શું ઇન્દ્રિયો પર વિશ્વાસ આસાન છે ?…

શું ઇન્દ્રિયો પર વિશ્વાસ આસાન છે ?…

ઇન્દ્રિયો નો વિશ્વાસ ન થાય….
પ્રયત્નશીલ વિદ્વાન પુરુષના મનને બલવાન ઇન્દ્રિયો વિષયો તરફ ખેંચી જાય છે. પ્રમાથીનિ ઇન્દ્રિયાણી એટલે અતિશય પ્રબલ ઇન્દ્રિયો-પ્રબલ અને પ્રભાવી ઇન્દ્રિયો, યુદ્ધ માટે ઉત્સુક થયેલી, એટલું જ નહિ, બીજા ઉપર આઘાત કરવાવાળી હોવાથી, તે પ્રયત્નશીલ વિદ્વાનના મનને પણ વિષયો તરફ ખેંચી જાય છે. અંદર રહેલા રસને કાઢવા માટે વિદ્વાન પુરુષ પ્રયત્ન કરે છે પણ, ઇન્દ્રિયો તેના મનને વિષયો તરફ ખેંચી જાય છે.
મરણીયા બનતી ઇન્દ્રિયો :
ઈન્દ્રિયોને વિષયોથી આઘી કરી એટલે ઇન્દિયોને વિષય મળતા નથી. તેથી ઇન્દ્રિયો હતાશ – desperate થાય છે. હતાશ, મરણિયા ?desperate થયેલી ઇન્દ્રિયો પાછી ફરે છે અને મન ઉપર તીવ્ર આઘાત કરે છે. એકાદ બિલાડીને તમે ઓરડીમાં પૂરી દો અને તેને હેરાન કરો તો તે બિલાડી છંછેડાઈને તમારી ગળચી જ પકડે. આવું જ ઇન્દ્રિયોનું થાય છે.
એક સજ્જન હતા. તેણે ચાર છોકરાઓ હતા. છોકરાઓને કુસંગ ન લાગે તેની તે બહુ સંભાળ રાખતા હતા. રોગનો પ્રસાર આપોઆપ થાય છે, તેનો પ્રચાર કરવો પડતો નથી. ભગવાને જે શક્તિ રોગને આપી છે તે જ શક્તિ દુર્ગુણોને પણ આપી છે. સજ્જનના છોકરાઓને કુસંગ થયો અને તે બહાર ચોરી કરવા લાગ્યા. સજ્જનને ખૂબ દુઃખ થયું. જન્માંતરના સંસ્કાર લઈને માણસ જન્મે છે તેથી જ સારા અને સંસ્કારી ઘરનો માણસ પણ ક્યારેક ચોરી કરે છે. માણસને એક વખત ચોરી કરવાની આદત પડી ગઈ કે તે છૂટતી નથી, કારણ, એમણે ચોરી કરવામાં મઝા પડે છે.
છોકરાઓ ચોરી કરતા હતા તેથી બાપને લાગ્યું કે છોકરાઓ ભણે નહિ તો ચાલશે. (એનું કારણ ભણતરનો અને જીવનવિકાસનો આજે બહુ ઓછો સંબંધ રહ્યો છે.) પણ ચોરી કરતા બંધ થવા જોઈએ. તેથી બાપાએ છોકરાઓને ઘરમાંથી બહાર જવાની મનાઈ ફરમાવી દીધી. બાપને લાગ્યું કે હવે છોકરાઓ ચોરી કરતા બંધ થઇ જશે. પરંતુ, થોડા જ દહાડામાં બાપને ખબર પડી કે છોકરાઓ હવે ઘરમાંથી જ ચોરવા લાગ્યા છે.
આવી રીતે તમે ઈન્દ્રિયોને વિષય સાથેનો સંબંધ તોડશો એટલે કે ઇન્દ્રિયો માટે બારીબારણાં બંધ કરશો તો નિરાશ થયેલી ઇન્દ્રિયો પાછા ફરીને મન ઉપર જ હુમલો કરશે. પ્રયત્નશીલ વિદ્વાનની પણ આવી સ્થિતિ થાય છે. તે સંયમને માટે અને ઇન્દ્રિયનિગ્રહને માટે પ્રયત્ન કરે છે છતાં ઇન્દ્રિયો તેના મનને વિષયો તરફ ખેંચી લઇ જાય છે.
મનુ મહારાજે મનુ સ્મૃતિમાં કહ્યું છે:
‘બહેન, માતા કે દીકરી સાથે પણ એકાંતમાં બેસો નહિ. કારણ, શક્તિશાળી ઇન્દ્રિયો શાણા માણસને પણ ખેંચે છે.’ મનુ મહારજની આ વાત સાંસ્કૃતિક છે. પરંતુ, ગીતામાં આ વાત આધ્યાત્મિક છે. બન્નેમાં જે એક સૂક્ષ્મ ફરક રહેલો છે તે ધ્યાનમાં લેવાની છે.
ઇન્દ્રિયોનો વિશ્વાસ ન થાય :
મનુ મહારાજ કહે છે કે (શાસ્ત્રો કહે છે કે) વિદ્વાનને પણ ઇન્દ્રિયો ખેંચી લઇ જશે. ગીતાકાર પણ આવાત માન્ય કરે છે કે, તમે ઈન્દ્રિયોને વિષયોથી આઘી રાખી શકો. પરંતુ, તમે ઈન્દ્રિયોને વિષયોથી આઘી કરશો તો, ઇન્દ્રિયો ઊલટી થઈને, તમારા મનને ખેંચીને લઇ જશે. એટલે તમારું બાહ્ય વર્તન નૈતિક રહેશે પણ તમારું માનસિક ચિંતન વિષયોનું ચાલશે.
મનુ મહારાજ, તમારી ઇન્દ્રિયોનું બાહ્ય વર્તન નૈતિક રહેશે, તે જ અમાન્ય કરે છે, કેમ કે, તેમને સાંસ્કૃતિક અને નૈતિક જીવન સમજાવવાનું છે. સાંસ્કૃતિક અને નૈતિક જીવનમાં ઇન્દ્રિયસમૂહ વિદ્વાનને પણ ખેંચશે એમ કહે છે, એટલે કે, વિદ્વાનની ઇન્દ્રિયોના વર્તન ઉપર પણ મનુ મહારાજ વિશ્વાસ રાખવા તૈયાર નથી. ગીતાકાર આધ્યાત્મિક જીવણ સમજાવે છે અને કહે છે કે વિદ્વાન માણસ કદાચ વિષયોથી ઈન્દ્રિયોને આઘી રાખી શકશે પણ તે ઇન્દ્રિયો મનને વળતો ફટકો મારશે તો શું?
તમે ઈન્દ્રિયોને વિષયોથી આઘા કરવાનો પ્રયત્ન કરશો તો પણ ઇન્દ્રિયો ચારે બાજુથી મન ઉપર આઘાત કરશે. તેના લીધે બુદ્ધિ વિષયોથી ભરાઈ જવાની અને જીવાત્મા દૂબળો રેહવાનો. આમાં મનનો એકલાનો જ દોષ થોડો છે?
પ્રયત્નશીલ એટલે શું? દંડ બેઠક કરે તે પ્રયત્નશીલ કહેવાય? ના, માણસ ખરેખર અંત:કરણથી પ્રયત્ન કરે પણ તે કોના ઉપર પ્રયત્ન કરે? ઇન્દ્રિયોથી વિષયોને આઘા રાખવાનો પ્રયત્ન કરવાનો છે તેમાં બે વાત છે. પહેલું, તમે હઠથી, બળ કરીને, જબરદસ્તીથી ઈન્દ્રિયોને વિષયોથી આઘી કરો અને બીજો રસ્તો છે, વિષયોને હલકા પાડો. વિષયો એટલા હલકા લાગવા જોઈએ કે વિષયો ઉપર ધૃણા, તિરસ્કાર નિર્માણ થાય અને વિષયો જોઈતાં જ નથી એમ લાગવા માંડે.
મન, બુદ્ધિ અને જીવાત્મા :
આમાં પ્રયત્નશીલ માણસનો પ્રયત્ન ઇન્દ્રિયો અને વિષયો પૂરતો છે. તે કદાચ બહુ દોડશે તો મન ઉપર પ્રયત્ન કરશે. પરંતુ, મન એકલું જ થોડું દોષિત છે? મન ઉપર વિષયો, બુદ્ધિ અને જીવાત્માનો અહમ – આ ત્રણેય મળીને આઘાત કરે છે. મન વિષયોથી આઘું થવાં પ્રયત્ન કરે પણ બુદ્ધિ તેણે ટેકો ન આપે. એનું કારણ, બુદ્ધિ વિષયો સાથે ભળી પણ ગઈ હોય. તે વિષયપક્ષ સાથે મળી ગઈ હોય., ઈશપક્ષ સાથે નહિ. બુદ્ધિ વિષયો પાસે ઢીલી પડી જાય છે. પાછું, બુદ્ધિને પણ કોઈનો ટેકો જોઈએ એટલે બુદ્ધિ, જીવાત્માના અહમનો ટેકો લે છે પણ જીવાત્માનો અહમ્ બુદ્ધિ તરફ ઢળેલો હોય છે. આવી માનસિક સ્થિતિ છે.
બીજું, માણસની એવી સમજણ છે કે વિષયોને હલકા ઠરાવીશું તો તે ઇન્દ્રિયો, મન ઇત્યાદિથી છૂટા થઇ જશે; વાસ્તવમાં, આમાં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને જીવાત્માનો અહમ્ – આ ચારેયનું કાવત્રું હોય છે. (જીવાત્મા એટલે અહમ મિશ્રિત ચૈતન્ય). એકલી ઇન્દ્રિયો કે એકલું મન કંઈ કરી શકતું નથી.
એક વેપારી પેઢી હતી. તેમાં ચાર ભાગીદાર હતા. તેમનો કાપડનો ધંધો હતો. ચારે ભાગીદારો વચ્ચે દોસ્તદારી સારી હતી. તેમની પેઢી પર દરરોજ એક ધોળી બિલાડી આવતી હતી. તેના ઉપર ચારે જણાની માયા બંધાઈ ગઈ. બિલાડીને તેઓ દૂધ પાતા. બિલાડી તેમણે ઉપયોગી પણ હતી, કારણ, કાપડના ગોડાઉનમાં ઉંદર પુષ્કળ હતા. ચારે જણાને બિલાડી પર પ્રેમ હતો – તેથી તેમણે પોતાની વચ્ચે બિલાડીના ચારે પગ વહેંચી લીધા. તેઓ દરરોજ બિલાડીના એક એક પગ રંગ-બેરંગી કપડાથી શણગારતા હતા. બિલાડી તેમના માટે કૌતુકનો વિષય બની ગઈ.
એક દિવસ બિલાડીના એક પગમાં વાગ્યું અને ઘા પડી ગયો. જેના ભાગમાં બિલાડીનો તે પગ હતો તેણે, તે પગ ઉપર રૂ-તેલનો પાટો બાંધ્યો. બન્યું એવું કે ગોડાઉનમાં એક દીવી સળગતી હતી, તેનાથી સંજોગવશાત બિલાડીનો પાટાવાળો પગ સળગ્યો. બિલાડીએ ગભરાઈને આખા ગોડાઉનમાં દોડાદોડી કરી મૂકી. કાપડની ગાંસડીઓ સળગી ઊઠી. બિલાડી થોડીઘણી દાઝી તો પણ બહાર નીકળી આવી. આગથી મોટું નુકશાન થયું. જ્યાં સુધી ભાગીદારીમાં ફાયદો હોય ત્યાંસુધી ભાગીદારી ટકે. નુકશાની આવી કે ભાગીદારો લડી પડે.
બાકીના ત્રણે ભાગીદારોએ નક્કી કર્યું કે જે પગ ઉપર પાટો બાંધેલો હતો તે પગથી આગ લાગી છે, માટે ચોથા ભાગીદાર ઉપર તેમણે ત્રણ લાખ રૂપિયાનો દાવો નોંધાવ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. વકીલોએ દલીલો કરીને સિદ્ધ કરી આપ્યું કે જે પગે પાટો બાંધેલો હતો તેનાથી આગ લાગી છે. તેથી, તે પગ જેના ભાગનો હતો તેણે નુકશાની ભરપાઈ કરી આપવી. પરંતુ, ન્યાયાધીશ બહુ હોશિયાર હતા. તેમણે કહ્યું કે આ કેસનો ફેંસલો હું આવતી કાલે કરીશ. બીજે દિવસે ચૂકાદો સાંભળવા ઘણા લોકો આવ્યા હતા. ન્યાયાધીશે કહ્યું: ‘આખી ઘટના ઉપર મેં પૂરો વિચાર કર્યો છે. બિલાડીના પગે પાટો બાંધેલો હતો. તે સળગ્યો, તેના લીધે બિલાડીએ દોડાદોડી કરી અને આખું ગોડાઉન સળગી ગયું આ વાત ખરી. પરંતુ, પ્રશ્ન એ છે કે, બિલાડીએ ક્યા પગથી દોડાદોડી કરી? જે પગ ઘવાયેલો હતો તેનાથી તે દોડી નથી-તે બાકીના ત્રણ પગથી દોડી છે. માટે જે ત્રણ પગથી બિલાડીએ દોડાદોડી કરી તે પગના માલિકો આ ત્રણ ભાગીદારો છે. તેથી તેમણે ચોથા ભાગીદારને નુકશાન ભરપાઈ કરી આપવું એવો હું હુકમ કરું છું.’
માણસો વિષયો તરફ ખેંચાઈ જાય છે તેમાં કેવળ ઇન્દ્રિયો કે મનને ગાળો ભાંડવાથી ન ચાલે. ઇન્દ્રિયો અને મન ભળી જઈને બુદ્ધિને બનાવે અને બુદ્ધિને જીવાત્માનો ટેકો મળે. તેથી જ ઇન્દ્રિયો વિષયો તરફ ખેંચાય. આમાં ચારેચાર દોષિત થાય છે. જીવાત્મા ટેકો ન આપે, બુદ્ધિ ના પાડે અને મન તૈયાર ન થાય તો ઇન્દ્રિયો કંઈ ન કરી શકે. ઇન્દ્રિયો ઢીલી જ થઇ જાય. મન, બુદ્ધિ અને જીવાત્માના ટેકાને લીધે ઇન્દ્રિયો દોડે છે.
સંન્યાસીઓને એક જ જગા પર ત્રણ દિવસથી વધારે રહેવાની શાસ્ત્રકારોએ ના પાડી છે તેનું કારણ આ જ છે. જે જગા સારી લાગી ત્યાં વધારે રહેવાથી તેની આસક્તિ લાગે, મન ત્યાં ચીટકી બેસે. સંન્યાસીને તો આસક્તિ ન જ લાગવી જોઈએ.