‘જિંદગી ના મિલે દુબારા’ … (પ્રેરક કથા) …

” જિંદગી ના મિલે દુબારા ” … (પ્રેરક કથા) …

– હેમલતાબેન પારેખ …

 

 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ,  બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા.  અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને  શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની  તળેટીમાં આવેલ નેરલ માં  Senior Citizen  માટેની  Dignity Lifestyle Township માં રેહવાનું પસંદ કર્યું.  હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે.  બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો.    ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને  કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.
(આ અગાઉ આપણે તેમના નાના બેન બંસરીબેન નો લેખ અહીં માણેલ, હવે પછી તેમના અન્ય એક બેન જ્યોતિ બેન નો પરિચય પણ અહીં આપણે મેળવીશું., જેઓ ૨૦૦૯ માં ભાંડુઓ નો અધવચ્ચે સાથ છોડી અને ઈશ્વરને પ્યારા થઇ ગયા છે.) 
‘દાદીમા ની પોટલી’ પર હેમલતાબેન દ્વારા મોકલવામાં આવેલ આજની પોસ્ટ બદલ અમો હેમલતાબેન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

વર્ષો પહેલાંની વાત છે. ખૂબ જ ધૂની અને તરંગી મગજનો એક રાજા હતો. એકવાર એણે પોતાના રાજ્યમાં દાંડી પિટાવી કે મારે એક એવી વ્યક્તિની જરૂર છે જે મહામંત્રીનું પદ સંભાળી શકે, પણ એ માટે મારી અમૂક શરતો રહેશે. પાંચ વરસ માટે જ મહામંત્રીનું પદ મળશે. પાંચ વરસના એને પાંચ લાખ સોનામહોર હું આપીશ. પાંચ વરસ પછી નગરની બહાર વહેતી વૈતરણી નદીની પેલે પાર જે બીહડ જંગલ છે ત્યાં એણે જતાં રહેવું પડશે. ત્યાં તેણે પોતાનું બાકી જીવન વિતાવવું પડશે. રાજાની ઘોષણા સાંભળી લોકો ચોંકી ઊંઠયા. જો કે, પાંચ લાખ સોનામહોર મળવાની લાલચ જોરદાર હતી, પણ સામે જંગલમાં જઈ જીવન ગુજારવાની વાતથી બધાં ડરી ગયા. કારણ એ જંગલમાં બિહામણાં અને ભયાનક જનાવરોનો વાસ હતો. રાતની વાત કયાં, ભરબપોરે પણ ત્યાં જવાની હિંમત કરવા કોઈ તૈયાર નહોતું. કમોતે મારવા કોણ ચાહે ? પણ દુનિયા છે …. પૈસા માટે પ્રાણની હોડ બક્નારા પણ ક્યાં નથી આ વિચિત્ર દુનિયામાં ? એક થનગનતો નવજુવાન આવી પહોંચ્યો રાજા પાસે.

“ મંત્રી બનવું છે મારે, મહારાજ !”

“મારી શરતો સાંભળી છે કે ?”

“જી, હા !”

“તો પછી શા માટે હાથે કરી ને મારવાનો થાય છે ?”

“મહરાજ, એમ મોતથી ડરનારો હું નથી.”

“યુવાન, તારી જિંદગી હજુ લાંબી છે. જાણી જોઈને મોત નો શિકાર ન બન.”

“મહારાજ, પ્રજાની સેવા કરવી છે. લોકોની ભલાઈ કરવી છે. લોકોના દિલમાં ડેરા તંબુ તાણવા છે, મારતાં પહેલાં !”

“પણ તારી પત્ની હશે, તારાં બાળકો હશે. તેમનો વિચાર નહિ કરે?”

“ પાંચ લાખ સોનામહોર ઓછી નહીં પડે, મહારાજ … એમની જિંદગી મોજથી ગુજરે એવી વ્યવસ્થા કરીશ.”

જુવાનની દ્રઢતા અને જવાંમર્દીથી અંજાયેલા રાજાએ એને મહામંત્રી નીમી લીધો. મહામંત્રી બનતાંની સાથે જ એણે પ્રજા અને રાજ્યની સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરવા માંડ્યો. રાજ્ય વ્યવસ્થાને વધુ પદ્ધતિસર બનાવી. પ્રજાના કલ્યાણ માટે એક પછી એક કામો ઉપાડ્યાં. પ્રજાની સુખ-સુવિધા માટે પ્રયત્નો કરવા માંડ્યો. બે વરસમાં તો પ્રજા એને અછોવાના કરવા લાગી. લોકોના દિલ જીતી લીધાં તેણે ! લોકોને થયું …. આવો સારો અને કામગરો માણસ જંગલમાં તો ન જ જવો જોઈએ. પ્રજા વચ્ચે રહેશે તો જનકલ્યાણ માટે કામ કરશે. બધાં મળીને ગયાં મહારાજને વિનવવા. ખૂબ વિનવણી કરી, પણ રાજાએ તેને શરતમાંથી મુક્ત કરવાની ઘસીને ના પાડી દીધી. મહાજન નિરાશ થઈને પાછું વળ્યું. મહામંત્રી બનેલા યુવાને બધાંને આશ્વસન આપ્યું. વરસો વીતી ગયાં. જ્યારે નિયત સમયે મહામંત્રી નદીની સામે પાર જંગલમાં જવાં નીકળ્યા ત્યારે હજારો સ્ત્રી – પુરુષોની ભીડ તેમને વળાવવા નદીકિનારે ભેગી થઇ. કુટુંબીજનો, પ્રજા સૌ રડતાં હતાં. મહામંત્રીએ નાવમાં બેસતાં પહેલાં પત્નીને કાનમાં કશુંક કહ્યું અને પત્નીની રડતી આંખો હસી ઊઠી. તે પછી મહામંત્રી પોતે જ હોડીને હલેસાં મારીને સામે કિનારે જઈ પહોંચ્યાં. એ પછી મહામંત્રીની પત્ની પોતાના પરિવારને લઈને બીજી નૌકામાં સામે કિનારે જઈ પહોંચી. લોકોએ તેને વારવાની ઘણી કોશિશ કરી, પણ એ ક્યાં કોઈનું માને એમ હતી ! સામે કિનારે રહેલા મહામંત્રીએ ત્યાં ઊભા ઊભા જાહેરાત કરી, “મારા વ્હાલા પ્રજાજનો ! મારી વાત ધ્યાન દઈને સાંભળજો. આજ દિવસ સુધી તમે જેને ભયંકર જંગલ માનતા હતા તે હવે જંગલ નથી …. પણ સરસ મજાના નગરમાં બદલાઈ ગયું છે. મેં મારા પાંચ વરસના મંત્રીકાળ દરમ્યાન જંગલને કાપી નાખ્યું છે. અહીં સુંદર નગર વસ્યું છે. હવે અહીં હિંસક પશુઓ નથી. તમારામાંથી જે કોઈને આ નગરમાં આવીને વસવું હોય તે આવી શકે છે. અહીં આવનારને તમામ સગવડ મળશે. “ આ સાંભળી લોકોનાં ટોળેટોળાં સામે કિનારે પહોંચી ગયાં. નગર જોઈને બધાં ખુશ થઇ ગયા. મહામંત્રી પર ઓવારી ગયા. મહામંત્રીએ એમને સમજાવ્યું, “જ્યારે મેં મહામંત્રી બનવાનું નક્કી કર્યું ત્યારથી જ મારા મનમાં આ જંગલને નગરમાં ફેરવવાની યોજના રમતી હતી. પાંચ વરસ પછી મારે જ્યાં જઈને રહેવાનું છે ત્યાં હું કેમ નંદનવન ઊભું ન કરી દઉં? બિહામણું અને હિંસક પશુઓથી ભરેલા જંગલને હજારો મજૂરો અને કારીગરોની મદદથી મેં આજે રમણીય, સોહામણું નગર બનાવ્યું છે. હવે અહીં મજાથી જીવન ગુજારીશ. રાજાની શરત જંગલમાં જઈને જીવવાની હતી. જંગલને નગરમાં નહીં ફેરવવાની કે ત્યાં મહેલો ઊભા નહીં કરવાની અથવા તો મજેથી નહીં જીવવાની શરત થોડી જ હતી !”

 

જી, હા આ જિંદગી બીજી વાર આનથી મળવાની. આ જીવનનાં કર્તવ્યોના પાલનની સાથેસાથે ભાવિ જીવનના નિર્માણની યોજના પણ અહીં જ કાર્યાન્વિત કરવાની છે. મનુષ્યજીવન સીમિત વરસોનું છે. કાલે શું થશે તે કોઈ જાણતું નથી. ‘કાલ હો યા ન્ હો’. કિશોરાવસ્થામાં યુવાવસ્થા તૈયાર કરવાની છે. યુવાનોએ વાનપ્રસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમીઓએ સન્યાસ્તાશ્રમ અને ત્યાંથી બીજા જન્મ માટે તૈયાર થવાનું છે. “જિંદગી ના મિલે દુબારા”  જોઈ યુવાનોને સંદેશો આપવાનો કે તમારા અરમાનો, તમારી ઉમ્મીદો, તમારાં સ્વપ્નાં એવી રીતે સાકાર કરો કે વાનપ્રસ્થાશ્રમ તનાવમુક્ત, સરલ અને સહજ રહે. તન, મન અને ધનથી સુરક્ષિત રહે. આનંદથી જીવો અને જીવવા દો.

 

વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતી વખતે તમે પણ  શ્રી રવીન્દ્રનાથ ટાગોરની જેમ કહી શકો :

 

“ચાલતો થા અહીંથી જૂનાપૂરાણા સમય
કેમ કે આરંભી છે મેં નૂતન અવનવી રમત.
ફરી વાગવા માંડી છે વાંસળી મારી
ફરી ગાજવા માંડ્યું છે હાંસ્ય મારું
ને વાય છે હવે વાયુ વસંતનો.”

 

વાનપ્રસ્થાશ્રમને એવી રીતે શણગારો કે સન્યાસ્તાશ્રમમાં નરસિંહ મહેતાની જેમ કહી શકો :

“ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાલ.”

સન્યાસ્તાશ્રમ પ્રભુમય – ભક્તિમય રહે. મૃત્યુ આવે ત્યારે કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં. મૃત્યુ તો આવવાનું જ છે. તેનું સ્વાગત કરી શકો. પુણ્યની નાનકડી સૂટકેસ તૈયાર જ છે.

 

એક શાયરે કહ્યું છે તેમ તમે પણ ખુમારીથી કહી શકો :

 

“ના પૂછો જિંદગી કેવી મારી ગુજરી ?
કળો આ વાત પર કે કેટલી સારી ગુજરી !
કે હું મર્યો તોયે મને એ રીતે ઊંચકી લીધો
એક શહેનશાહની જાણે સવારી ગુજરી.”

 

આ જિંદગી ફરી નથી મળવાની, પણ બીજો જન્મ તો છે ને ? બીજી જિંદગી તો રાહ જોતી બેઠી છે ને ?

 

– હેમલતા પારેખ … 

 

(‘જિંદગી ના મિલે દુબારા’ … લેખ  ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો હેમલતાબેન પારેખના અંતરપૂર્વકથી આભારી છીએ. આપને લેખ પસંદ આવ્યો હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો. જે લેખકની કલમને બળ પૂરે છે. … આભાર !  ‘દાદીમા ની પોટલી’)

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]