ઉખાણા (ભાગ – ૩) …

ઉખાણા (ભાગ – ૩ ) …
આજે ફરી એક વખત પૂર્વિબેન, નાના બાળકો માટે તેમજ યુવાધન સાથે વડીલો માટે એક સુંદર મજાની પોસ્ટ ઉખાણા ભાગ … ૩ લઈને આવ્યા છે.  ઉખાણા ભાગ…૨ ની પોસ્ટ જ્યારે મૂકી હતી ત્યારે અમારા શુભચિંતક વડીલ બ્લોગર નીલાબેન તેમજ અન્ય વાંચક મિત્રોએ એક નિવેદન પણ કરેલ કે ઉખાણા ના જવાબ પોસ્ટ સાથે  તૂરત ના આપશો  અને થોડો સમય અમોને જવાબ આપવા માટે આપશો.  બસ, તે વિચારને સ્વીકારી  અને  આજની પોસ્ટ મૂકેલ છે. આજે કોયડા સાથે જવાબ આપેલ નથી, જવાબ તમારે આપવાના છે.
તો ચાલો બાળકો સાથે બચપણ યાદ કરીએ અને સાવ સરળ કોયડા ના  જવાબ આપવા કોશિશ કરીએ.  જો જો સમય આપ્યો છે તો કોશિશ જરૂર કરશો. સાચો ઉકેલ આપણે અહીં જ બે દિવસ બાદ મેળવીશું, જે મિત્રો પ્રતિભાવ દ્વારા જવાબ આપવા કોશિશ કરશે તેમને તેમના જવાબ  સાચા છે કે ખોટા તે પ્રત્યુત્તર  ઈ મેઈલ  દ્વારા પણ આપીશું. હાઁ પણ કોમેન્ટ્સ સાથે ઈ મેઈલ એડ્રેસ આપવું જરૂરી છે. આવી સુંદર પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો અત્રે પૂર્વિબેન મલકાણ-મોદી (યુએસએ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ., અને સાથે સાથે તેમને વિનંતિ પણ કરીશું કે આવી અન્ય પોસ્ટ પણ જરૂર ભવિષ્યમાં આપતા રેહશો.  આપનાં દરેક પ્રતિભાવ લેખકની કલમને સદા બળ પૂરે છે તો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ….


૧) લીલી માછલીના ઈંડા લીલા પણ,
માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.

 

૨) એ તો ભાઈ તો છે ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.

 

૩) નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ
પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ.

 

૪) એ તો ભાઈ તો ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.

 

૫) કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.

 

૬) નાનેથી મોટું થાઉં, રંગબેરંગી પાંખો લગાવું
હવાની લહેરોમાં તરતું જાઉં, ફૂલો સંગે વાતો કરતું જાઉં.

 

૭) શ્રી હરિ થી પણ હું હરિયાળો છું
નાના મોટા સૌનો લાડકવાયો છું.

 

૮) વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી
બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી.

 

૯) બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી
કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે.

 

૧૦) નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.

 

૧૧) ન તો હું સાંભળી શકું, ન તો હું બોલી શકું
આંખ તો મારે છે પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.

 

૧૨) ટર ટર ટર ટર કરતાં ગાય છે, જાણે પોતાનું ગીત સંભળાવે છે
જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.

 

૧૩) આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું,
જીવોની હું રક્ષા કરી , ફળ ફૂલનું દાન આપું છું.

 

૧૪) પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ
ભય જોઈને કોકડું વળતો, બની જાતો ખુદની ઢાલ.

 

૧૫) કાન મોટા ને કાયા નાની, ને કોમળ એના વાળ
કોઈ એને પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.

 

૧૬) છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર
લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.

 

૧૭) મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન
પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન.

 

૧૮) જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો
જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો.

 

૧૯) થાકવાનું ન મારે નામ, રાત દિવસ હું ચાલતી રહેતી
જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, આગળ વધવાનો સંદેશો હું જાતી.

 

૨૦) ખુલ્લા આસમાનમાંથી જનમું છું, લીલા ઘાસ પર સૂઈ જાઉં છું
મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.


૨૧) ન ખાય છે ન પીવે છે, બસ અજવાળાને સાથે લઈને ચાલે છે
પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.


૨૨) શાકભાજીમાં હું છું સૌથી કડવો, પણ ગુણ મારા અપાર
રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ.

 

૨૩) તડકો લાગે તો ઊભો થાતો, છાયોં આવે તો મરી જાતો
જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.

 

૨૪) જો તે જાય તો પાછો ન આવે, પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે
આખી દુનિયામાં ચર્ચા એની એ તો સૌથી બળવાન ગણાતો.

 

૨૫) એક બગીચામાં અનેક ફૂલ, ને તે ફૂલોનો છે એક રાજા
રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.

 

૨૬) ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર
બંધ ડબ્બાનું તાળું ખોલી, સામાન સઘળો લઈ જાતો.

 

૨૭) રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.


૨૮) જેમ જેમ  સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે
રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.


૨૯) સુવાની એ વસ્તુ છે પણ શાકભાજીવાળો વેચે નહીં
ભાવ તો વધારે છે નહી, પણ ભારમાં એ ભારી છે.


૩૦) અડધું છું ફળ ને અડધું છું ફૂલ,
કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.


સાભાર : સંકલન .. પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net

 

મિત્રો,  ઉખાણા ભાગ … ૩ નો ઉકેલ જાણી લઈએ…. આપ સર્વે મિત્રોએ પોસ્ટ પસંદ કરી તે બદલ આભાર, થોડી મેહનત અમારા માટે લઇ અને  કોમેન્ટ્સ બોક્ષ પર સાચા -ખોટા જવાબ પણ આપવાની કોશિશ કરી હોત તો વધુ અમોને ખુશી થાત. ઠીક છે ફાસ્ટફૂડ ના સમયમાં અને જિંદગી ની ભાગદોડમાં કદાચ સમય પણ વિચારવાનો મેળવવો મુશ્કેલ બની ગયો હશે ?    હા, બે  પાઠક મિત્રો …  માધવભાઈ અને ઉષાબેન જાની એ જવાબ આપવા માટે કોશિશ કરી તે બદલ તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ.  …  સૌ મિત્રો નો  અભાર !

 

ઉખાણા ભાગ ..૩  નો ઉકેલ … (જવાબ)

 

૧]  વટાણા ૨] સસલું ૩] કીડી ૪]  ઊંટ ૫]  હિપોપોટેમસ ૬]  પતંગિયું ૭]  ભગવાન કૃષ્ણ

૮]  છત્રી ૯] કોયલ ૧૦]  હરણ ૧૧]  ચોપડી ૧૨]  દેડકા ૧૩]  વૃક્ષ ૧૪]  કાચબો

૧૫]  સસલું ૧૬]  કરોળિયો ૧૭]  અગરબત્તી ૧૮]  દર્પણ ૧૯]  ઘડિયાળ ૨૦]   ઝાકળ બિંદુ

૨૧]  પડછાયો ૨૨]  કારેલાં ૨૩]  પરસેવો ૨૪]   સમય ૨૫]  ચંદ્ર અને તારા ૨૬] પોસ્ટમેન

૨૭]  ચાંદામામા ૨૮]  સાબુ  ] ૨૯]  ખાટલો ૩૦]  ગુલાબજાંબુ

 

સાભાર સંકલન :  પૂર્વી મલકાણ – મોદી (યુએસએ)