(૧)કાર્યનો સમય ત્યારે આવે … અને (૨) શિક્ષણ એટલે ..

(૧) કાર્યનો સમય ત્યારે આવે …
મિત્રો પોસ્ટને માણતા પહેલા એક અગત્યની જાહેરાત કરવાની કે, આપ સર્વે અહીં બ્લોગ પોસ્ટ પર નિયમિત રીતે દર અઠવાડિયે ડૉ. પાર્થ માંકડ ની કલમે માણતા ‘સ્વાસ્થયનો મીઠો સ્વાદ, હોમીઓપેથી .. હવે પછીથી દર ૧૫ દિવસે એક વખત માણી શકશો.  ઉપરોક્ત વ્યવસ્થા અન્ય વ્યવસ્થા ડૉ.માંકડ તરફથી ના થાય ત્યાં સુધી અમો ચાલુ રાખીશું, તો આપ સર્વેને પડેલ તકલીફ બદલ દિલગીર છીએ.  આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોઈ તો તે વિગત તમો અમોને અમારા મેઈલ આઈડી [email protected] ઉપર લખીને મોકલી શાલો છો., તેના જવાબ અમો નિયમિત રીતે આપવા કોશિશ કરીશું.  આપ સર્વેના સહકાર ની અપેક્ષા સહ ..
(૧) કાર્યનો સમય ત્યારે આવે …

મારું વલણ તમે જાણો છો ?  ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું શું કામ છે ?  પછી કાર્યમાં લાગી રહેવાનું.
એક માણસને પોતાને ગામથી પત્ર મળ્યો કે અમુક અમુક વસ્તુઓ ઘરે પહોંચાડવાની છે.  વસ્તુઓની યાદી પત્રમાં હતી.  એ માટે એ બજારે જવા નીકળ્યો ત્યાં જ પેલો પત્ર ખોવાઈ ગયો ચિંતાપૂર્વક એ ખાળવા લાગ્યો અને ઘરનાં બીજાં લોકો પણ તપાસમાં જોડાયાં.  આખરે એ પત્ર હાથ લાગ્યો ત્યારે એ રાજીના રેડ થઇ ગયો.  ખૂબ આતુરતાથી એણે પત્ર ખોલ્યો અને વાંચ્યો, એમાં લખ્યું હતું કે પાંચ શેર મિઠાઈ, કાપડનો એક ટુકડો અને બીજી થોડી પરચુરણ ચીજો મોકલવાની છે.  પછી એ પત્રની જરૂરત શી ?  એનો હેતુ પૂરો થઇ ગયો હતો.  એણે બાજુએ મૂકી એ ખરીદી કરવા ઉપાડી ગયો.  આવા કાગળની જરૂર કયાં સુધી ?  એની અંદરની બાબત ધ્યાનમાં ન આવે ત્યાં સુધી.  એમાં શું છે તેની જાણ થયા પછી એનો અમલ કરવા મનુષ્ય મંડી પડે.
આજ રીતે, ઈશ્વરને પામવાનો માર્ગ શાસ્ત્રોમાં છે. પણ એ માર્ગ વિશેની બધી માહિતી જાણ્યા પછી તમારે કામે લાગી જવું જોઈએ.  તો જ તમે ધ્યેય પ્રાપ્ત કરી શકો.

 

(૨) શિક્ષણ  એટલે …
શિક્ષણ એટલે તમરા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પામ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ.
આપણે તો જીવના ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ – મનન જોઈએ છે.  જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.

યથા ખરશ્ચન્દ્દ્નભારવાહી ભારસ્ય વેત્તા ન તુ ચંદનસ્ય – ‘ જો ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે, પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.’  જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો લાઈબ્રેરીએનો  દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત, અને વિશ્વકોષો મહાન થઇ ગયા હોત.
એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું  આધ્યાત્મિક અને વ્યવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ.  તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલિકવાળું અને બને  ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિનું હોવું જોઈએ.
–     સ્વામી વિવેકાનંદન