(૧)જીવનમાં સુખ શાંતિ … અને (૨) ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ … (પ્રેરક કથા)

(૧) જીવનમાં શુખ શાંતિ …. (પ્રેરક કથા)

– ઓરિસન સ્વેટ માર્ડન

 

 

જીવનમાં આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે.  પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે.  તે શેને માટે દોડધામ કરે છે તેનો જ એને ખ્યાલ રેહ્તો નથી.  તે પૈસા પાછળ દોટ મૂકે  છે, તે સમૃદ્ધિ પાછળ દોટ મૂકે છે.  પણ આખરે આ બધું શા માટે ?  જો આપણે લાંબો વિચાર કરીશું તો જણાશે કે માનવી ઊંડે ઊંડે શાંતિ ઇચ્છતો હોય છે અને તેને માટે જાતજાતના પ્રયત્ન કરતો હોય છે.  થાય છે એવું કે શાંતિની ખોજ કરતાં કરતાં તે અશાંતિનો ભોગ થઇ પડે છે.  અશાંતિ એવો ભરડો લઇ લે છે કે પછી તેમાંથી છૂટવાનું  મુશ્કેલ બને છે.

 

આજે દરેકને જીવનમાં મોટી સિદ્ધિ મેળવવી છે.  થોડા દિવસોમાં જ માલ-મિલકતવાળા થઈ  જવું છે.  તેથી માણસ પોતાની શક્તિ બહારની મહત્વકાંક્ષા રાખે છે.  પોતાનાથી પહોંચાય નહીં તેવું ઊંચું ધ્યેય રાખે છે.  પણ તે ધ્યેયને પહોંચી શકાતું નથી અને છેવટે નિરાશા આવે છે.

 

આરબ દેશની દંતકથા છે.  લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મારે તેવું અહીં જાણવા મળે છે.

 

એક શહેરમાં ધૂતારો આવ્યો.  તેણે કહ્યું કે : ‘મારી પાસે અઢળક ધન છે અને જે વેપારીને જોઈતું હોય તેને હું આપવા તૈયાર છું.  તે પણ વગર વ્યાજે.’  આ જાણી ને એક લોભિયા વેપારીને વિચાર આવ્યો કે ‘લાવ ને આ ધનવાન પાસેથી પૈસા લઉં અને હજુ મારા વેપારને વધુ સમૃદ્ધ કરું.  વળી પાછો તે વગર વ્યાજે પૌસા આપે છે આવી તક જતી ન કરાય.’  તે પહોંચ્યો પેલા કેહવાતા ધનવાન પાસે.  તેણે કહ્યું : ‘ભાઈ, મેં સાંભળ્યું છે કે તમે વેપારીઓને વેપાર કરવા પૈસા આપો છો. એ  સાચી વાત છે ?’ ‘હા, સાચી વાત છે તમારે પૈસા જોઈએ છે તો લઇ જાઓ.  મારી પાસે વધારાના જ છે.  વળી વ્યાજ પણ નથી આપવાનું. વર્ષ પછી આપી દેજો. ‘

 

‘પણ કેટલા પૈસા આપો છો?’

 

‘જુઓ, તેમાં કોઈ મર્યાદા નથી તમે એક બે- ત્રણ એમ સતત બોલતા જાઓ.  જો હજાર સુધી બોલશો તો હજાર રૂપિયા મળશે અને જો દોઢ હજાર સુધી બોલશો તો દોઢ હજાર. અટક્યા સિવાય બોલવાનું છે, જેટલું વધુ બોલશો તેટલું તમારા ફાયદામાં.’

 

‘ઓહો, આ તો તમારી મજાની શરત  છે.  મને એ કબૂલ મંજૂર છે.’

 

‘પણ જો બોલતાં વચ્ચે અટકી જશો તો જેટલી સંખ્યાએ અટક્યા હશો તેટલા રૂપિયા અમને સામેથી આપવા પડશે.  જો ઓછી સંખ્યા બોલશો અને વચ્ચે અટકો નહીં તો કોઈ પ્રશ્ન નથી.  અમે એટલા પૈસા આપવા બંધાયેલા છીએ.’

 

વેપારીએ વિચાર કર્યો કે ‘આવી શરત તો કાંઈ શરત કહેવાય ?  હજાર –બે હજાર સુધી તો વગર અટકયે બોલાશે ….  અને જો એવું લાગશે તો થોડું બોલીને અટકી જઈશું.’

 

પણ ધૂતારાએ આ શરત માનવીનો  સ્વભાવ જાણીને જ મૂકી હતી.  તેમાંય કેટલાક વેપારીઓ કેવા લોભી હોય છે, તેની એને ખબર હતી.  આપણા આ વેપારીએ કહ્યું કે ‘ચાલો, હું બોલવા માંડું, તમે પૈસા આપશો ને?’

 

‘પણ  વચ્ચે નહીં અટકવાની શરત ખબર છે ને ?  જો કબૂલ હોય તો બોલવા માંડો….’

 

‘શરત કબૂલ છે.’  એમ કહીને લોભી વેપારી બોલવા માંડ્યો.  એક.. બે.. ત્રણ … આમ સતત ત્રણસો સુધી બોલ્યો.  પછી જીભ થાકી, તોય જેમ તેમ કરી પાંચસો સુધી બોલ્યો.  મન કેહવા માંડ્યું કે હવે બોલાશે નહીં.  લોભ રહેવા દે.  પાંચસો રૂપિયા લઇ લે.’  પણ લોભને થોભ નહીં.  ‘બસ પાંચસો રૂપરડી જ મળે ?  હજુ વધુ બોલું, વધુ પૈસા લઉં.’  આવા લોભમાં જ જીભ લોચા વાળવા માંડી.  વેપારી અચાનક બોલતા અટકી ગયો.  મોંએ ફીણ આવ્યાં.  છસ્સો સુધી બોલાયું હતું.’  ધૂતારો બોલ્યો : ‘શેઠ તમને તો મોંએ ફીણ આવ્યાં.  તમે બોલતા અટકી ગયાં.  હજુયે ધીમું ધીમું બબડો છો.  પણ એ ન ચાલે.’

 

‘પણ …. હું છસ્સો સુધી બોલ્યો.  લાવો તેટલા રૂપિયા.’

 

‘રૂપિયા મારે નહીં તમારે આપવાના.  શરત  પ્રમાણે તમે હારી ગયાં.  બોલતાં અટકી ગયા.  છસ્સો રૂપિયા મૂકી દયો નહીં તો તમારી આબરૂ જશે.  તમારી લાખ રૂપિયાની શાખ ઉપર પાણી ફરી વળશે.’

 

શેઠ શરમીંદા બની ગયા.  પોતે છેતરાયા છે તેનો ખ્યાલ આવી ગયો.  બીજો એ પણ ખ્યાલ આવ્યો કે પોતે લોભી છે.  તેનું આ ફળ મળ્યું છે.  આગળ વિચાર કરતાં એ પણ સમજાયું કે શક્તિ કરતાં વધુ આશા રાખી.  શક્તિ પ્રમાણે જો ઓછી સંખ્યા બોલ્યા હોત તો તેટલી રકમ મળી જાત.

 

પણ ધૂતારો માણસોના મનને જાણતો હતો.  માણસો શક્તિ કરતાં વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.  મનોવિજ્ઞાનના આ સિદ્ધાંતના આધારે તે લોકો પાસેથી કમાયો હતો.  તેણે ગુમાવ્યું નહોતું પણ પ્રાપ્ત કર્યું હતું.

 

માણસની અહીં ભૂલ થાય છે.  તે પોતાની મર્યાદા સમજી શકતો નથી.  પોતાની શક્તિ કરતાં વધુ કમ ઉપાડી લે છે અને અશાંતિના બીજ રોપે છે.  તેમાંથી કાંટાવાળુ ઝાડ ઉત્પન થાય છે.  જે એને કનડે છે.  શાંતિ મેળવવાનો માર્ગ પોતાની મર્યાદા સમજવાનો છે અને એ રીતે કાર્ય કરવાનો છે. જો એ રીતે માણસ કામ કરે તો કોઈ દિવસ દુઃખી ન થાય.  સુખની પાછળ દોટ મૂકવાથી તે પ્રાપ્ત નહીં થાય. પણ તેના તરફ શાંતિથી ચાલીને જવાથી તે મળશે.  દરરોજ પોતાને માફક આવે તેટલું, પૂરેપૂરા દિલથી કામ કરવું જોઈએ.  લોભી વિચારોને તાબે ન થવું જોઈએ, ગગન વિહારી વિચારોને કાબૂમાં રાખવા જોઈએ.  માત્ર વાસ્તવિક વિચારોને સ્વીકારી કામની યોજના બનાવવી જોઈએ.  તો અવશ્ય સફળતા મળશે.  જીવનમાં સુખશાંતિ પછી સ્વપ્નું નહીં રહે,  પણ નક્કર વાસ્તવિકતામાં ફેરવાઈ જશે.

 

 

(૨) ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ …

 

“ત્યાગ” ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે “મૃત્યુ પર્ત્યેનો પ્રેમ”.  સંસારી લોકો જીવનને ચાહે છે.  સંન્યાસીએ મૃત્યુને ચાહવાનું છે, ત્યારે શું આપણે આપઘાત કરવાનો છે ?

 

બિલકુલ નહીં.  આત્મઘાતીઓ મૃત્યુના ચાહક નથી હોતા.  એવું ઘણીવાર જોવામા આવે છે કે જ્યારે કોઈ આત્મહત્યા કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે એ ફરી વાર કદી તેનો પ્રયત્ન નથી કરતો.  તો પછી મૃત્યુનો પ્રેમ એટલે શું ?  મરવું તો આપણે છે જ, એ તો ચોક્કસ છે.  તો પછી આપણે કોઈ સારા હેતુને માટે મરીએ.

 

આપણાં બધા કામો ખાવું, પીવું અને બીજું સર્વ કાંઈ આપણી જાતના બલિદાન અર્થે થાઓ.  શરીરનું પોષણ તમે અન્નથી કરો છો;  એને બીજાઓના ભલા સારું યજ્ઞ રૂપે ન ગણો તો એમાં સારું શું ?  તમે પુસ્તકને વાંચીને મનનું પોષણ કરો છો;  એને પણ જો તમે આખા જગતના ભલા માટે બલિદાન રૂપ ન ગણો તો એમાં શું વળ્યું ?  આ એક ક્ષુદ્ર જાતને પુષ્ટ કરવી તેના કરતાં લાખો માનવ ભાઈઓની સેવા કરવી એ વધુ યોગ્ય છે.

 

આમ તમારે સેવાપરાયણ રહીને ક્રમે ક્રમે મૃત્યુને સત્કારવું.  આવા મૃત્યુમાં સ્વર્ગ છે, એમાં બધું શુભ સમાયેલું છે;  અને એથી વિરુદ્ધમાં જે કાંઈ છે તે પિશાચી અને અનિષ્ટ છે.

 

–     સ્વામી વિવેકાનંદ

 

(રા.જ. ૧૧-૯૬/૩૬૩-૩૬૪/ ૩૬૨)

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

(આપને આજની ઉપરોક્ત બંને પોસ્ટ પસંદ આવી હોય તો, આપના પ્રતિભાવ જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અમોને જણાવશો.. આપના પ્રતિભાવ સદા મોને પ્રેરણાદાયી બની રહે છે… આભાર !  ‘દાદીમા ની પોટલી’)