અનાસક્તિ … (વિવેકવાણી) …

અનાસક્તિ … (વિવેકવાણી) …

 

 

આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે ? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુઃખ મળે છે; એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ એને લીધે નહીં, પરંતુ આપણે બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ તેથી દુઃખ મળે છે. જ્યાં કશી અપેક્ષા નથી, ત્યાં કશું દુઃખ નથી. ઈચ્છા, અપેક્ષા, એ જ સર્વે દુઃખોનું મૂળ છે. ઈચ્છાઓ સફળતા તેમજ નિષ્ફળતા બંને નિયમોથી બંધાયેલી છે; ઈચ્છાઓ જરૂર દુઃખ લાવે જ. એટલે સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિ:સ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ છે. એ વિરોધાભાસ હોય એવું દેખાય છે. શું આપણે નથી જાણતા કે જે માણસ જિંદગીમાં નિ:સ્વાર્થ હોય છે તે જ છેતરાય છે, તે જ દુઃખી થાય છે ? ઉપલક દ્રષ્ટિએ તો એમ જ લાગે છે. ‘જુઓ ને, ઈશુ ખ્રિસ્ત નિ:સ્વાર્થ હતા, અને છતાં તેમણે ક્રૂસ (વધસ્તંભ) ઉપર ચડાવી દીધાં !’ એ ખરું. પણ આપણે એ પણ જાણીએ છીએ કે તે નિ:સ્વાર્થતા જ એક મહાન વિજયનું કારણ બની અને તેનાથી કરોડો જિંદગીઓ ઉપર સાચી સફળતારૂપી આશીર્વાદનો કળશ ચડ્યો.

 

કોઈપણ વસ્તુ માગો નહીં, બદલામાં કશાની આશા રાખો નહીં. તમારે જે આપવાનું છે તે તમે આપો; તે તમારી પાસે પાછું તો આવશે, પણ અત્યારે તમે તેના વિશે વિચાર ન કરો. તે હજારગણું થઈને તમારી પાસે પાછું આવશે, પરંતુ તમારું ધ્યાન તેના ઉપર લાગેલું હોવું ન જોઈએ. છતાંય, આપવાની શક્તિ કેળવો; બસ આપો અને ત્યાં જ એની સમાપ્તિ ગણો. આટલું બરાબર શીખી લ્યો કે જીવન આપી દેવા માટે જ છે; પ્રકૃત્તિ જ તમને એ કરવાની ફરજ પાડશે, માટે સ્વેચ્છાએ આપો. વહેલું મોડું તમારે આપી તો દેવું જ પડશે. તમે જન્મો છો ભેગું કરવા. મુઠ્ઠી ભરી ભરીને તમે એકઠું કરવા ઈચ્છો છો. પરંતુ કુદરત તમારો ટોટો પીસીને તમારી મુઠ્ઠી ખુલ્લી કરાવી નાખે છે. તમારી ઈચ્છા હોય કે ના હોય, પણ તમારે આપી જ દેવું પડે છે. જે ઘડીએ તમે કહો કે ‘હું નહીં આપું’ એ જ ઘડીએ ફટકો પડે છે અને તમે દુઃખી થાઓ છો. એવો કોઈ નથી કે જેને લાંબે ગાળે ફરજિયાત બધું છોડવું નહીં પડે. માણસ આ નિયમની વિરુદ્ધ જવા જેટલો વધુ પ્રયત્ન કરે છે તેટલો તે વધુ દુઃખી થાય છે. આપણામાં આપી દેવાની હિંમત નથી, પ્રકૃત્તિની આ મહાન માગણીને સ્વીકારવા જેટલા આપણે અનાસક્ત થયા નથી, એ કારણસર જ આપણે દુઃખી થઈએ છીએ. જંગલ તો જતું રહ્યું છે, પણ બદલામાં ગરમી આવી છે. સૂર્ય, સાગરમાંથી (વરાળ રૂપે) પાણી ખેંચે છે, પણ તે વરસાદરૂપે પાછું આપવા માટે. તમે લેવા અને દેવા માટેનું એક યંત્ર માત્ર છો; તમે લો છો તે પાછું આપવા માટે જ.

 

આ ઓરડામાંથી હવાને જેટલી ઝડપથી તમે ખાલી કરશો, તેટલી જ ઝડપથી બહારની હવાથી ઓરડો પાછો ભરાઈ જશે. પણ જો તમે બધાં બારીબારણાં અને હવાને અંદર આવવાના નાનામાં નાના માર્ગો પણ બંધ કરી દેશો તો જે હવા અંદર છે તે અંદર જ રહેશે, અને બહારની હવા અંદર આવી શકશે નહીં; પણ એથી અંદરની હવા ગોંધાઈ રહેવાથી બંધિયાર થઈને ઝેરી બની જશે. નદી અવિરતપણે મહાસાગરમાં ઠલવાયા કરે છે અને પાછી નિરંતર ભરાયા કરે છે. મહાસાગરમાં જતાં માર્ગને બંધ કરો નહીં; જે ક્ષણે તમે તેમ કરશો તે જ ક્ષણે તમે તેમ કરશો તે જ ક્ષણે મૃત્યુ તમને ઝડપી લેશે.

 

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ-૭, પૃ.૪૭-૪૮)
(રા.જ. ૧-૧૧/(૫) ૪૪૩)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ ‘અનાસક્તિ’ .. વિવેકવાણી જો આપણે પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … આભાર ‘દાદીમા ની પોટલી’