માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા …

માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા  …


ફક્ત પૂજા-પાઠ કે કર્મકાંડ જ ધર્મ નથી. ધર્મ માનવજીવનને એક દિશા ચીંધે છે. અલગ-અલગ પંથો, સંપ્રદાયો દ્વારા બનાવવામાં આવેલા નિયમો પ્રેમ, કરુણા, અહિંસા ક્ષમા અને પોતિકાપણાનો ભાવ દર્શાવે છે…’
આજ રોજ આવીજ કાંઈક વાત લઈને આપની સમક્ષ ગો. વા. પ્રા. રમેશભાઈ વિ. પરિખ … ના મંતવ્યો સાથેનો એક સુંદર લેખ માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા’ નું -સંકલન કરી દાદીમાનું ચિંતન જગત ‘ પર શ્રી વિજયભાઈ ધારિયા (શિકાગો-યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ..  આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના મંતવ્યો બ્લોગ પોસ્ટ પર  મૂકેલ કોમેન્ટ્સ  બોક્ષમાં મૂકશો., આપના પ્રતિભાવ સદા અમોને આવી પોસ્ટ મૂકવા માટે પ્રેરકબળ પૂરું પાળે છે. ….

 

માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા …
માનવજીવનમાં ધર્મના મુખ્ય બે ઉપયોગ છે :
(૧) માણસને માણસાઈવાળો માણસ બનાવવાનો; અને
(૨) ઈશ્વરપ્રાપ્તિ કરવાનો.
જ્યારે આપણા જીવનમાં ધર્મ નથી હોતો, ત્યારે આપણામાં આસુરી–રાક્ષસી વૃત્તિઓ વિશેષ હોય છે. ધર્મની સાધનાથી માણસ આસુરી વૃત્તિઓને છોડે છે અને દૈવી વૃત્તિઓવાળો બને છે. આ દૈવી સંપત્તિ માણસને મહાન બનાવે છે. દૈવી સંપત્તિથી માનવજીવનમાં શાંતિ, સ્વસ્થતા અને સુખ પ્રાપ્ત થાય છે. માણસને તેનું જીવન જીવવાલાયક લાગે છે. તે જીવન જીવવામાં તેને આનંદ આવે છે.
જે ધર્મશુધ્ધ જીવન જીવે છે, તેને ધર્મસાધનાના પરિણામે તે જન્મમાં અથવા જન્મ બાદ ઈશ્વરની અનુભુતિ થાય છે. સાચો આનંદ ઈશ્વર પાસે જ છે, જગતમાં નથી; એવી સમજણ મળતાં, આનંદનો ભૂખ્યો માણસ આનંદ મેળવવા ઈશ્વરની દિશામાં ધર્મમાર્ગે ચાલતો રહે છે. તેથી તેનું તન અને મન બન્ને દિવ્ય બને છે; આનંદનો અનુભવ કરનારું થાય છે, જે તેના જીવનનું અંતિમ લક્ષ્ય છે. આમ, ધર્મ માનવજીવનનો પ્રાણ છે એમ કહીએ તો ખોટું નથી.
ધર્મનું સ્વરૂપ આટલું દિવ્ય હોવા છતાં, આખી જિંદગી ધર્મપાલન કરવાં છતાં, ધર્મની દિવ્યતાનો અનુભવ કેમ થતો નથી ?
મોટા ભાગના માણસો વંશપરંપરાથી જે કાંઈ સાચુંખોટું સમજ્યા, તે પ્રમાણે ધર્મને જીવતા રહ્યા છે; ધર્મનું પાલન યંત્રવત્ કરતા રહ્યા છે. આથી, ધર્મ તેમના જીવનમાં જીવતો રહ્યો નથી. સાચા ધર્મના સ્થાને તેમના જીવનમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ છે. આજે આપણે જોઈએ છીએ કે માણસ એક બાજુ ધર્મનું આચરણ કરતો હોય તો બીજી બાજુ અનેક અનીતિઓ આચરતો હોય. મંદિરમાં ઈશ્વરની સામે તે અસત્ય બોલતો હોય, સેવાપૂજા કરતાં મનમાં તે પાપના વિચારો કરતો હોય. આજે માણસની કરણી ને કહેણીમાં ઘણું અંતર પડી ગયું છે. આપણે ધર્મને વિકૃત અને ભ્રષ્ટ કર્યો છે. જેમ ગંદા વાસણમાં રહેલુ દૂધ બગડીને ખાટું થઈ જાય, ત્યારે તે પીવાથી ગુણ નહીં પણ અવગુણ કરે; એવી જ રીતે ભ્રષ્ટ ને વિકૃત બનેલા ધર્માચરણથી આપણા તન–મન વિકૃત અને ભ્રષ્ટ થાય છે. આપણો આસુરી સ્વભાવ વધારે આસુરી બને છે. માટે જ શાસ્ત્રોએ કહ્યું કે જે ધર્મનું રક્ષણ કરશે, તેનું રક્ષણ ધર્મ કરશે. આથી, ધર્મપાલન સજાગતાપૂર્વક કરવાનું છે, વંશપરંપરાના અનુકરણ મુજબ કે બીજાના દેખાદેખી નહીં.
ધર્મનો સંબંધ સમગ્ સૃષ્ટિ સાથે છે. સૃષ્ટિમાંનો કોઈ વિચાર ધર્મથી અલગ નથી. તેથી ધર્મનો સંબંધ વિજ્ઞાન સાથે પણ છે. ધર્મ અને વિજ્ઞાન બંન્નેનો હેતુ જગતમાં છૂપાં રહસ્યો શોધવા અને સમજાવવાનો છે. ધર્મ અંત:કરણથી તેની શોધ કરે છે, જ્યારે વિજ્ઞાન આંખ અને કાનથી તેની શોધ કરે છે. વિજ્ઞાનની કસોટી ભૌતિક છે, ધર્મની કસોટી આધ્યાત્મિક છે. વિજ્ઞાન બુધ્ધિથી સમજવા મથે છે, ધર્મ હ્રદયથી સમજવા મથે છે, ધર્મની સમજણમાં વિજ્ઞાનનાં સત્યો પૂરેપૂરાં ઝિલાયાં છે. તે પરમ સત્યોને ધર્મે સેંકડો વર્ષ પહેલાં સમજાવ્યા છે. વિજ્ઞાનમાં વિશેષ જ્ઞાન છે, તો ધર્મમાં પ્રજ્ઞાન છે. વિજ્ઞાનનું ક્ષેત્ર મર્યાદિત છે, ધર્મનું ક્ષેત્ર અમર્યાદિત છે. વિજ્ઞાન જે નથી સમજી શક્યું, એવાં સત્યો પણ જગતમાં ધર્મ દ્વારા સમજી શકાય છે. માટે ધર્મના વિચાર અને આચારમાં વિજ્ઞાન–તત્વ પૂરેપૂરું રહેલું છે. વિજ્ઞાનની જે મર્યાદા છે, તે મર્યાદાથી ધર્મ ઘણો ઊંચો છે. એટલે ધર્મને કેવળ વિજ્ઞાનની પ્રયોગશાળામાં ચકાસી શકાશે  નહિ. તેને માટે હ્રદયની પ્રયોગશાળાની જરૂર છે.
પ્રસિદ્ધ ચિંતક અને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન કહે છે કે ‘વિજ્ઞાનની પ્રયોગશાળામાં સુક્ષ્મ પદાર્થોનું વજન કરવાનો કાંટો હોયછે. ઘઉં–ચોખાની ૧૦૦ કિલોની ગુણીનું વજન કરવા કમ્પાઉન્ડ કાંટો હોય છે. આખી ટ્રકનું વજન વે–બ્રીજ(way-bridge)ના કાંટા પર થાય. જેવો પદાર્થ, તેવો કાંટો.
‘એવું જ સંસાર અને ધર્મનું છે. સંસારના કાંટે ધર્મ જોખી શકાતો નથી. આજે આપણામાં ધર્મ વિષેના સાચા જ્ઞાનનો અભાવ વધારે છે, ભ્રમ ઘણા છે; કારણકે આપણે સંસારના કાંટે ધર્મને જોખવાની અબૌદ્ધિક ચેષ્ટા કરીએ છીએ. વિજ્ઞાન પણ અધ્યાત્મને સમજાવવા અસમર્થ છે.’
– ગો. વા. પ્રા. રમેશભાઈ વિ. પરિખ …

 

My religion consists of a humble admiration of the illimitable superior spirit who reveals himself in the slight details we are able to perceive with our frail and feeble minds. That deeply emotional conviction of the presence of a superior reasoning power, which is revealed in the incomprehensible Universe, forms my idea of God.

– Albert Einstein

 

સાભાર : લેખ પ્રાપ્તિ /સંકલન : વિજય ધારિઆ (યુ એસ એ )

 

બ્લોગ લીંક: http://das.desais.net
નોંધ : મિત્રો બે દિવસ અગાઉ  ઉખાણા ભાગ .. ૩  ની પોસ્ટ મૂકેલ, તે ઉખાણા  ના જવાબો  / ઉકેલ  જાણવા  અહીં પોસ્ટના નામ પર ક્લિક કરશો જે તમને પોસ્ટ પર લઇ જશે.  તમારા જવાબ ત્યાં મેળવી લેશો …

ઉખાણા (ભાગ – ૩) … (ઉકેલ)

 

આભાર !
પૂર્વી મલકાણ -મોદી (યુ એસ એ )