સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ…૧)

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?… (ભાગ…૧) …
( શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજી ના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ’ માંથી કરેલ ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે કુલ- ૩ ભાગમાં અહીં ક્રમશ પ્રસ્તુત કરવા  નમ્ર કોશિશ કરીશું. .., ઉપરોક્ત  ભાગને માણવા જરૂર અહીં બ્લોગ પર પધારશો અને તમારા પ્રતિભાવ પણ બ્લોગપોસ્ટ પર આવી અને આપશો.  આપની કોમેન્ટ્સ સદા અમોને આવકાર્ય  અને પ્રેરણાદાયક બની રહે છે. )


૧. માનવ માનવ વચ્ચેનો ભેદ…
‘તમે જીવનમાં સુખાકારી ઈચ્છો છો ?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ એને ચોક્કસપણે ‘હા’ એવો ઉત્તર સાંભળશો. પણ જેવો તમે એને ‘તમે ખરેખર સુખી છો ?’ એવો પ્રશ્ન પૂછશો કે તરત જ એનો ચહેરો ઝાંખો ઝપટ થઇ જશે. એનો અર્થ એવો થયો કે ‘આપણે જે ઈચ્છીએ છીએ’ અને ‘આપણે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ’ એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. અને આપણા જીવનમાં એ જ વધારે મહત્વની સમસ્યા છે.
દરેક વ્યક્તિમાં પહેલેથી રહેલ સંતોષ અને અસંતોષ પરથી આ ભેદ માપી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં આગેકદમ ભરવાં કે પોતે નક્કી કરેલા ધ્યેયે પહોંચવા આ સંતોષનો એક ઉત્તેજના તરીકે ઉપયોગ કરી શકે છે. આનાથી ઊલટું કોઈ પણ વ્યક્તિ અસંતોષથી ડૂબી જાય છે અને સતત ચિંતા દ્વારા પોતાના જીવનને વેડફી પણ નાંખે છે.
૨. સુખ શું છે ?
એક વખત એક વેપારી દરિયા કિનારે ચાલ્યો જતો હતો. એ સમયે પોતાની નજીકમાં જ પડેલી જાળ પાસે એક માછીમારને સૂતેલો જોયો. તે માછીમાર ઘણો ખુશમિજાજમાં હતો અને કોઈ ગીત ગણગણતો હતો. એક માછીમાર આટલો બધો સુખી અને આનંદમાં કેમ હોઈ શકે? એ જોઈને પેલા વેપારીને આશ્ચર્ય થયું. તે માછીમારની નજીક ગયો અને એમની સાથે વાતચીત કરવા લાગ્યો.
વેપારી : શું આજ તમે માછલી પકડવા નથી ગયા ?
માછીમાર : અરે હા, હું આજે માછીમારી માટે ગયો હતો. અને ઠીક ઠીક પ્રમાણમાં માછાલી પકડાઈ અને એને બજારમાં વેંચી પણ નાંખી. એ બધાં કામ પતાવીને આરામથી લંબાવ્યું છે.
વેપારી : તો પછી વધારે માછલી કેમ પકડાતા નથી ?
માછીમાર : ભાઈ, શા માટે વધારે માછીમારી કરવી જોઈએ ? મારે એ શા ખપનું?
વેપારી : ભાઈ, તને વધારે પૈસા મળે.
માછીમાર : વધારે પૈસા મેળવીને મારે શું કરવું ?
વેપારી : તું તારા માટે હોડી ખરીદી શકે અને વધારે માછીમારી કરીને માછલી પકડી શકે.
માછીમાર : પછી શું ?
વેપારી : તમે વધારે પૈસા રળશો અને તમારે રહેવા માટે તમારું પોતાનું મોટું ઘર પણ મેળવી શકો.
માછીમાર : પછી શું ?
વેપારી : તમારો ધંધો વધારીને તમે ટીવી, ફ્રિજ, ગાડી, વગેરે ખરીદી શકો.
માછીમાર : એના પછી શું ?
વેપારી : તમે સુખેથી જીવી શકો !
માછીમાર : એમ વાત છે ? તો પછી અત્યારે હું શું કરું છું ? શું અત્યારે હું સુખ  – આનંદમાં નથી ? કદાચ તમે એમ કહેવા માગો છો કે ઉપર્યુક્ત બધી ચીજવસ્તુઓ મેળવીને હું સુખી થઇ શકીશ, એમ ને ? અરે ભાઈ, હું અત્યારે પૂર્ણપણે સુખ-આનંદમાં છું, સમજ્યા!
માછીમારના આ શબ્દો સાંભળીને વેપારી તો આશ્ચર્ય સાથે અવાક્ બની ગયો. હવે આ વાર્તા પર જરા ગહનતાથી વિચાર કરો. ખરેખર આવશ્યક ન હોય એવી વસ્તુઓનો ઉમેરો કરવાથી શું ભલું થઇ જવાનું ? કેટલાક લોકોને એની જરૂરત જણાય અને કેટલાક લોકોને એની આવશ્યકતા ન પણ લાગે. સુખાકારીનો આધાર સંપૂર્ણપણે બાહ્ય પદાર્થો કે ચીજવસ્તુઓ પર નથી જ. એક સુખ્યાત સૂક્તિ કહે છે : ‘સુખ કે આનંદ મનની એક અવસ્થા છે’ આ વાર્તા કેહવા પાછળનો અર્થ કે હેતુ જીવનમાં સ્થગિતતા લાવવા માટે કે પ્રગતિના પથમાં પાણો માટે નો નથી. જીવનમાં પ્રગતિ સારી છે;  વિસ્તૃત પણ જરૂરી છે, પણ આ બધું કેટલા અંશે ? એ બધું લાગતાં વળગતા લોકોને સુખ-આનંદ આપી શકે છે, એના પર જાગ્રતમને વિચારવું જોઈએ.
૩. સુખાકારી – એક ટેવ
બે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હતા. બંને પરીક્ષા માટે તૈયારીમાં માંડ્યા હતા. આ બેમાંથી એક, એક દિવસ ઘણું વાંચન કર્યાં પછી આરામથી ઊભો હતો. ચંદ્રની શીતળ ચાંદનીમાં ઊભો રહીને તે પૂર્ણ ખીલેલા ચંદ્રનું સૌંદર્ય નિહાળી રહ્યો હતો અને આ શાંત, શીતળ રાત્રીનો આનંદ માણતો હતો. આ જોઈને તેના સહસાથીઓએ પૂછ્યું : ‘ભાઈ, તું આ શું કરે છે ?’ પેલાએ જવાબ આપ્યો : ‘હું શીતળ ચાંદનીનો આનંદ માણી રહ્યો છું. થોડીવાર પછી વાંચવાનું શરૂ કરી દઈશ.’
સહાધ્યાયીએ એનો આવો ઉત્તર સાંભળીને આઘાત અનુભવ્યો અને એને લાગ્યું કે આ તો નકામો કીમતી સમય વેડફવા માંડ્યો છે. તે પોતે ‘આ પરીક્ષાના ભયથી’ માનસિક તણાવ અનુભવતો હતો. એટલે એ ચંદ્રની શીતળ ચાંદનીને માણી ન શક્યો અને આ શાંત શીતળ રાત્રીની પળે તેણે સુખ કે આનંદ મળ્યો નહિ. એ મિત્ર કેવી રીતે અભ્યાસ કરવો અને કેવી રીતે જીવન જીવવું એ બેમાંથી એકેય જાણતો ન હતો.
આ વાત બધાંને લાગુ પડે છે. બધાં કામ કરવા શક્ય હોય છે છતાં પણ બધા માણસો એની ચિંતા કરતાં નથી. તમે જવાબદારીપૂર્વક કામ પાર પાડી શકો છો; માટે તમારે નિર્થક માનસિક તણાવમાં રહેવાની જરૂર નથી.
દૂરદર્શન પરના રૂબરૂ વાર્તાલાપમાં એક આવા સુખી અને શાંત માણસની સાથે ચર્ચા ચાલતી હતી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તેઓ કેવી રીતે સુખ-શાંતિથી જીવી શકે છે. આ સાંભળીને એ વૃદ્ધ માણસે જવાબ આપ્યો : ‘દરરોજ સવારે જ્યારે હું ઊઠું છું ત્યારે મારી સામે સુખી થવાની કે દુઃખી થવાની જ પસંદગી ઊતારુ છું અને બાકીનું બધું સમુંસૂતર ચાલે છે.’ એક બીજા સુખી અને આનંદી માણસે જવાબ આપ્યો: ‘હું તો ભાઈ સુખી થવાની ટેવ પાડી દઉં છું.’
આ બધું સાવ સહજ સરળ લાગશે અને તમે કદાચ આમ પણ કહેશો: ‘કોઈ પણ કામ કરવાં કરતાં કહેવું સહેલું છે !’ પણ ‘પ્રયત્નથી’ બધું શક્ય બને છે. એ માટે મનનું સુયોગ્ય વલણની અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવાં માટે ખંતની આવશ્યકતા છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે શારીરિક ક્રિયાક્રમોમાં પરિવર્તન લાવીને આપણે આપણા વલણમાં ફેરફાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો તમે તમારા મુખ ઉપર સ્મિત ફરકાવો તો વાસ્તવિક રીતે તમે સ્મિતભાવનો અનુભવ કરી શકશો. આનાથી ઊલટું તમે કડકાઈથી ભવાં ચડાવો તો તમે વધારે ને વધારે અપ્રસન્નતા અનુભવો. તમે જ્યારે કેડેથી વાંકા વળી ગયેલા હો તો તેના કરતાં જ્યારે તમે પોતાને ટટ્ટાર રાખી શકો ત્યારે તમે બીજાં કરતાં ચડિયાતા છો એવું અનુભવી શકો.
અહીં ડૉ. ડેવિડ ટી. સ્વાટર્ઝ એક જીવનપદ્ધતિ આપે છે. એ ઘણી સીધી સાદી યુક્તિ છે પણ તેમાં અદભુત શક્તિ છે, એને અજમાવી જુઓ. વારે વારે કોઈક તમને આમ પૂછે છે: ‘આજે તમને કેમ છે?’ આનો પ્રત્યુત્તર કે પ્રતિભાવ ‘અરે, ભાઈ ઘણું સારું !’ કે સાદા સીધા શબ્દોમાં ‘બહુ સારું’ કહીને આપી શકો છો.
દરેકે દરેક શક્ય તકમાં તમે ‘ઘણું સારું છે’ એમ કહો અને ખરેખર તમે એ ઘણા સારાની અનુભૂતિ કરશો અને વધુ પ્રબળ બનશો. જ્યારે તમે ‘મને ઘણું સારું છે’ એમ કહો છો ત્યારે દુઃખી કે ઉદાસીન થવાની વાત આવતી જ નથી. હંમેશાં તમે સુખી છો અને તમને ઘણું સારું છે. એવા વ્યક્તિ તરીકે તમે સુખ્યાત બનો. મિત્રો કેળવવાની આ ગુરુચાવી છે. તમે તમારું પૃથ્થકરણ કરશો તો તમને જણાશે કે હંમેશાં તમારા માટે કંઈક સુખી થવા જેવું છે ખરું. આ બાબતને ખોળી કાઢો અને તમારા મન સમક્ષ અવારનવાર એને જ લાવતા રહો. એને લીધે તમારે તમારું મન તરોતાજા બનશે; તમને અસાહાસિક્તાની ગર્તામાં ઊતારી દેતી નિરાશાને દૂર કરી દેશે.
આ વિશે સ્વામી વિવેકાનંદના શબ્દો આપણે જોઈએ : ‘તમને અંતે એ સમજાશે કે આપણી જાતને તંદુરસ્ત બનાવવાનો સૌથી સરળ માર્ગ બીજાને તંદુરસ્ત જોવામાં છે અને તમારી જાતને સુખી કરવાનો સૌથી સહજ પથ બીજાને સુખી જોવામાં રહેલો છે.’ એટલે તમે સવારમાં ઊંઠતા વેંત જ પ્રતિજ્ઞા કરો  ‘આજે હું કોઈકને સુયોગ્ય રીતે સુખી બનાવીશ.’ આટલું જ નહિ પણ જરૂરતમંદ વ્યક્તિને કંઈક મદદ કરીને એનું આચરણ કરવાનો પ્રયત્ન કરો. આ વાત તમારા મન અને વ્યક્તિત્વ પર ઉન્નતિકારક પ્રભાવ પાડશે. સંક્ષેપમાં કહી શકીએ કે સુખ એ મનની પરિસ્થિતિ છે અને મનોવલણ પણ આધારિત છે. સુખની શોધ માટે સુયોગ્ય મનોવલણ જરૂરી છે.
(ક્રમશ)
ભાગ … ૨ ની લીંક :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …


બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’