વિધીબેન દવે ..

Sr. Dietitian
Zydus hospital
Anand

 

બ્લોગ લીંક : http://das.desais.net

 

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ -ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેનને દવે ના મેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ તૂરત કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર તે જવાબ મોકલી આપવા કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …