પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ …

પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ  …


‘ઈશ્વરની ભક્તિના વિષયમાં એક સુંદર લેખ ‘પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રય’ આજે મોકલું છું…’ પ્રભુનો આ ગુણ જેને બરાબર સમજાઈ જાય તેને ઈશ્વરના અસ્તિત્વ કે સામર્થ્યમાં કોઈ શંકા રહે જ નહી. ‘ …

આજ રોજ આપની સમક્ષ એક સુંદર લેખ – ચિંતનરૂપી વિચાર આપ સર્વેની સમક્ષ મૂકવાની નમ્ર  કોશિશ કરેલ છે, ઉપરોક્ત લેખ ‘દાદીમાનું ચિંતન જગત ‘ પર  વિજયભાઈ ધારિઆ  (યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ…

મિત્રો જો આપને શ્રી વિજયભાઈ દ્વારા મોક્લવામાં  આવેલ કૃતિ કે તેમાં દર્શાવેલ તથ્ય પસંદ આવ્યું હોય તો જરૂર બ્લોગપોસ્ટ પર આપે કરેલ ચિંતન, આપના પ્રતિભાવરૂપે કોમેન્ટ્સ બોક્ષમાં જણાવશો જે સદા અમોને આવકાર્ય રહશે., એટલું જ નહિ, પરંતુ   તમારા પ્રતિભાવથી વધુ ને વધુ સારી કૃતિઓ મોકલવાની પ્રેરણા શ્રી વિજયભાઈ ને તેમજ અમોને પણ મળશે તો જરૂર  પ્રતિભાવ મૂકવાનું ભૂલશો નહીં … ! આભાર !

પ્રભુનું સ્વરૂપ વિરૂદ્ધધર્માશ્રયી છે એવો વિચાર ભક્તજનોએ પોતાના હ્રદયમાં અવશ્ય કરવો (એટલે કે ભાવથી કરવો; બુદ્ધિથી નહીં). પ્રભુના વિરુદ્ધધર્માશ્રયનું જો જ્ઞાન ન હોય તો પ્રભુની લીલામાં અસંભાવના અને વિપરીત ભાવના ઉત્પન્ન થાય છે, જેનાથી ભક્તિબીજનો નાશ થાય છે.

અસંભાવના – પ્રભુની લીલામાં અસંભવ, સંદેહ વગેરે જેવું જણાય તે અસંભાવના. દા. ત. : પ્રભુની દામોદરલીલાની વાત સમજો. પ્રભુની કમર નાની અને તે બાંધવાની દોરડી મોટી છે. છતાં તેનાથી કમર ન બંધાય. દોરડી બે આંગળ ટૂંકી પડે. યશોદાજી દોરડી જોડતાં જાય તો પણ બે આંગળ ટૂંકી પડે. એવું બને ખરું ?  આમ જે વસ્તુ આપણને અશક્ય લાગે અને પ્રભુની લીલામાં શંકા ઉપજે એનું નામ અસંભાવના.

વિપરીત ભાવના – પ્રભુ માટે કંઈક અયોગ્ય અને વિપરીત જેવું જણાય તેનું નામ વિપરીત ભાવના. દા.ત. : નંદગૃહે દૂધ–માખણની કોઈ ઉણપ નથી છતાં એક સામાન્ય બાળકની જેમ પ્રભુ વ્રજભક્તોના ઘરે ચોરી કરવા પધારે, રંચક માખણ માટે રૂદન કરે, માનાદિ લીલામાં વ્રજભક્તો સમક્ષ દૈન્ય કરે વગેરે પ્રભુ માટે વિચારવું એનું નામ વિપરીત ભાવના.

પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રયત્વ :

·        બાળક છે છતાં રસિકશિરોમણી છે.

·        પોતાને વશ છે તો પણ સદા ભક્તોને વશ છે.

·        ભયરહિત છે અને સમગ્ર દેવ–દૈત્યોને ભય ઉત્પન્ન કરે છે છતાં યશોદાજી વગેરે વ્રજભક્તો પાસે ભયભીત છે.

·        નિરપેક્ષ છે છતાં ભક્તો સમક્ષ સાપેક્ષ છે.

·        ચતુરશિરોમણી છે છતાં ભક્તો સમક્ષ મહામુગ્ધબાળક સમાન લીલા કરે છે.

·        સર્વજ્ઞ છે છતાં ભક્તો પાસે અજ્ઞ છે.

·        સદા આત્મરામ છે છતાં ગોપીજનોની રતિવર્ધન કરે છે.

·        પૂર્ણકામ છે છતાં ભક્તો પાસે કામથી આર્ત બની યાચના કરે છે.

·        દીનતારહિત છે છતાં ભક્તોને અનેક પ્રકારના દૈન્ય વચનો કહે છે.

·        સ્વયં પ્રકાશિત છે છતાં ભક્તોની સમક્ષ અપ્રકાશિત છે.

·        બહાર બિરાજમાન હોવા છતાં ભક્તોના અંત:કરણમાં સદા બિરાજે છે.

·        સ્વતંત્ર છે છતાં ભક્તો સમક્ષ પરતંત્ર છે.

·        સર્વસામર્થ્યવાન છે છતાં ભક્તો પાસે સામર્થ્યરહિત છે.

 

આવા વિરૂદ્ધધર્માશ્રયી પુષ્ટિપુરૂષોત્તમ શ્રીકૃષ્ણની શરણભાવના હ્રદયમાં નિરંતર કરવી.

 

શ્રીહરિરાયજી કૃત ‘‘બડે શિક્ષાપત્ર’’ પર આધારિત શિક્ષાપત્ર ગ્રંથસાર(સરળ ગુજરાતી અનુવાદ)માંથી સાભાર

પ્રકાશક : શ્રીવલ્લભ સેવા–પ્રચાર કેન્દ્ર, પાટણ.

સાભાર  – લેખ પ્રાપ્તિ  – સંકલન : શ્રી વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )

Blog Link : http://das.desais.net