સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …


(શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજી ના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ’ માંથી કરેલ ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે અહીં પ્રસ્તુત છે. આપણે આ અગાઉ ભાગ .. ૧ .. જાણ્યો., આજે તેમાં આગળ વધીએ અને આજે ભાગ બીજામાં જાણીએ ….  ભાગ .૧ … ની લીંક આ સાથે  આપ સર્વની સુગમતા અને રેફરન્સ માટે નીચે આપેલ છે… કદાચ ભાગ … ૧  ના માણ્યો હોય તો  આ સાથે આપેલ લીંક પર ક્લિક કરશો …  બ્લોગ પરના આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે …)
ભાગ … ૧ ને જાણવા અહીં નીચે ક્લિક કરશો … :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ…૧)

ભાગ … ૨ …  (અહીંથી આગળ વાંચો … )
૪.) વલણની ભૂમિકા …
જીવન પ્રત્યેનું કોઈ પણ વ્યક્તિનું વલણ એના જીવનનું નિર્ણયાત્મક પાસું છે. પોતાના જીવનની ઘટનાઓને તમે જે રીતે જાણો સમજો છો અને તેમના પ્રત્યે કેવો પ્રતિભાવ આપો છે એ જ સૌથી મહત્વનું છે. બે વ્યક્તિ એક જ ઘટના પ્રસંગને જુદી જુદી રીતે જોઈ શકે છે. આનાથી આપણે પૂરેપૂરા માહિતગાર છીએ અને એ આપણા માટે જરાય નવું નથી. પરંતુ આપણે આ હકીકતમાંથી બોધપાઠ શીખવો જોઈએ. અમેરિકન અને રશિયન એથલેટસની વચ્ચેની એક દોડની વાત છે. જોકે તમે આવી ઘણી વાર્તાઓ સાંભળી-વાંચી હશે પણ આ વાતને આપણા વિષય વસ્તુ સાથે સંબંધ છે.
એક અમેરિકન અને એક રશિયને આ દોડ સ્પર્ધામાં ભાગ લીધો. અમેરિકન પ્રથમ ક્રમે આવ્યો અને રશિયન બીજાં ક્રમે આવ્યો. રશિયાના સમાચારપત્રોએ આ સમાચારને આરીતે રજૂ કર્યાં: ‘આપણો  પ્રતિસ્પર્ધી રનરઅપ, (દ્વીતીય ક્રમે) છે. અમેરિકન પહેલા બેમાં પ્રથમ.’
હકીકતની દ્રષ્ટિએ ઉપરનો અહેવાલ વાસ્તવિક રીતે સાચો છે કે કેમ એની ચર્ચા કરવાનો હું પ્રયત્ન કરતો નથી. આ તો વાત છે કોઈ પણ વસ્તુને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાનું એક ઉદાહરણ. તમે કોઈ પણ ઘટનાને તમને ગમે તેવા દ્રષ્ટિકોણથી જોઈ શકો છો.
અહીં બે મુસાફરો અને એમનાં જુદા જુદા દ્રષ્ટિકોણની એક બીજી વાત કરું છું. :
એક થાકેલો યાત્રી એક સાધુને મળ્યો અને પૂછ્યું: ત્યાં પેલા શહેરમાં કેવા લોકો રહે છે? આ સાંભળીને પેલા સાધુએ પૂછ્યું: ‘તમે જ્યાંથી આવો છો ત્યાં કેવા માણસો હતા?’ પેલા મુસાફરે કળાકી સાથે કહ્યું : ‘લુચ્ચા, હરામખોર અને મુરખ !’ પેલા ડાહ્યા સાધુએ કહ્યું : ‘તો તો પછી તમને અહીં બરાબર એવા જ માણસો જોવા મળશે.’
બીજો એક અજાણ્યો યાત્રી સાધુને મળ્યો અને પૂછ્યું: ‘અહીં કેવા માણસો રહે છે ?’ આ સાંભળીને સાધુએ વળતો પ્રશ્ન પૂછ્યો: ‘ભાઈ, તમે જ્યાંથી આવો  છો ત્યાં કેવા માણસો હતા ?’ અજાણ્યા યાત્રીએ કહ્યું: ‘ત્યાં તો સારા, સત્યનિષ્ઠ અને શાણા માણસો હતા.’ એ સાંભળીને શાણા સાધુએ કહ્યું: ‘ભાઈ, ત્યાંના જેવા જ માણસો અહીં જોવા મળશે.’
શું તમે એમ ધારો છો કે પેલા શાણા સાધુ તરંગી મનના હતા ? એક જ ગામ માટે એમણે જુદા જુદા અભિપ્રાય શા માટે આપવા જોઈએ ? સાચી વાત તો એ છે કે તે માનવીના મનોવિજ્ઞાનને જાણે છે. એમણે જાણી સમજી લીધું કે પ્રથમ યાત્રી બીજા પ્રત્યે થોડી વધારે નિંદક વૃતિ ધરાવે છે. એટલે એ બીજામાં કંઈ સારું ન જોઈ શકે. તે ગમે તે જુએ, તે ખરાબ જ હોવાનું. એટલે પેલા શાણા સાધુએ એને સ્પષ્ટપણે કહ્યું કે આ ગામ પણ પેલા ગામ જેવું જ ખરાબ હશે. પરંતુ બીજો યાત્રી થોડો ઉદાર અને સમજુ સવભાવનો હતો. તેણે જોયું કે પહેલું ગામ ઘણું સારું અને સુહ્રદભાવવાળું હતું. એટલે એને માટે આ બીજું ગામ પણ એવું જ સારું રહેવાનું.
આ દુનિયા એક અરીસો છે. તેમાં આપણે આપણી જાતને જે રીતે પ્રકલ્પીને મૂકીએ છીએ તેનું જ પ્રતિબિંબ આપણને મળવાનું. જેવી આપણે તેના તરફ દ્રષ્ટિ કરી છીએ તેવી જ દ્રષ્ટિએ એ આપણને જુએ છે. જો આપણે તેના તરફ હસીએ તો તે વળતામાં હસશે જ . જો આપણે એના તરફ ઘૂરકિયાં કરીશું તો તે પણ ઘૂરકિયાં કરશે જ. એક પ્રસંગે જે સારું હોય તે બીજા ઘટના-પ્રસંગે સારું ન પણ હોઈ શકે. એનો અર્થ એ થયો કે પરિસ્થિતિ અને લાગતા વળગતા વ્યક્તિ પ્રમાણે એની ગુણવત્તામાં પરિવર્તન આવે છે. કોઈ પણ વ્યક્તિનાં વ્યક્તિગત સુખદુઃખ માટે સંજોગોને બહાનું બનાવવું ન જોઈએ. સંજોગોને સુયોગ્ય રીતે સમજવા જોઈએ.
૫.) સંજોગો …
પોતાના જીવનની નિષ્ફળતા માટે ઘણા લોકોને સંજોગોને કે કોઈ બાહ્ય બાબતોને જવાબદાર ગણવાની ટેવ પડી ગઈ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ કહે છે: ‘શું કરું, મારા શિક્ષકોએ સારું ભણાવ્યું નહીં !’ કે ‘મારી કોલેજ જ સારી ન હતી !’ વગેરે. આવા જ છટકવાનાં બહાનાં પોતાની કારકિર્દીની નિષ્ફળતામાં અપાય છે. આવી રીતે બહારની બાબતોને જવાબદાર ગણવી કે એના પર દોષનો ટોપલો ઢોળી દેવો એ સહેલું કામ છે.
જો આવું જ હોય તો પછે બીજા કેટલાક લોકો જે આવા સંજોગોમાંથી પસાર થયા હોય છતાં તેઓ ઘણું સારું કરે છે, એમ કેમ બને ? વ્યક્તિગત રીતે લાગેવળગે ત્યાં સુધી દરેક વ્યક્તિ માટે કંઈક જુદું જુદું હોય એવું લાગે છે.
જેમ્સ એલન કહે છે : ‘બહારની વસ્તુઓમાં પરિવર્તન લાવીને, કોઈ પણ વ્યક્તિ પોતાનાં પસાર થતાં મનોવિહાર અને ઈચ્છાઓને બંધ બેસતી કરી શકતી નથી. મનોવિહાર અને ઈચ્છાઓને એક બાજુ ખસેડી શકે છે. તે પોતાના મનોવલણમાં બાહ્ય પરિસ્થિતિઓ પ્રત્યે એવું પરિવર્તન લાવી શકે કે જે જુદું જ દિશાદર્શન કરાવી શકે.
કોઈ પણ વ્યક્તિ બીજાનાં કાર્ય કે આચરણને પોતાના પ્રત્યે ઢાળી ન શકે, પરંતુ પોતાનાં કાર્યને યોગ્ય રીતે એમના તરફ વાળી શકે અને યોગ્ય ઘાટ પણ આપી શકે.
કોઈ પણ વ્યક્તિ જેનાથી ઘેરાયેલો છે, તેવાં સંજોગોની દિવાલોને તોડી શકતો નથી, પરંતુ તે શાણપણથી અંગીકાર કરી શકે કે પોતાના માનસિક દ્રષ્ટિકોણની ક્ષિતિજો વિસ્તારીને આ વધુ વિસ્તૃત બનેલા સંજોગોમાંથી માર્ગ કાઢી શકે.’
કોઈ પણ વસ્તુઓ કે બાબતો તો વિચારોને જ અનુસરે છે. તમારા વિચારોમાં પરિવર્તન લાવો અને દરેક વસ્તુ કે બાબતોને નવી ગોઠવણી મળી રહેશે. જેવું બીજાની વર્તણૂક વિષે છે એવું જ બાહ્ય પરિસ્થિતિ, સંજોગો કે પરિવેશનું પણ છે. એ બધાં પોતપોતાની રીતે સારાયે નથી અને ખરાબેય નથી. માત્ર ને માત્ર આપણું પોતાનું માનસિક વલણ કે મનની પરિસ્થિતિ જ એમને એવાં બનાવી દે છે.
માનવીની પ્રગતિમાં અવરોધ નાખનાર સાચી ‘ઊણપ’ એટલે ‘સાચા મનોવલણનો અભાવ’.
જ્યારે કોઈ પણ માણસ સંજોગોને પોતાનાં સંસોધન કે સંસાધન માટે એક ઉત્તેજક ઉદ્દીપક રૂપે ગણે છે; જ્યારે તે કહેવાતી પીછેહઠોને પોતાની સિદ્ધિનાં પગથિયાં સફળતાપૂર્વક ચડવાની ચાવી ગણે છે ત્યારે આવશ્યકતાઓ અંત:પ્રેરણાનો જન્મ આપે છે અને વિઘ્નો સહાય રૂપ બની જાય છે. એટલે કે ‘કોઈ પણ બાહ્ય વસ્તુને બદલે એ વિશેના આપણા વિચારો જ આપણને બંધનમાં નાખે છે કે મુક્ત કરે છે.’
આપણે આ અગાઉ જોયું તેમ સંજોગોની બાબતમાં કે બીજાઓના સાથેના સંબંધોની બાબતમાં મનોવલણ સૌથી વધારે મહત્વનું છે. આ જ બાબત જીવનમાં વિઘ્નોનો સામનો કરવાની વાતને પણ એટલી જ લાગુ પડે છે. સાચા મનોવલણવાળો માણસ આમ કહેવાનો: ‘શું કોઈ વિઘ્ન છે ખરાં? સારું, કંઈ વાંધો નહીં. અહીં હું એમનો સામનો કરવા અને એની સાથે પનારો પાડવા તૈયાર છું.’ તમે માનો છો કે આમ કહેવું શક્ય છે ? હા, તે શક્ય છે અને બધાએ એવું નિશ્ચયાત્મક કઠણ કરવા શક્તિમાન બનવું જોઈએ. તે કેવી રીતે શક્ય બને? વિઘ્નોને તકમાં પરિવર્તિત કરીને એ કરી શકાય.
૬.) વિઘ્નો કે તક ? …
કેટલાક લોકો માટે દરેક બાબત કે વસ્તુ એક સમસ્યા કે વિઘ્ન જ હોય છે. પરંતુ શાણો માણસ તો વિઘ્નોને મળેલી તકોમાં ફેરવી નાખે છે. સાથે ને સાથે વિઘ્નોની મદદથી જીવનમાં ઊંચે આવે છે.
બે ટુકડી વચ્ચે ફૂટબોલનો મેચ રમાતો હતો. ઘણા ફૂટબોલની રમતના ચાહકો અને મિત્રો આ નિહાળી રહ્યા હતા. આ રમત વિશે કંઈ ન જાણનારો એક ભલો ભોળો ગામડીયો પણ એ મેચ નિહાળતો હતો. થોડીકવાર રમત જોઈને એણે એના મિત્રને પૂછ્યું: ‘ભાઈ, આ બધા એક દાડા સારું શા માટે ઝઘડે છે ? એ બધાંને મારી પાસે આવવા દેજે. હું બધાયને એકએક દડો આપીશ !’ જો એ ગામડિયો બધાંને એક એક દડો આપી દે તો પછી રમત જ ક્યાં રહેવાની !
અહીં એક વ્યક્તિ માટે દડો વિઘ્નરૂપ છે અને બીજી વ્યક્તિ માટે દડો એક તક છે ! એટલે જ કહ્યું છે :
‘શાણા માણસ માટે દરેક અડચણ એક તક બની રહે છે, જ્યારે મૂર્ખા માટે દરેક તક વિઘ્ન બની જાય છે.’
જો તમે દાદરો ચડવા ઇચ્છતા હો તો તમારે પગથિયાંનો ઉપયોગ કરવો જ પડે. પગથિયાં આપણને ઉપર જવામાં સહાયરૂપ થાય છે. પણ આ પગથિયાંને જોઈને જ જો તમે એવું વિચારવા માંડો કે આ તો કેટલાં બધાં વિઘ્ન ! તો પછી તમે કંઈ કરી શકવાના નથી. એટલે આટલું હંમેશાં યાદ રાખવું: ‘પતંગ પવનની વિરુદ્ધ ઊડે છે પણ પવન સાથે નહિ.’
ધારો કે તમે કોઈ એક પ્રકલ્પ હાથ ધારો છો અને લોકો તેનો વિરોધ કરે છે અને તમારી વિરુદ્ધ ગમે તેમ બોલે છે. એક સામાન્ય માણસને નજરમાં રાખી તો આ પ્રકલ્પ હાથ ધરાશે જ નહિ. પરંતુ શાણો માણસ, વ્યવહારુ માણસ આવી બધી નીંદાઓથી  જરાય ખચકાશે કે અટકશે નહિ. તે આ બધાં ‘આક્રમણો’ ને ‘સહાય’ રૂપ ગણશે અને તે પોતાના કાર્યમા આગળ વધવાનો. બીજાં શબ્દોમાં કહીએતો : ‘લોકોની ભાંડણલીલા’ આ સજ્જન માટે ‘આશીર્વાદ’ બની ગઈ. નીતિશતકમાં આ વિશે ભતૃહરિ કહે છે:
ક્ષુદ્ર લોકોન વિઘ્નના ભયથી કોઈ પણ જવાબદારી ભર્યું કાર્ય શિરે નહિ લે. મધ્યમમાર્ગી કાર્યનો આરંભ તો કરે છે પણ જેવી સમસ્યાઓ આવે કે છોડી દે છે. પરંતુ બુદ્ધિમાન માણસ વિઘ્નો ભલે વાંરવાર આવતાં રહે પણ પોતાનાં સાહસભર્યા કાર્યને છોડતો નથી. ઘણાં રણયુદ્ધો લડનાર વીરનાયક નેપોલિયને કહ્યું છે: ‘અત્યંત ધીર અને ખંતીલા જ વિજય સાંપડે છે.’ કાર્લાઈલ નામના એક મહાન વિચારકે પણ કહ્યું છે: ‘દરેક મહાન અને ઉમદા કાર્ય શરૂઆતમાં તો અશક્ય લાગે છે. તું તારું કામ બરાબર જાણી લે અને પછી કરવાં માંડ, અને તે પણ (મહાન કાર્યવીર-સાહસવીર) હર્ક્યુલસની જેમ કરવા માંડ.’
એટલે જ આ ખંત નામનો એક સદગુણ સફળ જીવન જીવનાર લોકોમાં જોવા મળશે. જો તમે સર્જનાત્મક કાર્ય કરવાની વૃતિવાળા હો અને વ્યવહારુ હો તો તમારી પ્રગતિને કોઈ રૂંધી શકવાનું નથી. ઊલટાનું દરેકેદરેક બાબત તમારી પ્રવૃતિને બાંધનારી એક ઈંટમાં બદલી જશે. પ્રત્યેક પરિસ્થિતિમાં જે માણસ તકને જુએ છે તેને માટે સમસ્યા રહેતી જ નથી ! આવો માણસ સમસ્યાઓનો સરળતાથી સામનો કરવાની કે એનો ઉકેલ લાવવાની કળા જાણે છે.
૭.) સમસ્યાઓ …
સમસ્યા છે શું ? સમસ્યા એક એવો સંજોગ છે કે જ્યાં તમારી વિચાર શક્તિને કામે લગાડવાની છે અને જટિલ પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો છે.
તમે કોઈપણ કાર્ય સીધેસીધું કે તરત કરી શકતા નથી; એમાં પછી કોઈ અજાણી પરિસ્થિતિ હોય, કોઈ અજાણ્યો કામધંધો હોય કે કોઈ અજાણી વ્યક્તિ હોય. એક વખત સમસ્યા સાથે કેવી રીતે પનારો પાડવો એ તમે જાણી લો પછી સમસ્યા રહેવાની જ નથી. સમસ્યા કોઈ સ્થૂળ વાત નથી, કે કોઈ કાયમી વિલક્ષણ ઘટના પણ નથી; તે એક અલ્પજીવિત તબક્કો હોય છે અને સમય જતા આજે નહીં તો કાલે તો ચાલી જવાની.
ઉદાહરણ તરીકે ભોજન. આપણા માટે એ ઘણું સહેલું અને સરળ છે. પણ બાળક માટે? એ થોડું મુશ્કેલ કાર્ય બની રહે. પહેલાં તો માએ જ બાળકને ખવડાવવું પડે છે, પછી અનેક ભૂલો કરતું કરતું બાળક માટે આ સ્વાભાવિક ક્રિયા બની જાય છે. આવી જ રીતે ટાઈપ કરવાનું, ગાડી હંકારવાનું કે અભ્યાસ કરવાનું કે બીજી કોઈપણ બાબત શીખવાનું કાર્ય થતું રહે છે.
એક વખત સમસ્યા દૂર થાય પછી શું બને છે? તમને એક અનુભવ મળે છે. તમે એમાંથી કંઈક શીખો છો. તમે અનુભવી બનો છે. એટલે કે તમે સમસ્યાથી પરિચિત બનો છે અને કોઈ બીજી વખત એનો સામનો કરવાનો આવે તો તમે સરળતાથી એ કાર્ય કરી શકો છો. પહેલી વખત એ કાર્ય કરતી વખતે તમારા મનમાં જે ભય કે વ્યગ્રતા હતાં તે બીજી વખત કાર્ય કરતી વખતે રહેશે નહીં. અને વધુમાં આ સમસ્યામાંથી પાર ઊતરવામાં તમને કંઈ લાભ થયો હોય તો તેને ?તમે એક તક પણ કહી શકો !
તમે પરિસ્થિતિમાંથી મળનારા ફાયદાથી અજાણતા કે અનિચ્છાએ કેટલીક પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે ! પણ એક વખત એ પરિસ્થિતિ કે સમસ્યા પૂરી થઇ કે તરત સમસ્યાઓનો ઉકેલ કરીને તેમજ હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીને તમને કેટલો બધો ફાયદાઓ થયો છે એ જાણીને તમને આશ્ચર્ય થવાનું જ.
હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ છીએ; એક સાધુએ કહ્યું છે: ‘જ્યારે તમે દરેક તકમાં મુશ્કેલીઓ જુઓ છો, ત્યારે તમે દુઃખી દુઃખી અને બિનઉપજાવ વ્યક્તિ બની જાઓ છો. અને જ્યારે તમે દરેક મુશ્કેલીમાં તકને જુઓ છો ત્યારે તમે સફળ અને સર્જનાત્મક વ્યક્તિ બની શકો છો.’
તમે સમસ્યા તરફ કેવી દ્રષ્ટિએ જુઓ છો એના પર જ બધો આધાર છે. સમસ્યા કરતા તમારું વલણ જ વધારે અગત્યનું છે.
૮.) સમસ્યાઓનો આભાર માનતા શીખો …
કેટલાક જીવનના સફળ વ્યક્તિઓ કહે છે : ‘મારી સમસ્યાઓનો હું ઋણી છું. જ્યારે જ્યારે હું સમસ્યાઓનો ઉકેલ કરું છું ત્યારે ત્યારે પહેલાં કરતાં વધુ ને વધુ પ્રબળ બનું છું. હું મારી સમસ્યાઓને લીધે ઊંચે આવ્યો છું. અરે ! એને લીધે આબાદ થયો છું !’
વળી બીજો સફળ માણસ આમ કહેશે : ‘સમસ્યાઓ જો ન હોત તો મને કંઈ ન મળ્યું હોત. એણે લીધે મારું મન દ્રઢ બન્યું.’
એક વખત સ્વામીજીને કોઈકે પૂછ્યું : ‘સ્વામીજી, જીવન શું છે?’
સ્વામી વિવેકાનંદે પ્રત્યુત્તરમાં કહ્યું: ‘દબાવી દેવાનું વલણ ધરાવતા સંજોગોની વચ્ચે વિકાસ કે પોતાનું પ્રગટીકરણ કરવું એટલે જીવન.’
અહીં પતંગિયાના ઉદ્ભભવની વાત વધારે પ્રાસંગિક બની રેહશે: એક દિવસ એના કોશેટામાં એક નાનું છિદ્ર દેખાયું. એક માણસ તેની નજીકથી નીકળ્યો અને કલાકો સુધી આ નાનકડાં છિદ્રમાંથી અંદર રહેલું પતંગિયું પોતાના શરીરને બહાર કાઢવા મથતું હતું, જિજ્ઞાસાપૂર્વક આ બધું જોયા કર્યું.
પછી એવું લાગ્યું કે જાણે એમાં કંઈ પ્રગતિ થતી ન હતી. તેનાથી બનતો પ્રયત્ન પતંગિયાએ કર્યો પણ તે આગળ ન વધી શક્યું. પેલા માણસે પતંગિયાને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેણે એક કાતર લીધી અને કોશેટાને ખોલી નાખ્યો. પછી પતંગિયું સરળતાથી ઊભરી આવ્યું. પણ એનો દેહ કરમાયેલો સૂકોભઠ્ઠ અને પાંખો ચીમળાયેલી હતી. પેલો માણસ તો એને નીરખતો જ રહ્યો. એની અપેક્ષા હતી કે કોઈપણ ક્ષણે તે પોતાની પાંખો ખોલશે અને ઊડી શકશે.
પણ આવું કંઈ ન બન્યું ! વાસ્તવિક રીતે પોતાના એવા કરમાયેલા દેહ અને ચીમળાયેલી પાંખો સાથે જમીન પર સરકવા લાગ્યું. તે ક્યારેય ઊડી ન શક્યું. પ્રકૃતિએ કોશેટાને સખત બનાવ્યું છે એને લીધે પતંગિયું વધુ મથે અને પૂરતી શક્તિ મેળવે. સાથે ને સાથે તેનું શરીર પણ સુદ્રઢ બંને અને ઊડી પણ શકે. પણ દયા અને ભલમનસાઈને લીધે પેલો માણસ એ સમજી ન શક્યો. ખરેખર તો એ કોશેટાની ઈયળના મોમાંથી નીકળતું લાળ જેવું પ્રવાહી એના છિદ્રમાંથી નીકળતું રહે અને એ એની પાંખોમાં ભરાતું રહે. આ એક કુદરતની કરામત છે. અને એને લીધે જ તે ઊડવા સક્ષમ બને છે અને કોશેટામાંથી મુક્ત થાય છે.
ક્યારેક સંઘર્ષો આપણા જીવનમાં જરૂરી હોય એવી જ રીતે આવે છે. જો ઈશ્વરે આપણને કોઈપણ જાતના અવરોધ વિના જીવનમાંથી પસાર થવા દીધા હોત તો તે આપણને પાંગળા બનાવી દેત અને આપણે જેવા હોવા જોઈતાં હતા તેટલા શક્તિમાન ન બનત.
(ક્રમશ:)
ભાગ ૩ ની લીંક :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ ૩) …


‘દાદીમા ની પોટલી’ … બ્લોગ લીંક : http://das.desais.net