દાલ બાટી … (Dal Batti) …

દાલ બાટી … (Dal Batti) …

 

દાલ બાટી (Dal Batti) રાજસ્થાન નું  સ્થાનિક અને લોકપ્રિય વ્યંજન છે. જેટલી આ ડીશ રાજસ્થાનમાં પ્રચલિત છે અને ત્યાંના  લોકો પસંદ  કરે છે, એવી જ એક ડીશ, દાલ બાફલા (Dal Bafla)ઇન્દોર – માળવા ના વિસ્તારમાં પ્રચલિત છે. તેને ત્યાંના લોકો ખૂબજ પસંદ કરે છે. બન્ને ડીશ ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તો આજે આપણે દાલ બાટી ની રેસિપી અહીં  જાણીશું અને માણીશું   … તમને આ ડીશ પસંદ આવે તો જરૂર તમારા પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો.


બાટી બનાવવા માટે … (for Batti or dumpling) …


સામગ્રી :


૪૦૦ ગ્રામ ઘઉંનો લોટ (૪-કપ)

૧૦૦ ગ્રામ સુજી / રવો   (૧-કપ)

૧૦૦ ગ્રામ ઘી (૧/૨ – કપ)

૧ પીંચ બેકિંગ પાઉડર  અથવા સોડા (જો તમે પસંદ કરતા હોય તો )

૧/૨ નાની ચમચી અજમો

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

 

રીત:


ઘઉં ના લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરવો.  તેમાં ૩ ટે.સ્પૂન ઘી, બેકિંગ પાઉડર, અજમો અને મીઠું પણ ઉમેરવું (નાખવું) અને બધુજ મિક્સ કરવું.  નવશેકા પાણી ની મદદથી રોટલીના (કણક) લોટ કરતા થોડો કઠણ (સખ્ત) લોટને બાંધવો (ગૂંથવો).  લોટને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવો.  ૨૦ મિનિટ બાદ લોટ ફૂલીને સેટ થઇ જશે.  ત્યારબાદ હાથમાં તેલ લગાડી અને લોટને લઇ અને મસળવો અને મુલાયમ બનાવવો.  લોટ તૈયાર થઇ જાય એટલે તેમાંથી માધ્યમ કદ અને આકારના ગોળા એકસરખા બનાવવા.

 

(જો તમને પસંદ હોય તો આ ગોળામાં વટાણા, બટેટા, પનીર, માવો વિગેરે નું અલગ અલગ કોઈપણ મિશ્રણ પણ ફિલ /ભરી શકાય છે. જેનો સ્વાદ પ્લેઈન બાટી કરતા વધુ સારો આવે છે.)


બાટી બે (૨) રીત થી બનાવી શકાય  છે.

 

(૧) બાટી ને પાણીમાં ઉકાળી (લોટને બાફીને) બનાવવી.


૧ – લીટર પાણી વાસણમાં ભરી ગેસ પર ગરમ કરવા રાખી દેવું. અને જ્યારે પાણી ઉકાળવા લાગે અને તેમાં ઉફાડો આવે એટલે તૂરત લોટના ગોળા આ ઉકળતા પાણીમાં મૂકી દેવા અને ૧૫ મિનિટ સુધી ઉકળતા પાણીમાં રાખવા.

પાણીમાં બફાઈગયેલા ગોળા ને બહાર કાઢી અને એક દિશમાં અલગથી રાખી દેવા.  હવે આ ગોળાને તંદૂર – કે ઓવનમાં બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકવા.  શેકાઈ ગયેલ બાટી ને નરમ ઘીમાં બોળી/ડુબાડી અને બહાર કાઢી લેવી અને આ તૈયાર બાટી ને એક કાચના વાટકામાં / કટોરીમાં કે ડીશમાં અલગ રાખવી.

 

(૨)  બાટી ને ગરમ પાણીમાં બાફી કે ઉકાળ્યા વગર બનાવવી.


આ પ્રકારની બાટી, પાણીમાં ઉકાળ્યા વગર પણ બનાવી શકાય છે.  લોટના બનાવેલ ગોળા/ બાટી ને તંદૂર કે ઓવનમાં ગરમ કરવી અને શેકવી. તંદૂરમાં બાટી ને સમય સમય પર પલટાવતાં જવી અને ચારેબાજુ બ્રાઉન કલર આવે તેમ શેકવી.  બાટી શેકાઈને તૈયાર થઇ જશે એટલે તેમાં તિરાડ પડી જશી અને તેનો રંગ બ્રાઉન થઇ જશે. શેકાઈ ગયેલી બાટી તંદૂર કે ઓવનમાંથી બહાર કાઢી લેવી. અને જે વધારાનું નરમ ઘી છે તેમાં બાટી ને ડુબાડી અને બહાર એક ડીશ કે કાચના વાટકામાં કાઢી લેવી. તિરાડમાં ઘી ભરાઈ જવાથી બાટી નો સ્વાદ ખૂબજ મહેક્દાર – અનેરો અલગથી જ આવશે.

 

બન્ને રીતથી બાટી સારી બને છે.  તમો આમાંથી કોઈપણ રીતે બાટી બનાવી શકો છો અને બન્યા પછી બ્લોગ પોસ્ટ પર આવી કોમેન્ટ્સ બોક્ષમા તમારી કોમેન્ટ્સ દ્વારા જણાવશો કે બાટી કેવી બની અને સ્વાદ કેવો લાગ્યો ? તમને કઈ રીત વધુ પસંદ આવી.

 

બાટી ની દાલ  :

 

સામગ્રી :


૧૦૦ ગ્રામ અળદ ની દાળ (૧/૨ – કપ)

૫૦ ગ્રામ મગની દાળ (૧/૪ – કપ)

૫૦ ગ્રામ ચણા ની દાળ ( ૧/૪ –કપ)

 

(નોંધ: કોઈ કોઈ લોકો આ સિવાય મગ છડી દાળ (પીળી દાળ), મગની ફોતરા વાળી દાળ, તુવેર દાળ કે મસૂરની દાળ પણ ઉપયોગમાં લે છે. દાળ તમને પસંદ આવે તેનો ઉપયોગ કરી શકાય છે. સામન્ય ઉપર બતાવી તે જ દાળ ઉપયોગમાં લેવામાં આવે છે.)


૨ ટે.સ્પૂન  -ઘી

૧-૨ પીંચ (ચપટીક) હિંગ

૧ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૨-૩ નંગ ટામેટા

૧-૨ નંગ લીલા મરચાં

૨ ઈંચ લંબાઈ નો ૧ ટુકડો આદું

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧/૨ કપ લીલી સમારેલી કોથમીર

૧ નાની ચમચી મીઠું સ્વાદ અનુસાર

 

(નોંધ: જો તમને પસંદ હોય તો કાંદા-લસણ નો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત સાબૂત લવિંગ, તજ અને લાલ મરચાં નો પણ વઘારમાં ઉપયોગ કરી શકાય છે. )


રીત:


દાળ ને ધોઈ અને એક કલાક પહેલા પાણીમાં પલાળી ને રાખવી.  પલાળેલી દાળ ને કૂરમાં ડબલ પાણી ( ૨-કપ) નાંખી, મીઠું ઉમેરી અને ગેસ પર બાફવા મૂકવી.  ૧ સિટી કૂકરની થઇ ગયાબાદ, ધીમા તાપ કરવો અને ૨-૩ મિનિટ સુધી પાકવા દેવી. અને ગેસ બંધ કરી દેવો.

 

ટામેટા, લીલા મરચા અને ૧/૨ આદૂના ટુકડા ને  (૧-ઈંચ નો ટુકડો) મિક્સીમાં બારીક પીસી લેવા.

 

એક કડાઈમાં ૨ ટે.સ્પૂન ઘી નાંખી અને ગેસ પર ગરમ કરવું.  હિંગ અને જીરૂ નાંખવા. જીરૂ શેકાઈ ગયાબાદ, હળદર પાઉડર અને ધાણા નો પાઉડર નાખવો.  અને ૨-૩ વખત ચમચાની મદદ વડે હલાવી અને મિક્સ કરવું.  ત્યારબાદ, પીસેલા ટામેટા, મરચાં અને આદૂની પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખવો.  અને વધારાના આદૂના ટુકડાને કટકા ના સ્વરૂપમાં  સમારી અને અંદર નાંખી દેવું.

 

આ મસાલાને ત્યાં શેકવા દેવો કે તેમાંથી તેલ છૂટી ને સપાટી પર ના દેખાવા લાગે. ત્યારબાદ આ મસાલા ને કૂકરમાં બાફેલી દાળ સાથે મિક્સ કરવો અને જરૂરીયાત મુજબનું પાણી ઉમેરી અને દાળ ને પકાવવા દેવી. (પાણી દાળ કેટલી પતલી કે ઘટ રાખવી છે તે  મુજબ ઉમેરવું)  ઉફાડો દાળમાં આવે એટલે તેમાં ગરમ મસાલો અને અડધી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરવી.

 

બસ દાળ તૈયાર થઇ ગઈ છે.  દાળ ને  એક  કાચના વાસણમાં અલગ કાઢી અને તેની ઉપર બાકી રહેલી સમારેલી કોથમીર છાંટવી અને ઘી પણ ઉપર નાખવું.

 

દાલ બાટી તૈયાર છે. જે ગરમા ગરમ પીરસવી અને ખાવાના ઉપયોગમાં લેવી.સુજાવ :

૧] જેમની પાસે તંદૂર કે ઓવન ની સગવડતા નથી, તેઓ એ  પાણીમાં બાફેલી બાટી ને એક કડાઈમાં ઘી લઇ અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવું અને બાટી તેમાં તળવી. બ્રાઉન કલર થાય એટલે બાટી ને એક દિશમાં અલગથી કાઢી લેવી.

બાટી ઉપલા /કડા પર પકાવી શકાય છે.

૨]  ઓવનમાં બાટી કોઈ કોઈ સમયે કડક / કઠણ  થઇ જાય છે.  કારણકે ઓવનમાં જરૂરી તાપ તેને મળતો નથી હોતો.  ઓવનમાં બનાવતી સમયે બાતનો લોટ થોડો નરમ/ઢીલો રાખવો.  ઓવન ને ૪૦૦ડી. સે.ગ્રે. (૩૫૦ F)  પર રાખવું અને પ્રીહિટ રાખ્યા બાદ ૨૦ મિનિટ અથવા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાઈ ત્યાં સુધી શેકવી. દર- ૪-૫ મીનીટે બાટી ચેક કરતા જવી અને તેની સાઈડ/બાજુ પલટાવતાં જવી જરૂરી. તમારો અનુભવ પણ ત્યારબાદ અમોને જણાવશો.


જેમની પાસે ઓવન ૨૫૦ ડી.સે. થી વધુ કેપેસિટી નું  ના હોય તેમણે સૌ પહેલા ઓવનને ૨૫૦ સે.ગ્ર. પર ૧૫ મિનિટ માટે પ્રી હિટ કરી લેવું. ત્યારબાદ વચ્ચે ના ખાનમાં ઝારી મૂકી તેના પર બાટી ની ટ્રે રાખવી. અને ૨૦ મિનિટ સુધી બાટી ને શેકવી. દર ૫- મીનીટે બાટી ચેક કરતા જવી અને સાઈડ પલટાવતાં જવી. જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી શેકવી.


માઈક્રોવેવ ઓવનમાં 100 PPWR  પર ૧૫ મિનિટ સેટ કરી અને શેકવી.  ત્યારબાદ બહાર કાઢી ને વધારાની ૫ – મિનિટ ગ્રીલ રેક ગેસ પર રાખી અને વારંવાર સાઈડ પલટાવતા જવી અને ઉપરની સપાટીને શેકવી.


૩]  બાટી ના લોટને જો નરમ રાખશો તો તેમાં જે તિરાડ પડવી જરૂરી છે (શેકાઈ ગયા બાદ) તે નહિ પડે. બાટીમાં  તિરાડ પડવાથી, જ્યારે તેને ઘીમાં ડુબાડીએ છીએ ત્યારે ઘી તેમાં ભરાઈ જાય છે, તે કારણે બાટી નો સ્વાદ અલગ જ આવે છે.  કોઈ સમયે ઘી અંદર જાય તેમાટે બાટી ને હાથ કે ચમચી ની મદદ વડે થોડી ઉપરથી પ્રેસ કરી અને તોડવી જરૂરી છે.


૪] તંદૂર અને ઓવન બને તમારી પાસે જયારે નથી તો એક ભારે તળિયા વાળી કડાઈ કે એલ્યુમીનીયમ નું ઊંડું વાસણ લેવું અને તેમાં અડધી સપાટી સુધી રેતી ભરવી. અને તેને ગેસ પર તેજ આગમાં ગરમ કરવા વાસણને ૧૦ મિનિટ માટે ઢાંકી દેવું  ત્યારબાદ ગેસ નો તાપ મીડીયમ/ મધ્યમ કરવો અને  રેતી પર એક ઝારી ગોઠવવી અને તેની ઉપર બાટી ને રાખી ને શેકવી.  દર  ૫-૫ મીનીટે  બાટી ને પલટાવતાં જવી અને ચેક કરતા રેહવું. તાપ જરૂરીયાત મુજબ વધારી કે ઘટાડી શકાય છે. જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી શેકવી. તાપમાન મેઇન્ટેઇન કરવું ખાસ જરૂરી છે. બાટીને બાફવાની જરૂર પણ નહિ રહે. બાટી ના ગોળાને હાથની મદદ વડે થોડા દાબી દેવા અને ત્યારબાદ તેને શેકવા.


૫]  બાફેલી બાટી ને બાફલા પણ કહેવાય છે. બાફેલી બાટીને ઓવનમાં શેકવાની કોશિશ કરવી.


૬]  બાટી ના લોટ/કણક બાંધવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકાય છે. બેકિંગ પાઉડર ને બદલે સોડા નો ઉપયોગ કરી એકદમ તેજ તાપમાં ઓવનમાં બાટી શેકવાથી તે નરમ અને સારી બની શકે છે.


(નોંધ:  આ રેસિપી સમજવામાં અને બનાવવામાં ઘણીજ સરળ છે, પરંતુ તેની અમૂક મર્યાદા પણ છે. જે પણ સમજવી જરૂરી છે. બાટી ઇલેક્ટ્રિક તંદૂરમાં જ વધુ સારી બને છે. (દિલ્હી સાઈડ પર આવા તંદૂર મળે છે. આ સિવાય ભોપલા પર પણ બાટી બનાવી શકાય છે.) માઈક્રોવેવ ઓવનમાં કે ક્ન્વેસ્ન મોડમાં એટલી સારી બાટી નથી બનતી. બાટી ને શેકવા માટે જરૂરી તાપ ફક્ત તંદૂરમાં જ મળી શકે  અને ઓવનમાં (કદાચ) મળી શકે (પરંતુ માઈક્રોવેવ ઓવનમાં તે જરૂરી તાપ  ના મળે  તેથી શક્ય હોય ત્યાં સુધી તેનો પ્રયોગ કરવો નહિ.) પરંતુ ગભરાવાની જરૂર નથી, આ સાથે થોડા સુજાવ ઉપર જણાવેલ છે, તે મુજબ પ્રયોગ જરૂર કરી શકો છો. અને બનાવ્યા બાદ, કઈ રીતે તમે બનાવી અને કેવી બની ? તમારો અનુભવ  જરૂર કોમેન્ટ્સ બોક્ષમાં બ્લોગ પર આવી જણાવશો. તમારી પાસે કોઈ અન્ય સુજાવ હોય, તો તે પણ આવકાર્ય છે અને અમોને જરૂર જણાવશો. )

બ્લોગ લીંક: http://das.desais.net