‘મેનોપોઝ’ … ‘દાદીમાનું ડાયેટ કોર્નર ’ …

‘મેનોપોઝ’ … ‘ દાદીમાનું ડાયેટ કોર્નર ’ (ફોર  વુમન્સ ડે સ્પેશ્યલ)


સ્વાસ્થ્યની કાળજી રાખવી આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજેરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ. સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આજથી આપણે એક નવો વિભાગ અને નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામદાદીમાનું ડાયેટ કોર્નરછે. વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત,ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti. ) દ્વારા કરવામાં આવશે
વિધીબેન મૂળ સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટ શહેરના વતની છે. તેઓએ રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલમાં થોડા સમય માટે સિનિયર ડાયેટીશ્યન તેમજ આસિ. યોગા ટીચર તરીકે સેવા આપેલ છે. આ ઉપરાંત બે વર્ષ જેવો સમય સ્ટર્લિંગ હોસ્પીટલમાં પણ સેવા આપેલ છે. તેઓએ ક્રિશ્ના મેડિકલ કોલેજમાં ઈન્ટરશીપ કરેલ છે અને હાલ ગુજરાતના આણંદ શહેરમાં ‘ZYDUS HOSPITAL’ માં સિનીયર ડાયેટીશ્યન તરીકે સેવા આપે છે. તેઓ ૬ વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રમાં સેવા આપે છે. તેઓ સૌરાષ્ટ્ર મેડીકલ સેન્ટર, તેમજ ડાયાબિટીસ સોસાયટી ના માનદ કન્સલ્ટન્ટ તરીકે પણ નિમણુંક પામેલ છે અને ત્યાં તેઓની સેવા પૂરી પાડે છે..
દાદીમા ની પોટલીપર પોતાના લેખ દ્વારા જનઆરોગ્યની જાગૃતિના કાર્ય માટે તેમણે આપેલ સહમતિ બદલ અમો વિધિબેન દવેનાં અંતરપૂર્વકથી આભારી છીએ, અને તેમની સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં માટે પૂર્વિબેન મલકાણ-મોદી (યુ એસ એ) ના પણ અમો અંતરપૂર્વકથી આભારી છીએ

 

૮ – માર્ચ વિશ્વભરમાં ‘વુમન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે અને જે હજુ હમણાં જ પસાર થઇ ગયો. આજની ભાગ –દોડ વાળી જીવન શૈલીમાં સ્ત્રીઓ પણ કંઈ પાછળ નથી. ઘર સંભાળવા સાથે આર્થિક સમસ્યાને પણ સરળતાથી તેઓ એ સંભાળી લીધી છે. આજના આ સમયમાં સ્ત્રીઓમાં આવતી મોટામાં મોટી સમસ્યા “મેનોપોઝ” જે રોગ નથી પરંતુ જો તેના પર પુરતું ધ્યાન ન આપવામાં આવે તો તે અનેક રોગને સ્થાન આપે છે. જે વિશે આપણે થોડી ચર્ચા સાથે માર્ગદર્શન મેળવવા કોશિશ આજે કરીશું.
‘મેનેપોઝ’ શું છે ?
તેમાં આવતી મુશ્કેલી તેમજ ખોરાક ની શી કાળજી  લેવી ?  …
મોટી વયની સ્ત્રીઓમાં અત્યારનો મોટો પ્રશ્ન “મેનોપોઝ” નો છે. અને આ સમય કેવી રીતે સરળતાથી તેમજ સુરક્ષિત પસાર કરવો ? તે છે.


“મેનોપોઝ” એ ખાસ કરી કૂદરતી પ્રક્રિયાની ઘટના છે અને આ ઘટનામાંથી દરેક સ્ત્રીઓએ પસાર થવું પડે છે. આથી આ સમય દરમ્યાન માનસિક ચિંતા તેમજ તનાવ શરીર પર રહે છે. આ વસ્તુ સ્વાભવિક છે પરંતુ આજના આધુનિક યુગમાં આ ક્રિયા જાણવાની સૌની આતુરતા હોય છે જેનાથી લોકો સારા-ખરાબ પાસા સમજી શકે છે અને આ ગાળામાં શું કરવું તે પણ જાણી શકે છે.
“મેનોપોઝ” નો સમય અમુક અંશે તાસીર પર આધારિત હોય છે. માસિક જવાનો સમય ૪૦-૪૫ વર્ષનો હોય છે, જે હાલમાં ૩૫-૪૦ વર્ષનો થઇ ગયો છે. “મેનોપોઝ” એટલે સ્ત્રીનાં જીવનમાં માસિક ચક્રનું (રજસ્વલા) થવાનું બંધ થવું એમ ગણાય છે.
એક ખાસ વાત કે આ “મેનોપોઝ” થવાનું કારણ માત્ર સ્ત્રીનાં શરીરમાં અમુક ઉમર જ આવતું એક નૈસર્ગિક પરિવર્તન છે. આ પરથી એમ ગણી શકાઈ કે કુદરતે જે ભેટ /હક્ક માત્ર સ્ત્રીને જ આપેલ છે તે પ્રજોત્પતિનું કાર્ય કે સમય હવે પૂરો થાય છે.
મુખ્યત્વે સ્ત્રી શરીરનાં બન્ને હોર્મોન્સ જેમકે ઈસ્ટ્રોજન (estrogen) અને પ્રોજેસ્ટ્રોન (prostrogen) થી અંડકોષમાં વધઘટ થાય છે જે ઉંમરનાં કારણે ઘટે છે, જેને લીધે રજોનિવૃત્તિની ઘટનામાં પ્રવેશવું પડે છે જે કારણોથી આ પરિવર્તન જોવા મળે છે.
આથી મન અને સ્વસ્થ શરીરમાં તેની અસર વધારે ઓછી થાય છે તે સ્વભાવિક છે. પરંતુ તેમણે પ્રથમ જ ગંભીર ન ગણી લેવું જોઈએ. હા, જો આમાં યોગ્ય સારવાર કે આશ્વાસન ન મળે તો આ ગંભીર પરિણામ લાવી શકે છે. આ ગાળા દરમ્યાન સ્ત્રીઓને ઘર-પરિવાર, પતિ તેમજ બાળકોના સાથ-સહકારની ખૂબજ જરૂર રહે છે. જો પુરતો સાથ-સહકાર મળી શકે તો આ સમયગાળો સહેલાયથી પસાર થઇ જાય છે.
આજે વિજ્ઞાન/સાયન્સ ખૂબજ આગળ વધી ગયું છે, માટે આ સમસ્યાનો જુદી-જુદી રીતે ઉપચાર મળી રહે છે. વળી, આ સમસ્યા એવી નથી કે કોઈ સ્ત્રીને થાય કે કોઈ સ્ત્રીને ન થાય. આ ઘટનામાંથી બધી સ્ત્રીઓને પસાર તો થવું જ પડે છે.
આ સમય દરમ્યાન નીચે મુજબના કેટલાક લક્ષણો જોવા મળે છે. આ બધા જ લક્ષણો બધી જ સ્ત્રીઓમાં જોવા મળે તે જરૂરી નથી, આ બધું તાસીર પર આધારિત છે.

 

લક્ષણો :
કમરનો દુઃખાવો, શરીરના હાડકાનો દુઃખાવો જે કેલ્શ્યમની ખામીથી થાય છે. ડીપ્રેશન, માથાનો દુઃખાવો, ઠંડી-ગરમી લાગ્યા કરવી, છાતીના ધબકારા વધે, આયર્ન (લોહતત્વની) ખામીથી શરીર ફિક્કુ પડે, બીજી નાની-મોટી ચામડી તેમજ કોષોની તકલીફ જે ઓછા વિટામિન્સ અને પ્રોટીનની ખામીથી થાય છે, ખોરાકની અરૂચી તેમજ નબળાઈ લાગવી, ગુપ્તાંગમાં ચળ આવે અને ભીનાશ ઘટે.
કેટલાક કેસમાં “મેનોપોઝ” માં રજોદર્શન લાંબો સમય ચાલુ રહી શકે છે જેથી તે સમય નબળાઈ લાગે છે. શરીરમાંથી લોહી ઓછું થવાથી શરીર ફિક્કુ પડે છે. આ પ્રકારનાં કેસમાં હોર્મોન રિપ્લેસમેન્ટ સારવાર માટે વિટામીન “સી” , વિટામીન “કે” તેમજ પ્રોટીન અનુરૂપ ખોરાક તેમજ દવા શરૂ કરવી જોઈએ. યોગ્ય સલાહ અને જાણકારી માટે ડાયેટીશ્યન કે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. શરીરમાંથી ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી હાડકામાં કેલ્શિયમ ઓછું થાય છે તેથી હાડકા બર્ડ બંને છે અને ફ્રેક્ચર થવાની સંભાવના રહે છે.
ઉપર મુજબના કેસમાં “મેનોપોઝ” માં એકાદ વર્ષ ઉપર સારવારની જરૂર પડે છે. પરંતુ આજની જે ખોરાક શ્રેણી ડાયેટીશ્યનની સલાહથી બનેલી હોય છે તેનાથી ક્રમે ક્રમે રાહત થતી જાય છે.
મારા મંતવ્ય મુજબ નીચેના ન્યુટ્રીશ્યન્ટ્સ (વિટામીન, પ્રોટીન, આયર્ન, કેલ્શ્યમ વગેરે) રોજિંદા આહારમાં લેવા જોઈએ.
 શરીરમાં લોહીના ટકાનું પ્રમાણ જાળવી રાખવા માટે આયર્નથી ભરપુર ખોરાક લેવો જોઈએ. જેમકે સવારના નાસ્તમાં ખજૂર અથવા ખજૂર શેઈક લેવો જોઈએ. તેમજ દિવસમાં એકવાર મુઠી જેટલા શેકેલા મગફળીના દાણા ગોળ સાથે લેવા જોઈએ. લીલા શાકભાજી, સંતરા, નિત, ગાજર, પાલક, વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ઓસળીયાના બી ની ફાકી બનાવીને લેવી જોઈએ.
 જ્યારે વિટામીન ‘સી’ માટે ખાતા ફળોનો ઉપયોગ કરવો જેમકે સંતરા, મોસંબી, લીંબુ, સ્ટ્રોબરી વગેરે…
 વિટામીન ‘કે’ માટે લીલા પાનવાળા શાકભાજી ..ખાસ કરીને કોબીચ, કોબીફ્લાવાર, પાલક લેવા તેમજ અનાજનો ઉપયોગ વધુ કરવો. રાંધણમાં વેજિટેબલ ઓઈલ જેમકે સોયા, કોર્ન, ઓલિવ, સનફ્લાવર નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટ, નો ખોરાકમાં ઉપયોગ કરવાથી વિટામીન ‘કે’ મળી રહે છે. ( માસાંહારી લોકો ઈંડા તેમજ લીવરનો ઉપયોગ કરી શકે છે)
 કેલ્શ્યમ માટે દૂધ, દૂધની બનાવટ, નાગરવેલના પાન, કેલા વગેરે લેવા જોઈએ…
 પ્રોટીન માટે કઠોળ. ખાસ કરીને સોયાબીન, રાજમાં, ચણા વધુ લેવા તે ઉપરાંત સુકામેવા પણ લઇ શકાય જે ભરપુર પ્રોટીન આપે છે. (માંસાહારી લોકો … માછલી, મીટ, લીવર, મરઘીના ઈંડા નો ઉપયોગ કરી શકે છે.) આજકાલ પ્રોટીન માટે બજારમાં સારા એવા સપ્લીમેન્ટ (પૂરક વસ્તુઓ) ઉપલબ્ધ છે જે ડાયેટીશ્યનની સલાહ મુજબ લેવા જોઈએ.
પ્રોટીનમાં ખાસ એવા સોયાબીન આ સમય ગાળામાં સારો ભાગ ભજવે છે. સોયાબીનમાં રહેલું તત્વ જે ફીટો કેમિકલ્સ કે’વાય જે સ્ત્રી શરીરમાં રહેલા ઈસ્ટ્રોજનને સમતોલ બનાવવાનું કામ કરે છે. ઈસ્ટ્રોજન શરીરમાં ઘટી જવાને કારણે સ્ત્રીઓને કેન્સર થવાની શક્યતા રહે છે. જે સોયાબીનના સેવનથી અમુક અંશે તે સંભાવના ઘટે છે માટે આ ગાળા દરમ્યાન સોયાબીનનું સેવન કરવું જોઈએ.

 

“મેનેપોઝ” દરમ્યાન ખોરાક …


“મેનોપોઝ” દરમ્યાન નીચે મુજબ ખોરાક લેવાનું આયોજન કરવું જોઈએ …

 

સવારે : ૧-ગ્લાસ હુફાળુ પાણી + ૧/૨ લીંબુ + ૨-ચમચી મધ + ૧/૨ ચમચી મેથી લેવી ( મેથી રાત્રે સાદા પાણીમાં પલાળવી અને સવારે પાણી કાઢી નાખવું. મેથી હુફાળા પાણી સાથે ગળી જવી.)
નાસ્તો: ૧-ગ્લાસ દૂધ મધ સાથે / ચા/ કોફી + અનાજનો નાસ્તો કરવો (પૌવા, થેપલા, પરાઠા (ઓછા તેલમાં, મુઠીયા, રવાની વાનગી, ભાખરી, કોર્નફલેકસ, ઓટસ વગેરે) + ૧- કેળું.
સવારે- ૧૦:૦૦ : ખજૂરની ૩ થી ૪ પેસી / ખજૂર શેઈક ૧૫૦ મી.લી. (લગભગ ૧-ગ્લાસ)
બપોરનું ભોજન : ૨-ગ્લાસ છાશ, ૧-પ્લેટ સલાડ, ૧-વાટકો (કટોરી) ઘાટી દાળ / કઠોળ, ૧- વાટકી (કટોરી) લીલા શાકભાજી, ૨ થી ૩ રોટલી બંને તો બાજરાની લસણ નાખેલ રોટલી લેવી, ૧-વાટકી (કટોરી) ભાત લઇ શકાઈ તેમજ ૧/૨ – પાપડ અને ૧/૨ ચમચી અથાણું.
સાંજે : ૧ – ગ્લાસ લીંબુ પાણી મધ નાખેલ + કઠોળ નો નાસ્તો. (બાફેલા કે ફણગાવેલા)
સાંજે -૬:૦૦ : ૧-મુઠી શેકેલા મગફળીના દાણા ગોળ સાથે લેવા.
રાતનું ભોજન : બપોર મુજબનું ભોજન / હળવો ખોરાક લેવો. સાથે ૧- વાટકો દહીં ખાવું.
સુતા પહેલા : ૧-ગ્લાસ હળદર વાળુ હુફાળુ દૂધ પીવું.
સુજાવ: બને ત્યાં સુધી વધારે મસાલાવાળું, તીખું, તળેલું ભોજન ના લેવું.
નોંધ: આ પ્લાન નોર્મલ સ્ત્રીઓ માટે છે, વ્યક્તિ દીઠ પ્લાન બદલે છે. ડાયેટીશ્યનની સલાહ મુજબ પ્લાન અનુસરવો જોઈએ.
બ્લોગ લીંક : http://das.desais.net
આજથી શરૂ થતા ‘દાદીમા નું ડાયેટ કોર્નર’ વિભાગ અને તેની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા હોય તો પણ જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા [email protected] પર લખીને જણાવશો.. જેના જવાબ વિધીબેન દવે દ્વારા મેળવી અમો તમને તમારા મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.
આભાર !
‘દાદીમા ની પોટલી’ …