ફાફડા … (ગાંઠીયા … રેસિપી) …

ફાફડા … (ગાંઠિયા) …

 

ફાફડા..  ગાંઠીયા ગુજરાતી પ્રજા માટે અગત્યનો અને પસંદગીનો ખોરાક છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વમાં અનેક મોટા દેશોમાં જ્યાં જ્યાં  ગુજરાતીઓ વસે છે ત્યાં ફાફડા જોવા મળશે. જેમ કે લંડન માં વેમ્બલી- સાઉથ હોલ, લેસ્ટર, વેલિંગબરો જેવા મોટા એરીયામાં પણ ફાફડા ગરમા ગરમ ખાવા મળે છે.

 

સૌરાષ્ટ્રમાં મોટેભાગે  ફાફડા – જલેબી તેમજ ગાજરનું ખમણનો સંભારો, કોબી મરચાનો સંભારો સાથે તળેલા મરચાં પસંદ કરવામાં આવતા હોય છે. જ્યારે ગુજરાતમાં જીણી મરચી, તેમજ ક્ફ્ત ચણાના લોટની બનાવેલી જાડી કઢી પીરસવામાં આવતી હોય છે,  કોઈ કોઈ જગ્યાએ પપૈયાનું ખારીયું-સંભારો પણ આપવામાં આવતો હોય છે. ચણાના લોટની કઢી હળદર, મીઠું, લીમડાના પાન (કરી પતા) લીલા મરચાં સાથે આખા ધાણા નો વઘાર કરી બનાવવામાં આવતી હોય છે.

 

 

ચાલો આજે ઘેર આપણે ફાફડા બનાવીએ …

 

 

સામગ્રી :

 

૨૫૦ ગ્રામ ચણાનો લોટ (૨-કપ)

૧/૨ ટે..સ્પૂન મીઠું – સ્વાદ અનુસાર

૧/૨ ચમચી ખાવાનો સોડા

૧/૪ ચમચી થી જરા ઓછું લાલ મરચું (જેને પસંદ હોય તેના માટે)

૧/૨ ટે.સ્પૂન અજમો

૨ ટે.સ્પૂન તેલ

ફાફડા તળવા માટે જરૂરી તેલ

 

 

રીત:

 

એક વાસણમાં ચણાના લોટ ને ચારણીમાં ચારી લેવો અને અલગ રાખવો. ત્યારબાદ, ચણાના લોટમાં મીઠું, ખાવાનો સોડા, લાલ મરચાનો પાઉડર (પસંદ હોય તો જ) અજમો અને ૨ – ટે.સ્પૂન તેલ નાંખી અને હાથની મદદ વડે તેને સારી રીતે મિક્સ કરવું.

 

ત્યારબાદ, હુંફાળા ગરમ પાણીની મદદથી લોટને નરમ  રહે તેમ ગુંથવો. લોટને સતત ઊઠાવતા રહેવું અને નીચે પટકાવતા  રેહવું ., આમ ૭-૮ મિનિટ માટે સતત મસળવો અને નરમ લોટ ગુંથવો. (લોટને ગુંથવા માટે લગભગ ૧/૨ કપ પાણી ની જરૂર પડશે.)  લોટ ગુંથાઈ ગયા બાદ, ૧/૨ કલાક માટે ઢાંકીને અલગ રાખી દેવો.

 

 

 

 

૧/૨ કલાક બાદ થોડું જરૂર લાગે તો ગરમ તેલ લગાડી અને ફરી મસળવો અને મુલાયમ બનાવવો. ફાફડા માટે લોટ તૈયાર છે. લોટના નાના નાના લુઆ (ગોઈણા) બનાવવા.

 

ફાફડા વણવા (બનાવવા) માટે એક લીસી સપાટી વાળુ લાકડાનું બોર્ડ લેવું. બોર્દ્પર હાથની હથેળી નીચે એક લુઆ ને રાખવો અને   લોટના લુઆ ની લાંબી પતલી બે ઈંચ થી થોડી પહોળી  પટ્ટી થાય તેમ હથેળી દ્વારા ભાર/વજન આપી અને ખેંચવો. ફાફડાને  ત્યારબાદ પતલી છરી  તે માટે ખાસ હોય છે તેના દ્વારા લોટની નીચેથી છરી સરકાવી અને ફાફડા  ને બોર્ડ પરથી અલગ કરી  અને  ગ્રીસ કરેલી થાળીમાં ફાફડા ને મૂકવો.

 

આમ ધીરે ધીરે બધાજ ફાફડા વણી લેવા (બનાવી લેવા) અને થાળીમાં અલગ રાખવા.

 

 

 

 

એક કડાઈમાં તેલ લઇ અને તેને ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે કડાઈ ની સાઈઝ ને ધ્યાનમાં લઇ ૧-૨-૩ ફાફડા ને તળવા માટે કડાઈમાં નાખવો અને ધીરે ધીરે ઝારા ની મદદથી પલટાવતાં જવું અને આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવો અને ત્યારબાદ, થાળીમાં અલગથી રાખી દેવા. ધીરે ધીરે બધાજ ફાફડા તળી લેવા.

 

જો તમારી સ્પીડ/ઝડપ ફાફડા વણવામાં સારી હોય તો તેલ ગરમ કરી અને જેમ જેમ ફાફડા  વણાતા  જાય તેમ તેમ તેલમાં નાંખી અને તળવા  જોઈએ. પરંતુ તે  રીત અનુકુળ ના આવે તો બધાં ફાફડા વણી લીધાં બાદ જ કડાઈમાં તળવા.

 

ફાફડા તૈયાર છે.   ઉપર થોડી કે સ્વાદ મુજબ હિંગ નો છંટકાવ કરી  અને જલેબી જો ઘરમાં તૈયાર મંગાવી ને રાખી હોય તો તેની સાથે, અથવા   લીલી કોથમીર મરચાની ચટણી સાથે કે  લીલાં તળેલા મરચાં , કોબી મરચાં કે ગાજર મરચાં ટામેટા ના સંભારા સાથે પીરસવા અને ખાવા.

ફાફડાનો  ઉપયોગ કરી લીધાં બાદ પણ ફાફડા વધે તો તેને એર ટાઈટ ડબ્બામાં રાખી દેવા અને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે તેને ડબ્બામાંથી કાઢી અને ગરમ – ગરમ ચા સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે. ફાફડાનો ઉપયોગ યોગ્ય જાળવણી કરવાથી લાંબો  સમય સુધી કરી શકાય છે, તે બગડતા નથી.

 

સુજાવ: ફાફ્ડાને  બોર્ડ પરથી  ઉઠાવવા  માટે પતલી ખાસ છરી નો ઉપયોગ કરવામાં આવે છે.  આજ લોટમાં તમે આખા કાળા મરી ને ખાંડી અને નાંખી લોટમાં મિક્સ કરી અને વણેલા ગાંઠીયા પણ બનાવી શકો છો.  

 

નોંધ : આપને ફાફડાની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર ઘરે એક વખત બનાવશો અને આપના અનુભવ, અભિપ્રાય દ્વારા બ્લોગ પોસ્ટ પર જણાવશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

સપનું સાકાર થયું …

સપનું સાકાર થયું … (પ્રાર્થનાનું પ્રાભાતિયું) …

 

અમારી જીવનચર્યામાં ઘણા બધા પરિવારો સાથે મુલાકાત લેવાનું થાય, સત્સંગ કરવાનું થાય, શ્રોતાને પણ માર્ગદર્શન મળે અને અમને આત્મસંતોષ મળે ……તે સમયે ઈશ્વર ની અદભૂત શક્તિને અનુભવમાં કેમ લાવવી તેનો પ્રશ્ન ઉદભવ્યો. તે સમયે લખાણ માટેની સુવિધા હોવાથી નીચેની પ્રાર્થના સહજ લખાઈ ગઈ.

– ઝરણા દોશી …

 

આ અગાઉ  આપણે ડૉ.ઝરણાબેન ની એક સુંદર રચના / કૃતિ … ‘આજ મારો સંકલ્પ છે… ‘  અહીં બ્લોગ પર માણી અને તેમના  જીવન પ્રત્યેના  અભીગમો અને સંકલ્પ આપણે  જાણ્યા ., અને સાથે સાથે  આપ સર્વે તરફથી તેમની ઉપરોક્ત કૃતિ બદલ ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને કોમેન્ટ્સ સ્વરૂપે મળેલ, તે બદલ અમો તમારા અંતરપૂર્વકથી અભારી છીએ…

આજે ફરી એક સુંદર કૃતિ- ‘સપનું સાકાર થયું.. ‘ .પ્રાર્થના  સ્વરૂપે ડૉ.ઝરણા‘દાદીમા ની પોટલી’ પર મોકલેલ છે, જે આપ સર્વે ને માણવા માટે આજે અમોએ પોસ્ટ સ્વરૂપે મૂકવા નમ્ર કોશિશ કરેલ છે.

ડૉ.ઝરણા નો પરિચય હાલ આપણે ફક્ત કૃતિઓ દ્વારા જ મેળવીએ છીએ અને ભવિષ્યમાં તેમના વિશે વધુ જાણકારી અહીં બ્લોગ પર તેમની અલગ જ પોસ્ટ દ્વારા આપીશું … આજની આ કૃતિ મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ…


સપનું  સાકાર થયું …

ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું …

હું સમજુ કે તમારી માટે આ બહુ નાની અમથી વાત
આજે સંગાથે કોઈએ ખુશીની રંગોળીમાં રંગ પૂર્યો
આજે દીવાને ફરીથી બળતણ મળ્યું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું …

રોજ નવો દિવસ પડે,રોજ વિચારું આજે પધારશો શું?
તમારા વ્હાલની ઊર્મિનો સ્પર્શ થકી ભક્તિ નો રંગ પાક્કો થયો
જે વાતને લઈને હું શંકા માં હતી તેનું આજે સમાધાન થયું.
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું …

હવે લોક આખું પૂછે છે તમે કેવા દેખાતા હતા ?
શું કહેવું મને તો સાક્ષાત જગમગ પ્રકાશ અનુભવાયો.
સુધબુધ ના રહી , મારાપણાનો જ્યાં ભેદ જ ભૂલવાનું થયું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું …

હવે ખાતરી થઇ જ્યાં હું ત્યાં તું નહિ, જ્યાં તું ત્યાં તું હી તું.
લ્યો હવે આપો આશિષ કે જગતને ખાતરી થતી રહે
આ માનવ ભવમાં તો હવે સેવામાં જ ઉતરવાનું રહ્યું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું …

ભેટમાં તમે જગતના જીવોની સેવાનો પંથ આપ્યો,
આત્માની અંદર સમય એ આજે અંતરચક્ષુ ખોલ્યા
દર્શનની સાથે તમે દીક્ષા પણ આપી એ તો અતિ અદભૂત થયું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું …

– ઝરણા દોશી …

આપને ઝરણાબેન ની પ્રાર્થના ની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી, જે સદા લેખકની કલમને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહેશે. આભાર !

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ …

પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ …

-શરદચંદ્ર પેંઢાકર

 

 

 

 

મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા.  પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું.  જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ સુંદર રાખવાનો પ્રયત્ન કરતાં.  મહારાજા એમને હંમેશા ધર્મ કાર્ય કરવાની સલાહ આપતા રહેતા પણ રાણી એમના શબ્દોને કાને ન ધરતા.

 

એકવાર ભવાન બુદ્ધ રાજગૃહ પધાર્યા હતા.  મહારાજાએ રાણીને એમનાં દર્શન કરવા આવવા કહ્યું પણ રાણીએ ઇનકાર કર્યો એટલે એમણે એક યુક્તિ રચી.  બીજે દિવસે રાણીને સંદેશો મોકલ્યો કે તેઓ વેણી વન જઈ રહ્યા છે અને વનવિહાર માટે તેઓ રાણીની રાહ જોશે.

 

નોકરોની સાથે જ્યારે રાણી વનમાં આવ્યા.  ત્યારે એને રાજા તો ક્યાંય ન દેખાણા.  એને બદલે આંખો મીંચીને પદ્માસન વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાન બુદ્ધને જોયા.  રાણીને નોકર પર ગુસ્સો આવ્યો.  અને એને દંડની ઘોષણા પણ કરી દીધી.  આ સાંભળીને ભગવાન બુદ્ધના ધ્યાનનો ભંગ થયો.  એમણે શાંત અને સ્થિર સ્વરે મહારાણીને પૂછ્યું : ‘ હે ભદ્ર નારી, અંત:પુર છોડીને એકાએક અહીં આવવાનું પ્રયોજન શું છે?  શું રાજમહેલના આનંદપૂર્ણ વાતાવરણમાંથી તમે વૈરાગ્ય લઇ લીધો છે? ‘  ભગવાન બુદ્ધના આ શબ્દો સાંભળીને મહારાણીએ સંયમભર્યા સ્વરે જવાબ આપ્યો: ‘મહારાજ, ન તો મને વૈરાગ્ય થયો છે અને ન તો મને એવા વૈરાગ્યની કામના છે !  હું તો મારા પોતાના વર્તમાન જીવનથી પૂરેપૂરી રાજી છું.  મગધ નરેશ ક્યાં છે ?  એ આપ બતાવશો ?  હું એમની શોધમાં આવી છું.’

 

ભગવાન બુદ્ધના હોઠ પર સ્મિત તરી ઊઠ્યું.  તેમણે કહ્યું : ‘મહારાણી !  આ સ્થાન મહારાજાનું નથી.  હા એ વાત સાચી છે કે તેઓ ધર્મચર્ચા સાંભળવા ક્યારેક ક્યારેક અહીં આવે છે.  મહારાજા અહીં છે એવો તમને ભ્રમ થયો છે.  આમ પણ ભદ્ર નારી, એ સ્વભાવિક પણ છે કારણ કે તમે પણ અત્યારે કેટલાક ભ્રમને સત્ય માની બેઠાં છો.  તમે એમ કહો  છો કે તમે તમારા જીવનથી સંતુષ્ટ છો, પરંતુ  ભોજન પછી થોડા સમય બાદ તમને વળી પાછું ભોજન કરવાનું મન થતું નથી, એ વિશે સાચેસાચું કહેજો.  શું આનંદ પ્રમોદ પ્રત્યે તમારી તૃષ્ણા નિરંતર રહેતી નથી ?’

 

મહારાણી આ શબ્દો સાંભળીને હસી પડ્યા અને ભગવાન બુદ્ધને કહ્યું : ‘મહાપુરુષ ! તમે કેવી મનની બનાવેલી વાતો કહો છો ?  ભોજનની ઈચ્છા તો શરીરધારણ કરનાર માટે આવશ્યક છે જ.  ભોજનનો ત્યાગ કરીને શરીરનું રક્ષણ કરવું કેવી રીતે સંભવ બંને ? આમોદ – પ્રમોદ પણ પેલા ભોજનની જેમ આવશ્યક છે.  પ્રેમ મનનો સ્વભાવજન્ય ગુણ છે.  કેલિકલરવ આમોદ-પ્રમોદ અને ભોગવિલાસમાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.  આ તો પ્રકૃતિનો નિયમ છે.’

 

ભગવાન બુદ્ધે કહ્યું : ‘પણ મહારાણી, શું આનંદ ક્ષણિક નથી ?’

રાણી બોલ્યા : ‘હા, ક્ષણિક છે.’

ભગવાન બુદ્ધે કહ્યું : ‘શું આ રૂપ અને લાવણ્ય સ્થિર છે ?’

રાણીએ કહ્યું : ‘ના, મહારાજ, એ સ્થિર નથી.’

 

ભગવાન  બુદ્ધે કહ્યું : ‘ હે મહારાણી ! જો દુર્ભાગ્યવશ મહારાજાનું રાજ્ય ચાલ્યું જાય, દીનહીન થવાની સાથે એમનું તેજ એમની કાંતિ નાશ પામે….  એમનો દેહ જર્જરિત થઇ જાય તો શું તમે એમના સંસર્ગથી આનંદ અનુભવી શકશો ખરા ?’

 

આ પ્રશ્ન સાંભળીને મહારાણી ક્ષેમા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા.  એમનાથી એનો પ્રત્યુત્તર ન વળ્યો.  એટલે ભગવાન તથાગતે મહારાણીને વળી એક બીજો પ્રશ્ન પૂછ્યો.

 

‘સારું મહારાણી, અને સંજોગવશાત્ તમારાં રૂપ લાવણ્ય નાશ પામે, મુખમાંથી દાંત પડી જાય,  ભમરા જેવા કાળા વાળ શ્વેત થઇ જાય, મૃગ સમાન નયનો મંદજ્યોતિવાળા બની જાય તો શું મહારાજ તમારા પ્રત્યે આકર્ષાય ખરા ?  શું તેમને તમારો સંસર્ગ કરવાની ઈચ્છા થશે ?  કે શું તેઓ તમારા ત્યાગ કરી દેશે ?’

 

રાણીએ આ બધું સાંભળ્યું.  યૌવન નષ્ટ થતાં પતિ દ્વારા તજાયેલી કેટલીય સ્ત્રીઓની દુર્દશા એની નજર સમક્ષ આવવા લાગી.  પોતાના કલ્પના ચક્ષુ સમક્ષ પોતે જ પોતાના ભયાવહ ભવિષ્યનું ચિત્ર જોવા લાગ્યાં.  આ જોઈ તેઓ વિચલિત થઇ ગયાં.  એમનો દેહ કંપવા લાગ્યો,  પગ ધ્રુજવા માંડ્યા અને જાણે કે સાનભાન પણ લુપ્ત થતાં હોય તેવું લાગ્યું.  તેઓ બેભાન જેવાં થઈને જ્યાં ઊભા હતાં ત્યાં દીવાલની સહારે નીચે બેસી ગયાં.

 

એમની આ અવસ્થા જોઈને ભગવાન બુદ્ધે કહ્યું:  ‘હે મગધેશ્વરી !  તમારી આ ભયવિહવળ અવ્સ્થા જ તમારો અવાજ છે;  એ અવસ્થામાં ચોક્કસ તમે મહારાજનો ત્યાગ કરવાનાં.  મગધેશનો વિયોગ તો ક્યારેક ને કયારેક થવાનો જ છે.  જીવન આવું જ છે એટલે મહારાણી,  શું આ ક્ષણભંગુર આનંદ, આમોદ-પ્રમોદ અને પ્રેમકલરવમાં પોતાનું આ અમૂલ્ય જીવન વેડફી નાખવું એ મૂર્ખતા નથી ?  જો વિયોગ અવશ્ય થવાનો હોય તો એના ખોટા મોહમાં આ માનવજીવન વ્યર્થ વેડફી નાખવું ઉચિત ખરું ?’

 

રાણી માટે ધૈર્ય ધારણ કરવું મુશ્કેલ બની ગયું.  તેઓ ભગવાન બુદ્ધનાં ચરણોમાં ઝૂકી ગયાં અને વિનમ્ર સ્વરે કહ્યું :  ‘ભગવાન, આજે આપે મારા પર ઘણી મોટી કૃપા કરી મારા મોહને દૂર કર્યો છે.  હું અત્યાર સુધી અંધારામાં ભટકતી હતી.  હવે આપ મને શિષ્યા બનાવો અને મારું જીવન સાર્થક કરવાનો અવસર આપો.’

 

ભગવાને મધુરવાણીમાં કહ્યું : ‘ હે ભદ્ર નારી !  ભ્રમ જાળમાંથી તમને મુક્ત થતાં જોઈને હું રાજી  થયો છું.  જો તમે ખરેખર  દીક્ષા લેવા ઇચ્ચાતા હો તો સર્વપ્રથમ મહારાજાની અનુમતિ પ્રાપ્ત કરીને આવો.  જાઓ, મહારાણી !  તમારું કલ્યાણ હજો !’

 

રાજમહેલમાં આવતા જ રાણીએ બધાં આભૂષણો ફેંકી દીધાં અને સામાન્ય વસ્ત્ર ધારણ કરીને મહારાજનાં ચરણોમાં માથું રાખીને બોલ્યા :  ‘મહારાજ ! હું ભગવાન બુદ્ધના શરણે જવા ઇચ્છુ છું, મને આજ્ઞા આપો !’

 

સંકલિત …

 

(રા.જ.૫-૧૧/(૩૭-૩૮/૮૩-૮૪)

 

આપને ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાબ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર મૂકશો, આપના કોઈપણ પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી બની રહેશે …આભાર!

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

અંધારી રાતના ત્રણ પડછાયા….(સત્ય ઘટના)

અંધારી રાતના ત્રણ પડછાયા…. (સત્ય ઘટના)

આજે એક અલગ પ્રકાર ની પોસ્ટ બ્લોગ પર મૂકવા કોશિષ  કરેલ છે, જે સંપૂર્ણ સત્યઘટના પર આધારિત છે. આશા છે કે આપ સર્વે ને આજની  પોસ્ટ પસંદ જરૂર આવશે.  આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ પૂર્વિબેન મલકાણ – મોદી  (યુ.એસ.એ.) ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ …

આપના પ્રતિભાવ બ્લોગ પરની પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે…. આભાર!

 

 

 

શિયાળાના અંધકારને ચીરીને મોડી રાત્રીએ ડીમ લાઇટ સાથે વેન બર્ફીલા રસ્તા પરથી ધીમી સ્પીડે દોડી રહી હતી. શિયાળાના દિવસો હતાં સ્નો સારો એવો પડી ગયો હતો અને હજુ પણ પડી જ રહ્યો હતો. ઠંડી અને સ્નો વધી રહ્યાં હતાં અને વધતાં જતાં સ્નોની સાથે રસ્તાઑ પણ લપસણા થઈ રહ્યા હતાં. પરંતુ ભૂમિ પર છવાયેલી આ બરફની ચાદરથી આકર્ષાયેલા અવકાશે રૂપેરી પ્રકાશ અનોખી રીતે ચમકવાનું ચાલુ કરી દીધું હતું. આખી બપોર કલરવ કરી રહેલા બાળકો શાંતિથી સૂઈ ગયા હતાં. ૨૦૦૫ ના સાલનો નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. અમે અમારા પરીવાર સાથે thanks giving કરીને  ન્યુયોર્ક તરફ પાછા ફરી રહ્યાં હતાં. કારમાં મારા બાળકો સાથે દીદીનો પરીવાર હતો. વધતા જતાં અંધારા સાથે દોડતી કારમાં બાળકો આખા દિવસના કલરવ બાદ સૂઈ ચૂક્યા હતાં, અને હું ને દીદી પ્રભુ સ્મરણમાં મગ્ન હતાં. આગળની સીટ પર બેસેલા મારા પતિ અને મારા જીજુ આગળનો માર્ગ શોધવામાં મગ્ન હતાં કારણ કે અમારો એક્ઝિટ પાછળ રહી છૂટી જતાં અમારી કાર એક નાનકડા ટાઉનમાં ખોવાઈ ગઈ હતી. બારીના કાચમાંથી દેખાઈ રહેલું તે ટાઉન વરસી રહેલા સ્નોની અંદર છુપાયેલું હતું. ધુમ્મસ ભરેલ વાતાવરણની  અંદર છૂપાયેલા મુખ્ય રસ્તાઓ બર્ફિલી ઠંડીથી થીજી ગયેલા હતાં. તે ટાઉનમાંથી બહાર નીકળવા માટે મારા પતિ અને મારા જીજુ ઘણો જ પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતુ વારંવાર પ્રયત્ન કરવા છતાં અમારી વેન એક એવા રસ્તા પર ફરી ફરીને આવી જતી હતી કે જ્યાં ઘણા બધા લોકો ખુલ્લા આસમાન નીચે શાંતિથી સૂતેલા હતાં. આ રસ્તા પર એક સિમેટ્રી આવેલી હતી. અહીંથી બહાર રસ્તો શોધવાનો પ્રયત્ન ચાલુ હતો તે સમયે મારી દીદીની નજર બારીની બહાર પડી ત્યાં એક પ્રકાશ દેખાઈ રહ્યો હતો. અમે બારીના કાચમાંથી એ પ્રકાશ ક્યાંથી આવે છે, કઈ દિશામાંથી આવે છે તે નક્કી કરવા લાગ્યાં પરંતુ તે પ્રકાશ ક્યાંથી આવતો હતો તે નક્કી કરવું મુશ્કેલ હોઈ બે પળ પછી અમે ફરી અમારા પ્રભુચિંતનમાં મગ્ન થઈ ગયાં , કદાચ તે કોઈ પ્રકાશ જ હશે તેમ માનવા માટે આજે પણ હું તૈયાર છું પરંતુ એ પ્રકાશ ફક્ત પ્રકાશ ન હતો તે પ્રકાશની લંબાઈ માણસની સાઇઝની હતી, અને જાણે ત્રણ માણસ એકસાથે ચાલ્યાં જતાં હોય તેવું લાગી રહ્યું હતું. બે પડછાયા નાના અને વચ્ચેનો પડછાયો મોટો હતો પળભર એ કાર પાસેથી ચાલ્યાં જતાં પ્રકાશને જોઈને પલભર માટે દીદી જોઈ રહી પછી તેમણે મારું પણ ધ્યાન તે તરફ દોર્યું. આ પ્રકાશને હું પણ જોવા લાગી. થોડી પળોમાં એ પ્રકાશ નજીક આવતાં જ અમને એવું લાગ્યું કે એ ખરેખર પ્રકાશ નહીં પણ માણસો જ હતાં જેમાં બે બાળકો અને એક પિતા હતાં. તેઓ અમારી કાર પાસેથી નીકળ્યાં અને પલભર માટે અમારી તરફ જોઈ હસ્યાં અને પછી આગળ વધી ગયાં. પ્રભુ સ્મરણ કરી રહેલા અમે વિચારવા લાગ્યાં કે આટલી મોડી રાત્રીએ આ પરીવાર ક્યાં જઈ રહ્યો છે? પછી લાગ્યું કે કદાચ આસપાસમાં જ રહેતા હશે અને ઘર તરફ પાછા વળી રહ્યાં હશે અને તેમાંયે ઘર કદાચ બાજુમાં જ હશે તેથી ચાલીને જઈ રહ્યાં છે. બસ આજ વિચારથી અમે અમારા ચિંતનમાં ફરી મગ્ન બની ગયાં. જ્યારે તેઓ આગળ ગયાં ત્યારે અમે પણ તેઓના તરફ જોઈ રહ્યાં હતાં કારની આગળ જતાં જ એ પરીવાર અમને ફરી માત્ર એક પ્રકાશ રૂપે દેખાયો આ જોઈને હું ને દીદી થોડા અચંભિત થઈ ગયાં. તે દિવસની જેમ આજે પણ અમારા માટે એ ત્રણ લોકો કોઈ પડછાયો છે તેમ માનવું થોડું મુશ્કેલ છે તેથી તેઑ અમારે માટે એક પ્રકાશ હતો કે પરીવાર હતો તે નક્કી કરવા માટે આજે પણ અમે મૂંઝાયેલા છીએ. ( પરંતુ આગળ જતાં અમને જે અનુભવ થયો તે જોતાં લાગે છે કે એ કોઈનો પડછાયો જ હતો જે અમને કંઈક કહેવા માટે આવેલો હતો. )

 

વારંવાર ધુમ્મસ અને ટાઉનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલી અમારી કાર થોડીવારમાં ફરી એ જ રસ્તા પર આવી પહૂંચી અમે વિચારવા લાગ્યા કે આ રસ્તાની બહાર કેવી રીતે નીકળવું નાની નાની સ્ટ્રીટમાંથી લેફ્ટ રાઇટ ટર્ન લેતાં લેતાં અમારું વારંવાર એ જ રસ્તા પર આવવું શું એ ઇત્તેફાક હતો? ખબર નથી એ અનાયાસ કે ઇત્તેફાક શા માટે થતો હતો, બસ અમારો પ્રયત્ન ચાલુ હતો અને સાથે સાથે સ્નો પણ ચાલું હતો. સ્નોનો પ્રકાશ આસમાનને વધુ ને વધુ બ્રાઇટ કરી રહ્યું હતું. દરેક વાર જ્યારે અમારી કાર એ સ્ટ્રીટમાં ગોળાકારે ઘૂમી રહી હતી ત્યારે અમે જોતાં કે એ પ્રકાશ કાં તો અમારી આગળ હોય, પાછળ હોય અથવા બાજુમાંથી પસાર થતો હોય હું ને દીદી દર વખતે વખતે વિચારતાં રહેતા કે અરે આ પ્રકાશ તો આપણે ત્યાં જોયો હતો ને? અરે આ પ્રકાશ આગળ છે, અરે પાછળ છે કરીને અમે પણ બારીના કાચમાંથી તે પ્રકાશ તરફ જોઈ રહેતાં. વારંવાર તે પ્રકાશ અમને મળતો અને વારંવાર એ પ્રકાશને જોતાં અમે પણ તેનાંથી જાણીતા થવા લાગ્યાં. આખરે લગભગ ૪૫ મિનિટ ગોથા ખાધા બાદ અમને એ ટાઉનમાંથી આગળ વધવાનો મોકો મળ્યો, ને રસ્તો મળ્યો. રસ્તો મળતાં જ અમને થોડી શાંતિ થઈ અને તે પ્રકાશવાળા રસ્તાને પાછળ છોડીને ચાલી નીકળ્યાં.

 

હવે અમારી કાર ટર્નપાઇક પરથી આગળ દોડી રહી હતી ને તે ટાઉન પાછળ છૂટી ગયું હતું અને સમયનો કાંટો અમને ન્યૂયોર્ક તરફ ધકેલી રહ્યો હતો. અચાનક મારી નજર બારીની બહાર ગઈ ત્યારે જે દ્રશ્ય દેખાયું તે જોઈને હું પળભર માટે અવાચક બની ગઈ, મારું મન એ માનવા તૈયાર જ નહોતું થતું કે હું જે જોઈ રહી છું તે શું છે…….તે શું સાચું છે….? કદાચ તે વખતે મારો મારી આંખ પરથી વિશ્વાસ ઊડી ગયો હતો પરંતુ એ એજ પ્રકાશ હતો જેને અમે પાછળના ટાઉનમાં મૂકીને આવેલાં. મે મારી દીદીનું ધ્યાન દોર્યું અને તેણે પણ જે જોયું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. એ પ્રકાશ અમારી સાથે સાથે દોડી રહ્યો હતો પરંતુ ફર્ક માત્ર એટલો હતો કે તે પ્રકાશ જમીનથી થોડા પગલાં ઉપર હતો આથી એમ કહી શકાય કે તે હવામાં દોડી રહ્યો હતો. હું ને દીદી એ પ્રકાશ તરફ જોઈ જ રહ્યાં હતાં ત્યાં એ પ્રકાશ હવામાં વધુ થોડો ઊંચે ગયો અને હવા સાથે તે વાત કરતો કરતો અમારી દોડતી કાર સાથે આગળ વધવા લાગ્યો. આ દરમ્યાન તે ઘણીવાર હવામાં ઘણો ઊંચે ગયો અને નીચે આવ્યો ઘણી વાર તે ત્રણે પ્રકાશ રૂપી પડછાયા એકબીજાનો હાથ પકડી ગોળ ગોળ ફરતાં, અને ફરી છૂટા પડતાં. જ્યારે તે પ્રકાશ હવામાં જતો ત્યારે કારની અંદરથી હું ને દીદી પણ આશ્ચર્યથી તે પ્રકાશ તરફ જોતાં, ખાસ કરીને અમારું આશ્ચર્ય એટલા માટે પણ હતું કે એ પ્રકાશ જ્યારે હવામાં ઊંચો થતો ત્યારે તેના પગ ન હતાં માત્ર રૂની બનેલી પૂછડી હોય તેવું લાગતું. આ પ્રકાશ અમારી સાથે લગભગ દોઢ કલાક રહ્યો આ દરમ્યાન જ્યારે તે જમીનને સ્પર્શતો ત્યારે તે સામાન્ય માણસની જેમ જ લાંબો પડછાયો હતો અને જમીનથી ઉપર જતાં તે ફરની પૂછડીવાળો બની જતો ને તેને જોતાં અમે વિચારતાં રહેતાં કે આ શું છે? આખરે એક પોઈન્ટ પાસે તે પ્રકાશ અમારી તરફ ફર્યો અને બારીના કાચ પાસે આવ્યો તે ક્ષણે અમને લાગી રહ્યું હતું કે આ શું બારીમાંથી અંદર આવવા પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ બારી તો બંધ છે પરંતુ અમારા વિચારથી પરે રહેલા તે પ્રકાશે જાણે અમારી ગાડીને નાનો ધક્કો મારતા હોય તેવી સંજ્ઞા કરી. તે પ્રકાશની આ સંજ્ઞાથી અજાણ્યાં એવા અમને તો પલભર એમ જ લાગ્યું કે એ પ્રકાશે જાણે તેના બે હાથોમાં આખી અમારી વેનને સમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે હજુ આગળ બેસેલા મારા પતિને હું સૂચિત કરું તેમ વિચારી જ રહી હતી ત્યાં જ અચાનક અમારી વેનમાં કોઈ પ્રકારની ખામી ઊભી થતાં કાર બંધ થવા લાગી તેથી મારા પતિએ રોડની સાઈડ પર કાર ઊભી રાખી દીધી અને વિચારવા લાગ્યાં કે કારમાં અચાનક શું પ્રોબ્લેમ આવ્યો? અમે જરા અવાચક બની જોવા લાગ્યા કે આગળ શું બની રહ્યું છે ત્યાં જ અચાનક કારની બારી પાસે કોઈ આવ્યું અને જીજુને બારીનો ગ્લાસ ખોલવા કહ્યું બારી ખોલતાં જ સામે લાંબો ઓવરકોટ પહેરેલો એક માણસ જોયો જીજુ કંઇ આગળ કહે તે અગાઉ એ માણસે જીજુને કહ્યું કે તમારે તમારો રસ્તો બદલવો પડશે. જીજુએ પૂછ્યું કેમ? તે માણસ કહે કે આગળનો રસ્તો બંધ છે હજુ તેનું બોલવાનું પૂરું થાય તે પહેલા એમ્બ્યુલસ અને પોલીસવેન સાયરન વગાડતી ત્યાંથી પસાર થઈ ગઈ. આ જોઈ જીજુ કારમાંથી ઉતાર્યા અને જે દિશામાં પોલીસવેન ગયેલી તે દિશામાં જોવા લાગ્યાં અને અમે આજુબાજુ જોઈને વિચારવા લાગ્યાં કે પોલીસવેન તો ગઈ પણ આજુબાજુ કોઈ એક્સિડેંટ નથી, કારણ કે દૂર જ્યાં સુધી નજર જતી હતી ત્યાં સુધી ન તો ટ્રાફિક હતો કે ન તો કોઈ એક્સિડેંટ દેખાતું હતું . બસ હતું તો સ્નોના પ્રકાશથી ચમકી રહેલું અંધારું આ જોઈ જીજુ એ માણસને સવાલ પૂછવા માટે પાછા ફર્યા ત્યારે જોયું કે એ માણસ ત્યાં નથી આથી તેઓએ પૂછ્યું કે અરે પેલો માણસ ક્યાં ગયો? પણ તે માણસ ક્યાં ગયો તેની અમને જાણ ન હતી આથી અમે પણ આજુબાજુ જોવા લાગ્યાં પણ કોઈ જ ન દેખાયું આથી જીજુ પણ તે માણસ ક્યાં, કઈ દિશામાં ગયો તે જોવા લાગ્યાં પરંતુ ત્યાં અમે અને અમારી કાર સિવાય કોઈ જ ન હતું, અરે સ્નોમાં પડેલા તેના પગલાની છાપ પણ ન દેખાઈ આથી અમે વિચારવા લાગ્યાં કે એ માણસ કોણ હતો ને ક્યાંથી આવેલો હશે? અને હજુ તો અહીંયા જ હતો એટલી વારમાં ક્યાં ચાલ્યો ગયો વળી અહીં તો કોઈ કાર પણ નથી કે અમારી નજીકથી કોઈ કારને જતાં પણ નથી જોઈ તો તે માણસ આવ્યો ક્યાંથી? આખરે લગભગ ૧૦ મિનિટના વિચારના અંતે અમારા મનને એવું લાગવા લાગ્યું કે અમારે અમારી કારનો રૂટ બદલવો જ જોઈએ અને અમે માર્ગ બદલી કાઢ્યો. અમે કારને રિવર્સ લીધી ત્યારે તે પ્રકાશે અમને રસ્તો આપ્યોં અને જાણે અમને બાય કહ્યું હોય તે રીતે પોતાના પ્રકાશમાંથી એક સાઈડ કાઢી. બસ એક ક્ષણ માટે એ સાઇડનો પ્રકાશ દેખાયો અને ત્યારબાદ તે પ્રકાશ ધીરે ધીરે ઝાંખો થતો જણાયો. રિવર્સમાં અમે અમારા બદલેલા રૂટ સાથે આગળ દોડી ગયાં અને તે ઝાંખો પડેલો પ્રકાશ પાછળ છૂટતો ગયો આગળ વધ્યા બાદ તે પ્રકાશ ક્યાંય દેખાયો નહીં. આગળ વધતાં અમે એક સર્વિસ સ્ટેશન પર હોલ્ટ લીધો ત્યાં જાણવા મળ્યું કે હેવી સ્નોને કારણે એ રૂટ પર બે એક્સિડેંટ થયેલા જેમાં પિતા અને તેના બે બાળકોનું મૃત્યુ થયું છે અને માને બચાવી લેવાઇ છે આ સાંભળી અમે સ્તબ્ધ બની ગયાં અને વિચારવા લાગ્યાં કે શું અમને દેખાયેલ તે પ્રકાશ અથવા પડછાયો કે માણસ શું આજ પરીવારનો હશે? શું આ એક્સિડેંટ અને હેવી સ્નોને કારણે ખરાબ થયેલા રસ્તા વિષે શું અમને માહિતી આપવા આવેલો હશે? એ કોણ હતું ? કોણ હતું એ જે અમને અંધારી રાત્રે મળેલ હતું તે કોણ હતું? વળી ક્યારેક લાગે છે કે તે ટાઉન છોડીને પ્રકાશ અમારી સાથે લગભગ દોઢ કલાક સુધી રહ્યો હતો, શા માટે તે અમારી સાથે હતો? પરંતુ ઘણા સવાલોનાં જવાબ નથી હોતા તે બસ એક પ્રશ્નાર્થ ચિન્હ બનીને યાદોમાં સમાઈ જાય છે. ઘણીવાર હેવી સ્નોવાળી રાત્રી જોઉં છું ત્યારે આ બનાવ યાદ આવી જતાં ફરી પાછો એજ ક્ષણ ને તાજી કરતો ડર મનમાં છવાઈ જાય છે તેથી એ વિષય પર વધુ વાત કરવાનું મે અને દીદીએ બંધ કરી દીધું છે પણ તેમ છતાંયે યાદો પર પહેરા નથી હોતા તેથી મનમાં રહેલો એ પ્રકાશ ક્યારેક પડછાયો બનીને ઝબકી જાય છે.

 

સોર્સ : સત્ય ઘટના

                                                                                                     પૂર્વી મલકાણ મોદી.યુ એસ એ.

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

ગાંઠીયા પુરાણ …

ગાંઠીયા પુરાણ …

 

 

 

મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી,
એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ.

 

ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ.

વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય.


અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા.
સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય કોઈ પણ ડખાનું સમાધાન
ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ.


ડાયરા માં હું કાયમ કહું કે:

 

“ભડકે ઇ ભેંસ નહીં
બેહે ઇ ઘોડો નહીં

ગાંગરે નહીં ઇ ગાય નહીં
જાગે નહીં ઇ કૂતરો નહીં

હસે નહીં ઇ માણાહ નહીં, ને
ગાંઠિયા નખાય ઇ ગુજરાતી નહીં.”

 

મારા ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે.
રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા
અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે.
ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે
એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. એની રેંકડી પાસેથી નીકળો એટલે
ગાંઠિયા ખાવા જ પડે. આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ.

અમારા ઘણાં બધા ઉપવાસ અને એકટાણાં ચંદુની રેંકડી ઉપર શહીદ થયાના દાખલા છે.
વળી ચંદુના ગાંઠિયારથનું નામ ખૂબ મોડર્ન છે, ‘રિલાયન્સ ગાંઠિયા સેન્ટર.’
અને આ ટાઈટલ નીચે ઘાસલેટના ડબ્બા જેવડા અક્ષરે લખ્યું છે કે,
“અમારી બીજી કોઈ શાખા નથી.”

એક રાતે દોઢેક વાગ્યે હું ઝરમર વરસાદમાં મનમાં દોઢસો ગાંઠિયાનો સંકલ્પ કરી ચંદુના રથ ઉપર પહોંચ્યો.

 

ગાંઠિયા બાંધી દીધા પછી ચંદુએ એક અઘરો સવાલ મને પૂછી નાખ્યો કે,

“સાહેબ, અટાણે તમને કોણે મોકલ્યા?”

હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, “ચંદુ, મારી બા તો મને રાતે દસ વાગ્યા પછી બહાર નીકળવાની ના પાડે છે.

તું વિચાર અટાણે મને કોણે ધક્કો માર્યો હશે?

ઘરવાળી સિવાય કોઈની હિંમત છે કે મારી ઉપર આવી સરમુખત્યારશાહી ભોગવે?

 

મેં આટલો ઉત્તર વાળ્યો ત્યાં તો ચંદુની ઘોલરમરચાં જેવી આંખમાં આંસુડાં તગતગવાં માંડયાં.

ગાંઠિયાનો જારો પડતો મૂકીને ઇ મને બાથ ભરી ગ્યો કે’ સાહેબ,
તમે તો મારી દુ:ખતી રગ ઉપર પગ મૂકી દીધો.

હું રોજ રાત્રે દસ વાગ્યે રેંકડી લઈને આવું છું ને
સવારે પાંચ વાગ્યા સુધી આખા ગોંડલ હાટું ગાંઠિયા વણું છું.

મનેય શું મારી બા મોકલતી હશે ?

પછી તો અમે બેય સમદુખિયા એટલું રડયા કે અમારા ગાંઠિયા પલળી ગયા.

 

ગાંઠિયાનો મહિમા અપરંપરા છે. મારા તો એપેન્ડિક્ષના ઓપરેશન વખતે આંતરડાંમાંથી
ડોક્ટરે અડધો કિલો ચણાનો લોટ કાઢયાનુ દાખલા છે.


મારી દૃષ્ટિએ કોમવાદી બનવું એના કરતાં ગાંઠિયાવાદી કે હાસ્યવાદી બનવું સારું.

 

નેસ્ટ્રોડેમસની જેમ મારી આગાહી છે કે,
ગુજરાતમાં ગાંઠિયા જ્યાં સુધી તળાતાં રહેશે ત્યાંસુધી ખવાતાં રહેશે.

 

હું આપું ગામડાં બે-ચાર, દિલ ને મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.
છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી,
ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.

 

સૌજન્ય : સંકલન … વિજય ધારીઆ ..(શિકાગો) ..

 

આપને ગાંઠીયાપુરાણ  ની આ હળવી – વ્યંગથી ભરેલ કાઠીયાવાડ ની ઓળખ આપતી  પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ જરૂર કોમેન્ટ્સ બોક્સ દ્વારા અમોને જણાવશો, આપના પ્રતિભાવનું બ્લોગ પોસ્ટ પર સ્વાગત છે.  ફાફડા ગાંઠીયા ઘરે બનાવવા ઈચ્છા રાખતા હો તો તેની રેસિપી પણ આવતા વીકે અહીં બ્લોગ પર જાણીશું … તો બ્લોગ સતત આ વીક જોવાનું ભૂલશો નહી…  આભાર !

બ્લોગ લીંક: http://daas.desais.net
email: [email protected]

પૌવા ની કટલેસ (રેસિપી) …

પૌવા ની કટલેસ … (રેસિપી)

 

 કટલેટ-કટલેસ તો તમે બનાવતાં જ હશો, પરંતુ કટલેસ માં પણ થોડું વૈવિધ્યતા લાવીએ તો તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ  બની શકે છે અને બાળકો તેમજ મોટા સૌ  ઘરમાં પસંદ કરે છે.  આજે આપણે એક સરસ અને સ્વાદિષ્ટ પૌવા ની કટલેસ (વ્યંજન) ની રેસિપી માણીશું.  

તમને આ રેસીપી પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ ના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો.  આપના દરેક પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

 

પૌવા (Rice Flakes) નો ઉપયોગ આપણે સામન્ય સંજોગમાં, બટેટા પૌવા, પૌવાનો ચેવડો કે કોઇપણ વ્યંજન / રેસિપીમાં બાઈન્ડીંગ ના ઉપયોગમાં કરીએ છીએ.  પરંતુ પૌવા માંથી બનતી કટલેસ ખૂબજ સ્વાદિષ્ટ બને છે. પૌવા ની કટલેસ આપણે  સવારે કે સાંજના નાસ્તા માટે બનાવી શકીએ છીએ.

 

સામગ્રી :

 

૧ કપ પૌવા  (Beaten Rice / Rice Flakes)

૨ નંગ બાફેલા બટેટા

૩/૪ – ચમચી મીઠું. સ્વાદાનુસાર

૧ નંગ  ૧” ઈંચ નો આદૂનો ટુકડો

૨ નંગ લીલા મરચાં – બારીક સમારેલા

૨-૩ ટે.સ્પૂન લીલી કોથમીર સમારેલી

૩ નંગ બ્રેડ

૨ ટે.સ્પૂન મેંદો

૧/૪ ચમચી કાળા મરી નો પાઉડર

 

 

રીત:

 

સૌથી પ્રથમ પૌવાને એક ચારણીમાં નાંખી અને પાણીથી પલાડવા, પાંચ મિનિટમાં પૌવા પલળી જશે અને તૈયાર થઇ જશે.

 

બટેટાને મેસ (છૂંદો) કરવા અને તે  મેસ બટેટામાં પલાળેલ પૌવા ને મિક્સ કરવા. ત્યારબાદ, આદું, લીલા બારીક સમારેલ મરચાં, લાલ મરચાનો પાઉડર, અડધી ચમચી મીઠું અને લીલી સમારેલી કોથમીર… આ બધું ભેળવીને સારી રીતે મિક્સ કરવું અને પૂરા મિશ્રણ ને લોટની જેમ ગૂંથવું અને તૈયાર કરવું. કટલેસ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે.

 

(નોંધ : આપને ખટાસ અને મીઠાશ બંને પસંદ હોય તો આમચૂર પાઉડર અને થોડી સાકર (ખાંડ) નો પ્રયોગ કરી શકાય છે.  આ ઉપરાંત પૌષ્ટિક વધુ બનાવવા માટે  ગાજર  -મકાઈના દાણા કે બીન્સનો ઉપયોગ પણ કરી શકો છો.)

 

મેંદા માં ૧/૪ – કપ પાણી નાંખી અને તેનું મિશ્રણ બનાવવું, ખ્યાલ રહે કે તે  મિશ્રણમાં ગંઠોડા ના પડે – ગાંઠા ના રહે.  મિશ્રણ પતલુ બનાવાવાનું છે.  કાળા મરી અને મીઠું જે બાકી બચેલ છે તે તેમાં ઉંમેરી અને મિક્સ કરવું.

 

બ્રેડને તોડી અને મિક્સરમાં તેનો ચૂરો/ભૂકો કરવો. (બ્રેડ ક્ર્મ્પસ્ તૈયાર મળે છે તે ઉપયોગમાં લઇ શકાય)

 

કટલેસ ના  મિશ્રણ માંથી થોડું મિશ્રણ હાથમાં લઇ અને (લીંબુના માપ જેટલું) અને તેને ગોળો બનાવી અને હાથની મદદથી તેને ગોળ અથવા ચપટો/ લંબગોળ આકાર આપવા કોશિશ કરવી અને તે આકાર આપ્યા બાદ, કટલેસને મેંદાના મિશ્રણમાં ડૂબાડવી અને બહાર કાઢ્યા બાદ, બ્રેડના ચૂરા/ભૂકામાં મૂકી અને તેને ચારે બાજુથી લપેટવી.  હાથની મદદથી ચારેબાજુ દાબવું અને બ્રેડનો ચૂરો સરખી રીતે લગાડવો અને ત્યારબાદ, તે કટલેસ ને એક પ્લેટમાં અલગથી રાખવી.   (હાથથી દાબવાથી બ્રેડ નો ભૂકો સરખી રીતે કટલેસ પર લાગી જશે/ ચોંટી જશે.)

 

આમ ધીરે ધીરે બધાજ મિશ્રણની  કટલેસ બનાવી લેવી અને પ્લેટમાં અલગ રાખી દેવી. બનાવેલ કટલેસ ને ૧૫ મિનિટ સુધી પ્લેટમાં રાખવી, જેથી બધી કટલેસ સેટ થઇ જશે.

 

કટલેસ ને  બે રીતે બનાવી શકાય છે, ડીપ ફ્રાઈ કરી ને અથવા સેલો ફ્રાઈ કરીને.  આત્યારે આપણે સેલો ફ્રાઈ કરીશું.

સેલો ફ્રાઈ કરવી હોઈ તો એક સમતલ તાવી /કડાઈમાં (નોન સ્ટિક હોય તો વધુ સારું) લેવી અને તેમાં ૨-૩ ટે.સ્પૂન તેલ નાંખી અને તાવીમાં સમાઈ તેટલી કટલેસ મૂકવી અને ધીમા તાપે તેને શેકવી. કદાચ તેલ ઓછું જણાય તો થોડું તેલ ઉપર લગાડી શકાય છે. કટલેસ ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે તેમ ચારે બાજુ- બંને તરફથી તળવી/ શેકવી.  શેકતી સમયે તેને  વારંવાર પલટાવતાં જવું અને શેકવી.

 

બધી જ કટલેસ આ રીતે ધીમા તાપે શેકવી અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં અલગથી રાખવી. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૌવાની કટલેસ તૈયાર છે.

 

પૌવાની કટલેસ ને લીલી કોથમીરની ચટણી સાથે અથવા આમલી ની મીઠી ચટણી સાથે પીરસવી.

 

બ્લોગ લીંક: http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

“કબજીયાત” …(Constipation)

“કબજીયાત” … (Constipation)

સ્વાસ્થય ની કાળજી રાખવી એ આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજબરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ.  સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આપણે એક નવો વિભાગ / નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામ  “દાદીમાનું ડાયેટ કોર્નર” છે. આ વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA,M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા  કરવામાં આવે છે. તેઓશ્રી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર મેડીકલ અને એજ્યુકેશન  ટ્રસ્ટમાં તેમની માનદ સેવા આપે છે. તેમજ ભારતીય ડાયેટીક્સ  એસોશિયેશન નું  (લાઈફ ટાઈમ)  આજીવન સભ્યપદ ધરાવે  છે.  હાલ તેઓ શ્રી ઝાઈડસ  હોસ્પિટલ અને હેલ્થ કેર રીસર્ચ  પ્રાઈવેટ લી. – આણંદ માં  સિનીયર (હેડ) ડાયેટીશ્યન તરીકે જોડાયેલા છે.

‘દાદીમા ની પોટલી’ પર ..’ ડાયેટ ફોર ફેમીલી … ‘ વિષે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -માર્ગદર્શન આપવા માટે આપેલ સહમતિ બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

“કબજીયાત” એટલે શું ?

 

“કબજીયાત” એટલે કોઈપણ જગ્યાએ વસ્તુનો ઢગલો અથવા ભરાવો, જે આસાનીથી નીકળી ન શકે અને જેના લીધે ઘણી મુશ્કેલીઓ આવી શકે અને તે મુશ્કેલીઓ ને સહન પણ કરવી પડે… એમ સામન્ય વ્યાખ્યા કરી શકાય …

 

માનવીય ભાષામાં “કબજીયાત” એટલે કે ખોરાક લીધાં પછી જે પોષણ કે પોષક તત્વો શરીરમાં શોષણ થયા બાદ વધેલો કચરો જે મળ વાટે બહાર ફેંકાઇ છે. તે મળ વાટે ના નીકળી શકે અને અને આંતરડામાં જમા થાય અથવા ચોટી જાય તે “કબજીયાત”.

 

આવા કબજીયાત ના લીધે ગેસ્ટ્રીક પ્રોબ્લેમ/ મુશ્કેલી, ચામડી ના રોગો તેમજ પેટનો એટેક પણ આવી શકે છે.  (જેમાં પેટના અંગો જે પાચન ક્રિયા માં મદદરૂપ હોય તે યોગ્ય કામ ન કરી શકે તે )

 

જાણીતા એવા રીટાયર્ડ સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીયર (જી.ઈ.બી.) બી.વી.ચૌહાણની પુસ્તક “ભોજન પ્રથા” માં કબજીયાત વિષે તેના શબ્દોમાં /ભાષામાં જણાવેલ છે કે …

 

પાવર હાઉસમાં બોઈલરમાં બોટમ (તળિયે)  એશ (રાખ)  હોપર (કોલસો બળી ને ખાક થઇ ગયાં બાદ વધેલ રાખ જે તળિયે બેસે છે તે ભાગ)  દરેક શિફટમાં ખાલી કરીને સાફ કરવામાં આવે છે.  એટલું જ નહિ, તેનું સેમ્પલ લઈને ચકાસવામાં આવે છે.  બોઈલારના બનાવનારે ડીઝાઈન કરતી સમયે પણ તેનું ધોરણ નક્કી રાખેલ/ કરેલ  હોય છે કે રાખ કેવી હોવી જોઈએ ? તે મુજબની ન હોય તો તે સૂચવે છે કે કોલસો બરાબર બળ્યો નથી.  કોલસો બરાબર ન બળવાના ઘણા કારણો હોય છે. જેમ કે કોલસાની ગુણવત્તા, બળતણમાં જરૂરી એર ફ્યૂઅલ – રેશીઓ જળવાયો ન હોય, હવા કે કોલસામાં ભેજનું પ્રમાણ વગેરે …  રાખની ગુણવત્તા યોગ્ય રીતે ન જળવાઈ તે છે .. બોઈલર નું “કબજીયાત”.

 

આપણું શરીર પણ આવું જ યંત્ર છે. અન્ય યંત્ર માનવ સર્જિત છે.  શરીરનો સર્જનહાર ઈશ્વર છે.  શરીર ખરેખર યંત્ર નહિ કારખાનું છે તેમ કહીએ તો કશું ખોટું નથી !  કારખાનું ચલાવવા જેમ જુદા – જુદા ભાગો તેમજ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેજ રીતે શરીર યંત્ર રૂપી કારખાનાને ચલાવવા અલગ અલગ વિભાગો તેમજ પદ્ધતિ નો ઉપયોગ થાય છે.  ખાસ કરી પાચન યંત્ર ચલાવવા ખાસ એવા અવયવો ભાગ લે છે કે  કાંઈ પણ ખાય તેને એક જ રંગનું અને શરીર માં રહેલા બ્લડ ગ્રુપનું જ લોહી બનાવવાનું કામ તે કરે છે.

 

ભેળસેળિયો ખોરાક અને ખોરાક ને અપાતા જુદા – જુદા સ્વરૂપ જેને લીધે “કબજીયાત” થાય છે.  ટૂંકમાં કહીએ તો, શરીરને અનુરૂપ ન હોય તેવા તેમજ શરીરમાં ચિપકી જાય તેવો ખોરાક તે ઉપરાંત લાંબા સમય સુધી રેષા વાળા ખોરાકનું ન લેવું તેવા બધાં ખોરાક ખાવાથી મળનો સહેલાઈથી નિકાસ થતો નથી.  જેને “કબજીયાત” કહેવાય છે.

 

આ “કબજીયાત”  ને હટાવવા નીચે મુજબની પ્રવૃત્તિ કરવી જરૂરી છે.  તેમજ સુચવેલ ખાધ્યનું સેવન કરવું જરૂરી છે.

 

૧]  હુંફાળા પાણીમાં (૧૫૦ મી.લિ. થી ૨૦૦ મી.લિ. ) ૧/૨  (અડધું) લીંબુ તેમજ ૧-૧/૨  (દોઢ) ચમચી મધ નાખવું.  ( જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો એ મધ નો ઉપયોગ ન કરવો)  તેમજ ૨-૩ દાણા મેથીના પાણીમાં પલાળવા અને ગળી જવા.

 

૨]  પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડા નો મળ છૂટો પડી કબજીયાત મટે છે.

 

૩]  નરણે કોઠે થોડું હુંફાળું પાણી પીવાથી કબજીયાત ઘટે છે.

 

૪]  રાત્રે સુતા, અડધી કલાક (૧/૨ – કલાક પહેલાં)  પહેલા સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું (નમક) નાખીને પીવાથી કબજીયાત ઘટે છે.

 

૫] ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને તેનું આ પાણી પીવાથી કબજીયાત મટે છે.

 

૬]  ગરમ પાણીમાં ૧ ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ, તેમજ  બે ચમચી મધ નાખીને પીવાથી કબજીયાત માટે છે. ( જે  વ્યક્તિને ડાયાબિટીસ ના હોય તો તે વ્યક્તિએ બે ચમચી મધ નાખવું)

 

૭]  કાળી દ્રાક્ષ ને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે તેને મસળી, ગાળી ને પીવાથી કબજીયાત માટે છે.

 

૮]  ૪ ગ્રામ હરડે અને ૧ ગ્રામ તજ, ૧૦૦ ગ્રામ પાણીમાં ગરમ કરીને ઉકાળો રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

 

૯]  રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજીયાત મટે છે.  (ડાયાબીટીસ ના દર્દીએ મધ ના લેવું)

 

૧૦]  અજમાં  ના ચૂર્ણમાં સંચળ નાંખી ફાકવાથી કબજીયાત ઘટે છે.

 

૧૧]  જાયફળ ને લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.

 

૧૨.]  જમ્યાબાદ, એકાદ કલાકે ત્રણથી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

 

 

-વિધી એન. દવે.
ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ
Vidhi N. Dave
Sr. Dietitian
Zydus hospital
Anand

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

 

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ ની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા  [email protected]  અથવા [email protected] પર લખીને જણાવશો.. આપનો  જવાબ  વિધીબેન દવે દ્વારા ડાયરેક્ટ તમને મોકલવામાં આવશે અથવા અમો તેમની પાસેથી જવાબ  મેળવી   તમારા ઈ મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …

પરોક્ષ ફલાત્મક માર્ગ …

પરોક્ષ ફલાત્મક માર્ગ …

 

આજે ની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મલકાણ-મોદી (યુ.એસ.એ) ના અંતરપૂર્વકથી આભારી છીએ, સાથે  સાથે એક નવા સાથી શ્રી હિમાંશુભાઈ વખારિયા ના પણ અત્રે આભારી છીએ, તેમનો પરિચય હવે પછી મેળવીશું., જેઓ આવી સુંદર માહિતી સંકલન કરીને “દાદીમા ની પોટલી” પર મોકલવા  સહમત થયા છે . .

આજની પોસ્ટ પસંદ આવી હોય ઓ જરૂર આપના  પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના તરફથી મળેલ દરેક પ્રતિભાવનું  બ્લોગ પર સદા સ્વાગત છે..

 

 

 

 

પુષ્ટિ માર્ગ પરોક્ષ ફલાત્મક માર્ગ છે. અને તે નિઃસાધન ફલાત્મક માર્ગ પણ કહેવાય છે. પુષ્ટિ માર્ગ ભાવાત્મક અને ફલરૂપ છે. જે માર્ગ જ ફલપ્રાપ્તિ કરાવે પછી બીજાની શી જરૂર ? શ્રીમહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે કે, “દમલા, યહ માર્ગ તેરે લીયે હી પ્રગટ કીયો હે,” દમલા મોંસો ન્યૂન નહિ. મમ રસ કે અનુકૂલ ઓર માર્ગ કો મૂલ હી દમલાજી હૈ.”   દમલાજીના હદયમાં શ્રીમહાપ્રભુજીનું અતિ નિગૂઢ સ્વરૂપ સદા બિરાજે છે. પુષ્ટિ જીવે શ્રીવલ્લભની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રીદમલાજીને પ્રસન્ન કરવા એ જ ઉત્તમ માર્ગ છે, જીવ કૃત સાધનોથી પુષ્ટિમાર્ગમાં કાંઈ પ્રાપ્ત નહિ થતું હોવાથી જીવ નિઃસાધન છે. એવા નિઃસાધન જીવો માટે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. પુષ્ટિ માર્ગ સેવા માર્ગ છે. જે ભાવાત્મક અને રસાત્મક છે. અહીં સ્વરૂપ જ્ઞાન, લીલા જ્ઞાન, લીલા પ્રકારો, સ્વરૂપના (ધર્મ-ધર્મિ) પ્રકારો જાણવા જરૂરી છે. તે સિવાય ફલ પ્રાપ્તિ નથી. તમારી સેવા પણ ક્રિયાત્મક બની રહેશે. પુષ્ટિમાર્ગમાં નિજ દૈવી જીવને પોતાના સ્વામીનું સ્વરૂપ અને પોતાના લીલા મધ્યપાંતિ આદિ દૈવિક સ્વરૂપનું જ્ઞાન  થઈ  જાય, પછી એને બીજું કાંઈ બાહ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી.  સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાનથી પોતાના મૂળ આધિ દૈવિક સ્વરૂપને જ પ્રાપ્ત કરવાનું છે. આ ધ્યેય છે. અને તેને અવાંતર ફળ પણ કહેવાય છે.  શ્રીવલ્લભ પરોક્ષ રીતે જીવને સાધન રૂપ બની સાધ્ય પ્રાપ્ત કરાવે છે. કારણ માર્ગ પરોક્ષ ફલાત્મક છે. પરોક્ષમાંથી નિજ સેવ્યમાં સુધા સ્વરૂપે આપ બિરાજે છે. અને જીવની સેવા અંગીકાર કરે છે.

 

સત્સંગ દ્વારા સેવા પ્રકાર જાણવા મળે. અનુભવી ભાવ-સજાતિય વૈષ્ણવ દ્વારા સ્વરૂપ અને લીલા જાણવા મળે, ફલ પ્રાપ્તિ માટે સત્સંગ અતિ આવશ્યક છે. શિક્ષાપત્રમાં શ્રીહરિરાયજી એ વિશે ખૂબ આગ્રહ કરી દર્શાવે છે. (૧) જ્યારે સત્સંગમાં રૂચી-સ્નેહ ઉત્પન્ન થાય ત્યારે જાણવું કે પ્રભુની કૃપા થઈ. (૨) જ્યારે સત્સંગ મળે ત્યારે જાણવું કે વૈષ્ણવની કૃપા થઈ. (૩) જ્યારે સત્સંગ ફલ રૂપ થાય ત્યારે જાણવું કે શ્રીવલ્લભની કૃપા થઈ.  આપશ્રી વલ્લભ જીવના હદયમાં બિરાજી પરોક્ષ રીતે ભાવનું દાન છે. જ્યારે જીવ પોતે એમ માને કે સેવા સ્મરણ પ્રભુ જ કરાવે છે, મારી કોઈ શક્તિ નથી. આ ભાવ આવે તેને નિઃસાધનતા કહેવાય છે. ગુણગાન દ્વારા મન ચિત્તનો નિરોધ સિદ્ધ થાય, સંસાર પ્રત્યે સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે જ ભાવનું વિરહનું દાન તાપાત્મક શ્રીવલ્લભ કરે છે. કેવળ શ્રવણ કરવાથી જ્ઞાનમાં વધારો અવશ્ય થશે. પણ જ્યાં સુધી શ્રવણનું મનન કરી તેને જીવનમાં આચરણમાં ન મુકાય ત્યાં સુધી ફલ પ્રાપ્તિ નથી. સત્સંગ આજના સમયમાં મળવો દુર્લભ છે, જેથી શ્રીહરિરાયજીની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાથી માર્ગના ગ્રંથોનું શ્રવણ-મનન કરવું.

 

શ્રીવલ્લભજન વિરહી –રસિક ભક્ત મળવા ખૂબ દુર્લભ છે. કારણકે એવા વિરહી કોઈનો સંગ કરતા જ નથી. કારણ સંગ જ તેમને બાધક છે. એમને તો નિજ સ્વામીના સ્વરૂપ સંગ સિવાય અન્યની ગંધ પણ નથી. અદેય દાન એટલે વિપ્રયોગ રસનું દાન. આ દાન કરવામાં શ્રીવલ્લભ જ દક્ષ છે. શ્રીવલ્લભ પ્રભુના તાપાત્મક ગુણગાન દ્વારા જ ભાવની પ્રાપ્તિ છે. જીવને જ્યાં સુધી દુઃસંગ અને અન્ન દોષ લાગેલાં છે ત્યાં સુધી ફળમાં વિલંબ રહ્યા જ કરશે. પુષ્ટિ જીવે અસમર્પિત અને દુઃસંગનો ત્યાગ બુદ્ધિપૂર્વક વિચારીને કરવો જોઈએ. જીવને બધું કરવું ગમે છે પરંતુ સ્વદોષ છોડવા જ ગમતા નથી, ભગવદ્ નામ લેવાનું દુષ્ટ મનને ગમતું નથી.  સ્વરૂપ નિષ્ઠ ભક્તો જ વિરહી ભક્તો છે.

 

સાભાર  સંકલન : હિમાંશુ વખારિયા …

સૌજન્ય લેખ પ્રાપ્તિ : – પૂર્વી મલકાણ- મોદી (યુ.એસ.એ)

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

ચક્રવર્તી કોણ ? …

ચક્રવર્તી કોણ ?  …

 

 

પુષ્પ નામના એક પ્રસિદ્ધ સામુદ્રિક શાસ્ત્રી હતા એમણે માર્ગ પર પડેલા પગલાંનાં નિશાન જોઈને કહ્યું :  ‘આ ચરણ ચિહન જે વ્યક્તિના છે તે કોઈ સાધારણ માનવ નથી.  તે મહાન ચક્રવર્તી બનશે !  આ શબ્દો પર લોકોને વિશ્વાસ ન થયો.  ખુલ્લે રસ્તે ઉઘાડે પગે ભમનાર વ્યક્તિ કઈ રીતે ચક્રવર્તી થઇ શકે ?  લોકોના શબ્દો સાંભળીને પુષ્પે કહ્યું : ‘ જો મારા શબ્દો ખોટા પડે તો આ સામુદ્રિક શાસ્ત્ર પણ ખોટું જ સાબિત થશે..’

 

સાચી વાત જાણવા માટે તે ચરણ ચિહનોની પાછાળ પાછળ ચાલ્યો.  થોડા જ સમયમાં એણે ધ્યાનમગ્ન એક સંન્યાસીને જોયા અને એ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ ભગવાન મહાવીર હતા.  જ્યારે તેઓ ધ્યાનાવસ્થામાંથી બહાર આવ્યા, ત્યારે પુષ્પે પૂછ્યું :  ‘મહારાજ ! આપ એકલા જ છો ?’  ભગવાને જવાબ આપ્યો : ‘ ભાઈ આ દુનિયામાં જે આવે છે તે એકલો જ આવે છે અને એકલો જ જાય છે.  બીજો કોઈ એને સાથ દેતો નથી. ’

 

પુષ્પે પૂછ્યું : ‘મહારાજ ! હું તત્વની વાત નથી કરતો.  હું વ્યવહારની વાત કરું છું.’’ આ શબ્દો સાંભળીને ભગવાને કહ્યું : ‘વ્યવહારની ભૂમિકાએ હું એક્લો નથી.’

 

વળી પુષ્પે પૂછ્યું : ‘ક્યાં છે તમારો પરિવાર ?’

 

આ શબ્દો સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું :

 

‘સંવર (નિર્વિકલ્પ ધ્યાન) મારા પિતા છે, અહિંસા મારી માતા છે, બ્રહ્મચર્ય મારો ભાઈ છે, અનાસક્તિ મારી અભેન છે, શાંતિ મારી પ્રિયા છે, વિવેક મારો પુત્ર છે. ક્ષમા મારી પુત્રી છે અને ઉપશમ મારું ઘર છે, સત્ય મારો મિત્રવર્ગ છે.  આવો પૂરેપૂરો પરિવાર મારી સાથે નિરંતર ભ્રમણ કરી રહ્યો છે.  હવે હું એકલો છું ખરો ?’ 

 

આ શબ્દો સાંભળીને પુષ્પે કહ્યું : ‘ હે મહારાજ ! આપના દેહનાં લક્ષણ આપ ચક્રવર્તી બનશો એવું કહે છે અને આપની દિનચર્યા સાધારણ વ્યક્તિ હોવાનું કહે છે, એ જાણીને મને ઘણો આશ્ચર્ય થાય છે.’

 

ભગવાન મહાવીરે કહ્યું : ‘ભાઈ, એ તો કહો, ચક્રવર્તી  કોણ બને છે ?’

 

પુષ્પે કહ્યું : ‘જેમની આગળ આગળ ચક્ર ચાલતું રહે તેને.

 

ભગવાન મહાવીરે કહ્યું : ભાઈ ! ચક્રવર્તી બનવાનું બીજું કોઈ લક્ષણ ખરું ?’

 

પુષ્પે કહ્યું : ‘ હે મહારાજ !  જેમની પાસે બાર બાર યોજનમાં વિસ્તરેલું સૈન્ય હોય અને એને રક્ષણ આપનાર છત્રરત્ન હોય એને ચક્રવર્તી કહેવાય.’

 

વળી પાછું ભગવાન મહાવીરે પૂછ્યું :  ‘ચક્રવર્તીનું બીજું કોઈ વધારાનું લક્ષણ ખરું ?’

 

પુષ્પે કહ્યું : ‘મહારાજ ! એમની પાસે ચર્મરત્ન હોય છે.  એના દ્વારા વાવેલું બીજ સાંજે પાકી જાય છે.

 

ભગવાન મહાવીરે કહ્યું :  ‘તમે ઉપર, તીરછી  નજરે ગમે ત્યાં જુઓ, ધર્મનું ચક્ર મારી આગળ આગળ ચાલે છે.  આચાર મારું છત્ર રત્ન છે એમાં જે ક્ષણે બીજ વાવવામાં આવે છે, તે જ ક્ષણે તે પાકી જાય છે.  શું હું ચક્રવર્તી નથી ?  શું તમારા સામુદ્રિક શાસ્ત્રમાં ધર્મના ચક્રવર્તીનું અસ્તિત્વ જ નથી ?’

 

ભગવાન મહાવીરના આ શબ્દો સાંભળીને સામુદ્રિક શાસ્ત્રી પુષ્પ બોલી ઊઠીયો : ‘મહારાજ ! મારો સંદેહ દૂર થયો.  હવે હું નિશ્ચિંત બની ગયો છું.’

 

(રા.જ.૫-૧૧/૩૮-૩૯/૮૪-૮૫)
સંકલિત …

 

અપને ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અમોને જણાવશો.  આપના મૂકેલ કોઈપણ પ્રતિભાવ અમોને સદા પ્રેરણાદાયી બની રહેશે…

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

સુવિચારોનું વૃંદાવન ..(૫)

સુવિચારોનું વૃંદાવન ..(૫)…

ડૉ.ગુણવંત શાહ …

 

આજની પોસ્ટ શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે, જે માટે અમો વિજયભાઈ ના અંતરપૂર્વક્થી આભારી છીએ … આપને પોસ્ટ પસંદ આવી કે નહિ જે આપની કોમેન્ટ્સ દ્વારા બ્લોગ પોસ્ટ પર અથવા ફેશબુક ના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા જરૂર જણાવશો… આપના દરેક પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે …આભાર !

 

 

શબ્દકોશમાં જ જોડણીદોષ હોય પછી માણસ જાય ક્યાં ?

***

સાડી અને બ્લાઉઝ મૅચ થાય પરંતુ પતિ અને પત્નીનું શું ?

***

મૂળે કુંભકર્ણ અને વળી ક્લોરોફોર્મ સૂંઘીને સૂઈ ગયો !

***

પરાયા મિત્ર કરતાં પોતીકો દુશ્મન સારો.

***

ડુક્કરના સ્વર્ગનું મનોહર શિખર એટલે ઉકરડો.

***

ક્યાંક ચોરી થાય અને લોકોને પહેલો વહેમ ચોકીદાર પર પડે છે.

***

માણસના સદગુણોનો ખરો પરિચય એના પ્રામાણિક દુશ્મનને હોય છે;

એના દુર્ગુણોનો ખ્યાલ સાચા મિત્રને હોય છે.

***

વ્યક્તિત્વ જ્યારે પુષ્પત્વની દીક્ષા પામે ત્યારે પ્રેમની સુગંધ પ્રગટે છે.

***

કાળચક્રને ગીઅર હોતું નથી; બ્રેક હોતી નથી; એક્સલરેટર હોતું નથી

અને રીવર્સ ગીઅરનો તો પશ્ન જ નથી.

***

કોઈની પ્રાયવસીમાં ગંદુ ડોકિયું કરનાર પોતાની ભીતર ડોકિયું કરવાનું ચૂકી જાય છે.

***

યુવક–યુવતી વચ્ચેનો પ્રેમ સુંદર હોય છે પરંતુ વૃધ્ધ અને વૃધ્ધા વચ્ચેનો પ્રેમ ભવ્ય હોય છે.

***

કેટલીક પત્નીઓ પતિ કરતાંય મંગળસૂત્રને વધારે સાચવે છે.

***

હું જ્યારે કોઈ અત્યંત સુંદર પુસ્તક વાંચું ત્યારે મારા અજ્ઞાનથી પ્રભાવિત થઈ જાઉં છું.

 

– ડૉ. ગુણવંત શાહ

(૨)

પુસ્તકો માટેનું કંઈક આવું ગાંડપણ છે. સારા પુસ્તકો વાંચવાથી જીવનને જોવાની દ્રષ્ટિ(outlook) વિશાળ થાય છે. મનને શાંતિ મળે છે. પુસ્તકો જેવા કોઈ ભી સરખા રસ ધરાવતી બે અજાણી વ્યક્તિ વચ્ચે મૈત્રિ થાય એ પણ ઈશ્વરની કૃપા જ કહેવાય. આને લગતું એક quote વાંચવામાં આવ્યું હતું એ અહિં તમારા માટે ટાંકુ છું :

 

કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓળખાણ થાય ત્યારે સાધારણ રીતે આપણે તેને (મનમાં) શૂન્ય માર્ક આપીએ છીએ અને જેમ જેમ તેનામાં આપણો વિશ્વાસ વધતો જાય તેમ તેમ તેના માર્ક વધારતા જઈએ છીએ.

 

આ પધ્ધતિમાં છેતરાવાની શક્યતા ઓછી હશે પરંતુ આપણી આ સાવચેતીમાં એક મુદ્દો ભૂલાઈ જાય છે કે જો દરેક વખતે આપણે પરિક્ષા લીધા કરીશું તો અને જો સામેની વ્યક્તિમાં દૈવત હશે તો તેને અપમાન લાગશે અને એ આપણને તજી દેશે. ધીમે ધીમે આપણી આજુબાજુ મૂર્ખાઓ અને હા માં હા પુરાવનારા ‘ચમચાઓ’ જ રહેશે.

 

સામેની વ્યક્તિને શુન્યને બદલે પાસ માર્ક આપી સંબંધ સ્થપાવા દઈશું તો તેમાં છેતરાવાની શક્યતા વધારે છે પરંતુ એનું જમા પાસુ એ છે કે સંબંધ વધારવા લાયક વ્યક્તિઓને ગુમાવી દેવાની શક્યતા ઓછી છે અને સાચા અને પાણીદાર મિત્રો મેળવવાની તકો ઉભી થાય છે.

 

હંમેશા અવિશ્વાસની નજરે જોનારને કોઈ મિત્રો રહેતા નથી એટલું જ નહી પરંતુ છેવટે તે આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસે છે.

…….

 

જે પુસ્તક આપણે વાંચીએ તે જો

ખોપરી પર અફળાતા હથોડાની માફક

આપણને જગાડી મૂકવાનું ન હોય

તો પછી

આપણે તે શા માટે વાંચવું જોઈએ ?

પુસ્તક તો બરફ ભાંગવાની હથોડી જેવું જોઈએ

જે આપણી ભીતર

થીજી ગયેલા દરિયાને ભેદી શકે.

-Franz Kafka

 

Franz Kafka (1883 – 3 June 1924) was a culturally influential German language author of short stories and novels. Contemporary critics and academics, including Vladimir Nabokov regard Kafka as one of the best writers of the 20th Century. The term “Kafkaesque” has become part of the English language.

 …….

“I always felt that the great high privilege, relief and comfort of friendship was that one had to explain nothing.”

– Katherine Mansfield

સંકલિત …

સાભાર -સંકલન પ્રાપ્તિ : વિજયભાઈ ધારીઆ …

 

બ્લોગ લીંક :http://das.desais.net

email: [email protected]