જગજ્જનની …

જગજ્જનની … (વિવેકવાણી)

શાકતો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચામાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે હિંદુઓ તેને  “દક્ષિણ માર્ગ” કહે છે; તે આધ્યાત્મિકતા તરફ લઇ જાય છે, ભૌતિક સમૃદ્ધિ તરફ કદી જ નહીં. જ્યારે ઈશ્વરનાં ભયંકર સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે “વામમાર્ગ” કહેવાય છે; તેનાથી સામાન્યત: ભૌતિક સમૃદ્ધિ ખૂબ પ્રાપ્ત થાય છે, પણ આધ્યાત્મિકતા ભાગ્યે જ મળે છે; અને અંતે તે અનાચારને માર્ગે દોરી જાય છે, તથા જે જાતિ  તેનું આચરણ કરે છે તેને  આખરે વિનાશને માર્ગે લઇ જાય છે.
માતા એ શક્તિનું પ્રથમ-પ્રાગટ્ય છે, અને પિતા કરતાં વધુ ઉચ્ચ ભાવના મનાય છે. બાળક પોતાની માતાની બાબતમાં માને છે તેમ ‘માતા’ ના નામની સાથે જ શક્તિનો, દિવ્ય શક્તિનો અને સર્વશક્તિમત્વનો ખ્યાલ પેદા થાય છે. દિવ્ય માતા આપણામાં સુષુપ્ત રીતે રહેલી કુંડલિની (ગૂંચળું વળીને રહેલી શક્તિ,) છે; તેની ઉપાસના કર્યાં સિવાય આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ નહિ. સર્વશક્તિમતી, કરુણામયી, સર્વવ્યાપી, વગેરે બધાં દિવ્ય માના ગુણો છે. વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે. વિશ્વમાં શક્તિની દરેક અભિવ્યક્તિ “મા” છે. તે જીવન છે, તે બુદ્ધિ છે, તે પ્રેમ છે; તે વિશ્વમાં છે, છતાં તેનાથી અલગ છે. તે એક વ્યક્તિ છે, અને જેમ શ્રીરામકૃષ્ણ પરમહંસે  તેને જોઈ હતી અને જાણી હતી તેમ, તેને  જોઈ શકાય અને જાણી શકાય છે. માની ભાવના મનમાં દ્રઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર  આપે છે.
તે આપણને ગમે તે રૂપમાં, ગમે તે પળે, ‘પોતાના દર્શન’ આપી શકે છે. દિવ્ય મા ને રૂપ અને નામ હોય, અગર રૂપ વિના પણ નામ હોય; અને જેમ જેમ આપણે તેની આ વિવિધ સ્વરૂપે ઉપાસના કરીએ તેમ તેમ આપણે નામરૂપ રહિત શુદ્ધ સત્ વસ્તુ તરફ ઊંચે ઊડી શકીએ.
શરીરરચના માંહેના સર્વ કોશોનો કુળ સરવાળો એ એક વ્યક્તિ. તે પ્રમાણે પ્રત્યેક જીવાત્મા એક કોશ જેવો છે, અને તેનો સરવાળો તે ઈશ્વર છે અને તેનાથી પર છે નિર્વિશેષ. સાગરની તરંગરહિત અવસ્થા એ નિર્વિશેષ બ્રહ્મ; તે જ સાગર તરંગમય બને ત્યારે કેહવાય દિવ્યમાતા. માતા જ દેશ, કાળ અને નિમિત્ત છે. ઈશ્વર માતા છે, અને તેની બે અવસ્થા છે; સગુણ અને નિર્ગુણ. સગુણરૂપે તે ઇશ્વર, જીવ અને જગત છે; નિર્ગુણરૂપે તે અજ્ઞાત અને અજ્ઞેય છે. નિર્ગુણમાંથી અસ્તિત્વના ત્રિકોણ સમા ઈશ્વર, જીવ અને જગતરૂપી ત્રિમૂર્તિ નીકળી. આ છે વિશિષ્ટાદ્વૈતવાદ.
જગન્માતાનું એક બિંદુ હતું કૃષ્ણ; બીજું એક બિંદુ બુદ્ધ હતું, અને એક ઈશુ હતું. આપણી ભૌતિક માતામાં રહેલી જગન્માતાના માત્ર એક પ્રકાશઅંશની ભક્તિ પણ ગૌરવ પ્રાપ્ત કરાવે છે. જો તમારે પ્રેમ અને જ્ઞાન મેળવવું હોય તો જગદંબાની ભક્તિ કરો.
– સ્વામી વિવેકાનંદ
વિવેકવાણી – (ભાગ,૯.પૃ.૨૨-૨૩)

આ સાથે ‘મા’ નું એક સુંદર ઉદાહરણ આપીને વાત પૂરી કરીશું …

ગણપતિએ એક વાર બિલાડીને નહોર ભરાવ્યા. ઘરે જઈને એમણે જોયું કે માતા પાર્વતીને ગાલે ઉઝરડો પડ્યો હતો. એ જોઈ એમણે પૂછ્યું : મા, તમારે ગાલે આ ઉઝરડા કેમ કરતાં પડ્યાં?’ જગજ્જનની બોલ્યાં એ તારા હાથનું કામ છે; તારા નખની એ નિશાની છે.અચરજ પામી ગણેશે પૂછ્યું : એ કેમ બને, મા ? મેં તો તમને નખ અડાડ્યો યે નથી. છતાં તમારે ગાલે ઉઝરડો શાનો ?’
મા : બેટા, આજ સવારે તેં બિલાડીને નખ ભરાવ્યા હતાં તે તું ભૂલી ગયો શું ?’ ગણેશે કહ્યું : હા, બિલાડીને નખ ભરાવ્યા હતાં પણ, તમારે ગાલે ઉઝરડો શાનો?’ મા બોલ્યાં: ‘બેટામાં બેટા મારા’ આ વિશ્વમાં મારા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. આખી સૃષ્ટિમાં હું જ છું. તું કોઈ પણ જીવને ઇજા કર તો તું મને જ ઇજા કરે છે.આ સાંભળી ગણેશને ખૂબ આશ્ચર્ય થયું, ત્યાર પછીથી દરેક સ્ત્રીને ગણેશ જગદંબા રૂપે જોતા.’ …
કેટલાક જાણવા જેવા અવતરણો :
 
“ હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ –  જેમ્સ ફેંટન

 


“ શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર ‘સ્ત્રી ‘હતી…! ‘માતા’ એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.” – રજનીશજી ‘ ઓશો ‘


“ શહેરી માતા બાળકને સતત ‘ડીલીવર’ કરે છે …! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા  જીવન પર્યંત …!” – પીટર દ વ્રાઈસ

 

“ જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. …!” – એક ચીની કહેવત

 

જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા …! – ટેનેવા જોર્ડન

 

બ્લોગ લીંક:  http://das.desais.net