રંગ રંગ જોડકણા…(ભાગ -૧)

રંગ રંગ જોડકણા…(ભાગ-૧) …

(૧) લાડ પિતાનાં, માની મમતા
બહેની કંઠે હાલરડું
તેવું મારું પ્યારું પ્યારું
અજોડ એવું જોડકણું
અડકો દડકો, દહીં દડૂકો
શ્રાવણ ગાજે, પીલુ પાકે
ઊલ મૂલ, ધતૂરાનું ફૂલ
સાકર શેરડી ખજૂર
ધનુષ્ય જેવું વાંકડિયું
સપ્ત રંગે સોહાય
જોવા એનું રૂપ નિરાળું
સહુનાં મન લોભાય
(૨) કારતકમાં ટાઢ આવી
માગશરમાં જામી
પોષ મહિને પતંગ લઈને
ટાઢને ભગાડી
મહા મહિને વસંતપંચમી
ઊડે રંગ ગુલાલ
ફાગણ મહિને હોળી આવી
રંગ ગુલાબી લાલ
ચૈત્ર મહિનો ગરમી લાવ્યો
વેકેશન વૈશાખ
જેઠ મહિને ગિલ્લી દંડા
રમતા લાગે થાક
અષાઢ મહિને આંધી સાથે
વાદળ વરસે ઝાઝાં,
શ્રાવણ મહિને સરોવર છલકે
શાકભાજી છે તાજા
ભાદરવામાં ભીંડા મકાઇ
લોકો હોંશે ખાય
આસો મહિને દિવાળીના
ફટાકડા ફોડાય
(૩) મિયાંજી ફૂસકી, બંદૂક ઠૂસકી
હાથમાં હોકો, લાવ મારો ધોકો
ઘરમાં વાંદો, પૂંછડે બાંડો
દાંતો કરડે, મૂછો મરડે
આમતેમ ઊડે, મિયાંજી કૂદે
ચારે બાજુ દોડાદોડી, બીબી સાથે જીભાજોડી
મિયાં મારે ધોકો, તૂટી ગયો હોકો
વાંદો ગયો છટકી, ફૂટી ગઈ મટકી
ચારે બાજુ પાણી, ઘર આખું ધૂળધાણી
બીબી બોલી ફટ છે પણ વાંદાભાઇનો વટ છે
(૪) શિયાળે ટાઢ, ગોદડાં કાઢ
ટાઢ ટાઢ કરીએ નહીં, ટાઢના માર્યા મરીએ નહીં
ઉનાળે તાપ, પાંખો આપ
ઊની ઊની લૂ વાય, પિન્ટુ નળ નીચે ન્હાય
ચોમાસે પાણી, છત્રી આણી
છત્રી છે રૂડી, કાગડો થઈ ઊડી !
(૫)  વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા
ચપટી બોર લાવતા, છોકરાં સમજાવતા
એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી, અરર…ર……. માડી !
(૬) એકડે એક, પાપડ શેક
બગડે બે, તાલી દે
ત્રગડે ત્રણ, મણકા ગણ
ચોગડે ચાર, સોટી માર
પાંચડે પાંચ, કાગળ વાંચ
છગડે છ, લડશો ન
સાતડે સાત, સાંભળો વાત
આઠડે આઠ, ભજવો પાઠ
નવડે નવ, કરો કલરવ
દસડે દસ, હવે કરો બસ
(૭) વર્ષા રાણી વર્ષા રાણી
વાદળને એ લાવે તાણી
હસતે મોઢે કરતી લાણી
જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
(૮) આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને
કારેલાનું શાક
આવ રે વરસાદ, નેવલે પાણી
માંદલી છોકરીને
દેડકે તાણી
(૯) છોકરાં રે…..હો રે…….
ગોરો આવ્યો …….શું શું લાવ્યો?
પાન,સોપારી, પાનનાં બીડાં,
ભગરી ભેંસ, ભૂરીયો પાડો
એલચી દડો હંસલો ઘોડો
જેને બહેન વ્હાલા હોય તે
પેલા ઝાડને અડી આવે
(બાળકો ઝડપથી ઝાડ અથવા બીજું નામ બોલાય તેને દોડીને અડકી પાછા આવે અને નામ બદલાતા જાય અને રમત આગળ વધતી જાય.)
સકલન :  પૂર્વી મલકાણ – મોદી (યુ એસ એ )
“Purvi Malkan”