અપેક્ષા …

અપેક્ષા …


કેલિફોર્નિયામાં ડૉ.ગુણવંત શાહે એમના એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘આપણે વાંચન કરવાનું અને વાંચન ઉપર વિચાર કરવાનું બંધ કરી દીધું છે તેથી જેમ ઠેરઠેર કૉ–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી હોય છે તેમ કૉ– પરેટીવ થીન્કીંગ સોસાયટી હોવી જોઈએ. શ્રી ગુણવંતજીની વાતને સામર્થ્ય આપતાં આ સોસાયટીની શરૂઆત “દાદીમાની કૉ–ઓપરેટીવ થીન્કીંગ સોસાયટી” કરી રહ્યું છે.
શ્રી ગુણવંતજીના વિચાર વિષે શ્રી વિજયભાઈએ અમને જણાવ્યું તેથી આજે આપણે શ્રી વિજયભાઈનો પરિચય લઈ લઈશું વાંચક મિત્રો?

 

શ્રી વિજયભાઇ છેલ્લા ૨૪ વર્ષથી યુ એસ એ માં રહે છે. તેઓ અગાઉ ન્યુજર્સી, પછી હ્યુસ્ટન અને હાલમાં શિકાગોમાં તેઓ રહેં છે. તેઓ દરેક જાતની લલિતકલા એટ્લે કે  Fine Artsમાં અત્યંત રસ ધરાવે છે, પરંતુ તેથીયે વિશેષ વાંચન અને સંગીતમાં અધિક રૂચિ ધરાવે છે. તેઓની આજ રૂચિને કારણે આપણને તેમનો સાથ મળ્યો છે તેથી તેમના વિચારો સાથે તેમણે સુચવેલ નામ “દાદીમાનું ચિંતન જગત” જે આજે આપની સમક્ષ રજૂ કરું છું અને આશા છે કે આપ સર્વે આપના વિચારો અને પ્રતિભાવોને ચિંતન જગતમાં લાવી અમારા આ કાર્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહન સાથે અમને માર્ગદર્શન પણ આપશો, અને સાથે સાથે દાદીમાની કૉ–ઓપરેટીવ થીન્કીંગ સોસાયટીને આગળ વધારવા માટે પણ અમારો સાથ આપશો.

દાદીમાની પોટલીના આ વૃક્ષમાં આ નવા પાન અને નવી ડાળીઓ આવે તેવા વિચારનું બીજ આપણાં સ્નેહ નેટ મિત્ર પૂર્વિ મલકાણ મોદી દ્વારા રોપવામાં આવેલ છે, અને શ્રી વિજયભાઈ દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યો અને તેમનાથી બનતી બધીજ મદદ કરવા રાજી થયેલ છે. જે બદલ અમો તેમના આભારી છીએ. …

 

 તમે પ્રામાણિકપણે વિચારશો તો જરૂર માલૂમ પડશે કે તમારા બધા જ પ્રયાસો અને બધી મહેનત કેવળ અપેક્ષાઓ અને તુષ્ટિના ખ્યાલથી જ થતા હોય છે. તમારી પત્ની અને બાળકો પાસેથી તમારી કેટલીક અપેક્ષાઓ હોય જ છે. તેઓ બધાં તમને તુષ્ટ કરે એવી તમારી ઈચ્છા હોય છે. તેઓ તમારી અપેક્ષાઓ કરતાં જરા ઊણાં ઊતરે તો તમે વ્યગ્ર, નિરાશ અને ક્રોધિત બની જાઓ છો, તેમણે તમને છેહ દીધો હોય એમ તમને લાગે છે. પ્રથમથી જ તમારા કુટુંબ માટે તમારા મનમાં અમુક યોજના કે એક ચિત્ર હોય છે. કુટુંબના બધા તે અનુસાર વર્તે એમ તમે ઈચ્છો છો, કારણ કે તમે જે નથી તે થવા માટેની, અથવા તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવાની, તમારી મહત્વકાંક્ષા છે. તો શું તમે એમ કહી શકો કે કોઈ પણ અપેક્ષા સેવ્યા વગર જ તમે કુટુંબનું ભરણપોષણ કરો છો ? જ્યારે તમારે મહત્વકાંક્ષાઓ હોય ત્યારે તમે દેખીતી રીતે જ સ્વીકારો છો કે અપેક્ષાઓ અને તુષ્ટિની આશા બન્ને તમે સેવો છો. આ વસ્તુઓ જ તમને સાચા પ્રેમના આનંદથી વંચિત રાખે છે. પ્રેમ દિવ્ય, શુદ્ધ અને સરળ હોય છે. અપેક્ષાઓ અને તુષ્ટિ પર તેનો આધાર નથી હોતો. તમે જેને પ્રેમ કહો છો તે તો, મહત્વકાંક્ષા, અપેક્ષાઓ અને તુષ્ટિ એટલે કે તમારા પોતાના જ સંતોષ પર આધાર રાખતું સગવડીયું જોડાણ છે.
મૂળ લેખક: જી. કે. પ્રધાન
અનુવાદક: ગુલાબરાય મંકોડી
‘હિમગિરિ શિખરોનો આધ્યાત્મિક સાદ’માંથી સાભાર …

 

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો,
આપણી અપેક્ષા વધુ પડતી હોય છે.
– હરિન્દ્ર દવે

 

અકબર બાદશાહ કરતાં પણ આપણે વધારે સગવડો ભોગવીએ છીએ.
સિનેમા, એરોપ્લેન, ટીવી, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન વિગેરે.
એણે બિચારાએ સ્વપ્નમાં પણ આ બધું જોયું નહીં હોય અને
છતાં આપણને સુખનો અનુભવ થતો નથી એ જ બતાવે છે કે
સગવડ એ સુખ નથી અને અગવડ એ દુ:ખ નથી.

 

સંકલન : વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )
બ્લોગ લીંક: http://das.desais.net