તત્વજ્ઞાનની સંકલ્પના …

તત્વજ્ઞાનની સંકલ્પના …


બાળક જન્મીને આંખ ખોલે છે, ત્યારે આજુબાજુનું દ્રષ્ય જોઈ તેને નવાઈ લાગતી હશે. નવું નવું જોતાં તેના નાનકડા મગજમાં વિચાર પણ આવતો હશે – આ બધું શું છે ? જે અવાજો સંભળાય છે તેના અર્થ શા હશે ? તે મોટો થાય તેમ તેમ તેના પ્રશ્નોના જવાબ તેને મળતા જાય. સાથે સાથે નવા પ્રશ્નો પણ જાગતા જાય. જવાબ મેળવવા તે શાળા–કૉલેજમાં જાય, વિદ્વાનોને મળે, પુસ્તકો વાંચે, ચર્ચા કરે, વિચાર કરે. જીવનભર આ બધું ચાલ્યા કરે. એમાંથી તેને જેટલું સમજાય તે ‘જ્ઞાન’. ન સમજાય તે ‘અજ્ઞાન’.
જાણકારી અને ‘જ્ઞાન’માં તફાવત. જાણકારી એટલે માહિતી(Information), એ તો જ્ઞાનની સાવ શરુઆતની સ્થિતિ. એકથી સો બોલી જવું તે જાણકારી. એમાંથી સમજ (Understanding) વિકસે. એકથી સો સુધીની સંખ્યાનું માપ, વધઘટ, ભેદ સમજાય તે સમજ. આટલી સમજથી પણ જીવન ન ચાલે. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. એનું નામ ઉપયોજન (Application). ઉપયોગમાં કુશળતા (Skill)જોઈએ. વળી આ બધું મેળવવામાં લગની પણ જોઈએ. આ બધાં તત્વો ભગાં થાય ત્યારે ‘જ્ઞાન’ બને.
જ્ઞાન બે પ્રકારનું છે. (૧) દુનિયાનું જ્ઞાન અને (૨) દુનિયાથી પરનું જ્ઞાન.
જ્ઞાન બુદ્ધિમાંથી જન્મે બુદ્ધિતંત્ર મગજમાં છે. દરેક માણસના મગજને ત્રણ પ્રશ્નોનો સામનો કરવો પડે :
(૧) હું કોણ છું ?
(૨) આ બધું શું છે ?
અને
(૩) હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે ?
આ ત્રણ પૈકી પ્રથમ બે પ્રશ્નોના સામાન્ય જવાબ સૌને મળ્યા છે – મળે છે. હું માણસ છું. આ દુનિયા છે. આટલું જ્ઞાન દુન્યવી જ્ઞાન છે. તેને લૌકિક જ્ઞાન પણ કહેવાય. જેમ જેમ આપણી સમજ વધતી જાય, તેમ તેમ આપણને સમજાય કે આપણું આ લૌકિક જ્ઞાન સાચું નથી. આ શરીર માણસનું છે. તેમાં રહેલા આત્માને માણસનો આકાર નથી. ત્યારે આપણને એ પણ સમજાય કે આપણું લૌકિક જ્ઞાન, વાસ્તવમાં જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. દુનિયાની બુદ્ધિથી ન સમજી શકાય એવું ઘણું અપાર્થિવ પણ છે. એ સમજાય તો આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ મળે કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે ? એ જ્ઞાન તે બ્રહ્મજ્ઞાન. બ્રહ્મ એટલે પરમેશ્વર. તેમને સમજાવનારું જ્ઞાન તે બ્રહ્મજ્ઞાન.
‘જ્ઞાન’ માટે બીજો શબ્દ વપરાય છે ‘વિદ્યા’. ‘જ્ઞાન’ એટલે ‘વિદ્યા’. ‘અજ્ઞાન’ એટલે ‘અવિદ્યા’. બ્રહ્મજ્ઞાનને બ્રહ્મવિદ્યા અથવા પરાવિદ્યા કહેવામાં આવે છે, જે જ્ઞાન ઈશ્વરને ઓળખવામાં અને સંસારની માયાને છોડાવવામાં ઉપયોગી ન હોય, તેની કશી કિંમત નથી. આથી બ્રહ્મવિદ્યાને ‘અમૃતા તુ વિદ્યા’ – અમૃતમયી વિદ્યા પણ કહેવામાં આવે છે. લૌકિક વિદ્યા કાન, નાક, આંખ, હાથ આદિ ઈન્દ્રિયોની મદદથી મેળવાય છે, જ્યારે બ્રહ્મવિદ્યા બાહ્ય ઈન્દ્રીયો અને બુદ્ધિથી મળતી નથી. તે ભગવત્કૃપાથી, અંત:કરણમાં અનુભવ દ્વારા મળે છે, તેથી બ્રહ્મવિદ્યાને ‘દર્શન’ પણ કહેવામાં આવે છે. જે મહાનુભાવોને અંત:કરણમાં બ્રહ્મવિદ્યાના પ્રકાશનો અનુભવ થયો, તે અનુભવ તેમણે શબ્દોમાં વર્ણવ્યો. તેથી તે ‘દર્શનશાસ્ત્ર’ કહેવાયાં. આ ‘દર્શન’ પરમતત્વ એવા પરમેશ્વરનું હોવાથી તેને ‘તત્વદર્શન’ અથવા ‘તત્વજ્ઞાન’ કહેવામાં આવે છે, પરમતત્વ–પરમસત્ય એવા ઈશ્વરને જાણવા માટેનું જ્ઞાન તે તત્વજ્ઞાન–દર્શન. તે જાણીને બતાવનાર તત્વજ્ઞાની–દાર્શનિક.
પશ્ચિમના દેશો તત્વજ્ઞાન માટે ‘ફિલોસોફી’ શબ્દ વાપરે છે. જેનું મૂળ લેટિન ભાષામાં છે. તે બે શબ્દોનો બનેલો છે: Philo (ફિલો) + Logus (લોગસ). જેનો એક અર્થ છે ડહાપણ. બીજો અર્થ છે જ્ઞાન માટેનો પ્રેમ. ત્રીજો અર્થ છે બુદ્ધિ વડે સત્યની શોધ. આપણે અંત:કરણના અનુભવને સ્વીકાર્યો, જ્યારે પશ્ચિમે બુદ્ધિ પર વધુ આધાર રાખ્યો.
આપણું ભારતીય તત્વદર્શન મુખ્ય ચાર બાબતોનો વિશેષ વિચાર કરે છે :
(૧) ઈશ્વર
(૨) જીવ
(૩) જગત અને
(૪) સંસાર
બધા હિન્દુ આચાર્યોએ આ ચાર બાબતો સમજાવવા કોશિશ કરી છે. દરેકે વેદ–ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રોને આ માટે પાયાનાં પ્રમાણો ગણી, યથામતિ પોતાનું તત્વદર્શન પ્રકટ કર્યું છે. આપણા સનાતન વૈદિક ધર્મની પરંપરા મુજબ જેઓ ઉપરનાં ત્રણ શાસ્ત્રો પર ભાષ્ય રચે, તે આચાર્ય–વેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરે. આજ સુધી આવું પદ પ્રાપ્ત કરનારા મહાનુભાવો નીચે મુજબ છે.
(૧) શ્રીભર્તૃપ્રપંચ (ઈ.સ. ૬૫૦) – સમુચ્યવાદ.
(૨) શ્રીશંકરાચાર્ય (ઈ.સ. ૭૮૯) – કેવલાદ્વૈત.
(૩) શ્રીનિમ્બાર્કાચાર્ય (ઈ.સ. ૯૯૦) – સ્વાભાવિક ભેદાભેદ.
(૪) શ્રીભાસ્કરાચાર્ય (ઈ.સ. ૧૦૦૦) – ઔપાધિક ભેદાભેદ.
(૫) શ્રીરામાનુજાચાર્ય (ઈ.સ. ૧૦૧૩) – વિશિષ્ટાદ્વૈત.
(૬) શ્રીમધ્વાચાર્ય (ઈ.સ. ૧૧૦૦) – દ્વૈતવાદ.
(૭) શ્વીવલ્લભાચાર્ય (ઈ.સ. ૧૪૭૯) – શુદ્ધાદ્વૈત.
(૮) શ્રીવિજ્ઞાનભિક્ષુ (ઈ.સ. ૧૬૫૦) – અવિભાગાદ્વૈત.
આ ઉપરાંત, શ્રીશંકરાચાર્ય પછીના સમયમાં કેરળના શ્રીવિષ્ણુસ્વામીએ પોતાનો મત સ્થાપિત ક્રર્યો હતો, જે શ્રીવલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત મત સાથે સામ્ય ધરાવે છે. બંગાળના શ્રીકૃષ્ણ ચૈતન્યના શિષ્ય જીવ ગોસ્વામીએ પણ અચિંત્ય ભેદાભેદ નામનો તેમનો સિદ્ધાંત પ્રકટ કર્યો હતો. શ્રીસહજાનંદ સ્વામીએ શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતને જ તેમના સિદ્ધાંત તરીકે સ્વીકારી લીધેલ છે.
આ સર્વ મતોમાં શ્રીશંકરાચાર્યનો મત ‘માયાવાદ’ તરીકે પ્રસિદ્ધ છે, કારણ કે તેઓ પરમાત્માની શક્તિ માયા દ્વારા જગતના નિર્માણનો મત રજુ કરે છે. વૈષ્ણવાચાર્યો શ્રીનિમ્બાર્ક, શ્રીરામાનુજ, શ્રીમધ્વ અને શ્રી વલ્લભ બ્રહ્મનો જગતના નિર્માતા તરીકે સ્વીકાર કરે છે, તેથી તેમનો મત ‘બ્રહ્મવાદ’ના નામે પ્રસિદ્ધ છે.
સર્વ સિદ્ધાંતો વેદમાં સમાઈ ગયા હોવાથી, ભારતીય તત્વદર્શન ‘વેદાંત’ના નામે પણ પ્રસિદ્ધ છે, તેથી શ્રીશાંકરમત ‘શાંકરવેદાંત’ કહેવાય છે, તો શ્રીવલ્લભમત ‘શ્રીવલ્લભવેદાંત’ કહેવાય છે.
આ બધા આચાર્યોની વિચારસરણી મુખ્ય ત્રણ વાદ–વિચારધારા–માં વહેંચાયેલી છે :
(૧) અદ્વૈતવાદ – ઈશ્વર અને જગત એક (અદ્વૈત) છે.
(૨) દ્વૈતવાદ – ઈશ્વર અને જગત બંને જુદાં (દ્વૈત) છે.
(૩) દ્વૈતાદ્વૈતવાદ – ઈશ્વર અને જગત બંને જુદાં છે, છતાં એક જણાય છે.
શ્રીમધ્વાચાર્ય દ્વૈતવાદના પ્રવર્તક છે, શ્રીનિમ્બાર્કાચાર્ય અને શ્રીભાસ્કરાચાર્ય દ્વૈતાદ્વૈતવાદના પ્રવર્તક છે. બાકીના આચાર્યો અદ્વૈતવાદના પ્રવર્તક છે.
આપણને એક પ્રશ્ન થાય – આપણા જેવા સામાન્ય વૈષ્ણવે આ બધું જાણવાની શી જરૂર ? આપણું કર્તવ્ય તો પ્રભુની સેવા–સ્મરણ કરવાનું છે.
જવાબ આવો છે – તત્વજ્ઞાન પાયો છે. ધર્મ તેના પર ઊભો થયેલો ‘નિશ્ચયનો મહેલ’ છે. મજબુત પાયા વિના મકાન મજબુત ન બને. જે ધર્મનું તત્વજ્ઞાન મજબૂત, તે ધર્મ પણ મજબૂત.
તત્વજ્ઞાન વિચાર છે, ધર્મ આચાર છે. વિચાર વિના આચાર સંભવી ન શકે. ભોજન કરવું છે એવો વિચાર જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી હાથ ભોજન માટે લંબાતો નથી. શ્રીકૃષ્ણના સેવા–સ્મરણ કેમ કરવાના તે શ્રીવલ્લભવેદાંત જ આપણને સમજાવે છે. સાચી સમજ વિના કામ કરવા જતાં, તે કામ થાય જ નહિ અથવા સરખી રીતે ન થાય. તેનું જે ફળ મળવું જોઈએ તે ન મળે.
આથી જ્ઞાની કવિ અખો કહે છે :
‘તિલક કરતાં ત્રેપન વહ્યાં,
જપમાળાના નાકાં ઘસ્યાં,
કથા સુણી સુણી ફૂટ્યાં કાન,
તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’
બ્રહ્મજ્ઞાન પહેલું થવું જોઈએ. તો જ આપણું ધર્માચરણ સુદ્રઢ અને સાચી દિશાનું થાય.
ભક્તકવિ નરસિંહ મહેતા પણ એ જ વાત કહે છે :
‘જ્યાં લગી આતમાતત્વ ચીન્યો નહી,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’
બે પગ પર શરીર ટકે. ધર્મના બે પગ છે : એક વિચાર અને બીજો આચાર. એકલો વિચાર વાંઝિયો છે, એકલો આચાર લૂલો છે. માટે શ્રીવલ્લાભાચાર્યે શદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું તત્વજ્ઞાન સમજાવ્યું અને તે પ્રમાણે જીવન જીવવા પુષ્ટિમાર્ગનું ધર્માચરણ બતાવ્યું.
આથી શ્રીકુંભનદાસજીએ કહ્યું : જે દીકરો એકલી સેવા કરે તે અધૂરો–અર્ધો. સત્સંગ અને સેવા બંને કરે તે પૂરો–આખો વૈષ્ણવ. માટે આપણે પણ પહેલાં શ્રીવલ્લભનું તત્વજ્ઞાન–શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજીશું.
સાભાર :–ગો.વા. પ્રા. શ્રીરમેશભાઈ વિ. પરિખ
(શ્રી વલ્લભાચાર્યના મતે બ્રહ્મવાદ, ઈશ્વર, જીવ, જગત, સંસાર, અંતર્યામી, માયા, વેદાંત, બ્રહ્મ, અક્ષરબ્રહ્મ વગેરે શબ્દોના અર્થ હવે પછી સમજીશું.)
સંકલન અને લેખ પ્રાપ્તિ :  વિજય ધારીઆ (શિકાગો-યુ એસ એ )
મિત્રો  આપ સર્વેને  જણાવવાનું કે આવતા અઠવાડિયાથી   ‘દાદીમા ના  ડાઈટ કોર્નર’ નામે નવી કેટગરી શરૂ કરવા કોશિશ કરીશું. ઉપરોક્ત વિભાગમાં વિધીબેન એન  દવે (ડાઈટિશ્યન- ન્યુટ્રીસ્નાલીસ્ટ) દ્વારા આપણને ડાઈટ /સ્વાસ્થ્ય અંગેની જાણકારી અને સમજણ નિયમિત રીતે આપશે. ઉપરોક્ત વિભાગમાં આપણે ડાઈટ ને લગતા સુંદર લેખો માણીશું.  આશા રાખીએ છીએ કે આપને સ્વાસ્થય અંગે વધુ જાણકારી મેળવવી ગમશે ???? આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો.
સાથે સાથે આજનો લેખ પસંદ આવ્યો હોય તો જરૂર આપના પ્રતિભાવ પણ તે અંગેના બ્લોગ પોસ્ટ પર મૂકશો. આવા સુંદર લેખ આપની સમક્ષ લાવવા માટે તેમજ ‘દાદીમા ના ચિંતન જગત’ પર મોકલવા બદલ શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો-યુ એસ એ ) ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ. …
બ્લોગ લીંક: http://das.desais.net