તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો …

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો …

 

 

પ્રિય બહેન જ્યોતિ,

૨૭ માર્ચ ‘ગુડ્ડી પડવા’ નાં દિને તેં અમારી વચ્ચેથી ચીર-વિદાય લીધી. આપણો ૬૯ વર્ષનો સાથ તેં છોડ્યો. આખા જીવન દરમ્યાન સતત અમારો હાથ પકડીને ચાલતી જ્યોતિ અમારો હાથ પકડ્યા વગર જ લાંબી મુસાફરી પર નીકળી પડી. આજે આપણે સાથે ગુજારેલા વર્ષો, મહિના અને દિવસો સ્મરણપટ પર ઉપસી આવે છે. તારું અને અમારું જીવન તાણાવાણાની જેમ વણાઈ ગયું હતું. સાત ભાઇબહેનોમાં તું સૌથી નાની. જ્યોતિ, ૬૯ વરહ પહેલાની વાત – તારો જન્મ થવાનો હતો પણ આપણી બા તેનાથી અજાણ જ હતી. એટલે જ તને કદાચ પૂરતું પોષણ ન મળ્યું હોય ! તારું આ પૃથ્વી ઉપર આવવું અને તારું આખું જીવન જાણે કે અકસ્માતોની પરંપરા ! ૧૦મી જૂને તારો જન્મ થયો. નાનકડો સુંદર દેહ-આકાશી ભૂરા રંગની તારી આખો- પૂ.બા, કાકાએ નામ પાડ્યું ‘જ્યોતિ’ . પણ જન્મના બીજા જ દિવસથી જાણે અકસ્માતની શરૂઆત થઇ ગઈ. તું ઝેરી તાપમાં સપડાઈ. એની અસર તારા ઉપર થઈ. તારા પગ નાના મોટા થઇ ગયાં. કદાચ તું જીવનભર ચાલી નહિ શકે એવો સંદેહ ઊભો થયો. પરંતુ પૂ. બા-કાકા આ વાત સ્વીકારવા તૈયાર જ ન હતા. એ બંને એ તો ત્યારથી જ જાણે ભેખ ધારણ કરી લીધો. તું એમના જીવનનું મુખ્ય કેન્દ્ર બની ગઈ. તને ચાલતી કરવા જે જે સૂચનો મળ્યાં તેનું અથાગ શ્રમથી અમલ કર્યો. જુહુ કોઠારી સેનોટોરિયમમાં જગા લઇ. ત્યાં રોજ રેતીમાં તને ઊભી રાખતા. રોજ મસાજ કરતાં. અને તને લંગડાતી, લંગડાતી પણ ચાલતી કરી. જીવનભર તને પગની આ ખોડ રહી છે. છ વર્ષની ઉંમરે તને મોર્ડન સ્કૂલના બાલમંદિરમાં દાખલ કરી ખૂબ આનંદથી; મસ્તીથી તું શાળામાં જતી. સંગીત અને નૃત્ય તને ખુબ પ્રિય. (તારી વિદાય પછી તારા ખજાનામાંથી પ્રાથમિક ધો. ૧ લાની તારી, તારા સુંદર અક્ષરોવાળી સંગીતની નોટ મળી.) પગની ખોળને લીધે તને નૃત્ય, રાસ, ગરબામાં શિક્ષકો ભાગ લેવા દેતા નહિ. તું ઘરે આવીને ખૂબ રડતી, મને બરાબર યાદ છે કે આપણી બા પુષ્પાબેન વકીલ પાસે આવી હતી અને વિનંતી કરી હતી કે મારી જ્યોતિ રાસ ગરબા રમે છે એને ભાગ લેવાનો મોકો આપો. અને પછી તો દરેક સભામાં તું નાચતી, ગાતી થઇ ગઈ. તારા મુખ ઉપરનો એ આનંદ આજે પણ મને યાદ છે. તારા અભ્યાસમાં પણ તું ચોક્કસ અને નિયમિત. તું ત્રીજા ધોરણમાં આવી અને એક વધુ અકસ્માત ! કાલી ચૌદશની ગોઝારી સવાર, તું વહેલી ઊઠી ગઈ હતી. (બધાં તેહ્વારો વખતે તારો ઉત્સાહ કેવો હતો !) અને ચાલતાં ચાલતાં તું પડી ગઈ. સીવવાના સંચાનો લાકડાનો ખૂણો બરાબર તારી આંખ પર વાગ્યો. અને તેં એક આંખ ગુમાવી. આંખ બચાવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયાં. તારી મોટી, સુંદર એક ભૂરી આંખની જગાએ કાચની આંખ બેસાડવામાં આવી. પણ તારી ખુમારી, તારી હિંમતની શી વાત કરું ? તેં અભ્યાસ અને બધી પ્રવૃત્તિ ચાલુ રાખી. શાળામાં પુષ્પાબેન અને શિક્ષકોના પ્રેમ અને સહકારથી તું બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી. મને બરોબર યાદ છે તું નાના નાના તારા મિત્રો સાથે સિક્કા નગરમાં રમતી હોય, દોડદોડ કરતી હોય અને અમે ઉપર ઘરની બારીમાંથી તને જોતા હોઈને ત્યારે તું એક આંખના સહારે, અમારી તરફ જોતી. તે વખતના તારા મુખ પરના ભાવો યાદગાર રહ્યા છે. જાણે તું ખુમારીથી કહેતી કે જુઓ, એક આંખે અને લંગડાતા પગે પણ હું કેવી સરસ રીતે રમી રહી છું ! ખંતથી ભાંતિ હોવાથી, સરસ રીતે પરીક્ષાઓ પસાર કરતી હતી. જાણે તને કોઈ ખોડ નડતી જ ન હતી.

 

અને આજે એ બીજો ગોઝારો દિવસ યાદ આવે છે. પૂ. બા, કાકા સમેતશિખરની યાત્રાએ ગયાં હતા. બા નાં બા મણીમા આપણી સાથે હતા. અને એ જ દિવાળીના દિવસો આવ્યા. બનતાં સુધી એ પણ કાલી ચૌદશની રાત હતી. તું એકદમ બુમ મારી ઊઠી હતી. “મા, મા, મારી બીજી આંખ ફૂંટી ગઈ” મણીમાને થયું કે તને બુરું સ્વપન આવ્યું હશે. થાબડીને સુવાડી દીધી. પણ સવાર થતાં કહાબ્ર પડી કે તેં બીજી આંખ પણ ગુમાવી હતી. આંખોના રોગોના નિષ્ણાંત આપણા ઉત્તમકાકાએ તે વખતે ખુલાસો કર્યો કે પહેલી આંખના અકસ્માત વખતે બીજી આંખને પણ અંદરથી સખ્ત ધક્કો વાગ્યો હતો એટલે બીજી આંખનું નૂર પણ ગમે ત્યારે જશે એવી એમને ખબર  હતી. આપણા કુટુંબ ઉપર તો આભ તૂટી પડ્યું. મુંબઈના બધાં જ આંખોના નિષ્ણાંત ડોક્ટરોને બતાવ્યું. ઘણા ઉપચાર કર્યા. આખરે એ વખતના નિષ્ણાંત જાણીતા ડોક્ટર ડગને બાને કહી દીધું. “ઉપરથી ભગવાન આવશે તો પણ તારી દીકરીની આંખો પાછી નહીં આવે. તું પ્રયાસ કરવા છોડી દે” સુંદર ભૂરી ભૂરી આંખોવાળી જ્યોતિ નેત્રહિન થઇ ગઈ. બા, કાકા અને બધાં ભાઈ બહેનો દિશાહીન તહી ગયાં. વર્ષો પહેલાની વાત તેથી નેત્રહીનો શું કરી શકે તેનો ખ્યાલ જ નહિ. બા, કાકાના જીવનમાં તો સમૂળગું પરિવર્તન આવી ગયું., નાટક, સિનેમા જેવા બધાં જ કાર્યક્રમોમાં જવાનું બંધ કર્યું. “અમારી નેર્ત્ર્હિન દીકરી ઘરે હોય અને અમારાથી કેવી રીતે જવાય ? તને આનંદમાં રાખવાનો અમારો સતત પ્રયાસ. પ્રજ્ઞાચક્ષુ ડૉ.રાજેન્દ્ર વ્યાસને મળ્યાં. બ્રેઈલ લિપી અને સંગીતનો તારો અભ્યાસ શરૂ થયો. દેખીતી હતી તે વખતના જેવા જ ઉત્સાહથી તારું નવું જીવન શરૂ થયું. બ્રેઈલ પુસ્તકો રોજ વાંચતી થઇ. શાસ્ત્રીય અને સુગમ સંગીત શીખી.

 

અને એક દિવસ મોર્ડન સ્કૂલના આપણા પ્રિન્સીપાલ રમણભાઈ વકીલે અમને બોલાવી., તને સામન્ય દેખતાં બાળકો સાથે ભણાવવાનું સૂચન કર્યું. અને તું મોર્ડન સ્કૂલની આઠમા ધોરણની વિધાર્થીની થઇ. પ્રથમ બેંચ પર બેસી. તું જાણે શિક્ષકોના શબ્દો પી જતી. ઘણીવાર સવાલોના જવાબ માટે વર્ગમાં ફક્ત તારી આંગળી ઊંચી થાય કારણ કે રેડિયો તારો સદાયનો સાથીદાર બન્યો હતો. તું શ્રી પ્રવિણચંદ્ર રૂપારેલના હિંદી કાર્યક્રમો દ્વારા હિંદી શીખી. સંગીતના કાર્ય્કાર્મો માણ્યા. કાર્યક્રમોમાં કોઈ ભૂલ હોય તો તું અમારી પાહે ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ પર પોસ્ટકાર્ડ લખાવતી. તારી દિનચર્ચા વિવિધ પ્રવૃત્તિઓથી ભરચક હતી. શી હતી તારી હિંમત – તારી જીવન જીવવાની ખુમારી ! મોર્ડન સ્કૂલમાંથી ઉચ્ચ ગુણ સાથે S.S.C. થઈ. S.N.D.T કોલેજમાંથી સંગીત સાથે B.A. થઇ. સમાજશાસ્ત્ર સાથે M.A. થઈ. અંધજનો માટેના શિક્ષકોનો અભ્યાસક્રમ કરી શિક્ષક થઇ. આ સાથે બ્રેઈલમાં પુસ્તકો લખતી. નાર્ત્કો અને ગીતો લખતી. મોર્ડન સ્કૂલના અને સિક્કાનગરના બાળકોનો ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ નાં ‘બહુરૂપી’ કાર્યક્રમમાં કાંઈ કેટલાયે નાટકો કરાવ્યા. આમારી સ્સાથે કેટલા બધાં સિનેમામાં અને નાટકોમાં આવતી. ઘરમાં તો ભીંત અને ફર્નિચરથી પરિચિત એટલે સ્વત્રંત્ર રીતે ફરતી. બહાર જતાં તો અમારો હાથ પકડેલો જ હોય! અંધ બાળકોની વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ અને માતા લક્ષ્મી નર્સરી ફોર ધ બ્લાઈન્ડમાં ૧૮ થી ૨૦ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી. ગ્રાન્ટ રોડ સેન્ટ્રલ સ્કૂલ અને સંસ્કાર બાલ મંદિરમાં દેખતા બાળકોને સંગીત શીખવાડ્યું. તારું જીવન સતત પ્રવૃત્તિમય રહ્યું. અરે, તેં અમને પણ પ્રવૃત્તિમાં જડેલા જ રાખ્યા. તું અને બા અડધી રાત સુધી જાગતા. બા તને નવલકથાઓ વાંચી સંભળાવતી. કનૈયાલાલ મુનશીની લગભગ બધી નવલકથાઓ અને બીજા અનેક પુસ્તકો બા તને વાંચી સંભળાવતી. વાંચવા માટે તો તું આમરો પણ દમ કાઢતી. પૂ. કાકા તારે માટે અભ્યાસની નોટ્સ ઓફિસે લઇ જઈ લખતા. તું બધાંની લાડકી હતી ! તને પાલીતાણાની અને બીજી જાત્રાઓ કરાવી હતી. અરે, તું વિક્ટોરિયા મેમોરીયલ સ્કૂલમાંથી આખું ઉત્તર ભારત ફરી આવી હતી. જોયા વગર પણ તેં સ્થળોનું કેટલું સુંદર વર્ણન કર્યું હતું. અમારી પાસે પ્રવાસવર્ણનના પુસ્તકો તું હંમેશા વાન્ચાવતી. અને કહેતી કે, “આ મારી ભવયાત્રા થઇ.”

 

જબરદસ્ત મનોબળ ધરાવતી તને તારા શરીરે પૂરતો સાથ જ ન આપ્યો. ખાવાપીવામાં તું કેટલો બધો સંયમ રાખતી, વળી તું તો પાછી ચૂસ્ત જૈન ધર્મના નિયમો પણ પાળે. પણ તારા કોઈપણ જાતના વાંક કે ભૂલ વગર શરીર ક્ષીણ થતું ગયું. સ્વત્રંત્ર રીતે ચાલતી જ્યોતિને લાકડીનો સહારો લેવો પડ્યો. છતાં તું હિંમત ન હારી આટલા ઘા જાણે ઓછા હતા તેમ ૧૯૮૦ માં પૂ.બા એ અને ૧૯૮૯ માં પૂ.કાકાએ વિદાય લીધી. તે ગજબની હિંમત દાખવી. તારા મિત્રોનો દરબાર તો તારી આસપાસ વીંટળાયેલો જ હોય. તમે ગાતા, વાતો કરતાં અને ખીલખીલાટ હસતાં હસતાં પાનાં રમતાં. ભારની દુનિયા જોઈ જ ન હતી. જગતમાં ફૂડકપટ, લુચ્ચાઈ બધાથી તું દુર હતી. વર્તમાનપત્રોમાં આવતાં આવા સમાચારો તું કડી અમારી પાસે વાન્ચાવતી નહિ. તારું દિલ સમ્પૂર્ણ નિષ્કપટ હતું. કડી ખોટું બોલતી નહિ. પરંતુ હજી તારે દુઃખનો સામનો કરવાનો બાકી હતો. આટલું ઓછું હોય તેમ ૧૯૯૭ માં આપણા પ્રિય હંસાભાભીએ ચિરવિદાય લીધી. તું હંમેશા કહેતી, “હંસાભાભી તો મારી બા ની  જગ્યાએ છે.” એ દુઃખ તારા માટે અસહ્ય હતું.

 

લાકડીનો ટેકો પણ ઓછો પડ્યો. પગ ડગમગવા માંડ્યા અને તારે વોક્રનો સહારો લેવો પડ્યો. પણ તારી પર્વૃત્તિઓ તે છોડી નહિ. પણ પ્રભુએ હજી તારી કસોટી લેવાની બાકી હતી. તને Piles ની તકલીફ થઇ, ઓપરેશન થયું. ઘણું રક્ત વહી ગયું અને તું તદન પથારીવશ થઇ. ૬’ x ૩’ ફૂટનો પલંગ તારી દુનિયા ! સંપૂર્ણ પરવશ થઈ ગઈ. નર્સિંગ બ્યૂરોની બાઈઓને સહારે દૈનિક ચર્યા શરૂ થઇ. પરંતુ તારો વાંચનનો અને સંગીતનો શોખ ઓછો થયો ન હતો. રોજનું જન્મભૂમિ અને રવિવારનું પ્રવાસી તારા પ્રિય વર્તમાનપત્રો ‘સુવાસ’ થી માંડીને લગભગ બધી જ કોલમો વંચાવતી. ગુજરાત સમાચારના ‘અગમ નિગમ’ અને શતદલ તો તું ભૂલતી જ નહિ. કુમારપાળ દેસાઈ તારા પ્રિય લેખક. આજે કેટકેટલું યાદ આવે છે ! જેટલી વાર Bed Pan લેતી કેટલી વખત તારી દિવસની અને રાતની બાઈઓને તું ‘મિચ્છામીદુક્કડમ’ કહેતી. બાઈઓને સંકોચ થતો. પણ તું સતત એમની માંફી માંગતી.

 

મજબૂત મન ની હિંમતવાન જ્યોતિ હવે હતાશા તરફ ધકેલાતી જતી હતી. કોઈ વાર ખૂબ રડતી અને અમને રડાવતી. ભૂખ, ઊંઘ અને તરસ તારા વેરણ બની ગયાં હતા. સવાર સાંજ ફક્ત એક એક રોટલી અને શાક ઉપર તું ટકી રહી હતી. બોલવાનું ખૂબ ઓછું કરી કાઢ્યું. ફક્ત સંગીતમાં થોડો રસ રહ્યો હતો. છેલ્લું અઠવાડિયું તો એમાં પણ રસ ન રહ્યો. તારો શો વાંક ? પાંચ પાંચ વર્ષ કે જ ઓરડામાં. એક નાનકડા પલંગમાં ચોવીસ કલાકનાં અંધકારમાં દિવસો તેં કેમ વિતાવ્યા હશે. જ્યારે તું કોઈ વાર પૂછતી કે, “દિવસ કે રાત ?” ત્યારે તો જ્યોતિ, અમારું કાળજું ચિરાઈ જતું. લગભગ આખી જિંદગી તેં અંધકારમાંથી પણ જ્ઞાનનો, નીતિનો પ્રકાશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તું નિરાશ થઇ ગઈ હતી. જીજીવિષા ખૂટી ગઈ હતી. હવે તું મૃત્યુને ઝંખતી હતી. અને પ્રભુએ તારી અરજી સાંભળી. ૨૭ માર્ચ ૨૦૦૯ નાં ગુડી પડવાને દિવસે સાવારે પાંચ વાગે તેં મને તારીખ અને તિથી પૂછ્યા હતા. તું સંપૂર્ણ સભાન, સચેત હતી. દિનચર્ચા પતાવી. આખા જીવન દરમ્યાન કારેલાનાં શાકને ન અડનાર, તેં કારેલાનું શાક ખાવા જીદ કરી. બપોરે બાર વાગે કારેલાનું શાક, દાળ, ભાત જમી. દિવસની બાઈ રેશ્મા સાથે થોડી વાતો કરી અને મને ઊંઘ આવે છે, મારે સુઈ જવું છે કહીને સૂઈ ગઈ. બપોરે અઢી વાગે રોજની ટેવ પ્રમાણે તારા માથા પર હાથ મૂક્યો. ‘કોણ છે ?’ એવો પ્રશ્ન ન પૂછાયો. શંકા પડી ને ડોક્ટરને બોલાવ્યા. જ્યોતિ, અમને ‘આવજો’ ખયા વગર, ‘મિચ્છામી દુક્કડમ’ કહ્યા વગર તેં ચીર પ્રસ્થાન કર્યું.

 

બોલ બોલ કરતી જ્યોતિ બોલતી બંધ થઇ ગઈ. જાણે એમ જ લાગે કે કેટલાય વર્ષોના ઉજાગરા પછી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને તું ચીરનિંદ્રામાં પહોંચી ગઈ. આજે ખાલી પડેલો તારો રૂમ, ખાલી પડેલો તારો રૂમ, ખાલી પડેલો તારો પલંગ જોઈ આંખોમાંથી અશ્રુની ધારા વહી જાય છે. તને તો સર્વ દુઃખોમાંથી મુક્તિ મળી. પણ તારી યાદ, તારા શબ્દો સતત સંભળાયા કરે છે, ભણકારા વાગ્યા કરે છે.

 

પ્રભુને મારી સાચા હૃદયથી એક જ નમ્ર પ્રાર્થાના છે. હે પ્રભુ, અમારી જ્યોતિએ જીવનભર ખૂબ ખૂબ સંઘર્ષ કર્યો છે. જો પુનર્જન્મ હોય તો એને એવું જીવન બક્ષજે કે એને બિલકુલ સંઘર્ષ  વેઠવો ન પડે અને એના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ સદા વહેતા રહે.

 

અસ્તુ … !

 

સૌજન્ય : બંસરી પારેખ …
(મોર્ડન સ્કૂલ,સિક્કાનગર, મુંબઈ.) …

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email: [email protected]

 

આ અગાઉ બંસરીબેન તેમજ હેમલાતાબેન પારેખ ના અલગ અલગ બે લેખ બ્લોગ પર આપણે માણેલ. આજે ફરી વખત બંસરીબેન દ્વારા એક લેખ મોકલવામાં આવેલ છે, જે તેમના પ્રિય બેન જ્યોતિબેન ને લખેલ પત્ર સ્વરૂપે છે. જ્યોતિબેન ના જીવનની સંઘર્ષ ની હકીકત – સત્યઘટના ને દર્શાવવા તેમની નમ્ર કોશિશ લેખ દ્વારા કરવામાં આવેલ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે જ્યોતિબેનના સદગત આત્માને શાંતિ અર્પે  અને જ્યોતિબેનનો  પૂનર્જન્મ  જો  થયો  હોય તો  તેમને જ્યાં હોય ત્યાં સદા આનંદ – શાંતિ તેમજ આપનું શરણ અર્પજો.

 

‘તિમિર ગયું અને જ્યોતિ પ્રકાશ્યો’ પત્ર સ્વરૂપ નો લેખ જો આપને પસંદ આવ્યો હોય તો આપના મૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, બંસરીબેન  દ્વારા કરવામાં આવેલ પ્રયાસથી અન્ય લોકોના જીવનમાં  એક  જ્યોતિ દ્વારા  –  રસ્તો – રાહ પણ મળશે. … ‘દાદીમા ની પોટલી’ પર લેખ મોકલવા બદલ અમો બંસરીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ … !  ‘દાદીમા ની પોટલી’