શાકભાજી ને ફળોની લોકોક્તિરૂપી જોડકણા … (ભાગ – ૪) …

શાકભાજી ને ફળોની લોકોક્તિરૂપી જોડકણા  … (ભાગ-૪) …
જોડકણા એટ્લે અનેક વિચારોને જોડીને બનાવેલ ગીત . ખાસ કરીને જોડી જોડીને બનાવેલ વાક્યો એ બાળકો માટે ખાસ હોય છે, કારણ કે બાળકોને શીખવવાના હેતુસર, બાળકોને ગમે તેવી બોલી તથા ખાસ કરીને બાળકોને યાદ રહે તેવી નાના નાના વાક્યોની બોલીને જોડીને બનાવવામાં આવેલ વાક્યોને જોડકણા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે જોડકણા અને લોકોક્તિ રૂપી જોડકણા એ બંનેમાં શું ફર્ક હોય ?  ઉક્તિ એટ્લે વાક્ય અને લોક એટ્લે માણસો. સમય, સંજોગ અને ઋતુઓ પ્રમાણે આચાર વિચાર અને આહાર વિષેની જે માન્યતાઓ હોય તેને લોકોક્તિ કહેવાય.  આજે પણ આપણાં સમાજમાં ઘણી જ લોકોક્તિઑ રહેલી છે પરંતુ તે સમયાંતરે ખોવાઈ રહેલી છે, એનું મૂળ કારણ એ છે કે આપણો સમાજ બદલાઈ રહ્યો છે અને બદલાતા સમય સાથે ગુજરાતી ભાષા પણ ખોવાઈ રહી છે તેથી સમાજમાંથી આ લોકોક્તિઓ રૂપી ગ્રામ્ય સંસ્કૃતિ ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે. અહીં મે આજ લોકોક્તિઓને ફરી યાદ કરી તેને જોડકણાઓના રૂપમાં આપ સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. આશા છે કે તે આપ સૌને પસંદ આવશે. લોકોક્તિઑમાં પણ વિવિધતા હોય છે તે લોકોક્તિઓ શા કારણે સમાજમાં પ્રચલિત થઈ તેની અનેક વાર્તાઓ પણ હોય છે આ વાર્તાઓને પણ આપણે ભવિષ્યમાં ક્યારેક ચોક્કસ માણીશું અને એ લોકોક્તિઓનો આનંદ પણ લઈશું, પરંતુ આજે આ બાળકોને માટે બનાવેલા લોકોક્તિ રૂપી જોડકણાઓની મજા માણીએ.
આભાર સહ
પૂર્વી મલકાણ મોદી યુ એસ એ.
આજે ફરી એક વખત પૂર્વિબેન મલકાણ – મોદી (યુ એસ એ ) દ્વારા બાળકો માટે ની સુંદર  રચના / કૃતિ  શાકભાજી ને ફળોની લોકોક્તિરૂપી જોડકણા  …  (ભાગ – ૪) .. ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે. જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ …  ચાલો ત્યારે બાળકો સાથે બાળક થઇ જઈએ અને આપણા બચપણને યાદ કરી આ સુંદર જોડકણા માણીએ … પોસ્ટ આપને તેમજ આપના બાળકોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ પર  આવી મૂકશો…. આપના પ્રતિભાવ લેખક માટે પ્રેરણાદાયી બની રહે છે અને તેમની કલમ ને બળ પૂરે છે… તમારી પાસે આવા કોઈ જોડકણા – કોયડા કે બાળકોને લાયક ગણિત ગમ્મત  કે અન્ય કોઈ સામગ્રી હોય તો જરૂર અહીં આવી મૂકી શકો છો …(આપની  પોસ્ટ  બ્લોગ પર મૂકવા અમારા ઈમેઈલ આઈડી પર સંપર્ક કરશો. જે નીચે જણાવેલ છે.)

 

૧ ) મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું
જો ત્રણ મહિના મને ખાવ તો માણસ ઉઠાડું માંદુ.


૨ ) રાયતાની રાણી ને કચુંબરની મા, શાકની છે સાસુ તેમાં કહેવાય નહિ ના
ચોમાસાની કાકડી ને ભાદરવાની છાશ, તાવને તેડવા મોકલે માટે મૂઠીઓ વાળીને નાસ.


૩ ) સરગવા કેરી શીંગો કે ફૂલનું શાક સ્વાદેથી ખવાય
અંદર બહારના સોજા મટાડે, માટે ખાંતે કરો ઉપાય.


૪ ) પાલક, તાંદળજા ને મેથીની ભાજી
રોજ ખાવ તો તબિયત કરે તાજી.


૫ ) કોથમરી કહે હું તો છું ખૂબ લીલી લીલી
દાળશાકમાં નાખી જુઓ તો રહેશો તમે ખિલી.


૬ ) તૂરિયું કહે હું વાકુંચૂંકું, મારે માથે ધરી
મારા શાકમાં સ્વાદ લાવવા નાખ મીઠું ને મરી.


૭ ) ગલકું, તૂરિયું, કાકડી ને ભાદરવાની છાશ
તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.


૮ ) કાળી ચૌદશે જે ગલકા ખાય
તે નર નિશ્ચે રાજા થાય.


૯ ) આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.


૧૦ )કારતકે કારેલાં ખાય,
મરે નહિ તો માંદો થાય.


૧૧ ) કારેલું કહે હું તો કડવું બહુ, મારે માથે ચોટલી
જો ખાવાની મજા લેવી હોય તો કરો રસ ને રોટલી.


૧૨ )કંકોડું કહે હું ગોળમટોળ, મારા ડિલે કાંટા
ગરીબ બિચારા શું કરે, શ્રીમંતો બહુ ખાતા.


૧૩ )મૂળો કહે હું તો છું સફેદ રંગે, થાઉં જમીન મોઝાર
જો ખાવાની મજા જોઈએ તો, ખાઓ રોજ સવાર.


૧૪ )તાવ કહે હું તૂરિયાંમાં વસુ
પણ ગલકું દેખી ખડખડ હસું.


૧૫ )દૂધી કહે હું તો છું રસવંતી નારી
બારે મહિના ખાવ તો બનાવું શક્તિશાળી.


૧૬ )દૂધી કહે હું લાંબી લીસી, મારી પાસે છે છાલ
વધારે સ્વાદ જો લેવો હોય તો, નાખો ચણાની દાળ.


૧૭ ) મિરચી કહે અનોખા રંગની અનેરી હું, પણ ટોપી પહેરું નાની
તીખી તીખી ભડકા જેવી હું, કોઇની જીભ ના રાખું છાની


૧૮ ) પીળી લીલી લીંબુડી, ફળમાં રાખે રસ
રસ નિચોવી કાઢે તો, કાઢે દાંતનો કસ.


૧૯ )આદુના રસ સાથે મધ મેળવી ખાય તે પરમ ચતુર,
શ્વાસ, સળેખમ ને શરદી, તેનાથી ભાગે છે જરૂર.


૨૦ ) ચણો કહે હું લીલો,પીળો, કાળો ને વળી ખરબચડો
મારી સાથે ગોળ મેળવીને જે ખાય તેને બનાવું ઘોડા જેવો.


૨૧ ) મૂળો, ગાજર, બોર ને મોગરી
જે ખાય રાતે તે ન રહે રાજી.


૨૨ ) જુવાર બાજરીના રોટલા ને મૂળાના પાન
જે ખાય તેને બનાવું નવયુવાન.


૨૩ ) કમળકાકડી સરોવરે ખિલતી ને કોયલ કૂઉ કૂઉ ગાય
તરુવર ડાળે પંખી જાગે, ને સરવર પાળે ન્હાય.


૨૪ ) જમરૂખ સાથે દાડમ લાવો, લાવો દ્રાક્ષ ખાટી
પાર્થુ, મિલી તો ભણવા બેઠા હાથમાં રાખી પાટી.


૨૫ ) ઠળિયો તો ભૈ ખવાય નહિ, ઠળિયો ઊગી જાય
એ જો પેટમાં જઈને પડે તો બોરડી મોટી થાય.


૨૬ ) થડ પકડીને જગલો, જ્યાં હલાવતો નાળિયેરીના ઝાડ
ધબ કરતું પડે ઉપરથી નાળિયેર ને, તૂટે એની ટાલ.


૨૭ ) અંજીર લાવ્યાં, આલુ લાવ્યાં ને કાજુ મીઠા લાવ્યાં,
લીલી કાળી દ્રાક્ષ લાવ્યાં ને, નાનામોટા ને બહુ ભાવ્યાં.સાભાર :પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]