સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી …

સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી  …

 

‘મોટાભાગે પરિવારમાં મોટા લોકો જ બાળકો માટે ત્યાગ કરે છે. સફળ જીવન એ જ છે જેમાં સંતાન પોતાના માતા-પિતા માટે ત્યાગ કરવાનું શીખે. એ લોકો સૌભાગ્યશાળી હોય છે, જેમની સંતાન તેમની માટે ત્યાગ કરે છે. પરંતુ એવા સંતાન મેળવવા માટે કિમત પણ ચૂકવવી પડે છે. જે લોકો પોતાના બાળકો માટે ત્યાગ કરવાનું શીખી જાય છે, તેમના સંસ્કાર અને યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તેમનો મોહ છોડી દે છે,તેઓ જ સંતાનનું સુખ જોઈ શકે છે.’…
આજ રોજ આપની સમક્ષ ડૉ.ગુણવંત શાહ ના મંતવ્યો સાથેનો એક સુંદર લેખ… સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી … નું -સંકલન કરી દાદીમાનું ચિંતન જગત પર શ્રી વિજયભાઈ ધારિઆ  (શિકાગો-યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ..  આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના મંતવ્યો બ્લોગ પોસ્ટ પર  મૂકેલ કોમેન્ટ્સ  બોક્ષમાં મૂકશો., આપના પ્રતિભાવ સદા અમોને આવી પોસ્ટ મૂકવા માટે પ્રેરકબળ પૂરું પાળે છે. …હર્બર્ટ સ્પેન્સર મૌલિક વિચાર ધરાવતો હતો. ઈમેન્દ્રઅલ કૅન્ટ અને શોપનહોરની માફક એ આજીવન અપરિણીત રહ્યો. એ જ્યારે ખૂબ ઘરડો થયો ત્યારે એક દિવસ મિત્રોએ એના ખોળામાં એણે લખેલા ‘ધ સિન્થેટિક ફિલોસોફી’ના અઢાર ગ્રંથો આદરપૂર્વક મૂક્યા. થોડી વાર શાંત રહીને સ્પેન્સરે માત્ર એટલું જ કહ્યું, ‘આ ગ્રંથોને બદલે અત્યારે મારા ખોળામાં મારો પૌત્ર હોત તો મને વધારે આનંદ થાત.’
માતપિતા બનવું એ બહુ મોટો લ્હાવો છે અને કદાચ  તેથી જ એમાં બહુ મોટી જવાબદારી રહેલી છે. જેઓની વિચારવાની આદત છૂટી ગઈ છે એવા લોકો માટે માતપિતા બની જવું એ કેવળ જીવશાસ્ત્રીય (Biological) ઘટના છે. જેઓ વિચારવાના છે તેવા યુગલોને માટે માતપિતા હોય એ એક મનોવૈજ્ઞાનિક સામાજીક અને આધ્યાત્મિક (Psycho-social and Psycho-Spiritual) ઘટના છે. આપણા દેશમાં બની બેઠેલા માબાપોનો તોટો નથી પરંતુ સમજુ માતપિતા દીવો લઈને શોધવા નીકળીએ તો જ મળે. પશ્ચિમના માલદાર દેશોની હાલત આપણા કરતાં ય ભૂંડી છે.
સંતાન ન હોય એવા માબાપ દુઃખી છે પરંતુ ઉધાર સંતાનોના માબાપ વધારે દુઃખી છે. આજકાલ સમાજમાં વ્યસનો, ઉજાગરા,સ્વછંદ, સુખવાદ અને ભ્રષ્ટાચારની બોલબાલા આગળ સંસ્કારથી શોભતો વિનય–વિવેક લગભગ લાચાર બની જાય એવી સ્થિતિમાં છે. ક્યારેક તો સંતાનો એવી રીતે વર્તે છે કે , માબાપને આશ્ચર્ય થાય કે એમનું સંતાન આવું તે હોઈ શકે! આવાં દુઃખદ આશ્ચર્યો હવે વધતાં જ રહેવાના છે. તેથી સંસ્કારી માબાપોએ પણ અસંસ્કારી સંતાનો માટે માનસિક રીતે તૈયાર રહીને થોડોક વૈરાગ્યભાવ કેળવી લેવો પડશે. ગાંધી–કસ્તુરબાને પણ હરિલાલ મળી શકે છે.
એક રાજાએ કોઈ માણસને મૃત્યુદંડની સજા ફરમાવી. પેલા માણસે કાલાવાલા કરીને રાજાને કહ્યું ‘મને એક વર્ષ જીવતો રહેવા દો તો હું તમારા આ ઘોડાને ઊડતાં શીખવાડી દઉં.’ રાજા સંમત થયો પણ એક વર્ષને અંતે જો ઘોડો ઊડતાં ન શીખે તો મોતની સજાનો અમલ થશે એવી ધમકી આપી. પાછળથી પેલા માણસે પોતાની વૃત્તિ અંગે કહ્યુઃ ‘કોને ખબર છે ! એક વર્ષ દરમિયાન રાજા મરી જાય કે પછી હું મરી જાઉં કે પછી ઘોડો મરી જાય એમ બની શકે છે. અને હા, કદાચ ઘોડો ઊડતાં શીખી જાય એમ પણ બને ! જે માબાપ પોતાના સંતાન વિષે બધી આશા ખોઈ બેઠાં છે તેમને આ પ્રસંગ હું ભાવપૂર્વક અર્પણ કરું છું.
સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે, વર્ષગાંઠને દિવસે માતપિતા સંતાનને શાની ભેટ આપે છે? એકાદ સારું પુસ્તક આપનારા માબાપ કેટલાં ?
આપણી મર્યાદાઓ માટે જમાનાને દોષ દઈને છૂટી જવાની ટેવ સદીઓથી ચાલી આવે છે. આજનો સમય ગમે તેટલો વિચિત્ર હોય તોય હજી બાળઉછેરમાં વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવતાં અને પ્રમાણમાં સાત્વિક જીવન જીવનારાં માતપિતાનાં સંતાનો એકદંરે વિનયશીલ જોવા મળે છે. નવી પેઢીને ઉપદેશ તથા ઉપદેશકની એલર્જી હોય છે. આવી એલર્જી સર્વથા વાજબી છે તેથી ટાળવા જેવી છે.
તમે આસપાસ નજર ફેરવજો. જેમના ઘરમાં હરામનો પૈસો નથી આવતો, જેઓ પોતાને ભાગે આવેલું કર્મ પ્રામાણિકતાથી કરે છે અને જેઓ બીજાઓની થોડી ઘણી દરકાર રાખીને જીવે છે એવાં માબાપને સંતાનોની પીડા ખાસ નહીં હોય. અપવાદો તો હોવાના. પરંતુ એક વાત ચોક્કસ કે માતપિતાના આચરણની સંતાનો પર બહુ મોટી અસર પડે છે. હરામનો પૈસો ઘરમાં ન આવે તે વ્યવહારશુદ્ધિ ગણાય. પોતાને રોટલો રળી આપનારું કામ દિલ દઈને કરે એ કર્મશુદ્ધિ ગણાય. બીજાઓ માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ ભાવશુદ્ધિ. કર્મશુદ્ધિ અને ભાવશુદ્ધિ માટે થોડી ઘણી મથામણ કરે તેમને સંતાનોના ઉધામા વેઠવાનો વારો ભાગ્યે જ આવે. અપવાદરૂપે આવા સાત્વિક માતાપિતાને ત્યાં નમૂના પાકે ત્યારે આદિ શંકરાચાર્યની પંક્તિ યાદ કરીને સંસારની લીલા સાક્ષીભાવે નિરખવી અને ભાર ન રાખવા. શંકરાચાર્ય કહે છેઃ ‘કા તે કાન્તા, કસ્તે પુત્ર, સંસારો–યમતીવ વિચિત્રઃ’ (કોણ તારી પત્ની ? કોણ તારો પુત્ર ? આ સંસાર બડો વિચિત્ર છે.) જેમને ત્યાં સારા સંતાનો હોય તેમણે પણ આ પંક્તિ, દિવસમાં એક વાર તો ઉદગારવી જ જોઈએ. ઘણી રાહત રહેશે. હજીયે ઘરનું ડાઈનીંગ ટેબલ તૂટતા પરિવારોને બચાવી શકે તેમ છે. જમતી વખતે જનરેશન ગેપ વાસ્તવમાં કમ્યુનીકેશન ગેપ છે.
વર્ષગાંઠને દિવસે સુખી માબાપ ચોકલેટના પૅકેટ આપે છે અને મોંઘીદાટ કેક પોતાના બાળક પાસે કપાવે છે. મીણબત્તીઓ હોલવાય છે અને સ્વજનો સાવ બેસુરા રાગે ‘હેપી બર્થ ડે ટુ યુ’ ગીત ગાય છે. ભાગ્યે કોઈ સમજુ માતપિતા પોતાના ફરજંદને એક સુંદર પુસ્તક ભેટ તરીકે આપે છે. જેઓ ભણેલાં છે છતાંય સારા પુસ્તકો નથી વાંચતાં તેમને ત્યાં ડફોળ સંતાનો પાકે તેમાં નવાઈ પામવાની જરૂર નથી. હું તો ભારપૂર્વક સૂચવું છું કે સમજુ ગુજરાતી માતપિતાઓએ વર્ષગાંઠને દિવસે સંતાનોને ‘ભૂમિપુત્ર’, ‘નવનીત–સમર્પણ’, કે ‘વેવલેન્થ’ જેવાં સામયિકોનું લવાજમ ભેટ તરીકે આપવું જોઈએ. લખી રાખવું કે માલદાર માબાપને ત્યાં સંતાન પીડા હોવાની સંભાવના વધારે છે. આવા માબાપ ક્યારેક કહે છેઃ ‘અમે વેઠી તેવી મુશ્કેલીઓ અમારા બાળકોને ન પડે તેવું અમે ઈચ્છીએ છીએ.’ આ વિધાનમાં જ હીનવીર્યતા અને બેજવાબદાર સુખવાદના બી વવાઈ જાય છે.
સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે અને પછી વ્યસની સંતાનોના પરાક્રમો વેઠતાં રહે છે. મથામણ કરનારા માટે અંગ્રેજીમાં ‘સ્ટ્રગલર’ શબ્દ પ્રચલીત છે. પ્રત્યેક યુવાન સ્ટ્રગલર હોવો જોઈએ. સંતાનો ઉધાર પાકે તે માટે એડવાન્સ બુકિંગ કરાવવું અને પછી દુઃખડા રડવાં એ તો વિચારહીન માબાપોનો અધિકાર ગણાય. તેઓ ઘડપણમાં ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પોતાના કૂકર્મોના ફળ એકઠાં કરે છે.
માબાપ બનવું જરાય અઘરું નથી, સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી. જમાનો માનીએ તેટલો ખરાબ નથી. હજીય એવા તો લાખો પરિવારો છે જ્યાં માતપિતા અને સંતાનો વચ્ચે મિત્રતાનો સેતુ રચાયેલો જોવા મળે છે, જ્યાં રોજ સહકુટુંબ પ્રાર્થના થાય છે અને જ્યાં જમતી વખતે એકાદ  મજાકને સહારે હાસ્યની છોળો ઊડે છે, જે પરિવારમાં કોઈ પુસ્તક કે સામયિકના લેખની ચર્ચા સૌ સાથે બેસીને કરે એવું વાતાવરણ હોય ત્યાં ઉધાર સંતાન પાકે તો મને જાણ કરજો. મારે એ સંતાનની ભીતર જાગેલા તોફાનને સગી આંખે નીરખવું છે. આવા કોઈ કમનશીબ સંતાનનો જામીન થવા હું તૈયાર છું.
– ડૉ. ગુણવંત શાહ
સાભાર : સૌજન પ્રાપ્તિ: સંકલન .. વિજયભાઈ ધારિઆ  (શિકાગો-યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net