ભક્ત ખિડકી પ્રેમ કી …

ભક્ત ખિડકી પ્રેમ કી …

 

 

ભક્તિ, ભગવાન અને ભક્તચરિત્ર આ ત્રણેય શબ્દોથી આપણે પરિચિત છીએ. વેદોમાં કહ્યું છે કે સંસારમાં સમગ્ર પથરાયેલ કલિયુગ એ દોષોનો નિધી અર્થાત સ્વામી છે પરંતુ કાલના દોષોને હરનારા એવા ધર્મ અને ધર્મને માર્ગે ચાલનારા ભક્તોનું નામ સદા સર્વદા સર્વાત્માભાવથી લેવાય છે. જે રીતે ચોખ્ખી હવા ઘરમાં પ્રવેશે છે ત્યારે જો ઘરદ્વાર બંધ હોય તો તે ખુલ્લી ખિડકી વાટે પણ ઘરમાં આવી જ જાય છે તેજ રીતે ધર્મ પ્રત્યેની આસ્થા અને પ્રભુ પ્રત્યેનાં ભક્તોનો પ્રેમ એ ખિડકી એવી છે જે સંસારી જીવો અને ભક્તોના તરફ આવતા કલિયુગના સર્વે દોષોના દ્વાર રોકી રાખે છે. આપણે ભક્તિ શું છે, ભગવાન અને ભક્ત કોણ છે તે વિષે પણ જાણીએ છીએ તેમ છતાં આજે આપણ ને કોઈ પૂછે કે ભક્તના લક્ષણ ક્યાં ક્યાં છે તો તે વિષે કહેવું થોડું મુશ્કેલ થઈ જશે. કારણ કે સામાન્યતઃ એવી માન્યતા છે કે જે ભગવાનને ભજે છે તે ભક્ત છે પરંતુ ભક્તના આંતરિક ગુણોથી આપણે આજેય અપરિચિત છીએ જેથી કરીને ભક્તને જાણતા હોવા છતાં ભક્તો આપણાંથી અને આપણે ભકતોથી અજાણ્યાં બની જઈએ છીએ. પરંતુ અહીં સવાલ એ છે કે ભક્તોના ગુણ ક્યાં ક્યાં છે? અને આ કલિકાલમાં ભક્તો અને ભગવદીયોને ઓળખવા શી રીતે?

 

અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં કહે છે કે જે સર્વે જીવો પ્રત્યે સમાન ભાવ રાખે છે, માન અપમાન અને સુખ તથા દુઃખની પરિભાષાથી જે ઉપર ઉઠેલો છે, જે જીવનની ચડતી અને પડતી બંને પરિસ્થિતીઓમાં પોતાને સંયમિત રાખી શકે છે, જેનું ધૈર્ય અમાપ હોય, જે પોતાની આસપાસ રહેલા જીવોને આનંદ અને સુખ આપે છે, જેનું મન અને હૃદય અત્યંત નિર્મળ છે, જે દુર્જનો અને વિષયાશક્તિથી સદંતર દૂર રહે છે, જે સર્વ દોષ અને ચિંતાથી રહિત છે, જે તન-મન-ધનથી ભગવાનનું કાર્ય કરે છે તેવી વ્યક્તિમાં પ્રભુના ભક્ત થવાના સમસ્ત ગુણો રહેલા છે. વેણુગીતમાં કહે છે કે સામાન્ય મનુષ્ય જ્યારે તેના નિર્મળ થયેલા મન, અને સેવાપયોગી દેહને ભગવત્કાર્યમાં વાપરે છે ત્યારે તે જીવ ભક્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી ઉધ્ધવજીને કહે છે કે ફક્ત મારામાં જ સમદ્રષ્ટિ રાખનારા અને મારા સિવાય અન્ય કઇ ન જોનારા જીવો એ મારા ભક્તો છે અને આવા મારા ભક્તની પાછળ પાછળ હું ફરું છુ, તેમની (તેવા ભગવદીયોની) સેવા તે મારી પ્રસન્નતાનું કારણ બને છે. તે ભક્તોના ચરણોની રજ મારી અંદર રહેલા આખા સમોચિત્ત વિશ્વને પવિત્ર કરે છે માટે હું મારા ભક્તોને આધિન છું તેથી હું સ્વતંત્ર હોવા છ્તાં અસ્વતંત્ર છું કારણ કે મારા ભક્તો જ મારું હ્રદય છે અને હું મારા ભક્તોનું હ્રદય છું, તેઓ મારા સિવાય કશું જાણતા નથી અને હું તેમના સિવાય બીજું કશું જાણતો નથી, તેથી જ્યારે જ્યારે સંસારી જીવો મારા ભક્તો દ્વારા મારું ચિંતન કરે છે ત્યારે ત્યારે હું તેમને મળી જાઉં છું.

 

શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જે પતિ, પત્ની, પુત્ર, પુત્રી, મિત્ર, ધન, બંધુ, પ્રાણ, આ લોક અને પરલોકનો ત્યાગ કરી ફક્ત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં પરમ ભાવ રાખીને પ્રેમમગ્ન રહે છે તેવા જીવોને ભક્તો અને ભગવદીય કહેવાય છે. તૈત્તરીય ઉપનિષદમાં કહે છે કે જે જીવોમાં દયા, નમ્રતા, સમભાવ, અચલ શાંતિ અને શુદ્ધ ચિત્ત હોય તેમજ પરમાત્મા વિષેનું જ્ઞાન હોય અને જેમણે મોહ માયાનો ત્યાગ કરી દીધેલો હોય તેવા મનુષ્યોને ભક્ત તરીકે ઓળખી શકાય છે. જ્યારે ભગવદ્ ગીતામાં કહે છે કે જે મનુષ્યોને કેવળ અને કેવળ પરમાત્મામાં અનુરાગ છે જેમણે હું અને મારા નો ત્યાગ કરેલો છે જે ફક્ત મને જ તેમનું સર્વસ્વ માને છે જે જીવનમાં તમામ સુખ અને દુઃખથી પરે છે અને જે મારામાં જ દૃઢ આશ્રય રાખે છે તેવો જીવ મારો પરમ ભક્ત છે. અગ્નિ સંહિતામાં જણાવેલ છે કે જેઓ પ્રભુના સાકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં સંપૂર્ણ રીતે શ્રધ્ધા અને વિશ્વાસ રાખે છે, જેઓ પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને નિરંતર પોતાના કાર્યમાં મગ્ન રહે છે જેઓ પૃથ્વી પરના તમામ જીવોમાં પ્રભુના અંશને જોઇ તેમનું આદર સન્માન કરે છે તેવા મનુષ્યોને ભગવદ ભક્ત તરીકે ઓળખી શકાય. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે જે રીતે શેરડીનાં રસમાંથી જ ખાંડ, સાકર અને ગોળ એમ વિવિધ સ્વરૂપ બને છે તે જ રીતે કેવળ પરમાત્મામાંથી આ સમગ્ર સંસારના સમસ્ત સજીવ અને નિર્જીવમાં પ્રભુના જ અંશો બનેલા છે તેથી જ્યાં જ્યાં તારી દૃષ્ટિ પડે ત્યાં ત્યાં જો તને કૃષ્ણ જ દેખાય તો તું સાચો ભક્ત છે તેમ માનવું. જૈનાચાર્ય શ્રી ઋષભદેવ કહે છે કે જ્યારે તમારી આસપાસ સદ્આચરણવાળા સમચિત્ત, અને સર્વના શુભચિંતક જો તમને જોવા મળે, ત્યારે તમને સાચા ભગવદ્ ભક્ત મળી ગયા છે તેમ માનજો. વિવેકધૈર્યાશ્રય નામના ગ્રંથમાં કહે છે કે જ્યારે મનમાંથી ઊંચનીચનાં ભાવ સાથેનો અહંકાર નીકળી જાય, જ્યારે જીવ દયાવાન અને સંતોષી બનીને પોતાના સમસ્ત ફરજોને પૂર્ણ કરતો અને પોતાની આસપાસ રહેલા તમામ લોકોને સુખ આપતો જાય ત્યારે સમજી જવું એ જીવ ભક્ત બનવાની દિશા તરફ આગળ વધી ગયો છે.

 

શ્રી વિઠ્ઠલનાથજી કહે છે કે સાચા ભક્તોની વાણીમાં પ્રેમ છલકે છે, પ્રેમ ઝળકે છે અને પ્રેમથી અને પ્રેમનો વ્યવહાર કરે છે. વળી એ કોઈપણ પ્રાણી પ્રત્યે વેરભાવ રાખતો નથી, જે પોતાના જીવનમાં આવેલ પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતી અને દુઃખોથી ગભરાતો નથી, જે સમદર્શી હોય અને કરુણા કરનાર હોય છે. જે સંયમી અને કોમલ ચિત્તવાળો હોય તેમજ પાપ વાસના તેમજ દૂષિત તથા મલિન વિચારોથી પરે હોય, જે દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરી અનન્યભાવે ભગવદ્ ચિંતન, મનન અને સ્મરણમાં મગ્ન હોય, જે નિર્લોભી અને નિર્મોહી રહીને પ્રભુ ભક્તિ કરે છે તેવા ભક્તો પોતે પણ આ અમોઘ એવો સંસાર સાગર પાર કરે છે અને બીજા જીવોને પણ આ સાગર પાર કરવામાં મદદ કરે છે. આથી જ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ ચરણ કહે છે કે જ્યારે આવા જીવો આપની આસપાસ હોય ત્યારે સમજી જાઓ કે આપને ખરા અર્થમાં કહેવાય તેવો ભક્ત મળી ગયો છે. માટે ચાલો આપણે પણ આજથી જ ભગવાનની સાથે સાથે ભક્તોને પણ ઓળખીએ.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

સૌજન્ય : સંદેશ દૈનિક સમાચાર પત્ર ….

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

‘ભક્ત ખિડકી પ્રેમ કી …’ પોસ્ટ ‘દાદીમા ની પોટલી‘ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ. જેમની અનેક કૃતિઓ આપણે અહીં બ્લોગ પર અગાઉ માણી છે. આપને આજની પોસ્ટ પસંદ આવી હોય તો, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., જે લેખિકા ની કલમને બળ પૂરે છે અને અમોને સદા પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શક બની રહે છે. … આભાર ! ‘દાદીમા ની પોટલી’.