તમારા ઘરમાં ઉગાડજો તુલસી …

તમારા ઘરમાં ઉગાડજો તુલસી …

 

તુલસીદલ   થી   તોલ  કરો  તો   પવન  બને   પરપોટો,
અને   હિમાલય   મુકો  હેમ  નો  તો   મેરુ   થી   મોટો,
આ  ભારે   હળવા    હરિહર   ને  મુલવવો  શી   રીતે,
વજન   કરે  તે   હારે  મનવા   ભજન   કરે   તે   જીતે .

 

દાદીમાના ઘરગથ્થુ વૈદામાં તુલસીનું નામ સૌથી મોખરે હોય છે. જોકે હવે મોર્ડન મેડીસીનના સાયન્ટિસ્ટોએ પણ તુલસી પર પ્રયોગો કરીને એની ઔષધ તરીકેની વિશેષ લાક્ષણિકતાઓ શોધી છે. ભારતના રિસર્ચરોએ તુલસીને નુકશાનકારક રેડિયેશનથી થી આડઅસર માટેની દવા તરીકે ડેવલપ કરી છે. આ સાયન્ટિસ્ટોનું માનવું છે કે રેડીયેશનને કારણે બોડીમાં જે પણ ખાનાખરાબી થાય છે એની અસરને મટાડવા માટે તુલસી જેવી બેસ્ટ મેડિસિન બીજી કોઈ નહીં હોય. તુલસીના અર્કમાંથી તૈયાર કરેલી આ એન્ટિ રેડિયેશન દવાનો પ્રાણીઓ પર પ્રયોગ થઇ ચૂક્યો છે ને એનાં સફળ પરિણામોને કારણે ટૂંક સમયમાં જ આ દવાનો માણસો પર પ્રયોગ શરૂ થશે અને જો એમાં પણ સારાં રિઝલ્ટ્સ મળ્યાં તો એકાદ વરસમાં આ દવા માર્કેટમાં મળવા લાગે એવી શક્યતાઓ છે. તુલસીની આ નવી ક્ષમતાથી કેન્સરના દરદીઓને જ્યારે પણ રેડિયેશન્સ લેવાં પડશે ત્યારે એની આડઅસરથી બચાવવા માટે આ દવા વરદાનરૂપ થઈ પડશે. રેડિયેશન્સ લીધાં પછી કેન્સરના દરદીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જતી હતી, પરંતુ તુલસીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે.

 

તુલસીનો મોર્ડન ગુણ :

 

તુલસીના પાનમાં લીમોનીન, ટેર્પિનેઓલ એન્ટિ –ઈન્ફલમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણવત્તા ભરી પડી છે. એમાં આંખો માટે ગુણકારી બીટા-કેરોટીન, વિટામિન એ, લ્યુટેન તેમજ પીળા રંગનું ઝિકસેન્થિન નામનું કેમિકલ રહેલું છે. આ કેમિકલ્સ આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતાં ડેમેજ્થી બચાવે છે અને ઉંમરને કારણે આવતી દ્રષ્ટિની ઝાંખપ પણ રોકે છે. એમાં હાડકાંને સ્ટ્રોંગ બનાવતાં વિટામીન કે ઉપરાંત પોટેશિયમ, મેન્ગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જેવાં ખનીજ દ્રવ્યો પણ રહેલાં છે. પોટેશિયમ બોડીમાં રહેલાં ફ્લુઇડ માટે ખુબ જરૂરી છે. એ હાર્ટરેટ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તુલસીમાં ભરપૂર  માત્રામાં આર્યન હોય છે.

 

સ્પેશિયલ હીલિંગ પાવર :

 

તુલસીનાં પાન ચેતાતંતુઓ માટે ટોનિક સમાન છે અને મેમરી શાર્પ કરી શકે એવાં હોય છે. ફેફસાંની નળીઓમાં ચોંટી રહેલો કફ પણ એનાથી ઊખડે છે. એ પાચનશક્તિ વધારે છે અને પસીનો પેદા કરીને શરીરનો ઝેરી કચરો બહાર ફેંકવાનું સરળ બનાવે છે. મેલેરીયા, કોલેરા, કમળો, ડાયેરિયા, તાવ જેવા રોગોમાં તુલસીનો ઉકાળો અસરકારક છે. તુલસીનાં પાનનો અર્ક ફ્રેશ વોટર સાથે દર બે-ત્રણ કલાકે લેવાથી હાઈગ્રેડ ફીવરમાં પણ ફાયદો થાય છે. આયુર્વેદિક કફ સિરપની તમામ બનાવટોમાં પણ તુલસી એક મુખ્ય ઔષધ હોય છે. તુલસીથી બ્રોન્કિયલ અસ્થમામાં રાહત થાય છે. શરદી-ધીમે રસ ઉતારવો. ગળામાં ખિચખિચ હોય તો તુલસીનાં પાન નાખીને ઉકાળેલું પાણી ઘૂંટડે –ઘૂંટડે પિતા રેહવું.

 

મોર્ડન ઉપયોગો …

 

તુલસીનાં પાનનો આદું અને મધ નાખીને બનાવેલો કાઢો બ્રોન્કાઇટીસ, અસ્થમા, ઇન્ફ્લ્યુએન્ઝા જેવી તકલીફોમાં ફાયદાકારક છે. તુલસીનાં પાન, નમક અને લવિંગનો કાઢો પણ શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ માટે સારો છે.

 

મૂત્રપિંડમાં પથરી થઈ હોય ત્યારે દિવસમાં બે વાર તુલસીનો રસ અને મધ મેળવીને સતત છ મહિના સુધી પીવાથી પથરી પીગળીને યુરીન વાટે નીકળી જાય છે. હાર્ટમાં બ્લોકેજ, નબળાઈ કે કોલેસ્ટરોલજમા થવાની બિમારીમાં પણ રોજ તુલસીનાં પાન લેવાથી ફાયદો થાય છે. બાળકોને અવારનવાર થતી કોમન બીમારીઓ જેવી કે શરદી, ખાંસી, તાવ, ડાયેરિયા, ઊલટી જેવી તકલીફોમાં તુલસીનાં પાનનો રસ અકસીર દવાનું કામ કરે છે. તુલસીને એન્ટિ-સ્ટ્રેસ પ્રોપર્ટી પણ છે. તાજેતરમાં થયેલા રિસર્ચ અનુસાર રોજ તુલસીનાં બાર પાન દિવસમાં બે વાર ચાવવાથી સ્ટ્રેસ ઘટે છે, રક્ત શુદ્ધ થાય છે અને સ્ટ્રેસને કારણે થતી બીમારીઓ પ્રિવેન્ટ થાય છે. મોંમાં ચાંદા પડ્યાં હોય, દાંતમાં સડો થતો હોય, પેઢાં નબળાં પડી ગયાં હોય, લોહી નીકળતું હોય, મોંમાંથી વાસ આવતી હોય ત્યારે તુલસીનું તેલ કે તુલસીનો રસ અને રાઈનું તેલ મિક્સ કરીને દાંત અને પેઢાં પર ઘસવું. કાચાં તુલસીના પાન ચાવવાથી અને બે વાર દાંત સાફ કરવાથી પણ આ સમસ્યા ઘટે છે. વીંછી, મધમાખી, ભમરી, જળો જેવાં જીવજંતુ કરડ્યાં હોય ત્યારે તુલસીનો રસ પીવો અને એ કરડેલી જગ્યા પર લગાવવાથી ઝેર ઊતરે છે. પડવા-વાગવા કે ઊંડો ઘા થયો હોય ત્યારે જખમ સાફ કરવા માટે ડેટોલ ન હોય તો તુલસીનાં તાજા રસથી ઘા સાફ કરવાથી ઝડપથી રૂઝ આવે છે.

 

સંકલિત

(ગ.ગુજ.૧-૧૨/૪૯-૧૪)

તુલસી ના ગુણ અંગેની ….પૂરક માહિતી ..

 

ફોલ્લા, ઘા અને ચામડીના રોગ … અને તુલસી …

 

૧) તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને દાદર પર લગાવવાથી આરામ થાય છે,

૨) તુલસીપત્રનો રસ બે ભાગ અને તલનું તેલ એક ભાગ ભેગું કરી ઓછા તાપે ગરમ કરી બરાબર ગરમ થઇ ગયા પછી ગાળી નાખો અને પછી તેનો ઉપયોગ ચામડીના રોગો અને ખુજલી પર કરવાથી લાભ થાય છે.

૩) અગ્નિથી દાઝી જતા તુલસીનો રસ અને નાળીયેરનું તેલ (કોપરેલ) બરાબર હલાવીને લગાવવાથી બળતરા મટે છે, જો ફોલ્લા પડી ગયા હોય કે ઘા પડી ગયા હોય તો તે પણ  જલ્દીથી સારા થઇ જાય છે.

૪) તુલસીના પાનને ગંગાજળમાં વાટીને નિરંતર લગાવતા રહેવાથી સફેદ ચાઠા અને કોઢ થોડા વખતમાં ઠીક થઈ  જાય છે.

૫) બાલ તોડ (એકજાતનો ફોલ્લો) વાળના તૂટી જવાથી થાય છે તેનાપર તુલસીપત્ર અને પીપળાની કોમળ કુંપળો વાટીને લગાવવાથી આરામ થાય છે.

૬) નાકની અંદર ફોલ્લીઓ થઇ હોય તો તુલસીપત્ર અને બોરને વાટીને સુંઘવાથી અને લગાવવાથી લાભ થાય છે.

૭) પેટમાં અંદર ફોલ્લા થયા હોય કે ગોળો ચડતો હોય તો તુલસીપત્ર અને સુવાની ભાજીનો ઉકાળો બનાવીને તેમાં થોડું સિંધવ મીઠું નાખી ને પીવું જોઈએ.

૮) તુલસીપત્ર અને ફટકડીને ખુબજ બારીક વાટીને ઘા પર ભભરાવાથી તે જલ્દી સારું થઇ જાય છે.

૯) વાળ ખરવા કે અકાળે સફેદ થઇ જવા તે પણ એક ચર્મવિકાર જ છે, તેના મટે તુલસીપત્ર અને સુકા આંબળાનું ચૂર્ણ માથામાં સારી રીતે ઘસીને સાધારણ ગરમ પાણીથી ધોવું જોઈએ.

૧૦) બગલમાં થતા ફોલ્લા પર તુલસીપત્ર રાઈ, ગોળ, અને ગુગળ સરખા ભાગે લઇ પાણીમાં વાટી ગરમ કરી બાંધવાથી તે ફૂટીને મટી જાય છે.

૧૧) તુલસીના પાન અને તેના મુળિયામાં કીટાણું નાશક ગુણો વિશેસ રૂપે હોય છે, તેથી બધા જ જાતના ચામડીના રોગોમાં તેનો ઉપયોગ લાભકારક સિદ્ધ થાય છે, તુલસીના ૨૦-૨૫ તોલા પાનને વાટીને તેમાં પાણી મેળવીને તેનો રસ કાઢી રાખવો પછી અડધો શેર રસ અને અડધો શેર તલનું તેલ લઇને ઉકાળવું પાણી બળી જાય ત્યારે તેલને ગાળીને બાટલીમાં ભરી દેવું, આ તેલની માલીસથી ચામડીના અનેક પ્રકારના રોગ ખુજલી, શુષ્કતા વગેરે મટે છે.

 

વિવિધ રોગો … અને તુલસી …

 

૧) કોઈપણ જાતનું ઝેર અફીણ, ઝેરકોચલું, ધંતૂરો વગેરે ખાઈ જતા તુલસીના પાનનો રસ ગાયના ઘીમાં ભેળવીને પીવાથી આરામ થાય છે, ઘીનું પ્રમાણ અવસ્થા પ્રમાણે પાશેરથી અડધો શેર લઇ શકાય. એકવાર લેવાથી આરામ ન થાય તો વારંવાર આ તુલસી-ધૃત પીવડાવવું જોઈએ.

૨) તૃષા રોગ – ગળાના શોષ  રોગમાં તુલસી અને લીંબુના રસમાં ખાંડ અને પાણી નાખી શરબતની જેમ પીવાથી લાભ થાય છે.

૩) દિવસમાં બે-ચાર વખત અને ખાસ કરીને ખાધા પછી અડધો કે કલાક પછી તુલસીના ચાર-પાંચ પાંદડા ચાવી લેવાથી મોઢામાંથી નીકળતી દુર્ગંધ દુર થાય છે.

૪) તુલસીપત્ર, હડિયાકર્સનના (હુરહુર) પાન, અંતરવેલ અને ઊંટની લીંડીઓ આ બધાને ગૌમૂત્રમાં વાટી અને ઉકાળીને વધી ગયેલા અંડકોષ પર જાડો લેપ કરવાથી લાભ થાય છે.

૫) છાતી, પેટ કે પીંડીઓ માં બળતરા થતી હોય તો તુલસીના પાન અને દેવદારનું લાકડું ઘસી ચંદનની જેમ લેપ કરવાથી ફાયદો થાય છે.

૬) ગળામાં દુખાવો થતો હોય તો તુલસીના પાનનો રસ મધની સાથે ચાટવાથી ફાયદો થાય છે.

૭) મરડો, ચૂક કે ઝાડા થયાની ફરિયાદ હોય તો તુલસીના સુકા પાન બે માશા અને સંચળ એક માશો, નવટાંક દહીંમાં ભેળવીને લેવાથી ફાયદો થાય છે.

૮) હરસ માટે તુલસીના મુળિયા તેમજ લીંબડાની લીંબોળીઓની મીંજ સરખા ભાગે લઇ વાટીને ચૂર્ણ બનાવવું, આમાંથી ત્રણ માશા દરરોજ છાસની સાથે લેવાથી લાભ થાય છે.

૯) પેટમાં પ્લીહોદર, બરોળ વધી ગઈ હોય તો તુલસીના મુળિયા નવસાર, ટંકનખાર (ફુલાવેલો ખાર) અને જવા ખાર સરખા ભાગે લઇ બરાબર વાટીને ચૂર્ણ બનાવો, પછી એમાંથી દરરોજ ત્રણ માશા તાજા પાણી સાથે સવારે લેવાથી આરામ થાય છે.

૧૦) શરીર પર પિત્તના વિકાસથી ફીકાસ આવી ગઈ હોય ત્યારે તુલસીના બીજ બે માશા, આંબળાના મુરબ્બા સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

૧૧) ઠંડી લાગવાથી, શરદી થવાથી પાંસળીઓ દુઃખતી હોય તો તુલસીના પાનનો રસ છ માશા અને પુષ્કર મૂળનું ચૂર્ણ ત્રણ માશા ભેળવીને ગરમ કરી દુઃખતું હોય ત્યાં લેપ કરવો.

૧૨) વાળાના રોગમાં જ્યાં સોજો થયો હોય ત્યાં તુલસીના મુળિયાને ઘસી લેપ કરવો જોઈએ, આથી વાળાનો બે-ત્રણ ઇંચ લાંબો દોરો બહાર નીકળી આવશે, તેને બાંધી દઈ બીજે દિવસે ફરીથી એવી જ રીતે લેપ કરવો. આમ બે-ત્રણ દિવસમાં પૂરેપૂરો વાળો બહાર નીકળી આવશે અને કેટલાક વધુ વખત લેપ કરતા રેહવાથી ઘા બિલકુલ માટી જાય છે.

૧૩) વનતુલસીના પાન કોલેરા માં આશ્ચર્યકારક પ્રભાવ બતાવે છે, તેના પાનની સાથે કણજીના બીજની મીંજ, લીંબડાની છાલ, અધેડીના બીજ, લીમડાની ગળો અને ઇન્દ્રજવ આ બધા ને મેળવીને બે-ત્રણ તોલા પોણો શેર પાણીમાં ઉકાળો અને જયારે બળબળતા અડધું રહે ત્યારે બે-ત્રણ તોલા જેટલું થોડા થોડા અંતરે આપતા જાવ. આ પ્રયોગથી કોલેરાના કઠણ દર્દીઓ ના જીવ પણ લગભગ બચી જાય છે.

 

સાભાર : સૌજન્ય : તુલસીના ચમત્કારિક ગુણ
બ્લોગ લીંક:http://tulsibenefits.blogspot.co.uk/

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
Email : [email protected]

 

ઘરમાં તુલસી ના છોડ ઉગાડવા શા માટે જરૂરી છે અને તેની ઉપયોગીતા વિશેની પ્રાથમિક સમજ આપતી આ પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … આભાર . ‘દાદીમા ની પોટલી’.

શિવજીને કેવડો કેમ ચડતો નથી …

શિવજીને કેવડો કેમ ચડતો નથી …

 

પોસ્ટ પર ની તસ્વીર નેટ જગતને આભારી છે.

 

એક સમયે ભગવાન વિષ્ણુ અને પરમ પિતા બ્રહ્માજી વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે વિષે વાદ વિવાદ થયો. ભગવાન વિષ્ણુ કહે કે હું આપના કરતાં શ્રેષ્ઠ છું અને બ્રહ્માજી કહે કે હું આપના કરતાં વધુ શ્રેષ્ઠ છું. આમ વાદ કરતાં કરતાં બંનેનો વિવાદ ચર્મોસીમાએ પહોંચી ગયો ત્યારે તે સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયાં અને કહ્યું કે આપ બંને આદી દેવો છો આથી શ્રેષ્ઠત્તમનો વિવાદ કરવો તે આપને માટે શોભાયમાન લાગતું નથી પરંતુ બ્રહ્માજી કે ભગવાન વિષ્ણુમાંથી કોઈ માન્યું નહીં ત્યારે ભગવાન શિવે કહ્યું કે આપ બંનેની વચ્ચે આ શિવલિંગની હું સ્થાપના કરું છું. આ લિંગનો એક છોર આકાશ તરફ છે અને બીજો છોર તે પૃથ્વીની ભીતરમાં છે. હે બ્રહ્માજી આપ આ લિંગનો ઉપરનો અંત શોધો અને હે વિષ્ણુ આપ પૃથ્વીનાં આ ભીતરનાં ભાગમાં જઈ આ લિંગનો અંત શોધો જેને આ લિંગનો અંત મળી જશે તે દેવ શ્રેષ્ઠ ગણાશે. ભગવાન શિવની આજ્ઞા થતાં ભગવાન વિષ્ણુએ પૃથ્વીની ભીતર રહેલા લિંગનો અંત શોધવાનું ચાલું કર્યું અને બ્રહ્માજીએ ઉપરનાં છોરનાં ભાગનો અંત શોધવાનું ચાલું કર્યું.
લિંગનાં અંતિમ છોરને શોધવા માટે પૃથ્વીની ભીતર ઉતરેલા ભગવાન વિષ્ણુએ ઘણા જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ શિવલિંગનો અંતિમ છોર શોધી ન શક્યા તેથી પાછા તેઓ ભગવાન શિવ પાસે આવ્યાં અને કહ્યું કે હે સદાશિવ હું આપના શિવલિંગનો અંતિમ છોર શોધવામાં નિષ્ફળ ગયો છું. બીજી તરફ રહેલા બ્રહ્માજી પણ શિવલિંગનાં અંતિમ છોરને શોધી ન શક્યાં તેથી તેઓ પણ થાક્યા હતાં. પરંતુ ભગવાન વિષ્ણુ પાસે પોતાની હારની કબૂલાત શી રીતે કરવી? આથી બ્રહ્માજીએ એક યુક્તિ કાઢી તેણે પૃથ્વી પર રહેલા એક કેવડાનાં પુષ્પને પોતાના સાક્ષી થવાની આજ્ઞા કરી, ત્યારે પ્રથમ તો કેવડાએ ના કહી પરંતુ જ્યારે બ્રહ્માજીએ ક્રોધ દેખાડતાં કહ્યું કે મારી સર્જન શક્તિને કારણે તારો પ્રાદુર્ભાવ થયો છે અને તું મને જ ના કહે છે. જો તું મારો સાક્ષી નહીં બને તો તારું નવસર્જન ફરી પૃથ્વી પર ક્યારેય નહીં કરું. પરમપિતા બ્રહ્માજીની વાત સાંભળીને ડરી ગયેલા કેવડાએ બ્રહ્માજીના સાક્ષી થવા માટે સ્વીકારી લીધું. બ્રહ્માજી ભગવાન શિવ પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં કે મને આ લિંગનો અંત મળી ગયો છે અને આ કેવડાનું પુષ્પ તેનું સાક્ષી છે. ભગવાન શિવે જ્યારે કેવડાને પૂછ્યું ત્યારે તેણે પણ સાક્ષી આપતાં કહ્યું કે બ્રહ્માજી સાચું કહે છે.

 

કેવડાની વાત સાંભળી ભગવાન શિવે ક્રોધિત થતાં કહ્યું કે તે ખોટી સાક્ષી આપી છે તેથી આજ પછી ક્યારેય મારી પૂજામાં તારો ઉપયોગ ક્યારેય નહીં થાય અને બ્રહ્માજીને પણ શ્રાપ આપતાં સદાશિવ કહેવા લાગ્યાં કે આપ અસત્ય બોલ્યા હોવાથી પૃથ્વી પર આપ પૂજનીય નહીં રહો. ભગવાન શિવનાં શ્રાપને કારણે પૃથ્વી પર બ્રહ્માજી ભગવાન વિષ્ણુની જેમ સદૈવ અને સર્વજ્ઞે પૂજનીય ન રહ્યાં અને કેવડાને શિવ પૂજન માટે ત્યાગી દેવામાં આવ્યું. પરંતુ કેવડાને પોતાની ભૂલ માટે પસ્તાવો થતાં ભગવાન શિવે કહ્યું કે આખા વર્ષમાં ફક્ત એક દિવસ માટે કેવડો શ્રાપ મુક્ત થશે.
ભગવાન શિવને પામવાની ઈચ્છા ધરાવતાં માતા પાર્વતીએ એક દિવસે અજાણતાંથી કેવડા વડે શિવપૂજન કર્યું. પરંતુ અજાણતાં વડે કરાયેલ આ પૂજનને કારણે કેવડાને ભગવાન શિવની આજ્ઞા મુજબ એક દિવસને માટે શ્રાપમાંથી મુક્તિ મળી. જે દિવસે માતા ગૌરીએ કેવડા વડે પૂજન કરેલું તે દિવસ ભાદરવા સુદ ત્રીજ હતો આથી ભાદરવા સુદ ત્રીજને દિવસે ફક્ત એક દિવસને માટે કેવડા વડે ભગવાન શિવનું પૂજન કરાય છે પરંતુ વર્ષનાં બાકીનાં દિવસોમાં કેવડાનો ઉપયોગ શિવ પૂજન માટે થતો નથી.

 

સાભાર : -પૂર્વી મલકાણ મોદી- યુ એસ એ.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી – મલકાણ (યુ.એસ.એ) ના આભારી છીએ. આપને પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે લેખિકાની કલમ ને બળ પૂરે છે. … આભાર !

જે પોતે માગે તેની પાસે માંગવું શું >? … (પ્રેરકકથા) …

જે પોતે માગે તેની પાસે માંગવું શું >? … (પ્રેરકકથા) …

 

શિકારની શોધમાં નીકળેલો બાદશાહ પોતાની રાજધાનીથી વનમાં ખૂબ દૂર નીકળી જાય છે. તે એક પછી એક ખેતર વીંધતો જાય છે. પણ કોઈ શિકાર હાથ લાગે નહીં. તે ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો અને ચોપાસ નજર દોડાવતો હતો કે કોઈ ઝૂંપડી દેખાય તો ભૂખ-તરસ છિપાવી શકાય. એવામાં દૂર-દૂર એક નાનકડા ખેતરમાં ખેડૂતની ઝૂંપડી જોઈ અને બાદશાહ એ ઝૂંપડીમાં ગયો. ખેડૂતે બાદશાહને રોટલો અને શાક આપ્યાં. બાદશાહ તૃપ્ત થયો અને બોલ્યો, ‘જો ભાઈ, હું અહીંનો બાદશાહ છું; મારી પાસે સત્તા અને સંપત્તિ બન્ને છે. ક્યારેય મારું કોઈ કામ હોય તો સહેજે સંકોચ રાખ્યા વિના આવી જજે. કશી ફિકર કરતો નહીં. તને મદદ કરતાં મને ખરેખર  આનંદ થશે.’

 

બાદશાહની આ વાત સાંભળી ખેડૂતે કહ્યું, ‘મારે વળી આપનું શું કામ પડશે ? રાજ્યને સમયસર લગાન આપું છું અને આનંદથી જીવું છું.’

 

થોડાં વર્ષો પછીએ રાજ્યમાં દુકાળ પડ્યો. ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું : ‘રાજાએ સ્વયં તમને મદદ કરવાનું કહ્યું હતું, તો પછી તેમને મળી આવોને.’

 

ખેડૂત બાદશાહ પાસે ગયો અને બાદશાહ તેણે પ્રેમથી મળ્યાં. તેની આગતાસ્વાગતા કરવાનો હુકમ આપ્યો.

 

થોડીવારમાં નમાજનો સમય થયો એટલે બાળસાહ ખેડૂત ને થોડીવાર બેસવા કહી નમાજ પઢવા લાગ્યા. ઈબાદત કરતી વખતે બાદશાહે બન્ને હાથ ઊંચા ઊઠાવીને ખુદા પાસે દુવા માંગી. ખેડૂત નિરાંતે આ સઘળું જોતો હતો. તેણે બાદશાહને પૂછ્યું, ‘નમાઝના સમયે આપ હાથ ઊંચા કરીને શું કરતાં હતા ?’

 

બાદશાહે કહ્યું, ‘ હું ખુદા પાસે દુઆ માગતો હતો કે મારા રાજ્યમાં સુખશાંતિ રહે, ખુદા મને સમૃદ્ધિ અને સ્વાસ્થય બક્ષે.’

 

ખેડૂતે આશ્ચર્યથી પૂછ્યું, ‘આવી દુઆ માગવાથી ખુદા આપે છે ખરા ?’

 

બાદશાહે વિનમ્રતાથી કહ્યું, ‘આ બધી શાન -શૌકત અને રાજપાટ એ ખુદાની જ દેણ છે.’ બાદશાહ નો  આ ઉત્તર સાંભળીને ખેડૂતે બાદશાહને કહ્યું : ‘હવે હું મારા મારા ખેતરમાં પાછો જાઉં છું. આપે પ્રેમથી મારી ખાતર-બરદાસ્ત કરી એ માટે શુક્રિયા.’ બાદશાહે પૂછ્યું, ‘પણ તમે શા માટે મને મળવા આવ્યા, એનું કોઈ કારણ તો કહ્યું નહીં.’ ખેડૂત બોલ્યો, ‘બાદશાહ સલામત, હું આપની પાસે મદદ માગવા આવ્યો હતો; પણ જ્યારે મેં જોયું કે આપ ખુદ ખુદા પાસે માગી રહ્યા છો ત્યારે વિચાર્યું કે તેની પાસે જ કેમ ના માંગુ, જેની પાસે આપ માગી રહ્યા છો. જે પોતે માગતો હોય તેની પાસે માંગવું શું ? આમ કહીને ખેડૂત પોતાના ગામમાં પાછો ફર્યો.’

 

સંકલિત

(ગ.ગુજ. ૮-૧૧ /૪૯/૪૧)

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો,આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … આભાર! ‘દાદીમા ની પોટલી’

કચ્છી દાબેલી …

કચ્છી દાબેલી …

તસ્વીર નેટ જગતને આભારી છે.

મૂળ કચ્છ -માંડવી માં જેનો ઉદ્ભવ સ્થાન છે, તે દાબેલી આજે કચ્છી દાબેલી તરીકી ફક્ત ગુજરાત-કચ્છમાં જ નહિ પરંતુ ભારતના મુખ્યત્વે અનેક શહેર અને રાજ્યોમાં અતિ પ્રચલિત છે. કચ્છમાં માંડવી – ભુજ વિગેરે શહેરમાં તેનો સ્વાદ માણવા જેવો છે. અમારે અહીં લંડન માં પણ ગુજરાતી રેસ્ટોરેન્ટમાં દાબેલી જોવા મળે છે. ચાલો આજે આપણે દાબેલી બનાવવાની રેસિપી જાણીશું અને માણીશું.

 

દાબેલી નો મસાલો …

 

સામગ્રી :

 

૧ નંગ લાલ મરચું
૧ ચમચી ધાણા
૪-૫ નંગ લવિંગ
૧ નંગ તજ નો ટુકડો
૨ ચમચી જીરું
૧/૨ ચમચી મરીનો ભૂકો
૨૫ ગ્રામ તલ નો ભૂકો
૧૦ ગ્રામ વરીયાળી
૧/૨ ટી. સ્પૂન હળદર
૧ ટે.સ્પૂન સૂકા કોપરા. નાળીયેરનું ખમણ
૧ ટી.સ્પૂન ખાંડ
૧/૨ ટી.સ્પૂન આમચૂર પાઉડર
૧ ટી.સ્પૂન તેલ

 

રીત:

એક કડાઈમાં તેલ મૂકી અને ગરમ કરવા મૂકો, તેમાં દાબેલીના મસાલા ની સામગ્રી હળદર, ખાંડ અને આમચૂર પાઉડર સિવાયના બધા મસાલા શેકી લો અને મસાલા ઠંડા પડે એટલે ખાંડ, હળદર, આમચૂર પાઉડર અને મીઠું મિક્સ કરી બધીજ સામગ્રી મિક્સર માં દળીને મસાલો તૈયાર કરી લેવો. અને એક એરટાઈટ ડબ્બીમાં ભરી લેવો.

 

સ્ટફિંગ / પૂરણ માટે ...

 

સામગ્રી :

૧ કપ બાફેલા બટેટા નો છૂંદો ( મેસ કરેલ બટેટા)
૧/૨ ચમચી જીરૂ
૧ પીંચ હિંગ
૨ ટી.સ્પૂન દાબેલી નો મસાલો (ઉપર ના મસાલા માંથી)
૨ ટે.સ્પૂન (ચમચા) ખજૂર આમલી ની ચટણી
૨ ટે.સ્પૂન (ચમચા) તેલ
મીઠું સ્વાદ અનુસાર
૧૨-૧૫ નંગ દાબેલી ના બર્ન – પાઉં (બ્રેડ) (નાના-મિડ્યમ)
બટર અથવા તેલ

 

સર્વ કરવા માટે …

 

૧ કાંદા બારીક સમારેલા
૧/૨ કપ શેકેલા શીંગ દાણા (મસાલા વાળા હોય તો તે ઉપયોગમાં લેવા)
૧/૨ કપ લીલી કોથમીર સમારેલી
૧ કપ નાઈલોન સેવ
૧/૨ કપ દાડમના દાણા
લસણ ની ચટણી
૫-૬ ટે.સ્પૂન ખજૂર – આમલી ની ચટણી
આંબોળીયા ની ચટણી

આંબોળીયા ની ચટણી બનાવવાની રીત અને સામગ્રી :
૧-૨ ચમચી આંબોળીયા પાઉડર
૧ લીંબુ
૨-૪ ચમચી ખાંડ / ગોળ
૧ ચમચી ગરમ મસાલો

બધીજ સામગ્રી મિક્સ કરી અને જરૂરી પાણી ઉમેરી મિક્સ કરવું, અને થોડું ગરમ કરવું. બસ ચટણી તૈયાર થઇ જશે.

દાબેલી નું સ્ટફિંગ બનાવવાની રીત :

એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો. ત્યારબાદ, તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો, ત્યારબાદ તૈયાર કરેલ દાબેલીનો મસાલો નાખો, (સ્વાદ અનુસાર) બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દયો. ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો. ત્યારબાદ તેમાં ૨ ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.

 

સૌ પ્રથમ દાબેલી નું બર્ન / પાઉં હાથમાં લયો અને તને છરીથી વાછેથી કાપ મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો. ત્યારબાદ પાઉંના નીચે તરફના ભાગમાં (બોટમ તરફના) ઉપર ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકો અને સ્પ્રેડ કરવું / પાથરવું. ત્યારબાદ, તેના પર કાંદા (જીણા સમારેલા), મસાલા વાળા શિંગ દાણા, લસણની ચટણી તથા ખૂજ-આમલી ની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને પાઉંના અન્ય ભાગમા ચટણી લગાડી અને તે ઢાંકી ને બંધ કરો (કવર કરો) અને તેને ફરી તાવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી સર્વ કરો.

 

લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરી શકાય છે.

 

નોંધ: અહીં દર્શાવેલ અલગ અલગ ચટણી ની રેસિપી બ્લોગ પર ચટણીની કેટેગરી પરથી મેળવી શકાશે.

સુજાવ:

સ્ટફિંગ તૈયાર કરો ત્યારે તેમાં દાડમના દાણા પણ મિક્સ કરી શકાય છે, અને ઉપર ગાર્ન્સિંગમાં જ ફક્ત ઉપયોગ કરવા હોય તો તેમ પણ કરી શકાય છે.

આદુ -લીલા મરચાની પેસ્ટ નો પણ ઉપયોગ કરી શકાય છે. અથવા લીલા મરચાં પસંદ હોય તો તેણે બારીક સમારી સ્ત્ફીન્ગમાં ઉપયોગમાં લઇ શકાય છે.

હાલમાં આપણી માર્કેટમાં પણ દાબેલીના મસાલા ના તૈયાર પેકેટ મળે છે, જેનો ઉપયોગ પણ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

‘કચ્છી દાબેલી’ ની રેસિપી જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિંનતી. આભાર ! ‘દાદીમા ની પોટલી’ …

(૧) વેગળાં ને વેગળાં જ … અને (૨) એટલું ભૂલીએ નહીં – (પ્રેરકકથા) …

(૧) વેગળાં ને વેગળાં જ …

 

આપણા ઘરની નિયમિત મુલાકાત ત્રણ જણા લેતાં હોય છે : એક છે છાપાંવાળો, બીજો દૂધવાળો અને ત્રીજો ટપાલી. આ ત્રણે સ્વજન લાગવા જોઈએ. આ ત્રણે મૂક સેવકોને આપણે ક્યારેય બે સારા શબ્દોથી આવકારીએ છીએ ખરા ? એ લોકો આપણે બારને આવે ત્યારે પાણીનો ભાવ પણ પૂછીએ છીએ ખરા ? વરસને વચલે દહાડેય તેમને એક કપ ચા કે નાસ્તો ધરાવવાનું સૌજન્ય બતાવીએ છીએ ખરા ? એક જીવતો માણસ આપણે ત્યાં લગભગ નિયમિત રીતે આવતો રહે તોય એના અસ્તિત્વનો સ્વીકાર કરવાની તમીજ આપણામાં હોય છે ખરી ?

ઘરમાં કામ કરતી કામવાળી એક એવું પાત્ર છે જે ઉપેક્ષાયા કરે છે. એ કેઝ્યુઅલ લીવ, સિક લીવ, હાઉસ રેન્ટ, બેઝીક પગાર, મોંઘવારી અને પ્રોવિડન્ટ ફંડથી પર છે. એના અસ્તિત્વનો સ્વીકાર એની ઓચિંતી ગેરહાજરી વખતે જ થાય છે. ઓછામાં ઓછા પૈસે વધારેમાં વધારે કામ કરાવવાનું એક ષડ્યંત્ર ગોઠવાઈ જાય છે. જ્યાં કામવાળીઓ આ અંગે થોડી જાગૃતિ બતાવે છે, ત્યાં દિવસો ખરાબ આવ્યા’ એવી વાતો થવા માંડે છે. રોજબરોજ આપણા સંપર્કમાં આવતાં અને આપનું જ કામ કરતાં માણસો સાથે આપણે શરીરથી નાખ વેગળા રહે એવું વર્તન રાખીએ છીએ.

– ગુણવંત શાહ

 

સાર :

 

આપણે આવો રૂઢીપ્રયોગ કોઈ કોઈ સમયે કરતાં જ હોય છે, કે આંગળીથી નખ વેગળાં એટલે વેગળાં. એટલ કે આપણા શરીરમાં રહેલા નખ આપણી સાથે હોવા છાતા આપણે તે જ્યારે મોટા થઇ જાય છે, કે આપણને કોઈ સમયે નડતા જણાય તો ત્યારે તેને આપણા અંગથી અલગ કરી નાખતા હોઇએ છીએ. આંગળીથી નખ વેગળા એટલા વેગળા. પારકાં પોતાના ન બને. આવી જ રીતે કોઈ કોઈ સમયે આપણે આપણા મિત્ર કે સગા –સંબંધી પાછાળ આપણી જાતને ખુંવાર કરી નાખેલ હોય છે, ત્યારે તે બાબતની કોઈ જ નોંધ તેઓ ન રાખતા ખરો સમય આવે ત્યારે તેઓ આપણાથી મોઢું ફેરવી નાખેલ આપણે અનુભવતા હોઈએ છીએ,  ત્યારે આપણે અનુભવીએ છીએ કે આપણો તે સબંધ નખ અને આંગળી જેવો હતો.

 

 

(૨) એટલું ભૂલીએ નહીં –

 

એટલું કદી ભૂલીએ નહીં કે ઝાકળમાળ એ મહાનતા નથી, વાહવાહ તે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય તે શ્રેષ્ઠતા નથી, વાહવાહ તે પ્રતિષ્ઠા નથી.  આજની ઘડીનો માનવી યુગપુરુષ બનવા યોગ્ય નહીં હોય. કાંકરો કદાચ ચળકતો હોય, પણ તેથી એ હીરો બની જતો નથી. બ્રહ્માંડમાં સૌથી મોટી શક્તિઓ કદાપિ ભપકાદાર હોતી નથી. વાવાઝોડા કરતાં વર્ષા વધારે અસરકારક હોય છે. જેમનાં સન્માનો થતાં નથી, જેમનાં ગીત ગવાતાં નથી તેવાં મનુષ્યોની ઈમાનદારી, નિષ્ઠા અને પવિત્રતા વિના તો આ જગત જોતજોતામાં નાબૂદ થઇ ગયું હોત.

 

– જોન સીઝ્કો

 

સંકલિત …
(ગ.ગુજ. (૪૯/૪૧)

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો.

દેશી અમૃત …

દેશી અમૃત …

સંકલન :  વિધી દવે …

“દાદીમાનું ડાયેટ કોર્નર”   વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.)ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા કરવામાં આવે છે.

આજે  વિધીબેન દ્વારા ‘દેશી અમૃત’ … નામે એક અલગ જ માહિતી ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવી છે.,  જેનો સંબંધ કોઈને કોઈએ રીતે ડાયેટ સાથે પણ સંકળાયેલ છે. ‘દાદીમા ની પોટલી’ પર ..’ ડાયેટ ફોર ફેમીલી … ’ વિષે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન આપવા માટે સહમતિ આપવા બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

દરેક દેશનો પોતાનો કુદરતમાંથી પોષક તત્વ લેવાનો રિવાજ છે.

 

 

સરગવો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે. સરગવાનાં પાન, ફુલ, શીંગો, મુળ, છાલ એ બધાંનો ઔષધમાં ઉપયોગ થાય છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે. સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે. મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે. કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.  (૧) કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. (૨) હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. (૩) કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. (૪) ૧થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણાજીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે ઉકાળાનું નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું. (૫) આ ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

દક્ષિણ ભારતમાં સરગવાનું મેડિકલ મૂલ્ય લોકો જાણે છે, એટલે દાળ (સાંભાર)માં અચૂક સરગવો નાખે છે. આપણે સરગવાનું મૂલ્ય જાણતા નથી. પણ સરગવો આખે આખો ઔષધોનો ભંડાર છે. યુરોપિયનોને સરગવાની શીંગ કે તેનાં ઔષધીય ગુણ ધરાવતાં પાન માટે પોતાનો શબ્દ નથી, એટલે તમિળ ભાષાનો ‘મોરિગા’ અગર ‘મુરંગ કકાઈ’ શબ્દ ઉછીનો લીધો છે. તેનાં કોમળ પાંદડાંની ભાજી આજેય મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા દક્ષિણ ભારતીયો ખાય છે.

સિદ્ધ આયુર્વેદમાં સરગવાના વૃક્ષની છાલ, પાંદડાં અને તેની શીંગનો ઉપયોગ થાય છે. બંગાળ અને બાંગ્લાદેશમાં સરગવાના વૃક્ષને વસંત ઋતુમાં ફૂલ બેસે (જેને શોજને ફૂલ કહે છે) તેનું શાક બટાટા કે વટાણા સાથે ભેળવીને ખાય છે.

‘મેડિસિનલ સિક્રેટ ઓફ યોર ફૂડ’ પુસ્તકમાં ડો.. અમ્માને લખ્યું છે કે સરગવાની શીંગ વાજીકરણ કરનારી છે. લીવરની તકલીફથી માંડીને સાંધાના દુખાવામાં સરગવાનું શાક ખાવું સારું છે. પક્ષઘાતવાળાને સરગવાનો સૂપ ચોખ્ખા મધ સાથે અપાય છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન ‘સી’ લોહ અને પોટેશિયમ છે. ‘ટ્રીઝ ફોર લાઇફ,’ ‘ચર્ચ વર્લ્ડ સર્વિસ’ અને ‘કન્સર્ન ફોર હંગર ઓર્ગેનાઇઝેશન’ નામની સંસ્થાઓએ સરગવાનાં વૃક્ષનાં પાનમાં ઘણાં જ પોષક તત્વો હોવાનું કહ્યું છે.

દક્ષિણ ભારતનાં ગામડાંના દુષ્કાળોમાં લોકો સરગવાનાં પાંદડાંની ભાજી ઉપર જીવતા. ગુજરાતીઓ સ્વાદ માટે ખાય છે, પણ તેની જાણ વગર સરગવાનો લાભ મળે છે. તેનાથી સાંધા છુટ્ટા રહે છે. પાચન સુધરે છે. ફિલિપિન્સ અને આફ્રિકામાં સરગવાનાં કોમળ પાંદડાંની ભાજી કે સૂપ ખવાય છે. ફિલિપિન્સમાં તો લોરેન લેગાર્ડ નામના ત્યાંની વિધાનસભાના સભ્યે ૧૪-૯-૦૭ના રોજ પાર્લમેન્ટને કહ્યું કે લોકો વધુ ને વધુ સરગવો વાવે અને ઔષધોના મોટા સ્ત્રોતને ઘરઆંગણે મેળવે.

દૂધ અને ગાજર કરતાં સરગવામાં વધુ પ્રોટિન અને વધુ સારું પ્રોટિન હોય છે. ઘણા દેશોમાં સુકાવેલી કે લીલા સરગવાની શીંગ પાણીના ગોળમાં નાખે છે જેથી પાણી શુદ્ધ રહે છે. સાપ કે વીંછી કરડે ત્યારે સરગવાના પાન વાટીને હળદર સાથે મિક્સ કરીને ઘામાં લગાવાય છે.
મરાઠીમાં સરગવાને શેવગા કહે છે અને તે ખૂબ કરકસરથી વપરાય છે. છેક ગુયાના ટાપુમાં સરગવાને સીજાન કહીને તેનું શાક વાપરે છે. શ્રીલંકાના ક્રિકેટરો અત્યારે ઝિમ્બાબ્વે-ઝાંબિયા ગયા છે ત્યાં તેમને સરગવાનો સાંભાર જરૂર મળશે.

ઝિમ્બાબ્વેનું નામ પહેલાં ઝાંબિયા હતું. ત્યાંની હાઈ કોર્ટના જજ ૪૦ વર્ષ પહેલાં ડો.. દેસાઈ હતા. ત્યાં મને સરગવા-રીંગણાનું શાક અને સરગવાની કઢી ખાવા મળેલી. થાઇલેન્ડમાં સરગવાને મારૂમ કહે છે. ઇન્ડોનેશિયામાં તમિળ નામથી મોરિગો તરીકે ત્યાંના લોકો ચીકન કરીમાં નાખે છે. બર્મા (મ્યાનમાર)માં ગુજરાતીઓ સરગવો લઈ ગયેલા ત્યાં સરગવાને ડાંડલિયો કહે છે.

સરગવાનો સાંભાર કે શાકને એટલો બધો કામવર્ધક મનાય છે કે તામિલનાડુની વિધાનસભામાં કોઈ વિધાનસભ્ય ‘નબળો’ પુરવાર થાય તો તેને કહેવાય છે ‘સરગવો ખા.’ દક્ષિણ ભારતમાં ગર્ભવતી સ્ત્રીને ડિલિવરી પહેલાં કે પછી કોઈ કોમ્પ્લિકેશન ન થાય તે માટે સરગવો અપાય છે. તેનાથી કફ કે છાતીનો ભરાવો હળવો થાય છે. એટલી હદ સુધી સરગવાના ફાયદા મનાય છે કે સરગવાની શીંગના રસને લીંબુના રસ સાથે ભેળવીને ચહેરે લગાવવાથી ચહેરો રૂપાળો-તેજસ્વી થાય છે! તેમ ડો.. અમ્માન કહે છે.

પેશાબ અટકીને આવતો હોય તોપણ સરગવાનાં પાંદડાનો રસ અપાય છે. હવે કેરીની મોસમ પૂરી થતાં મોંઘીદાટ લીચીની સિઝન શરૂ થઈ છે. ગુજરાત કમનસીબ છે કે ઘોલવડમાં જ માત્ર લીચીનો પાક થાય છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કહે છે કે લીચીની આ વર્ષે તંગી છે. આ વખતે ગરમીને કારણે ૪.૪૮ લાખ ટન જ લીચી થશે. ચીનથી તેનાં ફળ આયાત થાય છે. શાહી લીચી મુઝફ્ફરપુરમાં થાય છે. લીચીનું ફળ ઠંડક આપનારું છે. તે વિટામિન ‘સી’થી ભરપૂર હોઈ લોહી સુધારે છે.

લીચી મૂળ તો ચીનનું ફળ છે. ચીની બાદશાહોને જ પહેલાં લીચીનાં ફળ ખાવા મળતાં. ડો.. અમ્માન કહે છે કે ઊંચા તાવમાં લીચીનો રસ અપાય તો તાવ ઊતરે છે. પેશાબ ખુલાસાથી આવે છે. ઉનાળામાં જ્યારે પણ કોઈ પણ ભાવે લીચી મળે ત્યારે ખરીદીને અવશ્ય ખાવી પણ યાદ રહે કે ડબાપેક લીચી નહીં પણ તાજી લીચી ખાવી. તમે ખૂબ કેરી ખાઈને અપચા સાથે પેટમાં જંતુ પેદા કર્યા હોય તો લીચી તેની કુદરતી દવા છે.

ઈરાનના લોકો મોટે ભાગે કાળી માટીવાળાં ગામડાં પસંદ કરે છે, કારણ કે કાળી માટીમાં રાસાયણિક ખાતર નાખવું પડતું નથી.

 

મુંબઈમાં ઘણા માળીઓ કૂંડામાં કાળી માટી નાખીને તુલસીના છોડ વેચે છે. તેમાં કાળા તુલસી ઊગે છે, તેનું ઔષધીય મૂલ્ય વધુ હોય છે. શરદી-ઉધરસ મટાડે છે.

 

આજે આપણે વંઠેલા ટમેટાં ખાઈએ છીએ, તેમાં કોઈવિટામિન નથી.

 

જર્મની લોકો અસ્સલ ટમેટાનો રસ સવારે પીવે છે તે રેચક છે.

 

તુર્કીમાં લોકો જમ્યા પછી કુદરતી સ્વરૂપમાં તલને મુખવાસ તરીકે આરોગે છે અને મોસમમાં દ્રાક્ષનો રસ પીવે છે. તલ જંતુઘ્ન છે. તુર્કીનો કુસ્તીબાજ ૭૫ની ઉંમરેપણ કુસ્તીની સ્પર્ધામાં ઊતરતો, કારણ કે તે સિઝનમાં માત્ર દ્રાક્ષનો રસ અને દહીંનું ધોળવું જ લેતો.

 

ન્યૂઝીલેન્ડમાં દરેક ઘરે નિયમ છે કે સવારે દોડવા જવું. દોડીને ઘરે આવીને ગાયના દૂધનું તાજું દહીં ચમચીથી આઇસક્રીમની ઢબે ખાય છે.

 

બલ્ગેરિયામાં જગતમાં સૌથી વધુ એક્સો વર્ષની આયુષ્યવાળા માણસો છે. શું કામ? બલ્ગેરિયનો દહીં-છાશનો નિયમિત આહાર રાખે છે.

 

રશિયામાં થૂલાવાળી ઘઉંની બ્રેડ અને દહીંનો આહાર ઘણાને સો વર્ષ જિવાડે છે.

 

સ્પેઇનમાં ઘણા યજમાનો મહેમાનને બદામના દૂધનું શરબત મધ નાખીને આપે છે.

 

આર્મેનિયામાં દૂધ-ખાંડ વગરની સાચા ગુલાબના પાંદડાવાળી ચા સવારે પીવે છે અને દૂધ સાથે ખજૂર ખાય છે.

 

પાકિસ્તાન-તિબેટ વચ્ચે હુંઝાલેન્ડ છે ત્યાંના લોકો વૃક્ષ ઉપરથી તાજા જરદાળુ ખાય છે. (એપ્રિકોટ) જરદાળુનું શરબત પીવે છે. જરદાળુ શક્તિદાતા છે અને રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. હુંઝાનો ૧૨૦ વર્ષનો પુરુષ રોજિંદું કામ કરે છે. થેંકસ ટુ જરદાળુ અને કુદરતી ખોરાક.

 

સ્વિત્ઝર્લેન્ડને આપણે સિક્રેટ-એકાઉન્ટવાળી કાળાં નાણાં માટેની બેન્કોનો દેશ માનીએ છીએ, પણ સ્વિ લોકો દહીંના ખાસ શોખીન છે તેથી તેનાં આતરડાં મજબૂત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સ્વિસ લોકો પોતાની શાકભાજી ઘરે જ ઉગાડી લેતા અને દહીં સાથે શાકભાજીનો રસ પીતા તેમ બર્નાડજેન્સન નામના નેચરોપેથ કહે છે.

 

નોર્વેનાં સ્ત્રી-પુરુષ સુંદર હોય છે, કારણ કે તેમના બાપદાદા પર્વતાળ પ્રદેશમાં કુદરતી ઊગતી વનસ્પતિનો આહાર કરતા.

 

જાપાનના લોકો વિવિધ જાતનાં સૂપ અને ખાસ તો ગાયના દૂધનું દહીં ખાય છે.

 

ઇટાલીમાં બટાટાને છાલ સહિત ખવાય છે.  ત્યાં જૈતૂનનાં સૂકવેલાં ફળ (ઓલીવ) ખવાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર -ગાંડાભાઈ વલ્લભ 

સંકલન : વિધીબેન દવે ..

Sr. Dietitian
Zydus hospital
Anand

 

બ્લોગ લીંક : http://das.desais.net

 

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ -ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેનને દવે ના મેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ તૂરત કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર તે જવાબ મોકલી આપવા કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો …

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો …

 

 

પ્રિય બહેન જ્યોતિ,

૨૭ માર્ચ ‘ગુડ્ડી પડવા’ નાં દિને તેં અમારી વચ્ચેથી ચીર-વિદાય લીધી. આપણો ૬૯ વર્ષનો સાથ તેં છોડ્યો. આખા જીવન દરમ્યાન સતત અમારો હાથ પકડીને ચાલતી જ્યોતિ અમારો હાથ પકડ્યા વગર જ લાંબી મુસાફરી પર નીકળી પડી. આજે આપણે સાથે ગુજારેલા વર્ષો, મહિના અને દિવસો સ્મરણપટ પર ઉપસી આવે છે. તારું અને અમારું જીવન તાણાવાણાની જેમ વણાઈ ગયું હતું. સાત ભાઇબહેનોમાં તું સૌથી નાની. જ્યોતિ, ૬૯ વરહ પહેલાની વાત – તારો જન્મ થવાનો હતો પણ આપણી બા તેનાથી અજાણ જ હતી. એટલે જ તને કદાચ પૂરતું પોષણ ન મળ્યું હોય ! તારું આ પૃથ્વી ઉપર આવવું અને તારું આખું જીવન જાણે કે અકસ્માતોની પરંપરા ! ૧૦મી જૂને તારો જન્મ થયો. નાનકડો સુંદર દેહ-આકાશી ભૂરા રંગની તારી આખો- પૂ.બા, કાકાએ નામ પાડ્યું ‘જ્યોતિ’ . પણ જન્મના બીજા જ દિવસથી જાણે અકસ્માતની શરૂઆત થઇ ગઈ. તું ઝેરી તાપમાં સપડાઈ. એની અસર તારા ઉપર થઈ. તારા પગ નાના મોટા થઇ ગયાં. કદાચ તું જીવનભર ચાલી નહિ શકે એવો સંદેહ ઊભો થયો. પરંતુ પૂ. બા-કાકા આ વાત સ્વીકારવા તૈયાર જ ન હતા. એ બંને એ તો ત્યારથી જ જાણે ભેખ ધારણ કરી લીધો. તું એમના જીવનનું મુખ્ય કેન્દ્ર બની ગઈ. તને ચાલતી કરવા જે જે સૂચનો મળ્યાં તેનું અથાગ શ્રમથી અમલ કર્યો. જુહુ કોઠારી સેનોટોરિયમમાં જગા લઇ. ત્યાં રોજ રેતીમાં તને ઊભી રાખતા. રોજ મસાજ કરતાં. અને તને લંગડાતી, લંગડાતી પણ ચાલતી કરી. જીવનભર તને પગની આ ખોડ રહી છે. છ વર્ષની ઉંમરે તને મોર્ડન સ્કૂલના બાલમંદિરમાં દાખલ કરી ખૂબ આનંદથી; મસ્તીથી તું શાળામાં જતી. સંગીત અને નૃત્ય તને ખુબ પ્રિય. (તારી વિદાય પછી તારા ખજાનામાંથી પ્રાથમિક ધો. ૧ લાની તારી, તારા સુંદર અક્ષરોવાળી સંગીતની નોટ મળી.) પગની ખોળને લીધે તને નૃત્ય, રાસ, ગરબામાં શિક્ષકો ભાગ લેવા દેતા નહિ. તું ઘરે આવીને ખૂબ રડતી, મને બરાબર યાદ છે કે આપણી બા પુષ્પાબેન વકીલ પાસે આવી હતી અને વિનંતી કરી હતી કે મારી જ્યોતિ રાસ ગરબા રમે છે એને ભાગ લેવાનો મોકો આપો. અને પછી તો દરેક સભામાં તું નાચતી, ગાતી થઇ ગઈ. તારા મુખ ઉપરનો એ આનંદ આજે પણ મને યાદ છે. તારા અભ્યાસમાં પણ તું ચોક્કસ અને નિયમિત. તું ત્રીજા ધોરણમાં આવી અને એક વધુ અકસ્માત ! કાલી ચૌદશની ગોઝારી સવાર, તું વહેલી ઊઠી ગઈ હતી. (બધાં તેહ્વારો વખતે તારો ઉત્સાહ કેવો હતો !) અને ચાલતાં ચાલતાં તું પડી ગઈ. સીવવાના સંચાનો લાકડાનો ખૂણો બરાબર તારી આંખ પર વાગ્યો. અને તેં એક આંખ ગુમાવી. આંખ બચાવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયાં. તારી મોટી, સુંદર એક ભૂરી આંખની જગાએ કાચની આંખ બેસાડવામાં આવી. પણ તારી ખુમારી, તારી હિંમતની શી વાત કરું ? તેં અભ્યાસ અને બધી પ્રવૃત્તિ ચાલુ રાખી. શાળામાં પુષ્પાબેન અને શિક્ષકોના પ્રેમ અને સહકારથી તું બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી. મને બરોબર યાદ છે તું નાના નાના તારા મિત્રો સાથે સિક્કા નગરમાં રમતી હોય, દોડદોડ કરતી હોય અને અમે ઉપર ઘરની બારીમાંથી તને જોતા હોઈને ત્યારે તું એક આંખના સહારે, અમારી તરફ જોતી. તે વખતના તારા મુખ પરના ભાવો યાદગાર રહ્યા છે. જાણે તું ખુમારીથી કહેતી કે જુઓ, એક આંખે અને લંગડાતા પગે પણ હું કેવી સરસ રીતે રમી રહી છું ! ખંતથી ભાંતિ હોવાથી, સરસ રીતે પરીક્ષાઓ પસાર કરતી હતી. જાણે તને કોઈ ખોડ નડતી જ ન હતી.

 

અને આજે એ બીજો ગોઝારો દિવસ યાદ આવે છે. પૂ. બા, કાકા સમેતશિખરની યાત્રાએ ગયાં હતા. બા નાં બા મણીમા આપણી સાથે હતા. અને એ જ દિવાળીના દિવસો આવ્યા. બનતાં સુધી એ પણ કાલી ચૌદશની રાત હતી. તું એકદમ બુમ મારી ઊઠી હતી. “મા, મા, મારી બીજી આંખ ફૂંટી ગઈ” મણીમાને થયું કે તને બુરું સ્વપન આવ્યું હશે. થાબડીને સુવાડી દીધી. પણ સવાર થતાં કહાબ્ર પડી કે તેં બીજી આંખ પણ ગુમાવી હતી. આંખોના રોગોના નિષ્ણાંત આપણા ઉત્તમકાકાએ તે વખતે ખુલાસો કર્યો કે પહેલી આંખના અકસ્માત વખતે બીજી આંખને પણ અંદરથી સખ્ત ધક્કો વાગ્યો હતો એટલે બીજી આંખનું નૂર પણ ગમે ત્યારે જશે એવી એમને ખબર  હતી. આપણા કુટુંબ ઉપર તો આભ તૂટી પડ્યું. મુંબઈના બધાં જ આંખોના નિષ્ણાંત ડોક્ટરોને બતાવ્યું. ઘણા ઉપચાર કર્યા. આખરે એ વખતના નિષ્ણાંત જાણીતા ડોક્ટર ડગને બાને કહી દીધું. “ઉપરથી ભગવાન આવશે તો પણ તારી દીકરીની આંખો પાછી નહીં આવે. તું પ્રયાસ કરવા છોડી દે” સુંદર ભૂરી ભૂરી આંખોવાળી જ્યોતિ નેત્રહિન થઇ ગઈ. બા, કાકા અને બધાં ભાઈ બહેનો દિશાહીન તહી ગયાં. વર્ષો પહેલાની વાત તેથી નેત્રહીનો શું કરી શકે તેનો ખ્યાલ જ નહિ. બા, કાકાના જીવનમાં તો સમૂળગું પરિવર્તન આવી ગયું., નાટક, સિનેમા જેવા બધાં જ કાર્યક્રમોમાં જવાનું બંધ કર્યું. “અમારી નેર્ત્ર્હિન દીકરી ઘરે હોય અને અમારાથી કેવી રીતે જવાય ? તને આનંદમાં રાખવાનો અમારો સતત પ્રયાસ. પ્રજ્ઞાચક્ષુ ડૉ.રાજેન્દ્ર વ્યાસને મળ્યાં. બ્રેઈલ લિપી અને સંગીતનો તારો અભ્યાસ શરૂ થયો. દેખીતી હતી તે વખતના જેવા જ ઉત્સાહથી તારું નવું જીવન શરૂ થયું. બ્રેઈલ પુસ્તકો રોજ વાંચતી થઇ. શાસ્ત્રીય અને સુગમ સંગીત શીખી.

 

અને એક દિવસ મોર્ડન સ્કૂલના આપણા પ્રિન્સીપાલ રમણભાઈ વકીલે અમને બોલાવી., તને સામન્ય દેખતાં બાળકો સાથે ભણાવવાનું સૂચન કર્યું. અને તું મોર્ડન સ્કૂલની આઠમા ધોરણની વિધાર્થીની થઇ. પ્રથમ બેંચ પર બેસી. તું જાણે શિક્ષકોના શબ્દો પી જતી. ઘણીવાર સવાલોના જવાબ માટે વર્ગમાં ફક્ત તારી આંગળી ઊંચી થાય કારણ કે રેડિયો તારો સદાયનો સાથીદાર બન્યો હતો. તું શ્રી પ્રવિણચંદ્ર રૂપારેલના હિંદી કાર્યક્રમો દ્વારા હિંદી શીખી. સંગીતના કાર્ય્કાર્મો માણ્યા. કાર્યક્રમોમાં કોઈ ભૂલ હોય તો તું અમારી પાહે ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ પર પોસ્ટકાર્ડ લખાવતી. તારી દિનચર્ચા વિવિધ પ્રવૃત્તિઓથી ભરચક હતી. શી હતી તારી હિંમત – તારી જીવન જીવવાની ખુમારી ! મોર્ડન સ્કૂલમાંથી ઉચ્ચ ગુણ સાથે S.S.C. થઈ. S.N.D.T કોલેજમાંથી સંગીત સાથે B.A. થઇ. સમાજશાસ્ત્ર સાથે M.A. થઈ. અંધજનો માટેના શિક્ષકોનો અભ્યાસક્રમ કરી શિક્ષક થઇ. આ સાથે બ્રેઈલમાં પુસ્તકો લખતી. નાર્ત્કો અને ગીતો લખતી. મોર્ડન સ્કૂલના અને સિક્કાનગરના બાળકોનો ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ નાં ‘બહુરૂપી’ કાર્યક્રમમાં કાંઈ કેટલાયે નાટકો કરાવ્યા. આમારી સ્સાથે કેટલા બધાં સિનેમામાં અને નાટકોમાં આવતી. ઘરમાં તો ભીંત અને ફર્નિચરથી પરિચિત એટલે સ્વત્રંત્ર રીતે ફરતી. બહાર જતાં તો અમારો હાથ પકડેલો જ હોય! અંધ બાળકોની વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ અને માતા લક્ષ્મી નર્સરી ફોર ધ બ્લાઈન્ડમાં ૧૮ થી ૨૦ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી. ગ્રાન્ટ રોડ સેન્ટ્રલ સ્કૂલ અને સંસ્કાર બાલ મંદિરમાં દેખતા બાળકોને સંગીત શીખવાડ્યું. તારું જીવન સતત પ્રવૃત્તિમય રહ્યું. અરે, તેં અમને પણ પ્રવૃત્તિમાં જડેલા જ રાખ્યા. તું અને બા અડધી રાત સુધી જાગતા. બા તને નવલકથાઓ વાંચી સંભળાવતી. કનૈયાલાલ મુનશીની લગભગ બધી નવલકથાઓ અને બીજા અનેક પુસ્તકો બા તને વાંચી સંભળાવતી. વાંચવા માટે તો તું આમરો પણ દમ કાઢતી. પૂ. કાકા તારે માટે અભ્યાસની નોટ્સ ઓફિસે લઇ જઈ લખતા. તું બધાંની લાડકી હતી ! તને પાલીતાણાની અને બીજી જાત્રાઓ કરાવી હતી. અરે, તું વિક્ટોરિયા મેમોરીયલ સ્કૂલમાંથી આખું ઉત્તર ભારત ફરી આવી હતી. જોયા વગર પણ તેં સ્થળોનું કેટલું સુંદર વર્ણન કર્યું હતું. અમારી પાસે પ્રવાસવર્ણનના પુસ્તકો તું હંમેશા વાન્ચાવતી. અને કહેતી કે, “આ મારી ભવયાત્રા થઇ.”

 

જબરદસ્ત મનોબળ ધરાવતી તને તારા શરીરે પૂરતો સાથ જ ન આપ્યો. ખાવાપીવામાં તું કેટલો બધો સંયમ રાખતી, વળી તું તો પાછી ચૂસ્ત જૈન ધર્મના નિયમો પણ પાળે. પણ તારા કોઈપણ જાતના વાંક કે ભૂલ વગર શરીર ક્ષીણ થતું ગયું. સ્વત્રંત્ર રીતે ચાલતી જ્યોતિને લાકડીનો સહારો લેવો પડ્યો. છતાં તું હિંમત ન હારી આટલા ઘા જાણે ઓછા હતા તેમ ૧૯૮૦ માં પૂ.બા એ અને ૧૯૮૯ માં પૂ.કાકાએ વિદાય લીધી. તે ગજબની હિંમત દાખવી. તારા મિત્રોનો દરબાર તો તારી આસપાસ વીંટળાયેલો જ હોય. તમે ગાતા, વાતો કરતાં અને ખીલખીલાટ હસતાં હસતાં પાનાં રમતાં. ભારની દુનિયા જોઈ જ ન હતી. જગતમાં ફૂડકપટ, લુચ્ચાઈ બધાથી તું દુર હતી. વર્તમાનપત્રોમાં આવતાં આવા સમાચારો તું કડી અમારી પાસે વાન્ચાવતી નહિ. તારું દિલ સમ્પૂર્ણ નિષ્કપટ હતું. કડી ખોટું બોલતી નહિ. પરંતુ હજી તારે દુઃખનો સામનો કરવાનો બાકી હતો. આટલું ઓછું હોય તેમ ૧૯૯૭ માં આપણા પ્રિય હંસાભાભીએ ચિરવિદાય લીધી. તું હંમેશા કહેતી, “હંસાભાભી તો મારી બા ની  જગ્યાએ છે.” એ દુઃખ તારા માટે અસહ્ય હતું.

 

લાકડીનો ટેકો પણ ઓછો પડ્યો. પગ ડગમગવા માંડ્યા અને તારે વોક્રનો સહારો લેવો પડ્યો. પણ તારી પર્વૃત્તિઓ તે છોડી નહિ. પણ પ્રભુએ હજી તારી કસોટી લેવાની બાકી હતી. તને Piles ની તકલીફ થઇ, ઓપરેશન થયું. ઘણું રક્ત વહી ગયું અને તું તદન પથારીવશ થઇ. ૬’ x ૩’ ફૂટનો પલંગ તારી દુનિયા ! સંપૂર્ણ પરવશ થઈ ગઈ. નર્સિંગ બ્યૂરોની બાઈઓને સહારે દૈનિક ચર્યા શરૂ થઇ. પરંતુ તારો વાંચનનો અને સંગીતનો શોખ ઓછો થયો ન હતો. રોજનું જન્મભૂમિ અને રવિવારનું પ્રવાસી તારા પ્રિય વર્તમાનપત્રો ‘સુવાસ’ થી માંડીને લગભગ બધી જ કોલમો વંચાવતી. ગુજરાત સમાચારના ‘અગમ નિગમ’ અને શતદલ તો તું ભૂલતી જ નહિ. કુમારપાળ દેસાઈ તારા પ્રિય લેખક. આજે કેટકેટલું યાદ આવે છે ! જેટલી વાર Bed Pan લેતી કેટલી વખત તારી દિવસની અને રાતની બાઈઓને તું ‘મિચ્છામીદુક્કડમ’ કહેતી. બાઈઓને સંકોચ થતો. પણ તું સતત એમની માંફી માંગતી.

 

મજબૂત મન ની હિંમતવાન જ્યોતિ હવે હતાશા તરફ ધકેલાતી જતી હતી. કોઈ વાર ખૂબ રડતી અને અમને રડાવતી. ભૂખ, ઊંઘ અને તરસ તારા વેરણ બની ગયાં હતા. સવાર સાંજ ફક્ત એક એક રોટલી અને શાક ઉપર તું ટકી રહી હતી. બોલવાનું ખૂબ ઓછું કરી કાઢ્યું. ફક્ત સંગીતમાં થોડો રસ રહ્યો હતો. છેલ્લું અઠવાડિયું તો એમાં પણ રસ ન રહ્યો. તારો શો વાંક ? પાંચ પાંચ વર્ષ કે જ ઓરડામાં. એક નાનકડા પલંગમાં ચોવીસ કલાકનાં અંધકારમાં દિવસો તેં કેમ વિતાવ્યા હશે. જ્યારે તું કોઈ વાર પૂછતી કે, “દિવસ કે રાત ?” ત્યારે તો જ્યોતિ, અમારું કાળજું ચિરાઈ જતું. લગભગ આખી જિંદગી તેં અંધકારમાંથી પણ જ્ઞાનનો, નીતિનો પ્રકાશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તું નિરાશ થઇ ગઈ હતી. જીજીવિષા ખૂટી ગઈ હતી. હવે તું મૃત્યુને ઝંખતી હતી. અને પ્રભુએ તારી અરજી સાંભળી. ૨૭ માર્ચ ૨૦૦૯ નાં ગુડી પડવાને દિવસે સાવારે પાંચ વાગે તેં મને તારીખ અને તિથી પૂછ્યા હતા. તું સંપૂર્ણ સભાન, સચેત હતી. દિનચર્ચા પતાવી. આખા જીવન દરમ્યાન કારેલાનાં શાકને ન અડનાર, તેં કારેલાનું શાક ખાવા જીદ કરી. બપોરે બાર વાગે કારેલાનું શાક, દાળ, ભાત જમી. દિવસની બાઈ રેશ્મા સાથે થોડી વાતો કરી અને મને ઊંઘ આવે છે, મારે સુઈ જવું છે કહીને સૂઈ ગઈ. બપોરે અઢી વાગે રોજની ટેવ પ્રમાણે તારા માથા પર હાથ મૂક્યો. ‘કોણ છે ?’ એવો પ્રશ્ન ન પૂછાયો. શંકા પડી ને ડોક્ટરને બોલાવ્યા. જ્યોતિ, અમને ‘આવજો’ ખયા વગર, ‘મિચ્છામી દુક્કડમ’ કહ્યા વગર તેં ચીર પ્રસ્થાન કર્યું.

 

બોલ બોલ કરતી જ્યોતિ બોલતી બંધ થઇ ગઈ. જાણે એમ જ લાગે કે કેટલાય વર્ષોના ઉજાગરા પછી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને તું ચીરનિંદ્રામાં પહોંચી ગઈ. આજે ખાલી પડેલો તારો રૂમ, ખાલી પડેલો તારો રૂમ, ખાલી પડેલો તારો પલંગ જોઈ આંખોમાંથી અશ્રુની ધારા વહી જાય છે. તને તો સર્વ દુઃખોમાંથી મુક્તિ મળી. પણ તારી યાદ, તારા શબ્દો સતત સંભળાયા કરે છે, ભણકારા વાગ્યા કરે છે.

 

પ્રભુને મારી સાચા હૃદયથી એક જ નમ્ર પ્રાર્થાના છે. હે પ્રભુ, અમારી જ્યોતિએ જીવનભર ખૂબ ખૂબ સંઘર્ષ કર્યો છે. જો પુનર્જન્મ હોય તો એને એવું જીવન બક્ષજે કે એને બિલકુલ સંઘર્ષ  વેઠવો ન પડે અને એના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ સદા વહેતા રહે.

 

અસ્તુ … !

 

સૌજન્ય : બંસરી પારેખ …
(મોર્ડન સ્કૂલ,સિક્કાનગર, મુંબઈ.) …

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email: [email protected]

 

આ અગાઉ બંસરીબેન તેમજ હેમલાતાબેન પારેખ ના અલગ અલગ બે લેખ બ્લોગ પર આપણે માણેલ. આજે ફરી વખત બંસરીબેન દ્વારા એક લેખ મોકલવામાં આવેલ છે, જે તેમના પ્રિય બેન જ્યોતિબેન ને લખેલ પત્ર સ્વરૂપે છે. જ્યોતિબેન ના જીવનની સંઘર્ષ ની હકીકત – સત્યઘટના ને દર્શાવવા તેમની નમ્ર કોશિશ લેખ દ્વારા કરવામાં આવેલ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે જ્યોતિબેનના સદગત આત્માને શાંતિ અર્પે  અને જ્યોતિબેનનો  પૂનર્જન્મ  જો  થયો  હોય તો  તેમને જ્યાં હોય ત્યાં સદા આનંદ – શાંતિ તેમજ આપનું શરણ અર્પજો.

 

‘તિમિર ગયું અને જ્યોતિ પ્રકાશ્યો’ પત્ર સ્વરૂપ નો લેખ જો આપને પસંદ આવ્યો હોય તો આપના મૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, બંસરીબેન  દ્વારા કરવામાં આવેલ પ્રયાસથી અન્ય લોકોના જીવનમાં  એક  જ્યોતિ દ્વારા  –  રસ્તો – રાહ પણ મળશે. … ‘દાદીમા ની પોટલી’ પર લેખ મોકલવા બદલ અમો બંસરીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ … !  ‘દાદીમા ની પોટલી’

અનાસક્તિ … (વિવેકવાણી) …

અનાસક્તિ … (વિવેકવાણી) …

 

 

આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે ? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુઃખ મળે છે; એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ એને લીધે નહીં, પરંતુ આપણે બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ તેથી દુઃખ મળે છે. જ્યાં કશી અપેક્ષા નથી, ત્યાં કશું દુઃખ નથી. ઈચ્છા, અપેક્ષા, એ જ સર્વે દુઃખોનું મૂળ છે. ઈચ્છાઓ સફળતા તેમજ નિષ્ફળતા બંને નિયમોથી બંધાયેલી છે; ઈચ્છાઓ જરૂર દુઃખ લાવે જ. એટલે સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિ:સ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ છે. એ વિરોધાભાસ હોય એવું દેખાય છે. શું આપણે નથી જાણતા કે જે માણસ જિંદગીમાં નિ:સ્વાર્થ હોય છે તે જ છેતરાય છે, તે જ દુઃખી થાય છે ? ઉપલક દ્રષ્ટિએ તો એમ જ લાગે છે. ‘જુઓ ને, ઈશુ ખ્રિસ્ત નિ:સ્વાર્થ હતા, અને છતાં તેમણે ક્રૂસ (વધસ્તંભ) ઉપર ચડાવી દીધાં !’ એ ખરું. પણ આપણે એ પણ જાણીએ છીએ કે તે નિ:સ્વાર્થતા જ એક મહાન વિજયનું કારણ બની અને તેનાથી કરોડો જિંદગીઓ ઉપર સાચી સફળતારૂપી આશીર્વાદનો કળશ ચડ્યો.

 

કોઈપણ વસ્તુ માગો નહીં, બદલામાં કશાની આશા રાખો નહીં. તમારે જે આપવાનું છે તે તમે આપો; તે તમારી પાસે પાછું તો આવશે, પણ અત્યારે તમે તેના વિશે વિચાર ન કરો. તે હજારગણું થઈને તમારી પાસે પાછું આવશે, પરંતુ તમારું ધ્યાન તેના ઉપર લાગેલું હોવું ન જોઈએ. છતાંય, આપવાની શક્તિ કેળવો; બસ આપો અને ત્યાં જ એની સમાપ્તિ ગણો. આટલું બરાબર શીખી લ્યો કે જીવન આપી દેવા માટે જ છે; પ્રકૃત્તિ જ તમને એ કરવાની ફરજ પાડશે, માટે સ્વેચ્છાએ આપો. વહેલું મોડું તમારે આપી તો દેવું જ પડશે. તમે જન્મો છો ભેગું કરવા. મુઠ્ઠી ભરી ભરીને તમે એકઠું કરવા ઈચ્છો છો. પરંતુ કુદરત તમારો ટોટો પીસીને તમારી મુઠ્ઠી ખુલ્લી કરાવી નાખે છે. તમારી ઈચ્છા હોય કે ના હોય, પણ તમારે આપી જ દેવું પડે છે. જે ઘડીએ તમે કહો કે ‘હું નહીં આપું’ એ જ ઘડીએ ફટકો પડે છે અને તમે દુઃખી થાઓ છો. એવો કોઈ નથી કે જેને લાંબે ગાળે ફરજિયાત બધું છોડવું નહીં પડે. માણસ આ નિયમની વિરુદ્ધ જવા જેટલો વધુ પ્રયત્ન કરે છે તેટલો તે વધુ દુઃખી થાય છે. આપણામાં આપી દેવાની હિંમત નથી, પ્રકૃત્તિની આ મહાન માગણીને સ્વીકારવા જેટલા આપણે અનાસક્ત થયા નથી, એ કારણસર જ આપણે દુઃખી થઈએ છીએ. જંગલ તો જતું રહ્યું છે, પણ બદલામાં ગરમી આવી છે. સૂર્ય, સાગરમાંથી (વરાળ રૂપે) પાણી ખેંચે છે, પણ તે વરસાદરૂપે પાછું આપવા માટે. તમે લેવા અને દેવા માટેનું એક યંત્ર માત્ર છો; તમે લો છો તે પાછું આપવા માટે જ.

 

આ ઓરડામાંથી હવાને જેટલી ઝડપથી તમે ખાલી કરશો, તેટલી જ ઝડપથી બહારની હવાથી ઓરડો પાછો ભરાઈ જશે. પણ જો તમે બધાં બારીબારણાં અને હવાને અંદર આવવાના નાનામાં નાના માર્ગો પણ બંધ કરી દેશો તો જે હવા અંદર છે તે અંદર જ રહેશે, અને બહારની હવા અંદર આવી શકશે નહીં; પણ એથી અંદરની હવા ગોંધાઈ રહેવાથી બંધિયાર થઈને ઝેરી બની જશે. નદી અવિરતપણે મહાસાગરમાં ઠલવાયા કરે છે અને પાછી નિરંતર ભરાયા કરે છે. મહાસાગરમાં જતાં માર્ગને બંધ કરો નહીં; જે ક્ષણે તમે તેમ કરશો તે જ ક્ષણે તમે તેમ કરશો તે જ ક્ષણે મૃત્યુ તમને ઝડપી લેશે.

 

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ-૭, પૃ.૪૭-૪૮)
(રા.જ. ૧-૧૧/(૫) ૪૪૩)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ ‘અનાસક્તિ’ .. વિવેકવાણી જો આપણે પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … આભાર ‘દાદીમા ની પોટલી’

શ્રાવણનો મહિમા અને મહત્વ …

શ્રાવણનો મહિમા અને મહત્વ…

 

શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે, અને શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં જઈ ભગવાન શીવ ની પૂજા -અર્ચના આપણે સર્વે કરીએ છીએ,  તો આ પૂજા – અર્ચના સાથે સાથે શ્રાવણ  માસનું  મહત્વ પણ જાણવું એટલું જ જરૂરી છે, .’શ્રાવણનો મહિમા અને મહત્વ ‘ દર્શાવતી પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી -મલકાણ (યુ.એસ.એ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 

શ્રાવણ મહિનો એટલે  ઝરમર વરસતા વરસાદનો મહિનો, શ્રાવણ મહિનો એટલે  વરસતા વરસાદમાં મન અને હૃદયને પ્રેમથી ભીંજવવાનો સમય, શ્રાવણ મહિનો એટલે ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે હરિયાળા વૃક્ષો સાથે ઝૂમી ઝૂમીને નાચવાનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે ભક્તિનાં રંગે રંગાવાનો મહિનો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિનાં રંગે રંગાયેલા ભક્તજનોનાં .. હર.. હર.. કૈલાશા, જય ભોલેનાથ..હર….હર……મહાદેવનાં નારાઓ ગૂંજી ઉઠે છે. ભોળાનાથ ભગવાન શિવ જ્યાં પણ બિરાજતાં હોય તે દરેક જ્ગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઇને શિવજીને અભિષેક કરવા શિવમંદિરે પહોંચી જાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે તેમના પરમ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણનું પણ અતિ મહત્વ રહેલુ હોઇ ભગવાન કૃષ્ણને માનનારો પ્રત્યેક વૈષ્ણવ પણ અનેક પ્રકારના મનોરથોનો મહિમા ગાતા ગાતા હવેલીમાં લ્હાવો લેવા તત્પર થઈ જાય છે. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની ગાથા ગાનારા આ શ્રાવણ માસનું આટલું મહત્વ શા માટે છે?

 

ભક્તવત્સલ અને સ્મરણમધુરા એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં શા માટે થયો? આપણાં સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ મહિનાનું મૂલ્ય સમજાય. પ્રથમ શબ્દ શ્ર એટ્લે શ્રવણ કરવું,  વ એટ્લે કે વંદન કરવું અને ણ અથવા ન એટ્લે નમન કરવું. શ્રવણ કરવું, વંદન કરવું અને નમન કરવું. તદપરાંત પ્રથમ શબ્દ શ્રા માં પણ ત્રણ શબ્દો મળેલા છે. તે છે સ+આ+ર. સ અને આ જોડીને બન્યો સા અને સા એટ્લે સાંભળવું અને ર એટ્લે રમણ કરવું અને આ બંને શબ્દોનો એક નવો શબ્દ બન્યો, તે…. સાંભળીને રમણ કરવું તે અર્થાત સ્મરણ કરવું, આમ આ મહિનામાં પોતાના આરાધ્ય માટે, અને આરાધ્યનું સ્મરણ, વંદન અને નમન દ્વારા સેવા કરવી તે.

 

બીજી એક વાત એ પણ છે કે આ મહિનો વરસાદનો મહિનો છે વરસાદ ફક્ત પોતે વરસતો નથી પણ પોતાના સંગમાં આવનાર પ્રત્યેક જીવોને રંગે પણ છે. કારણ કે વરસાદ પોતે ભીનાશની અભિવ્યક્તિ લઈને ધરતી પર આવે છે ત્યારે તે પોતાની સાથે ધરતી અને ધરતીવાસીઓના હૃદયમાં પણ ભીનાશ ભરતો જાય છે. આપણને પ્રશ્ન થાય કે આ ભીનાશ કઈ છે? સંતો તેનો જવાબ આપતાં કહે છે કે આ ભીનાશ તે અંતરમાં ઉમડતા ભાવોની ભીનાશ છે, આ ભીનાશ તે અંતર તારને રણઝણાવતી ભીનાશ છે, આ ભીનાશ તે ભક્તિ ભાવમાં ડૂબવાની ભીનાશ છે. ધરતી પર ઝરમર વરસતો વરસાદ એ ભક્તિનું પ્રતિક છે જે પોતાની સાથે, પોતાની પાસે આવનાર પ્રત્યેક જીવોમાં ઉદાત્ત રીતે સમાઈને તેને પણ ભક્તિને રંગે રંગી દે છે.

 

ઉપનિષદમાં કથા છે કે એક દિવસ સનતકુમારો કૈલાશવાસી ભગવાન શિવ પાસે ગયાં અને પૂછવા લાગ્યાં કે પ્રભુ આમ તો બારે મહિનાનું કોઈ ને કોઈ મૂલ્ય છે પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ ક્યો છે? આ સાંભળી ભગવાન શિવ કહે હે સનત કુમાર બધાં જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવો શ્રાવણ માસ છે. ત્યારે સનત કુમારો પૂછવા લાગ્યાં કે પ્રભુ આપને આ શ્રાવણ માસ પ્રિય શા માટે છે? અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિધ્ધ થયું તે અમને કૃપા કરીને સમજાવો, ત્યારે ભગવાન શિવ કહે કે હે સનત કુમારો આ માસ મને પ્રિય છે તેનાં ઘણા બધાં કારણ છે. પ્રથમ કારણ એ છે કે બધાં જ નક્ષત્રોમાં મને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારે માસમાંનો આ એક માસ એવો છે જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે.

 

બીજું કારણ એ છે કે બધાં જ માસમાંથી ફક્ત આ માસ એવો છે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

 

ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોઈ મને આ માસ અત્યંત પ્રિય છે.

 

ચોથું કારણ એ પણ છે કે આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથીઓનાં સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતા અને મારા આરાધ્ય એવા ભગવાન શ્રી વિષ્ણુનાં પૂર્ણ અવતાર રૂપ એવા ભગવાન કૃષ્ણનું પણ પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે તે મને બહુ ગમે છે.

 

શિવપુરાણમાં કહે છે કે સમુદ્રમંથન વખતે ભગવાન શિવે વિષપાન કરેલું હતું. આ વિષને કારણે ભગવાન શિવનો દેહ તપ્ત બની ગયો આથી આ તપનમાંથી ભગવાન શિવને મુક્ત કરાવવા માટે તેમના ભક્તોએ ભગવાન શિવને દૂધ અને જલ ચડાવ્યું જેથી ભગવાન શિવને શીતળતાની પ્રાપ્તિ થાય.

 

ભગવાન શિવનો મહિમા જેમ શ્રાવણમાં છે તેમ ભગવાન કૃષ્ણનો પણ મહિમા શ્રાવણ મહિનામાં અધિક છે તેનું મુખ્ય કારણ એ છે કે શ્રાવણ માસ એ ભગવાન કૃષ્ણનાં પૃથ્વી પરનાં પ્રાગટ્યનો સાક્ષી છે અર્થાત આ માસમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. શ્રી નારદ પુરાણમાં કહે છે કે ભગવાન કૃષ્ણએ પ્રગટ થવા માટે આ માસ પસંદ કર્યો છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે અને શ્રાવણ માસ એ ઋતુચક્રનો એવો માસ છે જે સમયમાં સૂર્ય, મેઘ, વાયુ, વર્ષાએ માતા પૃથ્વી અને માતા પ્રકૃતિ પાસેથી લીધેલા જલરૂપી દાનને સહસ્ત્રગણા રસદાયક કરીને વર્ષારૂપી જલનું દાન પરત આપે છે. પ્રકૃતિ પર જલવર્ષા થતાં જ વન વનસ્પતિ અને જીવો પુલકિત થઈ રસતરબોળ અને આનંદિત થઈ જાય છે. પ્રકૃતિના આવા જ એક આનંદિત સમયે સંસારને અને સંસારની સમગ્ર સ્ત્રીઓ રૂપી માતાઓને પોતાના રસમાં આનંદપૂર્વક રસાલિત્ત કરવા માટે બાલકૃષ્ણ પણ પ્રગટ થયાં છે. પ્રભુના પ્રાગટ્યનો આ રસ ભક્તજનોને ભક્તિ રસમાં ડૂબવા માટે રસદાયક બનાવે છે કારણ કે ભક્તિ અને રસ બંને પ્રેમ તત્વ પર નિર્ભર રહેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે પણ પ્રેમના પર્યાય રૂપ છે. આથી જ સંતો કહે છે કે આ માસ દાન આપવા માટે અતિ પવિત્ર છે કારણ કે આ માસમાં જલ તત્વ રૂપે ફક્ત પ્રકૃતિ નથી વરસતી બલ્કે પ્રભુ કૃપા પણ વરસે છે જેના દ્વારા મનુષ્યોને સત્કર્મો સંચિત કરવાનો સમય પણ મળે છે.

 

શ્રાવણ માસમાં ગૌરી પૂજન, હરિયાળી એકાદશી, ગોપાષ્ટમી, નાગ પંચમી , શીતળા સાતમ, જન્માષ્ટમી, ગોપનવમી અર્થાત નંદોત્સવ વગેરે જેવા અનેક શુભ દિવસો અને શુભ ઘડીઓ આવે છે. આ તમામ શુભ દિવસોમાં આવતી વિભિન્ન તિથિઑ, અને આ તિથિઓથી આ માસની એકરૂપતામાં વધારો કરતાં જાય છે. જે વિશ્વકલ્યાણ અને મંગલદાયી જીવનને માટે પ્રાણ રૂપ બને છે, વળી આ સમયમાં પ્રકૃતિના કણ કણમાં આનંદ અને ઉત્સાહ છલકેલો હોઈ શ્રાવણ માસમાં થનારા પ્રત્યેક કાર્યમાં હરત્વ અને હરિત્વનાં દર્શન થાય છે જે જીવનને અને જીવનમાં ઉત્સાહ સંદેશ દેવાનું કાર્ય કરતો જાય છે.

 
સાભાર : –પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે લેખિકા ની કલમ ને બળ પૂરે છે.આભાર !…

ઉત્તપમ મસાલો …

ઉત્તપમ મસાલો …

 

સામગ્રી :

૭ – ૮ નંગ આખા સૂકા મરચાં 

૨  ચમચા ચણાની  દાળ 

૧/૪ ચમચી – હિંગ 

મીઠું સ્વાદ અનુસાર

૨ ચમચા – તલ 

૧ ચમચી  –  તેલ  

 

રીત : 

 

૧) તેલ ગરમ કરી તેમાં હિંગ નાખવી.

૨) હિંગ ચણાની દાળ અને મરચાં નાખી ફરી શેકવું.

૩) જ્યારે ચણાની દાળ અને મરચાં શેકાવા આવે ત્યારે તેમાં તલ નાખી ફરી શેકવું.

૪) જ્યારે બધું ફરી શેકાઈ જાય પછી તેને સાઈડમાં કાઢી લેવું.

૫) આ મસાલો ઠંડો થયા પછી તેને મીઠું નાખી વાટી લેવો 

 

નોંધ: આ મસાલાને ખાતી  વખતે તેમાં તેલ અથવા ઘી નાખવાંમાં આવે છે.

 

સાભાર : પૂર્વી મલકાણ મોદી- (યુ એસ એ)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની ઉત્તપમ મસાલા રેસિપી ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ પૂર્વિબેન ના અમો આભારી છીએ. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મોકવા વિનંતી…. આભાર !