રંગ રંગ જોડકણા … (ભાગ-૨) …

રંગ રંગ જોડકણા … (ભાગ-૨) …


મારી બાળપણની થોડી યાદોમાં આ જોડકણાઑનો પણ ઘણો ફાળો રહ્યો છે ઉનાળાના વેકેશનમાં બાબા અસંખ્ય જોડકણા અને બાળગીતો શીખવાડતા આજે બાબા તો નથી પણ તેમની પાસેથી શીખેલા આ જોડકણા આજે હૂઁ મારા બાળકોને શીખવાડું છુ ત્યારે તેમની બોલીમાં ક્યાંક ને ક્યાંક મારૂ પણ બચપણ આવી ને સમાઈ જાય છે. આશા રાખું છુ કે આ જોડકણા આપને પણ ગમશે.આપણાં વાચક મિત્રોમાં ઘણા એવા વાંચક વડીલો પણ હશે જેમને પણ આ જોડકણા વાંચીને તેમનું બચપણ યાદ આવી જાય તો અમારી સાથે તમારી યાદોને પણ ચોક્કસ વહેંચજો હોં… આપના પ્રતિભાવ બ્લોગપોસ્ટ પર આવી અને કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર મૂકશો. જે કૃતિના લેખકને તેમજ અમોને  સદા પ્રેરકરૂપ બની રહેશે…  ભવિષ્યમાં પણ આવી અન્ય કૃતિઓ બાળવિભાગ માટે બ્લોગ પોસ્ટ પર લાવવા કોશિશ કરીશું …
‘દાદીમા ની પોટલી’ ના બાળવિભાગ માટે આ પોસ્ટ મોકલવા બદલ અમો શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી – (યુ એસ એ) ના અત્રે આભારી છીએ …


૧ ) ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મેં ચીભડા લીધાં, ચીભડે મને બી દીધાં
બી બધાં મેં વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું
દૂધ મેં મોરને પાયું, મોરે મને પીંછું આપ્યું
પીંછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો
ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી
માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું
પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું
ફૂલ મેં મહાદેવને ચડાવ્યું, મહાદેવે મને ભાઈ આપ્યો
ભાઈ મેં ભાભીને આપ્યો, ભાભીએ મને સિક્કો આપ્યો
સિક્કો મે ભાડભૂંજાને આપ્યો, ભાડભૂંજાએ મને ચણા આપ્યા
ચણા ચણા હું ખાઈ ગયો, ફોતરાં ફોતરાં ભેગા કર્યા
ફોતરાં મેં ઘાંચીને આપ્યાં, ઘાંચીએ મને તેલ આપ્યું
તેલ મેં માથામાં નાખ્યું, માથા એ મને વાળ આપ્યો
વાળ મેં નદીમાં નાખ્યો, નદીએ મને પાણી આપ્યું
પાણી મેં આંબે રેડ્યું, આંબાએ મને કેરી આપી
કેરી કેરી ખાઈ ગયો, ગોટલો …….?…..
એ……મેં ….વાવી દિધો બીજા આંબા ના છોડ માટે ……


૨ ) ભાઈના મામા આવે છે, પેંડા બરફી લાવે છે
પેંડા બરફી મીઠાં, મામાના હેટ દીઠા ..


૩ ) લઈ લો પાટી, દફ્તર પોથી, આજે છે સોમવાર
ડબ્બો નાસ્તાનો ભુલશો મા, આજે છે મંગળવાર
દોડો દોડો ઘંટ વાગ્યો, આજે છે બુધવાર
ગુરુજનને જઇ વંદન કરજો, આજે ગુરુવાર
શુક્કરવારી ચણા ખાજો, આજે શુક્રવાર
જય બજરંગબલી ની બોલજો, આજે શનિવાર
રમતગમત ને હરવફારવા થાવ આજે તૈયાર
રાજા મજા ને સહેલનો દિવસ, આજે રવિવાર ..


૪ ) નદીમાં આવ્યાં પૂર, જશો ના દૂર દૂર
ભરાયાં સઘળે પાણી, જશે તમને તાણી ..


૫ ) ભાઈ બહેનની જોડી, લીધી નાની હોડી
હોડી ચાલી દરિયાપાર, મોતીડાં લાવ્યાં અપાર ..


૬ ) ભાઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી, ભાઈ પડ્યો હસી ..


૭) માછલી રે માછલી, રંગબેરંગી માછલી
નાની નાની માછલી, મોટી મોટી માછલી
માછલી રે માછલી, નદીના પાણીમાં નાચતી
તળાવમાં ઝંપલાવતી, સાગરમાં એ મ્હાલતી
માછલી રે માછલી, જીવજંતુ ખાતી
મોતી પકાવતી, ઘણાંને બહુ ગમતી ..


૮ ) હાલાં વાલાં ને હલકી, આંગણે વાવો ને ગલકી
ગલકીનાં ફૂલ છે રાતા, ભાઈના મામા છે માતા
માતા થઈને આવ્યાં, આંગલા ટોપી? રે લાવ્યા
ટોપીમાં છે નવી ભાત, ભાઈલો રમે દી’ને રાત ..


૯ ) એકડે એક, પાપડ શેક
પાપડ કાચો, દાખલો સાચો
બગડે બે, રામનામ લે
રામનામ કેવું, સુખ આપે તેવું
ત્રગડે ત્રણ, રોટલી વણ
વાટકા ગણ, ઝટપટ ભણ
ચોગડે ચાર, કરજો વિચાર
કોઠીએ જાર, હિંમત ન હાર
પાંચડે પાંચ, ચકલીની ચાંચ
ચકલી ઊડી, હોડી ડૂબી
છગડે છ, ગણવામાં ઢ
ઢ એટલે ઢગલો, ધોળો ધબ બગલો
સાતડે સાત, સાચી કરો વાત
વાતે થાય વડા, ઘીના ભરાય ઘડા
આઠડે આઠ, વાંચજો પાઠ
પાઠ છે સહેલા, ઊઠજો વહેલા વહેલા
નવડે નવ, માટલીમાં જવ
જવ ગયા પડી, ડોસી ખૂબ રડી
એકડે મીંડે દસ, હવે થયું બસ
મીલી મોડી જાગી,”બસ” ગઈ ભાગી ..


૧૦ ) રાત જતી ને સુવાસ લઈને, આવે નવું પ્રભાત
વાતાવરણને મહેંકાવી દે, એનું નામ તો પારિજાત ! ..


૧૧ ) તડકો તાતો ચોમેર તપતો, જામે ખરો ઉનાળો
વનવગડે પીળો પચરક હોય ત્યાં, ઝૂમે છે ગરમાળો ..


૧૨) વનવગડે ઊગી નીકળે, આછા જાંબલી રંગે
એના ફૂલની માળા સોહે, હનુમાંજીના કંઠે આકડો સોહે ..


૧૩ )ધોમધખંતો તડકો તાતો, પાંદડી પર ઝીલી
ગુલમહોર ઘર પાસે ઊભો, કેવો રહેતો ખીલી ..


૧૪ ) જાત જાત ને ભાતભાતના રંગે સોહે ગુલાબ,
સુગંધ એની સૌને ગમતી, કેવો એનો રૂવાબ રાજા જેવો ..


૧૫ )ધોમધખંતા ઉનાળામાં, કેસૂડો કામણગારો
લાલ લાલ ચટ્ટક ખીલે તે, જાણે રંગ બેરંગી ફૂવારો ..


૧૬ )મોટો મોટો ગલગોટો, પીળો ને વળી મોહક
કોઈ જડે ના ઇનો જોટો, બાગની રોનક કેવી વધારતો ..


સૌજન્ય: પૂર્વી મલકાણ -મોદી (યુ એસ એ)

 

નોંધ : ઘણા પાઠક મિત્રોની માંગણી અને લાગણી ની નોંધ લઇ  ‘રંગ રંગ જોડકણા ‘ ભાગ – ૧  ની લીંક આ સાથે નીચે દર્શાવેલ છે, જેના પર ક્લિક કરવાથી ભાગ -૧ પણ માણી  તમારા પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો …  આભાર !

બ્લોગ પોસ્ટ લીંક :

રંગ રંગ જોડકણા…(ભાગ -૧)