(૧) પતૌડી …(પાનથી બનેલી વાનગી) –(મહારાષ્ટ્રીયન) … (૨) ટામેટા નો સૂપ …

પતૌડી …(મહારાષ્ટ્રીયન)

બનાવવાનો સમય – ૧ કલાક
(ઍપિટાઈઝર તરીકે હોય તો : ૩ થી ૪ વ્યક્તિ માટે.)


[અમેરિકા નિવાસી પૂર્વીબેન ‘વાનગીઓ અને મસાલાઓ’ ક્ષેત્રે અનેક વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે વિશાળ પાયે કામ કર્યું છે.  આ જ વિષયને લઈને તેમનું ‘રસ પરિમલ’નામનું એક પુસ્તક પ્રકાશિત પણ થયું છે, જેમાં વિવિધ નવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાંથી ‘પતૌડી’ નામની આ વાનગીની રીત ‘દાદીમા ની પોટલી’ … ને મોકલવા માટે તેમના અત્રે આભારી છીએ ……  આ અગાઉ તેઓની  અનેક રહ્ચ્નાઓ પણ અહીં આપણે માણી છે…  ]

 

સામગ્રી :

૫-૬ નંગ બટેટા બાફેલા

૬-૭ નંગ લીલા મરચાં

૧ નંગ આદુનો ટુકડો

૪ -૫ નંગ લસણ ની કળી

૧/૨ વાટકી  લીલી કોથમરી બારીક સમારેલી

બારીક સમારેલા મીઠા લીમડાનાં પાન

૧/૪ – ચમચી હળદર પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

આમચૂર પાવડર

રાઈ

જીરું

હિંગ

૧૨-૧૩ નંગ કોબીનાં આખા પાન

૧/૪ – ચમચી તેલ -કોબીનાં પાન માટે

૧/૪ – તેલ મસાલો સાંતળવા માટે

૧/૨ – કપ બારીક સમારેલા કાંદા

૧ મોટી તપેલી ( પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું.)

લવિંગ અથવા દોરો

રીત :

૧ ) સૌ પ્રથમ બાફેલા બટેટાનો માવો કરવો.

૨ ) બારીક સમારેલા કાંદામાંથી ૧/૨ -(અડધા) કાંદા તેમાં મિકસ કરવા….

૩ ) અને બાકીના ૧/૨ -(અડધા) કાંદાને આદું, મરચાની પેસ્ટ સાથે સાંતળવા

૪ ) લીલા મરચા, આદું અને લસણની પેસ્ટ કરવી

૫ ) ૧/૪ – ચમચી તેલ ગરમ કરવા મુકવું

૬ ) તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, હિંગ અને હળદર નાખવા

૭ ) હળદર નાખ્યા બાદ તરત જ તેમાં વાટેલાં આદું મરચાની પેસ્ટ નાખવી અને થોડી પળો માટે સાંતળવી

૮ ) બારીક સમારેલા મીઠા લીમડાના પાનની સાથે થોડી કોથમરી પણ તેમાં નાખવી અને બારીક સમારેલા ૧/૨-(અડધા) કાંદા નાખવા અને મિક્સ કરવા અને ફરી થોડી પળો માટે ગેસ પર ચડવા દેવું.

૯ ) બટેટા અને કાંદાના મિશ્રણમાં આ સાંતળેલો મસાલો, મીઠું આમચૂર પાવડર નાખવા

૧૦ ) સ્વાદ મુજબ મીઠું નાખવું થોડી કોથમરી નાખવી અને સરસ રીતે મિક્સ કરવું.

૧૧ ) કોબીનાં આખા પાન કાઢીને તેમાં પાછળના ભાગમાંથી જાડી એવી ડલીનો ભાગ આખું પાન ન તૂટે તે રીતે કાઢી નાખવો. (જે રીતે આળુંના પાતરા બનાવતી વખતે ડલી કાઢી નાખીએ છીએ તે જ રીતે)

૧૨ ) મોટું તપેલું પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું અને પાણીને ઉકાળવું.

૧૩ ) કોબીનાં પાનને એ ગરમ પાણીમાં નાખવા અને લગભગ ૨૦  સેકન્ડ માટે ગરમ પાણીમાં  ઉકાળી કાઢી લેવા.

૧૪ ) કોબીનાં પ્રત્યેક પાનમાં બટેટાનો થોડો માવો ભરવો અને તે પાન ખૂલે નહીં તે રીતેનો રોલ બનાવીને તેને લોક કરવા માટે લવિંગથી  સીલ કરી દેવું.

૧૫ ) પાન તેલવાળું અને બોઈલ થઈને નરમ પડી ગયું હોઈ ઘણીવાર સીલ કરવા માટે તકલીફ પડે છે આવા સમયે પાનનો રોલ કરી તેને દોરાથી બાંધી દેવો.

રોલને આપ સુપમાં નાખી Bake કરી શકો છો અથવા Appetizer તરીકે પણ પીરસી શકો છો.

મેંદાનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને ગ્રીન લીવ્ઝ ઓરેગાનો નાખીને મિશ્રણ બનાવી લેવું. તેમાં રોલ નાખીને તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી લેવા અથવા શેલો ફ્રાય કરી લેવા (કોબીનાં પાન હોવાથી થોડા જ બ્રાઉન થશે )

નોંધ: –

૧ ) ખાતી વખતે દોરો કાઢવાનું ભુલશો નહીં.

૨ ) કાંદાનો ઉપયોગ કરવો હોય તો જ તે બનાવનાર પર આધાર રાખે છે. આ વાનગી તીખી વધુ હોય તો વધારે મજેદાર લાગે છે અને કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે આ વાનગીની ખાસ બાબત એ છે કે જો તેલ વાપર્યા વગર પણ બનાવવી હોય તો બનાવી શકાય છે તેલ હોય કે ન હોય સામગ્રીમાં પણ પોતાનો સ્વાદ અને સુગંધ જાળવી રાખે છે

૩ ) પાર્ટીમાં આ વાનગી લઈ જશો તો તો ચોક્કસ આપની ટ્રે ખાલી જ પાછી આવવાની. ટી પાર્ટી હોય કે ડ્રિંક પાર્ટી આ વાનગી તેનું આધિપત્ય જમાવી દે છે.

૪ ) બટેટાના આજ માવામાંથી આપ બટેટા વડા પણ બનાવી શકો છો અને તેમ છતાં પુરણ વધી પડે તો આપ આલુ પરોઠા પણ બનાવી શકો છો.અને આલુ પરોઠાથી પણ થાકી ગયા હોવ અને વધુ મજેદાર સાંજ બનાવવી હોય તો આજ પૂરણમાં થોડા લીલા વટાણા બાફીને નાખી દો અને સમોસા અથવા પફ બનાવી લો…… એક સ્વાદ…અનેક  સ્વાદ રૂપ પણ આ બધામાં ખાસ છે અનેરી  મજેદાર … … “પતૌડી….પત્તોથી બનેલી__ પ તૌ  ડી__

(૨) ટામેટા નો સુપ માટેની સામગ્રી :

ટમેટાનો સુપ આપ કેન વાળો પણ લઈ શકો છો અને ઘરે પણ તૈયાર કરી શકો છો.

ટામેટાના  ૬  થી ૭  ટુકડા કરી થોડું ક્રીમ અને પાણી મિક્સ કરી મિક્સીમાં વાટી લેવા

જરૂર પુરતું પાણી નાખવું

મીઠું સ્વાદ મુજબ નાખવું

૧/૨ –  ચમચી ખાંડ

૧/૨ – ચમચી ઘી

૧ – ચમચી આરારૂટનો લોટ (તપકીર  નો લોટ )અથવા કોર્ન સ્ટાર્ચ

૧/૨ – ચમચી જીરું આખું

૧/૪ – ચમચી લાલ મરચાનો પાવડર

રીત :

૧) ટમેટાનો પલ્પ બનાવી લેવો

૨) ઘી ગરમ કરીને તેમાં આખું જીરું નાખવું

૩) આખા જીરા બાદ તેમાં લાલ મરચું નાખવું

૪) ત્યાર બાદ તેમાં ટમેટાનો પલ્પ નાખવો અને ગરમ થવા દેવું.

૫) સ્વાદ મુજબ મીઠું નાખવું

૬) ખાંડ નાખવી

૭) સુપને ઘટ્ટ બનાવવા માટે કોર્ન સ્ટાર્ચ ૧ – ચમચી લઈ પાણીમાં મિકસ કરી ઉમેરવો.

૮) જો ફરાળમાં સુપ વાપરવો હોય તો આરારૂટનો લોટ ૧ -ચમચી મિક્સ કરી દેવો. (ફરાળમાં જે ટામેટાનો ઉપયોગ કરતા હોય તેને માટે)

સાભાર :પૂર્વી મલકાણ મોદી – રસ પરિમલમાંથી

 

બ્લોગ લીંક: http://das.desais.net