૧) વશીકરણ મંત્ર .. ૨) સ્વાભિમાન … અને ૩) પરમાત્માની કૃપા … (પ્રેરક્કથાઓ)

(૧) વશીકરણ મંત્ર … , (૨) સ્વાભિમાન … અને (૩)પરમાત્માની કૃપા … (પ્રેરક્કથાઓ) …


(૧) વશીકરણ મંત્ર  ….


સંત દાદુ પાસે એકવાર એક સ્ત્રી આવી. એની સમસ્યા એ હતી કે એનો પતિ હંમેશાં એનાથી રિસાતો અને એના પર ક્રોધે ભરાતો. એણે લીધે ઘરમાં હંમેશાં અશાંતિ અને અશાંતિ જ રહેતી. સ્ત્રી આવીને પોતાની રામકહાની સંત દાદુને કહી સંભળાવી. એના દુઃખના નિવારણ માત્યે કોઈ વશીકરણનું તાવીજ હોય તો આપવા કહ્યું. દાદુએ એમને સમજાવ્યું કે પતિના દોષ અને દુર્ગુણ પર વિચાર કરવા કરતાં સાચા દિલથી જો એ એની સેવા કરશે તો પતિ જરૂર વશમાં આવી જશે. સાચા દિલની સેવાથી માનવ તો શું, પશુને પણ વશ કરી શકાય છે. સંત દાદુની આ વાત પેલી સ્ત્રીને ગમી નહિ. એણે તો એકને એક વાત વારંવાર કહી. એને માટે એક વશીકરણનું તાવીજ આપો. એના પ્રભાવથી પતિ સુધારી જશે. સ્ત્રીએ તો હઠ લીધી એટલે દાદુએ એક કાગળના ટુકડા પર બે પંક્તિઓ લખીને એ ટુકડાને એક જુના તાવિજ્માં રાખીને સ્ત્રીને પહેરવાનું કહ્યું.

 

આશરે એકાદ વર્ષ પછી એ સ્ત્રી કેટલીયે ભેટસોગાદો લઈને આવી. સંત દાદુને પ્રણામ કર્યાં અને કહ્યું : ‘મહારાજ, આપે આપેલા તાવિજ્ના પ્રભાવથી પતિ પૂરેપૂરા મને વશ થઇ ગયા છે. ઘરમાં લડાઈ ઝઘડાં થતાં નથી અને સદાને માટે શાંતિ છવાઈ ગઈ છે.’ આ વાત સાંભળીને ત્યાં બેઠેલા દાદુના શિષ્યોને અને બીજાં હાજર લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. સંત દાદુ આવાં તાવીજ-બાવીજ આપતાં નહિ. શિષ્યોના અને ત્યાં આવેલા લોકોના મોંના હાવભાવ જોઈને એ સ્ત્રીને દાદુએ તાવીજ ખોલવા કહ્યું. બધા લોકોને ઉદ્દેશીને કહ્યું : ‘એ કાગળમાંથી નીકળનાર વશીકરણ મંત્ર તમે બધા કંઠે કરી લેજો.’

 

સ્ત્રીએ તાવીજ ખોલ્યું. એ કાગળના ટુકડા ઉપર આવો દોહો હતો :

 

દોષ દેખ મત ક્રોધ કર, મન સે શંકા ખોય |
પ્રેમ ભરી સેવા લગન સે પતિ વશ મેં હોય ||


એ વખતે સ્ત્રીને ખ્યાલ આવ્યો કે સંત દાદુએ એ તાવીજ તો એને ખુશ રાખવા દીધું હતું. વાસ્તવિક રીતે સ્ત્રીના પોતાના આચાર અને વ્યવહારથી જ પતિનો ક્રોધ અને રોષ વશમાં આવી ગયો.

 

(૨) સ્વાભિમાન …


૧૮૫૭ ભીષણ સંગ્રામમાં બ્રિટિશ સેનાની સર હ્યુરોજે જોયું કે વિજયશ્રી તો એમને જ મળવાની છે. એટલે એણે તત્કાલીન મોગલ બાદશાહ બહાદૂર શાહ જાફરને ઉર્દુમાં નીચેની કાવ્ય પંક્તિઓ લખીને મોકલી.

 

સર હ્યુરાજે ભારત આવ્યા પછી હિંદી અને ઉર્દૂ ભાષાનું ગહન અધ્યન કર્યું હતું અને તેઓ કાવ્ય રચનામાં પણ નિપુણ બની ગયા હતા. એમણે આ બે પંક્તિઓ લખવામાં કંઈ મુશ્કેલી ન પડી.

 

એ પંક્તિઓ આ હતી :
‘દમદમા મેં દમ નહીં, અબ ખૈર માઁગો જાન કી |
એ જફર ઠંડી હુઈ, શમશીર હિન્દુસ્તાન કી ||’


હે જફર, હિન્દુસ્તાની સૈનીકોની તલવાર ઠંડી પડી ગઈ છે. હવે એમાં જરાય દમ, શક્તિ કે સાહસ નથી. એમણે તો પોતાના પ્રાણની ભીખ માગવી જોઈએ.

 

બાદશાહ બહાદૂર શાહ સ્વયં ‘જફર’ ના ઉપનામથી શાયરી કરતા.

 

સ્વાભિમાની કવિએ સર હ્યુરોજના શેરના જવાબમાં આ બે પંક્તિઓનો શેર લખીને મોકલાવ્યો :

 

ગાજિઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી |
તબ તલક લંદન ચલેગી તેગ હિન્દુસ્તાનકી ||


હે સરદાર ! અમારા હિન્દુસ્તાનીઓની રગેરગમાં ધર્મ અને ઈમાન કાયમ છે, અમારા હુન્દુસ્તાની વીર ઝઝૂમતા રહેશે અને એમની તલવારો લંડનના તખ્ત સુધી પહોંચી જશે.

 

એટલે જ અમારે પ્રાણની ભીખ માગવાનો કે આત્મસમર્પણ કરવાનો પ્રશ્ન જ નથી આવતો.

 

(૩) પરમાત્માની કૃપા …


એકવાર સંત ઉસ્માન પોતાના શિષ્ય સાથે એક ગલીમાંથી પસાર થતા હતા. કોઈ એક ઘરમાંથી એ વખતે એક સ્ત્રીએ રાખથી ભરેલું વાસણ ગલીમાં ફેંકી દીધું. બધી રાખ સંત ઉસ્માન પર પડી. એમણે પોતાનું માથું, હાથપગ ખંખેર્યા, કપડાં ખંખેર્યા અને શાંત ભાવે હાથ જોડીને બોલ્યા : ‘ હે દયામય પ્રભુ ! તમને ધન્યવાદ હજો.’ આમ કહીને તેઓ તો આગળ ચાલવા લાગ્યા.

 

એમની સાથે રહેલાં શિષ્યથી રહેવાયું નહિ. એણે પૂછી નાખ્યું : ‘ગુરુદેવ ! આપે એ વખતે પરમાત્માને ધન્યવાદ કેમ પાઠવ્યા ? ખરેખર તો તમારે આ રાખથી કપડાં-શરીર બગડ્યાં એ માટે પેલા મકાન માલિકને ફરિયાદ કરવાની જરૂર હતી, ખરું ને ?’ સંતે કહ્યું : ‘ અરે ભાઈ, હું તો આગમાં સળગાવવા જેવો છું. પ્રભુએ રાખથી ચલાવી લીધું. એટલે હું પ્રભુનો આભાર માનતો હતો.’

 

બ્લોગ લીંક: http://das.desais.net
બ્લોગ પરના આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય અને પ્રેરણાદાયક બની રહે છે…  આપ જરૂર કોમેન્ટ્સ બોક્ષમાં તમારા પ્રતિભાવ આપતા રહેશો. ….