“अतिथि देवो भव” …

अतिथि देवो भव” …
આજે ફરી વખત એક નવી કૃતિ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ – મોદી (યુ.એસ.એ.) તરફથી ‘દાદીમા ની પોટલી’ મોકલવામાં આવેલ છે, જે બદલ તેમના અમો અત્રે અંતરપૂર્વક ના આભારી છીએ… આતિથ્ય વિષે ખૂબજ સુંદર વાત તેઓશ્રી લઈને આવેલ છે… આપ સર્વે પાઠક મિત્રોને વિનંતિ કે ,અહીં મૂકવામાં આવતી કોઈપણ કૃતિ, રચના કે રસોઈ જો આપને  પસંદ કે નાપસંદ આવે,તો અંગેના આપના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ્સ વિભાગમાં મૂકી આભારી કરશો., આપના કોઈપણ પ્રતિભાવ લેખક  માટે સદા પ્રોત્સાહનરૂપ બની  રહે છે.)એક સમય હતો કે ઘર આંગણે અતિથિ આવે તો તેનો યથાશક્તિ આવકારો અપાતો તેથી આપણા સાહિત્યોમાં અતિથિને ભગવન કહીને સંબોધિત કરેલ છે પરંતુ અતિથિ કોને કહેવાય? ઉપનિષદમાં કહ્યું છે કે જે મનુષ્ય રાત્રી રોકાણ અર્થે બીજાના ઘરે નિવાસ કરે છે અથવા નિશ્ચિત દિવસ, તિથિ અને સમય આપ્યા વગર આંગણિયે આવીને ઊભો રહે તેને અતિથિ કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતા અને ગુરૂ પછી ચોથું સ્થાન અતિથિને આપવામાં આવ્યું છે તેથી આપણે માતપિતા અને ગુરુની જેમ “अतिथि देवो भव” કહીને અતિથિ રૂપી વૈષ્ણવોને આવકારીએ છીએ .આપણા સાહિત્યોએ અતિથિના આદર-સત્કારની વાત કરતાં કહ્યું છે કે, “अतिथिम् अभ्यागतम् पूज्यते यथाविधिः “ અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અતિથિ રૂપી વૈષ્ણવોની પૂજા કરવી. અતિથિ વૈષ્ણવ ઘરે આવે ત્યારે તેને પ્રિય થાય તેવા વચનોથી સન્માનિત કરી મીઠો આવકાર આપવો જોઈએ., તેમના પગ પાણી વડે ધોઈ કોમળ વસ્ત્ર વડે કોરા કરી તેમને બેસવા માટે આસન, પીવા માટે ઠંડુ જળ અને ભોજન માટે અન્ન પ્રસાદ ગ્રહણ કરાવી, તેમને મનુહાર કરીને પ્રસન્ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવેલ છે કે જે મનુષ્ય અતિથિનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરે છે તેના ઘરે શ્રીમન નારાયણ લક્ષ્મીજી સહીત નિવાસ કરે છે. અતિથિના આદર-સત્કારની વાત કરતાં મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, અતિથિ અચાનક કોઈ એવા સમયે આવી જાય કે જ્યારે ઘરમાં કંઈ જ ન હોય ત્યારે પણ પ્રેમપૂર્વક બોલીને તેનું સ્વાગત કરવું જોઈએ. અતિથિ સત્કારના ઘણા ઉદાહરણો આપણા સાહિત્યોમાં જોવા મળે છે. ઓગણપચાસ દિવસના ઉપવાસ કરનાર રંતિદેવે પોતાના હાથમાં રહેલ ભોજનનો થાળ ભૂખ્યા અતિથિ, શુદ્ર તથા શ્વાનને સરખા ભાગે વહેંચીને આપી દીધો હતો અને પીવા માટેનું જે પાણી વધ્યું હતું તે પણ એક તરસથી પીડાતા ચાંડાલને આપી દીધું હતું. જૂનાગઢ પાસેના બિલખા ગામમાં રહેતા વૈષ્ણવ શેઠ સગાળશાનું એવું વ્રત હતું કે દરરોજ આંગણે આવેલા એક સંત-સાધુ અને વૈષ્ણવને ભોજન કરાવીને જ પોતે જમે અને જે દિવસે કોઈ વૈષ્ણવ સંત ન આવ્યા હોય તે દિવસે શેઠ અને શેઠાણી ભૂખ્યાં રહે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઉત્તમ આતિથ્ય સત્કારના અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે. પ.પૂ૧૦૮ ગો શ્રી ,મથુરેશશ્વરલાલજી મહારાજ કહે છે કે આ સંસારમાં જો કંઈ સારૂં કરવા જેવું હોય તો આ પાંચ વસ્તુ છે. (૧) સંતો, ભગવદીય, અને વૈષ્ણવોનો સદા સત્સંગ કરવો , (૨) હરિનું ભજન કરી શ્રી હરિ સાથે એકત્વ સાધિ લેવું , (૩) જીવ માત્ર પર દયા અને કરૂણા રાખવી, (૪) પ્રત્યેક વૈષ્ણવોમાં સદ્ભાવના રાખવી અને, (૫) શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુલ પર દ્રઢ વિશ્વાસ રાખવો. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, “वैश्नवअतिथि प्रियः सुगृहस्थों विशिष्यते” અર્થાત્  જેમને અતિથિરૂપી વૈષ્ણવો પ્રિય છે તેવા ગૃહસ્થોનો વિશેષ મહિમા હોય છે. પ્રિય સખી તેથી આપણાં સંતો કહે છે કે તમારે ભગવાન સાક્ષાત જોવા હોય તો અતિથિઓમાં જુઓ અને ઘરે આવેલા કોઈપણ વૈષ્ણવમાં પ્રભુનું કયુ સ્વરૂપ પધારે છે તે કેમ કહી શકાય પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહે છે કે જે વૈષ્ણવોને પોતાના ઘરે પધારેલા વૈષ્ણવોમાં શ્રી ઠાકુરજી દેખાઈ જાય છે ત્યારે તેમને શ્રી હરિની પ્રાપ્તિ પણ થઈ જાય છે.
ઉપરોક્ત લેખ આ સાથે બતાવેલ સાઈટ  પર  પણ  માણી શકશો… … pushti prasad. com
સાભાર : પૂર્વી મલકાણ – મોદી (યુ એસ એ)