કાળ પર વિજય ! ….

કાળ પર વિજય ! ….

 

(શ્રી વિનોદભાઈ મંગળભાઈ માછી, જન્મ: ૧૯૬૩, પાનમ સિંચાઇ યોજના,  ગોધરા  (સિંચાઇ વિભાગ)  ગુજરાત સરકારમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ધોરણ ૧૨  અભ્યાસ બાદ કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ અને તેમણે નોકરી ની શરૂઆત કરેલ.  ઈશ્વરના ચિંતન અને તેમની પ્રાપ્તિના ખ્યાલમાં અનેક ગુરુઓ કર્યા અને છેવટે સદગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજ માં તેમનું ધ્યાન  ઠર્યું. ( નિરંકારી મિશન, દિલ્હીના વડા) પોતે કોઈ લેખક કે સાહિત્યકાર નથી, પરંતુ નાનપણ થી ધર્મશાસ્ત્રોના અધ્યન -અભ્યાસ દ્વારા જે પસંદ આવ્યું તેની નોંધ ટપકાવતા ગયાં, અને તેને લેખ સ્વરૂપે સંકલિત કર્યું.  તેઓના લેખ નિરંકારી ગુજરાતી માસિક પત્રિકામાં નિયમિત રીતે પ્રકાશિત થાય છે. આ સિવાય ગુજરાત સમાચાર ની ધર્મલોક પૂર્તિમાં પણ અનેક લેખ પ્રકાશિત થયા છે. ગુજરાતી બ્લોગ જગતમાં Gujarati.nu  અને Aksharnaad.com પર પણ તેમના લેખ, બ્લોગ પોસ્ટ તરીકે પ્રકાશિત થયા છે. તેઓનું માનવું છે કે  આ બાબતમાં તેમનું કોઈ મહત્વનું યોગદાન નથી. સંતો ની કૃપાથી તેમના  દ્વારા ફક્ત સંકલન જ કરવામાં આવેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર તેમનો પ્રથમ લેખ મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી ના  અંતરપૂર્વક્થી આભારી છીએ.  ભવિષ્યમાં પણ તેઓ દ્વારા સંકલિત અન્ય લેખો આપણે અહીં માણીશું.)

 

ધર્મરાજા યુધિષ્ઠિ્ર પાસે એક બ્રાહ્મણ યાચના કરવા માટે આવ્યા. મહારાજ યુધિષ્ઠિર તે સમયે રાજ્યના  અન્ય કાર્યમાં અત્યંત વ્યચસ્ત હતા. તેમણે નમ્રતાપૂર્વક બ્રાહ્મણને કહ્યું કે  ભગવન ! આ૫ આવતી કાલે ૫ધારજો. આ૫શ્રીને ઇચ્છિત વસ્તુ પ્રદાન કરવામાં આવશે.  બ્રાહ્મણ તો ચાલ્યો ગયો., પરંતુ આ સાંભળીને ભીમસેન રાજસભાના દ્વાર ઉ૫ર રાખવામાં આવેલ દુદુંભી વગાડવા લાગ્યા અને સેવકોને ૫ણ મંગલ વાદ્ય વગાડવા માટે આજ્ઞા કરી.  કસમયે મંગલ વાદ્ય વાગવાનો અવાજ સાંભળીને ધર્મરાજાએ સેવકોને પુછ્યું કે આજે આ સમયે મંગલ વાદ્ય કેમ વગાડવામાં આવી રહ્યાં છે ?

 

સેવકોએ તપાસ કરી કહ્યું  મહારાજ – ભીમસેનજીએ મંગલ-વાદ્ય વગાડવાની આજ્ઞા આપી છે અને તે પોતે પણ દુદુંભી વગાડી રહ્યા છે.  ભીમસેનજીને બોલાવવામાં આવ્‍યા તો તેમણે કહ્યું કે મહારાજ આપે કાળ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે.  આથી મંગલ અવસર અમારા માટે બીજો કયો હોય !  યુધિષ્ઠિરે આશ્ચર્યચક્તિ થઇને પૂછ્યું કે મેં કાળને કેવી રીતે જીતી લીધો ?

 

ભીમસેને સ્પષ્ટતા કરતાં કહ્યું કે મહારાજ ! સમગ્ર વિશ્ર્વ જાણે છે કે આ૫ હંસી મઝાકમાં ૫ણ જૂઠી વાત બોલતા નથી. આ૫શ્રીએ આંગણે આવેલ યાચક બ્રાહ્મણને ઈચ્છિત દાન આવતી કાલે આ૫વાનું કહ્યું, જેથી એટલું તો નક્કી છે કે ઓછામાં ઓછું આવતી કાલ સુધી તો આ૫શ્રીનો કાળ ઉ૫ર અધિકાર રહેવાનો જ છે. તે સમયે જ યુધિષ્ઠિરને પોતાની ભૂલનું ભાન થયું અને યુધિષ્ઠિરે કહ્યું કે ભીમસેન તમે મને આજે સાવધાન કરી દીધો.  કોઈ પણ સારું કે પુણ્ય કાર્ય તત્કાલ કરવું જોઇએ, તેને આવતી કાલ ઉ૫ર ટાળી દેવું એ ભુલ છે. પેલા યાચક બ્રાહ્મણ દેવતાને હમણાં જ બોલાવી તેમને ઇચ્છિ્ત દાન આપીએ.

 

આપણા વિદ્વાનોએ આ શરીરને પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર તેમજ નાશવંત બતાવ્યું છે. એક ક્ષણ પછી આ જીવન રહેશે કે કેમ ? તેનું કોઇ પ્રમાણ નથી, એટલે કે તમામ પ્રાણીઓનું જીવન પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહ્યું છે, એટલે મનુષ્ય એ નિરંતર પ્રભુ પરમાત્માનું જ ચિંતન કરવું. ધર્મકાર્ય – સત્ કાર્યોને કાલ ઉ૫ર કયારેય ના છોડવું. પરંતુ કાલે કરવાનું કામ આજે જ કરી નાખવું, કારણ કે કાળ – મૃત્યુ્ એ નથી જોતું કે તમારું કામ હજુ પુરું થયેલ નથી. માનવ ભાવિ આયોજનો કરતો રહે છે અને મોત તેને લઇને ચાલ્યું જાય છે. મન અત્યંત ચંચળ છે. આ ક્ષણે તે જે વિચાર કરે છે, બીજી જ ક્ષણે તે બદલાઇ જાય છે, એટલે જે ક્ષણે સારો વિચાર આવે તેને તે જ ક્ષણે કાર્યરુ૫ આપી સમ્પન કરવાનો યથાશક્તિ પ્રયત્નષ કરવો જોઇએ.

 

મનની ચંચળતા અને જીવનની ક્ષણભંગુરતા સમજીને સતસંકલ્પને તત્કાલ જ પૂરો કરી દેવો, કારણ કે કાલનો કોઇ ભરોસો નથી. મૃત્યુની સાથે જેને મિત્રતા કરી લીધી છે અને જેને અમૃતપાન કરીને અમરતા પ્રાપ્ત કરી લીધી છે તે જ કહી શકે છે કે આ કામ હું કાલે કરીશ. પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહેલા જીવનની પ્રત્યેક ક્ષણનો સદ્ઉપયોગ કરવો જોઇએ.

 

સાભાર – સૌજન્ય: વિનોદભાઇ એમ.માછી (નિરંકારી)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.
e-mail: [email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

ઉપરોક્ત પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી. .. જે લેખકની કલમને બળ પૂરે છે તેમજ અમોને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર !

‘દાદીમા ની પોટલી’