ગૌચારણ લીલા …

ગૌચારણ લીલા …

ગો એટલે ગાય અને પાલ એટલે પાળનાર અથવા રખેવાળ.જે ગાયોને પાળે છે તે ગોપાલ
આમ તો આ નાનકડાં ચરણ આ પહેલા ઘણીવાર વૃંદાવનમાં આવી ચુક્યા છે પણ આજનો દિવસ કંઇક વિશેષ હતો આજે વિવિધ પંખીઓનો કલરવ થતો હતો, હરણ, નીલગાય, હાથી વગેરે પશુઓ હર્ષિત ધ્વનિ કરી રહ્યાં હતાં. પલ્લવિત અને પુષ્પિત બનેલા વૃક્ષો આજે વ્રજનાં સૌથી નાનકડાં ગૌપ્રતિપાલના દર્શન કરી રહ્યાં હતાં.વૃક્ષોના પર્ણોએ હાથ જોડી ને પોતાના સ્વામીનું સ્વાગત કર્યુ, ને ડાળીઓ પોતાના નાનકડાં પ્રભુના ચરણોની રજને લઇ રહી હતી. કોઇ વૃક્ષો પોતાના પુષ્પો તો કોઇ વૃક્ષો પોતાના ફળો ને પ્રભુચરણમાં સમર્પિત કરી રહ્યાં હતાં, અને આજે ગૌચારણનાં પ્રથમ દિવસે પ્રકૃતિ પાસેથી તેનો પ્રથમ ગુણ બીજાઓને માટે પલ્લવિત, પુષ્પિત અને રસદાયક બનવું એ કર્તવ્યને અને એજ ગુણને માનવે અપનાવવું જોઇએ આ વાત આજે આ નાનકડાં દેખાતો બાળક આત્મસાત કરી રહ્યોં છે. વૃંદાવનની ખિલેલી શોભા ને કુતુહલથી જોતા જોતા અને વૃક્ષમાંથી ચળાઇને આવતા દરેક રવિકિરણો ને જોઇને નાનકડા નંદલાલને જાણે બાબા નંદ પ્રત્યેક કિરણો સાથે કહી રહ્યાં છે કે કે લાલા આજથી તું ગોવાળીયો થયો આપણી ગાયોને ચરાવીને તેને પુષ્ટ કરજે વનમાં લીલુ લીલુ ઘાસ ખવડાવજે, તેને ઝરણાંનું મીઠું જળ પિવડાવજે અને નદીના વહેતા ચોખ્ખા પ્રવાહથી તેને સ્નાન કરાવજે, તેનાં અંગ પરથી માખી અને કે અન્ય પરેશાન કરતા જીવજંતુઓને દુર કરજે. બાબાની વાતો ને ધ્યાનમાં રાખતા સૌ સખાઓ સાથે નંદલાલ પોતાના ગૌધન સાથે ગૌચારણ માટે નીકળ્યાં છે અને ગૌ માટે છ વર્ષના નાનકડા કૃષ્ણ કનૈયા ગોપાલ બન્યાં છે. કાર્તિક સુદ અષ્ટમીનો દિવસ નંદબાબાનાં આર્શીવાદ સાથે હમેંશાને માટે વૃંદાવનના ઇતિહાસમાં કેદ થઇ ગયો. ગૌચારણના મનોરથ દરમ્યાન આપણે પણ ગૌ બનીને ગોપાલનાં શરણે જઇએ છીએ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય અહીં ગૌ નો અર્થ આપણી ઇન્દ્રિયો તરીકે કરે છે આપણી પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું આપણું મન તે ઇન્દ્રિયો રૂપી ગૌ ને શ્રીઠાકોરજી ચરાવે છે અને આપણી ઇન્દ્રિયો રૂપી ગૌ ને જો વિવિધ સ્વરૂપે શ્રી શામળીયાસુંદરના દર્શન થઇ જાય તો ખરા અર્થમાં શ્યામસુંદરે આપણી ગાયો ને ચરાવી છે તેમ કહી શકાય.
પૂર્વી મલકાણ મોદી
યુ એસ એ
(૧૦/૧૪/૨૦૧૦)
પૂરક માહિતી :  શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ ગોપીભાવને પણ આજ રીતે વર્ણવ્યો છે. જે ગોપીભાવની આપણે વાત કરીએ છીએ  કે જાણીએ છીએ તે હકીકતમાં ગોપીભાવ  ના કહેવાય., ગોપીનો અર્થે ગો નામ ઇન્દ્રિય અને પી એટલેકે તે પી જનાર, તેનું સમન કરનાર, ઉપર જણાવેલ દરેક ઇન્દ્રિય ને પોતામાં સમાવી લેવી તે ગોપી…જેનો  નિર્મળ – શુદ્ધ- પવિત્ર – કામના રહિત ભાવ છે તેવી સ્ત્રી કે પુરુષ નો ભાવ ગોપીભાવ કહેવાય.