ભિખારીને પણ હૃદય હોય છે …

ભિખારીને પણ હૃદય હોય છે …


(શ્રીમા શારદાદેવી (શ્રી રામકૃષ્ણ પરમહંસ) પાસેથી મંત્ર દીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતવર્ષમાં ફરતાં ફરતાં એમને થયેલા માનવના વિવિધ અનુભવોના મધુર સંસ્મરણો ‘માનવતા કી ઝાંકી’ નામના પુસ્તકમાં પ્રકાશિત થયાં છે. તેમાંથી એક અંશ નો  કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. આ અંશ આપવાનો મૂળ હેતુ આજે જ્યારે માનવતાનાં મૂલ્યો ઘસાઈ રહ્યાં છે અને માનવી એક સાવ સાંકડી મનોવૃત્તિ સાથે સ્વાર્થપરાયણ બની રહ્યો છે ત્યારે સમાજના અત્યંત સામાન્ય ગણાતા, અદના આદમીના જીવનની પ્રેરણાદાયી વાતો આપણને સર્વજનહિતાય, સર્વજનસુખાય કેમ જીવી શકાય તેનો આદર્શ આપણી સમક્ષ આવા સામાન્ય માનવીઓ મૂકે છે. જો આપણો સમાજ આપણી પ્રાચીન સંસ્કૃતિના આદર્શ સાથે જીવતાં શીખે અને જીવવા માંડે તો આપણા દેશમાં પરમશાંતિનું સ્વરાજ આવી શકે એમ અમે વિનમ્રપણે માનીએ છીએ.)
કિષ્કિંધા નગરીમાં વાલી સુગ્રીવનું રાજ્ય હતું. અહીં શ્રીરામ, લક્ષ્મણ રહ્યા હતાં. અહીં જ હનુમાનજી સીતાજીની શોધ કરીને પાછા આવ્યા હતાં. અહીંથી જ શ્રીરામે વાનરસેના સાથે લંકા પર ચડાઈ કરી અને સીતાજીને લંકામાંથી પાછા લાવ્યા. આ પવિત્ર સ્થળના દર્શન કરવા માટે એક પરિવ્રાજક સંન્યાસી પરિભ્રમણ કરતાં કરતાં ત્યાં પહોંચી ગયા. ચારે બાજુએ પર્વતમાળાથી ઘેરાયેલું સુંદરમજાનું સ્થળ. અહીં જીર્ણ પણ પ્રાચીન મંદિર છે. રામાયણનો એ પ્રસંગ યાદ આવવાથી  એ પવિત્ર સ્થળની ગંભીરતા અને ગૌરવ ગરિમાનું આપણને ભાન થાય છે. સંન્યાસીની આંખો સામે ઝડપથી કિષ્કિંધાકાંડનું ચલચિત્ર ચાલવા લાગ્યું.
અહીં કેટલાંય અનુભવ થયા, પણ સંન્યાસીને થયેલ એક માનવતાનો અનુભવ અનોખો હતો. અહીંથી નજીકમાં જ ચક્રતીર્થ આવેલું છે. બીજે દિવસે સંન્યાસી જંગલના રસ્તે ચાલીને ત્યાં પહોંચ્યા. એક રાત કિષ્કિંધામાં રહ્યા. સવારે માતંગ પર્વતનાં દર્શને ગયા. ત્યાં કોઈક તાજાં નાળીયેર રાખી ગયા હતા. ભૂખ લાગી હતી અને અનાયાસ નાળીયેરનો પ્રસાદ મળતાં જ સંન્યાસી ખુશ ખુશ થઇ ગયા અને નાળીયેર ખાઈ લીધું. બપોરે ચક્રર્તીથ પહોંચ્યા. સ્વચ્છ નિર્મળ નિરવાળી  અર્ધચંદ્રાકાર નદીમાં ખૂબ નહયા. આજુબાજુનું દ્રશ્ય મનોરમ હતું. સામે જ લીલીછમ પર્વતને ચક્રાકાર ઘેરતી અને તીવ્રવેગે વહેતી નદી વરસાદના જળથી પૂરેપૂરી ભરી હતી. આસપાસનાં પહાડી જંગલો પણ હતાં. ક્યારેક અહીં મહાન વિજયનગરની રાજધાની પણ હતી. અત્યારે એનું નામ હંપી છે. શ્રી હંપીશ્વર મહાદેવનું વિશાળ મંદિર પણ અહીં છે. આ ચક્રતીર્થ પ્રસિદ્ધ શિવની તીર્થભૂમિ છે.
સંન્યાસી સ્નાન કરીને એક સ્વચ્છ પથ્થર પર બેસીને ત્યાંનાં મનોરમ દ્રશ્ય માણી રહ્યા છે. મનમાં ને મનમાં ભારતનાં પ્રાચીન ઇતિહાસનાં પાનાં સામે આવી રહ્યા છે. વિજયનગરનું સામ્રાજ્ય કેવી રીતે વિકસ્યું અને કેવી રીતે એનો વિનાશ થયો. શા માટે એવું બન્યું ? વગેરે મનચક્ષુ સમક્ષ આવવા લાગ્યું.
શું આપણે ભારતવાસીઓ આમાંથી કંઈ બોધપાઠ શીખી શક્યા છીએ ખરા ?
એટલામાં જ એક સૌમ્ય વૃદ્ધ સ્ત્રી આવી. એણે સામે નાળિયેર મૂકીને પોતાની ભાષામાં કંઈક કહ્યું. સંન્યાસી બેચાર શબ્દોનું જ અનુમાન કરી  શક્યા, બાકી બધું હવામાં. સંન્યાસીએ એમને  હિંદીમાં આશીર્વચન આપ્યાં. એ વૃદ્ધ સ્ત્રી કંઈ સમજી હોય એવું ન લાગ્યું. પછી એ દંડવત્ પ્રણામ કરીને ચાલી નીકળી. ભૂખ તો લાગી હતી. એમાં વળી આ વૃદ્ધ સ્ત્રી પાસેથી નાળિયેર મળ્યું એટલે નાળિયેર ખાઈને જ ભૂખ દૂર કરવાની છે. સંન્યાસી તો નાળિયેર ખાઈ ગયા. બીજો કોઈ ઉપાયે ન હતો. કોઈ ગૃહસ્થની ઘરે જઈને ભિક્ષાન્ન ન માગતા આકાશવૃત્તિથી ચલાવતા હતા. બંને વખત ખાવામાં નાળિયેર પેટમાં તો ગયું પણ ગરબડ થઇ ગઈ. પેલા તો પેટમાં પીડા થવાં લાગી. પછી ઝાડા થઇ ગયા અને મરડાની બીમારી થઇ ગઈ. હવે ચક્રતીર્થમાં રોકાવાનો વિચાર માંડીવાળીને સંન્યાસી હોસ્પેટ શહેર તરફ ચાલી નીકળા. અહીં કદાચ પોતાના રોગનો ઈલાજ મળી જાય. એવું મનમાં ધાર્યું હતું. આખે રસ્તે ઝાડાને લીધે હેરાન હેરાન થતા રાતે સંન્યાસી હોસ્પેટ પહોંચ્યા; પણ હવે આ રોગ એટલો વધી ગયો કે શહેરમાં જાવું સંભવ ન હતું.
બહાર રસ્તાની પાસે એક લિંગાયત ધર્મશાળાની પાછળ એક છાપરામાં બેઠા. ત્યાં કોઈ ન હતું એટલે ઠીક રહ્યું. પરંતુ સામે જ ચારેબાજુથી બંધ કોટની અંદર એક તળાવ અને જંગલ જેવું હતું. આ સગવડતા જોઈને સંન્યાસીની ચિંતા થોડી ઓછી થઇ. પણ આખી રાત ઝાડા થતા રહ્યા અને નબળાઈનો પાર ન રહ્યો. સવારે તો લોહી પણ પડવા લાગ્યું. આટલી નબળાઈને લીધે ઘણી મુશ્કેલી વધતી જતી હતી. ચક્કર આવવા લાગ્યા. કોઈ મદદ કરનારું ન મળે તો પછી શું કરવું એ પણ પ્રશ્ન હતો. સાંજને સમયે સારંગી બજાવીને ભીખ માંગનારો ગ્વાલિયરનો એક માણસ આવી પહોંચ્યો. સન્યાસીને જોઈને પ્રસન્ન થયો અને કહ્યું : ‘સારું થયું, આપની સાથે સત્સંગમાં રાત વિતશે.’ એણે જોયું તો સંન્યાસી વારંવાર ઝાડે જાય છે. ચિંતા સાથે એણે પૂછ્યું : ‘મહારાજ, ક્યારથી આ તકલીફ શરૂ થઇ? અહીં ક્યારથી આવ્યા છો ? દવા લીધી કે નહિ ? કંઈ ખાધું છે કે નહિ ? વગેરે.’ મેં બધી વાત કહી. એટલે એણે કહ્યું : ‘કાલ સવાર સુધીમાં મટી જશે. આ બધું અન્ન ન મળવાને કારણે થયું છે. હું જલ્દી ભાત બનાવીને આપને  ખવડાવું છું. અને પછી ભીખ માંગવા જઈશ. તમે ગભરાતા નહિ.’
રાતભર મુશ્કેલી તો રહી. સવારે એણે નાહી ધોઈને ભાત રાંધ્યા. લાલ મરચામાં ઘણું ઘી નાખીને એનો રસો બનાવીને ખાવામાં પીરસ્યો. સંન્યાસીએ લાલ મરચું જોઈને વિચાર્યું કે હવે તો આ છેલ્લું જ ભોજન છે. ‘જય ભગવાન’ કહીને એ ઝોલ એટલે ભાતનું પાણી અને મરચાની ભૂકી સાથે ભાત ખાધો. પેલા સારંગીવાળાએ પણ થોડું ખાધું અને વળી પાછો ભિક્ષા માગવા ચાલી નીકળ્યો.
અને હવે બે-ચાર વખત તો ઝાડે જવું જ પડ્યું પણ લોહી નીકળવું ઓછું થયું અને ઝાડા પણ બંધ થવાં લાગ્યા. સંન્યાસીને આશ્ચર્યનો પાર ન હતો. સાંજ સુધીમાં તો લોહી સાવ બંધ થયું. દેહમાં જરા તાકાત આવી. પેલો સારંગીવાળો ભિખારી બજારમાંથી દહીં અને સંન્યાસીની બિમારી માટે વાત કરીને કોઈ સજ્જન પાસેથી ચોખ્ખું ઘી પણ માગી લાવ્યો. રાતે સંન્યાસીને વળી પાછા ઘી સાથે દહીંભાત ખવડાવ્યા. સવાર થતાં રોગનું  નામનિશાન ન રહ્યું.
પછીના દિવસે વળી પાછાં દહીંભાત ખવડાવ્યા અને એ ભિખારી સારંગી સાથે ભીખ માગવા ચાલી નીકળ્યો. આખો દિવસ સંન્યાસીએ આરામ કર્યો. સાંજે એ સારંગીવાળો એક સજ્જનને સાથે લઈને આવ્યો. એણે કહ્યું : ‘બેલારી, સારી જગ્યા છે. ત્યાં ચાલ્યા જવું તમારે માટે સારું રહેશે.’
એણે પોતે ટિકિટ લઇ દીધી અને સારંગીવાળો સ્ટેશન સુધી આવીને મને ગાડીમાં બેસાડી દીધો અને પ્રેમપૂર્વક મને વિદાય આપી. સંન્યાસીના મોંમાંથી ઉદગાર સારી પડ્યાં. એક ભિખારીના હૃદયમાં પણ માનવતાનું કેવું સુંદરમજાનું પુષ્પ ખીલ્યું છે ! ધન્ય છે પ્રભુ ! તારી લીલા ધન્ય છે !