“માતૃત્વ” …

“માતૃત્વ” …પ્રિય સખી
જય શ્રી કૃષ્ણ !
“बड़ी देर भई नंदलाला तेरी राह तके ब्रिजबाला” આજે આ ગીત સાંભળતા સાંભળતા કેટલાક એવા પ્રસંગો યાદ આવી રહ્યાં છે જેને કારણે હૃદયમાં ઉઠેલી વેદના એ મને મારા મનની વાત કહેવા માટે અને હૃદય ખાલી કરવા માટે આ લખાણ થકી પ્રેરી છે પણ મારી વેદનાનો રસાંશ લેવા માટે તને કહેવું ગમતું નથી પણ તેમ છતાંયે કહીશ કે કેટલીક વેદનાઓ સુખકારી હોય છે માટે આજે મારી સાથે એ સુખકારી વેદના ને પીવા માટે આપણી એજ કૃષ્ણ કેડી પરથી વ્રજની ગલિયનમાં આવીને ભમશે કે? કારણ કે મારૂ માનવું છે કે આપણી વેદનાનું મૂળ પણ ત્યાંજ છે અને તેનો અંત પણ ત્યાં જ છે તો તૈયાર છે ???? વ્રજ ગલિયનની ધૂળમાં ભીંજાવા ને??
ગોકુલની ગલીઓમાં નાનકડાં ગોવિંદ ધૂમ મચાવી રહ્યાં છે. બાળક જ્યારે ઘોડિયામાં હીંચકતું હોય ત્યારે તેને સંભાળવું ઘણું જ આસાન છે પરંતુ ચાલતાં શીખે ત્યારે સંભાળવું ઘણું જ મુશ્કેલ છે. એ દોઢ બે વર્ષના સમય ગાળામાં બાળકને પોતાની આસપાસ રહેલી દુનિયાની તમામ જીવ સજીવ વસ્તુઓનું અસ્તિત્વ પામવા માટે ઉત્સુકતા હોય છે. આપણાં નાનકડા નંદલાલન પણ તેમાંથી બાકાત નથી ભલે ઈશ્વરે પૃથ્વી પર જ્ન્મ લીધો હોય, પણ બાળક બનીને ખેલવાની મહેચ્છા ને સ્વયં ઈશ્વર પણ દૂર કરી શક્યા નથી.
માતા યશોદા નંદનંદનને પ્રાત:કાળે સ્નાન કરાવીને, વસ્ત્રો પહેરાવી આભૂષણ શૃંગાર કરાવે છે અને કહે છે કે લાલન આપણાં
આંગણામાં જ દાઉ ભૈયા સાથે ખેલજો દૂર જશો નહીં અને માતાની વાત ને શીરાની જેમ ગળે ઉતારી નંદનદન માતાને કહે છે કે
હા……મૈયા હું અહીં જ રમીશ હોં…….દાઉભૈયા સાથે………થે…….નંદનંદનની કાલી મીઠી વાત સાંભળીને માતા ખુશ થતાં પોતાના કામમાં વળગતા પણ નજર તો બાલકનૈયા પર જ રહેલી હતી. થોડીવારમાં જ કામમાં મશગુલ થયેલા માતા યશોદાને જોઈને બાલ કનૈયાએ દાઉજી ને કહ્યું કે ચાલો દાઉ ખિરકમાં જઈએ અને નંદનંદન દાઉજી સાથે ગાયોની સાથે ખેલવા માટે ખિરકમાં પધાર્યા. દાઉજી કહે કાન્હા અહીં તો ગોબર, ગૌમુત્ર અને ઘાસનાં ઢગલે ઢગલા છે અહીં ક્યાં રમીશું? કાન્હા કહે કે દાઉ ભૈયા અહીં જ રમીશું અહીં જે રમવાની મજા છે, ભીંજાવાની જે મજા છે તે બીજે ક્યાંય નથી એટલું બોલીને નંદનંદન ખિલ ખિલતા હસતાં હસતાં ખિરકમાં દોડવા લાગ્યાં અને દોડતાં દોડતાં તેમણે દાઉજીને ધક્કો મારીને છાણનાં ઢગલામાં ફેંકી દીધાં અચાનક આવેલા ધક્કા એ પલભર માટે દાઉજીને દિગ્મૂઢ કરી દીધાં પણ બીજી જ ક્ષણે ઊભા થઈને તેમણે પણ કન્હાઇ ને ધક્કો માર્યો અને કન્હાઇ ધબ કરતાં ઘાસનાં ઢગલામાં જઈ પડ્યાં અને તે સાથે બંને કુમારો ખડ ખડ કરીને હસવા લાગ્યાં. ગાયો ઘાસથી ખરડાયેલા ગોવિંદજીનાં શરીર પરના ઘાસનાં તણખલાઓને ચાટવા લાગી. નાનકડા ગોવિંદજીનાં શરીરનાં ચાટતી ગાયોને જોઈને આસપાસ કામ કરી રહેલી ગોપિકાઓ ખિરક તરફ દોડી અને યશોદાનંદન અને રોહિણીનંદન ને ગોદીમાં લઈ તેના તન પરથી ગોબર અને ઘાસ સાફ કરવા લાગી. કામ પડતાં મૂકીને ખિરક તરફ ભાગેલી ગોપિકાઓની ચહેલ પહેલ જોઈને માતા રોહિણી પણ દોડયા અને માતા રોહિણીની સાથે સાથે માતા યશોદા પણ દોડીને આવ્યા અને દાસીઓનાં હાથમાંથી પોતાના ગંદા ગોબર ગણેશ થયેલા બાળકોને લઈને વહાલ કરવા લાગી. માતાઓને આવેલા જોઈને દાસીઓ થોડા પગલાં પાછળ તો ખસી ગઈ, પરંતુ તેમના મુખ ઉપર થોડું ઝંખવાયેલું હાસ્ય ફરી વળ્યું, આંખોમાં ન સમજાય તેવું ઝળહળ થતું પાણી બિંદુઓ બનીને ઝળકી રહ્યું હતું અને હૃદયમાં એક જ ભાવ આવી રહ્યો હતો કે કાશ આ બંને કુમારોને ગોદમાં લેવા મળે, તેમની સાથે રમવા મળે તો કેટલું સારું. પણ રમવાની વાત તો દૂર ગઈ અહીં તો સ્પર્શ કરવા માટે પણ મન તરસવા લાગ્યાં છે. ગોપિકાઓ જ્યારે જ્યારે બાળકોને જોતી ત્યારે તેમને લાગતું કે આ કુમારોને હાથમાં લઈ લઈએ, તેમને ગોદમાં બેસાડીને ખૂબ વહાલ કરીએ પણ ગોપિકાઓની વહાલની સરવાણીઓ સુકાતી રહેતી. દિન પ્રતિદિન ગોપિકાઓ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી કે અમારી ગોદમાં પણ નંદનંદન અને રોહિણીનંદન ખેલતા હોય તો કેટલું સારૂ પરંતું ગોપિકાઓની સાથે સાથે ખિરકમાં રહેલી ગાયોની પણ આજ દશા હતી. ગાયોની આંખો અને મન પણ સદાય તરસતા રહેતા. ગાયો પણ પોતાના અવાજમાં અને મૂક આંખો એ ભગવાનને વિનંતી કરતી કે જે લાલનનો હાથ અમારા શરીર પર વહાલથી ફરે છે તેજ લાલનનો સ્પર્શ અમને અમારા વાછરડાં રૂપે મળે તો કેટલું સારૂ. ..
નંદનંદન અને રોહિણી નંદનના પ્રત્યેક દિને મોટા થવાની પ્રત્યેક ક્ષણોમાં ગાયો અને ગોપીઓ પ્રાર્થના કરતી રહેતી કે માતા યશોદા અને માતા રોહિણી જેવું માતૃત્વનું સુખ અમને પણ મળે. શ્રી મહાપ્રભુજી કહે છે કે અંતરથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. ગોકુલની ગોપીઓ અને ગાયોએ કરેલી પ્રાર્થનાને સમય જતાં ભગવાને સાંભળી અને તેમની પ્રાર્થના થકી બ્રહ્માજીને ભગવાનના સ્વરૂપમાં શંકા થઈ તેમણે પૃથ્વી લોક પર આવીને ગોપબાળકો અને વાછરડાંઓને હરી લીધાં અને પોતાની સાથે બ્રહ્મલોકમાં લઈ ગયા શ્રી ઠાકોરજીને ખબર પડી કે બ્રહ્માજીએ પોતાના સખાઓ અને વાછરડાંઓને પોતાનાથી જુદા કર્યા છે ત્યારે તેમણે પોતાના જ સ્વરૂપમાંથી પોતાના અસંખ્ય સખાઓ અને વાછરડાંઓને પ્રગટ કર્યા. સાંજનાં સમયે ગોચારણમાંથી પાછાં ફરતાં કૃષ્ણ કનૈયા, બાલ ગ્વાલ સખાઓ અને વાછરડાંઓને જોઈને આજે ગોકુલની ગલીઓ આશ્ચર્ય ચકિત બની ગઈ રોજ આ રજ કૃષ્ણકનૈયાનાં બે અને દાઉજીનાં બે એમ ચાર ચરણકમળોની છાપને પોતાની ગોદમાં લઈ તેના સ્વાગતની તૈયારીઓ કરતી હતી પણ આજે એ ફક્ત ચાર ચરણકમળ ન હતાં આજે તો એ ચાર ચરણકમળોની સાથે સાથે બીજા પણ અસંખ્ય ચરણકમળો હતાં અને તે ચરણકમળોને જોઈને વ્રજરજને ખાતરી થતી હતી કે આજે પ્રત્યેક ચરણમાં એક એક કૃષ્ણ કનૈયા અને એક એક દાઉજી સમાયેલા છે. જાણે અજાણે આજે ગોકુલની ગલીઓની સાથે સાથે ગોકુલની દરેક માતાઓ પણ આનંદિત બનીને પોતપોતાના બાળકોની રાહ જોઈ રહી હતી. ઘેર પહોંચતા સુધીમાં તો દરેક ગોકુલ ગ્રામ્યનારી પોત પોતાના બાળકો સાથે પોતાની દુનિયામાં સમાઈ પણ ગઈ, જે નંદાલયની દીવાલો ગઇકાલ સુધી અસંખ્ય ગોપિકાઓના નાદથી ગુંજતી હતી તે દીવાલો આજે ખાલી ખમ્મમ રહી ગઈ. જે ગાયોની મૂક આંખોમાં ગઇકાલ સુધી કૃષ્ણ અને દાઉ પડછાયો બનીને ઘૂમતા હતા તેજ આંખોને આજે પોતાના વાછરડાંઓ સિવાય કંઈજ દેખાતું ન હતું . રોજ સવારે જે ઘર આંગણ ગોપ ગોપીઓનો શોરમચોરથી ગાજતો રહેતો હતો તે ઘર આંગણ પણ હવે શાંત થઈને બેસી ગયું હતું.
ગોકુલના ઘેર ઘેરમાં આજે કૃષ્ણ ગ્વાલ બનીને ખેલતા હતા અને દરેક ખિરકમાં કૃષ્ણ વાછરડું બનીને ગાયોની સાથે રમી રહ્યાં હતાં. જે સાંજ પહેલાં મોડે મોડેથી શરૂ થતી હતી તે સાંજ હવે જલ્દીથી ઢળી જતી અને તે ઢળી જતી સાંજનાં સથવારે ગોકુલ ગ્રામ પણ જંપી જતું. નંદાલયમાં બંને માતાઓ વિચારતી રહેતી કે હવે મારા લાલનને જોવા કે રમાડવા કેમ કોઈ આવતું નથી? એક બે વાર તો માતાઓએ ગોપીઓ પાસે મમરો પણ મૂકી જોયો કે શા માટે હવે ગોપિકાઓ નંદાલયમાં આવતી નથી? અને જવાબ મળ્યો કે જે સુખ પહેલા તેમને નંદાલયમાં મળતું હતું તેજ સુખ હવે તેમને પોતાના બાળકોમાં મળે છે, તેથી માતાઓ પોતાના બાળકોને છોડવા તૈયાર થતી નથી.
સખી મારી વેદના અહીં જ છે જ્યારે આપણે પણ માતા બનીએ છીએ ત્યારે ભગવાન ને પ્રાર્થના કરીને કહીયે છીએ કે અમને કૃષ્ણ કનૈયા જેવો પુત્ર આપ, પણ એમ નથી કહેતા કે હે પ્રભુ કૃષ્ણ કનૈયા જ મારી ગોદમાં ખેલે. “કૃષ્ણ કનૈયા જેવો બાળક” અને “કૃષ્ણ કનૈયા” બંનેમાં ઘણો જ ફર્ક છે તે તું જાણે છે? આપણે માતાઓ જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે કૃષ્ણ કનૈયા જ અમને બાળક રૂપે જોઈએ છે, ત્યારે પ્રભુ વિચારે કે આમને તો હું જ બાળક રૂપે તેમની ગોદમાં ખેલું તે જોઈએ છે , પણ આપણે કહીએ કે હે પ્રભુ કૃષ્ણ કનૈયા જેવો બાળક અમને જોઈએ છે ત્યારે તે સારૂપ્ય સ્વરૂપ થયું શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે માતાઓએ પ્રભુનું સારૂપ્ય સ્વરૂપ માંગ્યું હતું તેથી બાળકમાં પ્રભુનું રૂપ હોવાને કારણે બાળક આપણને વહાલું લાગે છે પણ તે આપણું હોવાને કારણે ફક્ત આપણને વહાલું લાગે છે, પરંતુ બીજાઓને એટલું વહાલું લાગતું નથી. પરંતુ જ્યારે માતાઓ કહેશે કે પ્રભુ જ તેમને બાળક સ્વરૂપે જોઈએ ત્યારે તે બાળક બનેલા પ્રભુ દરેકે દરેક માતાઓને વહાલા લાગશે.
પ્રિય સખી અહીં મને શ્રી હરિરાયપ્રભુજીના સમયનો એક બનાવ યાદ આવી ગયો. એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી વસંતપંચમીના દિવસો દરમ્યાન રાજસ્થાનમાં પોતાના કોઈ સેવક રાજાના મહેલે ગયા ત્યાં તેમના મહેલની હવેલીમાં તેમના ઠાકોરજીને જોઈને શ્રી હરિરાય મહાપ્રભુજી હસી પડ્યાં તેમને હસેલા જોઈને રાજાએ પૂછ્યું કે આપ શા માટે હસ્યાં? શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આ આપના ઠાકોરજી છે ને…… તે તો અમારા ઠાકુરજીના ધોબી છે આ સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો કે ગુરૂવર શ્રી હરિરાયજી મારા ઠાકુરજીને ધોબી કહે છે……!!! પણ મહાપુરુષોની સામે ગુસ્સો કેમ કરાય? તેથી રાજાએ કહ્યું કે આપ કહો છો તેની ખાતરી શું છે? શ્રી હરિરાય મહાપ્રભુજી એ કહ્યું કે આજે તમે શ્રી ઠાકુરજીના ખેલેલા વસ્ત્રો તેની પાસે મૂકી દો અને આવતી કાલે જો જો . તે રાત્રિ એ શ્રી હરિરાયમહાપ્રભુજીના ઠાકુરજીના વસંત પંચમીના રંગો વડે ખેલેલા વસ્ત્રોને શ્રી હરિરાય મહાપ્રભુજી એ રાજાની સામે રાજાના ઠાકુરજી સામે મૂક્યા અને હવેલીના દરવાજા પર તારામંગલ કરી દીધાં.
બીજા દિવસે સવારે હવેલીમાં ટેરો ખોલ્યો ત્યારે રાજાએ જોયું કે શ્રી હરિરાયમહાપ્રભુજીના ઠાકુરજીના વસ્ત્રો એકદમ ચોખ્ખા થઈ ગયા છે ત્યારે તેમને ઘણું જ આશ્ચર્ય થયું તેમણે શ્રી હરિરાય મહાપ્રભુજીને તેનું કારણ પૂછ્યું?? શ્રી હરિરાય મહાપ્રભુજી એ કહ્યું કે તમારા ઠાકોરજી એ શ્રી ગુંસાઈજી પ્રભુચરણના સમયમાં ધોબી હતો એકવાર શ્રી ગુંસાઈજી બાવા એ જોયું કે આ ધોબી બધાના કપડાં પછાડી પછાડીને ધુએ છે પણ શ્રી ઠાકુરજીના વસ્ત્રો તે બહુજ પ્રેમથી અને સુંદર રીતિથી મલી મલીને ધુએ છે ત્યારે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ ને અત્યંત પ્રસન્નતા થઈ તેમણે ધોબીને પોતાની પાસે કંઈક માંગવા કહ્યું ત્યારે ધોબી એ માંગ્યું કે મને શ્રી ઠાકુરજીના જેવુ રૂપ આપો મને સારૂપ્ય મુક્તિ આપો. શ્રી ગુંસાઈજી પ્રભુચરણની કૃપાથી મળેલ આશીર્વચનોને કારણે એ ધોબીએ સારૂપ્ય સ્વરૂપ લીધું છે (એટ્લે કે શ્રી ઠાકુરજીનું સ્વરૂપ લીધું છે )અને આજે એ આપને ત્યાં શ્રી ઠાકુરજીની જગ્યાએ પૂજાય છે.
એ સખી આપણી પણ આજ દશા છે આપણે જ્યારે માતા બન્યા ત્યારે ઠાકુરજીને એમ નથી કીધું કે પ્રભુ આપ મારે ત્યાં બાળક બનીને આવો પણ એમ કહ્યું છે કે પ્રભુ જેવુ બાળક મારે ત્યાં આવે આમ આપણે પણ ભગવાનની સારૂપ્ય ભક્તિ માંગી છે સખી “માતૃત્વની” નદીએ જઈને આપણે સમજ વગર નદીમાંથી ફક્ત પાણીનું બિંદુ લઈને આવ્યા હોઈએ ત્યારે આપણને આપણી જાત માટે દુ:ખ થાય છે અને હવે મોડે મોડેથી જ્યારે જ્ઞાન થયું છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું છે બસ “માતૃત્વની નદીએ હું ઊભી રહીને તરસી જ રહી ગઈ”, તેજ વેદના રહી ગઈ છે અને એ વેદનાને પરિપૂર્ણ કરવા માટે પણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ કૃપા કરીને આપણને પોતાની કાની થી શ્રી ઠાકુરજી પધરાવી આપ્યાં છે પરંતુ હજુ પણ આપણે માતા યશોદા કે ગોપિકાઓ નથી બની શક્યા અને બની શકીશું કે નહીં તે પણ મને ખબર નથી. તારો વિચાર શું છે તે તું મને કહી શકે છે, કદાચ તારી વેદના પણ મારી જેમ જ હશે તેમ હું માનું છું ચાલ ત્યારે રજા લઉં મારીસાથે વ્રજ ગલીયનની રજમાં ભીંજાવા માટે તારો આભાર. આપણે ફરી મળીશું એજ કૃષ્ણ કેડી પર કોઈક નવા વિષય સાથે નવા વિચાર સાથે____વ્રજની વનરાઈમાં વ્રજનીશની સાથે ફરવા માટે.
સારાંશ-“આપણે ત્યાં પણ જ્યારે બાળક આવવાની તૈયારી હોય ત્યારે આપણાં મોટેરાઓ આપણાં હાથમાં ધર્મ પુસ્તકો આપે છે અને કહે છે કે તારે ત્યાં રામ અને કૃષ્ણ જેવુ બાળક થાય આમ આપણે પ્રભુના જેવી સારૂપ્ય સ્વરૂપની માગણી કરીએ છીએ પણ જ્યારે એમ કહીશું કે પ્રભુ જ મારી ગોદમાં ખેલે ત્યારે પ્રભુને સ્વયં આપણને માતૃત્વનું સુખ દેવા પધારવું જ પડશે અને તે સમયે દરેક માતાઓની ગોદમાં પરમપ્રભુ શ્રી કૃષ્ણ જ બાળક રૂપે ખેલતા હશે અને દરેક માતા યશોદા અને ગોપિકાઓ બની જશે અને ઘર ઘરનું વ્રજ વ્રજનીશની સાથે મહેંકતું હશે.”
સાભાર : પૂર્વી મલકાણ – મોદીનાં જય શ્રી કૃષ્ણ  (યુ એસ એ)
૧૨-૧૦-૨૦૧૦