ઉખાણા .. (ભાગ-૪) …

ઉખાણા .. (ભાગ-૪ ) …

 

આજે આપણે ઘણા સમયબાદ, ફરી એક વખત  થોડા કોયડાઓ  – ઉખાણા ને જાણીશું અને માણીશું. ‘દાદીમા ની પોટલી’ પર ઉખાણા ની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વી મોદી -મલકાણ (યુ.એસ.એ.) ના અંતરપૂર્વકથી આભારી છીએ…  આજના ઉખાણા નો આપનો ઉકેલ/જવાબ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો અને આવતીકાલે ફરી અહીં આવી અમારા જવાબ સાથે તમારો જવાબ મેળવશો … તો ચાલો તૈયાર છો  ને! 
આજ ની પોસ્ટ પસંદ આવી હોય  તો જરૂર આપના પ્રતિભાવ આપના જવાબ સાથે બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો,  આપના તરફથી મળેલ દરેક પ્રતિભાવ લેખક ની કલમને સદા બળ પૂરે છે.

 

૧)  સવારે આવીને સાંજે જતો
રાત્રે પાછો ન દેખાતો.                                         

 

૨) મારી છાયા તું જ માં સમાતી,
મોટી થતાં તું હું બની જતી.                                

 

૩) અંધારાને ચીરી આગળ વધતી

જેમ આગળ વધતી તેમ રોશની પાથરતી જતી                        

 

૪) કાળો કલુટો છું તેમ છતાં છે ન્યારી મારી શાન,
શિક્ષક લે છે મારાથી કામ, તેથી દઉં છું સૌને જ્ઞાન.                               

 

૫) આખી રાત જોઈ વર્ષા અનોખી, શહેર આખું સવારે ન્હાયું
પાણી તો ઘણું શુધ્ધ હતું, પણ પી ન શક્યું કોઈ.

 

૬) ઘણા લોકો મને કહે ફળ, તો ઘણા લોકો કહે શાક
ગોળ મટોળ ને લાલમ લાલ છું હું , મને ખાઈને રહો તરોતાજા.

 

૭ ) મને આગ લગાવો તો ગરમ પાણી વહેવા લાગે,
મારી આગ બુઝાવો તો ઠંડી પડી જામી જાઉં.

 

૮) માથા સાથે મારે અનોખો સંગ, ને પથારીમાં છે મારો અનોખો રંગ
બોજ ઉપાડું છું આપનો તોયે આરામથી આપને સુવડાવવાનું મારું કામ.

 

૯) દોડવામાં હું પાક્કો છું, શક્તિનું હું ઉદાહરણ છું
ઘણા રંગોમાં મળી જાઉં છું, મારું નામ બોલો ચતુર સુજાણ.

 

૧૦) બેસી રહે ઘરના ખૂણે એકલું અટુલું, ઘરની બહાર નથી જાતો
તોયે દુનિયાભરની વાતો સંભળાવું, ને સંદેશા તમારા સુધી પહોંચાડતો.

 

૧૧ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.

 

૧૨) બંનેની છે કાયા સરખી પણ રંગે તો છું જુદેરો
સાથે સાથે ચાલતાં ને સાથે સાથે ઊભા રહેતા, તોયે અમે એક કહેવાતાં.

 

૧૩) રાજા કરે રાજ ને દરજી સીવે કોટ

 

૧૪) રાજા જામે વસાવ્યું નગર

 

૧૫) વાંકા ચૂંકા પાટા,
અને આડી આવી નેર ..

 

૧૬) હું તો છું મા પણ મારા અનેક નામ
મારું છે મન નિર્મળ એવું, વહેતું ચારે કોર.

 

૧૭) મારી શીંગો ને ફૂલનું શાક સ્વાદેથીઓ ખવાય
શરીરના તો સોજા મટાડે, માટે જલ્દી કરો ઉપાય.

 

૧૮) મોટો મોટો પીળો પચરક છે, પણ છે મનમોહક
બગીચાની રોનક વધારતો ને દશેરાએ આવી દરવાજે બંધાતો.

 

૧૯) જાત જાતનાં ને ભાત ભાતનાં રંગે એ સોહાતો
રૂવાબ એનો રાજા જેવો પણ સુગંધે એ સૌને ગમતો.

 

૨૦) આસન ઢાળી બેઠો એ ભૂમિ પર, ખસવાનું નહીં એને નામ
ટાઢ, તડકો વરસાદ, ઠંડી હોય ભલે, પણ કરતો એ વિશ્રામ

 

૨૧) પાણી ભરવા નદી, દરિયે દોડી જાય
સ્થળ, જળ ઉપર ગાગર ઠેલવી હળવા હલકા થાય.

 

૨૨) ધોળા કપડાં પહેરી, મંદિર-મઠમાં વસતાં
દુનિયાથી અળગા રહીને વાત ધરમની કરતાં.

 

૨૩) દરિયા સાથે હાલક ડોલક થાતું, તરંગે એ તરતું
સફેદ એનો સઢ ફૂલે ત્યાં સમીર સાથે સરતું.

 

૨૪) રમતો ભમતો આગળ પાછળ જાય
ફરતાં ફરતાં થીજે ત્યારે, ગું ગું કરતો ગાય.

 

૨૫) તિરંગી સોહાય થાંભલા ઉપર, ઉપર જુઓ તો કેસરીયો સોહે
વચ્ચે શોભે સફેદ ને નીચે લીલુડો લહેરાય.

 

૨૬) વાગે નોબત, વાગે પાવો મીઠો
ઢોલ સાથે પડઘમ વાગે, માટે ગીતો ગાવા આવો.

 

૨૭) છીછરી તલાવડી , ચોબંધ બાંધી પાળ
પાણી વગરના આર બન્યા છે ચાર.

 

૨૮) ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય.

 

૨૯) ખટક્રે ખાટ હીંચોળે કડાં, ઉપર બેઠા બે જણાં
ખાય સોપારી ચાવે પાન, બે જણાં વચ્ચે બાવીસ કાન.

 

૩૦) ઝાકળબિંદુ મારી પૌત્રી ને વરસાદ મારો પુત્ર
ઠંડી મારી વહુ ને વિજળી મારી પત્ની તો હું કોણ છું તે કહો ચતુર નાર.

 

૩૧) એક જનાવર એવું
કે પૂછડે પાણી પીતું …

 

સાભાર : સંકલન : પૂર્વી  મોદી – મલકાણ – (યુ એસ એ)

બ્લોગ લીંક: http://das.desais.net

emai: [email protected] 

( મિત્રો,કોયડાના જવાબ માટે તમે મેહનત કરી કે નહિ તે બ્લોગ પોસ્ટ પર તમારા પ્રતિભાવ ન આવવા થી ખબર ના પડી, પરંતુ ચાલો અમારા જવાબ સાથે તો તમારા જવાબ મેળવી લ્યો…)

કોયડા નો સાચો ઉકેલ :

૧] પડછાયો … ૨] દીકરી … ૩] વાહનોની હેડ લાઈટ … ૪] બ્લેક બોર્ડ … ૫] ઝાકળ … ૬] ટામેટાં

૭] મીણબત્તી … ૮] તકિયો/ ઓશિકા … ૯] ઘોડો … ૧૦] રેડિયો … ૧૧] હાથી … ૧] પડછાયો … ૧૩] રાજકોટ … ૧૪]જામનગર … ૧૫] વાંકાનેર … ૧૬] નદી/સરિતા … ૧૭] સરગવો …૧૮] ગલગોટો … ૧૯] ગુલાબ … ૨૦] ડુંગર /પર્વત … ૨૧] વાદળ … ૨૨] યતી / જૈન … ૨૩] વહાણ … ૨૪] ભમરડો … ૨૫] તિરંગો / આપણો ભારતનો રાષ્ટ્ર ધ્વજ .૨૬] નગારું … ૨૭] ચોપાટ / શતરંજ … ૨૮] ઘંટી … ૨૯] રાવણ – મંદોદરી …૩૦] વાદળ … ૩૧] દીવા ની વાટ

આભાર !

-પૂર્વી મોદી-મલકાણ …(યુ.એસ.એ)

૦૧/૦૭/૨૦૧૨