(૧) જીવન શું છે ? .. (૨) કુંતી .. (૩) ભગવાન બુદ્ધ .. (ટૂંકી પ્રેરક કથાઓ)

(૧)  જીવન શું છે ?  …


જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની  પાસેથી તમને કશું નહીં મળે.
જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ?
સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય?
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી.
ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી.
ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ?
તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ?
તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો.

કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત.
જીવન જૂઠું બોલતું નથી

 

(૨)  કુંતી …

પ્રાણીઓની પીડા અને દુ:ખનું નિવારણ કરવા માટે જો આપણને કોઈ તક મળી જાય છે, તો આપણા માટે એ જ વરદાન છે અને એ જ આપણું સૌભાગ્ય છે.

♣ કુંતિને  ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું  કે હું ભગવાન  જ છું, હવે હું જઈ રહ્યો છું, તારે જોઈએ તે વરદાન માંગી લે. કુંતિએ કહ્યું કે હું જાણું છું કે આપ ભગવાન છો. મને તો આપ એક જ વરદાન આપો કે હું જ્યાં જ્યાં જન્મ લઉં, હંમેશા કષ્ટનું જીવન જીવું, જેથી હું તામ્રું સમરણ ક્યારેય ના છોડી શકું અને ગરીબીનું અસુવિધાઓનું જીવન જીવું, જેથી હું બીજા લોકોની કઠણાઈ વિશે સમજી શકું તથા મને એ જ્ઞાન અને ભાન જળવાઈ રહે કે દુનિયામાં ગરીબી કેવી હોય છે ? કષ્ટ, દુ:ખ અને અસુવિધાઓ કેવી હોય છે ? આ અસુવિધાઓને, તેમની પીડાને વહેંચાવવા માટે હું એક ડગલું આગળ માંડી શકું.

(૩) ♣ ભગવાન બુદ્ધને એક વાર પૂછવામાં આવ્યું કે આપને તો મર્યા પછી સ્વર્ગ મળવાનું છે. તેમણે કહ્યું – ના, મને સ્વર્ગ મળવાનું નથી. તો પછી આપને શું મળવાનું છે ? આપ ક્યારે સ્વર્ગમાં જશો ?
સ્વર્ગમાં જનારા ઓમાં હું સૌથી છેલ્લો માણસ હોઈશ., જ્યારે બધે બધાં મનુષ્યો માંથી પ્રત્યેકને સ્વર્ગ મળી જશે, પ્રત્યેક મનુષ્ય સ્વર્ગમાં જતો રહેશે. પ્રત્યેક મનુષ્ય શાંતિ મેળવી લેશે. ત્યારે હું છેલ્લો મનુષ્ય હું લાઈનમાં ઊભો હોઈશ, જે સ્વર્ગની ઇચ્છા ધરાવતો હોય.તે પહેલાં હું પ્રત્યેક મનુષ્યને આગળ વધારતો જઈશ, બીજાને પ્રોત્સાહન આપતો જઈશ અને આગળ વધારતો જઈશ, જેથી લોકો સ્વર્ગના અધિકારી બની જાય.

 

સંકલન : અજ્ઞાત …