સુખ અને શાંતિ ..(ભાગ -૧)

સુખ અને શાંતિ ..(ભાગ -૧)

સુખ શું છે ? શાંતિ એટલે શું ? શું આ સુખ અને શાંતિ એક બીજાના સાપેક્ષ છે ?
સામાન્ય રીતે આપણે જેને સુખ અને દુઃખ કહીએ છીએ તે બંને સાપેક્ષ અનુભવો છે. એમને  દ્વન્દ્વ્  પણ કહેવાય છે. પરંતુ આપણાં શાસ્ત્રો કહે છે તેમ આ બંને દ્વન્દ્વ્ થી  પર   આપણે ઊંચે જવું જોઈએ, જેથી આપણે સાચા સુખનાં શોધી અને અનુભવ કરી શકીએ. તો પછી આપણને સાચું સુખ ક્યાંથી મળે? તે આપણા દરેકની ભીતર જ રહેલું છે. આપણી ભીતર તે ક્યાં આવેલું છે? એ સુખ કંઈ ભૌતિક સ્થાનની જેમ ક્યાંય રહેલું નથી. એ તો આપણે પોતે જ છીએ. શું આપણે પોતે જ ? હા. આપણે તો અમૃતસ્વરૂપ છીએ. આ અમૃતસ્વરૂપ એટલે શું? આ અમૃતસ્વરૂપ એટલે પૂર્ણ આનંદ કે પરમ સુખ. આપણે આ સામાન્ય સદા સહજ સત્યને ભૂલી ગયા છીએ. આપણા બધાની ભીતર રહેલા પૂર્ણ આનંદના સ્વયંભૂ પ્રસ્ફૂટીત થતાં પ્રવાહની અનુભૂતિના પરિણામે આપણને સાચી શાંતિ મળે છે.
તો પછી સામાન્ય રીતે આપણે જેને સુખ કહીએ છીએ તે શું છે ? એ તો કેહવાતુ સુખ છે, સાચું સુખ નથી, આપણી ભીતર રહેલાં પરમસુખના તેજોજ્જ્વલ સૂર્યનું એક નાનકડું તેજકણ માત્ર છે, એક ઝાંખુંઝપટ પ્રતિબિંબ છે. શાશ્વત પરમસુખ પ્રગટ થવાં રાહ જોતું હોય છે. આપણા અત્યારનાં કહેવાતાં સુખ કે દુઃખ એ મનની વિભિન્ન સ્થિતિ સિવાય બીજું કંઈ નથી. ભગવદગીતા  (૫.૨૧) માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
બાહ્ય વિષયોમાં અનાસક્ત મનવાળો માણસ પોતાના અંતકરણમાં જે સુખ મેળવે છે, તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો અનુભવે છે.
સંસ્કૃતમાં સાચા સુખને આનંદ કહે છે અને બધા જીવોનું આ અંતિમ ધ્યેય છે. કેટલાક લોકો અજ્ઞાની બનીને અને કેટલાક લોકો જ્ઞાન સાથે આ ધ્યેયને ઝાંખી રહ્યા છે. જ્યારે આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ  ત્યારે સાચી શાંતિ મળે છે; પણ એ આપણને અવાર-નવાર થાપ ખવડાવી દે છે. આપણા ક્ષુદ્ર આનંદપ્રમોદ કે દુઃખો કે જે એકબીજા ક્રમશ: આવતા રહે છે અને આપણી શાંતિમાં ખલેલ પહોંચાડે છે. એને લીધે આપણે અસ્થિર અશાંત અને માનસિક તાણ અનુભવીએ છીએ. અવારનવાર દુઃખ આપણને હેરાન-પરેશાન કરી મૂકે છે. સાથે ને સાથે આનંદપ્રમોદનો અતિરેક પણ આપણને અશાંતિમાં ડૂબાડી દે છે.
સામાન્ય રીતે આપણે જેને સુખ તરીકે અનુભવીએ એ છે શું? આ સુખ એટલે મનમાં થતી ખુશીની લાગણી. મને મનગમતું મજાનું સંગીત હું સાંભળું છું. તેણે લીધે મારા મનમાં આનંદની લાગણી ઊભી થાય છે. હું એને સુખ કહું છું. વળી મનગમતી મીઠાઈ ખાઉં છું ત્યાર પણ આવી જ લાગણી ઊભી થાય છે. પરંતુ મારા જીવનમાં કંઈક કરુણ ઘટના બંને ત્યારે આ મનગમતી મીઠાઈ કે મનગમતું સંગીત મને રાજી કે ખુશ કરી શકતું નથી. એટલે કે એનો આનંદ હું માણી શકતો નથી. મારું કોઈ અંગત સંબંધી કે સગું મૃત્યુ પામે અને તે વખતે કોઈ મને મનગમતા સંગીતના સૂરો છેડે તો હું આમ બોલી ઊઠવાનો : ભાઈ, આ બંધ કરો. મને એ ગમતું નથી !એ જ સંગીત મને આનંદ કે સુખ આપી શકતું નથી.
એટલે એનો અર્થ એ થયો કે સુખ એ વ્યક્તિગત અનુભવ કે બાબત છે અને સંપૂણપણે તે લાગતી-વળગતી વ્યક્તિ પર આધારિત રહે છે. સુખ આત્મલક્ષી છે, હેતુ કે પરલક્ષી નથી. કોઈ પણ સ્થળ કે વસ્તુ એક વખતે એક વ્યક્તિને સુખદ નીવડે પણ બીજા કોઈ પ્રસંગે એ એને દુઃખદાયી પણ લાગે. આવું કેમ બને છે? આવું બનવાનું કારણ એ છે કે આપણાં સુખદુઃખ માટે આપણે જ જવાબદારો છીએ, જગતનાં બાહ્ય પદાર્થો નહિ. આપણે એવું વિચારીએ છીએ કે કેટલાક આપણને સુખ-આનંદ આપે છે, આ ભાઈ મારા માટે દુઃખના ભાર લાગે છે, વગેરે. વાસ્તવિક રીતે આ સાચું નથી. બાહ્ય વ્યક્તિ સ્થલ, પદાર્થો તો માત્ર ઉદ્દીપકનું કાર્ય કરે છે. આ ઉદ્દીપકો આપણા મગજ પર ચેતાતંત્ર દ્વારા અસર કરે છે અને આપણા મનની પરિસ્થિતિ પ્રમાણે તેને  લીધે આપણે દુઃખ કે સુખનો અનુભવ કરીએ છીએ. એટલે જ આપણે જેને સામાન્ય રીતે પ્રેમ-ધૃણા, આશા-નિરાશા, ગમા-અણગમા, સફળતા-નિષ્ફળતા કહીએ છીએ તે આપણા દ્વારા સર્જાયેલી અને આપણા માટેની જ છે. જ્યારે આપણે એમ કહીએ કે આપણે બીજાને ચાહીએ છીએ કે ધિક્કારીએ છીએ ત્યારે આ પ્રેમ અને ધીકારની લાગણી માત્ર આપણી ખાતર જ હોય છે. હિંદુધર્મ પ્રમાણે સર્વોત્કૃષ્ટ સત્ય એ છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે માત્ર આનંદ પ્રાપ્તિ માટે હોય છે. એટલે જ સુખ અને દુઃખના આ દ્વન્દ્વથી પર ઊઠીને પરમાનંદ સુધીની અવસ્થાએ પહોંચવાનું આપણું જીવન ધ્યેય છે.
શું આ દુનિયા સુખ લાવી શકે ખરી ?
આપણા દૈનંદિન જીવનમાં જે સુખ મળે છે તે અત્યંત પ્રાથમિક કક્ષાનું સુખ છે. એ તો માત્ર એવું એક બારણું છે કે જે આપણને દુઃખ અને દર્દ તરફ દોરી જાય છે. એ તો એક પડછાયો માત્ર છે અને મૂળ સુખ તો ક્યાંય બીજે જ રહેલું છે. આ વાત કદાચ થોડી નિરાશાભરેલી લાગશે પણ આપણા કમનશીબે એ જ સાચુ છે. આપણે જેને આ દુનિયામાં મોજમજા, આનંદ કે સુખ કહીએ છીએ તે આપણા જીવન પર અવારનવાર દુઃખદર્દની એજ નિશાની જેવું છે. એટલે કે એના દ્વારા આપણને દુઃખદર્દ મળવાના. એનો અર્થ એ થયો કે આપણે આ દુનિયામાં અહીં સુખ ને ઝંખતા હોઈએ તો તેની પાછળ અવારનવાર દુઃખદર્દને સહન કરવા તૈયાર રેહવું જોઈએ.
આપણે કોઈ વિચિત્ર ચક્રવ્યૂહમાં છીએ. આ વિચિત્ર ચક્રવ્યૂહમાં ફરતા રેહવાનો પણ ક્ષણિક  અંત હોવો જોઈએ. જ્યારે આપણે સમજીએ છીએ કે આ દુનિયા કે વિશ્વ એ સર્વકંઈ નથી ત્યારે એનો અંત આવે છે. આપણે એટલું પણ સમજી લેવું જોઈએ આ જગત એક શિક્ષક છે અને તે આપણને કહે છે: ભાઈ, આ તો એક નમૂનો માત્ર છે. સાચું તો તારે તારી ભીતર શોધવાનું છે.એટલે કે પોતાના બધા ઉજળા પાસા સાથે આ દુનિયા માત્ર એક વસ્તુ ભંડાર જ છે અને તે આપણા મનની લાગણીઓને ઉત્તેજે છે. એની સાથે આપણે સુખી છીએ કે દુઃખી એવું ધારીએ છીએ.
એટલે જ ભગવાન બુદ્ધે સર્વમિદં ખલુ દુઃખં દુઃખં આ દુનિયા દુઃખમય છેએમ કહ્યું છે. એમની દ્રષ્ટિએ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, વગેરેથી ભરેલી આ દુનિયા દુઃખ માત્ર છે, વળી બધું ક્ષણિક છે અને જ્યારે આપણે નિર્વાણ મોક્ષ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે મુક્ત બનીએ છીએ.
બીજી બાજુએ હિન્દુધર્મ એમ કહે છે કે આ જીવન માત્ર દુઃખ જ નથી, અલબત્ત બાહ્યજગત દુઃખ શોક લાવે છે ખરું પણ વેદ પ્રમાણે જીવન એ આનંદ, પરમસુખ છે. વેદો કહે છે :
આ પરમાનંદમાંથી જ પદાર્થો અસ્તિત્વમાં આવે છે. પરમાનંદમાં જ તેઓ અસ્તિત્વ ધરાવે છે અને અંતે પરમાનંદમાં જ પાછા ફરે છે.દરેકેદરેક વસ્તુ પરમાનંદ છે. વેદોમાં આ એક અદભુત મંત્ર છે :
હવા અમૃતના માધુર્યથી ભરપૂર છે. સાગરો પણ માધુર્યથી ભાર્યાપૂર્યા છે. વૃક્ષો અને છોડમાં પણ મધુરતા ભરપૂર ભરી છે. દરેકેદરેક પદાર્થમાં અમૃતનું માધુર્ય છલકે છે.આ વિશ્વ પરિવર્તનશીલ છે એ આપણે બધા જાણીએ છીએ. જે લોકો આ પહેલાં જ્યાં હતા ત્યાં આજે નહિ હોય. એટલે પ્રેમ અને વિદ્વેષના આપણા દ્રષ્ટિબિંદુને પરિવર્તનશીલ બનાવવું જોઈએ. બાળપણમાં આપણે કેટલાક લોકોને અને કેટલીક ચીજવસ્તુઓને ચાહતા હોઈએ છીએ. આજે કદાચ બીજા લોકોને પણ ચાહતા હોઈએ અને બીજી ચીજવસ્તુઓ મેળવવાની ઈચ્છા રાખતા પણ હોઈએ. એટલે કે સર્વકંઈ પરિવર્તન પામતું રહે છે. જગત પણ બાહ્ય દ્રષ્ટિએ બદલતું રહે છે, બધું પરિવર્તનશીલ  છે. આમ છતાં પણ કંઈક એવું છે કે જે પરિવર્તન પામતું નથી, અને એને આપણે જાણતા નથી. આ છે સ્વ કે આત્મા, એ જ મૂળ અને સાચો છે અને આપણે તથા પરિવર્તનશીલ પદાર્થો સાચા નથી. આને  જો આપણે પકડી રાખીએ, ધ્યાનમાં રાખીએ તો તેનાથી આપણને સાચી શાંતિ સાંપડે.
સુખનાં સોપાનો …
હિન્દુધર્મ એટલે જીવન અને તેના વિવિધ પાસા વિશેનો ભાવાત્મક અભિગમ. આ દુનિયા દુઃખદર્દમય છે, એમ તે કેહ્તો નથી. આપણે જે કંઈ પણ આ દુનિયામાં માણીએ છીએ તે સુખ છે, એમ તે કહે છે. આ વાત સાચી છે પણ સુખના વધુ ને વધુ ઉચ્ચતર રૂપો છે. એની શોધન કરતાં રહો. તમે જ્યાં છો ત્યાં જ અટકી ન જાઓ. આગળ ધપતા રહો, વધુ આગળ ધપતા રહો. સુખનાં ઉચ્ચતર સોપાનો છે. એ સોપાનો સર કરો.
શ્રીરામકૃષ્ણ પરમહંસ  એક કઠિયારાની વાર્તા કહેતા. એક કઠિયારો હતો. તે જંગલમાં લાકડા કાપવા જતો, એ લાકડા વેંચતો અને એનાથી પૈસા રળતો. એક દિવસ એને રસ્તામાં એક સાધુ મળી ગયા. સાધુએ તેને  કહ્યું : ભાઈ, આગળ ધપતો રહેજે.આ કઠિયારો સાધુના ઉપદેશને સમજ્યો નહિ. એ જંગલમાં ગયો અને લાકડા કાપવાનું શરૂ કર્યું. એકાએક એને પેલા સાધુએ કહેલા ભાઈ, આગળ ધપતો રહેજે, એમ કહેલું ને! તો ચાલો હુંયે આગળ જઉં.તે થોડો આગળ ગયો ત્યાં જ પોતાના આશ્ચર્ય સાથે એણે ચંદનનું જંગલ જોયું. તે આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યો: અરે ! આટલા દિવસ હું આ સામાન્ય લાકડા કાપીને વેંચતો રહ્યો ! જો મને આ જગ્યાની જાણ હોત તો હું ઘણા પૈસા રળ્યો હોત !આમ વિચારીને એણે ચંદનનાં લાકડાં કાપવાનું શરૂ કર્યું. થોડા સમય પછીએ વળી પાછા પેલા સાધુએ કહેલા શબ્દો યાદ આવ્યા. અને તે જંગલમાં વધુ ઊંડે ગયો. ત્યાં સોનાની ખાણો જોઈને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો….
વેદો પ્રમાણે જેમ જેમ આપણે જીવનમાં ઉત્ક્રાંત થતા જઈએ છીએ તેમ તેમ આપણી સુખાકારીમાં ધીમે ધીમે વૃદ્ધિ થતી રહે છે. એ વૃદ્ધિ આવી હોય છે ભૌતિક સુખાકારી, માનસિક સુખાકારી અને આદ્યાત્મિક સુખાનંદ. આ દુનિયામાં આપણે ગાઈએ છીએ, નાચી છીએ, પીઈએ છીએ, ખાઈએ છીએ, મોજમજા માણીએ છીએ. આપણે ધારીએ છીએ કે આ બધાંથી આપણને સુખ મળશે. આ બધું પ્રાપ્ત કરવા માટે આપણામાંથી મોટા ભાગના લોકો પોતાના જીવનનાં મહત્તમ વર્ષો સતત અને કપરી મથામણ કરતાં રહે છે.પણ કેટલાક સદભાગી લોકોને આટલું મથવું પડતું નથી. આમ છતાં પણ પોતાની જાતને તેમજ આપણા સંજોગોની વચ્ચે આપણે સુખશાંતિમાં હતા કે કેમ એવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ લગભગ ના જેવો રહેશે. બાહ્ય રીતે આપણે વધારે સુખી હોઈએ, વધારે સંપતિ અને ભૌતિક પદાર્થો ધરાવતા હોઈએ તેમ તેમ આપણા મનમાં અસંતોષ, ચિંતા, માનસિક તાણ અને ભયની લાગણી વધુ ને વધુ થતી રહે છે. આ તો પરસ્પર વિરોધી વાત થઇ. આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો? અને જો ન હોય તો શું આ જીવન જીવતાં આપણે સુખી થવાનું કે શાંતિ મેળવવાનું માંડી વાળવું જોઈએ?
ઉપર કહેલી કઠિયારાની બોધકથાના  નાયકની જેમ આપણે આગળ વધતા રહેવું જોઈએ. આમ કર્યાં પછી સ્વભાવિક રીતે એક બીજો પ્રશ્ન સામે આવીને ઊભો રહેવાનો: કેવી રીતે શાશ્વત આનંદ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાં?’ ઉચ્ચતર સુખ મેળવવાની ઝંખના કરીએ ત્યારે આપણે ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે આપણા મૂળ સ્વરૂપ કે આત્મસ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વનાં સંતો અને ધર્મશાસ્ત્રોએ બતાવેલી પદ્ધતિનું અનુસરણ કરીને શાંત મને તેનો અભ્યાસ કરીએ તો આપણે પરમાનંદ અને પરમસુખની પ્રાપ્તીં કરી શકીએ. હિન્દુધર્મ પ્રમાણે કોઈ નીચ કે ક્ષુદ્ર નથી, કોઈ ખરાબ નથી, કોઈ પાપી નથી. આ બધા કહેવાતાં પાપ એક ભ્રામક ખ્યાલ છે. બધા અમૃતના, શાશ્વત શાંતિના સંતાનો છે. સૌ કોઈ એની પ્રાપ્તિ કરી શકે. એનું કારણ એ છે કે બધાં આનંદમય અમૃતમય છે. દુઃખ. દર્દ, શોક, વગેરે તો બહારના પડ માત્ર છે.
તો પછી શાશ્વત સુખ – શાંતિ કેવી રીતે મેળવી શકાય?….સુખ અને શાંતિ ..(ભાગ -૨ ). માં .. આપણે હવે પછી વધુ આવતી કાલે અહીં જોઈશું…. તો જરૂર આપ  ફરી બ્લોગની મુલાકત લેશો  અને પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ જરૂર મૂકશો. આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રેહશે.
બ્લોગ લીંક: http://das.desais.net