ગુરુ વિશે … (ગુરુપૂર્ણિમા) …

ગુરુ વિશે … (ગુરુપૂર્ણિમા) …

 

 

શ્રી રામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે :

 પહલો પુરુષ સર્વનામ એટલે ‘હું’ એ બધાં દુઃખનું મૂળ છે. એટલે ગમે તેમ કરીને એ ‘અહં’ થી છૂટકારો મેળવવો જોઈએ. આ કાર્ય કોઈ મહાન ગુણી સંતની સેવા, ફળની અપેક્ષા રાખ્યા વિના નિષ્કામ કર્મ, ધ્યાન, એકાગ્રતા અને વૈરાગ્યથી થઇ શકે. જો તમે સાચા ગુરુના શરણે જાઓ તો તમારા સેવકભાવથી જ આ ‘અહં’ ધીમે ધીમે દૂર થઇ જાય …

 

 વળી, અનુભૂતિ કરનારા જ સારા ગુર છે. એટલે તમારે એમને સાંભળવા જોઈએ, અભ્યાસ, ચિંતન કરવા જોઈએ, એમને સમજવા જોઈએ અને આવા અનુભવી ગુરુની મદદથી તમારે ઈશ્વરને અનુભવવાનો પર્યટન કરવો જોઈએ.

 

 તમે ક્યાંક વાંકીચૂંકી ગલીમાં ફસાઈ જાઓ અને રસ્તો ન મળતો હોય ત્યારે કોઈક મળે અને કહે:   ‘હું તમને અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકું છું.’ તો તમે શું કરશો ?

 

તમે એની પાછળ પાછળ ચાલવાના અને ધન્યતાની લાગણી આપણે અનુભવીએ છીએ તે જ છે તેમનાં પ્રત્યેનાં સેવાપૂજા અને ભક્તિભાવ. આવી વુંક્તી જ ગુરુ છે અને આપણને (આ જગતની) વિચિત્ર વાંકીચૂંકી ગલીયારીમાંથી મુક્ત થવા ઇચ્છતા હોઈએ તો ગુરુનું આપણે સંપૂર્ણપણે અનુસરણ કરવું જોઈએ. ક્યારેક કયારેક આપણે આવું વિચારીએ છીએ: ‘મારે એમને શા માટે અનુસરવું જોઈએ ? ચાલો ને, હું જ મારો રસ્તો શોધી લઉં.’ અને આમ આપણે આપણી જાતે નીકળી પડીએ છીએ. પણ ગુરુ તો હંમેશાં ધીર, શાંત અને સ્નેહાળ રહે છે.

 

તેમજ એકલા એકલા રસ્તો શોધવાના પ્રયત્નમાં આપણે થાકી જઈએ અને એમની પાસે પાછા જઈએ ત્યાં સુધી તેઓ આપણી રાહ જોતા રહે છે.

 

ગુરુનું કાર્ય તો ગણીગાંઠી પળોમાં થઇ જાય છે. થોડા સહજ-સરળ શબ્દોમાં જ ગુરુ આપણા જીવનને નવો વળાંક આપી દે છે; જેમ કોઈ માણસ સાઈકલ પર સવારી કરે છે ત્યારે કોઈને લાગે કે જે રસ્તે એ જઈ રહ્યો છે એ ભયંકર છે; એટલે એ સાઈકલસવારને ત્યાંથી વાળીને બીજી દિશામાં દોરી જાય છે.

જેમ જેમ સાઈકલ ચાલતી રહે છે તેમ તેમ પહેલાંની જેમ જ સવાર પેડલ મારતો રહે છે. પણ હવે ભય તરફ જવાને બદલે એ સાઈકલ-સવાર ભયથી દૂર જતો રહે છે. એવી જ રીતે ગુરુને જ્યારે એવું લાગે કે તમે (શિષ્ય) એક ભયજનક રસ્તો લીધો છે એટલે એ તમને એમાંથી વાળી લે છે. પછી તમારી બધી પ્રવૃત્તિઓ પહેલાંની જેમ ચાલતી રહે છે.

 

પેલા સાઈકલ સવારની જેમ જ તમે પેડલ માર્યે રાખો છો પણ તમે હવે ચોક્કસ અને સલામત દિશામાં જઈ રહ્યા છો. ગુરુનું કાર્ય યોગ્ય દિશાવળાંક આપવાનું છે.

 

 અંતિમ સત્યને પામવા માટે સાધકે ઉપદેશક કે ગુરુ અને શાસ્ત્રોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. અવ્યવસ્થિત પ્રયત્નોથી કંઈ ન થઇ શકે.

 

(રા.જ. ૭-૧૧/૩૬/૧૭૪)

 

 

(૨) શ્રી રામકૃષ્ણદેવની કવિત્વ ભરી જાદુઈ વાણી :

 

૧] કોરી માટીથી કોઈ કુંભાર ઘડો નહિ બનાવી શકે, એને પાણી જોઈશે. તેવી રીતે એકલા શિવ સૃષ્ટિ નહિ સરજી શકે, પણ સાથે શક્તિ જોઈશે.

 

૨] જેમ જળ અને બુદબુદ એક છે, તેમ જીવાત્મા અને પરમાત્મા તત્વે કરીને એક જ છે.

 

૩] ઈશ્વરને શોધવા નીકળેલો માણસ, દરિયાનું ઊંડાણ માપવા ગયેલી મીઠાની પૂતળી જેવો છે.

 

૪] દોરડું બળે તોય વળ ન છોડે, પણ એ બાંધવામાં કામ લાગે નહિ, તેમ પરમ જ્ઞાનના અગ્નિથી બળી ગયેલો અહંકાર છે, છે ને નથી.

 

૫] ચારણી જેમ ઝીણા લોટને ચાળી નાખે છે અને જાડા લોટને રાખે છે તેમ દુષ્ટ માણસ સારું જવા દે છે ને ખરાબને સંઘરે છે.

 

૬] દુષ્ટ માણસનું હૃદય વાંકડીયા વાળ જેવું છે. બે છેડા પકડીને ખેંચો તો સીધું રહે, પણ ફરી પાછું અસલ રૂપમાં આવી જાય.

 

૭] ઈશ્વર પ્રાણીમાત્રમાં છે, પણ તમારે સારા માણસોનો જ સંગ કરવો, દુષ્ટથી દૂર રહેવું. ઈશ્વર વાઘમા પણ છે, પણ એથી કરીને તમે વાઘને નહિ ભેટો !

 

૮] એક માણસને પણ ઉપયોગી થવું એ જેવી તેવી વાત નથી.

 

(‘સંત સાગર’ પુસ્તકમાંથી સાભાર)
(રા.જ. ૧૧-૧૧/(૫૯) ૩૭૯)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

(આજની ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ જરૂર બ્લોગ પોસ્ટ પર મૂક્શો, જે સદા અમોને પ્રેરણાદાયી  રહે છે, આભાર ! )