(૧) હું છું .. અને (૨) હું અને એ …

(૧) હું છું .. અને (૨) હું અને એ … (રચનાઓ) …

– લક્ષ્મીકાંત ઠક્કર  ..

 

લક્ષ્મીકાંતભાઈ નો પરિચય …
આજે ‘દાદીમા ની પોટલી’ પર એક વડીલ શુભચિંતક – મિત્ર, નવા સાથી શ્રી લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર નો પરિચય આપવા નમ્ર કોશિશ કરું છું.
(શ્રી લક્ષ્મીકાંતભાઈ (૬૫ વર્ષ) (નુખ-પંડિત પૌત્રા) ‘કંઈક’, સ્વભાવે ખૂબજ સરળ અને નિખાલસ છે. અને સાચુક્લાપણું તેમનો મૂળ સ્વભાવ- ગુણ છે.
તેમનો મુખ્યત્વે શોખ, પત્ર મિત્રનો (ગજબનો), સાથે સાથે વાંચન-લેખન, કવિતા પર પણ હાથ સારો અજમાવેલ છે અને આંતરસ્ફૂરણા દ્વારા નીક્ડેલ અંતરના ભાવો ને શબ્દો દ્વારા પોતાની રચનામાં કંડારવા કોશિશ કરેલ છે. આ સિવાય સાહિત્ય (ફિલોસોફી, આધ્યત્મ) નિસર્ગ-એકાંત, આકાશ-સેવન, ગમેલા સાહિત્યનો સંગ્રહ કરવો, નિજાનંદ અર્થે ડાયરી (રોજનીશી) લખવી અને ઊંચા વિચારો સાથે સાદગી ભરેલું જીવન જીવવું એ મુખ્ય સંકલ્પ ધરાવે છે. તેઓ વર્ષોથી નિયમિત રીતે પોતાની ડાયરી લખવાનો નિયમ ધરાવે છે, એમાંથી એમને લખવાની પ્રેરણા મળી અને સાહિત્ય પ્રત્યેના લગાવ અને રુચિએ એમને લખતાં રાખ્યા. પોતાના અનુભવોને તેઓ શબ્દોના આભૂષણ દ્વારા શણગારી રહ્યા છે.
તેમના પ્રયાસોમાં પુષ્પાબેને પણ તેમને સાથ અને સહકાર આપ્યો અને જે ‘કંઈક’ સૂઝ્યું, જે ગમ્યું, તે તેમણે લખ્યું છે. આધ્યાત્મ તરફના એમના વલણે એમને વિધાયક દ્રષ્ટિ બક્ષી છે એટલે પોતાના નિજાનંદ ખાતર જ તેમણે આ શોખ કેળવ્યો અને નિજાનંદમાં મસ્ત રહે છે. ઈશ્વર પર્ત્યેનો અનુરાગ પણ તેમની કૃતિમાં અનુભવશો.)

 

‘વિપશ્યના’ અને ‘રેકી’ સાથેના અનુસંધાન તેમજ ધ્યાન બેઠકોના અનુભવો તેમજ તે દ્વારા ભીતરમાં થતી અનુભૂતિઓના પ્રતિકરૂપ લખાણો કવચિત સ્વયમ ઉભરાઈ બહાર આવતાં હોય છે તેમની એક અતિ સામન્ય એહસાસની વાત સહજ નોંધાયેલી, લક્ષ્મીકાંતભાઈએ વ્યકત કરેલ મનોભાવ  તેમની બે રચનાઓ દ્વારા આપ સર્વે સુધી પહોંચાડવા અમારી નમ્ર કોશિશ છે.

આશા છે કે આપ સર્વેને આજની  બે રચનાઓ /કૃતિ પસંદ આવશે અને આપના પ્રતિભાવ પણ કોમેન્ટ્સ દ્વારા જરૂર મૂકશો, જે લેખકશ્રી ની કલમને સદા બળ પૂરે છે અને અમોને ભવિષ્યની પોસ્ટ માટે પ્રેરણાદાયી બની રહે છે.

 

(૧)  હું છું …

હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?

પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.

સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું,

અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,
અનુભૂતિ તણો એહસાસ અમાપ છું

ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,

પ્રેમ-આનંદસભર’જીવંત’વિચાર છું,

સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,

જુઓ તો ખરા! હું કેવો આરપાર છું !

શૂન્યનો મહા અનંત વિસ્તાર છું,

*****

(૨)  હું અને એ …

આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,

ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,

હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો’તો,

હું આટલો બળકટ બેફામ ક્યારેય નો’તો,

હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,

હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.

હું કઈંક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,

હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,

હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,

હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,

હું જળ-માં વહું, માટીને અનહદ પ્રેમ કરું,

હું વહું સમયની સંગસંગ ,અકળ છેક રહું,

હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!

હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર

– લક્ષ્મીકાંત ઠક્કર  …

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]